પતિ પત્ની અને પ્રેત
- રાકેશ ઠક્કર
પ્રકરણ-૩૬
બધાંની આશા ચિલ્વા ભગત સાથે ગુરૂ દીનાનાથ ઉપર હતી. રિલોકને ચિલ્વા ભગત પર પૂરો ભરોસો ન હતો. તે ગુરૂજીના આગમન પછી થોડો નિશ્ચિંત બન્યો હતો કે વિરેનને હવે બચાવી શકાશે. તેને જયના પાસેથી છોડાવી શકાશે. ગુરૂજીના આગમન પછી ચિલ્વા ભગત પણ ખુશ હતા. રેતાને બચાવવાના કાર્યમાં ગુરૂજીની મદદ મળશે એવો ચિલ્વા ભગતને ભરોસો હતો એનો રિલોકને અંદાજ આવ્યો હતો. જયનાને પડકારવામાં ગુરૂજીની મોટી મદદ મળવાની હતી. બંને જણ જ્યારથી ગયા ત્યારથી એમના માટે મોટી આશા રાખીને બેઠેલા જાગતીબેન અને રેતાને એ સાંભળીને સૌથી મોટો આંચકો લાગ્યો કે જેમના પર મદાર રાખીને બેઠા છે એ પણ હવે બચાવી શકે એમ નથી તો જયના સાથે કોણ સંઘર્ષ કરશે?
બધાંની નજર અવાજ તરફ ગઇ હતી. તેમણે જોયું કે "ગુરૂ દીનાનાથ એને બચાવી શકે એમ નથી" એમ કહેનાર ખુદ ગુરૂ દીનાનાથ હતા. રેતા, રિલોક, જામગીર, જશવંતભાઇ અને જાગતીબેન પોતાની જગ્યા પરથી ઉભા થઇ ગયા હતા.
જાગતીબેન રડમસ અવાજે બોલ્યા:"ગુરૂજી, આ તમે શું કહી રહ્યા છો? મને એમ હતું કે તમે મારી સ્વાલા અને આ રેતાના પતિને હેમખેમ પાછા લઇને જ ફરશો..."
"બેન, આ દીનાનાથ ક્યારેય ખોટું બોલતો નથી. હું મારી અસમર્થતા જાહેર કરી રહ્યો છું..." ગુરૂજી કોઇ પ્રકારના ડર વગર પોતાની વાત કહી રહ્યા હતા.
રિલોક એમના બદલે ચિલ્વા ભગત તરફ ફરીને બોલ્યો:"ભગતજી, આપ તો અમને વિશ્વાસ અપાવતા હતા. આપના પર જ અમે આશા રાખીને બેઠા હતા. જો તમારાથી વિરેનને પાછો લાવી શકાય એમ ન હતો તો પછી અમને પહેલાં જ કહી દેવાની જરૂર હતી. અમે પોલીસની મદદથી એને છોડાવવાનો પ્રયત્ન કર્યો હોત. મને લાગે છે કે એમાં અમને સફળતા મળી ગઇ હોત..."
રિલોકનો ગુસ્સો અને હતાશા સ્વાભાવિક હતા. ચિલ્વા ભગતથી એનો ઇન્કાર થઇ શકે એમ ન હતો. તે પોતાના મનને શાંત કરતાં બોલ્યા:"ભાઇ, એવું નથી કે અમે કોઇ પ્રયત્ન કર્યા નથી. તમારા મિત્રને બચાવવા હું શરૂઆતથી જ પ્રયત્ન કરી રહ્યો છું. જયનાનું ભૂત સામાન્ય નથી. તે મને ઘણી વખત થાપ આપી ગયું છે. મેં મારી બધી શક્તિઓ વાપરીને એને વશમાં કરવામાં કોઇ કસર બાકી રાખી નથી. ગુરૂ દીનાનાથ આવ્યા પછી મને થોડી રાહત થઇ હતી. એમની પાસે વધુ અનુભવ અને શક્તિઓ છે. છતાં આજે જે બન્યું એ પછી હકીકત સ્વીકારવી પડશે કે જયનાનો પ્રતિકાર કરવાનું કામ મુશ્કેલ છે. અમારા માટે વળી ધર્મસંકટ પણ ઊભું થયેલું છે. જયનાના ભૂતને મારી નાખવાની કોશિષ કરવામાં સ્વાલાને ગુમાવી બેસીએ એમ છે. જો જયાનાના ભૂતને ટક્કર આપવાની હોત તો અમે આ યુધ્ધ લડી લીધું હોત..."
જામગીરને થયું કે વાતાવરણમાં ગરમી વધી રહી છે. તે વચ્ચે પડ્યા:"ભાઇઓ, આપણે શાંતિથી બેસીને ઉકેલ શોધીએ. પહેલાં ગુરૂજી અને ચિલ્વા ભગત પાસેથી જાણી લઇએ કે એમણે કેવો પ્રયત્ન કર્યો અને ક્યાં તેમને મજબૂરી નડી છે..."
જામગીરની વાતને માન આપીને રિલોક અને જાગતીબેન શાંત પડ્યા અને બંનેને શાંતિથી બેસવા દીધા. ચિલ્વા ભગતના ચહેરા પર કામ ન થઇ શકવાનો અફસોસ હતો જ્યારે ગુરૂ દીનાનાથ હજુ નિરાશ દેખાતા ન હતા કે પછી એમણે સ્થિતિને સામાન્ય ગણી હતી. તેમના ચહેરા પર ખાસ કોઇ ભાવ ન હતા.
રેતા કહે:"મને તો તમારા બંને પર વિશ્વાસ છે કે હજુ કોઇ એવો ઉપાય હશે જેનાથી મારા વિરેન અને જાગતીબેનની સ્વાલાનો આપણે જીવ બચાવી શકીશું..."
"બેટા, અમે અમારો પ્રયત્ન કરી ચૂક્યા છે. તું અમારા પર ભરોસો વ્યક્ત કરીને તારા દિલને ખોટો દિલાસો ના આપીશ..." ગુરૂ દીનાનાથ સ્પષ્ટ વક્તા હતા. તેમણે પોતાની શક્તિઓની મર્યાદા જાણે સ્વીકારી લીધી હતી. તે જયનાના ભૂત સામે હારી ગયા હોય એવો તેમની વાતનો અર્થ નીકળતો હતો એ બધા માટે ચિંતાનું કારણ બની રહ્યો હતો.
"કોઇપણ પ્રશ્નનો ઉકેલ તો હોય જ છે. જયનાનું ભૂત મારા પતિને ઉઠાવી ગયું છે અને એ પોતે કોઇ છોકરીમાં વાસ કરે છે. જો એની પાસેથી વિરેનને પહેલાં મુક્ત કરી શકાય તો સ્વાલાને બચાવી શકાય એમ છે..." રેતાએ પોતાને આવડ્યો એવો ઉપાય બતાવ્યો.
"રેતા, તું શું કહેવા માગે છે એ મને સમજાતું નથી. તારી ભાવના વિરેનને બચાવવાની છે એ લાગણી સમજી શકાય એમ છે. આપણે બીજી કોઇ વાત કરતાં પહેલાં ચિલ્વા ભગત પાસેથી એમને થયેલા અનુભવ સાંભળીએ. પછી જ કોઇ વાત પર વિચાર કરીએ એ યોગ્ય રહેશે..." રિલોકને પણ એ જાણવાની ઉત્સુક્તા હતી કે ગુરૂજી કેમ પોતાના હથિયાર નાખી રહ્યા છે.
