અનંત સફરનાં સાથી - 42 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત સફરનાં સાથી - 42

૪૨.મોતનો ખેલ



પન્નાલાલે આયશાનાં સવાલનો જવાબ આપ્યો. ત્યારે આયશા શાંત થઈ. એ પછી એ એકવાર પણ રડી નહીં. બધી વિધિ પૂરી થયાં પછી બધાં પુરુષો નાગજીની લાશને ખંભે ઉંચકીને સ્મશાને લઈ ગયાં. શિવાંશ અને આર્યન પણ સાથે ગયાં. આર્યન આયશાને સંભાળવા માટે જવાં માંગતો ન હતો. પણ આયશાએ નહીં રડવાનું વચન આપીને એને મોકલી દીધો. આયશા એનાં વચન પર ખરી ઉતરી. એ એકવાર પણ રડી નહીં. જ્યારે સોનાક્ષીબેનની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. આખરે આયશાથી એમનું રડવાનું સહન નાં થતાં એણે સ્વાગત બંગલોની ઈંટો હલી જાય એટલી ઉંચી રાડ પાડી, "હવે રડવાનો સમય જાની પરિવારનો છે. આપણી ઘરેથી એક નનામી ઉઠી છે. એમની ઘરેથી એક સાથે બબ્બે નનામી ઉઠશે." એ બહું ગુસ્સે હતી, "હવે સહન કરવાનો સમય પૂરો થયો. હવે બદલાનો સમય શરૂ થઈ ગયો છે." એણે ત્યાં ઉભેલાં પન્નાલાલનાં માણસો તરફ જોયું, "જાવ અને જઈને અશોક જાની અને એનાં સુપુત્રને જેલમાંથી છોડવો, આજે જ!"
"પણ, માલિકનો હુકમ મળ્યો નથી." એક આદમીએ થોથરાતી જીભે કહ્યું.
"મારો હુકમ એ જ તમારાં માલિકનો હુકમ અને એમને જેલમાંથી આઝાદ કરતી વખતે જણાવી દેજો કે એમની પાસે હવે બહું ઓછો સમય છે." એ જોરજોરથી હસવા લાગી, "જેટલું જીવન છે એટલું જેમ જીવવું હોય એમ જીવવા કહી દેજો."
આયશાની વાત પૂરી થતાં જ પન્નાલાલનાં માણસો અશોક જાની અને માલવ જાનીને જેલમાંથી છોડાવવા પોલીસ સ્ટેશનને જવાં નીકળી ગયાં. એમનાં કદમ પોલિસ સ્ટેશન તરફ અગ્રેસર થયાં અને પન્નાલાલનાં કદમ સ્વાગત બંગલોમાં પડ્યાં. આયશાનાં ચહેરાં પર સ્મિત જોઈને એમને કંઈ સમજાયું નહીં. એમણે ચારે તરફ નજર કરી તો એમનાં માણસો પણ ગાયબ હતાં. એ જોઈને એમનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. એ જઈને આયશા પાસે બેસી ગયાં અને પ્રેમથી એનાં માથાં પર હાથ મૂકીને પૂછ્યું, "તો શું રમત હાથ ધરી છે?"
"અશોક જાની અને એનાં સુપુત્રને જેલમાંથી છોડી લાવવાં તમારાં આદમીઓને હુકમ કર્યો છે." આયશા સહેજ હસી, "શતરંજ બિછાવી દિધી છે. સમય આવ્યે ચાલ પણ ચાલી લઈશ."
"તું પાગલ થઈ ગઈ છે? એ જેલમાં બેઠાં બેઠાં ષડયંત્ર રચી શકે તો એકવાર વિચાર જરાં કે છૂટ્યાં પછી એ લોકો શું કરશે?" શિવાંશ આયશાની મુર્ખામી પર ગુસ્સે ભરાયો.
