MADHPUDAAMA KANKRICHALO KARVO NAHI books and stories free download online pdf in Gujarati

મધપૂડામાં કાંકરીચાળો કરવો નહિ..!

મધપૂડામાં કાંકરીચાળો કરવો નહિ..!

અક્ષરથી અક્ષર મળે તો જ શબ્દ બને, પણ અઢી અક્ષરના અમુક શબ્દોની અડફટમાં આવ્યા તો, ક્યાં તો ન્યાલ કરે, ક્યાં તો પાયમાલ..! ભલભલાના ભલભલાના રૂંવાડા આડા પાડી નાંખે. કાઠીયાવાડી ભાષામાં કહું તો ભુક્કા જ કાઢી નાંખે. ચગડોળે ચઢ્યા વગર એવી ગુલાંટ ખવડાવે કે, ઉભા જ ના થવાય. ને ઉભા થવા ગયા, તો બીજી ગુલાંટ ખવડાવે..! આ પ્રેમ, પત્ની, સત્ય, ભક્તિ કે લગ્નવાળો મામલો સીધો ઉતર્યો તો ઉતર્યો...! નહિ તો બેડોપાર પણ કરી નાંખે, નહિ તો તડીપાર પણ કરાવે, કહેવાય નહિ..! મારે વાત કરવી છે, પ્રેમથી ભરેલા ને ફાટ ફાટ થતા પ્રેમબંકાઓની..! લવ કે લફડેમેં ઐસા હી હોતા હૈ બાબૂ..! ખરજવા ઉપર રેશમી મોજું ચઢાવી દેવાથી ખરજવાની ખણ અટકતી નથી. એમ, પ્રેમ-ભક્તિ-લગન, સત્ય. અને પત્ની જેવાં શબ્દો મુલાયમ લાગે, પણ આડાઅવળા થયા તો મુલાયમસિંહને પણ સારો કહેવડાવે..! મારી પ્રેમ-સંહિતા વાંચીને અમુક તો ભાંડશે પણ ખરાં કે, ડોહાઓની આ જ માથાકૂટ..! ઘરડું થાય એટલે જાતજાતના ધુમાડા કાઢવા માંડે. એવું નથી યાર..! જે દાઝ્યો હોય ને, એ જ છાશને દશવાર ફૂંકીને પીવાની સલાહ આપે..! યે સબ અઢિયાકી, આઈ મીન..અઢી અક્ષરકી માયાજાલ હૈ..!

અમુક અઢિયા શબ્દોને તો ચોઘડિયાના ગ્રહણ લગતા જ નથી. એ સ્વયં જ ચોઘડિયાં હોય..! મારો ઈરાદો એવો નથી કે, આ દુનિયામાંથી પ્રેમને તડીપાર કરવો જોઈએ. પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વગરની દુનિયા તો બાફેલાં કારેલાં જેવી લાગે. પણ પ્રેમના ઉભરા એટલાં સોલ્લીડ નહિ હોવા જોઈએ કે, ઘરના ફર્નીચર ઘંટી ચાટે, ને ધરાયા ના ઓડકાર પડોશણને આવે..! આ પ્રેમલા-પ્રેમલીના પકડદાવમાં તો ભલભલાની પથારી ફરી ગઈ. છે દાદૂ.! અમુક તો ટેરેસ પર ચઢીને બરાડા પાડતા હોય કે, “મેરી કીસ્મતમેં નહિ તું શાયદ, કયું તેરા ઇંતેજાર કરતા હું..!“ શું કામ ઇંતેજાર કરે ભાઈ..? સરકારી દહાડિયા પત્રકે નામ લખાવીને કામધંધે જતા હોય તો..? પણ આ લોકોની પ્રેમ કરવાની એક સ્ટાઈલ હોય. પહેલાં-પહેલાં તો. એકબીજાને ફૂલના ગુચ્છા ફેંકે, પછી પથ્થરમારો કરીને પ્રશ્ચાતાપ કરે કે, “તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો...!’’ એના કપાળમાં કાંદા ફોડું, તને ખબર છે કે એ મધપૂડો છે, તો પછી એને કાંકરીચાળો કરવાનું કંઈ કામ..? પણ આ બધા પ્રેમથી ભરેલા પરપોટા કહેવાય. હવાની લહેરખી મળે ત્યાં સુધી ઉંચે ચઢે, પછી એવો ફૂટે કે, ઉડાડનારની દશા ને દિશા બેઉ બદલી નાંખે...! વીજળીના થાંભલે લખ્યું હોય કે, ‘ અહીંથી વીજળીના ભારે વોલ્ટ પસાર થાય છે, કોઈએ થાંભલો અડકવો નહિ.’ છતાં થાંભલે ચઢીને વાંચવા જાય કે, ‘જોવા તો દે, આ બોર્ડમાં શું લખ્યું છે..? પછી વીજળી એની સડોત્રી થોડી થાય કે, ‘લાવ આવ્યો જ છે તો થોડાંક ગલગલીયાં કરી લઉં..! પાડી જ દે યાર..!

ગામેગામ આવા પ્રેમ-દાનના ગુપત દાનેશ્વરી હશે. પણ ઓળખાય નહિ..! એમાં અમુક તો પ્રેમનો ભંડારો જ ચલાવતા હોય. પ્રેમના એવાં દાનેશ્વરી કે, બાજુમાં તરફડતાં ફેફસાંને પણ એની ગંધ નહિ આવવા દે. પ્રેમની બુધવારી બજાર ભરીને જ બેઠા હોય, ખુદ ફેફસાને અંધારામાં રાખે તો, પછી ફેફસું બીજું કરે શું..? વેન્ટીલેટર જ બતાવે નેજોવાની વાત એ છે કે, આપણે સાલા એક ને પંજેલવામાં ફેંએએફેંએએએ થઇ જઈએ, ને આ પ્રેમબંકાઓ સર્કસનો આખો સ્ટાફ લઈને ફરે..! પછી ડોહાઓની આંખમાં મરચાં નહિ પડે તો શું ગુલાબજળના છાંટણા થાય..? તારી ભળી થાય તારી..!

દુઃખી આત્માઓ ક્યાં તો નશાખોર બની જાય કે ગુન્હેગાર બની જાય. ને બે માંથી એકેય ફેકલ્ટીમાં ફાવટ નહિ આવે, તો કોઈ ભટકણના યાર બની જાય..! દરિયાની પેટાળના તોફાનો થતાં હોય તો, કિનારે ઉભેલાને થોડાં દેખાય..? મરજીવા થવું પડે. એકલવીર યોદ્ધાની માફક એકલાએ જ ઝઝૂમવું પડે.! આવાં પ્રેમબંકાઓને ‘ઘરકી મુરઘી દાલ બરાબર ને બહારની મુરઘી મુલાયમ લાગે..! સ્વ. કવિ દાદબાપુની એક રચના છે કે, ‘શબ્દ એક શોધો. ત્યાં સંહિતા નીકળે. કુવો એક ખોદો. તો આખી સરિતા નીકળે...!’ એમ, આવાં પ્રેમબંકાઓનો એક મોબાઈલ ખોલો તો, એમાંથી સરિતા-બબીતા-રવિતા-કાંતા-ખંભાતા જેવી અનેક ‘બ્લેક-માનૂની’ નીકળે..! ‘ વરસાદ એકવાર પડવો જ જોઈએ, એમાં નદી-નાળા કે તળાવ જ ભીના થાય એવું નહિ, ખાબોચિયાનું પણ પ્રાગટ્ય થાય. પછી તો જેવો જેવો વરસાદ તેવાં-તેવાં ખાબોચિયાં..! જેવી જેવી કથા તેવો તેવો પ્રસાદ..! ક્યારેક સુખડીનો પ્રસાદ પણ મળે, ને ક્યારેક શિરો કે સુકા મમરા ચાવીને પણ ઢેકાર ખાવા પડે..! આવાં પ્રેમબંકાઓ બહારથી તો વિભીષણ જ લાગે, પણ રાવણનાં ભ્રમણ એની ભીતરમાં હોય..! એ તો આપણે ત્યાં તળિયા ઝાટક તપાસ કરવાના રીવાજ નથી એટલે, નહિ તો કંઈ કેટલાના હાર્ટ અંદરથી ‘ડેમેજ’ નીકળે..!

જે જમાનામાં પાવલીનું ચલણ ચારેયકોર હતું, ત્યારે અવિનાશ વ્યાસ સાહેબે એક ગીત લખેલું. “છાનું ને છપનું કંઈ થાય નહિ થાય નહિ, ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ, એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છુપાય નહિ , ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહિ” આ ગીત ઉઘડતી સવારમાં સાંભળવા મળે તો, કોઈના પણ દેશી ‘ગુડ-મોર્નિંગ’ ના મલમની જરૂર નહિ પડે. સાંભળો એટલે જ સવાર થી માંડીને રાત સુધીના પ્રહર સુધરી જાય..! યાદ હોય તો, વચમાં નોટબંધીની એક લહેર આવેલી. છુપાવેલું, દબાવેલું, સંતાડેલું, તફડાવેલું, જેટલું નાણું હોય, એ ખેંચી કાઢેલું. પ્રેમબંકાઓ માટે આવી પ્રેમબંધી જો આવે તો, ઘણાના છાના છપના છબછબિયાંઓ ખેંચી કઢાય..! મારો ઈરાદો ઢાંકેલા ડબ્બા ખોલવાનો કે પ્રેમ-પાપમાં પડવાનો નથી, પણ આ તો એક વાત..! આ બધી સમય-સમયની સાડાસાતી છે દાદૂ..! આજે માત્ર મોબાઈલ જ ચાર્જ કરવો પડે એવું નથી. માણસના મગજ પણ ચાર્જ અને રીચાર્જ કરવા પડે..! હજી થોડાંક વર્ષો જવા દો, મૌસમ પ્રમાણે ઓઢવાની રજાઈ બદલવી પડે એમ, માણસના વલણ પણ બદલાશે. એવાં વોશિંગ મશીન પણ આવશે કે, એક બાજુથી માણસને કપડાં સાથે આખેઆખો નાંખો, એટલે બીજી બાજુથી નાહી ધોઈને અસ્ત્રીવાળા કપડાં સાથે માણસ તૈયાર થઈને બહાર નીકળશે. મોબાઈલની માફક માણસમાં પણ ક્યારે કેવાં ફીચર્સ આવે એનું નક્કી નહિ..! બાકી, આ જગતમાં કોઈપણ માણસ સીધી ભરતીથી તો ઘરડો થયો નથી. ફેર એટલો કે, અસ્સલના સમયમાં આંખના આલોમ-વિલોમ કરવા ગયા તો, ગામમાં મદારી આવ્યો હોય એમ હોહા થઇ જતી..! આજે નો વરી..! બધે જ કોલાવરી..કોલાવરી...કોલાવરી..!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED