Featured Books
શ્રેણી
શેયર કરો

લીલો ઉજાસ - પ્રકરણ – ૨૦ - તકલીફનો કોઈ ઈલાજ નથી! – દિવ્યેશ ત્રિવેદી

ઉદયના મનમાં હવે ચોવીસે કલાક આ એક જ પ્રશ્ન રમતો હતો. એ વિચારતો હતો કે આવી સમસ્યા આવડી મોટી દુનિયામાં કંઈ એની એકલાની જ નહિ હોય. અનેક લોકો આવી અથવા આના જેવી સમસ્યાઓનો સામનો કરતા જ હશે. વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું છે તો એની પાસે આ સમસ્યાનો પણ કોઈક તો ઉકેલ હશે જ. ઉદય વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો અને એથી એને વિજ્ઞાનમાં કમ સે કમ આટલી તો શ્રદ્ધા હતી જ. એને એ વાતનો પણ અહેસાસ હતો કે આપણા સમાજમાં કોઈ ખુલ્લા દિલે સેક્સની ચર્ચા કરતું નથી અને કદાચ એથી જ આવી સમસ્યા અંગે કોઈને વાત કરતાં સંકોચ થાય છે. એને બાપાજીનું એક વાક્ય યાદ આવ્યું. બાપાજી અવારનવાર કહેતા કે વૈદ્ય અને વકીલ પાસે કશું જ છુપાવવું જોઈએ નહીં. એથી જ હવે એણે જયાં પણ સારવાર માટે જવાનું થાય ત્યાં સંકોચ વિના પોતાની તકલીફ જણાવવાનું નક્કી કર્યું. છતાં મનીષા સાથે કોઈ ડૉક્ટર આ બાબતમાં સવાલ-જવાબ કરે એ વાત હજુય એનું મન સ્વીકારતું નહોતું. એટલે જ એ આ નવી જાહેરખબર તરફ આકર્ષાયો.

કોઈક આઈ. સ્વરાજ નામના ડૉક્ટરની છાપાનું પા પાનું ભરીને જાહેરખબર હતી. એમના નામ પાછળ ડિગ્રીઓનું લાંબું પૂંછડું હતું. કોઈકના કૌંસમાં કેનેડા લખેલું હતું, તો કોઈકના કેસમાં અમેરિકા અને બ્રિટન લખેલું હતું. વળી આ ડૉક્ટરે સેક્સને લગતાં અઢાર પુસ્તકો લખ્યાં હતાં અને પુસ્તક મંગાવનાર પાસે પોતે પુખ્તવયની વ્યક્તિ છે, એવી લેખિત બાંયધરી માંગવામાં આવી હતી. ત્રણ-ચાર જણના અભિપ્રાયો પણ ટૂંકમાં લખવામાં આવ્યા હતા. ક્લિનિકનું પૂરેપૂરું સરનામું અને ફોન નંબર પણ આપવામાં આવ્યા હતાં. ક્લિનિકના ચાર ફોન હતા અને ફેક્સ પણ હતો. નીચે લખ્યું હતું કે, ‘ગવર્નમેન્ટ રજિસ્ટર્ડ.’ આવું બધું જોઈને ઉદયને શ્રદ્ધા બેઠી. એણે મનોમન એક ચાન્સ લઈ લેવાનું નક્કી કર્યું.

સરનામું અમદાવાદનું હતું. ઉદયે બહારથી ફોન જોડ્યો. એને બે દિવસ પછીનો સવારના અગિયાર વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો. મનીષાને કોઈક વહેમ પડયો એટલે એણે કહ્યું, “અમદાવાદ જાઉં છું. થોડું કામ છે અને મને ઈચ્છા થાય છે કે ત્યાં કોઈને પૂછીને જો કોઈ સારા સેક્સોલોજિસ્ટ હોય તો મળતો આવું... અમે ઑફિસના બે-ત્રણ મિત્રો સાથે છીએ. નહિતર તને લઈ જાત...” મનીષા સમજી ગઈ હતી કે ઉદય કામનું તો બહાનું જ કાઢે છે અને જૂઠું બોલે છે. ઉદયને સફાઈદાર રીતે જૂઠું બોલતાં પણ નહોતું આવડતું.

ઉદય અમદાવાદ જઈને સીધો જ સરનામાં પ્રમાણે ક્લિનિક પર પહોંચી ગયો. એ જોઈને જ પ્રભાવિત થઈ ગયો. આખી ક્લિનિક એરકન્ડિશન્ડ હતી. અંદર જતાં જ એક સુંદર છોકરી રિસેપ્શનિસ્ટ તરીકે બેઠી હતી. એણે એક કાર્ડમાં વિગતો ભરી અને કમ્પ્યુટરમાં એની નોંધ કરી. પછી એ કાર્ડ બાજુ પર પડેલી એક ટોકરીમાં નાંખીને બટન દબાવ્યું. એ ટોકરી અંદર જતી રહી અને પાંચ જ મિનિટમાં એક પટાવાળા જેવો માણસ ઉદયને અંદર બોલાવી ગયો. અંદર હારબંધ ચાર કેબિનો હતી અને એના પર જુદા જુદા ડૉક્ટરોની નેમ-પ્લેટ હતી. પહેલી કેબિનમાં બેઠેલા ડૉક્ટરે એનો કેસ હિસ્ટ્રી લખી લીધો અને પછી બીજી કેબિનમાં મોકલ્યો. ત્યાં મોટી લૅબોરેટરી હોય એવું લાગ્યું. જાત જાતનાં સાધનો અને ભીંત પર શરીર રચનાને લગતાં ચિત્રો હતાં. એક કોટ પર ઉદયને સુવાડી એના શરીરે યંત્રો બાંધ્યાં અને એક મશીન પર ગ્રાફ ઉતાર્યા. એ પછી એને સીધો જ સૌથી મોટા ડૉક્ટર આઈ. સ્વરાજ પાસે મોકલ્યો. એ ડૉક્ટર ખૂબ જ પ્રભાવશાળી દેખાતા હતા. એમણે સોનેરી ફ્રેમનાં ચશ્માં પહેર્યા હતાં. વાળ સફેદ અને અડધા કાળા હતા. કોટ-પેન્ટ અને ટાઈ પહેરેલા હતાં. ઉદયની હાજરીમાં જ બે ફોન આવ્યા. કોઈ મોટા માણસો સાથે એમણે વાત કરી હોય એવું લાગ્યું. ઉદયના કેસ-હિસ્ટ્રીના અને ગ્રાફના કાગળો એમની પાસે આવી ગયા હતા. એમણે શુદ્ધ ગુજરાતીમાં કહ્યું, “તમારી સમસ્યાની અમે તપાસ કરી લીધી છે. તમારી સમસ્યા ઘણી ગંભીર છે. તમારે પૂરા બે મહિના સારવાર લેવી પડશે.” એમણે રોગનું એક વિચિત્ર નામ કહ્યું, પણ ઉદયને એ યાદ ન રહ્યું. ડૉક્ટરે કહ્યું કે, “આવી તકલીફો એક હજારે એક જ વ્યક્તિને થતી હોય છે. અત્યાર સુધી આપણે ત્યાં આવી તકલીફની સારવાર થતી નહોતી. બે મહિના પહેલાં હું અમેરિકામાં એક કોન્ફરન્સમાં ગયો હતો ત્યારે ત્યાં આવી તકલીફની સમસ્યાનો એક કેસ રજૂ થયો હતો. તમને ચોક્કસ એનો ફાયદો થશે. દર પંદર દિવસે તમારે અહીં આવીને એક ઈંજેક્શન લેવું પડશે. આ ઈંજેક્શન પરદેશથી મંગાવેલું છે અને એની કિંમત જ પાંચ હજાર રૂપિયા છે. પણ મને ડૉક્ટર તરીકે એક હજાર રૂપિયા કમિશન મળે છે. એટલે મને ચાર હજારમાં પડે છે. હું તમારી પાસે ચાર હજાર જ લઈશ.”

ઉદય બહાર નીકળ્યો ત્યારે રિસેપ્શન પર દવાઓ તૈયાર હતી. સાથે બિલ પણ હતું. બાર હજાર રૂપિયાનું બિલ જોઈને એને સહેજ થડકાર તો થયો. પરંતુ ક્લિનિક જોયા પછી અને ડૉક્ટરને મળ્યા પછી તથા નિષ્ફળતાના અંધકારમાંથી બહાર નીકળવાની તાલાવેલીને કારણે એ બહુ ખચકાયો નહિ છતાં એણે રિસેપ્શન પર પૂછયું, “પંદર દિવસ પછી આવું ત્યારે પણ આટલું જ બિલ થશે?” રિસેપ્શનિસ્ટે ઈન્ટરકોમ પર વાત કરી અને કહ્યું, “આનાથી ઓછું થશે. આ વખતે તો તપાસવાની ફી પણ લીધી છે. આવતી વખતે આઠ હજાર લઈને આવશો તો ચાલશે!”

વડોદરા જઈને ઉદયે મનીષાને બધી વાત કરી. પણ એની વાતમાં ક્લિનિકની ભવ્યતા અને ડૉક્ટરના વખાણ જ મુખ્ય હતાં. મનીષાને એ જ વાતનું દુઃખ હતું કે ઉદય નાહક પૈસાનું પાણી કરતો હતો. કોણ જાણે કેમ પણ એનો અંતરાત્મા સ્વીકારતો નહોતો કે આ ડૉક્ટરથી પણ કોઈ ફાયદો થશે. પણ એણે પોતાની લાગણી દબાવી રાખી.

એક મહિનો અને બે ઈંજેકશન પછી પણ ઉદયને કોઈ લાભ થતો હોય એમ જણાતું નહોતું. આ ડૉક્ટર પાછળ વીસ હજાર રૂપિયા તો એણે ખર્ચી નાંખ્યા હતા. મનીષાએ આગ્રહ કર્યો કે હવે ત્રીજી વાર ડૉક્ટરને મળવા જાય ત્યારે મને સાથે લઈ જજે. હું ડૉક્ટર સાથે વાત કરીશ. મનીષાને સાથે લઈ જવી કે નહીં એની ઉદયને મૂંઝવણ હતી. પરંતુ જે કંઈ બની રહ્યું હતું એ જોતાં એ ના ન પાડી શક્યો અને ત્રીજી વાર મનીષાને સાથે અમદાવાદ લઈ ગયો.

અમદાવાદ આવીને બંને એ રિક્ષા પકડી. ક્લિનિકના દરવાજે સીલ લાગેલું હતું અને બહાર પોલીસનો પહેરો હતો. ક્લિનિક પહેલે માળે હતું. ઉદય અને મનીષા નીચે આવ્યાં અને પાનના ગલ્લાવાળાને સહેજ પૂછપરછ કરી તો એણે કહ્યું કે અહીં તો વર્ષોથી ગોલમાલ ચાલતી હતી. આ ડૉક્ટર આઈ. સ્વરાજ તો બસ-કંડક્ટર હતો અને એને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા પછી એણે આ ધંધો શરૂ કર્યો હતો. એણે બે-ત્રણ આર.એમ.પી. ડૉક્ટરોને નોકરીએ રાખ્યા હતા. એનો અને એના ક્લિનિકનો ભપકો જોઈને લોકો લૂંટાતા હતા. ગઈકાલે રાત્રે જ રેડ પડી છે અને અત્યારે આ લેભાગુ ડૉક્ટર જેલની હવા ખાય છે. તમે જોજો ને, એમાંથીયે એ પૈસા ખવડાવીને છૂટી જશે અને ફરી પાછી એની દુકાન ધમધોકાર ચાલવા માંડશે.

ઉદયને ચક્કર આવતા હોય એવું લાગ્યું. એને ખ્યાલ આવી ગયો કે આ મૃગજળ પાછળ દોડવા જેવી વાત છે. આવી આંધળી દોટમાં એણે લગભગ ત્રીસ હજાર જેવી રકમ ગુમાવી હતી. મનીષા કંઈ બોલી નહિ, પણ એને જે કહેવું હતું એ એણે આંખોથી કહી દીધું. ઉદય પણ એની વાત સમજી ગયો. બંને બ્રિજ પરથી ચાલતાં ચાલતાં નીકળ્યાં. અડધે ગયા પછી ઉદય રેલિંગને અઢેલીને ઊભો રહી ગયો. મનીષાએ એને પૂછયું. “કેમ ઊભો રહી ગયો? શું થયું?”

ઉદય કંઈ બોલ્યો નહિ, પણ એની આંખો ભરાઈ આવી. એણે મનીષાનો હાથ પકડી લઈને દબાવ્યો અને ધીમેથી બોલ્યો, “સૉરી, મોનુ! હવે તું કહીશ એમ જ કરીશું.”

મનીષાએ કહ્યું, "જે ગયું તે ગયું. હવે આપણે જે કરીશું એ વિચારીને જ કરીશું. તને દુઃખ ના થાય અને મનીષા સહકાર નથી આપતી એવું ન લાગે એટલા માટે જ હું ચૂપ હતી!"

બંને સાંજે વડોદરા પાછાં આવ્યાં. બંનેને જે કંઈ બની રહ્યું હતું. એનો અફસોસ હતો. છતાં મનીષાને એ વાતનો આનંદ હતો કે ઉદય બે કડવા અનુભવો પછી સાચા માર્ગે વળ્યો હતો. એને પણ ત્રીસ હજાર રૂપિયા પાણીમાં ગયા એનું દુઃખ હતું.

રાત્રે નયન આવ્યો. આવતાંની સાથે જ બોલ્યો, “આખો દિવસ ક્યાં ગયાં હતાં? હું બે વાર આવી ગયો...”

“કેમ કંઈ ખાસ હતું?" ઉદયે પૂછયું.

“અમારા ઘરનો ઉપરનો માળ તૈયાર થઈ ગયો છે અને કાલે પૂજા રાખી છે. આમ તો ખાસ કોઈને આમંત્રણ આપ્યું નથી પરંતુ મમ્મીએ કહ્યું છે કે ઉદય અને મનીષાને ખાસ બોલાવજે. બંને અહીં જ જમશે... કાલે સાંજે છ વાગ્યે...”

મારે તો કાલે ઑફિસ છે. હું ઑફિસેથી સીધો જ આવીશ. મનીષાને તું લઈ જજે." ઉદયે કહ્યું.

“કેમ? મનીષા એકલી નહિ આવે? હવે તો એણે વડોદરામાં એકલાં ફરવું જોઈએ ને! ખેર, હું લઈ જઈશ." નયને કહ્યું.

“ના, તમે ના આવતા. હું એકલી આવીશ.” મનીષાએ જ કહ્યું.

“ના, તારે એકલા નથી જવાનું. નયન લેવા આવશે.” ઉદયે સત્તાવાહી અવાજે કહ્યું.

બીજે દિવસે સવારે નયન આવીને મનીષાને લઈ ગયો. નયનનાં મમ્મી એને જોઈને ખુશ થયાં. એમણે એને કોઈ કામ કરવા દીધું નહિ. છતાં મનીષા કંઈક ને કંઈક કામ કરતી રહી. બપોરે નયનનાં મમ્મીએ જ કહ્યું, “મનીષા, હવે તું બેસ! ટીવી જો! તારે હવે કંઈ કરવાનું નથી.”

મનીષા ટી.વી. પાસે બેઠી હતી. સામે ફોન પડયો હતો. ફોન જોઈને એને પપ્પા યાદ આવી ગયા. તરત એની નજર બાજુમાં પડેલી ટેલિફોન ડિરેક્ટરી પર પડી. એ ઊભી થઈ અને ડિરેક્ટરી લઈને બેઠી. ડિરેક્ટરીનાં પાનાં ફેરવતી હતી. ડિરેક્ટરીમાં પાછળ યલો પેજિસ સેશન હતું. એણે એ ખોલીને ‘સાઈકોલોજિસ્ટ અને સાઈકિયાટ્રિસ્ટ’નું સેશન કાઢ્યું. જેટલાં નામ હતાં એટલાં વાંચી ગઈ. એક નામ કોઈક અંજના ધારકરનું હતું. નીચે લખ્યું હતું કે ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ. મનીષાને વિચાર આવ્યો કે એકલી જઈને પહેલાં અંજના ધારકરને મળી આવે અને પછી એ સૂચવે એને બતાવવા જઈએ.

ઉદય સાંજે સીધો જે ઑફિસેથી નયનને ઘેર આવ્યો. રાત્રે જમીને મનીષા અને ઉદય પાછાં એમના ફૂલૅટ પર આવ્યાં. મનીષાએ ઘરે આવ્યા પછી અંજના ધારકરને મળવા જવાની વાત કરી. ઉદયને પહેલાં તો ગમ્યું નહિ. એક મહિલા સાઈકોલોજિસ્ટને બતાવવાનો જ એને વાંધો હતો. મનીષાએ એને સમજાવ્યું કે, એને બતાવવાનું નથી. માત્ર કોને બતાવવું એ જ એને પૂછવું છે. છેવટે ત્યારે ઉદય સંમત થયો. પછી બોલ્યો, પણ તું એકલી જઈશ?"

“કેમ? એકલા જવામાં વાંધો છે?” મનીષાએ સામો સવાલ કર્યો.

“વાંધો કશો નથી. પણ તને જડશે?” ઉદયે શંકા વ્યક્ત કરી.

“મારું વડોદરા તારા સસરાના શહેર મુંબઈ જેવડું મોટું તો નથી ને!” મનીષાએ મજાક કરી. ઉદય હસ્યા વિના રહી શક્યો નહિ.

બીજે દિવસે સવારે મનીષાએ બહારથી ફોન કરીને અંજના ધારકરનો સમય લઈ લીધો. સાંજે ચાર વાગ્યાનો સમય મળ્યો હતો. અંજના ધારકરનું ક્લિનિક સયાજીગંજ વિસ્તારમાં આવેલું હતું. મનીષા ચાર વાગ્યે ત્યાં પહોંચી ગઈ. અંજના ધારકર ઉંમરમાં મનીષા જેવડી જ હતી. કદાચ એક-બે વર્ષ મોટી હોય. એણે મુંબઈ યુનિવર્સિટીમાંથી જ સાઈકોલોજીનો અભ્યાસ કર્યો હતો. અંજના ધારકરે મનીષાની પૂરેપૂરી વાત સાંભળ્યા પછી કહ્યું, “તમારી વાત પરથી એવું લાગે છે કે આ કેસ સાઈકોલોજિકલ ઈમ્પોટેન્સીનો છે. જે રીતે આ પ્રોબ્લેમ બહાર આવી રહ્યો છે એ જોતાં એવું લાગે છે કે, કોઈક મજબૂત ગાંઠ મનમાં પડી ગઈ છે. આનો ઈલાજ તો થઈ શકે છે. પરંતુ કદાચ એમાં સારો એવો સમય લાગે. એટલે ધીરજ ગુમાવવાની નહિ.” અંજના ધારકરે કહ્યું કે એ વિશેષ કામ બાળ મનોવિજ્ઞાન પર કરી રહી છે અને સેક્સની સમસ્યાઓનો એને બહુ અનુભવ નથી. એથી એણે તો મુંબઈની પ્રખ્યાત જી.ઈ.એન. હૉસ્પિટલના સેક્સોલોજિસ્ટ ડૉ. સુહાસ પ્રભારીને બતાવવાની સલાહ આપી. એણે કહ્યું કે, આ ડૉક્ટર દેશ- વિદેશમાં જાણીતા છે અને ખૂબ અનુભવી તથા એમના વિષયના નિષ્ણાત છે.

મનીષા સહેજ વિચારમાં પડી. અંજના ધારકરને પૂછયું તો એણે કહ્યું, “મુંબઈ તો કોઈ કારણ મળે તો જ જવાય. અહીં વડોદરામાં અથવા બહુ બહુ તો અમદાવાદમાં કોઈ વિશ્વાસપાત્ર સેક્સોલોજિસ્ટ ન મળે?"

અંજના ધારકરે થોડો વિચાર કર્યો અને પછી કહ્યું, “ડૉ. સુહાસ પ્રભારી અલ્ટીમેટ ઓથોરિટી છે. પણ હમણાં કામચલાઉ ધોરણે કોઈની સલાહ લેવી હોય તો અમદાવાદમાં એક પ્રશાંત સાગર નામના સેક્સોલોજિસ્ટ છે. હું એમને વ્યક્તિગત રીતે ઓળખતી નથી. પણ મેં એમના વિષે ઠીક ઠીક સાંભળ્યું છે. એ આયુર્વેદ પધ્ધતિથી સારવાર કરે છે. તમે એક વાર એમને મળી તો જુઓ. પછી એવું લાગે તો ગમે તેમ કરીને મુંબઈ જઈ આવો!”

મનીષા લગભગ દોઢેક કલાક બેઠી. એણે અમદાવાદના સેક્સોલોજિસ્ટ પ્રશાંત સાગરનો ફોન નંબર અને સરનામું લઈ લીધું. એ ક્લિનિકના પગથિયાં ઊતરી તો સામે ઉદય સ્કૂટર લઈને ઊભો હતો. એને જોઈને મનીષાને આશ્ચર્ય થયું. એણે પૂછયું, “કેમ, આજે વહેલો વહેલો? અંજના ધારકરનું ક્લિનિક શોધી પણ કાઢ્યું?”

“બે કલાક વહેલો નીકળી ગયો અને તારા સસરાનું ગામ મારાથી અજાણ્યું થોડું છે?" ઉદયે એનો જ જવાબ એને પાછો આપ્યો. બંને કમાટીબાગની સામે આવેલી હેવમોરમાં ગયાં. ત્યાં ચણા-પુરી અને આઈસક્રીમ ખાધાં અને વાતો કરી. મનીષાએ એને માંડીને વાત કરી અને પ્રશાંત સાગરને બતાવવાની વાત કરી. ઉદયની ઈચ્છા પણ અમદાવાદમાં એક ચાન્સ લઈ જોવાની હતી. નહિતર પછી છેવટે મુંબઈ જવા પણ એ તૈયાર હતો.

ચાર-પાંચ દિવસ પછી બંને અમદાવાદ ગયાં અને પ્રશાંત સાગરને મળ્યાં. પ્રશાંત સાગરનું ક્લિનિક ડૉ. આઈ. સ્વરાજના ક્લિનિક કરતાં પ્રમાણમાં ઘણું નાનું હતું અને એવો ભપકો પણ નહોતો. આ વખતે ઉદયને આ સાદગી સ્પર્શી ગઈ. ડૉ. પ્રશાંત સાગર ઉંમરલાયક હતા અને એમની વાત કરવાની ઢબ પણ સરસ હતી. એમણે પહેલાં તો ઉદય અને મનીષાને સાંભળ્યા. પછી થોડું વિચાર્યું અને એક સચિત્ર પુસ્તક કાઢીને ઉદયને બતાવ્યું તથા કયા કયા સંભવિત કારણોને લીધે આવું થઈ શકે એ સમજાવ્યું. એમણે મનીષાને બહાર બેસવાનું કહીને ઉદયને તપાસ્યો. પછી મનીષાને પાછી બોલાવી અને કહ્યું, “એમની સમસ્યા માત્ર માનસિક નથી લાગતી. શારીરિક પણ હોય એવું લાગે છે. આપણે એક કામ કરીએ, હું આજે પંદર દિવસની દવા આપું છું. પંદર દિવસ પછી કોઈ ફેર ન જણાય તો આગળની લાઈન ઓફ ટ્રિટમેન્ટ વિચારીશું.” પ્રશાંત સાગરે દવા આપી અને રૂ.૯૫૦/- ફી લીધી. પંદર દિવસ પછી ફરી આવવાનું કહ્યું.

એ પંદર દિવસની દવાએ પણ ખાસ કોઈ અસર ન કરી. શરીરમાં સહેજ સળવળાટ અનુભવાતો હતો. પણ નિષ્ફળતાનું નિવારણ થતું નહોતું. ઉદય હવે ભાંગી પડયો હતો. એને થતું હતું કે, કદાચ એની સમસ્યાનો ઉકેલ ક્યારેય નહિ આવે. એ ખૂબ ઉદાસ થઈ ગયો હતો. મનીષાને પણ ઉદયની આવી સ્થિતિ જોઈને દુઃખ થતું હતું. પરંતુ હાલ એ કશું જ કરી શકે તેમ નહોતી.

એક વાર એ ગુમસુમ બેઠો હતો ત્યારે મનીષા એની પાસે પહોંચી ગઈ અને એને સાંત્વન આપવાનો પ્રયાસ કરવા માંડી. ઉદય રડમસ અવાજે બોલ્યો, “મનીષા, મેં તને બહુ દુઃખી કરી છે. લગ્નના સાડા ત્રણ ચાર મહિના પછી યે આપણે કુંવારા જ છીએ. મને એ વાતનો ખૂબ અફસોસ છે. મારું માને તો મને છોડી દે. હું તને છૂટાછેડા આપવા તૈયાર છું. કોઈક સારો છોકરો શોધીને તું ફરી લગ્ન કરી લે. મને મારા કિસ્મત પર છોડી દે!”

મનીષા તરત જ એને વળગી પડી અને બોલી, “કેમ આવા ગાંડા જેવા વિચારો કરે છે? મને કોઈ અસંતોષ નથી. અસંતોષ હોય તો એટલો જ છે કે તું નકામો દુઃખી થાય છે. મેં તો તારી સાથે છેડો બાંધ્યો છે અને હવે હું એ છેડો છોડવાની નથી. હા, મારાં જતાં રહેવાથી પણ તને સુખ મળવાનું હોય તો મને વાંધો નથી. પણ હું આશાવાદી છું. આજે નહિ તો કાલે, તારો પ્રોબ્લેમ સોલ્વ થશે જ..."

બંને ફરી અમદાવાદ ડૉ. પ્રશાંત સાગરને મળવા ગયાં. પ્રશાંત સાગરે હકીકત જાણીને થોડો વિચાર કર્યો અને કહ્યું, “તમારો પ્રોબ્લેમ, મનોશારીરિક છે. શારીરિક સમસ્યાની માનસિક અસર થઈ છે. આ એક વિષચક્ર છે. મારી દ્રષ્ટિએ આપણી પાસે અત્યારે આનો કોઈ સચોટ ઈલાજ નથી. પરદેશોમાં ઈલાજ શોધાયો છે ખરો, પરંતુ એની અનેક મર્યાદાઓને કારણે એ ઈલાજ પ્રચલિત બન્યો નથી...”

“છતાં કોઈક તો ઈલાજ હશે ને? તમે કહો તો અમે મુંબઈમાં કોઈને બતાવી જોઈએ...” મનીષાએ પ્રશાંત સાગરની નાડ પારખવા માટે પૂછયું.

“હા, તમારે મુંબઈમાં કોઈને બતાવવું હોય તો જી.ઈ.એન. હૉસ્પિટલના સેક્સોલોજિસ્ટ ડૉ. પ્રભારી મારા સારા મિત્ર છે અને ખૂબ અનુભવી તથા જાણકાર માણસ છે. એ તમને સાચી સલાહ આપશે. આપણા આખા દેશમાં હું એમને સેક્સોલોજીમાં અલ્ટીમેટ ઓથોરિટી માનું છું... માનું છું નહિ છે જ!”

હવે તો મનીષાને પણ લાગ્યું કે વહેલી તકે મુંબઈ જઈને ડૉ. સુહાસ પ્રભારીને બતાવવું જોઈએ. ઉદયને પણ એટલો તો વિશ્વાસ બેઠો જ કે છેવટે સાચી જગ્યાએ આવ્યા છીએ.

પરંતુ એના મનમાં જુદી જ ગડમથલ ચાલતી હતી. આખે રસ્તે તો એણે કંઈ કહ્યું નહિ, પણ વડોદરા આવ્યા પછી ઘેર આવતાં જ એ પલંગ પર લાંબો થઈને સૂઈ ગયો ત્યારે મનીષાએ એને ખૂબ આગ્રહ કરીને પૂછયું, ત્યારે એ બોલ્યો, “મનીષા, હું હવે હતાશ થઈ ગયો છું. પ્રશાંત સાગરે છેલ્લી વાત કહી દીધી છે કે તમારી તકલીફનો કોઈ ઈલાજ નથી. પરદેશમાં ઈલાજ હોય તો પણ આપણે પરદેશ જઈ શકીએ એમ નથી!”

“કેમ જઈ શકીએ એમ નથી? મારાં ઘરેણાં વેચી દઈશું. પપ્પા પાસે, મોટાભાઈ પાસે અને પિનુકાકા પાસેથી થોડા ઉછીના લઈશું...” મનીષાએ હજુ પણ પોતાની શ્રદ્ધા ટકાવી રાખી હતી.

“તું ગમે તે કહે હવે મને જાતમાં જ શ્રધ્ધા નથી રહી. મને તો મરી જવાનું મન થાય છે!" ઉદયે એકદમ નાસીપાસ થઈ જતાં કહ્યું.

“મારું માને તો એક વાર આપણે મુંબઈ જઈ આવીએ. કદાચ કંઈક...” મનીષા વાક્ય પૂરું કરે એ પહેલાં ઉદય બોલ્યો, “કંઈ અર્થ નથી!”

મનીષાએ એની સાથે દલીલ ન કરી. પણ હવે ઉદયને મુંબઈ તો લઈ જ જવો છે એવું મનોમન નક્કી કરી નાખ્યું. ઉદયને મુંબઈ લઈ જવા માટે કઈ રીતે તૈયાર કરી શકાય એના વિચારો હવે એના મનમાં ઘોળાવા લાગ્યા.