રિલોકની વાતને સ્વીકારીને ચિલ્વા ભગત બોલ્યા:"અમે અહીંથી જયનાના મકાન તરફ જતા હતા ત્યારે ગુરૂજી સાથે મળીને અમારી શક્તિથી એક તેજ વર્તુળની રચના કરી. જેનાથી તેના ઘરને ઘેરી લીધું હતું. એ તેજ વર્તુળ અમારી અત્યાર સુધીની સાધના અને શક્તિનું પ્રતીક હતું. અમે માનતા હતા કે અમારા તેજ વર્તુળમાં જયના અને વિરેન કેદ થઇ જશે. અમને અમારી શક્તિ પર વિશ્વાસ હતો. અમે ચાલતા-ચાલતા એના મકાનના દરવાજા પાસે પહોંચી ગયા અને એને બહાર નીકળવાનો આદેશ કર્યો. અમારા હુકમનો એણે આદર ના કર્યો એટલે અમે અંદર ગયા. ત્યાં જઇને જોયું તો કોઇ ન હતું. બંને ગાયબ થઇ ગયા હતા. અમારા તેજવર્તુળને ભેદીને જયનાનું ભૂત નીકળી ગયું હતું...અમારા માટે આ વાત આંચકા સમાન હતી. અચાનક ગુરૂજીની નજર કબૂતરની જોડી પર પડી. તેમણે એ જોડી બતાવી ચૂપ રહેવાનો ઇશારો કર્યો. મને ખ્યાલ આવી ગયો કે જયના અને વિરેન કબૂતરનું રૂપ ધરીને બેઠા છે. એમને આ રૂપમાં સરળતાથી પકડી શકાશે. હું મારી શક્તિઓને ભેગી કરીને મંત્ર ભણતો એની તરફ જવા લાગ્યો. તેની નજીક ગયો ત્યારે બંને ગભરાયેલા બેઠા હતા. મેં કોઇ ભૂલ ના કરી અને બંનેને પકડીને મારા થેલામાં નાખી દીધા..."
***
નાગદાએ જોયું કે તે પોતાની રૂપજાળમાં નરવીરને ફસાવી રહી છે ત્યારે એક તેજ વર્તુળ તેને ફસાવવા આવી રહ્યું છે. દૂરથી જ નાગદાને અંદાજ આવી ગયો કે કોઇ શક્તિ તેને કેદ કરવા આગળ વધી રહી છે. નાગદાને થયું કે દરેક વખતે તેની ઇચ્છા અધૂરી કેમ રહી જાય છે? તે મુશ્કેલીથી નરવીરને સહવાસ માટે તૈયાર કરે છે અને કોઇ વિધ્ન આવી જાય છે. નરવીર આંખો બંધ કરીને નાગદાને પ્રેમ કરી રહ્યો હતો. નાગદાએ એક પળ ગુમાવ્યા વગર પોતાની શક્તિઓને એકત્ર કરી અને વિરેનને બાથમાં જકડીને ત્યાંથી અદ્રશ્ય થઇ જંગલમાં એક વિશાળ વૃક્ષ નીચે અવતરણ કર્યું. આંખના પલકારામાં તે જંગલમાં આવી ગઇ હતી. અચાનક નરવીરને જુદા વાતાવરણનો અનુભવ થયો. વધારે પડતી ઠંડી હવાનો અનુભવ થયો. તેણે ચમકીને આંખો ખોલી. તેણે જોયું કે તે નાગદાની જ બાંહોમાં હતો પરંતુ જગ્યા જુદી હતી. તેણે કંઇક ગણતરી સાથે પોતાનું આશ્ચ્રર્ય વ્યક્ત ના કર્યું. તે નાગદાને જોઇ રહ્યો. તેને ખબર હતી કે નાગદા કોઇ કારણ રજૂ કરશે. તે પૂછે એના કરતાં નાગદા એ વાતનો જવાબ આપે કે આપણે ઘરમાંથી જંગલમાં કેમ આવ્યા તો વધારે જાણવા મળશે. નાગદા પણ છોભીલી પડી ગઇ હતી. તે પોતાને બચાવી શકી હતી એનો આનંદ હતો એના કરતાં નરવીરને આ ઘટનાનું વર્ણન કેવી રીતે કરવું એની ચિંતા વધારે હતી. નરવીર આજે પહેલી વખત નાગદાને અસહાય જોઇ રહ્યો હતો. તે નરવીરને પ્રેમ કરવાનું પણ વિસરીને એની સામે જ જોઇ રહી હતી. તેના હોઠને બદલે જાણે આંખો બોલી રહી હતી. એની આંખોમાં પ્રેમ હતો કે બીજું કંઇક? અચાનક શું થઇ રહ્યું છે એનો નરવીરને ખ્યાલ આવી રહ્યો ન હતો.
વધુ સાડત્રીસમા પ્રકરણમાં...