Featured Books
શ્રેણી
શેયર કરો

લીલો ઉજાસ - પ્રકરણ - ૪ - મનીષાને બોલતી કરે તેવું કોણ? - દિવ્યેશ ત્રિવેદી

મનહરભાઈ અને પિનાકીનભાઇ ભારે હૈયે ડૉક્ટરની ચેમ્બરની બહાર આવ્યા. હવે બીજા ચોવીસ કલાક રાહ જોવાની હતી. બંને બહાર આવ્યા ત્યારે જનાર્દનભાઈ બહાર ઊભેલા હતા. ત્રણે જણ નજીકના એક બાંકડા પર બેઠા. વાતાવરણમાં ગરમી નહોતી. છતાં મનહરભાઈને કપાળ પર પરસેવો હતો. થોડીવારે જનાર્દનભાઈ બોલ્યા, “તમે બંને અંદર ડૉક્ટર સાથે વાત કરતા હતા ત્યારે મેં જુનિયર ડૉક્ટર સાથે વાત કરી. એમનું કહેવું એવું છે કે આવા કેસમાં ૪૮ કલાક નહિ. પરંતુ મોટે ભાગે ૭૨ કલાક જેટલી રાહ જોવી પડે છે. એમની દ્રષ્ટિએ બહુ ચિંતા કરવા જેવું નથી. કોઈક અપવાદરૂપ કિસ્સામાં દર્દીના જ્ઞાનતંતુઓ પર અસર થતી હોય છે...”

“પણ એ અપવાદ આપણા માટે તો નિયમ બની જાય છે ને!” મનહરભાઇના અવાજમાં વિષાદ હતો.

“તું નિરાશ ન થઇશ... મનીષાને સારું થઇ જ જશે.

“કુદરત પણ થોડી દયાળુ તો હોય જ છે!” પિનાકીનભાઈએ આશ્વાસન આપતાં કહ્યું.

“જોઇ, કુદરતની દયા જોઈ..." મનહરભાઈના અવાજમાં નિરાશા સાથે તુચ્છકાર હતો.

થોડીવાર ત્રણેય જણ ત્યાં બેઠા. પછી મનીષા પાસે આવ્યા. મનહરભાઇ એને જોઈ જ રહ્યા. પછી મનીષાની નજીક જઈને એના માથે હાથ ફેરવતાં ફેરવતાં સહેજ નીચા નમીને ધીમેથી બોલ્યા, “મનીષા... મનીષા... બેટા મોનુ... મારી લાડકી દીકરી... મોનુ..." બસ, આથી આગળ એ કશું બોલી શક્યા નહી.

વિનોદિનીબહેનની આંખો છલકાઇ ગઇ હતી. સરોજબહેને એમને આશ્વાસન આપતાં કહ્યું. “આટલી હિંમત રાખી છે. હવે થોડી હિંમત રાખો...” પછી પિનાકીન ભાઇ તરફ ફરીને કહ્યું, “તમે અહીં બેસો.... હું અને ભાભી ઘરે જઇ આવીએ .... ભાભી થોડાં ફ્રેશ થાય.”

પરંતુ વિનોદિનીબહેન તરત જ બોલી ઊઠયાં, “હું નથી આવતી. હું તો અહીં જ રહીશ... મનીષા ભાનમાં આવશે ત્યારે જ હું ફ્રેશ થઈશ .”

મનહરભાઈ, પિનાકીનભાઇ અને જનાર્દનભાઈ બહાર આવીને બેઠા. મનહરભાઇએ બંનેને કહ્યું, “તમે લોકો આમ ક્યાં સુધી બેસી રહેશો? પિનુ, તારે કાલે ઑફિસ જવું હોય તો જા, અને જનાર્દનભાઈ, તમે પણ...”

“એક વાર મનીષા ભાનમાં આવે એ પછી વાત. ત્યાં સુધી બીજું કંઇ વિચારવાનો પ્રશ્ન જ નથી.” જનાર્દનભાઈએ કહ્યું અને પિનાકીનભાઈએ સૂર પુરાવ્યો. એટલામાં ત્યાં આવી ચડેલા પોલીસ ઇન્સ્પેક્ટર પર પિનાકીનભાઈની નજર પડી. એમને હાથ ઊંચો કરીને એ ઊભા થયા અને એમની પાસે ગયા. બંનેએ હાથ મિલાવ્યા અને લગભગ દસ મિનિટ સુધી વાતો કરી. પછી બંને મનહરભાઈ જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. મનહરભાઈ અને જનાર્દનભાઈ ઊભા થઈ ગયા. પિનાકીનભાઈએ ઓળખાણ કરાવી અને કહ્યું, “યાદવ સાહેબ મારા મિત્ર છે. મેં એમને બધી જ વાત કરી છે. આ કેસ પણ એમના જ હાથમાં છે. એમણે કહ્યું છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી...”

યાદવે કહ્યું. “ડૉક્ટર પી.એમ. રિપોર્ટ સાંજે અથવા કાલે સવારે આપવાના છે. આપણે જે કંઈ જાણીએ છીએ એ કરતાં રિપોર્ટમાં કંઈ જુદું આવે તો જ સવાલ છે. બાકી તો કેસ સીધો અને સરળ છે. બહેન ભાનમાં આવે એટલે એમનું નિવેદન લેવાઈ જાય એટલું જ જરૂરી છે... અને ચિંતા ન કરશો. મને યાદ છે એકવાર આવા જ કિસ્સામાં એક ભાઇ બાર દિવસે ભાનમાં આવ્યા હતા.”

મનહરભાઈના મનમાં સવાલ થયો કે તો પછી મનીષાના કિસ્સામાં પણ બાર દિવસ રાહ જોવી પડશે કે શું? પરંતુ તેઓ કંઈ બોલ્યા નહિ.

યાદવ વિદાય થયા એ પછી પિનાકીનભાઇએ કહ્યું, “આપણે હવે ઘેર જઇએ. અહીં બેસી રહેવાનો પણ અર્થ નથી. હું સરોજને બોલાવી લાવું. જનાર્દનભાઈ, તમે પણ ચાલો...”

“ના, હું ઘરે જાઉં. અર્ચના હજુય ૨ડ ૨ડ કરે છે. થોડી થોડીવારે ઉદયને યાદ કરીને રડી પડે છે. એને ઉદય સાથે વધારે ફાવતું હતું. એણે એની નજર સામે આ બધું જોયું છે ને! એ હજુય ભૂલી નથી. થોડીવાર શાંત થાય અને પછી...”

“ભાઈ-બહેનની લાગણીની વાત જ જુદી છે!” પિનાકીનભાઇ બોલ્યા. એ પછી સરોજબહેનને બોલાવી લાવ્યા. જનાર્દનભાઈ ઘેર ગયા અને આ ત્રણે જણા પણ રિક્ષા કરીને ઘેર આવવા નીકળ્યાં. એ લોકો ઘેર પહોંચ્યા અને નયનનો ફોન આવ્યો, “કાકા, તમે નીકળ્યા અને તરત જ હું આવ્યો. સવારે મને જરા મોડું થઇ ગયું... હવે હું અહીં જ છું. તમે સાંજે આવવાના છો?”

“નક્કી નથી, પણ લગભગ તો આવીશું જ. આવીને પણ શું કરીશું? મનીષા ભાનમાં આવે તો...” પિનાકીનભાઇ કંઇક બોલવા જતા હતા.

ત્યાં મનહરભાઈ વચ્ચે બોલ્યા, “એને કહે કે અમે સાંજે આવીશું જ. અને મનીષા ભાનમાં આવે તો તરત જ અમને ફોન કર જે." પિનાકીનભાઇએ રિસિવરના માઉથપીસ પર હાથ રાખીને કહ્યું, “મનીષા ભાનમાં આવે એટલે એ ફોન તો કરશે જ. એમાં એને કહેવાનું ન હોય!”

બંને બપોરે જમ્યા. સરોજબહેને સાદી રસોઈ બનાવી હતી. વિનોદિનીબહેને બપોરે જમવાની ના પાડી હતી. સરોજબહેન સાંજે જ ટિફિન લઈ જવાનાં હતાં. એમણે તો ચાર વાગ્યાથી રસોઈ બનાવવા માંડી હતી. એ શાક સમારવા બહાર આવ્યાં એટલે પિનાકીનભાઇએ એમની મજાક કરતાં કહ્યું, "તને ઘણી વાર અગમ-નિગમના ચમકારા આવે છે ને! બોલ, તારું મન શું કહે છે. મનીષા ક્યારે ભાનમાં આવશે?"

