પતિ પત્ની અને પ્રેત - ૩૮ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૩૮

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૮

ચિલ્વા ભગતે બંને કબૂતરને પોતાના થેલામાં નાખ્યા ત્યારે જીવતા હતા. અત્યારે બીજું કબૂતર અચેતન જેવું પડ્યું હતું. તેનામાં જરા પણ સળવળાટ ન હતો. ચિલ્વા ભગત ચમકીને બોલ્યા:"આ શું?" અને કબૂતરને બહાર કાઢી જોયું તો એની આંખો બંધ હતી. એ બેભાન હતું કે મૃત્યુ પામ્યું હતું એ તપાસવા લાગ્યા. બધા દોડીને ચિલ્વા ભગત પાસે આવી ગયા હતા. તેમને કબૂતર મૃત જણાતા કંઇક અમંગળની શંકા ઊભી થઇ રહી હતી.

ગુરૂ દીનાનાથે કબૂતર તરફ જોઇને કહ્યું:"ચિલ્વા, કબૂતરમાં જીવ રહ્યો નથી. એને વિધિપૂર્વક અંતિમ વિદાય આપો. એ પક્ષીનું મોત આપણી બેદરકારીથી થયું છે. તારે એને બહાર રાખવાની જરૂર હતી અથવા થેલાનું મોં ખુલ્લું રાખવું હતું...."

ગુરૂનો ઠપકો સાંભળી ચિલ્વા ભગત શરમ અનુભવવા લાગ્યા. પોતાના હાથે એક પાપ થયું હોવાનો અફસોસ મોં પર દેખાયો. તેમણે ગુરૂની માફી માગતા કહ્યું:"ગુરૂજી, હું માફી ચાહું છું પણ મેં થેલાનું મોં ખુલ્લું રાખ્યું હતું... બીજા કોઇ કારણથી આ કબૂતરની આ સ્થિતિ થઇ હશે..."

દીનાનાથ કબૂતર તરફ જોઇ રહ્યા. થોડી વારમાં જ કબૂતરની પાંખો હલવા લાગી. તેણે ધીમે રહીને આંખો ખોલી અને ઉડવા માટે પ્રયત્ન કરવા લાગ્યું. ચિલ્વા ભગતે એને ઉડવા દીધું. તેમને ખુશી થઇ રહી હતી કે એ પક્ષીના મોતના પાપમાંથી બચી ગયા છે. કબૂતર ઉડી ગયું ત્યારે ગુરૂ દીનાનાથ કહે:"ચિલ્વા, તમે આ શું કર્યું?"

"કેમ? એ જીવતું હતું એટલે એને છોડી દીધું...જાગતીબેન પણ કહેતા હતા કે એને છોડી દો." ચિલ્વાએ નવાઇથી કહ્યું.

"ચિલ્વા, એ નાટક કરતું હતું. તેં ગભરાઇને એને છોડી દીધું...ખેર, આમ પણ એ આપણા કોઇ કામનું નથી. જાગતીબેન કેમ એને છોડી મૂકવાનું કહી રહ્યા હતા એનો મને ખ્યાલ આવ્યો નથી..." કહી દીનાનાથે જાગતીબેન તરફ જોયું.

જાગતીબેન કંઇક વિચારીને બોલવા લાગ્યા:"હવે સ્વાલાને હું છોડાવવા જઇશ. નાગદાની નાગચૂડમાંથી મારી દીકરીને છોડાવીને જ રહીશ. જો મને તમારા બધાનો સાથ અને સહકાર મળશે તો હું જરૂર સફળ રહીશ...."

દીનાનાથને પોતે કોઇ મદદ કરી શક્યા નહીં એનો રંજ હતો. તે બોલ્યા:"અમે તો સાથ આપવા તૈયાર છીએ. પરંતુ અમારી શક્તિઓને જયનાનું ભૂત ગાંઠતું નથી ત્યારે તમે તો એક અબળા નારી જેવા છો. એનો મુકાબલો કેવી રીતે કરી શકશો?"

ચિલ્વા ભગત નવાઇથી કહેવા લાગ્યા:"અમે ઘણા પ્રયત્ન કર્યા છતાં વિરેનને પાછો લાવવાની વાત તો દૂર રહી એને જોઇ શક્યા પણ નથી. તો પછી તમે કેવી રીતે એને શક્ય બનાવશો...ભૂત-પ્રેત સામે જવું એટલે આગની સાથે ખેલવા બરાબર છે..."

જાગતીબેન કહે:"પાણી છાંટવાથી જ આગ બૂઝાય છે. જે કામ બળથી-શક્તિથી ના થાય એ કળથી થઇ શકે છે. સંઘર્ષ કર્યા પછી સફળતા ના મળે તો સમાધાન કરી શકાય છે..."

રેતા વચ્ચે જ બોલી:"હું કોઇ સમાધાન કરવા માગતી નથી. મારે વિરેન જેવો હતો એવો પાછો મેળવવો છે. આપણે એ જયના સામે કરગરવું નથી. એણે આપણાને બહુ હેરાન કર્યા છે. હવે મારી સહનશક્તિની હદ આવે રહી છે. તેની પાસે ભલે ગમે તેટલી શક્તિઓ હશે. હું એની સામે ટક્કર ઝીલીશ. મારા અંતિમ શ્વાસ સુધી તેની સાથે યુધ્ધ કરીશ. મને લાગે છે કે મારે જ એનો સામનો કરવો પડશે. હું એક વખત જઇ આવી છું, હવે છેલ્લી લડાઇ લડી લઇશ..."

"બેટા, આપણે જોશમાં આવીને હોશ ગુમાવવાની જરૂર નથી. જો શૂળીનો ઘા સોયથી ટળતો હોય તો જોખમ લેવાની શું જરૂર છે..."

જાગતીબેન રેતાને સંબોધીને આમ બોલ્યા ત્યારે ચિલ્વા ભગતને થયું કે જે કામ સિધ્ધિ મેળવનાર પુરુષો પોતાની શક્તિ અને જોશથી કરી શક્યા નથી એ કામ આ મહિલાઓ કેવી રીતે કરશે? જયનાનું ભૂત બહુ ખતરનાક છે. આજ સુધી ઘણા ભૂતની ચોટલી પકડી છે. આ જયનાનો ચોટલો પકડવાનું કામ મુશ્કેલ રહ્યું છે. રેતાને ઘણી વખત આશા આપી હતી. તેમાં સફળતા મળી ન હોવાથી અમારા પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય એ સ્વાભાવિક છે. પણ આમ એમને મોતના મુખમાં ધકેલી ના શકાય. ભૂત-પ્રેતનો મુકાબલો કરવાનું કામ એમનું નથી. ભૂતને જોતાં જ ઘણાના હાંજા ગગડી જાય છે. આ નાજુક દિલની રેતા અને હવે ઉંમરને કારણે જેમનું દિલ નબળું પડી રહ્યું છે એ જાગતીબેનનું કોઇ સાહસ હોય તો એ ગાંડપણ ના કહેવાય? કોઇ ચોક્કસ યોજના વગર જયનાના ભૂતને પકડવાનું, એની પાસેથી વિરેનને છોડાવવાનું અને વળી સ્વાલાનો જીવ બચાવવાનું કામ ખરેખર અશક્ય જ જણાઇ રહ્યું છે. એમનો જીવ જોખમમાં કેવી રીતે મૂકી શકાય?

જાગતીબેનની વાતથી બધાને નવાઇ લાગી રહી હતી. બધાને મૌન જોઇ જાગતીબેન કહે:"તમને મારી વાતમાં વિશ્વાસ આવતો નથી ને? કદાચ તમે જયનાના ભૂત સામે કઇ શક્તિઓથી વિજય મેળવી શકાય એના વિશે વિચારી રહ્યા છો. મારી પાસે તમારી જેમ તંત્ર-મંત્રની કોઇ શક્તિ નથી. ક્યારેય મારો પનારો આવા ભૂત-પ્રેત સાથે પડ્યો નથી. છતાં મારી પાસે એક શક્તિ છે અને મને એવો વિશ્વાસ છે કે એનાથી આપણી સમસ્યા ઉકેલાઇ જશે. આપણે એક નહીં બે દીકરીઓના જીવનને બચાવવાનું છે. રેતાનો જીવ વિરેનમાં છે અને મારો જીવ સ્વાલામાં છે. હું બધાંની પાસેથી એક નાનકડી મદદ માગી રહી છું. હું બધાની સાથે ખાનગીમાં મળીને થોડી મદદ માંગીશ. મને આશા છે કે તમે મારી મદદ માટે તૈયાર થશો..."

બધાંને થયું કે ચિલ્વા ભગત અને ગુરૂ દીનાનાથ પાસેથી કોઇ આશા રહી નથી ત્યારે જાગતીબેનનો કોઇ ઉપાય સફળ થઇ શકે છે. ચિલ્વા ભગત અને ગુરૂ દીનાનાથ પણ ઇચ્છતા હતા કે સ્વાલા અને વિરેન જાગતીબેનની કોઇ શક્તિથી બચી જતા હોય તો સારું છે. તેમને હથિયાર હેઠાં મૂકી દેવાનો અફસોસ કોરી રહ્યો હતો.

બધાંએ જાગતીબેનને મદદ કરવાની હા પાડી દીધી.

જાગતીબેને એક પછી એક જણને જામગીરકાકાના મકાનના એક રૂમમાં અલગથી મળવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં પતિ જશવંતભાઇને બોલાવ્યા. જશવંતભાઇ તો મૂક પ્રેક્ષકની જેમ જાગતીબેનને જોઇ જ રહ્યા હતા. તેમણે પહેલો જ સવાલ કર્યો:"જાગતી, આ શું માંડ્યું છે? મોટા તાંત્રિકો સફળ રહ્યા નથી ત્યારે તું આટલો મોટો પ્રશ્ન તારા હાથે ઉકેલવાનું સાહસ કેવી રીતે કરી રહી છે? એ જયનાનું ભૂત તને ઉંચકીને ક્યાંક ફેંકી દેશે તો?"

"જુઓ, મેં તમને અહીં તમારા પ્રશ્નો પૂછવા બોલાવ્યા નથી. હું કહું છું તે સાંભળો..." જાગતીબેન હુકમ કરતા હોય એમ બોલ્યા.

જશવંતભાઇને થયું કે લગ્ન કર્યા ત્યારથી એને સાંભળતો જ આવ્યો છું. એના આ પરાક્રમ પછી લોકોનું કંઇ સાંભળવું ના પડે તો સારું છે. સાથે એ વાતનો આનંદ થ્યો કે એની વાત સાંભળીને ગામેગામ દીકરીને શોધવા નેકળ્યા ત્યારે એનો પત્તો તો લાગી શક્યો છે.

જાગતીબેન કહેતા ગયા એમ જશવંતભાઇ ડોકું હલાવતા ગયા.

રેતા જ્યારે મળવા ગઇ ત્યારે તેણે આક્રમકતાથી કહ્યું કે એ પણ સાથે આવશે. જાગતીબેને એને સમજાવી ત્યારે મુશ્કેલીથી માની અને એમની વાત પર ધ્યાન આપ્યું.

જાગતીબેનને થયું કે ચિલ્વા ભગત અને ગુરૂ દીનાનાથની સાથે કોઇ વાત કરવાની જરૂર જણાતી નથી. જો વાત નહીં કરું તો બધાંની સામે એમને નીચાજોણું થશે. તેમની કોઇ કિંમત નથી રહી એવો અહેસાસ થશે. તેમણે પોતાની બધી શક્તિઓ કામે લગાવી દીધી હતી. કોઇ ઓળખાણ કે સંબંધ ન હોવા છતાં તેમણે પ્રયત્ન કાર્યા છે. તેમની મહેનત ઓછી રહી નથી. તેમનું માન ના ઘટે એ ખાતર બંનેની સાથે તેમણે ઔપચારિક વાત કરી. જામગીરકાકા પાસેથી ગામની કેટલીક માહિતી મેળવી. જાગતીબેનને થયું કે સૌથી મોટી ભૂમિકા રિલોકની છે. એને સાથે લઇ જવો પડશે. રિલોક પહેલાં તો જાગતીબેન સાથે જવા માટે ગભરાયો પણ તેમણે જ્યારે વિરેનને બચાવવાની વાત કરી ત્યારે તે તૈયાર થઇ ગયો.

બધાંને મળીને જાગતીબેને કહ્યું:"દરેક જણે મને નાની-મોટી મદદ કરવાની છે એનો ખ્યાલ આવી ગયો હશે."

"હા, પણ તમે શું કરવાના છો એનો ખ્યાલ આવતો નથી." ચિલ્વા ભગત ચિંતાથી બોલ્યા.

ત્યારે જાગતીબેનને એક ક્ષણ માટે ડર ઉભો થયો કે પોતે કોઇ ભૂલ તો કરી રહ્યા નથી ને?

વધુ ઓગણચાલીસમા પ્રકરણમાં...