"પાગલ તો એ પહેલાં હતી. આજે તો એ ઠીક થઈ છે." પન્નાલાલે આયશાનાં માથાં પર હાથ મૂક્યો અને શિવાંશ સામે જોયું, "તને યાદ છે? તું જ્યારે મલયની કંપની ચલાવવાં લાગ્યો અને તારી પહેલી જ સો કરોડની ડીલ તારી ઉપર જ આરોપ લગાવીને છીનવી લેવામાં આવી કે તે બીજાનો પ્રોજેક્ટ કોપી કરીને રજૂ કર્યો છે." એ ઉભાં થઈને શિવાંશ સામે ઉભાં રહી ગયાં, "ત્યારે એ ડીલ તો તને નાં મળી પણ તારી ઇજ્જત બધાં સામે ઉતરી ગઈ. તને કોઈએ ચોર કહ્યો તો કોઈએ તું કંપની ચલાવવાને લાયક નથી એમ કહીને પોલિસમા દેવાં સુધીની ધમકી અપાઈ હતી.એ ડીલ સમયે તે બનાવેલાં ડિઝાઇનની કોપી બીજી કંપની પાસે કેવી રીતે અને કોણે પહોંચાડી એ તું જાણવાં નહીં માંગે?"
"મતલબ? હું કંઈ સમજ્યો નહીં. એ ડીલ અને અશોક જાનીનો શું સંબંધ?" શિવાંશે હેરાની ભર્યા અવાજે પૂછ્યું.
"મતલબ બધો એ બંનેનો જ છે." એમણે શિવાંશનાં ખંભે હાથ મૂક્યો, "તારી ડિઝાઇનની કોપી અશોક જાનીએ એનાં આદમીને કહીને બીજી પાર્ટી સુધી પહોંચાડી હતી. તું જ્યારે તારી કેબિનમાં લેપટૉપ મૂકીને ગયો ત્યારે જ એનાં આદમીએ તારી કેબિનમાં ઘુસીને એમ.કે નામની દિલ્લીની કંપનીને તારાં બધાં ડિઝાઈન મોકલી દીધાં હતાં. જેનાં લીધે ટેન્ડર બહાર પાડવાનું હતું. તે દિવસની મિટિંગમાં દિલ્લીની કંપનીએ તારાં જેવાં જ ડિઝાઈન બધાંને બતાવ્યાં. તે ખુદને સાબિત કરવાની બહું કોશિશ કરી છતાંય તું કંપનીમાં નવો જોડાયો હતો એટલે કોઈએ તારો વિશ્વાસ નાં કર્યો. પણ તારાં પપ્પાની ઈજ્જત નાં જાય એટલે કોઈએ વાતને વધું નાં લંબાવીને ત્યાં જ પડતી મૂકી. પણ હકીકત હું જાણતો હતો." પન્નાલાલ એટલું કહીને ફરી બેસી ગયાં, "તો હવે બોલ આયશાનો સાથ આપીશ કે એને રોકવાની કોશિશ કરીશ?" એમણે પૂછ્યું.
"પણ આયશા કરવાની છે શું?" શિવાંશે સામે સવાલ કર્યો.
"તારી જેમ એણે કેટલાંય બિઝનેસમેનને ફસાવ્યા છે. નાગજીની જેમ કેટલાંય લોકોને માર્યા છે." પન્નાલાલ થોડાં ગંભીર થયાં, "હવે એ બધાંનો બદલો લેવાનો સમય આવી ગયો છે. ફ્રોડ કરીને બીજાને હેરાન કરવાના બદલામાં એને પણ હેરાન થવું પડશે. હું એની તમામ કંપનીઓ બંધ કરાવી દઈશ." એ હસવા લાગ્યાં, "એની પાસેથી બધું છીનવીને એને તડપાવીને પછી મોતનો બદલો મોત! આ એક જ ચાલ ચાલવાની છે. જ્યારે શતરંજમાં એક વજીર મરી જાય. ત્યારે રાજા કમજોર પડી જાય છે. એમ મારે પણ રાજાને કમજોર પાડવાનો છે."
"અશોક જાની જ ખેલનો રાજા છે અને તમે વજીરને મારવાનું કહો છો. મતલબ તમે માલવને મારવાં માંગો છો?" શિવાંશ હજું પણ કંઈ સમજી શક્યો ન હતો.
"તું બિઝનેસ ટાયકૂન કેવી રીતે બની ગયો? એ જ મને આજ સુધી સમજાયું નહીં." કહીને પન્નાલાલ જોરજોરથી હસવા લાગ્યાં, "આ ખેલમાં રાજા અશોક જાની નહીં માલવ જાની છે. પૈસાનો લોભ એને જ છે. એટલે જ એ એનાં બાપ પાસે આવાં કામ કરાવતો રહે છે. જેમાં વગર મહેનતે એને રૂપિયા મળે છે એટલે વજીર માલવ નહીં અશોક છે. એને મારી નાખીશું એટલે માલવ એકલાં હાથે કંઈ નહીં કરી શકે." કહેતાં કહેતાં એમનાં ચહેરાં પર શાંતિની અનુભૂતિ દેખાઈ આવી, "અશોકને બરબાદ કરીને એને મારી નાખીશું તો પાછળ એનો દીકરો એકલો તડપશે અને રાજાને રાજગાદી વગર તડપતો જોવાની મજા જ અલગ છે."
"પપ્પા! માલવ જ આ બધું કરાવતો એવી તમને કેમ ખબર?" આયશાએ અચાનક જ અસમજની સ્થિતિમાં આવીને પૂછ્યું.
"જ્યારે એ તારો દોસ્ત બન્યો ત્યારથી મને બધી ખબર હતી." પન્નાલાલ ભૂતકાળમાં પહોંચી ગયાં, "એણે તારી સાથે દોસ્તી કરી અને એનાં બાપને કહ્યું કે મારી સાથે હીરાની સ્મગલિંગનો ધંધો કરે પણ હું નાં માન્યો. એણે ઘણાં પ્રયત્નો કર્યા. પછી એણે એકવાર તને લગ્ન માટે પણ પૂછ્યું હતું. ત્યારે તે એને નાં પાડી છતાંય એ ચૂપ રહ્યો હતો. પણ ઘરે જઈને એણે કેટલી ધમાલ કરી? એ હું જ જાણું છું. એ પછી એનો બાપ જેલમાં જતો રહ્યો એટલે એણે તારી સાથે બદલો લેવાની કોશિશ કરી અને પોતે પણ જેલમાં ગયો."
"મતલબ પપ્પા! તમારાં બૉડીગાર્ડે એ દિવસે મારાં નાં પાડવાં છતાંય તમને બધું જણાવી દીધું હતું કે માલવે મને લગ્ન માટે પૂછ્યું હતું?" આયશાએ પન્નાલાલની આંખોમાં જોઈને પૂછયું. એમણે સ્મિત સાથે ડોક હલાવી દીધી.
"પણ અશોકને મારશે કોણ અને કેવી રીતે?" શિવાંશે પૂછ્યું.
"હું મારીશ એને અને માલવને તડપતો જોઈશ." આયશાએ શિવાંશ તરફ જોઈને કહ્યું.
"તને જેલ પણ થઈ શકે છે." હવે આર્યન વચ્ચે બોલ્યો.
"દુનિયામાં એવાં તો કેટલાંય લોકો કેટલાયને મારીને સહી સલામત રખડે છે. જેમાં કોઈએ છોકરીનો રેપ કરીને એને મારી નાંખી હોય. રૂપિયાની લાલચમાં નાનાં બાળકોને કિડનેપ કરીને રૂપિયા લઈ લીધાં પછી પણ એમને મારી નાખ્યાં હોય અને સૌથી મોટી વાત દિકરાની લાલચમાં દિકરીને ગર્ભમાં જ મારી નાંખે છે. એ પણ એક જાતનું મર્ડર જ છે. છતાંય એમને તો કોઈએ સજા નથી આપી." એ સહેજ ગંભીર થઈ, "સરકારે ઘણાં નિયમો અને છોકરીઓ માટે સુરક્ષા સેવાઓ ઉપલબ્ધ કરી છે. છતાંય ક્રાઈમ તો થાય જ છે. તો પછી અશોક જાનીએ કોઈ કારણ વગર નાગજી અંકલને માર્યા અને માલવે મારાં પર એસિડ એટેક કર્યો. એનાં બદલમાં તો હું એમને મારી જ શકું."
શિવાંશ અને આર્યન આયશાની વાત સાંભળીને એકબીજા સામે જોવાં લાગ્યાં. શિવાંશ અશોક જાનીના કામોથી વાકેફ હતો. એણે બધાં ગેરકાયદેસર કામ કરી લીધાં હતાં. એનાં રસ્તામાં જે લોકો આવે એમને મોતને ઘાટ ઉતારીને એમની લાશની સીડી બનાવીને એણે મુંબઈમાં પોતાનું નામ બનાવ્યું હતું અને બિઝનેસ સાથે ગુંડાગીરીની ટોચ પર બેઠો હતો. આ બધું વિચારી રહેલાં શિવા‍ંશને આર્યને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યો. શિવાંશ આયશા સામે એક નજર કરીને આર્યન પાસે ગયો. આર્યન અને શિવાંશ વચ્ચે એક વર્ષ સુધી વાતચીત થઈ હતી. ભલે ફોન પર જ વાત કરી હતી છતાંય હવે એ એકબીજાને થોડાં સમજવાં લાગ્યાં હતાં. શિવાંશ આર્યનનો ડર સમજી શકતો હતો. એણે આર્યન પાસે જઈને એનાં ખંભા પર હાથ મૂક્યો.
"શું આયશા ખરેખર કોઈનું મર્ડર કરી શકે એટલી સક્ષમ છે?" આર્યને શિવાંશ સામે જોઈને પૂછયું.
"પહેલાં સક્ષમ ન હતી. એ બધાંથી એ દૂર જ રહેતી પણ નાગજી અંકલ અને એની વચ્ચે જે સંબંધ હતો. એ આજ સુધી કોઈ સમજી શક્યું નથી." શિવાંશે આર્યનની આંખોમાં જોયું, "આયશા એનાં મમ્મી-પપ્પાને જે નાં કહેતી એ બધું નાગજી અંકલને કહેતી. નાગજી અંકલ આયશા માટે એક પિતાથી વિશેષ હતાં. આપણો દુનિયામાં સૌથી ઉંચો અને વિશેષ સંબંધ જો કોઈ સાથે હોય તો એ આપણાં માતા-પિતા સાથે હોય છે અને નાગજી અંકલ તો આયશા માટે માતા-પિતાથી પણ વિશેષ હતાં. તો તું સમજી શકે છે કે એ નાગજી અંકલને મારનાર વ્યક્તિની શું હાલત કરી શકે?"
"તું ખરેખર આયશાને પ્રેમ કરતો હોય તો અત્યારે એનો સાથ આપ અથવા એનાં રસ્તામાં આવ્યાં વગર અમદાવાદ જતો રહે." પન્નાલાલે આર્યન પાસે આવીને કહ્યું. આર્યન અને શિવાંશ બંને જે રીતે વાતો કરી રહ્યાં હતાં. એ પરથી પન્નાલાલ આર્યનનાં મનનાં ભાવ કળી ગયાં હતાં. આયશા પણ પન્નાલાલની પાછળ આવી. એ પણ આર્યનનો જવાબ જાણવાં માંગતી હતી. એ આર્યનની આંખોમાં જોઈ રહી.
"હું આયશાનો સાથ આપવા તૈયાર છું. બસ મારી એક જ શરત છે." આર્યને આયશા સામે જોઈને કહ્યું.
"શું શરત છે?" આયશાએ પૂછ્યું.
"તું જે પણ પ્લાન કરે એ મને જણાવવું પડશે અને અશોક જાનીની ઉપરની ટિકિટ કાપ્યા પછી તારે તરત જ મારી સાથે અમેરિકા આવતું રહેવાનું." એણે એક ઉંડો શ્વાસ લઈને આગળ કહ્યું, "અહીં બધું શાંત થઈ જાય પછી આપણે ફરી મુંબઈ આવશું."
આર્યનની વાત સાંભળીને આયશાએ સ્મિત સાથે ડોક હલાવી દીધી. ત્યાં સુધીમાં પન્નાલાલનાં માણસો પણ આવી ગયાં. એમને આવવામાં મોડું થયું હોવાથી અને એમનાં ગુસ્સાથી લાલ ચહેરાં જોઈને આયશા થોડી ગંભીર થઈ ગઈ. એણે તરત જ મહેશ પાસે જઈને પૂછ્યું, "શું થયું? કામ થઈ ગયું ને?"
"કામ તો થઈ ગયું પણ.." મહેશ કહેતાં કહેતાં અટકી ગયો. પન્નાલાલ પણ ગંભીર થઈ ગયાં, "પણ શું? આમ ભૂત બનીને ઉભાં નાં રહો. જે થયું હોય એ જણાવો." આયશાએ ગુસ્સે થઈને કહ્યું.
