લોરેલ-હાર્ડી કે જય- વિરુ? Jaydeep Buch દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોરેલ-હાર્ડી કે જય- વિરુ?

*ઘોડો અને બકરી* 🐴🐎🦙🦌

જે લોકોને રેસ માટે ના જાતવાન ઘોડા ઉછેર વિશે થોડી પણ ખબર છે એમને તો જાણીને નવાઈ ન લાગે પણ બાકીનાઓ ને જાણીને થોડું અજુગતું લાગે કે ઘોડાર માં ફક્ત ઘોડાઓ જ નથી રહેતા. બીજું પણ કોઈક ચાર પગુ પ્રાણી ઘોડા જેટલી જ સગવડો સાથે ઘોડાર માં રહે છે.

એ પ્રાણી છે બકરી!

ના, બકરીઓને ઘોડા ની માફક કોઈ રેસ માટે તાલીમ નથી આપવાની પણ ઘોડારમાં બકરીઓ એક અજબ સેવા પુરી પાડે છે. જાતવાન ઘોડાઓ પોતાનું સામાન્ય વર્તન છોડી ને ક્યારેક તોફાની તો ક્યારેક સાવ ઢીલા વર્તને ચડી જાય ત્યારે આ બકરીઓ આવા ઘોડા માટે આયા અને શિક્ષકનો રોલ ભજવે છે!.
અમેરિકાના અર્લીનગતન ખાતે ઘોડા ના તાલીમ શિક્ષક તરીકે કામ કરતી બેટ ગેબ્રિઅલ જણાવે છે કે જ્યારથી ઘોડદોડ ની શરૂઆત રમત તરીકે થઈ હશે ત્યારથી જ ઘોડારમાં બકરીઓએ નર્વસ ઘોડાઓને શાંત રાખવા નો રોલ અદા કર્યો હશે..(જ્યારે પ્રણયની……)

ગેબ્રિઅલ હજુ આગળ જણાવે છે કે કેટલીક વાર તો ઘોડા અને બકરી વચ્ચેની આત્મીયતા એટલી બધી વધી જાય છે કે બંનેને છુટા પાડવાનું મુશ્કેલ બની જાય છે અને રમત ની શરૂઆત વખતે રેસ ના મેદાનમાં ઘોડા ની સાથે બકરી ને પણ સાથે લઈ જ જવી પડે છે!

આમ તો મોટેભાગે ઘોડા અને બકરીની જોડી જીવનભર અતૂટ રહે છે તેમ છત્તા ગેબ્રિઅલ ની બકરી 'સેલી' એ ત્રણ ત્રણ ઘોડાઓની આયા અને શિક્ષક (બેબીસીટિંગ) તરીકે સેવા આપી છે. સેલીને અંદાજ આવી જતો કે કયો ઘોડો હવે શાંત પડી ગયો છે અને હવે ક્યા ઘોડાને શાંત પાડવાની જવાબદારી લેવાની છે! હાલમાં તો ઘરડી થઈ ગયેલ સેલી ફક્ત બે વર્ષના નવા જ તાલીમી ઘોડા સાથે સમય ગાળે છે. સેલી ને નવા સાથીદાર સાથે જોઈને જુના સાથીદાર ઘોડાઓને કોઈ તકલીફ નથી.

ગેબ્રિઅલ એની એક જૂની બકરી ‘બીલી’ ને યાદ કરીને જણાવે છે કે જયારે જયારે બીલી ના સાથીદાર ઘોડાને પ્રેક્ટિસ માટે લઇ જવામાં આવે ત્યારે ત્યારે બીલી ભારે મોટેથી ભેંકડા તાણે અને ગામ ગજવી મૂકે! જ્યાં જ્યાં ઘોડા ને લઇ જવામાં આવે ત્યાં ત્યાં બીલી પાછળ ને પાછળ ન આવે માટે એને બાંધી રાખવી પડે. ઘણી વાર તો રેસ ના પ્રક્ટિસ સેશન દરમ્યાન પોતાના 'શિશુ' ઘોડા જેટલી જ ઝડપે બીલીએ પણ દોડી બતાવ્યું હતું! ભારે ત્રાસદાયક અને વારે વારે તાણવામાં આવતા ભેંકડાથી ઘોડારના બીજા તમામ મનુષ્યો પરેશાન થઇ જતા!

મોટાભાગના ઘોડાઓને જ્યાં સુધી ફક્ત રેસ અને તાલીમ સેશન માટે બકરીઓથી છુટ્ટા પાડવામાં આવે ત્યાં સુધી ખાસ વાંધો આવતો નથી. પણ જયારે ઘોડાઓ તાલીમ કે રેસ પછી ઘોડારમાં પાછા ફરે અને પોતાની ‘આયા’ ને ન જોવે તો ભારે નર્વસ થઇ જાય છે અને જરૂરી આરામ ફરમાવી નથી શકતા અને એ વખતે ઘોડાઓની માંદા પાડવાની શક્યતા વધી જાય છે. જયારે જયારે ઘોડાનો સોદો કરવામાં આવે ત્યારે ત્યારે ભાવિ માલિક ‘આયા બકરી’ વિષે પણ પૂછપરછ કરે જ અને ‘આયા’ ને પણ સોદાના ભાગરૂપે સાથે લઇ જ જવી પડે. પોતાની ખાસ બકરી વગરનો ઘોડો થોડો નમાયો થઇ જાય છે. ઉપરાંત બીજી બકરીની સેવા પણ કામ આવતી નથી કારણ ચોખ્ખુ છે કે ઘોડો પોતાની બકરી ને સારી રીતે ઓળખે છે.

બકરીને નોકરીએ રાખવાનો બીજો ફાયદો એ છે બકરી બીજા પ્રાણીઓ (જેમ કે કુતરા) ની માફક આમ તેમ રખડતી નથી અને પોતાના ઘોડા આસપાસ જ બેઠી રહે છે. જો કોઈ બહારનો માણસ એમ ને એમ ઘોડારની મુલાકાતે પહોંચી જાય તો શક્ય છે તેને ફક્ત ઘોડાઓ જ દેખાય અને બકરી ની હાજરી વિષે ખ્યાલ પણ ન આવે.

એવું નથી કે દરેક ઘોડા ને એની સાથે રાખવામાં આવતી બકરી સાથે દોસ્તી થઇ જ જાય. કેટલાક (જુજ આમ તો..) ઘોડાઓ ને બકરી સાથે ફાવતું નથી પણ તાલીમ આપનારને સામાન્ય રીતે ખ્યાલ આવી જ જાય છે કે કઈ બકરી અને કયા ઘોડાની જોડી મોદી-શાહ. જય-વીરુ કે લૉરેલ-હાર્ડી જેવી સફળ બની રહેશે!