ડ્રિમ હાઉસ CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રિમ હાઉસ

આહના, એક ચંચળ, જીંદાદીલ છોકરી. એ જિંદગીને જીવી લેવામાં નહીં પણ માણી લેવામાં માનતી હતી. દરેક ક્ષણને જીવવાનું કોઈ એની પાસેથી શીખે.


આહના જેટલી સુંદર હતી એટલી જ સ્માર્ટ હતી. ખૂબ ઓછા સમયમાં અમદાવાદ જેવા શહેરમાં એક બાહોશ ઇન્ટરીઅર ડિઝાઈનર તરીકે એની ગણના થવા માંડી હતી.


લોકોના સપનાનું ઘર બનાવવામાં એને અઢળક ખુશી મળતી. એનું કામ એનું પેસન હતું. એ ખૂબ સારી રીતે સમજતી હતી કે ઘરનું મહત્વ શુ છે. એ પોતાના દરેક ક્લાઈન્ટને કહેતી,


"ઘર એટલે માણસના અસ્તિત્વનો પડછાયો,

એના સ્વભાવનું સરનામું, એના મિજાજનું ઠેકાણું,

આખી જિંદગી ઘર માટે ભાગતો માણસ,

સમયના અભાવે, એ ઘરમાં રહેવા જ ઝંખે,

કેટકેટલી યાદોનો એક માત્ર આધાર એટલે માણસનું ઘર"


જે ઘરે નવા બાળકની ઉજવણી જોઈ હોય, એ દીવાલોએ, ઘરના વ્યક્તિની કાયમી વિદાય પણ જોઈ હોય અને એટલે જ કોઈ વાર એ સપના માટે બજેટ ઓછું પડે ને, તો સપના પોતાની ફિસમાંથી એ એડજસ્ટ કરી આપતી.


પોતાના આ લગાવને આહનાએ પોતાનું કામ બનાવી દીધું હતું. એ પોતાના દરેક પ્રોજેકટ માટે એવી રીતે મહેનત કરતી જાણી એ એનો પહેલો પ્રોજેકટ હોય, એના કોઈ પ્રોજેકટમાં ડિઝાઇન રિપીટ ના થતી. અમદાવાદના બેસ્ટ ડીસાઈનરનો એવોર્ડ ત્રણ વાર જીતી ચુકી હતી.


આવી જીંદાદિલ આહનનું એક સપનું હતું. પોતાનું ઘર ડિઝાઇન કરવાનું. એક નાનો સુંદર બંગલો લઈને એ પોતાનું ડ્રિમ હાઉસ સર્જવા માંગતી હતી.


આખરે જ્યારે આહના એ એક ડેવેલોપિંગ એરિયામાં એક નાના બંગલાની ખરીદી ત્યારે એના ઉત્સાહનું કોઈ ઠેકાણું ન હતું. પોતાના એ સપનાના ઘર માટે એ એટલી ઉત્સાહી હતી કે, હાથ પરના ત્રણ પ્રોજેક્ટ પૂરા કરીને એ ફક્ત પોતાના ઘર માટે સમય ફાળવવા માંગતી હતી.


રાત્રે ઊંઘમાં પણ એ પોતાના ભાવિ ઘર વિશે, સપના જોતા થાકતી ન હતી. કેટકેટલું વિચાર્યું હતું એણે પોતાના ઘર માટે. એણે એ બધાની કેડ (CAD) પણ તૈયાર કરાવી લીધી હતી. અને આખરે એ દિવસ આવી જ ગયો. આજે એના બધા પ્રોજેક્ટ પુરા થયા અને એ હવે અઠવાડિયાનો બ્રેક લઇને પોતાના ઘરનું કામ શરૂ કરવાની હતી.


અઠવાડિયું પોતાના ઘરે માબાપ સાથે વિતવ્યા પછી, હવે એ શહેર તરફ પાછી ફરી રહી હતી. પોતાના ડ્રિમ હાઉસનો પ્રોજેક્ટ ત્રણ મહિનામાં પૂરો કરવાના જોમ અને જોશ સાથે.

રસ્તામાં એણે પોતાની ટીમ જોડે પણ વાત કરી અને પોતાનો પ્લાન ડિસ્કસ કર્યો.


અચાનક જમણી બાજુથી એક ગાડી પસાર થઈ અને આહનાનું સંતુલન ગયું અને એક મોટો અંધારપટ્ટ છવાઈ ગયો. આહનાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.


આહનાને હોશ આવ્યા ત્યારે એણે બુમો પાડીને કહ્યું કે ખૂબ અંધારું છે, ઉજાશ કરો, ત્યારે હોસ્પિટલના રૂમમાં હાજર આહનાનો બધો સ્ટાફ, એના માતા પિતા અને એના મિત્રો બધાની આંખોમાં આંસું હતા, રાતના આઠ વાગ્યા હતા, રૂમની બધી લાઇટ્સ ચાલુ હતી, અંધારું ફક્ત આહનાની આંખોમાં હતું.



આહનાની હિંમત જરૂર તૂટી હતી, પણ સરળતાથી હિંમત છોડી દે એમાંની ન હતી આહના! એકાદ મહિનાના બ્રેક બાદ એને પોતાની ટીમને પોતાના ઘરે બોલાવી અને પોતાની બનાવેલી cad (ડિઝાઇન) જોવાનું કહ્યું. આટલી વિગતવાર બનાવેલ કેડથી તો નવો શીખેલો ડિઝાઈનર પણ કામ આગળ વધારી શકે જયારે આ તો આહનાએ ટ્રેન કરેલ સ્ટાફ હતો.


આહના દરેક પ્રોજેક્ટ માટે ડિટેલમાં cad બનાવતી પણ એને પોતાના ઘર માટે પણ આટલી ઝીણવટથી કામ કર્યું હશે એ જોઈને એનો આખો સ્ટાફ ખુશ થઇ ગયો. બસ બધા લાગી ગયા મહેનત કરવા અને ધીરે ધીરે આહનાનું ડ્રિમ હાઉસ આકાર લેવા માંડ્યું.


આહના જોઈ શકતી ન હતી પણ અનુભવી શકતી હતી. પોતાની કલ્પાનથી એણે આ ઘરને દરરોજ જોયું હતું, અનુભવ્યું હતું અને એટલે જ વગર જોયે એ પોતાના ઘરને બનતું જોઈ રહી હતી.


હવે બસ એક મહિનામાં ઘર તૈયાર થઇ જવાનું હતું. હવે આહનાની ઊંઘ ઉડી ગઈ હતી. પોતાની જીવનભરની મહેનતને સાર્થક થતી નહીં જોઈ શકવાનું દુઃખ એના ચહેરા પર તરી આવતું હતું. એઊઘતી તો ખરી પણ એની આંખો પોતાનાં ઘરના સપના જોતા થાકતી ન હતી. પોતાનું દુઃખ એ કોઈને કહી પણ નોહતી શકતી.


આહનાના માતા પિતા, આ બધું જોતા હતા , સમજતા હતા પણ દીકરી નબળી ના પડે એટલાં માટે એમણે આહનાને સામેથી કઈ પણ ન પૂછવાનો નિર્ણય લીધો. એ રોજ ભગવાન પાસે કોઈ ચમત્કારની આશા કરતા હતા.


આમ કરતા એ દિવસ પણ આવી ગયો જયારે આહનાના ઘરનું વાસ્તુ હતું. પોતાના ફેવરેટ પિંક રંગમાં સજ્જ આહના પોતાના એ ઘરે જઇ રહી હતી જે ઘરને એને હજારો વાર પોતાના સપનામાં જોઈ લીધુ હતું.


એ સફેદ દિવાલો,એ આસમાની છત. એના બેડરૂમમાં બેડની સામેની દીવાલ પર ઘૂઘવતો સમુદ્ર, અને માથે નીલુ આકાશ. ગુલાબી રંગનું રસોડુ અને સુંદર ટેરેસ અને લેન્ડસ્કેપ ગાર્ડન.


મોડર્ન અને ઑથેન્ટિક ડિઝાઈનના મિશ્રણથી તૈયાર કરેલ હોલ અને ડાઇનિંગ એરિયા. બીજા બે રૂમની ડિઝાઇન પણ એટલી જ યુનિક અને વિશિષ્ટ. બેડરૂમમાં ઝૂલતો એક હીંચકો જેમાં એ પોતાના સપનાના રાજકુમારનો હાથ પકડીને બેઠી છે. બધું જ એકદમ ચોખ્ખું દેખાય છે સિવાય કે એ ચહેરો જે કંઈક અસ્પષ્ટ છે.


પાંચ મિનિટનું અંતર માંડ બાકી હતું ને, સામેથી એક મોંઘીદાંટ કાર રોંગ સાઈડમાં બહાર આવી અને આહનાની કાર સાથે અથડાઈ ગઈ. કારના તો ભુક્કા નીકળી ગયા પણ આહનાના માતા પિતા અને આહના સહી સલામત હતા.


હા, આહના બેભાન થઇ ગઈ હતી અને આ અકસ્માતના કારણે એના ઘરનું વાસ્તુ મોકૂફ રહ્યું.


આહના જ્યારે ભાનમાં આવી ત્યારે, આહનાના માતા પિતાએ એને માટે પિતાએ એને કહ્યું કે કદાચ આ ઘર તારા માટે નથી બન્યું, તું એને વેચી દે. આ સાંભળીને આહના રડી પડી.


જેને પોતાનું સર્વસ્વ માન્યું હતું એ ઘર આજે પોતાના માટે અપશુકનિયાળ બની ગયું એ વિચાર માત્રથી આહના છળી ઉઠી. એ પોતાના ઘરને, પોતાના સપનાની પૂર્તિ માનતી હતી એટલે એ વિચાર માત્રથી ચલી ઉઠી કે એનું એ ઘર હવે એના જ માટે અપશુકનિયાળ બની ગયું.



આહનાએ દર્દથી ચિત્કાર કરીને મોં ફેરવી લીધું, ત્યાંજ એને કોઈકનો મૃદુ સ્વર સંભળાયો. એણે કહ્યું મિસ આહના, શું હું તમારી સાથે વાર કરી શકું? આહનાએ જયારે એ વ્યક્તિ તરફ જોયું તો એને લાગ્યું કે એણે એ વ્યક્તિને ક્યાંક જોઈ છે. એણે પોતાની ઓળખાણ સાગર તરીકે આપી અને કહ્યું કે, મારો અને મારી બહેન વિહાનો જ તમારી ગાડી સાથે અકસ્માત થયો હતો જેમાં મારી બહેન વિહા.........વાંક અમારો જ હતો. વિહા, એટલી ઉતાવળમાં હતી કે ખોટી સાઈડમાં ગાડી ચલાવી બેઠી.


વિહા પોતાની આંખો ડોનેટ કરવા માંગતી હતી અને એટલે જ, જ્યારે મેં જાણ્યું કે તમે જોઈ નથી શકતા તો મને લાગ્યું કે મારી વિહાની આંખોના ખરા હકદાર તમે જ છો.


આ સાંભળીને આહના નક્કી ના કરી શકી કે, એ પોતાના ઘરને શુકનિયાળ માને કે અપશુકનિયાળ. વિહાની આંખોનું ઓપેરશન થઇ ગયું અને જયારે આહનાનો પાટો ખુલવાનો હતો ત્યારે એણે સૌથી પહેલા વિહાનો ફોટો જોવાનું પસંદ કર્યું. સાગર, વિહાનો ફોટો લઈને આહનાની સામે ઉભો રહ્યો.


આહનાએ જેવી આંખો ખોલી એની સામે વિહાનો ફોટો પકડેલા સાગરનો ચહેરો ઝળહળી ઉઠ્યો. એણે પોતાની આંખો બંધ કરીને ફરીથી આંખો ખોલી. આંખો ફરીથી બંધ કરી.


આહનાને ઘરના ઝૂલામાં પોતાની સાથે હાથ પકડીને બેઠેલો સાગર દેખાયો. એણે ફરીથી આંખો ખોલી નાખી. આહનાને દેખાવા લાગ્યું છે જાણીને એના મમ્મી- પપ્પા એને ઘેરી વળ્યાં.


હોસ્પિટલમાં એક અઠવાડિયુ રહેવાનું હતું. આ આખું અઠવાડિયુ સાગર પણ રોજ હોસ્પિટલ આવતો. આહના સાથે વાત કરતા એને આહનાના ઘર વિશે ખબર પડી અને એ પણ અઠવાડિયા પછી થનારા વાસ્તુ માટે તૈયાર થઈ ગયો.


વાસ્તુમાં હાજર બધા જ આહનાનું ઘર જોઈને આશ્રયચકિત થઈ ગયા. આહના તો ક્યાંય સુધી રડતી જ રહી. એ હીંચકા પર બેસીને ભગવાનનો આભાર માની રહી હતી કે સાગર પણ એની પાસે આવીને ઉભો રહ્યો.


આહના એ સાગરને બેસવાનું કહ્યું, અને પોતાના એ હીંચક વિશેના સપના વિશે પણ કહ્યું. સાગરે આહનાનો હાથ પકડતા કહ્યું કે એ આખી જિંદગી આ ઘરમાં, આ હીંચકા પર, આહનાની સાથે બેસવા તૈયાર છે.


આહના અને સાગર, એ ડ્રિમ હાઉસમાં સાથે રહે છે. આહના હવે ફરીથી લોકોના મકાનને ઘર બનાવવાનું કામ કરવા લાગી છે. પોતાના એ ડ્રિમ હાઉસમાં, સાગરની સાથે એ હીંચકા પર બેસીને જ એનો દિવસ પૂરો થાય છે.


✍️ CA આનલ ગોસ્વામી વર્મા