Lilo Ujas Chapter – 21 The Clutches of Intense Sadness – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

લીલો ઉજાસ - પ્રકરણ – ૨૧ - તીવ્ર વિષાદની ચુંગાલ – દિવ્યેશ ત્રિવેદી

ઉદય નિરાશ અને નાસીપાસ થઈ ગયો હતો. એથી એને મુંબઈ જવા માટે તૈયાર કરવાનું અઘરું હતું. ડૉ. સાગરે જે વાત કરી હતી એથી એને એવી દહેશત બેસી ગઈ હતી કે એની સમસ્યાનો કોઈ ઈલાજ થઈ શકવાનો નથી. એને હવે એવું પણ લાગવા માંડયું હતું કે એ અશક્ત અને કમજોર છે તથા જીવનમાં કશું જ કરી શકવાનો નથી. એ તીવ્ર વિષાદની ચુંગાલમાં ફસાયો હતો. મનીષા સમજતી હતી કે વિષાદની આવી લાગણી રહી સહી શક્યતાઓ પર પણ પાણી ફેરવી દેશે. એથી જ તે ઉદયનું ધ્યાન બીજે દોરાય એવા પ્રયાસો કરતી હતી. ક્યારેક પિનાકીનભાઈને ત્યાં જવાનું ગોઠવતી તો ક્યારેક નયનને ત્યાં જવાનું ગોઠવતી. વચ્ચે એક વાર ડભોઈનું પણ ચક્કર માર્યું. ડભોઈ ગયાં ત્યારે રસોઈ કરતાં કરતાં જ્યોતિભાભીએ મનીષાને પૂછયું પણ હતું, “ઉદયભાઈ બહુ મૂડમાં લાગતા નથી. તમારી વચ્ચે કંઈ ઝઘડો તો નથી થયોને?”

“ના રે ના! હું ઝઘડો કરવાનો પ્રયત્ન કરું તો પણ એ ઝઘડો નથી કરતા!” મનીષાએ હસીને જવાબ આપ્યો હતો. જનાર્દનભાઈએ પણ ઉદયને એક વાર પૂછયું હતું કે, “તું કેમ ઢીલો ઢીલો લાગે છે? તને કઈ તકલીફ છે?” ત્યારે ઉદયે એવો જવાબ આપ્યો હતો કે, “હમણાં હમણાંથી ખૂબ અપચો રહે છે અને એથી જ ચેન પડતું નથી.” જનાર્દનભાઈએ એમ પણ પૂછયું હતું કે, “તમે બંને મજામાં તો છો ને? ગાડી પાટા પર દોડે છે ને!" તરત જ ઉદયે કૃત્રિમ સ્મિત સાથે જવાબ આપ્યો હતો, “એ બાબતમાં તમે નિશ્ચિંત રહેજો. અમારી વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી. એ મારું ધ્યાન રાખે છે...”

"પેટની સમસ્યા હોય તો કોઈ સારા ડૉક્ટરને બતાવ ને! શરૂઆતમાં નાની નાની લાગતી બાબતો પર ધ્યાન ન આપીએ ત્યારે એ આગળ જતાં મોટું સ્વરૂપ લેતી હોય છે.” જનાર્દનભાઈએ કહ્યું હતું.

“તમારી વાત સાચી છે, મોટાભાઈ!" ઉદય એટલું જ બોલ્યા, પણ એણે પોતાના મનમાં જનાર્દનભાઈની વાતનો અર્થ જુદો જ થયો હતો.

વચ્ચે એકવાર પિનાકીનભાઈને ત્યાં ગયાં ત્યાં સરોજબહેને પણ આવું જ કંઈક કહ્યું હતું. એમણે ઉદયને સંબોધીને કહ્યું હતું. “તમે કેમ સુકાતા જતા હો એવું લાગે છે? મનીષા પણ એવી ને એવી જ છે. તમે બંને બરાબર ખાતાં લાગતાં નથી!”

પ્રાચી તરત જ બોલી ઊઠી હતી, “મનીષાબહેન, તમે ઉદયભાઈને બરાબર ખવડાવતાં લાગતાં નથી!”

મનીષાએ તરત જ કહ્યું હતું, “હવે તો હું એમને ખોળામાં બેસાડીને ચમચી વડે ખવડાવું તો જ છે!” એની એ વાત પર બધાં હસી પડયાં હતાં. પછી સરોજબહેન બોલ્યાં હતાં, “અમારાં લગ્ન પછી એક જ મહિનામાં પ્રાચીના પપ્પાનું ચાર કિલો વજન વધી ગયું હતું. એક વર્ષમાં તો એ ઓળખાય એવા પણ રહ્યા નહોતા.”

“અને તમારું વજન નહોતું વધ્યું?” મનીષાએ આંખો ઝીણી કરતાં પૂછયું હતું.

“મારી તો વાત જ ના કરીશ. હું તો એકદમ જાડી ઢમઢોલ થઈ ગઈ હતી. બધાં મને ટોકતાં હતાં. કે હવે અટક!” સરોજબહેને મોં વાંકું કરીને કહ્યું હતું.

ઉદયની માનસિક હતાશાની એના શરીર પર ચોક્કસ અસર થઈ હતી. એકવાર મનીષાએ એને કહ્યું હતું, “ઉદય, આમ તું ચિંતામાં જ રહીશ તો મારું શું થશે, એ વિચાર્યું છે?"

“તારું સારું જ થશે. હું નહિ હોઉં તો તું થોડી મરી જવાની છે?" ઉદયે કોઈક વિચિત્ર ભાવ સાથે કહ્યું હતું.

“કેમ આવું બોલે છે? હું અત્યારે તો કંઈ કહી શકતી નથી..... કદાચ તારી પાછળ સતી થઈ જાઉં એવું પણ બને!" મનીષાએ અણગમા સાથે કહ્યું હતું.

ઉદય તરત જ બોલ્યો હતો. “સાચું કહું તો હવે મને જીવવામાં જ બહુ રસ રહ્યો નથી. આ તે કંઈ જિંદગી છે?"

કેમ? હું તને ફરી કહું છું કે આવા વિચારો નહિ કરવાના!” મનીષાએ કૃત્રિમ ગુસ્સો કરતાં કહ્યું.

“તું મારી પીડાને સમજતી જ નથી. મને અંદર શું થાય છે એની તને ખબર છે?" ઉદયે સહેજ ગુસ્સા સાથે કહ્યું.

“તારી લાગણી હું સમજું છું. છતાં તું તારી લાગણી દબાવી રાખવાને બદલે વ્યક્ત કરે તો સારું!” મનીષાએ સહાનુભૂતિ દાખવતાં કહ્યું હતું.

“શું વ્યક્ત કરું? મને મારી જાતની જ શરમ આવે છે. મને એવું પણ થાય છે કે હું ગુસ્સો પણ કરી શકતો નથી. મને એવો અધિકાર જ નથી.” ઉદયે એકદમ ઢીલા થઈ જતાં કહ્યું હતું.

“તારો એ ખોટો ખ્યાલ છે. ગુસ્સો આવે તો ગુસ્સો કરી લેવાનો. ખોટો ગુસ્સો છે કે સાચો ગુસ્સો છે એ વિચારવાનું નહિ.” મનીષા સાચી વાત કરતી હતી.

“શું ધૂળ ગુસ્સો કરું?” એમ કહેતાં એણે બંને હાથે પોતાનું માથું પકડી લઈને કહ્યું હતું. “આનાં કરતાં તો વ્યંઢળની જિંદગી સુખી હોય.” એને એટલી તો ખબર હોય છે ને કે એ વ્યંઢળ છે. અને એ કશા કામનો નથી.”

વાહ, શું સરસ વાત કરી! ઉદય, તું કોઈ વ્યંઢળને ઓળખે છે?” મનીષાએ જિજ્ઞાસા સાથે પૂછયું હતું.

“ના, કેમ?"

“મને વિચાર આવે છે કે વ્યંઢળ પણ માણસ જ છે ને! એને પણ સુખ-દુઃખ, આશા-નિરાશા, પ્રેમ અને ધિક્કાર જેવી લાગણી થતી જ હશે ને?” મનીષાએ હવામાં તાકતાં કહ્યું હતું.

ઉદયે કંઈ જવાબ ન આપ્યો એટલે મનીષાએ આગળ ચલાવ્યું, વ્યંઢળો પણ પ્રેમ તો કરતાં જ હશે ને? માની લે કે આપણે બંને પહેલેથી જ વ્યંઢળ હોત?”

"કેવી ગાંડા જેવી વાત કરે છે?" ઉદયે અણગમાના ભાવ સાથે કહ્યું હતું.

“ગાંડા જેવી વાત નથી. સમજવા જેવી વાત છે. વ્યંઢળો જે રીતે પ્રેમ કરતા હોય એવી જ રીતે આપણે પણ પ્રેમ ન કરી શકીએ?” મનીષાએ ગંભીર થતાં કહ્યું.

“એટલે શું તું એમ કહેવા માગે છે કે આપણે કોઈક વ્યંઢળ પાસે જઈને પ્રેમ કેવી રીતે કરાય એ શીખવા જવાનું?" ઉદયને મનીષાની વાત સમજાતી નહોતી.

મનીષાએ થોડા ઊંડા ઊતરતાં કહ્યું હતું. “ઉદય, તું મારી વાત હજુ સમજ્યો નથી. ગણિત અને વિજ્ઞાન, ભાષા, ભૂગોળ કે ઈતિહાસ શીખવા પડે. ઘરમાં કચરો કેવી રીતે વાળવો, કપડાં કેવી રીતે ધોવા કે રસોઈ કેવી રીતે કરવી એ પણ શીખવું પડે, પરંતુ કોઈને રડતાં શીખવું પડે છે? એવી જ રીતે પ્રેમ કરતાં પણ શીખવું ન પડે. પ્રેમ તો એની મેળે જ થાય. જે પરિસ્થિતિ હોય એને અનુકૂળ થઈને પ્રેમ કરાય એ જ સાચો પ્રેમ. સમજયો મારી વાતને?"

“હા,” ઉદયે એકાક્ષરી જવાબ આપ્યો હતો.

મનીષાએ આગળ ચલાવ્યું, “હું જે સમજું છું એ તને કહું... આપણે પ્રેમ કરીએ ત્યારે તું મને તારા હાથ વડે આલિંગન આપે કે હોઠ વડે કિસ કરે ત્યારે શું ખરેખર તારો બધો જ પ્રેમ હાથમાં અને હોઠમાં હોય છે? હાથ અને હોઠ તો પ્રેમ વ્યક્ત કરવાનાં સાધનો છે. પ્રેમ તો અહીં આપણા મનમાં પેદા થાય છે...” એમ કહીને એણે હાથ લમણાં પર મૂક્યો હતો.

“બરાબર! પણ તું કહેવા શું માગે છે?" ઉદયે મૂંઝવણના ભાવ સાથે કહ્યું હતું.

“હું એ જ કહેવા માગું છું કે, આપણી સેક્સની લાગણી કે ચેષ્ટા પણ મનમાં જ પહેલાં પેદા થાય છે. જાતીય અંગો તો એ લાગણી કે ઈચ્છાઓને જે વ્યક્ત કરવાનું અથવા સંતોષવાનું સાધન છે... એ ઉપયોગી છે. પણ એને અનિવાર્ય ગણી શકાય ખરું?" મનીષા એની સેક્સ વિષેની સમજ પ્રગટ કરી રહી હતી. ઉદયને પણ એની વાત બુધ્ધિથી તો સમજાતી હતી, પણ મન હજુ એનો સ્વીકાર કરતું નહોતું.

છતાં ઉદયને પોતાની વાત થોડી થોડી સમજાય છે એવું લાગ્યું એટલે મનીષાએ આગળ ચલાવ્યું, “ભગવાને આપણને આંખો જોવા માટે અને કાન સાંભળવા માટે જ આપ્યાં છે ને? પણ ઘણા માણસો જન્મથી જ આંધળા કે બહેરા નથી હોતા? એ લોકોને કશું જ નહિ દેખાતું હોય કે કશું જ નહિ સંભળાતું હોય? કદાચ એમના જોવામાં અને આપણા જોવામાં કે એમના સાંભળવાના અને આપણા સાંભળવામાં ફેર હશે... પણ એ લોકો ય જીવી તો શકે જ છે ને?"

ઉદય એની સામે જોઈ રહ્યો હતો. છેવટે મનીષાએ આખી વાતનો સાર કહ્યો, “તો પછી આપણે પણ એક ઊણપ સાથે જીવી શકીએ નહીં? એક ઊણપને કારણે જિંદગી નિરર્થક થઈ જતી હોત તો આંધળા, બહેરા અને મૂંગા કે લૂલા-લંગડા લોકો જીવતા જ ન હોત ને?”

ઉદયને પણ મનીષાની વાત તાર્કિક લાગતી હતી અને એમાં તથ્ય દેખાતું હતું છતાં એણે દલીલ કરી, “આંધળા કે બહેરા હોવું એ એક વાત છે અને જાતીય રીતે નકામા હોવું એટલે કે નપુંસક-ઈમ્પોટેન્ટ હોવું એ જુદી વાત છે. એની પીડા બીજા કોઈને કેવી રીતે સમજાય?”

“તારી વાત સાચી છે. કોઈની પીડા કોઈને ન સમજાય. પીડા સમજવા માટે પીડાનો અનુભવ કરવો પડે. તો શું હું તારી પીડામાં ભાગીદાર નથી? હું પણ તારી સાથે પીડા નથી ભોગવતી?" મનીષાએ સહેજ ઉત્તેજિત થઈને કહ્યું.

“બસ હું આ જ વાત કહેવા માગું છું. તું પણ પીડા ભોગવે છે. પણ એમાં તારો કોઈ વાંક નથી. તું મારા કારણે જ પીડા ભોગવે છે. એનું જ મને દુઃખ છે. હું તારો ગુનેગાર હોઉં એવું મને લાગ્યા કરે છે અને એથી જ મને મારી જિંદગી નિરર્થક લાગે છે." ઉદયે પોતાની પીડા પ્રગટ કરતાં કહ્યું હતું.

ઉદય અને મનીષા વચ્ચે અવારનવાર આ જ પ્રકારની ચર્ચાઓ થતી. મનીષાના કહેવાનો મતલબ ઉદય સમજતો હતો અને એની વાત તાર્કિક પણ લાગતી હતી. છતાં આવી બધી દલીલો સ્વીકારવી એનું મન તૈયાર થતું નહોતું. જીવન નિરર્થક છે એવી એની લાગણી મજબૂત બનતી જતી હતી. છતાં ક્યારેક ક્યારેક એ પોતાની ક્ષમતાનું માપ કાઢી લેવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ દરેક વખતે એને એમ જ લાગતું હતું કે નિષ્ફળતા એની પાછળ ખાઈ ખપૂચીને પડી છે અને આવો દરેક પ્રસંગે એની હતાશાનો ગુણાકાર કરતો હતો.

એક દિવસ મનીષાએ લાગ જોઈને ઉદયને કહ્યું, “આપણાં લગ્નને ચાર મહિના ઉપર સમય થઈ ગયો. મને મમ્મી-પપ્પાને મળવાનું બહુ મન થયું છે. ચાર મહિનાથી સોનલને પણ મળાયું નથી. પપ્પાનો તો પત્ર પણ આવે છે. સોનુ તો પત્ર લખવામાં માનતી જ નથી. પણ આપણે બે-ત્રણ દિવસ જઈએ તો મળાય!”

ઉદયે તરત જ જવાબ આપ્યો, “બે-ત્રણ દિવસ શું કામ? અઠવાડિયું જવું જોઈએ!”

મનીષા એકદમ ઉત્સાહમાં આવીને બોલી, “તો ક્યારે જઈએ છીએ?"

“મારે તો હમણાં ખૂબ રજાઓ પડી છે. એટલે હમણાં રજા મળે એવું નથી. તું તારે અઠવાડિયું જવું હોય તો જઈ આવ..." ઉદય ઠાવકાઈથી કહ્યું.

મનીષા પગ પછાડીને બોલી, “ના, મારે એકલાએ જવું નથી. તું સાથે આવે તો જ! બધાં મને પૂછે છે કે તું એકલી કેમ આવી? તો હું શું જવાબ આપું?”

“કહી દેવાનું કે એમને રજા મળી નહિ.” ઉદયે સીધો ઉપાય બતાવ્યો.

“રહેવા દે, મારે પણ નથી જવું. તને કેવું તારાં ભાઈ-બહેનને મળવાનું મન થાય છે? મને પણ મારાં મમ્મી-પપ્પાને મળવાનું મન ના થાય? તું તારા મિત્ર નયનભાઈને દર ત્રીજે દિવસે મળે છે. મને મારી ખાસ બહેનપણીને મળવાનું મન ના થાય?" મનીષા લાગણીને સાધન બનાવી રહી હતી.

“તો તું જા ને! હું ક્યાં ના પાડું છું!” ઉદયે એટલી જ સ્વસ્થતા સાથે કહ્યું.

“પણ પછી તને તકલીફ પડે ને! તારું જમવાનું, કપડાં અને બીજું બધું...”

“એની ચિંતા કરવાની જરૂર નથી. હું મારું ફોડી લઈશ અને તું તો ચાર મહિનાથી આવી છે. ચાર મહિના પહેલાં હું એકલો જ હતો ને!” ઉદયે તર્ક કર્યો.

“ચાર મહિના પહેલાંની વાત જુદી હતી અને હવે વાત જુદી છે... તને મારી ટેવ ન પડી હોય તો ભલે, મને તો તારી ટેવ પડી જ ગઈ છે!”

“એ બધી વાત જવા દે, મને ખબર છે કે તું મુંબઈ જવાનો આગ્રહ શા માટે કરે છે! તું મને સમજાવીને કે ફોસલાવીને પેલા ડૉક્ટર પાસે લઈ જવા માગે છે. બોલ, સાચી વાત ને?” ઉદયે સોંસરવો સવાલ કર્યો.

મનીષાએ ઢીલા પડી જતાં કહ્યું, “તારી વાત સાચી છે. મારા મનમાં એ વાત પણ છે. પરંતુ મમ્મી-પપ્પા અને સોનલને મળવાનું મન છે એય એટલું જ સાચું!”

“તારે મમ્મી-પપ્પા અને સોનલને મળવું હોય તો તું જઈ આવ... ડૉક્ટરને બતાવવાની વાત હવે ભૂલી જ જા.” ઉદયે નિરાશા અને મક્કમતા સાથે કહ્યું.

“પણ કેમ? તને વાંધો શું છે?” મનીષાએ જરા અકળાઈને કહ્યું.

“હવે એનો અર્થ નથી. ડૉ. સાગરે કહ્યા પછી હવે મને એ વાત સમજાઈ ગઈ છે કે, આનો કોઈ ઈલાજ નથી. હવે તો કોઈ ચમત્કાર થાય તો જ...” ઉદય બોલતાં બોલતાં અટકી ગયો.

“કદાચ એ ડૉક્ટરના હાથે ચમત્કાર થાય પણ ખરો!" મનીષા હજુ આશાવાદી હતી.

“તો પણ હમણાં નહિ, થોડા વખત પછી વિચારીશું.” ઉદયે વાતનો અંત લાવવાના ઈરાદાથી કહ્યું. પરંતુ મનીષાએ વિચાર્યું કે ઉદય થોડા વખત પછી વિચારવાનું કહે છે એ પણ સારી નિશાની છે.

ત્રણ-ચાર દિવસ પછી ઉદયનો જન્મદિવસ આવતો હતો.

મનીષાએ કહ્યું , “ઉદય, આપણાં લગ્ન પછી આ તારો પહેલો જન્મદિવસ આવે છે. આપણે એક નાનકડી પાર્ટી રાખીએ તો કેવું?

"પાર્ટી? મારા માટે પાર્ટી-બાર્ટી રાખવાની કંઈ જરૂર નથી. મને હવે એમાં કોઈ રસ રહ્યો નથી!” ઉદયે અલિપ્તતાના ભાવ સાથે કહ્યું.

“અરે, એમ તે કંઈ હોય? જન્મદિવસે મને પેલું જૂનું ગીત યાદ આવે છે - દિયે જલાયે પ્યાર કે ચલો ઈસી ખુશી મેં, બસ બતા કે આઈ હૈ, યે શામ જિંદગી મેં” તે સાંભળ્યું છે આ ગીત? મારા ખ્યાલથી “ધરતી કહે પુકાર કે" નું છે!” મનીષા જાણે એ ગીતમાં ખોવાઈ ગઈ.

ઉદયને પણ ઘડીક વાર તો થયું કે, એ મનીષાના ઉત્સાહ પર ઠંડું પાણી રેડે છે. એટલે એણે કહ્યું, “પાર્ટી તો ઠીક, નયનને જમવા બોલાવીએ અને અર્ચનાને પણ બોલાવીએ. આપણે બધાં સાથે જમીશું. તું રસોઈ બનાવજે. બહારથી કોઈક સ્વીટ લઈ આવીશું બસ?”

પરંતુ મનીષાએ તરત કહ્યું, “માત્ર અર્ચનાને બોલાવીએ એ સારું નહિ. મોટાભાઈ અને ભાભીને પણ બોલાવવાં જોઈએ. અને સાથે પિનુકાકા, સરોજકાકી, નિહાર અને પ્રાચીને પણ બોલાવવાં જોઈએ.”

“એમાં બહુ લાંબુ થઈ જશે..." ઉદયને ખચકાટ હતો.

આપણાં ઘરનાં ઘરનાં જ છે ને! ક્યાં લાંબુ થઈ જવાનું છે?” મનીષાએ કહ્યું. ઉદય કંઈ બોલ્યો નહિ, પણ એને પાર્ટી જેવું કરવાનો વિચાર બહુ રૂચ્યો નહિ. મનીષાના મનમાં તો આયોજન શરૂ થઈ ગયું હતું. મનીષાએ ઉદયને એ દિવસે રજા લેવાનું કહ્યું. પરંતુ પોતાના મોળા ઉત્સાહનો પડઘો પાડવા માટે જ એણે રજા પાડવાની ના પાડી પરંતુ સાંજે વહેલા આવી જવાની તૈયારી બતાવી.

એ જ સાંજે નયન આવ્યો એટલે મનીષાએ એને ઉદયના જન્મ-દિવસની વાત કરી. ઉદય સહેજ આઘોપાછો થયો એટલે મનીષાએ ધીમે રહીને નયનને કહ્યું. “ઉદયને કહેતા નહિ. આપણે નાનકડી પણ ભવ્ય પાર્ટી કરીએ છીએ. તમારે કેક લાવવાની છે અને એ જ દિવસે ઘર સજાવવાનું છે. એને સરપ્રાઈઝ આપવું છે."

બીજે દિવસે ડભોઈ ફોન કર્યો. જનાર્દનભાઈએ કહ્યું, “મારાથી અને તારી ભાભીથી નહિ નીકળાય, પણ અર્ચના આવશે.” એ જ દિવસે બંને જણા પિનાકીનભાઈને આમંત્રણ આપવા ગયાં. એમણે મનીષાને કહ્યું, “તમારા છોકરાં-છોકરાઓમાં અમારું કામ નહિ, અમે ફરી ક્યારેક આવીશું. તારી પાર્ટીમાં નિહાર અને પ્રાચી જરૂર આવશે.”

એ દિવસે નાનકડી પણ ભવ્ય પાર્ટી યોજાઈ. નયન, અર્ચના, પ્રાચી, નિહાર અને નીચે રહેતો કંદર્પ-એટલાં જ હતાં. મનીષાએ જાતે રસોઈ કરી હતી. બહારથી મઠો લઈ આવ્યાં હતાં. અર્ચનાએ જાતે ભરેલો એક ટેબલ-ક્લોથ ભાઈને ભેટ આપ્યો. મનીષા નયનની સાથે જઈને ઉદય માટે પેન્ટ-શર્ટની જોડી લઈ આવી હતી. નિહાર અને પ્રાચીએ નાનકડો આરસનો તાજમહેલ ભેટ આપ્યો. કંદર્પ ઉદય માટે એક ટાઈ લઈ આવ્યો હતો અને નયને ઉદયને પોતે પાડેલા એના ફોટાનું આલ્બમ ભેટ આપ્યું હતું અને મનીષાને પણ એના જન્મદિવસે આવું જ એક આલ્બમ ભેટ આપવાનું કહ્યું હતું.

આલ્બમ જોઈને બધાં જ ખુશ થઈ ગયાં. પ્રાચીએ તો કહ્યું પણ ખરું કે, “નયનભાઈ, નિહારના લગ્નમાં તમે જ ફોટા પાડજો.”

મનીષા તરત બોલી પડી, “નિહારનું નામ શું કામ વટાવે છે? કહે ને કે તારા લગ્નમાં...”

નયને વચ્ચે જ કહ્યું, “મેરેજ ફોટોગ્રાફીમાં આપણું કામ નહિ. મેરેજમાં તો મહારાજ કહે ત્યારે ફોટો પાડવો પડે. પેંડો ખવડાવી દીધો હોય તો પણ જ્યાં સુધી કૅમેરાની ફ્લેશ ન ઝબકે ત્યાં સુધી વરરાજાને પેંડા ખવડાવ ખવડાવ કરે... આપણે તો એંગલ મળે કે તરત ક્લિક!”

આવી પાર્ટી કરી એથી ઉદય કંઈક મૂડમાં આવ્યો હોય એવું મનીષાને લાગતું હતું. એને એ જ વાતનો આનંદ હતો. અર્ચના પણ આવી હતી. એથી પણ ઉદયનો મૂડ થોડો બદલાયો હતો.

અર્ચના તો બીજે જ દિવસે ડભોઈ પાછા જવાનું કહેતી હતી. પરંતુ ઉદય અને મનીષાએ એને આગ્રહ કરી રોકી. ત્રીજે દિવસે સવારે એ જવા તૈયાર થઈ ત્યારે ઉદયે એને કહ્યું કે, “હું તને બસ સ્ટેન્ડ સુધી મૂકી જાઉં છું. ઉદય અને અર્ચના બહાર નીકળવા જતા હતાં ત્યાં અચાનક પિનાકીનભાઈ આવી ગયા. એમનો સદા હસતો ચહેરો આજે થોડો ગંભીર હતો.

એ આવીને સોફા પર બેઠા. મનીષાએ પાણી આપ્યું અને ઉદય તથા અર્ચના પણ જતાં જતાં રોકાઈ ગયાં. પિનાકીનભાઈએ ધીમે રહીને કહ્યું, “મનીષા, આજે સવારે મુંબઈથી ફોન હતો. તારા પપ્પાને માઈલ્ડ હાર્ટ એટેક આવ્યો છે. ચિંતા કરવાનું કારણ નથી, પણ તને બહુ જ યાદ કરે છે... મારે ઑફિસમાં ઓડિટ ચાલે છે. એટલે હું બે દિવસ પછી નીકળીશ. જો અનુકૂળ હોય તો તું અને ઉદય આજે રાત્રે જ મુંબઈ જવા નીકળી જાવ.” એમ કહીને એમણે ઉદય તરફ જોયું. ઉદયે હકારમાં ડોકું ધુણાવ્યું.

મનીષાને ચિંતા થઈ. પરંતુ સાથે સાથે એવો વિચાર પણ આવી ગયો કે કુદરતે એને અનાયાસ એક તક પૂરી પાડી હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED