Lilo Ujas – Chapter – 9 Whose property is of Uday – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

લીલો ઉજાસ - પ્રકરણ – ૯ – ઉદયની મિલકત કોની – દિવ્યેશ ત્રિવેદી

જમીને સોનલ અને મનીષા એમના રૂમમાં આવ્યાં. પલંગ પર બેસતાં જ સોનલે કહ્યું. “બોલ, શું વાત કરતી હતી?"

“ઊભી તો રહે, આટલી ઉતાવળ શેની કરે છે?" મનીષાએ કૃત્રિમ ચીડ સાથે કહ્યું.

“હું બેઠી છું તો તને વાંધો છે કે ઊભા રહેવાનું કહે છે?" સોનલે મનીષાને હાથ પકડીને પલંગમાં બેસાડી દીધી.

“આઉચ ... સાવ જંગલી જેવી જ છે!” કહેતાં મનીષા પલંગ પર ગોઠવાઈ ગઈ.

“ચાલ, બોલ! હું સાંભળવા તૈયાર છું...” સોનલે ટટ્ટાર બેસતાં કહ્યું.

“સોનું, મને એવો વિચાર આવ્યો કે આ ફ્લૅટ ઉદયના નામે છે. એનો એક વીમો પણ છે. એના પી.એફ.ના પણ કદાચ દસ-પંદર હજાર રૂપિયા આવશે. કાયદેસર રીતે તો એ બધું મને જ મળે ને?"

“હાસ્તો, વળી! પણ મને લાગે છે કે આત્મહત્યાના કિસ્સામાં વીમા કંપની ક્લેઈમ નહિ આપે. કદાચ ભરેલા પૈસા બોનસ અને વ્યાજ સાથે આપે!” સોનલે પોતાની સમજ મુજબ જવાબ આપ્યો.

“મારા મનમાં એવું છે કે મારે એમાંથી કશું જ જોઈતું નથી. મને જે કંઈ મળવાનું હોય એ બધું જ હું અર્ચનાના નામે કરી દેવા માગું છું. એનાં લગ્ન થાય એ પછી બધું જ એને મળે એવું કરવા માંગું છું... એનો ભાઈ હોત તો એને માટે કંઈક કરત જ ને!" મનીષા આટલું કહેતાં કહેતાં સહેજ ભાવવાહી થઈ ગઈ.

સોનલે કંઈ જવાબ ન આપ્યો. એને ચૂપચાપ બેઠેલી જોઈ મનીષાએ કહ્યું, “કંઈક તો બોલ! હું બરાબર વિચારું છું કે નહિ? તને શું લાગે છે?"

જો મનીષા, આ પ્રશ્ન તારો એકદમ અંગત છે. અને રૂપિયા પૈસાની બાબતમાં હું એકદમ અનાડી છું. ટોટલ ઈડિયટ! એટલે હું તને આ બાબતમાં કોઈ અભિપ્રાય આપું એ કરતાં તું અંકલ અને આન્ટી સાથે જ વાત કર. હું એમને બોલાવું!” સોનલે સ્પષ્ટ જવાબ આપી દીધો.

મનીષાના જવાબની પરવા કર્યા વિના એ ઊભી થઈ અને મનહરભાઈ તથા વિનોદિનીબહેનને બોલાવવા ગઈ. બંને આવ્યાં એટલે સોનલે જ એમને મનીષાના મનની વાત કહી અને પોતાનો અભિપ્રાય પણ જણાવી દીધો. મનહરભાઈ પહેલાં તો કશું બોલ્યા નહિ. પછી એક ઊંડો શ્વાસ લઈને બોલ્યા, “બધું મળીને સહેજે પાંચ-છ લાખની રકમ થશે. મનીષા, એકદમ નિર્ણય લેવાને બદલે થોડું શાંતિથી વિચારીને નિર્ણય લે તો સારું!" વિનોદિનીબહેને પણ એમની વાતમાં ડોકું ધુણાવ્યું.

“આમાં વિચારવા જેવું શું છે, પપ્પા? મેં શાંતિથી વિચારીને જ નિર્ણય લીધો છે. એની સાથેના છ મહિનાના સંબંધમાં હું એની મિલકતની માલિક બની જાઉં એ વાત જ મને ગળે ઊતરતી નથી...” મનીષા દરેક શબ્દ પર ભાર મૂકતી હતી.

મનહરભાઈએ બૂમ પાડીને પિનાકીનભાઈને બોલાવ્યા. એ આવ્યા એટલે એમને વાત કરી. એમણે પણ મનહરભાઈ જેવો જ અભિપ્રાય આપ્યો. એમણે તો એમ પણ કહ્યું કે, એકવાર લગ્ન થઈ જાય એ પછી પતિની સંપૂર્ણ મિલકત પર પત્નીનો જ અધિકાર સ્થપાઈ જતો હોય છે. એટલે એ બધું તને મળે એમાં કશું ખોટું નથી. હું તો માનું છું કે અર્ચના કે જનાર્દનભાઈ પણ એમાં વાંધો નહિ લે!

મનહરભાઈ તરત બોલ્યા, “જનાર્દનભાઈએ પણ મને કહ્યું હતું કે, ઉદયનું બધું જ મનીષાનું છે અને અમારે એમાંથી કશું જ જોઈતું નથી. પણ મેં એમને કહ્યું હતું કે, મનીષા ભાનમાં આવે એ પછી આ અંગે નિરાંતે વાત કરીશું. પણ મનીષા, તને વાંધો શું છે? તારે અર્ચનાને એમાંથી કઈ પણ આપવું હોય તો એનાં લગ્ન થાય ત્યારે આપજે ને! અત્યારથી એની ચિંતા કરવાની શી જરૂર છે?”

“જે પછી કરવું છે એ આજે કરવામાં શું વાંધો છે? મારે એના પૈસા જોઈતા નથી. તમારે જોઈએ છે?” મનીષા સહેજ ઊંચા અવાજે બોલી.

મનહરભાઈને સહેજ ગુસ્સો તો આવી ગયો, પણ એમણે સ્વસ્થતા જાળવી રાખી અને બોલ્યા, “મારે પૈસા જોઈએ છે એવું હું નથી કહેતો તો મારે નથી જોઈતા એમ પણ હું નથી કહેતો. હું તારા ભવિષ્યનો વિચાર કરીને કહું છું.... સોનલ, તું શું કહે છે? તું પણ કંઈક બોલ, અને મનીષાને સમજાવ.” મનહરભાઈને હવે સોનલનું મૂલ્ય થોડું સમજાતું હતું. ખરેખર તો એ સોનલને લગભગ બાળપણથી ઓળખતા હતા. પરંતુ આ વખતે પહેલીવાર થોડો નજીકથી એનો પરિચય થયો હતો.

અત્યાર સુધી શાંત બેસી રહેલી સોનલ પણ ખરેખર તો ક્યારની કંઈક બોલવા માગતી હતી. ચૂપ રહેવું એ એના સ્વભાવને અનુકૂળ નહોતું. એણે એક નજર બધાં તરફ નાખીને પછી ઊંડો શ્વાસ લેતાં બોલી, “અંકલ, તમે તમારી રીતે સાચા હશો, પણ મનીષાની રીતે સાચા નથી. હું તો એવું માનું છું કે, ભવિષ્યમાં મનીષાના જીવન પર ઉદયની મિલકતનો કોઈ અદ્રશ્ય ભાર હોય એ પણ યોગ્ય નથી. એના કરતાં એણે અર્ચનાને બધું આપીને હળવા થઈ થવાનો જે વિચાર કર્યો છે એને આપણે બધાંએ ઊંડાણથી સમજવાની જરૂર છે... અને તમે કહો છો કે તમને એના ભવિષ્યની ચિંતા છે, પણ એક વાત કહું? મારી દ્રષ્ટિએ આપણે માણસો જ એકલા એવા છીએ જે ભવિષ્યની ચિંતા કરીએ છીએ. આ જગતમાં બીજું કોઈ ભવિષ્યની ચિંતા કરતું નથી. મારો તો નિયમ છે કે, હું આજની જ ચિંતા કરું છું. કાલ આપણે જોઈ નથી અને આજ આપણી નજર સામે છે... અને તમને એવી ખાતરી છે કે કાલ માટે કરેલી કોઈ પણ વ્યવસ્થા કાલે કામ લાગવાની જ છે?” સોનલ એકી શ્વાસે બોલી ગઈ અને પછી મનીષા તરફ જોવા લાગી.

