અનંત સફરનાં સાથી - 40 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત સફરનાં સાથી - 40

૪૦.સગાઈ




રવિવારની સાંજે નીલકંઠ વિલાને શણગારવા માટે ડેકોરેશન કરનારની આખી ટીમ આવી ગઈ હતી. ઋષભ અને શુભમ બધાંને બધું સમજાવી રહ્યાં હતાં. એ મુજબ ટીમના લોકો ઘરને સજાવી રહ્યાં હતાં. બધાં મહેમાનોને આમંત્રણ અપાઈ ગયું હતું. અંકિતા અને તન્વીએ રાધિકા અને રાહીને અત્યારથી જ અલગ-અલગ ફેસપેક અને ક્રિમ લગાવવાનું શરૂ કરી દીધું હતું. અંકિતા રાહીને ફેસપેક લગાવીને નીચે ગઈ. એ સમયે જ શિવાંશ રાહીનાં રૂમમાં આવ્યો. દરવાજો ખુલવાના અવાજથી રાહી કાકડીનાં ટુકડાઓ પર હાથ રાખીને ઉભી થઈ. શિવાંશે રાહીનો ચહેરો જોઈને રાડ પાડી તો રાહીએ પોતાની આંખો પરથી કાકડીનાં ટુકડાઓ હટાવ્યા.
"કોઈ ભૂત જોઈ લીધું કે શું?" રાહીએ જેવું પૂછ્યું એવો જ શિવાંશ જોરજોરથી હસવા લાગ્યો. રાહી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ, "હું એટલે જ અંકિતાને આવું કંઈ કરવાની નાં પાડતી હતી. મને ખબર જ હતી કે તમે જોશો તો આવું જ વર્તન કરશો."
શિવાંશની રાડ સાંભળીને અંકિતા પણ ઉપર આવી પહોંચી. શિવાંશને એ રીતે પાગલોની જેમ હસતો જોઈને એ તેની સામે આંખો કાઢવાં લાગી અને રાહી સામે જોયું. એ કાકડીનાં ટુકડાઓ ટેબલ પર મૂકીને મોં ફુલાવીને બેઠી હતી. અંકિતા તરત જ બધું સમજી ગઈ.
"તું અહીં શું કરે છે?" અંકિતાએ બંને હાથ કમર પર રાખીને શિવાંશને પૂછ્યું.
"હું તો બસ રાહી પાસેથી અંગૂઠી લેવાં આવ્યો હતો. કાલે પૂજામાં મૂકવાની છે તો મમ્મી માંગતા હતાં." શિવાંશે હસતાં હસતાં જ કહ્યું. રાહીએ તરત જ અંગૂઠી કાઢીને શિવાંશનાં હાથમાં પકડાવી અને ગુસ્સે થઈને બેડ પર બેસી ગઈ. અંકિતાએ એને મનાવવા ઈશારો કર્યો. શિવાંશ તરત જ પોતાનું હસવાનું કંટ્રોલ કરીને એની પાસે ગયો.
"અચ્છા બાબા સોરી! મારે આમ હસવું જોઈતું ન હતું." શિવાંશે પોતાનાં બંને કાન પકડીને કહ્યું.
"સાચે હું ભૂત જેવી લાગું છું?" રાહીએ માસૂમિયત સાથે પૂછ્યું. તો શિવાંશ ફરી હસવા લાગ્યો, "હવે તમે હસ્યાં તો હું તમારું મોં તોડી નાખીશ." રાહીએ ધમકી ભર્યા સ્વરમાં કહ્યું. શિવાંશ હોઠ પર આંગળી મૂકીને ઉભો રહી ગયો. ત્યાં જ રાહી ખુદ જ પોતાનો ચહેરો અરીસામાં જોઈને હસવા લાગી. શિવાંશ પણ એની સાથે હસવા લાગ્યો.
"ખરેખર કહું તો તારે આ કંઈ કરવાની જરૂર જ નથી. તારી નેચરલ બ્યૂટી જ મને ઘાયલ કરવાં કાફી છે." શિવાંશ સહેજ હસ્યો, "આમાં તો ખરેખર ભૂતની જ લાગે છે. શાં માટે મારી સગાઈના દિવસે મને ડરાવે છે તું?"
શિવાંશની વાત સાંભળીને રાહીએ પોતાની હથેળીની મુઠ્ઠી વાળીને શિવાંશને બતાવી તો શિવાંશ તરત જ અંગૂઠી લઈને ભાગી ગયો. એનાં ગયાં પછી અંકિતા અને રાહી ફરીથી હસવા લાગી. રવિવારનો દિવસ તો આમ જ ઘર અને રાહી-રાધિકાને ફેસપેક લગાવવામાં જ નીકળી ગયો. રાતે ડીનર કરીને અંકિતાએ રાહી અને તન્વીએ રાધિકાને મહેંદી લગાવી દીધી. આયશા ચૂપચાપ બધું જોઈ રહી હતી. બધાંને મહેંદી લગાવીને અંકિતાએ આયશાને પણ મહેંદી લગાવી દીધી. એ નાં પાડતી રહી પણ આખરે આર્યને ઈશારો કર્યો તો લગાવી લીધી. મહેંદી લગાવીને બધાં પોતપોતાનાં રૂમમાં જઈને સૂઈ ગયાં.
બીજાં દિવસે સોમવારની સવારે અંકિતા રાહીને તૈયાર કરવામાં લાગી ગઈ. રાહી લહેંગો પહેરીને આવી પછી અંકિતા એનો મેકઅપ કરીને એને બધાં દાગીના પહેરાવવા લાગી. હાથમાં લહેંગાને મેચિંગ બંગડીઓ, ગળામાં પિંક ડાયમંડ એન્ડ વ્હાઈટ મોતીનો નેકલેસ, કપાળે નાની એવી પિંક બિંદી, આંખોમાં ઘેરાં કાળાં રંગનું કાજલ, પાંપણો પર મસ્કરા, હોઠોને ગુલાબી રંગની લિપસ્ટિક વડે રંગ્યા હતાં અને ખુલ્લાં વાળને કર્લી કરીને એમાં થોડાં ફુલ લગાવેલાં હતાં. સંપૂર્ણપણે તૈયાર થયાં પછી રાહીએ ખુદને અરિસામાં જોઈ તો જોતી જ રહી ગઈ. અંકિતાએ એનાં કાન પાછળ કાજલથી કાળું ટપકું કર્યું અને એની નજર ઉતારીને પોતે તૈયાર થવા જતી રહી. થોડીવાર પછી તન્વી અને આયશા રાધિકાને રાહી પાસે એનાં રૂમમાં મૂકી ગઈ. બંને બહેનોએ બહું બધી સેલ્ફી લીધી. ત્યાં સુધીમાં નીચે બધાં મહેમાનો આવવાં લાગ્યાં તો તન્વી અને અંકિતા બંનેને લઈને નીચે ગઈ.
આખી નીલકંઠ વિલાને ગુલાબ-ગલગોટાના ફુલોથી શણગારવામાં આવી હતી. ઘરનાં દરવાજે આસોપાલવ અને આંબાના પાનનાં તોરણ લટકી રહ્યાં હતાં. ઘરનાં હૉલમાં એક પગથિયાં જેટલું ઉંચુ સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. ત્યાં સુધી જવાનાં રસ્તામાં ગુલાબનાં ફુલોની પાંખડીઓ પાથરીને એની ગલગોટાના ફુલો વડે કિનારી બાંધી હતી. સ્ટેજ ઉપર રહેલી રજવાડી ચેર ઉપર રાહી અને રાધિકાને બેસાડવામાં આવી. ગાયત્રીબેને રાહીને અને મંજુબેને રાધિકાને ચુંદડી ઓઢાડીને એને કુમકુમનો ચાંદલો કરીને ચાંદલા-ચુંદડીની રસમ પૂરી કરી. પછી શિવાંશ અને શ્યામને બોલાવવામાં આવ્યાં. એ બંનેએ તો રાહી અને રાધિકાને જોઈને જ પોતાનાં દિલ પર હાથ મૂકી દીધો. બંને ફાઈટર બહેનો આજે આંખોથી અને પોતાની ખુબસુરતીથી કોઈનું કતલ કરી શકે એટલી સુંદર લાગી રહી હતી. શિવાંશ અને શ્યામને તો એમ જ થયું કે એમનું દિલ બહાર નીકળીને બંને બહેનોનાં કદમોમાં જતું રહેશે.
શિવાંશ અને શ્યામનાં આવી ગયાં પછી પંડિતજીએ વિધિ શરૂ કરી. એ સમયે જ આયશા આવી. બેકલેસ ચોલીમા એ પણ ખૂબ સુંદર લાગી રહી હતી. ક્યારેય કોઈ છોકરી સામે નાં જોતો આર્યન આયશા પરથી પોતાની નજર હટાવી શકતો ન હતો. બધાં પોતપોતાની પાર્ટનરને બેધડકપણે જોતાં હતાં. જ્યારે શુભમ બિચારો બધાંથી નજર છુપાવતો લીલી સાડીમાં સજ્જ તન્વીને જોતો હતો. કારણ કે એનાં વિશે હજું પરિવારમાં કોઈને કંઈ ખબર ન હતી. એમની હાલત જોઈને શિવા‌ંશને હસવું પણ આવી રહ્યું હતું અને પોતાની નાનકડી ઢીંગલી ઉપર તરસ પણ આવી રહ્યો હતો. બિચારી ભાઈનાં ચક્કરમાં શુભમ વિશે કોઈને જણાવી પણ શકી ન હતી.
"હજું પણ ભૂતની લાગું છું કે હજું પણ આમ હસો છો?" શિવાંશને હસતો જોઈને રાહીએ કાતર દ્રષ્ટિએ શિવાંશ સામે જોઈને પૂછયું.
"અરે નાં નાં...હવે તો તું મને હાર્ટએટેક અપાવે એવી સુંદર લાગી રહી છે." એણે શુભમ અને તન્વી તરફ નજર કરી, "હું તો મારાં આ બે નમૂનાના કારણે હસું છું. બિચારાં મારાં ચક્કરમાં પોતાનાં પ્રેમ વિશે પરિવારને નાં જણાવી શક્યાં. આજે બધાં સેટ છે. બસ આ બે જ રહી ગયાં." કહીને શિવાંશ ફરી હસવા લાગ્યો.
"આજે સગાઈ પછી આપણે એ બંને વિશે પણ બધાં સાથે વાત કરીશું." રાહીએ સ્મિત કરીને કહ્યું. બદલામાં શિવાંશે પણ હામી ભરી. એ બંનેની વાતો વચ્ચે જ દરવાજે એવાં શખ્સની એન્ટ્રી થઈ કે બંનેનાં ચહેરાં પર રહેલી ખુશીનું સ્થાન ગંભીરતાએ લઈ લીધું. ઘરનાં મુખ્ય દરવાજે ચાર સિક્યોરિટી ગાર્ડસ સાથે પન્નાલાલ અને સોનાક્ષીબેન ઉભાં હતાં. સાથે નાગજી પણ આવ્યો હતો. એમને જોઈને શિવાંશ અને રાહી તરત જ પોતાની જગ્યાએથી ઉભાં થઈ ગયાં. બંનેને એ રીતે ઉભાં થયેલાં જોઈને બધાંની નજર દરવાજા પર ગઈ. બધાનાં મનમાં એક જ સવાલ હતો. હવે શું નવું થાશે? રાહીનો તો શ્વાસ અધ્ધર ચડી ગયો હતો. એણે ડરના કારણે મજબૂતીથી શિવાંશનો હાથ પકડી લીધો. શિવાંશ એનાં માથાં પર હાથ પસવારીને એને શાંત કરવાં લાગ્યો.
"નમસ્તે! આ રીતે અચાનક આવવાં માટે માફ કરજો." સોનાક્ષીબેને બે હાથ જોડીને કહ્યું. એ હજું દરવાજે જ ઉભાં હતાં. ગૌરીબેને એમને અંદર આવકાર્યા. ઘરે આવેલાં મહેમાનોને મીઠો આવકાર આપવો એ એમનાં સંસ્કારમાં આવતું. એમાંય આજે તો એમની બંને રાજકુમારીઓની સગાઈ પણ હતી એટલે એમણે જ્યાં સુધી પન્નાલાલ કંઈ નાં કરે ત્યાં સુધી બધાંને શાંત રહેવા ઈશારો કરી દીધો. પણ આયશા ક્યાં શાંત રહે એમ હતી? એ તરત જ લાલ આંખો કરીને પન્નાલાલ સામે ઉભી રહી ગઈ.
"આજે કોઈ તમાશો કરવાં આવ્યાં હોય તો પ્લીઝ જતાં રહેજો." એણે હાથ જોડીને દરવાજા તરફ ઈશારો કર્યો.
"પહેલાં પ્રસંગ પૂરો થઈ જાય પછી વાત કરીએ. ત્યાં સુધી શાંત રહે બેટા." સોનાક્ષીબેને આયશાનાં માથાં પર હાથ મૂકીને એને શાંત કરી. આયશા એનાં મમ્મી ખાતર શાંત પણ થઈ ગઈ. એ પણ એવું જ ઈચ્છતી હતી કે એનાં કે એનાં પરિવારનાં કારણે એનાં મિત્રોની સગાઈમાં કોઈ અડચણ નાં આવે.
પન્નાલાલના કહેવાથી સગાઈની વિધિ ફરી શરૂ કરવામાં આવી. પહેલાં શિવાંશ અને રાહીએ એકબીજાને અંગૂઠી પહેરાવી અને પછી શ્યામ અને રાધિકાએ એકબીજાને અંગૂઠી પહેરાવી. ચારેયે અંગૂઠી પહેરાવીને બધાં વડીલોનાં આશીર્વાદ લીધાં. દાદી તો ખૂબ જ ખુશ હતાં. એમણે તો રાહી અને રાધિકાને પોતાની છાતી સરસી ચાંપી લીધી. આજે એમનાં મનની મુરાદ પૂરી થઈ હતી. હવે બસ લગ્ન થઈ જાય એટલે એમની બધી જવાબદારીમાંથી એ મુક્ત થઈ જવાં માંગતા હતાં.
સગાઈની વિધિ પૂરી થતાં જ પન્નાલાલના એક ઈશારે એમનાં બે સિક્યોરિટી ગાર્ડસ આવીને ફ્રુટથી ભરેલી ટોકરીઓ, મીઠાઈના બોક્સ અને કેટલાંય ગિફ્ટ બોક્સ લાવીને અંદર મૂકી ગયાં. બધાં બસ મૂક બનીને બધું જોઈ રહ્યાં. આયશા પણ કંઈ સમજી શકી ન હતી. એ પણ આંખો ફાડીને બધું જોતી હતી. એણે નાગજી સામે જોયું તો એમણે આંખના ઈશારે જ આયશાને શાંત રહેવા જણાવ્યું.
"તારાં પપ્પા શું હવે અમને બધાંને ખવડાવીને, તાજામાજા કરીને પછી અમારી બલી ચડાવવા માંગે છે?" આર્યને આયશા પાસે આવીને ધીમેથી પૂછ્યું.
"તું બકરો છે?" આયશાએ ત્રાંસી નજરે આર્યન સામે જોઈને પૂછયું. એણે નાં માં ડોક હલાવી તો આયશા આગળ બોલી, "તો ચુપ રે ને! જો તું બકરો હોત તો હું એવું વિચારી શકતી કારણ કે બકરાને ખવડાવી પીવડાવી તાજોમાજો કરીને હલાલ કરવામાં આવે છે. પણ તું તો કોઈ બકરો નથી. તો પછી જે થાય છે એ જોયાં કર. જેમ હું જોવ છું." આયશાએ કહ્યું તો આર્યન હોંઠ પર આંગળી રાખીને ઉભો રહી ગયો. આયશા એનો માસૂમ ચહેરો જોઈને મંદ મંદ હસતી ઉભી હતી.
પન્નાલાલ બધો સામાન અંદર આવી ગયાં પછી રાહી અને શિવાંશ સામે જઈને ઉભાં રહી ગયાં. એમણે પોતાનાં બંને હાથ જોડી લીધાં અને કહેવા લાગ્યાં, "મેં જે કર્યું એ મારે કરવું જોઈતું ન હતું. મને માફ કરી દો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે." એમણે એક ઉડતી નજર બધાં પર કરી, "હું આજે તમારો પ્રસંગ ખરાબ કરવાં નહીં પણ મારી ભૂલ સુધારવા આવ્યો છું." એ આર્યનનાં પપ્પા રાજેશભાઈ સામે જઈને ઉભાં રહી ગયાં, "આજ સુધી એક દિકરાનો બાપ એનાં દિકરા માટે કોઈની દિકરીનો હાથ માંગવા જાય છે. પણ આજે હું મારી દિકરી માટે તમારાં દિકરાનો હાથ માગું છું. એ બંને એકબીજાને પસંદ કરે છે. જો તમારી મંજૂરી હોય તો આપણે આજે જ સંબંધ પાક્કો કરી નાંખીએ."
બધાં બસ પન્નાલાલને જ જોઈ રહ્યાં. આયશા ખુશીની સાથે હેરાન પણ હતી. એને આર્યનનાં પપ્પાના જવાબની જ રાહ હતી. એણે ડરના લીધે આર્યનનો હાથ પકડી લીધો. આમ તો આયશા ક્યારેય કોઈ માણસ કે પરિસ્થિતિથી ડરતી નહીં પણ આજે એનાં ચહેરાં પર એક ડરની સાથે થોડી અસમંજસ જોઈને આર્યનને એને હેરાન કરવાનું મન થયું.
"એક મિનિટ પપ્પા! હાં પાડતાં પહેલાં વિચારી લેજો. એ તમારાં દિકરાનો હાથ એમની દિકરી માટે માંગે છે." આર્યને થોડાં ગંભીર અવાજે કહ્યું. બધાં એની સામે જ જોઈ રહ્યાં. રાજેશભાઈની તો કંઈ સમજમાં જ નાં આવ્યું. એણે કોઈ નાં જુએ એમ રાજેશભાઈ સામે આંખ મારી, "આજ સુધી એક દિકરાનો બાપ કોઈની દિકરીનો હાથ માંગીને એની સાથે પોતાનાં દિકરાના લગ્ન કરાવીને એને વહું બનાવીને પોતાની ઘરે લઈ જતાં. આ જ રિવાજ ચાલતો આવ્યો છે. આજે પન્નાલાલ અંકલ મારો હાથ એમની દિકરી માટે માંગે છે. તો ક્યાંક એ લગ્ન પછી મને પોતાની ઘરે લઈ ગયાં અને મારી પાસે ઘરનાં કામ કરાવ્યાં તો? મારાથી એ બધું નહીં થાય." આર્યનની વાત પૂરી થઈ. એ સાથે જ બધાં જોરજોરથી હસવા લાગ્યાં. આયશાએ તો એનાં જે હાથ પર પાટો આવ્યો હતો એ જ હાથ પર જોરથી માર્યું, "જોયું પપ્પા! આ કેટલી ખતરનાક છે. આની સાથે તો કોઈ પાગલ જ લગ્ન કરી શકે. હું તો કરવાથી રહ્યો." આર્યને તકનો લાભ ઉઠાવતાં કહ્યું. તો ફરી બધાં હસવા લાગ્યાં.
"અચ્છા! તો તારે મારી સાથે લગ્ન નથી કરવાં." આયશા કહીને ઋષભ પાસે ગઈ, "તું નહીં કરે તો બીજાં ઘણાં તૈયાર બેઠાં છે. કેમ ઋષભ? તું કરીશ ને મારી સાથે લગ્ન?" આયશાએ ઋષભ સામે આંખ મારી.
"હાં, હું કરીશ આયશા સાથે લગ્ન અંકલ તમે મારાં પપ્પા સાથે વાત કરી લો." ઋષભે આયશાનો ઈશારો સમજીને કહ્યું તો આર્યને તરત જ આયશાનો હાથ પકડીને એને પોતાની તરફ ખેંચી લીધી.
"આજ પછી આવું બોલી તો મોં તોડી નાખીશ." આર્યને ગુસ્સે થતાં કહ્યું.
"કોનું?" આયશાએ માસૂમિયત સાથે પૂછ્યું.
"તું જેની સાથે લગ્ન કરવાનું વિચારીશ એનું! હવે તારું તોડીને મારે મારી જીંદગી થોડી ખતમ કરવી છે." આર્યન મસ્તીનાં મુડમાં આવી ગયો.
"અરે એમાં બિચારાં બીજાં છોકરાઓનો શું વાંક? તમે બંને એકબીજાનાં મોંઢા તોડો ને. બીજાનાં ચહેરાં તો સારાં રહેવા દો." ઋષભે વચ્ચે કૂદતાં કહ્યું તો ફરી એક વખત બધાં હસવા લાગ્યાં.
"હવે મસ્તી બહું થઈ. મને તો આયશા પસંદ છે. હવે જલ્દી એમની સગાઈ અને લગ્નનું પણ મુહુર્ત કઢાવો." નંદિનીબેને કહ્યું. સોનાક્ષીબેનને તો એમનો જવાબ સાંભળીને બહું ખુશી થઈ. બંને વેવાણોએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને એકબીજાને ગળે મળ્યાં. ઘરનાં બધાં વાતોએ વળગ્યાં અને મહેમાનો બધાં જમવા જતાં રહ્યાં.
"તને કેમ ખબર કે હું મજાક કરી રહ્યો હતો?" આર્યને આયશા પાસે જઈને પૂછ્યું.
"મેં તને પપ્પા સામે આંખ મારતાં જોઈ લીધો હતો." આયશાએ સ્મિત કરીને કહ્યું.
"ઓહો! અત્યારથી પપ્પા! બહું ફાસ્ટ છે તું." આર્યને એનાં ખંભા સાથે ખંભો અથડાવીને કહ્યું.
"કેમ? તારો શું હજું મારી સાથે લગ્ન કરવાનો ઈરાદો નથી?" આયશાએ નેણ નચાવ્યા.
"એક તારી સાથે જ લગ્ન કરવાનો ઈરાદો છે." આર્યને હસીને કહ્યું.
જમીને બધાં મહેમાનો જવાં લાગ્યાં. બધાનાં ગયાં પછી ઘરનાં સભ્યો જમવા બેઠાં. હવે રાહીનાં મનનો ડર પણ ખતમ થઈ ગયો હતો. એ આર્યન અને આયશા માટે ખુશ પણ હતી. ઘણી મુસીબતો પછી પણ બધું સરખું થઈ ગયું હતું. હવે રાહી એકદમ નિશ્ચિત હતી. પન્નાલાલના લીધે એને પોતાનાં લગ્નમાં સમસ્યા ઉભી થશે. એવો ડર હતો એનો પણ પન્નાલાલને નિવેડો લાવી દીધો હતો.
"આજે મારી રુહુ ખુશ છે ને?" શિવાંશે જમતાં જમતાં ધીરેથી રાહીને પૂછ્યું.
"ઓહો! સગાઈ થતાં જ બહું હિંમત આવી ગઈ. રાહીમાંથી ડાયરેક્ટ રુહુ! નોટ બેડ." રાહીએ સ્મિત કરીને કહ્યું.
"હવે તો મારો હક બને છે. આમ પણ રુહુ નામ બહું ક્યૂટ છે. બિલકુલ તારાં જેવું." શિવાંશે કહ્યું તો રાહી એની બ્યૂટીફુલ સ્માઈલ કરતી શરમાઈ ગઈ, "ઉફ્ફ તારી આ સ્માઈલ અને શરમીલી અદાઓ! એક દિવસ મારો જીવ લેશે."
"ખબરદાર જો મારી જાનનો જીવ લેવાની વાત કરી છે તો! હું મારી જાનને કંઈ નહીં થવા દઉં." રાહીએ આંગળી બતાવીને કહ્યું. શિવાંશે ખોટું ડરવાનું નાટક કરીને કાન પકડી લીધાં. રાધિકા અને શ્યામ એ બંનેને જ જોઈ રહ્યાં હતાં. આજે રાધિકા પોતાની સગાઈ કરતાં એની બહેન રાહીની સગાઈ થઈ ગઈ. એ વાતે વધું ખુશ હતી.
"બંને સાથે કેટલાં ક્યૂટ લાગે છે ને!" રાધિકાએ પાસેની ખુરશી પર બેઠેલાં શ્યામનાં હાથ પર હાથ મૂકીને કહ્યું.
"હાં, હવે બસ જલ્દી આપણી સ્ટડી પૂરી થાય એટલે આપણે પણ લગ્ન કરી લઈએ." શ્યામે રાધિકા સામે જોતાં જોતાં પોતાનાં દિલ પર હાથ મૂકીને કહ્યું.
"તને બહું જલ્દી છે લગ્નની." રાધિકાએ આંખો ઝીણી કરી.
"હાં તો હવે તું મારી છે. તો લગ્ન પણ તારી સાથે કરવાની જ જલ્દી હોય ને." શ્યામે કહ્યું તો રાધિકાએ શરમાઈને નજર નીચી કરી લીધી. શ્યામ તો એને શરમાતી જોઈને જ ઘાયલ થઈ ગયો. આમ પણ લડાકૂ છોકરીઓ શરમાતી ઓછું હોય પણ જ્યારે શરમાય ત્યારે કેટલાંય છોકરાઓનો જીવ લઈ લેતી હોય છે. એમાંની જ એક આપણાં શ્યામની રાધિકા છે.
બધાંએ જમી લીધું પછી થોડીવાર લગ્નની વાતચીત કરવાં હૉલમાં બેઠાં. મહાદેવભાઈએ ખુદ જ પન્નાલાલને લગ્નમાં આવવાં આમંત્રણ આપ્યું. હવે કોઈનાં મનમાં કોઈ સવાલ ન હતો એટલે મહાદેવભાઈ લગ્ન ખુશી ખુશી અને બધાંની હાજરીમાં કોઈ ડર વગર કરવાં માગતાં હતાં. થોડીવાર વાતચીત કરીને સોનાક્ષીબેન આયશા પાસે ગયાં. એમણે આયશાને કહ્યું, "હવે તું અમારી સાથે મુંબઈ ચાલ. આપણે લગ્નને બે દિવસની વાર હશે ત્યારે આવી જાશું."
સોનાક્ષીબેનની વાત સાંભળીને આર્યન ઉદાસ થઈ ગયો. આયશાએ એની સામે જોયું તો એ નજર નીચી કરીને પોતાનાં રૂમમાં જતો રહ્યો. ગૌરીબેને સોનાક્ષીબેનને કહ્યું, "આયશાને મુંબઈમાં કોઈ કામ નાં હોય તો લગ્ન થાય ત્યાં સુધી એને અહીં જ રહેવા દો."
સોનાક્ષીબેને પન્નાલાલ સામે જોયું. એ અને નાગજી એકબીજા સામે જોઈને કંઈક વિચારી રહ્યાં હતાં. થોડીવાર પછી પન્નાલાલે કહ્યું, "જો આયશા અહીં રહેવા માંગતી હોય તો એણે એની રિવૉલ્વર પોતાની સાથે રાખવી પડશે."
રિવૉલ્વરનું નામ પડતાં જ બધાંની આંખો પહોળી થઈ ગઈ. આયશાએ રિવૉલ્વર ચલાવતાં જરૂર શીખી હતી પણ એને રિવૉલ્વર અને બૉડીગાર્ડને સાથે લઈને ફરવું નાં ગમતું. છતાંય એ બૉડીગાર્ડ સાથે જ બધી જગ્યાએ જતી પણ રિવૉલ્વર સાથે નાં રાખતી. આયશા વિનંતી કરતી નજરે સોનાક્ષીબેન સામે જોવાં લાગી.
"જો બેટા! રિવૉલ્વર તો તારે રાખવી પડશે. આમાં હું પણ તારાં પપ્પા સાથે સહમત છું." એમણે પન્નાલાલનો સાથ આપતાં કહ્યું.
"જો રિવૉલ્વર નાં રાખવી હોય તો હું નાગજીને અહીં મૂકીને જઈશ." પન્નાલાલે કહ્યું.
"નહીં, હું રિવૉલ્વર સાથે રાખીશ." આયશા ઉતાવળે બોલી ગઈ. એ જાણતી હતી કે એનાં પપ્પાનાં જીવને જોખમ છે અને જ્યાં સુધી નાગજી એમની સાથે હશે એમને કંઈ નહીં થાય એટલે એણે નાગજી પન્નાલાલ સાથે રહી શકે એ માટે રિવૉલ્વર રાખવાની હાં પાડી દીધી. પન્નાલાલે નાગજીને ઈશારો કર્યો. એણે પોતાનાં જીન્સનાં ગર્ડલમાંથી રિવૉલ્વર કાઢીને આયશાનાં હાથમાં મૂકી દીધી. આયશાએ તરત એને પોતાનાં જીન્સનાં ગર્ડલમાં ખોંસી દીધી. રિવૉલ્વર પકડતી વખતે એનો હાથ જરાં પણ ધ્રુજી રહ્યો ન હતો. એ જોઈને રાધિકા શ્યામ સામે જોવાં લાગી.
"આમ નાં જો એ તારાથી પણ‌ મોટી ગુંડી છે." શ્યામે સહેજ હસીને કહ્યું. પન્નાલાલ આયશાને અમદાવાદ જ મૂકીને એમનાં પત્ની અને માણસો સાથે મુંબઈ જવાં નીકળી ગયાં. એમનાં ગયાં પછી બાકી બધાં પણ જતાં રહ્યાં. માત્ર શ્યામ, સ્વીટી અને કાર્તિક જ થોડીઘણી મદદ કરવાં રોકાઈ ગયાં. બધાંનાં ગયાં પછી આયશા ઉપર આર્યનનાં રૂમમાં ગઈ. દરવાજો ખુલ્લો જ હતો તો આયશા તરત અંદર આવી ગઈ. આર્યન હતાશ ચહેરે એનાં રૂમની વિન્ડો સામે બહારની તરફ જોતો ઉભો હતો. આયશાએ રિવૉલ્વર કાઢી અને સ્મિત કરતી આર્યન તરફ આગળ વધી ગઈ અને રિવૉલ્વરનું નાળચું આર્યનની ખોપડી પર રાખી દીધું.
"તો મિસ્ટર આર્યન તમે ખુદ મારાં પ્રેમમાં સરેન્ડર થાવ છો કે મારે જ કંઈક કરવું પડશે." આયશાએ કહ્યું તો આર્યન હસવા લાગ્યો. એણે આયશા તરફ ફરીને એનાં હાથમાંથી રિવૉલ્વર લઈ લીધી અને આયશાને પકડીને પોતાની તરફ ખેંચી.
"મેં તો ક્યારનું સરેન્ડર કરી દીધું પણ હવે તું જ મને છોડીને જઈ રહી છે." આર્યન ઉદાસ ચહેરે કહેવા લાગ્યો.
"હું ક્યાંય નથી જતી‌. અહીં જ રહું છું તારી સાથે પપ્પાએ મને અહીં રહેવાની પરમિશન આપી દીધી." આયશાએ પગનાં અંગુઠા પર ઉંચી થઈને આર્યનનાં કાન પાસે પોતાનો ચહેરો લઈ જઈને કહ્યું. આર્યનનો ચહેરો તો તરત જ ખુશી અને શરમથી ગુલાબી થઈ ગયો. એનાં ચહેરાં પર શરમની ગુલાબી લાલી જોરદાર લાગતી હતી, "હવે તો ખુશ ને?" આયશાએ પૂછ્યું. તો આર્યને હકારમા ડોક ધુણાવી દીધી.
"સારું થયું જવાબ હાં માં આપ્યો નહીંતર પપ્પા મને આ રિવૉલ્વર તને ડરાવવા જ આપી ગયાં છે અને કહ્યું છે કે એમનાં જમાઈ રાજ જરાં પણ પરેશાન કરે તો એમને રિવૉલ્વર બતાવીને જ ધમકાવી દેવાનાં." આયશા કહેતી મંદ મંદ સ્મિત કરી રહી હતી. એ જોઈને આર્યન પણ હસવા લાગ્યો. ત્યાં જ દરવાજેથી એકસાથે કેટલાંય લોકોનાં હસવાનો અવાજ એમનાં કાને પડ્યો. આયશાએ આર્યનને હળવો ધક્કો માર્યો અને એનાંથી દૂર થઈને એનાં હાથમાંથી રિવૉલ્વર લઈ લીધી. દરવાજે ઉભેલાં શિવાંશ, રાહી, રાધિકા, શ્યામ, તન્વી, શુભમ, કાર્તિક, સ્વીટી, ઋષભ, અભિનવ અને અંકિતા બધાં અંદર આવ્યાં.
"વૈસે રિવૉલ્વર તો હમારે પાસ ભી હૈ. તો હમારે દોસ્ત કો ઈસસે ડરાને કી કોશિશ મત કરના." શિવાંશે આયશાનાં હાથમાંથી રિવૉલ્વર લઈને એનાં ખંભા પર હાથ મૂકીને કહ્યું અને એક હાથે રિવૉલ્વર ફેરવવા લાગ્યો. રાહી આશ્ચર્યચકિત નજરોએ શિવાંશ સામે જોતી હતી. એને ખબર ન હતી કે શિવાંશ પણ રિવૉલ્વર રાખે છે.
"અરે ભઈ! મુંબઈનો બિઝનેસ ટાયકૂન છું. મારાં કેટલાં દુશ્મન હશે? એ મને પણ ખબર નથી. તો રિવૉલ્વર તો જોઈએ ને." શિવાંશે આયશાની રિવૉલ્વર એને પરત કરતાં રાહી સામે જોઈને કહ્યું.
"દીદુ! તમે અને આર્યન કોઈ નોર્મલ માણસો સાથે લગ્ન નથી કરી રહ્યાં હો! તો જરાં સંભાળીને રહેજો બંને." રાધિકાએ જાણી જોઈને રાહીનાં ગુસ્સાને હવા આપવાનું કામ કર્યું.
"મારી પ્યારી બહેના! તારી બહેન અને એનો ફ્રેન્ડ કંઈ ઓછાં નથી. અમારી બંને પાસે રિવૉલ્વર નાં હોય તો શું થયું? અમને શબ્દોનાં તીર ચલાવતાં આવડે છે. રિવૉલ્વરની ગોળી પહેલાં તો અમે અમારાં શબ્દોથી જ કોઈપણને ઘાયલ કરી દઈએ. કેમ આર્યન?" રાહીએ આર્યનનાં ખંભા પર પોતાની કોણી ટેકવીને કહ્યું.
"વાઉ દીદુ! હું તમારી ટીમમાં છું." રાધિકાએ ઉછળીને કહ્યું. બધાં એને 'પાગલ' કહીને હસવા લાગ્યાં. શિવાંશ અને રાહી એકબીજાને કંઈક ઈશારા કરતાં હસી રહ્યાં હતાં. આજનો દિવસ આમ જ હસી મજાકમાં પસાર થઈ ગયો. સાંજ પડતાં જ શ્યામ, સ્વીટી અને કાર્તિક ત્રણેય પોતાની ઘરે જવાં નીકળી ગયાં. બાકી બધાંએ ડીનર કરીને બહાર ગાર્ડનમાં મંડળી જમાવી. કાલે શિવાંશ એનાં મમ્મી-પપ્પા અને ઋષભ સાથે મુંબઈ અને શુભમ એનાં મમ્મી અને અભિનવ સાથે બનારસ જવાં નીકળી જવાનો હતો. બધાં પોતાનું કામ મૂકીને આવ્યાં હતાં. શિવાંશે હજું પોતાનાં જવાં વિશે કોઈને જણાવ્યું ન હતું. પણ એનું જવું જરૂરી હતું. બિઝનેસ ઘણાં સમયથી એનાં વગર જ ચાલતો હતો અને સાથે જ સાડીની દુકાનનો પણ નિવેડો લાવવાનો હતો એટલે એણે અગાઉ કોઈને કંઈ કહ્યું ન હતું. માત્ર રાધિકા સિવાય બધાં આ વાતથી અજાણ હતાં. કાલે બધાં જતાં રહેવાનાં હોવાથી રાધિકાએ જ મોડાં સુધી જાગવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં શિવાંશ શુભમ અને તન્વી વિશે એનાં પરિવાર સાથે વાત કરી શકે.
ગૌરીબેન અને ગાયત્રીબેન બધાં માટે આઈસ્ક્રીમ લઈને આવ્યાં. જે રાધિકાએ જ અગાઉ મંગાવી રાખ્યું હતું. એણે બધાંને આઈસ્ક્રીમ આપ્યું અને જઈને તન્વી પાસે બેસીને કહેવા લાગી, "અંકલ! હવે બધાંને પોતાનાં પાર્ટનર મળી ગયાં. સિવાય તન્વી, શુભમ અને ઋષભ! હવે આ ત્રણેયનું પણ કંઈક કરો."
"હાં વાત તો સાચી છે. મારો તો વિચાર છે ઋષભ અને તન્વીનું ગોઠવી દઈએ." મલયભાઈએ શિવાંશ સામે જોયું, "કેમ શિવાંશ? તારું શું કહેવું છે? આપણે ઋષભને ઘણાં સમયથી ઓળખીએ છીએ. આપણને એનાંથી સારો છોકરો નહીં મળે."
"કેમ નહીં મળે અંકલ? શુભમ છે જ ને! એ પણ સારો છોકરો છે." રાધિકા અચાનક જ વચ્ચે કૂદતાં બોલી ઉઠી. રાહી અને શિવાંશે પોતાનાં કપાળે હાથ મૂકી દીધો. રાધિકા ક્યારેક કંઈ સમજ્યાં વિચાર્યા વગર જ મોટી વાત કરી દેતી. એની વાત સાંભળીને બધાં અચાનક જ શાંત થઈ ગયાં. મલયભાઈ તો ગુસ્સાથી સહેજ લાલ પણ થઈ ગયાં. શુભમ અને તન્વીનાં ચહેરાં પર ડર સાફ નજર આવી રહ્યો હતો. ગાયત્રીબેન એમનાં ભાવ કળી ગયાં.
"બેટા શુભમ બ્રાહ્મણ છે અને આપણે પટેલ! જરાં વિચારીને બોલ." ગાયત્રીબેને પ્રેમથી રાધિકાનાં માથે હાથ મૂકીને કહ્યું. એમણે આંખના ઈશારે જ મલયભાઈને શાંત રહેવા જણાવી દીધું. થોડીવાર પહેલાં બધાનાં ચહેરાં પર જે ખુશી હતી એ તરત જ ઓસરી ગઈ. મલયભાઈ બે મિનિટ જ બેસીને અંદર જતાં રહ્યાં. ગાયત્રીબેન પણ એમની પાછળ ગયાં. મોડી રાત થઈ ગઈ હોવાથી ગૌરીબેન દાદીને લઈને જતાં રહ્યાં. મહાદેવભાઈ, શુભમનાં મમ્મી અને આર્યનનાં મમ્મી-પપ્પા પણ એમની પાછળ જ જતાં રહ્યાં. હવે માત્ર શુભમ, તન્વી, રાહી, રાધિકા, શિવાંશ, ઋષભ, આર્યન, આયશા, અભિનવ અને અંકિતા જ વધ્યાં.
"યાર થોડું તો વિચારીને બોલાય ને! ડાયરેક્ટ જ ધમાકો કરી દીધો." અંકિતાએ રાધિકાના માથે ટપલી મારીને કહ્યું.
"એણે સરખી રીતે જ કહ્યું હતું. આપણે બધાં ક્યારનાં વિચારી રહ્યાં હતાં. કેમ વાત કરવી? રાધિકાએ કહી દીધું તો અમને અમારાં સંબંધનું ભવિષ્ય દેખાઈ ગયું." તન્વીનો અવાજ ભીનો થઈ ગયો હતો. રાહી અને શિવાંશ બંનેએ એકસાથે જ એનાં માથાં પર હાથ મૂકી દીધો. તન્વી બંનેનો હાથ પકડીને રડવા લાગી. શુભમ ચુપચાપ બેઠો હતો. મલયભાઈએ વાત સીધી બ્રાહ્મણ અને પટેલ સાથે જોડી દીધી. એમાં એની પણ કંઈ સમજમાં નાં આવ્યું. એને તન્વી સાથે ભવિષ્યનાં જોયેલાં સપનાં તૂટતાં નજર આવી રહ્યાં હતાં. એમાં કોઈનો વિરોધ કરે તો પણ કેમ કરે? જ્ઞાતિભેદ ઘણાં સમયથી ચાલ્યો આવે છે. એમાં શુભમ કે તન્વી કે એમનાં પરિવાર કોઈનો કંઈ વાંક ન હતો.
ઋષભ પણ એક તરફ બેઠો બધું જોઈ રહ્યો હતો. એની ખાસ તો કંઈ સમજમાં નાં આવ્યું. પણ રાધિકાની વાત અને અત્યારની પરિસ્થિતિ જોતાં એ એટલું જરૂર સમજી ગયો કે તન્વી અને શુભમ એકબીજાને પસંદ કરતાં હતાં. એટલે એણે કોઈ કંઈ નાં કહે ત્યાં સુધી ચુપ જ રહેવાનું ઉચિત સમજ્યું. એટલામાં જ શિવાંશ એની પાસે ગયો.
"જો ભાઈ! તન્વી અને શુભમ એકબીજાને પસંદ કરે છે. પણ પપ્પાએ જે રીતે કહ્યું એ પરથી કંઈ સમજાતું નથી." શિવાંશે ઋષભનાં બંને હાથ પકડી લીધાં, "જ્યાં સુધી આ સંબંધનો કોઈ રસ્તો નાં નીકળે ત્યાં સુધી તું પપ્પાને કોઈ વચન નાં આપતો. તું તો એમને જાણે છે. એમને કોઈ રસ્તો નહીં દેખાય એટલે એ તારી પાસે તન્વી સાથે લગ્ન કરી લેવાનું વચન માંગી લેશે. પછી કોઈ કંઈ કરી નહીં શકે એટલે તું એવું કંઈ નાં કરતો."
"ભાઈ! ટેન્શન નાં લે. હું કોઈ બીજીને પસંદ કરું છું. રાધિકાએ કંઈ નાં કહ્યું હોત તો હું જ મારી હકીકત કહેવાનો હતો." એ સહેજ અટક્યો, "મારી તો એની સાથે સગાઈ પણ થઈ ગઈ છે."
ઋષભની વાત સાંભળતાં જ બધાં એકસાથે એની સામે જોવાં લાગ્યાં. જાણે આંખોથી જ એનું મર્ડર કરી દેવાનાં મૂડમાં હોય. ઋષભ પણ થોડીવાર માટે ડરી ગયો. એણે શિવાંશ સામે જોયું તો એ પણ એને કાચેકાચો ખાઈ જવાવાળી નજરે જોઈ રહ્યો હતો.
"યે સબ કબ હુઆ?" શિવાંશે ઋષભનાં શર્ટનો કોલાર પકડીને પૂછ્યું.
"અરે આપણી જ ઓફિસની ટીના સાથે સગાઈ કરી છે મેં!" એણે પોતાની કહાની શરૂ કરી, "એનાં મમ્મી-પપ્પા આ દુનિયામાં નથી એ તો તને ખબર જ છે. એનાં કાકા એનાં લગ્ન કોઈ ગુંડા સાથે કરાવી દેવા માંગતા હતાં. એ મને ઘણાં સમયથી પસંદ કરતી. જ્યારે એનાં લગ્નની વાત આવી તો એણે મને આવીને કહ્યું. તને પણ ખબર છે એ તો મને પણ પસંદ હતી. તો અમે એ દિવસે જ સગાઈ કરી લીધી. કાલે મુંબઈ જઈને બે દિવસ પછી કોર્ટ મેરેજ કરવાનો છું." એ સહેજ શિવાંશની નજીક જઈને એનાં કાનમાં બોલ્યો, "સગાઈ વખતે તું સાડી શોપમાં વ્યસ્ત હતો અને ખુદ પણ પરેશાન હતો. તો મેં તને કંઈ નાં જણાવ્યું."
ઋષભની વાત પૂરી થતાં જ શિવાંશ એને વળગી પડ્યો. બધાંએ એને અભિનંદન આપ્યાં. તન્વી અને શુભમનાં સંબંધ સામેથી એક મુસીબત તો ટળી ગઈ હતી. ઋષભ તો ટીના સાથે લગ્ન કરવાનો હતો. પણ છતાંય મલયભાઈ શુભમ અને તન્વીનાં લગ્ન માટે માને એ શક્ય ન હતું. રાહી તન્વી અને શુભમને થોડીવાર એકલાં મૂકીને ઋષભ પાસે ગઈ.
"હવે ટીનાને પણ અમારા લગ્નમાં લઈને આવજે." રાહીએ કહ્યું અને શિવાંશ સામે જોયું, "આ બંનેને આપણાં લગ્નમાં લઈને આવવાની જવાબદારી તમારી છે."
"જો આજ્ઞા!" શિવાંશે પોતાનો એક હાથ પોતાનાં દિલ પર મૂકીને સહેજ ગર્દન ઝુકાવીને કહ્યું. બધાં હસવા લાગ્યાં અને તરત જ તન્વી અને શુભમને ઉદાસ જોઈને એમની પાસે ગયાં.
"તું ચિંતા નાં કર. તારાં લગ્ન મારી બહેન સાથે જ થાશે." શિવાંશે શુભમનાં ખંભે હાથ મૂકીને કહ્યું.
"હાં યાર તન્વી! તારો ભાઈ અને તારાં આટલાં મિત્રો, ભાભી બધાં તારી સાથે છે. તો તું અત્યારે ભાઈનાં લગ્ન એન્જોય કર. તારો ઇંતેજામ તો અમે કરી લઈશું." ઋષભે તન્વીનાં બંને ખંભા પકડીને કહ્યું. તન્વી જ્યારથી ઋષભને ઓળખતી થઈ. ત્યારથી શિવાંશની સાથે એ પણ ઋષભની સારી મિત્ર રહી હતી. એટલે જ મલયભાઈએ એ બંનેનાં લગ્નની વાત કરી હતી. પણ અહીં તો ઉલ્ટી ગંગા જ વહી રહી હતી. ઋષભ તો પહેલેથી સેટ હતો અને તન્વી અને શુભમ એકબીજાને પસંદ કરતાં હતાં. એ બંનેનો મૂડ સારો કરીને બીજાં બધાં પણ સૂવા માટે જતાં રહ્યાં.


(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