Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

લીલો ઉજાસ - પ્રકરણ - ૧૯ - સેક્સ ક્લિનિકની મુલાકાત – દિવ્યેશ ત્રિવેદી

ડભોઈથી જ્યોતિભાભી આવ્યાં. સાથે અર્ચના પણ આવી હતી. અર્ચનાને મનીષા સાથે ખૂબ મજા આવી. જ્યોતિભાભી અને અર્ચના આવ્યાં એ પછી ઉદય અને મનીષા એમને લઈને એક સવારે પિનાકીનભાઈને ત્યાં જઈ આવ્યાં અને સાંજે નયનને ઘેર જઈ આવ્યાં. બંને જગ્યાએ એમનું ઉષ્માભર્યું સ્વાગત થયું. એ પછી ચારેય જણ ડભોઈ ઊપડી ગયાં. ડભોઈમાં ત્રણ દિવસ રહ્યા. ડભોઈમાં તો અર્ચના જ મનીષા માટે ભોમિયો બની ગઈ હતી. એ મનીષાને લઈને ગામમાં ફરી. એની બહેનપણીઓ સાથે મનીષાની ઓળખાણ કરાવી. હીરા ભાગોળ અને પ્રસિધ્ધ તળાવ પણ બતાવ્યું અને એની પાછળ રહેતી ઐતિહાસિક દંતકથાઓ પણ કહી. મનીષાને ડભોઈ ખૂબ ગમી ગયું. મુંબઈ કરતાં અહીંનું જીવન તદ્દન વિરુધ્ધ હતું. મુંબઈમાં લોકો દોડાદોડ કરતા હતાં. કૂતરું પાછળ પડયું હોય તેમ દરેક વ્યક્તિ રઘવાટમાં જ હોય એવું દેખાતું હતું. અહીં બધાં જ નિરાંતમાં હોય એવું લાગતું હતું. રાતનો અંધકાર પણ રેશમ જેવો મુલાયમ અને મખમલી લાગતો હતો. મનીષાએ જોયું કે ઉદય પણ ડભોઈ આવીને થોડો હળવો થયો હતો. એને આનંદમાં જોઈને મનીષાને પણ આનંદ થતો હતો. મનીષાએ મનોમન વિચાર્યું કે ડભોઈની હવા જો ઉદયમાં નવા પ્રાણ સીંચતી હોય તો દર મહિને બે-ત્રણ દિવસ અહીં આવવું જોઈએ.

ઉદય, જનાર્દનભાઈ, જ્યોતિભાભી અને અર્ચના વચ્ચે ખૂબ પ્રેમ અને લાગણી હતી એવું એણે ઉદય પાસેથી સાંભળ્યું હતું. પણ હવે તો એને એ જોવાનો પ્રત્યક્ષ મોકો મળ્યો હતો. રાત્રે જ્યોતિભાભીએ ઉદય અને મનીષાની પથારી ઘરમાં અંદર મેડા પર કરી અને પોતાના માટે, જનાર્દનભાઈ માટે તથા અર્ચના માટે બહાર ફળીમાં ખાટલા ઢાળ્યા. ઉદય કંઈ બોલ્યા વિના બંનેની પથારી ઉપાડીને બહાર લઈ આવ્યો અને પોતાના તથા મનીષા માટે ખાટલો પાથર્યો. જ્યોતિભાભીએ તરત જ કહ્યું, “તમે બંને અંદર સૂઈ જાવ ને! સવારે નિરાંતે ઊઠજો!”

“ના, બહારની ખુલ્લી હવા અને ગામની માટીની સુગંધ જેટલી બહાર મળે એટલી અંદર ન મળે. અને રાત્રે આકાશના તારા જોતાં જોતાં. તમારાં બધાં સાથે વાતો કરતાં કરતાં ઊંઘી જવાની કેવી મજા આવે...” ઉદયે ખૂબ ભાવથી જવાબ આપ્યો.

“આ તો તમે તમારી વાત કરી. મનીષાને તો પૂછી જુઓ કે એને બહાર સૂવાનું ફાવશે?” જ્યોતિભાભીએ ગર્ભિત ઈશારા સાથે કહ્યું.

“મને તો મજા આવશે... મુંબઈમાં તો બધાંએ ફ્લેટની ચાર દીવાલોમાં કેદ થઈ જવાનું... અને બહાર સૂવા જાવ તો પણ ચોખ્ખી હવા ન મળે. મને તો અહીં આવીને સ્વર્ગમાં આવી હોઉં એવું લાગે છે... થાય છે કે અહીં જ રહી જાઉં...” એણે એક નજર ઉદય તરફ નાંખી. ઉદયના ચહેરા પર રાહતની લાગણી દેખાતી હતી. મનીષાના આ શબ્દોએ એની માનસિક મૂંઝવણને ટાળી હતી.

ત્રણ દિવસમાં ડભોઈનાં સંભારણાં લઈને ઉદય અને મનીષા વડોદરા પાછા ફર્યા. બસમાં ખૂબ ભીડ હતી અને માંડ માંડ બેસવાની જગ્યા મળી હતી. એથી બસમાં તો બંને વચ્ચે વાત થઈ શકે તેમ જ નહોતું. બંને ઘરે આવ્યાં એ પછી જમીને આડાં પડયાં. મનીષાએ તો ઊંઘ ખેંચી, પરંતુ ઉદયને ઊંઘ ન આવી. જેમ જેમ રાત નજીક આવતી જતી હતી તેમ તેમ ઉદયના મનમાં આછો ફફડાટ થતો હતો. એનું મન હવે વધુ નિષ્ફળતાઓ માટે તૈયાર નહોતું.

સાંજે મનીષાએ એને કહ્યું, “કાલથી તો તારી જોબ ચાલુ થઈ જશે. પછી સાઈકોલોજિસ્ટને મળવા ક્યારે જઈશું?" પહેલાં તો એ નક્કી કરવું પડશે કે કયા સાઈકોલોજિસ્ટને બતાવવું? હું તો અહીં કશું જાણતી નથી... તું કહે તો હું પિનુકાકાને પૂછી જોઉં...

“ના, એમને પૂછવું નથી. હું જ તપાસી કરી લઈશ. કાલે ઑફિસે જાઉં પછી વાત!" ઉદયે તરત જ કહ્યું.

બીજે દિવસે ઉદય જોબ પરથી આવ્યો કે તરત મનીષાએ એને પૂછયું. “તે કંઈ તપાસ કરી?"

“શેની?"

“સાઈકોલોજિસ્ટની...” મનીષાએ કહ્યું.

“તું કેમ આટલી બધી ઉતાવળ કરે છે? મને પણ તારા જેટલી જ ઉતાવળ છે...” ઉદયે સહેજ છણકો કર્યો. એના અવાજમાં થોડી અકળામણ હતી. મનીષા એટલું તો સમજતી જ હતી કે ઉદય માટે આ પરિસ્થિતિ અસહ્ય બનતી જાય છે અને ખાસ તો બીજી કોઈ વ્યક્તિને પોતાની જાતીય નબળાઈ વિષે પૂછવાનો એને સંકોચ છે. સ્વાભાવિક રીતે જ પુરુષ તરીકેનો એનો અહમ્ ઘવાય છે. એથી જ મનીષા ચૂપ રહી.

પરંતુ સમસ્યાની તાકીદનો તો ઉદયને પણ અહેસાસ હતો. છતાં એના મનમાં હતું કે કોઈને પૂછવાને બદલે જાતે જ શોધી શકાય તો સારું. થોડીવાર રહીને ઉદયે મનીષાને પૂછયું, “સાઈકોલોજિસ્ટ કઈ રીતે તપાસશે?”

“પહેલાં તો એ આપણી આખી સમસ્યાને સાંભળશે. એ પછી એ માટે કયાં ક્યાં સંભવિત કારણો હોઈ શકે એ વિચારશે અને પછી, તારી અને મારી સાથે વાત કરશે અને આપણી પાસેથી ઘણુંબધું જાણવાનો પ્રયત્ન કરશે અને એ પછી કોઈ ઉપાય સૂચવશે." મનીષાએ ટૂંકમાં આખી પ્રક્રિયા સમજાવી.

આ તો વિચિત્ર કહેવાય! એ આપણી સમસ્યાને સાંભળે ત્યાં સુધી તો બરાબર, મને પૂછે એ પણ બરાબર, પણ તને પૂછવાની શી જરૂર? સમસ્યા મારી છે, તારી ક્યાં છે? અને એ પછી યે સમસ્યા તો ઊકલતી નથી જ. તું કહે છે કે એ ઉપાયો સૂચવશે!' ઉદયે અણગમા સાથે કહ્યું.

પરંતુ મનીષાએ કોઈ શિક્ષિકા પોતાના વિદ્યાર્થીને સમજાવતી હોય એમ ધીરજ અને પ્રેમથી કહ્યું, “જો ઉદય, આ કંઈ મલેરિયાનો તાવ નથી કે ડૉક્ટર એક ઈન્જેક્શન આપી દે એટલે તાવ ઉતરી જાય. માનસિક સમસ્યાનું તો એવું છે કે એનો ઉકેલ મેળવતા કયારેક મહિનાઓ પણ નીકળી જાય અને ઘણા કિસ્સાઓમાં તો મિત્રો, સગાં-સંબંધીઓ વગેરે બધાં સાથે વાત કરવી પડે. આમાં કંઈ એવું નથી કે ઍક્સ-રે લઈને કે લોહીનો ટેસ્ટ કરીને નિદાન થઈ શકે.”

“તારી વાત સાચી! પણ તો પછી આપણે સાઈકોલોજિસ્ટને બતાવવું નથી. નકામું ચોળીને ચીકણું કરવાની જરૂર નથી. હું જ કોઈક રસ્તો શોધી લઈશ.” ઉદયે હતાશા અને અકળામણના પીડાભાવ સાથે કહ્યું.

મનીષાને એની વાત તો ગમી નહિ. એને એવું લાગ્યું કે ઉદય ખોટી જીદ કરે છે. પરંતુ અત્યારે એણે દલીલ કરી નહિ. એને એક જ વાતનો અફસોસ હતો કે ઉદય સાચા માર્ગે આગળ વધતો નથી. મનીષાને એ વાતની પણ ખબર હતી કે કદાચ સાઈકોલોજિસ્ટ કે સાઈકિયાટ્રિસ્ટને બતાવવાથી સમસ્યાનો અંત ન પણ આવે. પરંતુ એ રીતે એક સાચી ચેનલ ખૂલે અને છેવટે કોઈક કારગત ઉપાય સુધી પહોંચી શકાય. એને એમ લાગ્યું કે ભલે ઉદય એકાદ-બે ખોટા પ્રયાસો કરી જુએ. કદાચ એ પછી જ એને સાચા માર્ગે જવાનું સૂઝશે.

દરમ્યાન મનીષાએ ઉદયની વિશેષ કાળજી લેવા માંડી જેથી એને જરા સરખી પણ એવી લાગણી ન થાય કે મનીષા મારી ઉપેક્ષા કરે છે અથવા એના મનમાં જાતીય અસંતોષની ફરિયાદ છે. મનીષાએ એ પણ જોયું કે રાત નજીક આવે છે અને ઉદય ઉદાસ થઈ જાય છે. આથી એણે રાત્રે પણ એવા ઉપાયો અજમાવ્યા કે ઉદય કોઈ સાહસ કરવાનો પ્રયત્ન ન કરે. કારણ કે કોઈ પણ સાહસ કરવા જતાં એની હતાશાનો ગુણાકાર જ થવાનો હતો. ક્યારેક એ રાત્રે કોઈક કામ કરવાના બહાને મોડી સૂવા જતી અને ઉદય ઊંઘી જાય પછી ચૂપચાપ બાજુમાં સૂઈ જતી. ક્યારેક વહેલાં સૂઈ જવાનું થયું હોય તો “પેટમાં ઝીણું ઝીણું દુઃખે છે" અથવા “આજે તો બહુ થાકી ગઈ છું” એવું બહાનું કાઢીને સૂઈ જતી.

