Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

લીલો ઉજાસ - પ્રકરણ - ૮ - અર્ચનાએ શું હિન્ટ આપી? – દિવ્યેશ ત્રિવેદી

સોનલે મનીષાના ઘેર જવાની અને અર્ચનાને મળવાની વાત કરી તથા અર્ચના વિષે સોનલને કંઈક વાત કરી છે એ જાણ્યા પછી સરોજબહેન અને વિનોદિનીબહેનના મનમાં સવાલ થયો કે, ઉદયની આત્મહત્યા અંગે અર્ચના કશુંક જાણે છે એ વાત મનીષા પણ જાણતી હોવી જોઈએ. મનીષા અને સોનલ વચ્ચે અત્યાર સુધી શું વાતચીત થઈ છે એ ખરેખર તો કોઈ જાણતું નહોતું. બધાં માટે એ અનુમાનનો વિષય હતો.

સવારે સોનલ નાહીને તૈયાર થઈ ગઈ અને પછી સરોજબહેનને પૂછયું, “આન્ટી, નાસ્તાને હજુ પંદર મિનિટ લાગશે ને?”

“હા, પંદર-વીસ મિનિટ તો ખરી જ. મનીષા નાહીને તૈયાર થઈ જાય એટલે નાસ્તો કરીએ.... અને હા, તારે અર્ચનાને કેમ મળવું છે? મનીષા એના માટે શું કહે છે?” સરોજબહેનથી ના રહેવાયું. એટલે એમણે પૂછી લીધું.

“ખાસ કંઈ કારણ નથી. મનીષાએ કહ્યું કે ભાઈ-બહેન વચ્ચે સારો મેળ હતો... એટલે મને થયું કે કદાચ અર્ચના કોઈક હિન્ટ આપી શકે... આમ પણ મારે ઘર જોવું છે અને મનીષા ત્યાં જાય તો કદાચ એની દબાયેલી લાગણીઓ-પેન્ટ અપ ફિલિંગ્સ-બહાર આવે તો એ વધારે હળવી થાય." સોનલનો જવાબ સાંભળીને સરોજબહેનને થોડો સંતોષ થયો.

સોનલ મનીષાના રૂમમાં ગઈ. મનીષા હજુ પલંગ ૫૨ જ બેઠી હતી. એને હાથે ખેંચીને ઊભી કરતાં બોલી, “કમ ઓન, ક્વિક... જલ્દી તૈયાર થા... અને મને બોલાવ...”

મનીષા ન્હાવા ગઈ. એ તૈયાર થઈને સીધી જ રસોડામાં ગઈ. પછી કંઈક યાદ આવ્યું હોય એમ ઊભી થઈ. પિનાકીનભાઈ રસોડામાં આવતા જ હતા. એ સમજી ગયા. એમણે કહ્યું, “સોનલને બોલાવવા જાય છે ને! હું બોલાવી લાવું!”

સોનલ જે રૂમમાં બેઠી હતી એ રૂમનું બારણું અધખુલ્લું હતું. પિનાકીનભાઈએ બારણું હળવેથી ખોલ્યું તો એ સોનલને જોતા જ રહી ગયા. સોનલ પલંગ પર પલાંઠી વાળીને બેઠી હતી. એ ટટ્ટાર બેઠી હતી. અને એની આંખો બંધ હતી તથા બંને હાથ ખોળામાં હતા. એના ચહેરા પર ગજબની શાંતિ વર્તાતી હતી. એ સહેજ પણ હલનચલન કરતી નહોતી. પિનાકીનભાઈએ જોયું કે એના નાક પર એક માખી આવીને બેઠી હતી, પરંતુ સોનલે એ માખીને પણ ઉડાડી નહીં. થોડીવાર પછી માખી એની જાતે જ ઊડી ગઈ. સોનલના શ્વાસ મંદ ગતિએ ચાલતા હોય એવું દેખાતું હતું. પિનાકીનભાઈ ત્યાં જ ઊભા રહ્યા. ત્યાં તો સરોજબહેન મોટેથી બોલતાં બોલતાં આવ્યા, “ઊભા ઊભા શું જોયા કરો છો? બોલાવો ને એને!” સરોજબહેનનો અવાજ સાંભળીને સોનલે આંખ ખોલી અને તરત ઊભી થઈ ગઈ.

નાસ્તો કરતાં કરતાં પિનાકીનભાઈએ સોનલને પૂછયું, “તું નિયમિત મેડિટેશન કરે છે?”

“નિયમિત નહિ, મન ફાવે ત્યારે આંખ બંધ કરીને બેસી જાઉં છું.... એને મેડિટેશન કહેવાતું હોય તો પણ શું ફેર પડે છે?” સોનલે બેફિકરાઈથી કહ્યું પછી બોલી, “હું નાની હતી ને એટલે કે સ્કૂલમાં ભણતી હતી ત્યારથી કંઈ કામ ન હોય તો ગમે ત્યાં પલાંઠી વાળીને આંખો બંધ કરીને બેસી જતી હતી. મનમાં વિચારો આવે એને જોયા કરતી હતી. હવે તો બેસું છું પછી વિચારો પણ ભાગ્યે જ આવે છે. પાંચ કે દસ મિનિટ પછી એટલું સારું લાગે છે... એ વખતે એકવાર મારા કાકા આવ્યા હતા. એ યોગ જાણતા હતા. એમણે મને આમ બેઠેલી જોઈ અને હું શું કરું છું એ પૂછયું તો મેં એમને સાધારણ વાત કરી. એમણે જ મને કહ્યું કે આ મેડિટેશન છે. પછી તો એમણે મેડિટેશન અને યોગ વિષે મને ઘણું બધું સમજાવ્યું. એ બધું તો હું ભૂલી ગઈ... પણ મેડિટેશન ચાલુ રહ્યું... તમે પણ મેડિટેશન કરો છો, અંકલ?"

“નિયમિત નહિ, કોઈ કોઈ વાર!” પછી અટકીને બોલ્યા, “પણ નિયમિત કરવું જોઈએ એવું મને લાગે છે.”

"નિયમિત ખરું, પણ એ વ્યસન થઈ જાય એટલી હદે નિયમિત પણ નહિ...” આમ કહીને સોનલ હસી પડી.

સોનલ અને મનીષા ફ્લૅટ પર પહોંચ્યાં ત્યારે જ્યોતિબહેન અને અર્ચના સોફા પર બેઠાં હતાં. જનાર્દનભાઈ ક્યાંક બહાર ગયા હતા. ક્યારના ગયા છે અને હવે આવવા જ જોઈએ એવું જયોતિબહેને કહ્યું, મનીષાને આવેલી જોતાં જ જ્યોતિબહેન અને અર્ચના ઊભાં થઈ ગયાં. મનીષા એમને ભેટી પડી. અર્ચના પણ બાજુમાં આવીને ઊભી રહી. જ્યોતિબહેનની આંખો આંસુથી છલકાઈ ઊઠી. મનીષાની આંખના ખૂણા ભીના થઈ ગયા. અર્ચના અંદર જઈને પાણી લઈ આવી. ત્રણેયને પાણી આપ્યું. પછી સોફા પર બેઠાં. સોનલ ઘરનું નિરીક્ષણ કરી રહી હતી. થોડી થોડીવારે અર્ચનાને પણ જોઈ લેતી હતી. અર્ચના એની ઉંમર કરતાં વધુ પુખ્ત દેખાતી હતી. એનો ચહેરો ગોળ હતો અને આંખો અણિયાળી હતી. વાળ બહુ લાંબા નહોતા. અર્ચનાના વાળ પર નજર કર્યા પછી તરત સોનલે મનીષાના વાળ તરફ નજર કરી અને પછી પોતાના બોલ્ડ કટ વાળ પર હળવેથી હાથ ફેરવ્યો.

થોડીવાર પછી મનીષા ઊભી થઈ અને અંદરના રૂમમાં ગઈ. સોનલ પણ એની પાછળ ગઈ, પરંતુ બારણા પાસે ઊભી રહીને મનીષાને જોવા લાગી. મનીષા જાણે કોઈક નવા ઘરમાં આવી હોય એમ બધે જ તાકી તાકીને જોતી હતી. જે પલંગ પર ઉદય અને મનીષા સૂઈ જતાં હતા એ પલંગને એ ધ્યાનથી જોતી હતી. સોનલે જોયું કે મનીષાની આંખો છલકાવા માંડી હતી. એ તરત ત્યાંથી સરકી ગઈ અને બહાર આવીને અર્ચનાના ગાળામાં હાથ નાખીને અર્ચનાને બહાર ગેલેરીમાં લઈ આવી. ઔપચારિક વાત કરવાના આશયથી એણે કહ્યું, “ફ્લૅટ નવા જ બન્યા લાગે છે!”

“હા, હજુ વરસ પણ નથી થયું ..." અર્ચનાએ જવાબ આપ્યો.

“અર્ચના, હું અને મનીષા સ્કૂલમાં પણ સાથે હતાં અને કૉલેજમાં પણ સાથે હતાં.." સોનલે વાત આગળ ચલાવવાના આશયથી કહ્યું.

“તમારાં મેરેજ થઈ ગયા છે?” અર્ચનાએ સોનલને પગથી માથા સુધી નીરખતાં પૂછયું.

સોનલે ડચકારો કરીને નકારમાં જવાબ આપ્યો.

“કેમ હજુ સુધી તમે લગ્ન નથી કર્યા?” અર્ચનાએ આત્મીય ભાવથી કહ્યું.

“જો એવું છે ને, હું જે છોકરાને પસંદ કરું છું એ મને રિજેક્ટ કરે છે અને જે છોકરો મને પસંદ કરે છે એને હું રિજેક્ટ કરું છું!” સોનલે મજાકના સૂરમાં કહ્યું.

“મૂરખ કહેવાય...” અર્ચના ધીમે રહીને બોલી.

“ કોણ મૂરખ કહેવાય?" સોનલે ઝીણી આંખ કરતાં કહ્યું.

“ એ છોકરો. જે તમારા જેવી સરસ છોકરીને પણ રિજેક્ટ કરે!” અર્ચનાએ વહાલથી સોનલના ગાલે ટપલી અડાડતાં કહ્યું.

“થેંક યુ! તેં મને સરસ છોકરી કહી એ બદલ થેંક યુ! એનો અર્થ એ કે તું છોકરો હોત તો મને પસંદ કરત!” અને બંને ખડખડાટ હસી પડયાં.

સોનલને થયું કે અર્ચના સાથે ટ્યુનિંગ જામતું જાય છે. એટલે હવે એને સીધો સવાલ કરી શકાય. આવી ગણતરીથી એણે ચહેરા પર ગંભીરતાના ભાવ લાવી અર્ચનાને પૂછયું, “અર્ચના એક વાત પૂછું? ખોટું તો નહીં લગાડે ને?" સોનલે એક કાચી પાળ બાંધવાનો પ્રયત્ન કર્યો.

“પૂછોને, એમાં ખોટું લગાડવાનો ક્યાં સવાલ છે? શું પૂછતાં હતાં?" અર્ચનાએ સાહજિકતાથી કહ્યું.

“અર્ચના, તારે અને ભાઈને, આઈ મીન, ઉદયને બહુ સારું બનતું હતું એ વાત સાચી?" સોનલના અવાજમાં ગંભીરતા હતી.

અર્ચના તરત ગંભીર થઈ જતાં બોલી, “હા, સાચી વાત છે, એ મારા કરતાં ત્રણ વર્ષે મોટો હતો. પણ અમે સરખાં જ હોઈએ એવું લાગતું હતું.... નાનપણમાં જ એ મને બહુ મારતો અને મોટાભાઈ એને લડતા પણ ખરા, બાપુજી પણ એને લડતા, મા એનું ઉપરાણું લેતી... માને પણ એ બહુ વહાલો હતો...” અર્ચના ઘડીવાર માટે જાણે ભૂતકાળમાં સરી પડી.

“એનો અર્થ એ કે એ બધી જ વાત તને કરતો હતો, ખરું ને? સોનલ વાતનો તંતુ હાથમાંથી સરી જવા દેવા માગતી નહોતી.

“બધી વાત તો કદાચ મને નહીં કરતો હોય... એનાં લગ્ન પછી એ બહુ ઓછું બોલતો હતો... કદાચ ભાભી વાત કરનારાં મળી ગયાં હતાં, એટલે પણ હોય!” અર્ચનાએ પોતાનો તર્ક રજૂ કર્યો.

“અર્ચના, આ હું તને એટલા માટે પૂછું છું કે આત્મહત્યા જેવું પગલું કોઈ માણસ એકાએક ભરે નહિ. એની આવી ટેન્ડન્સી હોય જ, અને કદાચ વાતવાતમાં એ બહાર આવી પણ ગઈ હોય...” સોનલ ખૂબ જ ઠાવકાઈથી કહી રહી હતી.

“એવી તો ખાસ કોઈ વાત થઈ નથી. હા, એક વખત એણે મને એવું કહ્યું હતું કે, મને જીવવાનો જ અર્થ દેખાતો નથી અને ઘણીવાર એમ થાય છે કે આના કરતાં તો મરી જવું સારું!' અર્ચના પાળી પર તાકી રહેતાં બોલી.

“એક્ઝેટલી, હું આ જ કહું છું. મને કહીશ એ કઈ વાત હતી?” સોનલે એની તરફ ઝૂકતાં પૂછયું. અર્ચના એક ક્ષણ તો કંઈ બોલી નહિ. પછી એણે કહ્યું, “આખી વાત આજે થોડીવાર પહેલાં જ મેં ભાભીને મોટાં ભાભીને-જ્યોતિભાભીને કરી છે એ જ તમને કહેશે...” અર્ચના કદાચ ટાળવાનો પ્રયત્ન કરી રહી હોય એવું સોનલને લાગ્યું.

છતાં સોનલે છાલ છોડ્યો નહિ. એણે કહ્યું, "ભાભીને બધી વાત કહી તો મને કહેવામાં શું વાંધો છે? વિગતવાર વાત ન કરે તો કંઈ નહિ, સહેજ હિન્ટ તો આપ!

“હિન્ટ આપું? ઉદયભાઈ અને મનીષાભાભી વચ્ચે સેક્સને લગતો પ્રોબ્લેમ..." અર્ચના વાક્ય પૂરું કરે ત્યાં તો અંદરથી મોટેથી ૨ડવાનો અવાજ આવ્યો સોનલ અને અર્ચના અંદર દોડી ગયા. મનીષા એના અને ઉદયના ફોટા પાસે ભીત પર માથું ઢાળીને ૨ડી રહી હતી અને જ્યોતિભાભી એને સાંત્વન આપતાં હતાં. જે રૂમમાં ઉદયે આત્મહત્યા કરી હતી એ રૂમમાં આવ્યા પછી થોડીવારે મનીષાનું મન ભરાઈ આવ્યું હતું અને બધું યાદ આવતાં એ છૂટા મોંએ રડી પડી હતી. સોનલ એની પાસે ગઈ એટલે એ સોનલને બાઝી પડી. સોનલ એને બહાર લઈ આવી. અર્ચનાએ એને પાણી આપ્યું.

એટલામાં જનાર્દનભાઈ પણ આવી ગયા. મનીષા એમને પગે લાગી. એમણે મનીષાના માથે હાથ મૂક્યો અને સોનલ સામે સહેજ વાર પ્રશ્નસૂચક નજરે જોયા પછી બોલ્યા, “સોનલ ને? સારું થયું તમે આવ્યાં!" મનીષાને તમારા જેવાં જ કોઈકની હૂંફની જરૂર હતી. હવે હમણાં એને એકલી મૂકતાં નહિ...” જનાર્દનભાઈએ સોનલને કહ્યું.

“હું તમને મોટાભાઈ કહું તો ચાલશે? કે પછી અંકલ કહું?” સોનલે એની નટખટ અદામાં કહ્યું.

“જે કહીશ તે ચાલશે. પણ અંકલ કરતાં મોટાભાઈ કહીશ તો વધારે ગમશે. હજુ હું યુવાન છું અને કોઈ છોકરી અંકલ કહે તો બહુ ગમે નહિ...” જનાર્દનભાઈએ સહેજ મજાકના સૂરમાં કહ્યું.

“ઓ.કે. મોટાભાઈ, કવેશ્ચન નંબર વન, તમારે મને ‘તમે તમે' નહિ કરવાનું. તમે મોટાભાઈ હો તો તુંકારાથી કેમ વાત કરતા નથી?” સોનલે ફરિયાદના સૂરમાં કહ્યું.

“સૉરી, હવે નહિ કહું!”

“મેં અને અર્ચનાએ બહુ વાતો કરી. અર્ચના સાથે વાતો કરવાની મજા આવી. અર્ચના, હું તું અને મનીષા કાલે બહાર જઈએ. તું મને વડોદરા બતાવ...” સોનલે કંઈક વિચારીને કહ્યું.

“પણ મેં તો વડોદરામાં બહુ કંઈ જોયું નથી... અને કાલે...” એ વાક્ય પૂરું કરે એ પહેલાં જ જનાર્દનભાઈએ વાક્ય ઉપાડી લીધું, “કાલે વૈજનાથ મહાદેવમાં યજ્ઞ-વિધિ છે ને!"

“સોનલબહેન અને અર્ચના વાતો કરતાં હતાં ત્યારે મનીષા અંદર જઈને ખૂબ રડી..." જ્યોતિબહેને જનાર્દનભાઈને કહ્યું.

જનાર્દનભાઈ બોલ્યા, “સ્વાભાવિક છે. બધું યાદ આવે ને!” આટલું સાંભળતાં જ મનીષાની આંખો પાછી છલકાઈ ગઈ. સોનલ તરત જ બોલી, “મોટાભાઈ, આઈ બેગ ટુ ડિફર, હું તમારી સાથે સંમત થતી નથી..."

“શું? શેમાં સંમત થતી નથી?" જનાર્દનભાઈએ આંખો ઝીણી કરતાં કહ્યું.

“એ જ કે કોઈને યાદ કરીને રડવાનું... એ હાજર હોય તો આપણે રડીએ ખરા? એ સદેહે હાજર નથી તો શું થઈ ગયું? એ સૂક્ષ્મ દેહે તો હાજર છે જ. હું તો એમ કહું છું કે, જેની સાથે આપણે એક પળ પણ પ્રેમથી વિતાવી હોય એ સદા આપણી સાથે જ રહે છે. એટલે એની ગેરહાજરીમાં પણ આનંદથી રહેવું એ જ આપણા એના માટેના પ્રેમનો પુરાવો છે!” સોનલ સડસડાટ બોલી ગઈ.

“તારી વાત સાચી હોય તો પણ જ્યારે એ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે વાત બદલાઈ જતી હોય છે. સોનલ, કહેવું જેટલું સહેલું છે એટલું કરવું સહેલું નથી હોતું!”

“મોટાભાઈ, હું આ જ વાત કહેવા માગું છું. કહેવા કરતાં કરવું અઘરું છે એમ કહીને આપણે છટકી જતાં હોઈએ છીએ. એટલે એ અઘરું જ રહે છે. આપણે પ્રયત્ન જ નથી કરતા...”

“સોનલબહેન, તમે અને મનીષા અહીં જ જમી લો... બપોરે આરામ કરીને નિરાંતે સાંજે નીકળજો." જ્યોતિબહેને વિવેક કર્યો.

અચાનક જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ સોનલ ઊભી થઈ ગઈ. એને ઊભી થયેલી જોઈ મનીષા પણ ઊભી થઈ ગઈ. સોનલ તરત જ બોલી, “પેલાં સરોજ આન્ટી રાહ જોતાં હશે. ભાભી, આપણે બે દિવસ રહેવું એમાં કોઈને ગુસ્સે શા માટે કરવાં? ચાલો, આવજો, અર્ચના બાય!' મનીષા જ્યોતિબહેન પાસે ગઈ અને એમના હાથ પકડી લઈને આંખથી જ એમની રજા માગી. પછી અર્ચનાની પીઠ પર હાથ મૂક્યો અને સોનલની પાછળ બહાર ચાલી નીકળી.

નીચે આવ્યા પછી રિક્ષામાં બેઠા પછી સોનલે મનીષાને કહ્યું, “અર્ચના સાથે વાત જામતી હતી ત્યાં જ તારા રડવાનો અવાજ આવ્યો અને વાત અટકી ગઈ...”

“શું કહ્યું અર્ચનાએ?" મનીષાને પણ જાણવાની ઉત્સુકતા હોય એવું લાગ્યું.

“એણે લાંબી વાત નથી કરી... પણ મનીષા, તારે ઉદય સાથે કંઈ પ્રોબ્લેમ હતો?"

“શેનો પ્રોબ્લેમ?" મનીષાએ આંખો ઝીણી કરતાં પૂછયું.

“કંઈ પણ, ફોર એકઝામ્પલ, સેક્સને લગતો કોઈ પ્રોબ્લેમ હોય!” સોનલ સીધી જ મુદ્દા પર આવી ગઈ.

“કોણે તને અર્ચનાએ એવું કહ્યું? શું કહ્યું? એનો અર્થ એ કે ઉદયે અર્ચનાને વાત કરી હતી એ વાત મને નહોતી કરી?" મનીષાના અવાજમાં અણગમો હતો.

“અર્ચનાએ તો એટલું જ કહ્યું કે બંને વચ્ચે કોઈ સેક્સને લગતો પ્રોબ્લેમ હતો."

“શું પ્રોબ્લેમ હતો એ ના કહ્યું?" મનીષા જાણવા માગતી હતી કે અર્ચનાએ ખરેખર શું કહ્યું હતું.

અમારી વચ્ચે આથી વધારે વાત થઈ જ શકી નથી. હવે એ વાત તું પૂરી કર..." સોનલે મનીષાને કહ્યું.

થોડીવાર તો મનીષા કંઈ જ બોલી નહિ. રિક્ષા પૂરપાટ દોડતી હતી. સોનલે કોણી મારીને મનીષા સામે પ્રશ્નસૂચક નજરે જોયું એટલે મનીષાએ કહ્યું, “સોનુ, હું એટલું કન્ફર્મ કરું છું કે, અમારી વચ્ચે સેક્સને લગતો થોડો પ્રોબ્લેમ હતો. પરંતુ ઉદયની આત્મહત્યા માટે એ જ કારણ જવાબદાર હતું એમ હું નથી કહી શકતી...” પછી સહેજવાર અટકીને બોલી, “હવે ઉદય છે નહિ અને એથી એ ચર્ચા કરવાનો અર્થ નથી..." પછી સોનલનો હાથ પકડીને બોલી, "મમ્મી-પપ્પા કે કાકા-કાકીને આવી કોઈ વાત કરતી નહિ. હવે જે વાત પર પડદો પડી જ ગયો છે. એ વાત પરથી પડદો ઉપાડવાની જરૂર નથી...”

સોનલને પણ થયું કે અર્ચના પાસેથી એને જે કંઈ જાણવા મળ્યું હતું એ ખૂબ અધૂરું હતું. અર્ચના પાસે ઉદય આત્મહત્યાની વાત કરી હતી એની પાછળના ચોકકસ સંદર્ભ વિષે પણ અર્ચનાએ કોઈ સ્પષ્ટતા કરી નહોતી. એટલે અત્યારે એણે વાતને પડતી મૂકવાનું અને ફરી વાર અર્ચનાને મળવાનું નક્કી કર્યું. પરંતુ ફરી વાર અર્ચનાને મળવું કઈ રીતે?

વળી પાછો એના મનમાં એવો પણ વિચાર આવ્યો કે ઉદયે જિંદગી ટૂંકાવી દીધા પછી ખરેખર તો આખી વાત પર પૂર્ણવિરામ જ આવી ગયું છે. હવે તો મનીષાએ ઝડપથી સ્વસ્થ થઈને એના ભાવિ જીવન વિષે જ વિચારવાનું છે.

સોનલ અને મનીષા ઘરે ગયાં ત્યારે જમવા માટે એ બંને ની રાહ જોવાતી હતી. સરોજબહેને કહ્યું, “મને તો એમ હતું કે સોનલ જનાર્દનભાઈ સાથે વાતે વળગી હશે અને હવે જમીને આરામ કરીને જ સાંજે જ તમે બંને જણ આવશો...”

