અનંત સફરનાં સાથી - 44 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત સફરનાં સાથી - 44

૪૪.પવિત્ર બંધન



સાંજે સંગીત અને મહેંદીની રસમ હોવાથી બધાં મહેમાનો આવવાં લાગ્યાં. ગૌરીબેન અને મહાદેવભાઈ બધાંની આગતાસ્વાગતામા લાગી ગયાં. રાધિકા રાહીને તૈયાર કરીને નીચે લાવી. આ રસમ બંને પરિવાર સાથે મળીને કરવાનાં હોવાથી શિવાંશ પણ એનાં પરિવાર સાથે પહોંચી ગયો. રાહી એ સમયે ગાર્ડનમાં બનેલાં સ્ટેજ પર રહેલી ખુરશી પર બેઠી હતી. આખી નીલકંઠ વિલા નાની નાની લાઈટોની સિરીઝથી ચમકી રહી હતી. સંગીતની રસમ માટે મ્યુઝિક બેન્ડનાં લોકોને બોલાવવામાં આવ્યાં હતાં. એમણે ધીમું ધીમું સંગીત વગાડવાનું શરૂ પણ કરી દીધું હતું.
શિવાંશ એકીટશે રાહીને જ જોઈ રહ્યો હતો. લીલાં કલરનાં લહેંગામાં સજ્જ રાહીએ ગળામાં લીલાં મોતી અને ડાયમંડ જડિત નેકલેસ પહેર્યો હતો. કાનમાં નેકલેસને મેચિંગ ઝુમખા, હાથમાં લહેંગાને મેચિંગ બંગડીઓ અને હોંઠોને લાલ લિપસ્ટિક વડે રંગ્યા હતાં. જે રાહી હસતી ત્યારે એનાં ગાલ સુધી ખેંચાઈ રહ્યાં હતાં. જેનાં લીધે રાહી વધું સુંદર લાગી રહી હતી. એની આંખોમાં લાગેલું કાજલ અને ઉપર લાગેલી આઈ લાઇનર એની આંખોને વધું આકર્ષક બનાવી રહી હતી. એકદમ આછો કરેલો મેકઅપ એનાં બેદાગ સુંદર ચહેરાને એક અલગ જ લૂક આપી રહ્યો હતો. શિવાંશ મંત્રમુગ્ધ બનીને રાહીને જોઈ રહ્યો હતો. એ સમયે આયશા ત્યાં આવી પહોંચી.
"બસ દૂરથી જ જોયાં કરીશ કે એની પાસે પણ જઈશ?" આયશાએ શિવાંશને કોણી મારીને કહ્યું ત્યારે શિવાંશની તંદ્રા તૂટી. એ આયશાને જોઈને ડફોળિયા મારવાં લાગ્યો. એ જોઈને આયશા હસવા લાગી.
"હવે તારો એની ઉપર પૂરો હક છે. જા જઈને એની પાસે બેસ એની બાજુમાં પડેલી ખુરશી તારાં માટે જ છે." આયશાએ કહ્યું અને શિવાંશને સ્ટેજ તરફ ધક્કો માર્યો. શિવાંશ સ્ટેજ પાસે પહોંચ્યો એટલે રાધિકાએ એને પકડીને રાહી પાસે પડેલી ખુરશી પર બેસાડી દીધો.
