Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

લીલો ઉજાસ - પ્રકરણ - ૬ - સોનુ અને મોનુની જોડી – દિવ્યેશ ત્રિવેદી

બેલ વાગ્યો એટલે મનહરભાઈએ બારણું ખોલ્યું. ઘડીભર તો એમને એમ જ લાગ્યું કે જાણે એ કોઈ સપનું જ જોઈ રહ્યા છે. સામે સોનુ ઊભી હતી. શું બોલવું એ જ મનહરભાઈને સમજાયું નહિ. મનમાં ઊંડે ઊંડે જેની અપેક્ષા હોય અને એ જ અપેક્ષા નિરાશામાં પલટાઈ ગઈ હોય ત્યારે અચાનક એ જ વ્યક્તિ સામે ઊભેલી દેખાય ત્યારે ક્ષણ વાર તો બુધ્ધિ જ બહેર મારી જાય અને જાણે બધું જ થીજી ગયું હોય એવું લાગે. પરંતુ મૌન રહેવું એ સોનુનો સ્વભાવ નહોતો. એથી એણે જ મનહરભાઈ કંઈ બોલે એ પહેલાં બોલવા માંડયું, “અંકલ, તમે મને જાણ ન કરી એ માટે હું તમારો દોષ કાઢી શકું નહિ. મારું જ ઠામઠેકાણું ન હોય ત્યાં તમે કેવી રીતે જણાવી શકો? એમ આઈ રાઈટ? પણ સમાચાર જાણી લીધા પછી મારાથી રોકાવાય કેવી રીતે? પહેલાં તો હું તમને ફોન કરવાની હતી. ફોન કરવા જ નીકળી હતી. પછી થયું કે પહોંચી જ જાઉં એટલે ફોન ન કર્યો અને ટ્રેનમાં બેસી ગઈ. ઓફ્ફ...ઓ.. શું ગિરદી હતી! મને થાય છે કે આટલા બધા લોકો શું કામ મુસાફરી કરતા હશે? માંડ માંડ બેસવાની જગ્યા મળી. સ્ટેશનેથી સીધી જ અહીં આવી છું. ચા પીવા પણ રોકાઈ નથી. અને હા, પેલી રાસ્કલ મોનુ ક્યાં છે...?"

માંડ માંડ મનહરભાઈને બોલવાનો મોકો મળ્યો હતો. એમણે કહ્યું, “તું બેસ... હું વિનીને બોલાવું!” કહીને એમણે બૂમ પાડી, “વિની, જો તો કોણ આવ્યું છે?" એમનો અવાજ સાંભળીને પિનાકીનભાઈ અને સરોજબહેન બન્ને સાથે બહાર આવ્યાં. એક ક્ષણ તો બંને સોનુને જોઈ રહ્યા. પછી બંને એક સાથે બોલ્યાં, “સોનુ કે?"

સોનુએ જવાબમાં ડોકું ધુણાવ્યું. પિનાકીનભાઈ બોલી પડયા, “કેટલી રાહ જોવડાવી? અમે તો તારી જ રાહ જોતા હતાં...”

“મેં ક્યાં આવવાનું કહ્યું હતું? અરે હા, તમને અંકલના શેઠ પાસેથી ખબર પડી હોવી જોઈએ એમ કહોને... પણ મેં તો એમને ય નહોતું કહ્યું કે હું વડોદરા જવાની છું!” સોનુને વાતનું થોડું આશ્ચર્ય થતું હતું.

“અમે તારી નહિ તારા ફોનની રાહ જોતા હતા.” વિનોદિનીબહેને અંદર આવતાં જ કહ્યું, વિનોદિનીબહેનને જોતાં જ સોનુ એમને વળગી પડી અને પછી ગળામાં હાથ નાખીને બોલી, “આન્ટી, હું તો આખા રસ્તે તમને જ યાદ કરતી હતી.. કેમ એવું પૂછતાં નહિ. પછી કહીશ... પણ મોનુ ક્યાં છે?”

“આવ, મારી સાથે! પછી ચા પીને ફ્રેશ થા અને નિરાંતે મોનુ પાસે બેસ...” આમ કહેતાં કહેતાં એ સોનુને મનીષાના રૂમમાં લઈ ગયાં. રૂમમાં પ્રવેશતાં જ એમણે કહ્યું, “મોનુ, જો તો કોણ આવ્યું છે?”

મનીષાએ નજર ઊંચી કરીને સોનુ તરફ જોયું. વિનોદિનીબહેને જોયું કે મનીષાના ચહેરા પર અચાનક ભાવ ઊપસી આવ્યા હતા અને એની આંખોમાં એક ક્ષણ માટે અનેરી ચમક આવી ગઈ હતી. સોનું એના ખભા પર હજુ લટકાવી રાખેલી હેન્ડ બેગ પલંગ પર ફંગોળીને મનીષાને વળગી પડી અને એના કપાળને ચૂમી લીધું. વિનોદિનીબહેન જોઈ શક્યાં કે મનીષાના ચહેરા પર પણ કોઈ અજબ સંતોષની રેખાઓ ઊપસી આવી હતી. એમને સોનુ અને મોનુનું આજનું આ મિલન અલૌકિક લાગતું હતું.

સહેજ વાર પછી સોનુએ વિનોદિનીબહેન સામે જોયું અને બોલી. “આન્ટી, આઉટ ! હવે અમને બંનેને એકલાં થોડીવાર વાત કરવા દો!”

વિનોદિનીબહેન હાથના ઈશારા વડે “તમે બેસો” એવું કહીને બહાર આવી ગયાં. મનહરભાઈની આંખમાં હજુ પણ આશ્ચર્યના ભાવ હતા. રૂમમાં સોનલ અને મનીષા એકલાં બેઠાં હતાં. પરંતુ સોનલનો અવાજ એટલો મોટો હતો કે બહાર પણ સ્પષ્ટ સંભળાતો હતો. મનહરભાઈ ખાસ તો સોનુને એ કહેવા માગતા હતા કે મનીષાની જીભ પર તાળું લાગી ગયું છે એ તારે ખોલવાનું છે. ગમે તે ચાવી લગાડીને પણ તું એ તાળું ખોલી નાંખ! પરંતુ સોનુએ એમને બોલવાની તક જ આપી નહોતી.

વિનોદિનીબહેન સોનુ માટે ચા બનાવવા ગયાં. સોનુ મનીષાને કહી રહી હતી. “ગઈ કાલે મારી ઈન્સ્ટિટ્યૂટનો ફેશન શો હતો. આલાગ્રાન્ડ શૉ થયો. તું હોત તો તને મજા જ પડી જાત. હું એ શૉમાં અંકલ અને આન્ટીને મારી જોડે લઈ જવાની હતી એટલે... એમને ઈન્વાઈટ કરવા ગઈ હતી. પરંતુ એ લોકો ન મળ્યાં... અને મોનુ. તને એક વાત કહું? મેં શો વખતે સાડી પહેરી હતી.... જિંદગીમાં પહેલીવાર સાડી પહેરી હતી. મને તો એવું વિચિત્ર લાગતું હતું ને... મેં તો અધવચ્ચે જ સાડી બદલી નાંખી અને પાછાં જીન્સ અને ટી-શર્ટ પહેરી લીધાં. પણ પેલી જાડી પરમજિત મને કહેતી હતી કે સોનુ. તું સાડીમાં બહુ જ સરસ લાગે છે... એકદમ બોમ્બ શેલ જેવી... પણ મેં કહ્યું કે, જીન્સ અને શર્ટમાં જ અસંખ્ય લોકો મારી આગળપાછળ ફરે છે તો સાડી પહેરું તો મારે મારી સાથે એમ્બ્યુલન્સ લઈને જ ફરવું પડે..” પછી એના ખડખડાટ હસવાનો અને તાળીનો અવાજ આવ્યો.

પાછું સોનુએ બોલવાનું ચાલુ કર્યું. “અમારી ઈન્સ્ટિટ્યૂટનું હજુ તો આ પહેલું જ વર્ષ છે. પણ જબરદસ્ત રિસ્પોન્સ છે. લોકોને પણ ફેશન ટેકનોલોજીનો જબરો ક્રેઝ છે. મને લાગે છે કે વ્યવસાય પણ માણસની આઝાદી છીનવી લે છે. છતાં મજા આવે છે. પરમજિત થોડી અધીરી છે. પણ મારા સ્વભાવને એ બરાબર સમજી ગઈ છે. એટલે બહુ દખલ કરતી નથી અને મને સ્વતંત્ર રીતે કામ કરવા દે છે. નહિતર આપણું લાંબુ ચાલે નહિ... તને તો ખબર જ છે ને કે આપણાથી કોઈની દાદાગીરી સહન ન થાય...”