તરત જ મનીષા બોલી, સોનલ કહે છે એવું મેં વિચાર્યું નહોતું. પણ મારા મનમાં ઊંડે ઊંડે આ જ વાત હતી...

“મનહર, સોનલની વાત પણ સાચી લાગે છે... હજુ પંદર દિવસ પહેલાં એવી કલ્પના પણ હતી કે આવું બધું વિચારવાનો સમય આવશે?” પિનાકીનભાઈ સોનલની કોઈ પણ વાતથી ખૂબ જલ્દી પ્રભાવિત થઈ જતા હતા.

પિનાકીનભાઈની વાતનો મનહરભાઈ કોઈ જવાબ આપે એ પહેલાં સોનલ બોલી ઊઠી, “અંકલ, મને લાગે છે કે મનીષા મારો અને તમારો અભિપ્રાય જાણવાનું નાટક જ કરી રહી છે. હકીકતમાં તો એણે એનો નિર્ણય કરી જ લીધો છે અને આપણને એ માત્ર નિર્ણયની જ જાણ કરી રહી છે.”

મનીષા એકદમ ગુસ્સામાં આવી ગઈ અને સોનલને પીઠ પર બે-ત્રણ ધબ્બા ફટકારી દેતાં બોલી, “ઓય, કેમ પાટલી બદલે છે? શરમ નથી આવતી?”

સોનલ સહેજ ખસી જતાં બોલી, “પાટલી બદલવાનો સવાલ જ નથી. તારી જાતને જરા પૂછી જો કે હું ખોટું કહું છું? અને તું શરમની વાત કરે છે તો તને ખબર જ છે કે, જે સાચું હોય એ કહેવામાં મને ક્યારેય શરમ નથી આવતી.”

“જોઈ બહુ મોટી રાજા હરિશ્ચંદ્ર થવા જાય છે તો!” મનીષા મોં વાંકું કરતાં બોલી.

“સાચું કોને કહેવાય એ તને ખબર છે? હું જે માનતી હોઉં અને મને જે બરાબર લાગતું હોય એ મારા માટે સારું!” સોનલે સત્યની પોતાની વ્યાખ્યા આપી. પિનાકીનભાઈને એની એ વ્યાખ્યા ગમી ગઈ.

મનહરભાઈ કંઈ બોલ્યા નહિ, પણ આખી વાતે જે રીતે વળાંક લીધો હતો એથી એ બહુ ખુશ નહોતા. એમણે એટલું જ કહ્યું , “છેવટનો નિર્ણય તારે જ લેવાનો છે. એટલે ફરી વાર એટલું જ કહું છું કે, જે કરે તે વિચારીને કરજે...” મનહરભાઈ આટલું બોલ્યા ત્યાં બેલ વાગ્યો. સરોજબહેને બારણું ખોલ્યું. નયન આવ્યો હતો. મનહરભાઈએ એને મનીષાના નિર્ણયની વાત કરી. નયન એટલું જ બોલ્યો, “આ બાબતમાં મારાથી કંઈ પણ બોલાય નહિ. હું તો એટલું જ સમજું છું કે ઉદયની બધી જ મિલકત ઉપર મનીષાનો અધિકાર છે. એથી એ મિલકતનો કેવો વહીવટ કરવો એ પણ એણે જ નક્કી કરવાનું છે.” પછી નયને સોનલ તરફ ફરીને કહ્યું, “કેમ છો? મને તમારી સાથે તો વાતો કરવાનો મોકો જ નથી મળ્યો!"

“નસીબદાર છો!” સોનલે આંખો નચાવતાં કહ્યું.

“કેમ? નસીબદાર છું એટલે?” નયને એની વાતનો અર્થ ન સમજાયો હોય તેમ પૂછયું.

“એટલે મારી વાતોમાં દમ નથી હોતો. તમે બોર થવામાંથી બચી ગયા એટલે મારો આભાર માનો!” સોનલે ઠાવકાઈથી કહ્યું.

“સાવ બોર છે!" મનીષા સોનલ તરફ મોં મચકોડીને બોલી.

“એમ, રાસ્કલ! મને બોર કહે છે? હું તને બોર કરું છું? તો આ ચાલી...” કહીને એ પલંગ પરથી ઉભી થઈ ગઈ. મનીષાએ એનો હાથ ખેંચ્યો અને બેસાડી દીધી.

સાંજે સોનલ, નયન અને મનીષા બહાર નીકળ્યાં. મનીષા બહાર જવા રાજી નહોતી. પરંતુ સોનલ અને નયનના આગ્રહ સામે એને ઝૂકી જવું પડયું. યુનિવર્સિટી તો લગભગ બંધ થઈ ગઈ હતી. છતાં સોનલને એમ.એસ. યુનિવર્સિટી જોવી હતી. યુનિવર્સિટીમાં ચક્કર લગાવતાં જ લગભગ દોઢ કલાક નીકળી ગયો. ત્યાંથી ત્રણેય જણ કમાટી બાગ આવ્યાં. નયને સૂચન કર્યું, “આપણે પ્લેનેટોરિયમ જઈએ.” સોનલે સંમતિ આપી. ત્રણેય પ્લેનેટોરિયમમાંથી આકાશ-દર્શન કરીને બહાર આવ્યાં એટલે સોનલે કહ્યું, “મજા આવી ગઈ! મને તો કોઈક જુદી જ અનુભૂતિ થઈ!"

“કેવી અનુભૂતિ થઈ?" નયને જિજ્ઞાસાથી પૂછયું.

“બહારના બ્રહ્માંડનું દર્શન કરતી વખતે મને એમ જ લાગતું હતું કે, હું મારા શરીરને જ જોઈ રહી છું. મારી અંદર પણ જાણે મિનિ-બ્રહ્માંડ જ છે. આપણે આકાશ જ છીએ ને?"

નયનને એની વાત બહુ સમજાઈ નહિ. એના ચહેરા પરના ભાવ વાંચી ગઈ હોય એમ સોનલ બોલી, “આકાશ એટલે શું? ખાલી જગ્યા. બધી જ ખાલી જગ્યા આપણા શરીરમાંથી ખેંચી કાઢવામાં આવે તો આપણું કદ એક નાના ટપકાનાં પણ હજારમાં ભાગ જેટલું થઈ જાય. મેં ક્યાંક વાંચ્યું હતું કે આપણને આ પૃથ્વી અને આ આકાશ અલગ અલગ દેખાય છે. પણ એ અલગ અલગ નથી. પૃથ્વી અને આકાશ પણ એક બીજામાં ભળેલાં છે!”

“એ કેવી રીતે?" નયનને હવે વાતમાં રસ પડયો.

“બહુ સિમ્પલ છે. પૃથ્વી આપણને ઘન દેખાય છે. પણ એ અસંખ્ય કણોની બનેલી છે. બે કણો વચ્ચે જે જરાક અમથી જગ્યા દેખાય છે એ આકાશ જ છે... આપણે ગમે એટલો ઊંડો ખાડો ખોદીએ તો પણ ત્યાં આકાશ હાથમાં આવે છે. મને એટલે જ લિંકનની એવી વાત ગમે છે કે તમે પૃથ્વીને જોઈને અસ્તિત્વનો ઈનકાર કરી શકો, આકાશને જોઈને અસ્તિત્વનો ઈન્કાર તો કોઈ મૂર્ખ જ કરી શકે.” સોનલ ગંભીર હતી.

“તમે બહુ વાંચતાં લાગો છો!" નયને આંખમાં આશ્ચર્ય અને અહોભાવની લાગણી સાથે કહ્યું.

“અરે, હું તો કૉલેજમાં પણ વાંચતી નહોતી. મોનુની તૈયાર કરેલી નોટથી જ આપણો ઉદ્ધાર થઈ જતો હતો." એમ કહીને સોનલ ખડખડાટ હસી પડી અને મનીષાનો હાથ પકડી લીધો.