સરોજબહેન આંખો બંધ કરીને બોલ્યાં, “મારો અંતરાત્મા તો કહે છે કે આજે રાત પહેલાં મનીષા ભાનમાં આવી જવી જોઇએ...”

“તો ભાભી તમને...” મનહરભાઇ ઉત્સાહમાં બોલી પડયા પણ સરોજબહેનને એ સંજોગોમાં શું ઇનામ આપવું કે કેવી રીતે નવાજવાં એ સૂઝયું નહિ. સરોજબહેન જ બોલ્યાં, “મનીષા ભાનમાં આવે એ જ આપણા માટે તો મોટી વાત છે!"

પિનાકીનભાઈને કહેવાનું મન થયું કે આવી બધી વાતો કાગનું બેસવું અને ડાળનું પડવું એવા યોગાનુયોગ જેવી જ હોય છે. પરંતુ એ ચૂપ રહી ગયા. એમને થયું કે આશ્વાસન ભરોસાપાત્ર ન હોય. તો પણ એ આશ્વાસન છે. ખરેખર તો એ ક્ષણે મનહરભાઇને આવા આશ્વાસનની ખૂબ જરૂર હતી.

સરોજબહેન શાક સમારીને ઊભાં થવા જતાં હતાં ત્યાં ફોનની રીંગ વાગી. એ ફોનની બાજુમાં જ બેઠાં હતાં. એટલે એમણે ફોન ઉપાડયો. સામેથી નયન બોલતો હતો. “કાકી, મનીષા ભાનમાં આવી છે... મનહર કાકાને આપોને!"

“એમ! મનીષા ભાનમાં આવી? શું કહે છે એ?" સરોજબહેન ઉત્તેજિત થઈ ગયાં. મનહરભાઇ અને પિનાકીનભાઇના કાન પણ ફોન પર ટીંગાઇ ગયા. મનહરભાઈ ઊભા થઈને ફોન પાસે આવી ગયા. સરોજબહેને ફોન મનહરભાઈને આપતા કહ્યું, “હું નહોતી કહેતી?"

મનહરભાઈએ ફોન લીધો અને બોલ્યા, “હા, નયન ! શું કહેતો હતો?"

“કાકા, મનીષા ભાનમાં આવી છે. હજુ બરાબર ભાનમાં આવી નથી. ઘડીક વાર આંખ ખોલે છે અને તાકી રહે છે. કાકીએ તમને જલ્દી જવા કહ્યું છે. એ કહે છે કે કદાચ તમને જોઈને એ વધારે ભાનમાં આવશે...”

“હું અબઘડી આવું છું....” કહી મનહરભાઇએ ફોન મૂકી દીધો.

એમણે લેંઘા પર જ શર્ટ પહેરી લીધું અને ચંપલ પહેરીને બારણા પાસે પહોંચી ગયા. પિનાકીનભાઇ બોલ્યા, “ઊભો તો રહે... બે મિનિટ..." અને એ કપડાં બદલવા અંદર ગયા. સરોજબહેન હજુ ત્યાં જ ઊભાં હતાં. એ કહેવા જતાં હતાં કે તમે લોકો દવાખાને પહોંચો. હું ઝટપટ રસોઈ કરીને ટિફિન લઈને આવું છું. પરંતુ એ કંઇ બોલે એ પહેલાં જ મનહરભાઈને શું સૂઝયું કે એ વાંકા વળીને સરોજબહેનના પગમાં પડયા. સરોજબહેન સહેજ પાછળ ખસી ગયાં અને બોલ્યાં, “અરે! અરે! તમે આ શું કરો છો? તમે તો મારાથી મોટા છો! તમારાથી...”

“ભાભી, મનથી કે અહોભાવની લાગણી જન્મે ત્યારે નાનાં-મોટાંનો ભેદ ન હોય...” મનહરભાઇનો અવાજ સહેજ ગળગળો થઇ ગયો. એમણે આંગળી વડે બે આંખના ખૂણા લૂછ્યા.

એટલામાં તો પિનાકીનભાઇ તૈયાર થઈને આવી ગયા. મનહરભાઈનો હાથ પકડી એમને ખેંચતા હોય એમ બહાર નીકળ્યા. જતાં જતાં સરોજબહેને કહ્યું, “હું ઝટપટ ટિફિન બનાવીને આવું છું. ડૉક્ટર કહે અને મનીષા માટે કંઈ લાવવાનું હોય તો તરત ફોન કરી દેજો.”