"એ બાપ દિકરા બંનેને અચાનક છોડાવ્યા તો કમિશનરે ધમકી આપી છે કે એ બંનેને કંઈ થયું તો કમિશનર માલિકને છોડશે નહીં." મહેશે પોતાનો ચહેરો ઝુકાવી લીધો, "એમણે માલિકનાં હાથમાં હાથકડી પહેરાવવાનું સપનું જોઈ રાખ્યું છે."
"એ સપનું તો એનું સાકાર થવાથી રહ્યું. એ પણ અશોક જાની સાથે મળેલો છે એટલે મને પકડવાના સપનાં જોવે છે." પન્નાલાલે હસીને કહ્યું.
"પણ માલિક! આ વખતે જાણે એને કોઈ સબૂત હાથ લાગ્યું હોય એમ એ ઉછાળી રહ્યો હતો." મહેશે કહ્યું.
"આપણે એવાં કોઈ કામ કર્યા જ નથી કે એણે મને ગિરફ્તાર કરવો પડે." પન્નાલાલનાં ચહેરાં પર આત્મવિશ્વાસ છલકતો હતો, "એને જાણ થઈ ગઈ છે કે હવે અશોક જાનીનો અંત નિશ્વિત છે. બસ એટલે જ મને પકડવા માંગે છે. હું તો પહેલેથી જ એનાં રસ્તાનો કાંટો રહ્યો છું. હવે મેં એનો સાથ નાં આપીને મારી રીતે બિઝનેસ કરવાની હિંમત કરી છે તો એનો પારો ચડવાનો જ!"
"તો એ તમને સાચે જ ગિરફ્તાર કરી લેશે તો?" આયશા પણ થોડી ડરી ગઈ.
"આપણે આપણી રણનીતિ બનાવો. હાલ અશોક ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. કમિશનર તો આપણને આપણાં રસ્તા પરથી ભટકાવવા માંગે છે." પન્નાલાલે આયશાનાં માથાં પર હાથ મૂકીને કહ્યું અને પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. શિવાંશ અને એનો પરિવાર પણ આયશાને મળીને જતાં રહ્યાં. શિવાંશ આર્યનને પણ પોતાની સાથે લઈ ગયો. આયશાનું એક રૂપ એણે જોયું એટલું ઘણું હતું. હજું તો એનાં કેટલાંય રૂપ સામે આવવાનાં બાકી હતાં. જે એક એક કરીને આર્યન સામે આવે એ જ એનાં માટે ઉચિત હતું.
શિવાંશ પોતાની ગાડીમાં ઓફિસે જવા નીકળી ગયો અને બાકી બધાં ઘરે આવી ગયાં. આર્યનને તન્વીએ ગેસ્ટ રૂમ બતાવી દીધો. એ ગેસ્ટ રૂમમાં જતો રહ્યો. શિવાંશનાં લગ્નને પંદર દિવસ જ બચ્યાં હતાં. એમાં સાત દિવસ અગાઉ તો એ લોકોને અમદાવાદ જતું રહેવાનું હતું. એટલે મુંબઈમાં બસ એક જ અઠવાડિયું બચ્યું હતું. એટલાં સમયમાં આર્યને આયશાને સુરક્ષિત રાખવાની હતી. આર્યને રૂમમાં આવીને તરત જ બેડ પર લંબાવ્યું. થોડીવાર પહેલાં જે થયું એ જોયાં પછી એનું મગજ એનાં પણ કાબૂમાં ન હતું. એ હજું થોડીવાર જ સૂતો હશે. ત્યાં જ એનો ફોન વાગ્યો. આર્યન અને આયશા અચાનક મુંબઈ આવી ગયાં એટલે એનાં પપ્પા આર્યનને ફોન કરી રહ્યાં હતાં.
"હેલ્લો પપ્પા! બોલો." આર્યને ફોન ઉપાડીને કાને લગાવ્યો.
"એ બોલ વાળી! આમ અચાનક મુંબઈ કેમ જતો રહ્યો? ત્યાં બધું ઠીક તો છે ને? એક દિવસ નક્કી તું મારો હાર્ટએટેક કરાવીને જ રહીશ." રાજેશભાઈ બહું ગુસ્સામાં હતાં. છતાંય આર્યનને હસવું આવી ગયું.
"શાંત પપ્પા! અમેરિકા નહીં મુંબઈ આવ્યો છું. આમ પણ મારપીટ કરવાનું ઘણાં સમયથી છોડી દીધું. હવે નાહકના કેમ હાયપર થાવ છો!" એણે ફરી બેડ પર લંબાવ્યું, "મુંબઈમાં મને કોઈ ઓળખતું નથી. આમ પણ મારપીટ હું કોઈ કારણ વગર નથી કરતો."
"મતલબ મુંબઈમાં કોઈ કારણ આપશે તો ત્યાં પણ શરૂ થઈ જઈશ?" રાજેશભાઈએ પૂછ્યું.
"આભાર માનો કે મારી રિવૉલ્વર હવે હું સાથે નથી રાખતો. મહેરબાની કરીને કોઈને આ વિશે જાણ પણ નાં કરતાં." આર્યને ગંભીર અવાજે કહ્યું, "આયશાને મુંબઈ કામ હતું તો સાથે આવવું પડ્યું. બહું જલ્દી ફરી અમદાવાદ આવી જાશું."
"ઠીક છે, જલ્દી આવજો." કહીને રાજેશભાઈએ ફોન ડિસકનેક્ટ કર્યો.
"તમે પણ રિવૉલ્વર રાખો છો?" અચાનક જ દરવાજેથી તન્વીએ પૂછ્યું. આર્યનનું ધ્યાન એ તરફ ગયું. એણે તરત જ ઉભાં થઈને તન્વીને અંદર ખેંચીને દરવાજો બંધ કરી દીધો.
"હાં, હું રિવૉલ્વર રાખું છું. પણ હાલ મારી પાસે નથી. હવે હું એને સાથે લઈને નથી ફરતો." આર્યન દરવાજાને ટેકો આપીને ઉભો રહી ગયો, "સાચું કહું તો જેટલો મોટો બિઝનેસ એટલું જ જીવનું જોખમ વધી જાય છે. નાં ઈચ્છવા છતાં સેફ્ટી માટે ઘણું કરવું પડે છે અને હું અને પપ્પા તો અમેરિકા જેવાં બીજાં દેશમાં અમારો ફેમિલી બિઝનેસ ચલાવીએ છીએ એટલે આવું બધું જરૂરી છે." એણે તન્વીની આંખોમાં જોઈને ઉમેર્યું, "પણ આ વાત કોઈને જણાવતી નહીં." તન્વી ડોક હલાવીને જવાં લાગી તો આર્યને એને રોકતાં પૂછ્યું, "અંકલ તારાં અને શુભમનાં લગ્ન માટે માની ગયાં?"
"નહીં, હજું કોઈ વાત નથી થઈ." તન્વીએ કહ્યું અને જતી રહી.
આર્યને આયશાનાં ગયાં પછી ફરી બેડ પર લંબાવ્યું અને આ વખતે દરવાજો અંદરથી બંધ રાખ્યો. થોડીવાર પછી આર્યનનાં ફોન પર એક મેસેજ આવ્યો. આયશાએ કાલે આર્યનને જૂહુ બીચ પર મળવાં બોલાવ્યો હતો.


અમદાવાદ, ગુજરાત

નીલકંઠ વિલામાં આયશા અને આર્યનનાં અચાનક મુંબઈ જવાથી બધાં બહું પરેશાન હતાં. એટલામાં જ અશોક જાની અને માલવ જાનીના જેલમાંથી છૂટ્યાની ખબર બધી ન્યૂઝ ચેનલમાં ફરવા લાગી હતી. એ બંને સાથે પન્નાલાલનાં આદમી મહેશને ન્યૂઝમાં જોઈને મહાદેવભાઈને કંઈક અજુગતું ઘટયું હોય એવો આભાસ થયો. એમણે તરત જ શિવાંશને ફોન જોડ્યો.
"હેલ્લો પપ્પા! ત્યાં લગ્નની તૈયારીઓ કેવી ચાલે છે?" શિવાંશે ફોન રિસીવ કરતાંની સાથે જ પૂછ્યું.
"લગ્નની તૈયારીઓ તો પછીની વાત છે. પહેલાં મુંબઈમાં શું થયું છે? એ મને જણાવ." મહાદેવભાઈએ ડર મિશ્રિત અવાજે પૂછ્યું.
"કેમ પપ્પા? આવું કેમ પૂછો છો? કોઈએ તમને કંઈ કહ્યું?" શિવાંશે સામે સવાલ કર્યો.
"કોઈને કહેવાની ક્યાં કંઈ જરૂર છે? આજકાલ દેશ-વિદેશની તમામ ઘટનાઓ ન્યૂઝ મારફતે મળી જ જાય છે." એમનો અવાજ ગંભીર થયો, "આ અશોક જાની અને માલવ જાની કોણ છે? બંને ત્રણ વર્ષ પછી જેલમાંથી છૂટી રહ્યાં છે અને પન્નાલાલનાં આદમીઓ અને બૉડીગાર્ડસ્ એમની સાથે છે. એમણે જ એ બંનેને છોડાવ્યા એવું ન્યૂઝમાં બતાવે છે."
શિવાંશે તરત જ એની ઓફિસનું ટીવી ચાલું કર્યું અને પોતાનું માથું પકડી લીધું. મોટાં લોકોની ખબર તરત જ ટીવી પર આવી જતી હોય છે. આજે એ વાતે પહેલીવાર શિવાંશને અફસોસ થઈ રહ્યો હતો. એ મુંબઈમાં જે થયું એમાંની એક પણ વાત અમદાવાદમાં કોઈને જણાવવા માંગતો ન હતો. બહું મુસીબતો પછી બધું સરખું થયું હતું. હવે એ કોઈ પરેશાની ઉભી કરવા માંગતો ન હતો.
શિવાંશ તરફથી કોઈ જવાબ નાં મળતાં મહાદેવભાઈએ ફરી પૂછ્યું, "શિવાંશ! મારાથી કંઈ છુપાવતા નહીં. મારી દિકરીનાં જીવનમાં માંડ ખુશીઓ આવી છે. આર્યન અને આયશા પણ કોઈને કંઈ જણાવ્યાં વગર મુંબઈ આવી ગયાં. હવે ન્યૂઝમાં આવાં સમાચાર આવે છે. મતલબ કંઈક તો ખોટું થઈ રહ્યું છે."
"પપ્પા! તમે શાંત થઈ જાઓ. હું તમને બધું જણાવું છું પણ તમે ઘરે કોઈને નાં જણાવતાં. અમે બસ એક અઠવાડિયામાં જ ત્યાં આવીએ છીએ." શિવાંશ મહાદેવભાઈને સમજાવવા લાગ્યો અને સવારે જે થયું એ બધું મહાદેવભાઈને જણાવી દીધું, "હવે જ્યાં સુધી અમે અમદાવાદ નાં આવીએ ત્યાં સુધી તમે ત્યાં બધું સંભાળી લેજો. બધી શકે તો થોડો સમય ટીવીનુ કનેક્શન જ કાપી નાંખો." શિવાંશે મહાદેવભાઈને સલાહ આપી જેથી આયશા અશોક જાની સાથે જે કંઈ પણ કરે એ ખબર અમદાવાદમાં કોઈને પણ નાં પડે.
મહાદેવભાઈએ શિવાંશ સાથે વાત કરીને ટીવી બંધ કરી દીધી અને બહાર જઈને કનેક્શન જ કાપી નાખ્યું. પછી અંદર આવીને એ રીતે બેસી ગયાં જાણે કંઈ થયું જ નાં હોય. રાહી બૂટિક અને રાધિકા કોલેજ અને સ્કુલમાં વ્યસ્ત રહેતી. ગૌરીબેન તો લગ્નનાં કામમાં જ વ્યસ્ત રહેતાં. એમાં ટીવી જોવાનો કોઈ પાસે સમય ન હતો એટલે મહાદેવભાઈ પણ થોડાં નિશ્ચિત હતાં.

રાહી સુધી હજું કોઈ સમાચાર પહોંચ્યાં ન હતાં. એણે પોતાની કેબિનમાં ટીવી રાખ્યું ન હતું. થોડાં દિવસોથી એની પાસે ફોન હાથમાં લેવાનો પણ સમય ન હતો. એ બધાનાં કપડાં બનાવવામાં જ વ્યસ્ત હતી. બપોરે અચાનક જ રાધિકા અને શ્યામ એનાં બૂટિક પર આવી પહોંચ્યાં. બહાર એમણે ટીવી પર ચાલી રહેલાં ન્યૂઝ જોઈ લીધાં. એમાં મહેશને જોઈને રાધિકાએ તરત જ ટીવી બંધ કરી દીધું. બૂટિક પર આવેલો એક છોકરો બહાર બેસીને ટીવી જોઈ રહ્યો હતો. રાધિકાએ અચાનક ટીવી બંધ કર્યું. તો એ એની સામે કાતર દ્રષ્ટિથી જોવા લાગ્યો.
"આમ શું જુઓ છો? આ બૂટિક મારાં દીદુનું છે. જે કરવાં આવ્યાં હોય એ કરો અને જતાં રહો." રાધિકાએ દાંત પીસીને કહ્યું અને રચના પાસે ગઈ.
"તું શું જ્યારે હોય ત્યારે તૂફાનની જેમ જ આવતી હોય છે?" રચનાએ રાધિકા પર ગુસ્સો કરતાં કહ્યું.
"એય રચુ! વાતની ખબર નાં હોય તો બહું બોલ બોલ નાં કરવું. હવે ટીવી ચાલું નાં કરતી અને પેલાને જે જોતું હોય એ આપીને રવાનાં કર." રાધિકાએ થોડે દૂર ઉભેલા છોકરાં તરફ ઈશારો કરીને કહ્યું અને રાહીની કેબિનમાં જતી રહી. જ્યાં રાહી પોતાનાં કામમાં વ્યસ્ત હતી.
"દીદુ! કેટલું કામ કરશો? ચાલો આપણે શોપિંગ પર જવાનું છે." રાધિકાએ કેબિનમાં પગ મૂકતાંની સાથે જ કહ્યું.
"પણ આમ અચાનક? મારે કેટલું કામ છે." રાહીએ લેપટૉપમાં જોતાં જોતાં જ કહ્યું.
"કામ પછી કરજો. ઘરેથી મમ્મી અને અંકિતા પણ નીકળી ગયાં છે. આપણે પણ જવાનું છે." રાધિકાએ આગળ વધીને રાહીનું લેપટૉપ બંધ કરી દીધું. રાહી રાધિકાને ગુસ્સાથી જોઈને ઉભી થઈ ગઈ અને બહાર નીકળી ગઈ.
"તું પેલાં ગધેડાં આર્યનને ફોન કરીને પૂછ કે મુંબઈમાં થઈ શું રહ્યું છે? એ તો આયશાને લઈને જતો રહ્યો અને આજનાં ન્યૂઝ જોતાં કંઈક અલગ બન્યું હોય એવું લાગે છે." રાધિકાએ શ્યામને કોણી મારીને કહ્યું અને પોતે પણ બહાર નીકળી ગઈ.
રાધિકા અને રાહી બંને એની ગાડીમાં ગોઠવાઈ ગઈ. શ્યામ આર્યન સાથે વાત કરીને બહાર આવ્યો અને એ પણ ગાડીમાં ગોઠવાઈ ગયો. રાધિકાએ ઈશારો કર્યો તો શ્યામે મેસેજમાં આર્યને કહ્યું એ લખીને મેસેજ એને મોકલી દીધો. રાધિકાએ મેસેજ વાંચીને માથું પકડી લીધું. રાહીએ અમદાવાદની લાલ દરવાજા માર્કેટથી થોડે દૂર ગાડી પાર્ક કરી અને ત્રણેય પગપાળા જ માર્કેટની અંદર ગયાં. અંદર બધી જ વસ્તુઓની અનેકો દુકાનો હતી. રાધિકા, રાહી અને અંકિતા શોપિંગમાં લાગી ગઈ. શ્યામ ગૌરીબેનને લગ્ન સમયે પૂજામાં લાગતી સામગ્રીઓની ખરીદી કરાવવાં લાગ્યો. માર્કેટમાં પગ મૂકતાં જ રાધિકાએ આખી માર્કેટ માથે લીધી. રાહી અને અંકિતા માથું પકડીને એની પાછળ પાછળ ચાલવા લાગી.

(ક્રમશઃ)

_સુજલ બી.પટેલ