રાત્રે ત્રણેય ઘરે પહોંચ્યાં ત્યારે મનહરભાઈ, પિનાકીનભાઈ, વિનોદિનીબહેન તથા સરોજબહેન બહાર વરંડામાં બેઠાં હતાં. પિનાકીનભાઈએ સહજ પૂછયું. “કયાં ફરી આવ્યાં?"

સોનલબહેનને એમ.એસ. યુનિવર્સિટી જોવી હતી. ત્યાંથી કમાટી બાગ ગયાં અને ત્યાંથી પ્લેનેટોરિયમમાં જઈને આકાશ દર્શન કર્યું. સોનલબહેન સાથે વાતો કરવાની મજા આવી...”

સોનલ તરત જ બોલી પડી, “આપણે ક્યાં વાતો જ કરી છે? મેં જ આખા રસ્તે બોલ બોલ કર્યું છે. એને ડાયલોગ ના કહેવાય. મોનોલોગ કહેવાય!"

“સૉરી, બસ! તમને સાંભળવાની મજા આવી.” નયને દિલગીરીના ભાવ સાથે કહ્યું.

“સોનલે શું કહ્યું એ અમને તો કહે...” એમ કહીને પિનાકીનભાઈએ પહેલાં નયન તરફ અને પછી સોનલ તરફ જોયું.

“એમણે આકાશ વિષે સરસ વાત કરી!” નયનના ચહેરા પર પ્રશંસાના ભાવ હતા.

“આકાશ વિષે? સોનલ, અમને પણ કહે... અમને પણ સાંભળવાનું ગમશે.”

સોનલ ગંભીર થઈને બોલી, “અંકલ, આ સાદું ટેપરૅકોર્ડર છે. એમાં રિવાઈન્ડ કરવાની વ્યવસ્થા નથી..." પછી તરત સરોજબહેન તરફ ફરીને બોલી, “આન્ટી, ચાલો જમી લઈએ. ભૂખ લાગી છે!”

“અરે, મેં તો તમારા ત્રણ જણની રસોઈ બનાવી જ નથી. મને તો એમ કે તમે ત્રણેય બહાર ખાઈને આવશો!” સરોજબહેને ચહેરા પર ચિંતાના ભાવ લાવીને કહ્યું.

“એમ વાત છે? નો પ્રોબ્લેમ... મનીષા અને નયનભાઈને જે કરવું હોય તે કરે... બહાર જઈને ખાઈ આવે કે બહારથી લઈ આવે કે તમે એમના માટે બનાવો...”

“કેમ, તારે ખાવું નથી? હમણાં તો તેં કહ્યું કે તને ભૂખ લાગી છે...” સરોજબહેને એને ટપારતાં કહ્યું.

“આન્ટી, તમારી સાંભળવામાં ભૂલ થઈ છે. મેં એવું કહ્યું જ નથી કે મને ભૂખ લાગી છે. મેં તો માત્ર એટલું જ કહ્યું છે કે ભૂખ લાગી છે. મતલબ કે મારા શરીરને ભૂખ લાગી છે. મને તો ભૂખ લાગતી જ નથી. હું ખાઉં છું ત્યારે મારા શરીર માટે જ ખાઉં છું. એક દિવસ શરીરને ખાવાનું નહિ મળે તો કંઈ પ્રલય થવાનો નથી. એમ આઈ રાઈટ?"

પિનાકીનભાઈ વચ્ચે બોલી પડયા, “તું જો શરીર નથી તો કોણ છું? સોનલ કોણ છે?"

“અંકલ, હું કોણ છું એ તો મને ખબર નથી. પણ એટલી ખબર છે કે હું શરીર નથી.. અને તમે જેને સોનલ કહો છો એ પણ હું નથી. હું જન્મી ત્યારે મારા કપાળ પર સોનલ નામ લખેલું નહોતું. એ નામ તો મને મારાં મા-બાપે, ફોઈએ કે બીજા કોઈએ આપેલું છે!” સોનલે પાછા એના વિચારોના દરવાજા ખોલી નાંખ્યા હતા.