બંનેએ બહાર આવીને રિક્ષા પકડી. મનહરભાઈને એવું લાગ્યું કે જાણે રિક્ષાની ગતિ પણ મંદ છે. એમણે એક વાર રિક્ષાચાલકને કહ્યું પણ ખરું, “ભાઈ જરા જલ્દી!” રિક્ષા ઝડપથી જ દોડતી હતી. છતાં રિક્ષાવાળાએ થોડી ગતિ વધારી. પિનાકીનભાઈએ કહ્યું, “સરોજનો અંતરાત્માનો અવાજ સાચો પડે એવું મેં ઘણીવાર જોયું છે... મને લાગે છે કે તારી વાત સાચી છે. તું ઘણીવાર કહેતો હતો કે પુરુષો બુધ્ધિથી વધુ વિચારે છે અને સ્ત્રીઓ માત્ર હૃદયનો જ અવાજ સાંભળે છે.

“હવે તને એક વાત કહું, જે દિવસે આ બન્યું અને તારો ફોન આવ્યો એ દિવસે વિની ચાર વાગ્યાની જાગી ગઈ હતી. નહિતર એ મારા પછી જ ઊઠતી હોય છે. એ દિવસે એણે પણ મને કહ્યું હતું કે, જીવને કોઇક કચવાટ થતો હોય અને મૂંઝવણ થતી હોય એવું લાગે છે. પણ મેં બદલાતી ઋતુની અસર છે એમ કહીને એની લાગણીને ધ્યાનમાં લીધી નહોતી... "

વાતો વાતોમાં રિક્ષા ક્યારે હૉસ્પિટલના દરવાજે આવીને ઊભી રહી ગઇ એ જ ખબર ન પડી. રિક્ષામાંથી ઊતરીને પિનાકીનભાઇ પૈસા ચૂકવે ત્યાં સુધીમાં તો મનહરભાઇ લાંબા ડગલાં ભરતાં દોડતા હોય તેમ આગળ નીકળી ગયા. સીધા મનીષાના પલંગ પાસે આવીને સ્ટૂલ પર બેસી ગયા. એમનો શ્વાસ ઝડપથી ચાલતો હતો. એમને મનીષાના માથે હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું, “મનીષા... મોનુ બેટા.. જો તો કોણ છું? તારા પપ્પા જ તારી પાસે બેઠા છે... એક વાર તો મારી સામે જો!"

મનહરભાઇ ત્રણ-ચાર વખત થોડી થોડીવારે આવું બોલ્યા. એક નર્સ પણ ત્યાં ઊભી હતી. એણે મનહરભાઇને કહ્યું. “બહુ દબાણ ન કરશો. એની મેળે આંખ ખોલશે...” પરંતુ મનહરભાઈએ એ નર્સની વાત પર ધ્યાન આપવાને બદલે પોતાના પ્રયત્નો ચાલુ જ રાખ્યા. દરેકના ચહેરા પર કોઈક રહસ્યમય નાટકનો પડદો ખૂલવાનો હોય અને જે ઉત્તેજના હોય એવી જ કોઇક ઉત્તેજના અને ઉત્સુકતા હતી. વચ્ચે એકાદ વખત વિનોદિનીબહેને પણ મનીષાને સહેજ હલાવી જોઈ. એમણે એક હાથે મનીષાનો હાથ પકડી રાખ્યો હતો. પછી જાણે મનહરભાઇ થાક ખાવા માટે અટક્યા હોય તેમ સહેજ વાર ચૂપ રહ્યા. મનીષાએ આંખો ખોલી અને મટકું પણ માર્યા વિના લગભગ પાંચ-સાત સેકંડ સુધી છત તરફ તાકી રહી. પછી એકદમ આંખ બંધ કરી દીધી. મનહરભાઈ એની પાસે જ બેસી રહ્યા. લગભગ અડધા કલાક પછી એણે ફરી વાર એ જ રીતે આંખ ખોલી અને છત તરફ તાકતી રહી. મનહરભાઈ ઊભા થઈને એની આંખો સામે પોતાનો ચહેરો લઈ ગયા કે તરત એણે આંખો બંધ કરી દીધી. ક્યારેક હાથ તો ક્યારેક પગ સહેજ હલાવતી હતી.

આખી રાત સૌ કોઇ આ જ રીતે એની પાસે બેસી રહ્યા. વચ્ચે એક વાર ડૉક્ટર આવીને એને તપાસી ગયા. ડૉક્ટરે એનું બ્લડપ્રેશર માપ્યું અને એની આંખના પોપચાં ઊંચા કર્યા ત્યારે પણ એણે આંખ ખોલી અને છત તરફ તાક્યા કર્યું પછી આંખો બંધ કરી દીધી. છેક સવારે લગભગ ચાર વાગ્યે એણે જ્યારે આંખ ખોલી ત્યારે મનહરભાઈ તરફ સહેજ નજર ફેરવી. મનહરભાઇ તરત જ બોલી ઊઠ્યા, “બેટા મોનુ. મારી સામે જો તો! હવે તું એકદમ સાજી થઇ ગઇ છે. મારી સામે જો તો, હું તારા પપ્પા....” મનીષા એમની સામે જ જોતી હતી. ફરી આંખો બંધ કરી દીધી.

લગભગ કલાકેક પછી એણે વધુ એકવાર આંખો ખોલી. અત્યાર સુધી ભાવશૂન્ય લાગતા એના ચહેરા પર કોઇક ભાવ ઉપસી આવ્યા હોય એમ લાગ્યું. ઘડીક વાર તો એમ જ લાગ્યું કે જાણે એનો ચહેરો વિકૃત થઈ ગયો છે. પિનાકીનભાઈ દોડ્યા અને નર્સને બોલાવી લાવ્યા. નર્સ પણ એકાદ મિનિટ તો મનીષાને જોતી જ ઊભી રહી. પછી એક ગ્લાસમાં પાણી લઇ આવી અને ચમચી વડે મનીષાને એણે પાણી પાયું. માંડ ત્રણ ચમચી પાણી પીતાં પણ જાણે એ થાકી ગઈ હોય એવું લાગ્યું. પરંતુ એના ચહેરા પરના ભાવ હવે શાંત થઈ ગયા હતા.

સવારે ડોક્ટર રાઉન્ડમાં આવ્યા ત્યાં સુધીમાં એટલી પ્રગતિ થઇ હતી કે હવે એ એકાદ મિનિટ આંખ ખુલ્લી રાખતી હતી અને વચ્ચે વચ્ચે મટકું ય મારતી હતી. ડૉક્ટર સાથે બીજા બે ડૉક્ટરોને પણ લઈને આવ્યા હતા. રૂમમાંથી બધાને બહાર મોકલીને ડૉક્ટરોએ એને તપાસી. પછી મનહરભાઇને કહ્યું. “એના આંખ, નાક, કાન અને ચામડીનું સેન્સેશન તો બરાબર છે. પરંતુ હજુ એ બોલતી નથી. હવે એ જ જોવાનું છે કે એના વોકલ કોર્ડ પર કોઇ અસર થઇ નથી ને!"

સાહેબ, એ બોલશે તો ખરી ને!” મનહરભાઈના અવાજમાં થોડી ઉત્તેજના હતી.

“આમ તો વાંધો ન આવવો જોઈએ... છતાં ક્યારેક આવા કિસ્સામાં સ્પીચ જતી રહેતી હોય છે... જોઈએ. સાંજ સુધીમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ થાય છે... પછી કદાચ બોલશે!" ડૉક્ટરે આશ્વાસનના સૂરમાં કહ્યું.

સાંજ સુધીમાં એટલી સુધારો થયો કે હવે એ લગભગ પંદરેક મિનિટ સુધી આંખ ખુલ્લી રાખતી હતી. એની નજર ચારે તરફ ફરવા લાગી હતી અને ચકળવકળ થતી હોય એવું લાગતું હતું. હવે એના હોઠ ફરકવા માંડયા હતા. અવાજ નહોતો નીકળતો પરંતુ જાણે એ “ઉદય" એમ કહી રહી હોય એમ લાગતું હતું. સાંજે જનાર્દનભાઈ આવ્યા ત્યારે સાથે અર્ચનાને પણ લેતા આવ્યા હતા. મનીષા અર્ચના સામે ય જોઈ રહી. પછી એના હોઠ સળવળ્યા અને પહેલા “ઉદય” અને પછી “અર્ચુ" એમ બોલવાનો પ્રયત્ન કરતી હોય એવું લાગ્યું.

ડૉક્ટરના કહેવાથી એને થોડો મોસંબીનો રસ આપ્યો. ડૉક્ટરે એને કેટલાક આડાઅવળા સવાલો કર્યા અને ભૂખ લાગી છે કે નહિ, એમ પણ પૂછયું. ડૉક્ટર સવાલ પૂછે ત્યારે એમની સામે જોતી હતી. પરંતુ જવાબ આપતી નહોતી. રાત્રે ફરી વાર મનહરભાઇએ એને બોલાવવાનો પ્રયત્ન કર્યો. આ વખતે એણે હોઠ ફફડાવ્યા તો "પપ્પા” અને “ઉદય” એવો અસ્પષ્ટ ઉચ્ચાર સંભળાયો. એવું લાગતું હતું કે એની નજર કોઇકને શોધી રહી હતી. સરોજબહેન હળવેથી બોલ્યા પણ ખરાં, “એ ઉદયને શોધે છે!”

બીજે દિવસે સવારે ફરી ડૉક્ટરે એને તપાસી. બહાર આવીને કહ્યું,, “થેંક ગોડ! એની સ્પીચ પણ ગઈ નથી. એ બોલી શકે છે, પરંતુ બોલતી નથી. કદાચ હજુ એ શારીરિક અને માનસિક આઘાતમાંથી બહાર આવી નથી. ધીમે ધીમે બહાર આવશે એટલે બોલશે. તમે લોકો એના પર બોલવા માટે દબાણ ન કરશો.”

એ આખો દિવસ મનીષા આંખો ખુલ્લી રાખીને જોતી રહી. પરંતુ કશું બોલી નહિ. હવે એની આંખો જાણે કશુંક પૂછતી હોય એવું લાગતું હતું. પરંતુ એ સ્પષ્ટ પૂછે નહીં ત્યાં સુધી એને કશું કહેવાનું પણ વાજબી નહોતું.

રાત્રે મનહરભાઈ, પિનાકીનભાઇ અને જનાર્દનભાઈ બહાર બેઠાં હતાં. જોતજોતામાં અઠવાડિયું નીકળી ગયું હતું. મનીષા ભાનમાં આવી એથી મનહરભાઇ પણ હળવાશ અનુભવતા હતા. વાતવાતમાં પિનાકીનભાઈએ કહ્યું, “મનહર , મારે એક વાત કહેવી છે...”

બોલ ને, એમાં શું વિચાર કરવાનો?" મનહરભાઈએ સાહજિકતાથી કહ્યું.

“જો સાંભળ. જનાર્દનભાઈ એકદમ ‘રેશનલ’ માણસ છે એટલે એમને કદાચ જરૂરી ના લાગે અને તારો કોઇ આગ્રહ નથી એ પણ હું જાણું છું. પરંતુ મારી અને તારી ભાભીની અને મારી ભાભીની પણ એવી ઇચ્છા છે કે આપણે ભલે બીજી વિધિ કે બીજી કોઈ કર્મકાંડ ન કરીએ. પરંતુ ઉદયના આત્માની શાંતિ માટે તો કંઈક કરવું જ જોઈએ.”

“પિનાકીનભાઇ, ઉદય મારો ભાઈ હતો. પરંતુ જેને જીવનમાં પણ શાંતિથી જીવતાં ન આવડ્યું એનો આત્મા કઈ રીતે શાંત થશે એ મને સમજાતું નથી.... છતાં તમારા સૌની એવી લાગણી હોય તો મને વાંધો નથી ...” જનાર્દનભાઈએ પોતાના મનની વાત કરી.

પિનાકીનભાઈએ તરત જ વાત પકડી લીધી. અને મનહરભાઈની સંમતિ છે જ એમ માનીને કહ્યું, “આપણે કોઈક મંદિરમાં શ્રદ્ધાંજલિ યજ્ઞ કરાવીએ. આપણે સૌ બંને કુટુંબના સભ્યો એમાં હાજર રહી ઉદયને શ્રદ્ધાંજલિ આપીશું અને મનીષાના હાથે કોઇક દાન-પુણ્ય કરાવીશું ... બરાબર ને?"