એટલામાં વિનોદિનીબહેન ચા લઈને આવ્યાં. સાથે થોડાં બિસ્કિટ પણ લાવ્યાં હતાં. સોનુએ બે-ત્રણ બિસ્કિટ રકાબીમાં મૂક્યાં અને ચામાં બોળીને ખાવા લાગી. વિનોદિનીબહેને સોનુને કહ્યું, “ચા પીને તારે નાહવું હોય તો... પછી તમે બંને નિરાંતે વાતો કરજો...

વિનોદિનીબહેન એ બહાને સોનુ બહાર આવે તો એને કહેવા માગતાં હતાં કે મનીષા બોલતી નથી અને તારે એને બોલતી કરવાની છે. સોનુએ ઈશારાથી કહ્યું કે હું આવું છું. બહાર આવીને વિનોદિનીબહેને મનહરભાઈને ઈશારાથી કહ્યું કે સોનુ હમણાં બહાર આવે છે.

ચા પીવાઈ ગયા પછી સોનુ બહાર આવે એની મનહરભાઈ અને વિનોદિનીબહેન રાહ જોતાં રહ્યાં, પરંતુ સોનુ તો બહાર આવતી જ નહોતી. લગભગ એક કલાકે એ બહાર આવી. પાછી અંદર ગઈ અને મનીષાને કહેવા લાગી, “તારે હવે મને તારી વાત કરવાની છે. હું નહાઈને આવું ત્યાં સુધીમાં નક્કી કરી રાખજે કે તારે શું કહેવાનું છે અને શું નથી કહેવાનું! સમજી ગઈ ને?"

એ જેવી બહાર આવી કે તરત મનહરભાઈએ એને ઈશારાથી બોલાવી અને બહાર વરંડામાં લઈ ગયા. વિનોદિનીબહેન પણ પાછળ આવ્યાં. સોનુને તો ખબર જ નહોતી કે મનીષાએ પણ આપઘાતની કોશિશ કરી હતી અને એ દવાખાનામાં હતી તથા એની જીભ પર તાળું લાગી ગયું છે. સોનલે આ જાણ્યું ત્યારે જ એને એ વાતનો ખ્યાલ આવ્યો કે એ આવી છે ત્યારથી મનીષા એક વાક્ય પણ બોલી નથી. માત્ર એણે પોતે જ બોલ્યા કર્યું છે. એણે આખી વાત સાંભળ્યા પછી મનહરભાઈને કહ્યું, “ડોન્ટ વરી, અંકલ! હું એને આમ લાઈન પર લાવી દઈશ.” એણે ત્રણ વાર ચપટી વગાડીને પોતાનો નિર્ધાર જણાવી દીધો.

સોનલમાં ગજબનો આત્મવિશ્વાસ હતો. એના એ આત્મવિશ્વાસને કારણે જે એ કદાચ આટલી આઝાદ અને બિન્ધાસ્ત હતી. સોનલ અને મનીષા છેક સ્કૂલમાંથી સાથે હતાં. પહેલાં એ આટલી આઝાદ નહોતી. ગભરુ સ્વભાવની છોકરી હોય એવી એની છાપ હતી. પરંતુ કૉલેજમાં આવ્યા પછી એની છાપ બદલાઈ ગઈ હતી. ગ્રેજ્યુએટ થયા પછી એણે એક ખાનગી સંસ્થામાં ફેશન ટેકનોલોજીનો ડિપ્લોમા કર્યો હતો અને પરમજિત કૌર સાથે પોતાની ખાનગી ફેશન ટેકનોલોજીની સંસ્થા શરૂ કરી હતી. પરમજિત કૌરના પતિ લશ્કરમાં કેપ્ટન હતા. કાશ્મીરમાં ફરજ પર હતા ત્યારે ત્રાસવાદીઓના ગ્રેનેડ હુમલામાં એ માર્યા ગયા હતા. પરમજિતને એક પુત્ર હતો, જે લશ્કરી એકેડેમીમાં લશ્કરની તાલીમ લઈ રહ્યો હતો. પરમજિત પાસે સારા પૈસા હતા. સોનલના સંપર્કમાં આવ્યા પછી એને લાગ્યું કે આ છોકરી સાથે સાહસ ખેડી શકાય તેમ છે. સોનલ કોઈ મૂડી રોકવાની નહોતી. એણે માત્ર મહેનત જ કરવાની હતી. ઇન્સ્ટિટ્યૂટ શરૂ કર્યાને હજુ છ જ મહિના થયા હતા. છતાં આટલા ટૂંકા ગાળામાં એ જાણીતી થઈ ગઈ હતી.

સોનલ નાહીને તૈયાર થઈને મનીષાના રૂમમાં ગઈ. એ બંને વચ્ચે શું વાતચીત થાય છે એ સાંભળવામાં મનહરભાઈને રસ હતો. એથી જ એ ખુરશી થોડી સરકાવીને મનીષાના રૂમની નજીક લઈ જઈને બેઠા. સોનુ કહેતી હતી, “મોનુ, અત્યાર સુધી મેં જ બોલ્યા કર્યું છે. હવે તારે બોલવાનું છે. જો તું નહિ બોલે તો હું તારું મર્ડર કરી નાખીશ....” પછી જોરથી હસી. થોડીવાર એમની વચ્ચે મૌન પથરાયેલું રહ્યું. પાછી સોનલ બોલી, “મોનુ, તને યાદ છે. કૉલેજમાં આપણા વિષે શું કહેવાતું હતું? સોનુ-મોનુની જોડી, કોઈ ના શકે તોડી. તેં કદાચ ઉદયને લગ્ન પહેલાં આ વાત નહીં કરી હોય. નહીંતર એ તારી સાથે જોડી બનાવત જ નહીં... જો, મારી સાથે કોઈ જોડી બનાવે છે?"

મનીષા કંઈક બોલે એ માટે એણે થોડી રાહ જોઈ પરંતુ મનીષા કંઈ જ બોલી નહિ એટલે સોનુએ જ કહ્યું, “જો મોનુ. એક વાત સમજી લે. જે બન્યું છે એ બન્યું છે. આપણે ગમે એટલા ધમપછાડા કરીએ તો પણ એમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. મારો કહેવાનો મતલબ એ છે કે જે બની ગયું છે એનો અફસોસ કર્યા કરીએ તો જીવી જ શકાય નહીં અને તને એક વાત કહું? માણસે જેટલું યાદ રાખતાં શીખવું પડે છે એટલું જ ભૂલી જતાં પણ શીખવું પડે. જો સમજ. આપણા અત્યાર સુધીના જીવનમાં જે કંઈ નાની મોટી ઘટનાઓ બની છે એ બધી જ આપણને એવી ને એવી યાદ હોત તો આપણું શું થાત? આપણે ગાંડાની હૉસ્પિટલમાં જ હોત... કદાચ આખી દુનિયા જ ગાંડાની હૉસ્પિટલ જેવી હોત! હવે મારી વાત સમજવાનો પ્રયત્ન કર... જે નથી થયું એનો જ અફસોસ કરવો જોઈએ. જે થઈ ગયું છે એનો અફસોસ કરવાનો કોઈ અર્થ નથી... જે થઈ ગયું છે એને પાછું યાદ કરીએ ત્યારે એની પાછળ આપણો આશય એટલો જ હોવો જોઈએ કે આપણે એની અસરમાંથી કઈ રીતે બહાર આવી શકીએ અને ફરી વાર એવી કોઈ પણ પરિસ્થિતિ બનવા ન દઈએ.”

સોનલ બોલ્યે જ જતી હતી. મનીષા ચૂપ જ હતી. સોનલે કહ્યું, મારે માત્ર એટલું જ જાણવું છે કે તમારી વચ્ચે એવું શું બન્યું હતું ઉદયે આવું એક્સ્ટ્રીમ પગલું ભર્યું?” મનીષા તરફથી કોઈ ઉત્તર ન મળ્યો એટલે સોનલે સીધો જ પ્રશ્ન કર્યો, “તમારી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો?"

“... ... ... ...”

“તમારે બીજી કોઈ સમસ્યા હતી? પૈસાની કે એવી બીજી કોઈ સમસ્યા....?”

“... ... ...”

“તેં કોઈ વાતે એનું અપમાન કર્યું હતું? એનો અહમ્ ઘવાય એવું વર્તન કર્યું હતું?"

“... ... ...”

“તેં એને નિરાશ કર્યો હતો....?"

“... ... ...”

મનીષાએ સોનલના એક પણ પ્રશ્નનો જવાબ ન આપ્યો. સોનલની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોય તો મનીષા પર ખિજાઈ જ જાય. પરંતુ સોનલે સહેજ વાર રહીને ખૂબ જ સ્વસ્થતાથી કહ્યું, “જો મોનુ, તું એક પણ પ્રશ્નનો જવાબ આપતી નથી એ પરથી હું એમ સમજું છું કે તારે મને કહેવું નથી. આઈ ડોન્ટ માઈન્ડ... મને એનો વાંધો પણ નથી. એનું કારણ એ છે કે ઘણીવાર આપણને એવું લાગે છે કે સાચી વાત કહી શકાતી નથી. કારણ કે એ કહેવા જઈએ કે તરત ખોટી થઈ જતી હોય છે. હું માનું છું કે... ધેટ વ્હિચ કેન નોટ બી સેઈડ, શૂડ નોટ બી સેઈડ.... જે કહી શકાતું ન હોય તે ન જ કહેવું જોઈએ... અચ્છા ચલ. મને એટલું જ કહે કે તું ઉદયને ખરેખર પ્રેમ કરતી હતી? એને સાચા દિલથી ચાહતી હતી કે પછી એ પતિ હતો એટલે જ....?"

મનીષાએ જવાબ તો ન જ આપ્યો. પરંતુ ઈશારાથી એણે સોનલને બારણું બંધ કરવા કહ્યું હોય એવું લાગ્યું. સોનલે બારણાને જોરથી ધક્કો માર્યો. બારણું ધબ્બ કરતું બંધ થઈ ગયું હવે સોનલનો થોડો અવાજ તો આવતો હતો. પરંતુ કશું જ સ્પષ્ટ સંભળાતું નહોતું.

મનહરભાઈ ઊભા થઈને પિનાકીનભાઈ પાસે આવ્યા. એ બેઠા એટલે પિનાકીનભાઈએ કહ્યું, “આ છોકરી અટક્યા વગર બોલે છે એ સાચું, પરંતુ મને લાગે છે કે, સોનલ જ એને બોલતી કરી શકશે.”

“એવું તને શેના પરથી લાગે છે?" મનહરભાઈના મનમાં બહુ આશા બંધાતી નહોતી.

છતાં પિનાકીનભાઈએ પોતાનો તર્ક લડાવ્યો. “સોનલ પચાસ વાક્યો બોલે અને મનીષા એક જ વાક્ય બોલે તો પણ ઘણું છે. સોનલ પાંચસો વાક્યો બોલતાં પણ થાકે એવી નથી. મનીષાને દસ વાક્યો તો બોલવા જ પડશે!"

“પણ અત્યાર સુધી સોનલ પાંચસો નહિ, હજાર વાક્યો બોલી ગઈ હશે. હજુ મનીષા એક પણ વાક્ય બોલી નથી...” મનહરભાઈનું ગણિત સ્પષ્ટ હતું.

“આ તો શાસ્ત્રીય સંગીત શરૂ થાય એ પહેલાં તબલાં સાથે સિતારના તાર મેળવવા જેવું છે.... તું જોયા કર ને!” પિનાકીનભાઈ પૂરેપૂરા આશાવાદી હતા.

લગભગ બાર વાગવા આવ્યા હતા. રસોઈ તૈયાર થઈ ગઈ હતી. વિનોદિનીબહેન થાળી પીરસીને મનીષાના રૂમમાં ગયાં. તરત જ સોનલ બોલી ઊઠી, “આન્ટી, અમે બંને બહાર જ આવીએ છીએ. રસોડામાં બધાં સાથે જ જમીશું...”

“મનીષા આવે છે... તું પણ?" વિનોદિનીબહેનને જરા આશ્ચર્ય હતું. એ આશ્ચર્યનો ગુણાકાર કરતી હોય તેમ મનીષા જ બોલી. “હા, મમ્મી! હું આવું છું!"

વિનોદિનીબહેને તરત જ થાળી ટિપોય પર મૂકી દીધી અને મનીષાને વળગી પડયા. મનીષા પણ એમની કમર ફરતે હાથ વીંટાળીને એમને સહેજ વળગી. વિનોદિનીબહેનની આંખો છલકાઈ ગઈ અને એ સોનલ સામે આભારવશ નજરે જોઈ રહ્યાં.

બધાં જ સાથે જમવા બેઠાં. સોનલનું બોલવાનું તો ચાલુ જ હતું. સરોજબહેન ઔપચારિકતા ખાતર સોનલને પૂછયું. “બોલ, સોનલ! તને શું ભાવે છે? રાત્રે આપણે તને ભાવતી વસ્તુ બનાવીએ...”

“આન્ટી, મારા માટે ભાવવા અને નહિ ભાવવાનો પ્રશ્ન જ નથી... હું તો બધું જ આનંદથી ખાઉં છું.... ખાવાનું મળે એ જ મારા માટે સૌથી મોટો આનંદ છે. શું કહે છે મોનુ?"

મનીષાએ સંમતિ સૂચક ડોકું ધુણાવ્યું. સરોજબહેન એક ડગલું આગળ વધ્યાં અને મનીષાને પૂછયું, “બોલ, મનીષા! સાંજે તું કહે તે બનાવીએ!"

મનીષાએ કંઈ જવાબ ન આપ્યો એટલે સોનલે એને કહ્યું, “મને પૂછયું તો મેં મારો જવાબ આપી દીધો. હવે તું જવાબ આપ!"

મનીષા એની સામે જોઈ રહી. પછી ધીમે રહીને બોલી, “ખીચડી!"

સરોજબહેને કહ્યું, “ચાલો આજે ખીચડી!"

“પણ તમને ફાવશે?" મનીષાએ પૂછયું.

“તું બોલી એટલે અમારા માટે તો ખીચડી કંસાર કરતાં પણ વધારે છે!” સરોજબહેનને પણ મનીષા ધીમે ધીમે બોલતી થઈ હતી એનો આનંદ હતો.

બપોરે જમીને બધાં આરામ કરવા માટે આડાં પડયાં. મનીષા અને સોનલ પાછાં એમના રૂમમાં ભરાઈ ગયાં. મનીષા બોલતી થઈ હતી એનો સૌ કોઈને આનંદ હતો. સાડા ચારે સરોજબહેને ચા બનાવી. આટલા દિવસમાં પહેલી જ વાર મનીષા બહાર આવીને સોફામાં બેઠી. ચા પીતાં પીતાં એણે જ પૂછયું, “મોટાભાઈ પાસે તમે લોકો આજે જવાના છો?"

“હા, આજે સાંજે! રાત્રે...! તું આવીશ?” પિનાકીનભાઈએ પૂછી લીધું.

મનીષા જવાબ આપવાને બદલે સોનલ સામે જોવા લાગી. સોનલે જ કહ્યું, “રાત્રે તો તમે પાછાં આવશો ને? અમે બંને અહીં જ રહીશું...”

જનાર્દનભાઈ પાસે જવાનું હતું. એથી બધાંએ સાડા સાતે જમી લીધું. બધાં જમવા બેઠાં હતાં ત્યાં જ નયન આવ્યો. મનહરભાઈએ સોનલને ઓળખાણ આપતાં કહ્યું, “આ નયન છે. ઉદયકુમારનો ખાસ મિત્ર. અમારી સાથે ને સાથે રહ્યો છે. અને નયન, આ સોનલ... મોનુની ફાસ્ટ ફ્રેન્ડ... મોનુની એક માત્ર ફ્રેન્ડ.”

સોનલ જોરથી બોલી, “એક જાન હૈ હમ...”

નયનને લાગ્યું તો ખરું કે સોનલને ઉદય અને મનીષાનાં લગ્નમાં જોઈ હતી. પરંતુ આ જ સોનલ હશે એવો એ વખતે એને ખ્યાલ નહોતો. છતાં એ કંઈ બોલ્યો નહિ. જમ્યા પછી મનીષાએ જ નયનને કહ્યું, “સૉરી, ગઈકાલે હું તમારી સાથે વાત ન કરી શકી. આઈ એમ રિયલી સૉરી!”

નયને તરત જ હસીને કહ્યું, “અત્યારે તું આટલું બોલી એનાથી ગઈકાલનું સાટું વળી ગયું!”

મનહરભાઈએ નયનને કહ્યું, “તારે થોડી ખીચડી ખાવી હોય તો...! પછી અમારી સાથે આવવાનું છે. અમે બધાં જનાર્દનભાઈને મળવા જઈએ છીએ...”

“મનીષા પણ આવે છે?" એણે સહેજ આશ્ચર્ય સાથે પૂછયું.

“ના, એ અને સોનલ હજુ વાતો કરશે. બંને અહીં જ રહેશે.” પિનાકીનભાઈએ જવાબ આપ્યો.

બધાં જનાર્દનભાઈને ત્યાં પહોંચ્યાં ત્યારે સાડા આઠ થઈ ગયા હતા. મહારાજ આવી ગયા હતા. એમની પાસે યજ્ઞ માટે જરૂરી વસ્તુઓની યાદી લઈ લીધી અને કેટલીક વસ્તુઓ લાવવાનું કામ નયનને સોંપી દીધું. જનાર્દનભાઈનાં પત્ની જયોતિબહેને ચા બનાવી. મનહરભાઈએ સોનલની અને મનીષા થોડું થોડું બોલતી થઈ એની વાત કરી. એ વાત પર મનીષા અને ઉદયની વાત આગળ ચાલી. ફરી ફરી બધાંને આશ્ચર્ય એ વાતનું જ હતું કે ઉદયે આવું આત્યંતિક પગલું શા માટે લીધું હશે?

પિનાકીનભાઈએ સહજ પૂછયું. “એને કોઈ આર્થિક સમસ્યા તો ઊભી થઈ નહોતી ને?"

જનાર્દનભાઈ સહેજ વિચારીને બોલ્યા, “મને એક વહેમ તો પડે છે... કદાચ આર્થિક સમસ્યા ઊભી થઈ હોય એવું બને. પાછો એ કોઈની સાથે દિલ ખોલીને વાત પણ કરે એવો નહોતો!”

નયન, તને હજુય કોઈ સંભાવના દેખાય છે? એને કોઈ આર્થિક સમસ્યા હતી ખરી?” પિનાકીનભાઈએ નયનને પૂછયું.

નયને જવાબ આપ્યો. “એવું હોય તો પણ એણે કોઈ દિવસ કહ્યું નથી, મોટાભાઈ. તમને શેના પરથી એવું લાગે છે?"

“વચ્ચે એક વાર એ અને મનીષા ડભોઈ આવ્યા હતાં. મનીષા રસોડામાં એની ભાભી સાથે હતી અને અમે બે ભાઈ બહાર ઓસરીમાં બેઠા હતા ત્યારે એણે વાત વાતમાં કહ્યું હતું કે મોટાભાઈ, હું શૅરબજારમાં હાથ અજમાવવા વિચારું છું. ગુમાવવાનું કશું નથી, કમાવવાનું જ છે. ત્યારે મેં એને કહ્યું હતું કે, શૅરબજારમાં કમાવવાનું કશું નથી, ગુમાવવાનું જ છે. પછી એ કંઈ બોલ્યો નહોતો. પણ મને આ વાત અત્યારે યાદ આવે છે અને મને એવો વહેમ પડે છે કે કદાચ એણે શૅરબજારમાં કોઈ મોટું સાહસ કરી નાખ્યું હોય, વાયદાનો વેપાર-બેપાર કરી નાખ્યો હોય અને ભરાઈ પડયો હોય!”

“હા, મને પણ કંઈક યાદ આવ્યું. એક વાર ઉદયે મને કહ્યું હતું કે એની સાથે કામ કરતા બીજા એક કેમિસ્ટને શૅરબજારમાં દોઢ લાખનો ફાયદો થયો હતો!” નયનને પણ અચાનક એ વાત યાદ આવી ગઈ.

લગભગ બધાંના મનમાં આ તર્ક બેસતો હતો કે, ઉદયે આર્થિક દબાણ હેઠળ આવીને જ આવું પગલું ભર્યું હોવું જોઈએ.

અચાનક જ્યોતિબહેન બોલ્યાં, “આ અર્ચના કહે છે કે ભાઈએ કેમ આત્મહત્યા કરી એનું ખરું કારણ એ જાણે છે!”

બધાંની નજર અર્ચના પર મંડાઈ. સૌ કોઈ અર્ચનાને સાંભળવા ઉત્સુક હતાં. અર્ચના કંઈક કહે તો ઉદયની આત્મહત્યાના રહસ્ય પરથી પડદો ઊપડે.