“લે, આવી ખબર હોત તો ત્યાં જમી જ લેત. જ્યોતિભાભીએ પણ કહ્યું કે જમીને આરામ કરીને નિરાંતે સાંજે નીકળજો... પણ, મને તમારી બીક લાગી!” સોનલ ચહેરા પર કૃત્રિમ ભયના ભાવ લાવીને બોલી.

“મારી બીક લાગી? હું એવી લાગું છું તને?" સરોજબહેને પણ કૃત્રિમ ગુસ્સો લાવતાં બોલી.

“એવાં લાગતાં તો નથી, પણ..." સોનલ ખચકાઈ.

“પણ શું? કહી નાંખ!” સરોજબહેન તાડૂક્યાં.

“જુઓ, આન્ટી! એવું છે ને મને બે દિવસથી જ તમારો પરિચય છે. એટલે તમારા વિષે હું કોઈ અનુમાન બાંધી લઉં એ બરાબર ન કહેવાય. અને મારું તો માનવું એવું છે કે આખા દરિયાનો સ્વાદ એક ક્ષણમાં જાણી શકાય. પરંતુ માણસનો સ્વભાવ તો આખી જિંદગી સાથે રહ્યા પછી પણ ખબર ન પડે!" સોનલ પાછી એના તત્ત્વજ્ઞાન પર ઊતરી આવી હતી.

પિનાકીનભાઈ પાછળ જ ઊભા હતા. એ વચ્ચે બોલી પડયા, “તારી વાત તો સાચી લાગે છે પણ તું આ કેવી રીતે કહે છે એ જરા સમજાવ!"

સોનલ તરત જ એમના તરફ ફરી અને પોતાની સમજૂતી આપવા માંડી. “જુઓ અંકલ, દરિયો ખૂબ જ મોટો અને વિશાળ હોય છે એ સાચું. પરંતુ દરિયામાંથી ગમે ત્યાંથી એક ચમચી પાણી લઈને ચાખીએ તો પણ આખા દરિયાના પાણીનો સ્વાદ ખબર પડી જાય. જ્યારે માણસનું એવું છે કે દીકરો કે દીકરી વીસ-પચીસ વર્ષનાં થઈ જાય એ પછી પણ ઘણીવાર મા-બાપ કહેતાં હોય છે કે મારે પેટ આવો પથરો ક્યાંથી પાક્યો? મારાં મમ્મી-પપ્પા મારા માટે ઘણીવાર આવું કહે છે!” કહેતાં કહેતાં સોનલ ખડખડાટ હસી પડી. પછી બોલી, “અંકલ, પતિ-પત્ની પણ વીસ વર્ષના લગ્નજીવન પછી ઝઘડતાં હોય ત્યારે પતિ એની પત્નીને કહેતો હોય છે કે મેં તને આવી નહોતી ધારી.” પછી ધીમે રહીને પિનાકીનભાઈના કાનમાં કહ્યું, “તમે પણ ક્યારેક આન્ટીને આવું કહો છો ને?” પિનાકીનભાઈ પણ ખડખડાટ હસી પડયા.

થોડીવારમાં બધાં જમવા બેઠાં. સોનલ અને મનીષા એક જ થાળીમાં જમવા બેઠાં હતાં. ખાતાં ખાતાં મનીષા સહેજવાર અટકી ગઈ એટલે સોનલે એને હચમચાવી નાખીને પૂછયું. “શું વિચારે ચડી ગઈ?”

મનીષા કંઈ બોલી નહિ. સોનલે ફરી એ જ સવાલ પૂછ્યો એટલે મનીષાએ કહ્યું, “જમી લે, પછી હું તને એક વાત કહું છું.”

“જમવાનું કેન્સલ! પહેલાં તારી વાત!” સોનલ થાળી પરથી ઊભી થતી હોય એમ બોલી.

“ના, પહેલાં જમી લે! પછી વાત!" મનીષાએ સત્તાવાહી અવાજે કહ્યું.

સોનલ મનમાં વિચારતી હતી, મનીષાને શું વાત કહેવી હશે? એથી જ એણે ઝટપટ ખાવા માંડયું.