"આજે તો નક્કી તું બધાંને ઘાયલ કરીને રહીશ." શિવાંશે રાહી સામે જોઈને કહ્યું. એનાં હવામાં લહેરાતા વાળમાં શિવાંશ ફરી એકવાર અટવાઈ ગયો. એની એવી હાલત જોઈને રાહીને હસવું આવી ગયું. ત્યાં જ અંકિતા આવીને એને મહેંદી મૂકવાં માટે લઈ ગઈ. રાધિકાએ અમદાવાદની બેસ્ટ ગણાતી મહેંદી વાળીને બોલાવી હતી. એણે રાહીને મહેંદી મૂકવાનું શરૂ કર્યું. એ સમય દરમિયાન રાધિકા, શ્યામ, શુભમ, તન્વી, અંકિતા અને અભિનવે મળીને સંગીતનો રંગ જમાવી દીધો. રાધિકાએ એકથી એક ચડિયાતા ગીતો રાહીનાં સંગીત માટે શોધી રાખ્યાં હતાં. જેનાં પર અત્યારે બધાં મળીને ડાન્સ કરી રહ્યાં હતાં. રાહી બધાંને ડાન્સ કરતાં જોઈ રહી હતી અને સાથે જ પોતાનાં હાથમાં લખાઈ રહેલાં શિવાંશનાં નામને જોઈને બનારસમાં બનેલી એ ખુબસુરત ઘટનાને યાદ કરી રહી હતી. જ્યારે પોતે અંકિતાની મહેંદીની રસમમાં મહેંદી લગાવીને બહાર જઈ રહી હતી અને શિવાંશ સાથે અથડાઈ જવાથી એનાં શર્ટ પર રાહીનાં હાથની મહેંદી લાગી ગઈ હતી અને શિવાંશનાં ગળામાં રહેલાં લોકેટમાં રહેલું શિવાંશનું નામ રાહીની હથેળીની મહેંદીમાં છપાઈ ગયું હતું. આજે પણ એ દિવસ યાદ કરીને રાહીનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. સ્ટેજ પર બેઠેલાં શિવાંશને પણ રાહીનાં સ્મિત પાછળની વાત સમજાઈ ગઈ.
શિવાંશ મનોમન જ બોલી ઉઠ્યો, "એ દિવસે જે રીતે મારું નામ તારાં હાથની મહેંદીમાં છપાઈ ગયું. એ દુનિયા માટે એક સંજોગ હતો પણ આપણાં માટે તો મહાદેવનો સંકેત જ હતો કે આપણી જોડી એમણે જ બનાવી છે."
શિવાંશ રાહીને હસતી જોઈને ફરી એકવાર બનારસના એ ઘાટ પર પહોંચી ગયો. જ્યાં રાહીએ એને બધી હકીકત જણાવી હતી. એ ચહેરાં પર સ્મિત સાથે જૂની યાદોને યાદ કરી રહ્યો હતો. ત્યાં જ રાધિકા એને ડાન્સ માટે સ્ટેજ પરથી નીચે ખેંચી ગઈ. રાધિકાએ બેન્ડવાળા લોકોને ઈશારો કર્યો ત્યાં જ શિવાંશે કહ્યું, "મને માઇક લાવી આપ. આજે ગીત પણ હું ગાઈશ અને ડાન્સ પણ હું કરીશ?"
"આર યૂ સ્યૉર જીજુ?" રાધિકા શિવાંશને જોઈને સ્માઈલ કરવાં લાગી.
"યસ, આઈ એમ હંડ્રેડ પર્સેન્ટ સ્યૉર." શિવાંશે કહ્યું તો રાધિકા દોડીને માઇક લઈ આવી અને શિવાંશનાં હાથમાં પકડાવી દીધું. રાહી શિવાંશને જોઈને મંદ મંદ મુસ્કુરાઈ રહી હતી.
શિવાંશે રાહી સામે જોઈને સ્મિત સાથે ગાવાનું શરૂ કર્યું, "મેરે તો સારે સવેરે, બાહો મેં તેરી ઠહરે, મેરી તો સારી શામે, તેરે સાથ ઢલ રહી હૈ, થોડાં સા ભી શક નાં કરના, તુમસે મેરા જીના મરના, તુમ ચલ રહે હો તો સાંસે, મેરે સાથ ચલ રહી હૈ, ઓહ હમસફર...ઓહ હમનવા...બેશર્ત મૈં તેરા હુઆ"