બીજે દિવસે સવારે ડૉક્ટરે મનીષાને તપાસી. ખાસ્સો અડધો કલાક મનીષાને તપાસ્યા પછી ડૉક્ટર અને નર્સ બહાર આવ્યાં એટલે ડૉક્ટરે મનહરભાઈને કહ્યું, “તમે જરા આવો તો!” મનહરભાઈ ડૉક્ટરની સાથે સાથે એમની ચેમ્બરમાં ગયા. પિનાકીનભાઈ પણ પાછળ જ આવ્યા. ડૉક્ટરે તેમને બેસાડીને કહ્યું, “નાઉ શી ઇઝ કમ્પલિટલી આઉટ ઓફ ડેન્જર. ચિંતા કરવાની જરૂર નથી.”

“પણ સાહેબ, એ બોલતી...” મનહરભાઈ કહેવા જતા હતા. પરંતુ ડૉક્ટરે એમને અધવચ્ચેથી કાપીને કહ્યું, “એ બોલતી નથી એ ખરું, પરંતુ બોલી તો શકે જ છે. મને લાગે છે કે છોકરી થોડી ઇન્ટ્રોવર્ટ છે. એ અંતર્મુખી છે એટલે જ એ ઝડપથી એનું મન કળાવા નહિ દે. એના મનમાં અનેક પ્રશ્નો હોય એવું લાગે છે. અમે એનું નામ, ભણતર, ક્યાંના રહેવાસી વગેરે પ્રશ્નો પૂછ્યા એના એણે વ્યવસ્થિત અને સ્પષ્ટ જવાબો આપ્યા છે. એણે અમને પૂછયું કે, 'ઉદય ક્યાં છે?’ અમે એને સામું પૂછયું કે, 'ઉદય કોણ છે?' એણે જવાબ આપ્યો. ‘મારા હસબન્ડ છે. અમે કહ્યું કે, 'તું ઉદયની વાત કરે છે ને? ઉદય તો બહારગામ ગયો છે!' એણે તરત જ કહ્યું, મને ખબર છે કે તમે મને બનાવો છો. ઉદય તો મને છોડીને જતો રહ્યો છે!' અમે પૂછયું,, ‘ક્યાં ગયો છે? તને ખબર છે?' પરંતુ એણે આ પ્રશ્નનો જવાબ ન આપ્યો. મને લાગે છે કે મનમાં ઘોળાય છે. એટલે જેની સામે એને ગાઢ મનમેળ હોય એવી કોઇક વ્યક્તિ જ એને ખુલાસીને બોલતી કરી શકે. છે કોઇ એવી વ્યક્તિ?”

મનહરભાઈ વિચારમાં પડયા. ઉદય સાથે એને મનમેળ હોય એવું લાગતું હતું. બીજું તો કોઈ એકદમ મનહરભાઈના ધ્યાનમાં આવતું નહોતું. છતાં એમણે કહ્યું, “હું વિચારી જોઉં... કદાચ કોઇક....”

તમે વિચારી જુઓ હવે એને સારું છે. એકાદ દિવસ ઓબ્ઝર્વ કર્યા પછી પરમ દિવસે હૉસ્પિટલમાંથી રજા આપીએ કદાચ ...” ડૉક્ટરે કહ્યું.

હવે મનીષાને હળવો ખોરાક અપાતો હતો. જો કે એનું ખાવામાં મન લાગતું હોય એવું દેખાતું નહોતું. જનાર્દનભાઈ વચ્ચે વચ્ચે ડભોઈ જઇ આવતા હતા. મનહરભાઈ સતત એ જ વિચારતા હતા કે એવી કઇ વ્યક્તિ હોઇ શકે જે મનીષાની જીભ ખોલાવી શકે. પિનાકીનભાઈ મનહરભાઈની મૂંઝવણ પામી ગયા હતા. એમણે મનહરભાઈને પૂછયું. “કૉલેજમાં તારી છોકરી કોઇના પ્રેમમાં પડી હતી કે પછી તારી જેમ જ બ્રહ્મચર્ય પાળ્યું હતું?"

“એવો કોઇ ખ્યાલ નથી. એવું નહિ જ હોય. નહિતર એ અમને કહ્યા વિના ન રહે... છતાં હું વિનીને પૂછી જોઉં. કદાચ એના ધ્યાનમાં કોઇ વ્યક્તિ હોય પણ ખરી... જે મનીષાને બોલતી કરી શકે.”