આમ લગભગ આઠ-દસ દિવસ પસાર થયા હશે ત્યાં એક દિવસ ઉદયે ઑફિસેથી આવીને મનીષાને કહ્યું, “કાલે મારે નાઈટ શિફ્ટ છે. નાઈટ-શિફ્ટનો એક કેમિસ્ટ બીમાર પડયો છે. કદાચ વધુ દિવસ પણ નાઈટ-શિફ્ટ કરવી પડે."

“કાલનો જ દિવસ કે પછી રોજ?” મનીષાએ પૂછયું.

“આમ તો કાલનો જ દિવસ... પણ પછી થોડા દિવસ નાઈટ શિફ્ટ કરવી પડે!" ઉદયે સહેજ ખચકાતાં ખચકાતાં કહ્યું.

મનીષાએ એને સોફા પર બેસાડ્યો અને ફોસલાવીને પૂછતી હોય એમ પૂછયું. “સાચું બોલજે, નાઈટ-શિફ્ટ કરવાનું તને કહ્યું છે કે તેં જાતે જ નાઈટ-શિફ્ટ માંગી છે?"

“ના, મને કહ્યું છે! સાચું કહું છું બસ!” ઉદયે નાના બાળકની જેમ જવાબ આપ્યો.

મનીષાએ હસીને કહ્યું. “તું સાચું કહું છું એવું કહે છે એ જ બતાવે છે કે તે ખોટું કહે છે. હજુ કહું છું. મને સાચું કહી દે!”

ઉદય સહેજ ઝંખવાણો પડી ગયો અને ચોરી પકડાઈ ગઈ હોય. તેમ નીચું જોઈ ગયો. મનીષાએ એના ઢીંચણ પર હાથ મૂકીને કહ્યું, “ઉદય, હું તારી લાગણીને સમજું છું. રાત પડે એ જ તને ગમતું નથી. તને નિષ્ફળતા સતાવે છે અને એટલે જ તું નાઈટ-શિફ્ટના બહાને રાત્રે મારાથી દૂર રહેવા માગે છે. બોલ ખરું કે નહિ?"

ઉદયે કંઈ જવાબ ન આપ્યો. મનીષા સાથે નજર મિલાવ્યા વિના જ એણે ડોકું ધુણાવીને હા પાડી. મનીષાએ એને કહ્યું, “જો ઉદય, આપણાં લગ્નને હજુ બહુ સમય નથી થયો. એ સંજોગોમાં તું સામે ચાલીને નાઈટ શિફ્ટ માગે તો તારી સાથે કામ કરનારાઓ શું ધારે? એમને સામે ચાલીને આપણા વિષે અનુમાનો બાંધવાની તક શા માટે આપવી જોઈએ?" ઉદયને લાગ્યું કે મનીષાની વાત તો સાચી હતી. એણે આવો તો વિચાર જ નહોતો કર્યો.

સહેજ વાર રહીને મનીષાએ આગળ ચલાવ્યું. “હવે તને બીજી વાત કહી દઉં. તને નિષ્ફળતા કે હતાશાની લાગણી થાય એ હદે હું તને રાત્રે પણ પરેશાન નહિ કરું, અને જો સાંભળ, આ મનીષા તારી જ છે અને એનું શરીર પણ તારું જ છે. મારી પાસે એ તારી અમાનત છે. તું જ્યારે માંગીશ ત્યારે એ હું તને સોંપી દઈશ. ઉદય, પ્રેમ એક જ ગીત થાય એવું માની લેવાની જરૂર નથી, તું મને સ્પર્શ કરે, મારા વાળમાં તારી આંગળીઓ રમાડે, મારા કાનમાં ધીમેથી મારું નામ બોલે, મારા હોઠ ભીંજવે અને મને ગરમ ગરમ આલિંગન આપે એટલે મારે મન તો દુનિયા આખી મને મળી ગઈ... મારું માને તો તું પણ મારી રીતે જ પ્રેમ કર... પછી જો..... નિષ્ફળતા કે હતાશા તારી આજુબાજુ ફરકશે નહિ!”

ઉદય હજુ પણ નીચું જોઈને બેસી રહ્યો હતો. એના મનમાં મનીષા પ્રત્યે અહોભાવ પ્રગટતો હતો. એની આંખના ખૂણા ભીના થઈ ગયા. મનીષાએ પોતાના બંને હાથમાં એનું માથું પકડી લીધું અને એની આંખોને ચૂમી લીધી. ઉદય એને બાઝી પડયો.

ઉદય જાણતો હતો કે મનીષા જે કંઈ કહેતી હતી એમાં એ પ્રામાણિક હતી અને એથી એની વાત પર શંકા કરવાનું કોઈ કારણ નહોતું. મનીષાનો ઉદય સાથેનો વ્યવહાર પણ એટલો જ સાલસ, નિખાલસ અને સંતુલિત હતો. મનીષાએ ઉદય પ્રત્યેના પ્રેમમાં પણ ઓટ આવવા દીધી નહોતી. છતાં ઉદયને રહી રહીને એવો વિચાર આવી જતો હતો કે આ બધું જ સાચું હોવા છતાં પોતે અત્યાર સુધી શરીર-સુખ માણી શક્યો નથી અને મનીષાને શરીર-સુખ આપી પણ શક્યો નથી એ એક હકીકત છે. એને આ જ વાતનું દુઃખ હતું. એથી જ એ કોઈક ઉપાયની શોધમાં હતો.

એક દિવસ છાપું વાંચતાં વાંચતાં એણે વડોદરાના પાના પર એક જાહેરખબર જોઈ. જાહેરખબરમાં જણાવ્યા મુજબ દિલ્હીની કોઈક ‘અંબર સેક્સ ક્લિનિક'ના ડૉ. જયવંતસિંહ વડોદરા આવ્યા હતા અને એક્સપ્રેસ હોટલમાં ત્રણ દિવસ રોકાવાના હતા. જાહેરખબરમાં સેક્સને લગતી ગમે તેવી તકલીફનાં પણ સચોટ ઈલાજની ખાતરી આપી હતી. ડૉક્ટરની પ્રશંસામાં લખ્યું હતું કે, ડૉક્ટર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે અને ઈંગ્લૅન્ડ તથા શ્રીલંકાની ડિગ્રીઓ ધરાવે છે. એમની દવામાં ચમત્કાર છે અને એમની કૃપાથી લાખ્ખો દંપતીઓ અત્યારે સુખી લગ્નજીવન પ્રસાર કરે છે. ફોનથી સમય લઈને ડૉક્ટરને રૂબરૂ મળવા જાહેરખબરમાં જણાવાયું હતું.

ઉદય ત્રણેક વખત આખેઆખી જાહેરખબર વાંચી ગયો. જાહેરખબરમાં આપેલો ડૉક્ટરનો ફોટો જોઈને જ એ પ્રભાવિત થઈ ગયો. ડૉક્ટરની હૃષ્ટપુષ્ટ કાયા અને મોટી ભરાવદાર મૂછો આડકતરી રીતે એવું સૂચન કરતાં હતાં કે જો તમે ડૉ. જયવંતસિંહની દવા કરશો તો આવા જ ચુસ્ત અને તંદુરસ્ત બનીને લગ્નજીવન માણી શકશો.

જાહેરખબર વાંચીને ઉદયના રોમેરોમમાંથી જાણે વીજળીનો પ્રવાહ પસાર થઈ ગયો. એને ઉઘાડી આંખે જ એક મધમીઠું સ્વપ્ન આવી ગયું. એને આ જાહેરખબર મનીષાને બતાવવાની ઈચ્છા થઈ. પછી એણે મનોમન વિચાર્યું કે કદાચ મનીષા સાથે આવવાનું કહેશે તો? પછી એણે એમ પણ વિચાર્યું કે ડૉ. જયવંતસિંહની દવાથી એની સમસ્યા ઉકલી જાય તો એ મનીષાને સરપ્રાઈઝ આપશે.

ઉદયે ફોન કરીને ઍપોઇન્ટમેન્ટ લીધી. ફોન પર એને કહેવામાં આવ્યું કે ડૉક્ટર સાહેબ પંદર દિવસની દવા આપે છે અને ગમે તેવી તકલીફ પણ પંદર દિવસમાં મટાડી દેવાની ગેરન્ટી આપે છે. પંદર દિવસ પછી ડૉક્ટર પાછા અહીં આવે ત્યારે એમને મળી જવાનું રહેશે. પંદર દિવસની એમની દવાનો ચાર્જ રૂ.૨૦૦૦ થી માંડીને રૂ.૮૦૦૦ સુધીનો છે. જેવી તકલીફ, જેવી દવા એવો ચાર્જ.

બીજા દિવસે બપોરે બાર વાગ્યાની ઍપોઇન્ટમેન્ટ મળી હતી. ઉદયે એ દિવસે રજા લીધી હતી. એ સવારે સાડા દસે જ નીકળી ગયો હતો. બેંકમાંથી દસ હજાર રૂપિયા ઉપાડી સીધો એક્સપ્રેસ હોટલ પર પહોંચી ગયો. એ વખતે હોટલના આગલા રૂમમાં બે-ત્રણ જણ બેઠા હતા. ઉદયે ડૉક્ટરના સહાયકને પોતાનું નામ આપ્યું. થોડીવારમાં ઉદયને ડૉક્ટરે અંદર બોલાવ્યો. છાપાની જાહેરખબરમાં દેખાતું હતું એવું જ પ્રભાવશાળી ડૉક્ટરનું વ્યક્તિત્વ હતું. ઉદયે પોતાની તકલીફ કહી અને લગ્ન પછી એક પણ વાર શરીરસુખ માણી શકાયું નથી એ પણ કહ્યું. ડૉક્ટરે ખૂબ અફસોસ વ્યક્ત કર્યો અને સહાનુભૂતિ દર્શાવવાની સાથે સાથે કહ્યું કે, “તુમ કો નસો કી કમજોરી હૈ... મૈં તુમ્હેં ઐસી અકસીર દવા દેતા હૂં કી તુમ શાયદ દસ હી દિન મેં ચિડિયા કી તરહ એક રાત મેં દસ બાર બાર અપની વાઈફ કે પાસ જાઓગે...” ડૉક્ટરે, એટલા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, ઉદયને એ વખતે આ ડૉક્ટર ભગવાન જેવા લાગ્યા. ડૉક્ટરે પમ્પ જેવાં સાધનોથી ઉદયને તપાસ્યો અને થોડી બીજી ચિકિત્સા કરીને દસેક પ્લાસ્ટિકની કોથળીઓમાં દવાઓ આપી. વનસ્પતિનાં પાનનું એક પેકેટ આપીને દરરોજ સવાર-સાંજ દસ-દસ પાનનો ઉકાળો ગરમ ગરમ પીવાનું કહ્યું. એક સફેદ ટીકડીઓ હતી તો બીજી પીળાશ પડતા રંગની ટીકડીઓ હતી. બે પેકેટ ચાંદીના વરખવાળી, બે અલગ અલગ આકારની ગોળીઓનાં હતાં અને એક કોથળીમાં પારદર્શક લીલા રંગની કેપસ્યુલ હતી. એક બોટલમાં માલિશ કરવા માટે તેલ પણ આપ્યું હતું. આ બધી જ દવાઓના આઠ હજાર રૂપિયા લીધા હતા. ડૉક્ટરે જતાં જતાં ખાસ સૂચના આપી કે આ દવા ચાલુ રહે ત્યાં સુધી એટલે કે પંદર દિવસ સુધી સ્ત્રીથી દૂર રહેવું અને સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું.

એને રસ્તામાં જ વિચાર આવ્યો કે મનીષાને વાત તો કરવી જ પડશે. ડૉક્ટરે ઉકાળો પીવાનું કહ્યું હતું. એમાં તો મનીષાની મદદ લીધા વિના ચાલવાનું નથી. વળી ડૉક્ટરે જે છેલ્લી સૂચના આપી હતી એની પણ એને જાણ કરવી જરૂરી હતી. એણે ઘરે જઈને મનીષાને બધી જ વાત કરી. મનીષાએ માત્ર એટલું જ કહ્યું, “આવા સાવ અજાણ્યા અને બહારથી આવતા ડૉક્ટરને બતાવવા કરતાં અહીં સ્થાયી હોય એવા જ કોઈક ડૉક્ટરને બતાવવું જોઈએ. આપણને ઓછોવત્તો ફાયદો હોય તો આપણે એની પાસે જઈ તો શકીએ!”

મનીષાએ ખૂબ સાવચેતીથી પોતાની આશંકા વ્યક્ત કરી. ઉદયે તરત જ કહ્યું, “આ ડૉક્ટર પંદર દિવસ પછી પાછા આવવાના છે અને એ વખતે એમને મળવા જવાનું જ છે!"

મનીષા કંઈ બોલી નહિ. એને મનમાં તો થયું કે ડૉક્ટર દેશના બીજા શહેરોમાં નહિ ફરે, તે પાછા વડોદરા આવશે? પરંતુ એ કંઈ બોલી નહિ. એના મનમાં આ ડૉક્ટર પ્રત્યે શંકા તો જાગી જ. છતાં એણે ઉદયને સંપૂર્ણ સહકાર આપ્યો. બે ટાઈમ પાંદડાંનો ઉકાળો કરીને ઉદયને પીવડાવ્યો અને પંદર દિવસ પલંગમાં ઉદયની સાથે સૂવાને બદલે નીચે ભોંય પર જ પથારી કરીને સૂતી.

પંદર દિવસનો દવાનો કોર્સ પૂરો કર્યા પછી ઉદયમાં થોડી હિંમત આવી. ડૉક્ટરે ચકલીની માફક દસ-બાર વખત પત્ની પાસે જવાશે એમ કહ્યું હતું એને બદલે એક વખત પણ જઈ શકાય તો ઉદયને તો લૉટરી જ લાગવાની હતી. આખો દિવસ એનું મન કામગ્રસ્ત રહ્યું. આટલા દિવસ સુધી એ રાતથી દૂર ભાગતો હતો. આજે રાત વહેલી પડે એની જ રાહ જોતો હતો. રાતનો એનો ઇંતેજાર પૂરો થયો અને ન પણ થયો. રાત તો આવી, પણ સફળતા ખોવાયેલી જ રહી.

ઉદય એકદમ નિરાશ થઈ ગયો. પંદર દિવસ પછી એને આઠ હજાર રૂપિયા પાણીમાં ગયાનો અફસોસ થયો. છતાં એણે એમ વિચારીને મન મનાવ્યું કે ડૉક્ટરે આવ્યા જ હશે. હું એમને મળી આવીશ. કદાચ મારી તકલીફનાં મૂળ ઊંડાં હોય અને મારે ફરી પંદર દિવસ દવા કરવી પડે. બીજે દિવસે એણે એક્સપ્રેસ હોટેલ પર ફોન કર્યો તો એને કહેવામાં આવ્યું કે ડૉ. જયવંતસિંહ નામની કોઈ વ્યક્તિ હોટેલમાં ઊતરી નથી. ઉદયને લાગ્યું કે કંઈક ભૂલ થતી હોવી જોઈએ. એથી એ રૂબરૂ હોટેલ પર ગયો. હોટલના એક કર્મચારી સાથે વાત કરી તો એ કર્મચારીએ કહ્યું, “આવા તો અનેક માણસો અવારનવાર આવે છે અને હોટેલમાં ઊતરે છે. મને નથી લાગતું કે આવા કોઈ ડૉ. જયવંતસિંહ હવે પાંચ-સાત વર્ષ સુધી અહીં આવે.”

ઉદયને છેતરાયા હોવાનો અહેસાસ થયો. પરંતુ એ એમ વિચારીને મન મનાવવા લાગ્યો કે કદાચ ડૉ. જયવંતસિંહ બીજી કોઈ હોટેલમાં પણ ઊતર્યા હોય. આથી એણે એક અઠવાડિયા સુધી દરરોજ ઝીણવટથી છાપાં જોવાનું ચાલુ રાખ્યું. પણ ક્યાંય ડૉ. જયવંતસિંહનું નામ જોવા મળ્યું નહિ.

મનીષાના મનમાં હતું કે કદાચ આ એક કડવો અનુભવ ઉદયને સાચા માર્ગે આગળ વધવાની પ્રેરણા આપશે. ઉદયને પણ ડૉ. જયવંતસિંહને મળીને આવ્યા પછી મનીષાએ કહેલી વાત સાચી લાગી. બે-ચાર દિવસમાં જ ઉદયને ખ્યાલ આવી ગયો કે ડૉ. જયવંતસિંહની દવાએ એના પર કોઈ કામ કર્યું નથી. હવે તો એ દવા હતી કે કેમ એ વિષે જ એને શંકા થઈ.

ઉદયને એટલો તો ખ્યાલ આવી જ ગયો કે ડૉ. જયવંતસિંહ પાસે જવામાં એણે ઉતાવળ કરી હતી. તેમ છતાં સારવારમાં આ પહેલી નિષ્ફળતા હતી અને એથી એણે ઈલાજની આશા સાવ છોડી દીધી નહોતી. હવે એ છાપામાં એવી કોઈક જાહેરાત શોધતો હતો, જેમાં સારવાર કરનારા ડૉક્ટર એક જ જગ્યાએ ઠરીઠામ હોય અને એનું ક્લિનિક પણ હોય. એણે વિચાર્યું કે, આવા જ કોઈક ડૉક્ટરની સારવાર કરવી જોઈએ.

મનીષાને દુઃખ એક જ વાતનું હતું કે ઉદય સારવારની બાબતમાં આંધળુકિયાં કરતો હતો અને એને વિશ્વાસમાં લેતો નહોતો તેમ છતાં મનીષાએ અદ્ભુત ધીરજ દાખવી હતી. એને વિશ્વાસ હતો કે ઉદયને આવા હવાતિયાં મારવાનો અર્થ નથી એ વાત વહેલી મોડી સમજાશે. એ ઉદય પર એટલા માટે કોઈ જાતનું દબાણ નહોતી કરતી કે જેથી ઉદયની આવી લાગણીઓ વધુ ન ઘવાય અને ઉદય વધુ ન દુઃખી થાય.

આ જ અરસામાં ઉદયના ધ્યાન પર એક વધુ જાહેરખબર આવી અને પાછું એના મનમાં આશાવાદનું ઘોડાપૂર ઊમટયું. એનું કારણ એ હતું કે આ જાહેરખબરમાં મનીષાએ કહેલી બધી જ શરતો પૂરી થતી હતી.