શિવાંશનું ગીત સાંભળીને રાહીની આંખોમાં આંસું આવી ગયાં. શિવાંશે એની પાસે જઈને એનાં આંસુ સાફ કર્યા અને એ જવાં લાગ્યો તો રાહીએ નાનાં બાળકની જેમ એની આંગળી પકડીને એને રોકી લીધો. રાધિકા હો હલ્લા સાથે સીટી વગાડવા લાગી અને દોડીને રાહી સામે બીજું માઇક રાખી દીધું. શિવાંશ રાહી પાસે જ બેસી ગયો અને રાહી એની સામે જોઈને સ્મિત સાથે ગીતને આગળ વધારતી ગાવા લાગી, "પાસ આઓ મૈં તુમ્હે, દેખ લૂં કરીબ સે, આંખો કો યે રાહતે, મિલતી હૈં નસીબ સે" શિવાંશે રાહીને તરત જ પોતાની બાહોમાં સમાવી લીધી અને રાહી ગીતને એની લયમાં આગળ વધારતી રહી, "બાજુઓ મેં તુમ મુજે, બેતહાશા ઘેરે હો, કલ કી ફિકર હૈ કિસકો, તુમ અભી તો મેરે હો" રાહીનું ગાવાનું બંધ થતાં જ શિવાંશ એને લઈને બધાંની વચ્ચે ગયો અને બંને કપલ ડાન્સ કરવાં લાગ્યાં. બાકી બધાં પણ પોતાનાં પાર્ટનર સાથે ડાન્સ કરવાં લાગ્યાં. ગીત એની લયમાં આગળ વધતું રહ્યું, "મૈં સિર્ફ તેરા રહૂઁગા, તુજસે હૈ વાદા યે મેરા, તૂ માંગ લે મુસ્કુરા કે, મેરા પ્યાર હક હૈ તેરા, ઓહ હમસફર...ઓહ હમનવા... બેશર્ત મૈં તેરા હુઆ"
ડાન્સ પૂરો થતાં જ બધાં તાળીઓ પાડવા લાગ્યાં. શિવાંશે રાહીનો હાથ પકડીને એને એની જગ્યાએ બેસાડી દીધી. બધાં મહેમાનો જમવા જતાં રહ્યાં. શિવાંશ રાહી માટે ખુદ થાળી તૈયાર કરીને લાવ્યો અને પોતાનાં હાથે એને જમાડવા લાગ્યો. એને જોઈને શ્યામે આર્યન અને શુભમને કહ્યું, "આપણે બધાં પણ કામે લાગી જાઓ. નહીંતર આપણી ભાવિ પત્ની આપણને એમ કહેશે કે તમે અમને પ્રેમ જ નથી કરતાં."
શ્યામ એટલું કહીને રાધિકા માટે જમવાની થાળી તૈયાર કરવાં જતો રહ્યો. આર્યન પણ એની પાછળ ગયો. શુભમ એકલો જ ઉભો બધી તરફ જોવાં લાગ્યો. બધાં એની પાર્ટનરને જમાડી રહ્યાં હતાં પણ શુભમને તો હજું એનાં ભાવિ સસરા પાસેથી ગ્રીન સિગ્નલ મળ્યો ન હતો. એવામાં બિચારો શુભમ કરે પણ શું? એ એક ખૂણો પકડીને ઉભો રહી ગયો. શિવાંશ રાહીને જમાડીને એની થાળી મૂકવાં જતો હતો. ત્યારે એની નજર શુભમ પર પડી. શિવાંશ થાળી મૂકીને તરત એની પાસે ગયો. શુભમ તો ક્યારની હાથમાં મહેંદી લગાવીને ભૂખ્યાં પેટે બેસી રહેલી તન્વીને જ જોઈ રહ્યો હતો. શિવાંશ ક્યારે આવીને એની પાસે ઉભો રહી ગયો? એની એને ખબર સુધ્ધાં ન હતી.
"એટલી જ ચિંતા થતી હોય મારી બહેનની તો જા જઈને એને તારાં હાથે જમાડી દે અને તું પણ જમી લે." શિવાંશે શુભમનાં ખંભે હાથ મૂકીને કહ્યું.
"પણ અંકલ?" શુભમે મલયભાઈ સામે જોયું.
"આ જ સાચો મોકો છે. કોશિશ કરી જો‌. કદાચ તને એની રાજકુમારીનું ધ્યાન રાખતો જોઈને એ પણ પીગળી જાય." શિવાંશે કહ્યું અને ફરી રાહી પાસે જતો રહ્યો.
બધાં પોતપોતાની પત્નીને જમાડી રહ્યાં હતાં. શુભમ આખરે એક નજર શિવાંશ અને મલયભાઈ પર કરીને તન્વી માટે જમવાની થાળી તૈયાર કરીને એની પાસે ગયો. એનાં હાથમાં જમવાની થાળી જોઈને તન્વીનાં ચહેરાં ઉપર પણ સ્મિત આવી ગયું. શુભમ એની પાસે બેઠો. તન્વીએ એક નજર મલયભાઈ પર કરી. એ ગાયત્રીબેનને જમાડી રહ્યાં હતાં. શુભમ તન્વીને જમાડવા લાગ્યો. થોડીવાર થતાં જ તન્વીની નજર ફરી મલયભાઈ તરફ ગઈ તો એ તન્વી અને શુભમને જ જોઈ રહ્યાં હતાં. પણ આ વખતે તન્વીને એમનાં ચહેરાં પર ગુસ્સાનાં કોઈ ભાવ નાં દેખાયાં.
બંને રસમ સારી રીતે પૂરી થયાં પછી બધાંએ વિદાય લીધી. જેથી આવતીકાલે જાન લઈને આવી શકે. બધાં મહેમાનોનાં ગયાં પછી રાહી પોતાનાં રૂમમાં આવી ગઈ. એની આંખોમાં મોડી રાત્રે પણ ઉંઘની જગ્યાએ ખુશી હતી. એ મોડાં સુધી પોતાનાં હાથમાં લાગેલી શિવાંશનાં નામની મહેંદી જોતી રહી અને એમ જ એને ખુશીની ઉંઘ આવી ગઈ.

બીજાં દિવસે સવારે ગઈ કાલની સજાવટ હટાવીને મંડપ લગાવવાની તૈયારી થઈ રહી હતી. આજે નીલકંઠ વિલાને સફેદ મધુકામિની અને લાલ ગુલાબનાં ફુલોથી સજાવવાની તૈયારી ચાલી રહી હતી. રાહી ઉઠીને એનાં રૂમની બારી સામે આવી તો નીચે એનાં લગ્નનો મંડપ લગાવવાની તૈયારી થઈ રહેલી જોઈને એનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. એણે એનાં હાથમાં રચેલી મહેંદીનો રંગ જોયો તો એનો ચહેરો પણ એ મહેંદીની જેમ ખીલી ઉઠ્યો. ત્યાં જ રાધિકા એનાં માટે ચા લઈને આવી.
"દીદુ! આ ચા પીને થોડીવાર આરામ કરો પછી પાર્લર વાળી તમને તૈયાર કરવાં આવશે. ત્યાં સુધી હું મમ્મીની મદદ કરાવું છું." કહીને રાધિકા પ્રેમથી રાહીનો ગાલ ચૂમીને એનાં હાથમાં ચાનો કપ પકડાવીને જતી રહી. હાં, હવે આપણી રાહી આપણાં શિવાંશ સાથે લગ્ન કરી રહી છે તો એણે પણ શિવાંશની જેમ ચા પીવાની આદત પાડી લીધી છે.
રાહી બારી સામે ઉભી રહીને જ ચા પીવા લાગી. ચા પૂરી થતાં જ એને કંઈક વિચાર આવ્યો અને એ પોતાની ડાયરી લઈને બેસી ગઈ. એ જ ડાયરી જેને એ પોતાની કહાનીની શરૂઆતથી લખતી આવી હતી. આજે પણ એણે એ ડાયરીમાં કંઈક ટપકાવવાનુ શરૂ કરી દીધું. ડાયરી લખીને રાહી ફરી બારી પાસે આવીને ઉભી રહી ગઈ અને બહારની તૈયારીઓ જોવાં લાગી. ત્યાં જ એની નજર આયશા પર પડી. એ ક્યાંક બહાર જઈ રહી હતી. એને જોઈને રાહી દોડીને પોતાનાં રૂમની બહાર નીકળી ગઈ અને નીચે જવાં લાગી. ત્યાં જ રાધિકા સાથે અથડાઈ ગઈ.
"દીદુ! આટલી ઉતાવળમાં ક્યાં જાવ છો?" રાધિકાએ રાહીનાં બંને હાથ પકડીને પૂછ્યું.
"આયશા ક્યાંક બહાર જઈ રહી છે. એને જલ્દી રોક." રાહીએ ઉતાવળે અવાજે કહ્યું.
"એને મેં જ મોકલી છે." રાધિકાએ કહ્યું.
"તું એને રોક એને ક્યાંય જવાનું નથી." રાહીએ થોડાં ઉંચા અવાજે કહ્યું તો રાધિકા દોડીને બહાર ગઈ. ત્યાં સુધીમાં આયશા ગાડીમાં બેસી ગઈ હતી. રાધિકાએ જલ્દી એની ગાડી પાસે જઈને એને બહાર કાઢી અને રાહી સામે હાજર કરી દીધી. ત્યાં સુધીમાં એનાં શ્વાસની ગતિ ઝડપી થઈ જતાં એ હાંફવા લાગી હતી. એણે ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને એમાંથી પાણી પીધું.
"હવે કોઈ મને કહેશે કે અહીં થઈ શું રહ્યું છે? આર્યન આયશાથી દૂર દૂર ભાગે છે. કાલે પણ એવી રીતે જમાડી રહ્યો હતો જાણે કોઈએ એની ગરદન પર તલવાર મૂકી હોય. અત્યારે આયશાને માર્કેટમાંથી શ્રીફળ લેવાં શું મોકલી? તમે એવી રીતે રિએક્ટ કરવાં લાગ્યાં જાણે મેં એને કોઈનું મર્ડર કરવાં મોકલી હોય‌." રાધિકા પરેશાન થઈને બોલવાં લાગી.
"તું તો મર્ડર કરવાં ન હતી મોકલી રહી પણ એ મર્ડર કરીને આવી છે એટલે એને અહીંથી બહાર નીકળવા નથી દેવાની. આ તો સારું થયું મને ખબર પડી આર્યનને પડી હોત તો એ આખું ઘર માથે લઈ લેતો." રાહીએ આયશા તરફ જોયું, "અને તું નાં ન્હોતી પાડી શકતી?" રાહી આયશા પર ગુસ્સે થઈ.
"મર્ડર કરીને આવી છે મતલબ?" અચાનક જ રાધિકાએ પૂછ્યું. ત્યારે રાહીને સમજાયું કે એ શું બોલી ગઈ છે? એણે રાધિકા સામે જોયું. હવે ખોટું બોલવાનો કોઈ સવાલ ન હતો. વાતને ફેરવવા છતાંય રાધિકા કોઈ કાળે માને એમ ન હતી. આથી રાહીએ એને બધી હકીકત કહી દીધી અને પાછળથી ઉમેર્યું, "હવે જ્યાં સુધી આયશા અહીં છે ત્યાં સુધી એ ઘરની બહાર નાં જાય એની જવાબદારી તારી છે."
"જો હુકમ મેરી બહેના! તમે તમારાં લગ્ન એન્જોય કરો. આયશાને હું સંભાળી લઈશ અને તમારાં લગ્ન પૂરાં થાય ત્યાં સુધીમાં આયશા અને આર્યન બંનેને એકબીજા સાથે વાતો કરતાં પણ કરી દઈશ." રાધિકાએ કહ્યું તો રાહી હસવા લાગી. એને રાધિકા ઉપર પૂરો વિશ્વાસ હતો. એ નિશ્ચિત થઈને પોતાનાં રૂમમાં જતી રહી.
ચાર વાગ્યે પાર્લર વાળી રાહીને તૈયાર કરવાં આવી ગઈ. રાહીએ પોતે જાતે ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો. જેમાં એ નાની ઢીંગલી જેવી લાગી રહી હતી. પાર્લર વાળી એને દુલ્હનની જેમ સજાવવા લાગી. ડોકમાં શિવાંશનાં મમ્મીએ મોકલેલો ખાનદાની હાર, કાનમાં એને મેચિંગ ઝુમખા, સિંદુરપટ, નાકમાં નથણી અને લાંબા વાળની મસ્ત હેર સ્ટાઇલ ગૂંથી આપી. હાથમાં લગ્નનાં ચૂડલા નીચે લટકતાં કલી રે, રાહીને દુલ્હનનો પાક્કો લૂક આપી રહ્યાં હતાં. અંતમાં જ્યારે રાહીનાં માથાં પર શિવાંશની ઘરેથી આવેલી લાલ રંગની ચુંદડી ઓઢાડવામાં આવી. ત્યારે તો એની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયાં. એ સમયે જ ગૌરીબેન અને રાધિકા રાહીનાં રૂમમાં આવ્યાં.
આજથી છવ્વીસ વર્ષ પહેલાં નીલકંઠ વિલામાં દોડાદોડી કરતી રાહીને આજે દુલ્હન બનેલી જોઈને ગૌરીબેનની માઁ સહજ લાગણીઓ જાગૃત થઈ ગઈ. એમની ઢીંગલી જેવી દીકરીને લગ્નનાં લહેંગામાં જોઈને એમનું હૈયું ભરાઈ આવ્યું. એમની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં. ગૌરીબેનને માઁ બનવાનું સુખ સૌપ્રથમ આવેલી રાહીએ જ આપ્યું હતું. જેને આજે વિદાય આપવાનો સમય આવી ગયો હતો. એનાં લીધે ગૌરીબેન ખુદને રડતાં રોકી નાં શક્યાં. એ રાહી પાસે જઈને એને પગથી માથાં સુધી નિહાળીને, પોતાની આંખના ખૂણેથી કાજલ લઈને, એનાં કાન પાછળ ટપકું કરીને ચોધાર આંસુડે રડી પડ્યાં. રાહી પણ એમને ભેટીને રડવા લાગી. એક દિકરીને વિદાય આપીને સાસરે મોકલવી એ ખુશીની સાથે બહું વસમી વેળા હોય છે. નાનેથી લઈને છોકરી પોતાને પગભર થાય ત્યાં સુધીની દરેક ક્ષણમાં એની સાથે રહેલાં માતા-પિતાએ જ્યારે એની દિકરીને કોઈ બીજાની ઘરે વિદાય આપવાનો સમય આવે ત્યારે એ ક્ષણને શબ્દોથી કંડારવી બહું મુશ્કેલ થઈ જાય છે. એ તો બસ અનુભવી જ શકાય છે.
ગૌરીબેન રડતાં બંધ નાં થયાં તો રાધિકાએ માહોલ હળવો કરવાં કહ્યું, "મમ્મી! હજું હું બાકી જ છું. તમે દીદુનો પ્રેમ પણ મારી ઉપર જ લૂંટાવી દેજો. પણ પ્લીઝ અત્યારે રડીને ખુશીની ઘડીનું આવી રીતે સ્વાગત નાં કરો."
રાધિકાની વાત સાંભળીને ગૌરીબેન જેમતેમ કરીને શાંત થયાં. રાધિકાની સમજદારી જોઈને રાહી એને ભેટી પડી. ગૌરીબેને જ્યારે રાધિકાને બનારસી સાડીમાં જોઈ તો બસ જોતાં જ રહી ગયાં. એમણે એનાં કાન પાછળ પણ કાજલનું કાળું ટપકું કરીને કહ્યું, "આજે તું બહું સુંદર લાગે છે."
"હે ને! મને ખબર જ હતી. આમ પણ મને થયું ચાલો આજે સાસુને ઈમપ્રેસ કરવાં શોર્ટ્સ છોડીને સાડી પહેરી જ લઈએ." રાધિકાએ કહ્યું તો બધાં હસવા લાગ્યાં.
થોડીવાર થતાં જ નીચેથી ઢોલ વાગવાનો અવાજ આવતાં રાધિકા નીચે દોડી ગઈ. આપણાં દુલ્હે રાજા જાન લઈને આવી ગયાં હતાં. ગૌરીબેન પૂજાની થાળી હાથમાં લઈને ઉભાં રહી ગયાં. એમણે શિવાંશનું તિલક કરીને એનું સ્વાગત કર્યું. પછી ઢોલના તાલે શિવાંશની જાનમાં રાધિકા, આર્યન, આયશા, શ્યામ, શુભમ, અંકિતા અને અભિનવ પણ ખૂબ નાચ્યા. એ સમયે જ ઋષભ અને ટીના પણ આવી પહોંચ્યાં. રાધિકાએ એ બંનેને પણ ખૂબ નચાવ્યા. એ બંને બિચારા પોતાનાં બેગ ત્યાં જ મૂકીને શરૂ થઈ ગયાં.
જાનનું સ્વાગત કરીને શિવાંશને મંડપ તરફ લઈ ગયાં. રાધિકા અને અંકિતા રાહીને વરમાળાની રસમ માટે લેવાં જતી રહી. એ બંને જ્યારે રાહીને લઈને આવી ત્યારે શિવાંશ તો બસ એને જ જોઈ રહ્યો. બંનેએ હસતાં ચહેરે એકબીજાને વરમાળા પહેરાવી. આયશા અને ટીના રાહીને ફરી એનાં રૂમમાં લઈ ગઈ. અંદર આવતાં જ રાહી ટીનાનો કાન ખેંચીને કહેવા લાગી, "તું આજે આવે છે. મેં તને લગ્નની બધી વિધિમાં આવવાં કહ્યું હતું."
"સૉરી યાર! હજું લગ્નને થોડો જ સમય થયો છે. લગ્ન વખતે ઋષભનાં મમ્મી-પપ્પા હાજર ન હતાં તો એમનાં આવ્યાં પછી નાનું એવું રિસેપ્શન કર્યું હતું. એમાં જ આવી નાં શક્યાં." ટીનાએ માફી માંગતા કહ્યું. રાહીએ તરત જ એને ગળે લગાવી લીધી. એટલામાં આર્યન ઋષભને લઈને અંદર આવ્યો. ઋષભ પણ રાહીને મળ્યો. પંડિતજીએ લગ્નની વિધિ શરૂ કરતાં આયશા અને ટીના રાહીને લઈને ફરી ગાર્ડનમાં લાગેલાં મંડપમાં આવી. રાહીને શિવાંશની બાજુમાં બેસાડવામાં આવી. પંડિતજીએ લગ્નની વિધિ શરૂ કરી. લગ્નનાં મંત્રોચ્ચાર, ફેરાની રસમ, સિંદુરદાન, મંગલસૂત્ર અને કન્યાદાનની વિધિ પછી રાહી અને શિવાંશ લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઈ ગયાં. બધાં વડીલોનાં આશીર્વાદ લીધાં પછી રાહીની વિદાય વેળા નજીક આવી. એટલામાં જ પોલીસ નીલકંઠ વિલામાં આવી પહોંચી.
પોલીસને જોતાં જ આર્યને આયશાને અંદર મોકલી દીધી. એણે રાધિકાને ઈશારો કર્યો. રાધિકા બધાં કામ પડતાં મૂકીને પોલીસ પાસે ગઈ. એણે ઇન્સ્પેક્ટરને પૂછ્યું, "સર! તમે અહીં! એનિ પ્રોબ્લેમ?"
"અમને બાતમી મળી છે કે મુંબઈમાં અશોક જાનીનું મર્ડર થયું. એ મર્ડર કરનાર આયશા હિરાણી અત્યારે અમદાવાદમાં છે અને એ પણ તમારાં ઘરમાં!" ઇન્સ્પેક્ટર અતુલ વર્માએ કહ્યું.
"તો અમે શું કરી શકીએ?" રાધિકાએ એકદમ સહજતાથી પૂછ્યું, "આયશાને અમે ઓળખીએ છીએ પણ હાલ એ અહીં નથી. એ મારાં દીદુનાં લગ્નમાં આવવાની હતી પણ કોઈ કારણસર નાં આવી શકી." અતુલને રાધિકાની વાતો પર જરાં પણ વિશ્વાસ નાં આવ્યો, "તમે ધારો તો ઘરની તલાશી લઈ શકો છો. પણ તમે જોઈ શકો છો. મારાં દીદુની વિદાઈ થઈ રહી છે. જો તમે ઈચ્છતા હોય કે અમે તમને સહયોગ આપીએ. તો તમે પણ અમને સહયોગ આપો. વિદાય પછી તમે ઘરની તલાશી લઈ લેજો."
રાધિકાની વાત કરવાની રીત પછી અતુલ પાસે બોલવાં કંઈ બચ્યું નહીં. એણે માત્ર ઈશારો કરીને જ રાધિકાને જવાં કહ્યું. રાધિકા આવી એટલે રાહીની વિદાયની રસમ આગળ વધારાઈ. આજે સૌથી વધું દુઃખી દાદી હતાં. એમણે જ રાહીનાં લગ્નનું સપનું જોયું હતું અને આજે એની વિદાય વખતે સૌથી વધારે આંસુ પણ એ જ વહાવી રહ્યાં હતાં. રાહી પણ એમને ભેટીને ખૂબ રડી. આજે તો રાહીનો જીવ એની શરારતી રાધિકા પણ ખૂબ જ રડી રહી હતી. ઉંમરની સાથે કરચલી પડી ગયેલાં ચહેરાં પર ધસી આવતાં દાદીનાં આંસુઓ સાફ કરીને અને પોતાનાં મમ્મી-પપ્પા અને વહાલસોયી બહેનને ગળે મળીને રાહી એનાં સપનાનાં રાજકુમાર સાથે એની ફુલોથી સજાવેલી ગાડીમાં બેસી ગઈ. રાહીની વસમી વિદાય પછી આખો પરિવાર અંદર આવ્યો. બધાંને અંદર મોકલીને રાધિકા મહાદેવભાઈ સાથે પોલીસ પાસે આવી.
"હવે તો લગ્ન સંપન્ન થયાં. હવે અમે ઘરની તલાશી લઈ શકીએ ને?" અતુલે પૂછ્યું. રાધિકાએ ઈશારાથી એમને અંદર જવાં કહ્યું. અતુલ એમનાં બે કોન્સ્ટેબલો સાથે અંદર ગયો. ત્યાં સુધીમાં રાધિકાએ મહાદેવભાઈને બધું સમજાવી દીધું. થોડીવારમાં જ અતુલ એનાં બંને કોન્સ્ટેબલો સાથે બહાર આવ્યો.
"હેરાન કરવા માટે માફ કરજો. અંદર આયશા નથી." અતુલે રાધિકાને કહ્યું અને એનાં બંને કોન્સ્ટેબલો સાથે જતો રહ્યો.

શિવાંશની ગાડી સીધી પ્રવિણભાઈનાં ઘર સામે આવીને ઉભી રહી. ડ્રાઈવર સીટ પરથી ડ્રાઈવરનાં કપડામાં સજ્જ આર્યન નીચે ઉતર્યો. એણે પાછળ જઈને ગાડીની ડિકી ખોલી અને એમાંથી આયશાને બહાર કાઢી. બંને બહાર નીકળીને હસવા લાગ્યાં. રાહી એ બંનેને જોઈને અવાક્ રહી ગઈ. પણ શિવાંશ જાણે બધું જાણતો હોય એમ ઉભો હતો. એણે ગાડીમાં બેસતાં જ આર્યનને રિઅર વ્યૂ મિરરમાં જોઈ લીધો હતો.
"આ બંને આપણી ગાડીમાં કેવી રીતે?" રાહીએ પૂછ્યું.
"બકા! જરાં ફ્લેશ બેકમાં લટાર મારી આવીએ." આર્યને રાહીનાં ખંભા પર પોતાની કોણી ટેકવી દિધી. એનાં ચહેરાં પર શરારતી સ્મિત રમતું હતું, "જ્યારે પોલીસ આવી ત્યારે મને જાણ થતાં જ મેં આયશાને તરત જ અંદર મોકલી દીધી. બધાં ગાર્ડનમાં જ હતાં તો પોલીસ સીધી અંદર નહીં જાય એ મને ખબર હતી. પછી રાધિકા ઇન્સ્પેક્ટર સાથે વાત કરવા ગઈ એટલે હું પણ અંદર આવી ગયો." કહીને એણે આયશા સામે જોયું તો એ કહેવા લાગી, "નીલકંઠ વિલાનો પાછળનો દરવાજો ખોલતાં જ મને શિવા‍ંશની કાર અને એમાં બેઠેલો ડ્રાઇવર નજરે ચડ્યો. મેં ડ્રાઈવરને પટાવી લીધો અને એનો યુનિફોર્મ આર્યને પહેરી લીધો અને ખુદ ડ્રાઈવર બની ગયો. હું પાછળ ડિકીમા સેટ થઈ ગઈ. ત્યાં સુધીમાં તારી વિદાય થઈ ગઈ હતી. તમે બંને ગાડીમાં બેઠાં અને અમે પણ તમારી સાથે અહીં આવી પહોંચ્યા." કહીને આયશાએ પોતાની વાત પૂરી કરી.
આખી કહાની જાણ્યાં પછી રાહીનું પ્રવિણભાઈનાં ઘરમાં સ્વાગત કરવામાં આવ્યું. કાન્તાબેને બંનેની આરતી ઉતારી. રાહીએ ચોખાનો કળશ ઢોળીને, ઘરની અંદર કુમકુમ પગલાં પાડયાં. આર્યન અને આયશા આજની રાત અહીં જ રોકાઈ ગયાં. આર્યને રાતે જ રિસેપ્શન પછી અમેરિકા જવાનો નિર્ણય કરી લીધો. કાલે રાતે રિસેપ્શન પછી શિવાંશ પણ એનાં પરિવાર સાથે મુંબઈ જતો રહેવાનો હતો. ત્યાંથી બંનેની બનારસની ફ્લાઈટ હતી. બંને ફરી એકવાર બનારસ જઈને જૂની યાદો તાજી કરવાં માગતાં હતાં.


(ક્રમશઃ)

_સુજલ બી.પટેલ