“સોનલ, તું બહુ ઊંચી વાતો કરે છે!" પિનાકીનભાઈ એને બિરદાવતા હોય એમ બોલ્યા.

“ઊંચી કે નીચી એ તો મને ખબર નથી. હું તો મને જે લાગે એ કહું છું. મતલબ કે સાચું કહું છું!” સોનલે ચહેરા પર નમ્રતાના ભાવ લાવીને કહ્યું.

“તમે એને સાઈકલ ના આપો! એ તો પાછી લવારે ચડી જશે તો આખી રાત અટકશે નહિ.” મનીષાએ પિનાકીનભાઈને ચેતવ્યા.

તરત જ સરોજબહેન બોલી ઊઠયાં. “હું તો મજાક કરું છું. અમે બધાં જ તમારી રાહ જોઈને બેસી રહ્યાં છીએ. ચાલો હવે જમવા...”

“આપણને નહિ ખાવાનો વાંધો નથી તો ખાવાનો પણ વાંધો નથી...” કહીને સોનલે મનીષાનો હાથ ખેંચ્યો.

બીજે દિવસે સવારથી જ મનીષા માનસિક રીતે અસ્વસ્થ હોય એવું લાગતું હતું. એ બહુ મૂડમાં નહોતી. સોનલ એને વારંવાર મૂડમાં લાવવા મથતી હતી. ઉદયના અવસાન નિમિત્તના શ્રદ્ધાંજલિ-યજ્ઞને કારણે જ એ થોડી ઉદાસ હતી. કદાચ એને ઉદય સાથે વિતાવેલા દિવસો યાદ આવતા હતા. આજે એ બરાબર જમી પણ નહોતી. જમ્યા પછી બધાં બેઠાં હતાં. ત્યારે પિનાકીનભાઈ બોલ્યા, “મનીષાની ઉદાસી સમજી શકાય તેવી છે. આપણે એની જગ્યાએ હોઈએ તો આપણને પણ એવું જ થાય. શું કહે છે સોનલ?"

સોનલ જાણે બોલવાની જ રાહ જોઈ રહી હોય એમ તરત બોલી, “એટ લિસ્ટ, મને તો એવું ન જ થાય.”

“કેમ? સમજાવ મને!” પિનાકીન ભાઈ સહેજ ઉત્તેજિત થઈ ગયા.

“અંકલ, અત્યારે આ વાત કરવી બરાબર નથી. છતાં એટલું જ કહું છું કે, “જ્યારે આપણે કોઈક સ્વજનને ગુમાવીએ છીએ ત્યારે આપણને એની વિદાયનું એટલું દુઃખ નથી હોતું જેટલું આપણા જ અસ્તિત્વનો એક ખૂણો ખાલી થઈ ગયાનું હોય છે. સ્વજનની વિદાયથી આપણે થોડા અધૂરા થઈ જઈએ છીએ. એનો અર્થ એ કે આપણી ઉદાસી પણ આપણા જ કારણે હોય છે... અને વિદાય થયેલા સ્વજન માટે આપણે એવું કશું જ ન કરવું જોઈએ જે એની હયાતીમાં આપણે ન કરીએ...” સોનલ કોઈક ફિલોસોફરની અદાથી બોલી રહી હતી.

“તારી વાત બરાબર, પણ આપણો એક ખૂણો ખાલી થઈ જાય એનું તો આપણને દુઃખ થાય જ ને!” પિનાકીનભાઈનો તર્ક પણ વાજબી હતો.

“હવે પ્લીઝ, આ ચર્ચા બંધ કરો!” મનીષા થોડી ચીડ અને થોડા ગુસ્સા સાથે બોલી.

મહારાજે યજ્ઞ-વિધિ માટે સાંજે ચાર વાગ્યાનો સમય આપ્યો હતો અને ચારથી મોડું નહિ કરવા તાકીદ કરી હતી. સાડા ત્રણે બધાં જ પહોંચી ગયાં હતાં. નયન બહારથી થોડી વસ્તુઓ ખરીદીને થોડો મોડો આવ્યો હતો. બરાબર ચાર વાગ્યે યજ્ઞ-વિધિ શરૂ થઈ. દરેક જણે યજ્ઞમાં આહુતિ આપી. સોનલે અને નયને પણ આહુતિ આપી. યજ્ઞ-વિધિ પતી ગયા પછી બધાં એ સાથે બેસીને મૌન પ્રાર્થના કરી. એ પછી જનાર્દનભાઈએ સરસ અને ભાવવાહી અવાજે એક ભજન ગાયું. ભજન પૂરું થયું ત્યારે એમની આંખમાં આંસુ હતાં. લગભગ સૌ કોઈની એ જ હાલત હતી.

યજ્ઞ-વિધિ પૂરી થયા પછી પિનાકીનભાઈ મહારાજ સાથે વાતચીત કરતા હતા ત્યારે મનહરભાઈ અને જનાર્દનભાઈ ધીમે ડગલે સૂરસાગરની પાળે પાળે ચાલતા નીકળ્યા અને આગળ જઈને એક બાંકડા પર બેઠા. મનહરભાઈએ એમને મનીષાના મનની વાત કરી. જનાર્દનભાઈએ કહ્યું, “અત્યારે તો એમ પણ બધું આપોઆપ મનીષાના નામે જ થઈ જાય છે. એ કહે છે એવી કોઈ વ્યવસ્થા અત્યારે કરવાની જરૂર નથી. વખત આવ્યે એ વિષે વિચારીશું. અર્ચનાને એનાં લગ્ન થાય ત્યારે મનીષાએ જે કંઈ આપવું હોય તે આપે. એટલે અત્યારે જેમ છે તેમ જ રહેવા દઈએ.” મનહરભાઈને પણ જનાર્દનભાઈની વાત બરાબર લાગી. એમણે કહ્યું , “હું કહીશ તો કદાચ મનીષા નહિ માને. તમે જ એને આટલું કહી દેજો. કદાચ તમારી સામે એ દલીલ નહિ કરે.

મનહરભાઈ અને જનાર્દનભાઈ બહાર નીકળ્યા એ જ વખતે જ્યોતિબહેન સરોજબહેનને હાથ પકડીને મંદિરની પાછળ લઈ ગયાં. સોનલે આ જોયું એને તરત જ ખ્યાલ આવી ગયો કે જ્યોતિભાભી સરોજ આન્ટીને અર્ચનાએ ઉદય અને મનીષા વિષે કહેલી વાત કહેવા જ લઈ ગયાં છે. એણે ઊભા થઈને લટાર મારવાના બહાને મંદિરની પાછળની બાજુ નજર કરી લીધી તો ત્યાં જ્યોતિબહેન અને સરોજબહેન એકલાં બેઠાં હતાં. સોનલને કંઈક વિચાર આવ્યો એટલે એણે અર્ચનાને બોલાવી અને નયન તથા મનીષાને કહ્યું, ચલો, આપણે સૂરસાગરનું એક રાઉન્ડ મારીને આવીએ.” પછી બાંકડા પર બેઠેલાં વિનોદિનીબહેનને કહ્યું, “આન્ટી, અમે દસ મિનિટમાં આવીએ!”

તરત જ મનીષા બોલી, “દસ મિનિટમાં ના અવાય. અડધો કલાક થાય!”

“તો અડધા કલાકમાં આવીએ....” કહીને એણે ચાલવા માંડયું. નયન, મનીષા, અર્ચના અને સોનલ સૂરસાગરની પાળે પાળે ચાલતાં હતાં. પાળ પર કેટલીક દુકાનો હતી. સોનલ ત્યાં ઊભી રહી જતી. ભલે એ લટાર મારવાનું કહીને નીકળી હતી અને પાળે પાળે ફરતી હતી, પરંતુ એનું મન તો જ્યોતિભાભી અને સરોજ આન્ટી બેઠાં હતાં ત્યાં જ અટવાઈ ગયું હતું. જ્યોતિભાભીએ સરોજ આન્ટી પાસે કયા રહસ્ય પરથી પડદો ઉપાડયો હશે એના જ વિચારો એના મનમાં ઘુમરાતા હતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED