સત્યજીત રે ની બંગાળી વાર્તા Jaydeep Buch દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સોલમેટસ - 2

    આગળના ભાગમાં તમે જોયું કે અદિતિ સ્યુસાઈડ કરે છે. જેનું કારણ...

  • સંઘર્ષ - પ્રકરણ 18

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • જીવન રંગ - 4

    નવા જીવન ની આશા સાથે કિસન ઉઠ્યો, પોતાનાં નિત્ય ક્રમ માં જોડા...

  • નવજીવન

    નવજીવન                            (લઘુકથા)ગૌતમનાં હાથ કામ કર...

  • મનુષ્ય ગૌરવ

    મનુષ્ય ગૌરવએક નાના ગામમાં હરિરામ નામનો એક સમજદાર બાવો રહેતો...

શ્રેણી
શેયર કરો

સત્યજીત રે ની બંગાળી વાર્તા



ટીપુએ તેની ભૂગોળ પુસ્તક બંધ કરી દીવાલની ઘડિયાળ તરફ જોયું. છેલ્લી સુડતાલીસ મિનિટથી અભ્યાસ કરીને ટીપુ થાકી ગયો હતો. અત્યારે સવા વાગ્યો છે. થોડી વાર બહાર રખડવામાં શું વાંધો છે! ટીપુએ વિચાર્યું. લગભગ આજ સમયે આવેલા પેલા માણસે ફરી આવવાનું વચન આપ્યું હતું. કહ્યું હતું કે ટીપુ જયારે ઉદાસ હશે ત્યારે તે પાછો આવશે. તો હવે? આનાથી વધુ મોટું ઉદાસીનું કયું કારણ હોઈ શકે? અરે એક કારણ જ હોત તો બરાબર પણ આ તો કારણોની આખી વણઝાર હતી. શું પોતે બહાર ન જઈ શકે? થોડીક જ વાર માટે પણ નહિ? ના. માં કોઈ કારણોસર વરંડા માં જ બેઠી હતી. હમણાં જ એક કાગડો ઉડવાનો અવાજ આવ્યો. કદાચ માં એ ઉડાડ્યો હશે. હલનચલન થવાથી નેતર ની ખુરશીમાંથી જાણીતો આવાજ આવ્યો. કદાચ માં નેતરની ખુરશી માં તડકો ખાતી બેઠી હશે! ટીપુએ બહાર જવા માટે હજુ થોડી રાહ જોવી પડશે.


ટીપુ પેલા માણસ વિશે વિચારવા લાગ્યો. એ માણસ બીજાઓ કરતા સાવ જુદો જ હતો. તેના બીજું જેવું કોઈ ક્યારેય ટીપુએ જોયું ન હતું. દાઢી મૂછ વગરનો સાવ ઓછી ઉંચાઈનો પણ તોય સાવ બાળક જેવો ન હતો. સામાન્ય રીતે બાળકો ઘેઘુર અવાજ માં બોલી નથી શકતા. શું એ ઘરડો હશે? ના? તો? ટીપુ મુંજાઈ ગયો હતો. એ માણસની ચામડી મુલાયમ, સુંવાળી અને આછા ગુલાબી રંગ ની હતી. જાણે દૂધમાં લોહીની એક ટશર ભળી ગઈ હોય! તેથી જ ટીપુએ એ માણસનું ગુપ્તનામ ગુલાબીબાબુ પાડ્યું હતું. આજ દિવસ સુધી ટીપુ એના સાચા નામથી અજાણ હતો. હકીકતે તો ટીપુએ એ માણસને એક વાર એના સાચા નામ વિષે પૂછ્યું પણ હતું પણ એ માણસે ટીપુનો સવાલ ઉડાડી દીધો હતો. 'તને જણાવવાનો શુ અર્થ? તું મારા નામનો ઉચ્ચાર તો કરી નથી શકવાનો!' તે સમયે ટીપુએ ગુસ્સે થઈને વિરોધ કર્યો હતો, ‘તમને એવું શું કામ લાગે છે? હું બરાબર ઉચ્ચાર કરી શકું છું. બોલવામાં અઘરા પડે એવા બંગલા શબ્દો જેમ કે પ્રત્યુત્પન્નમિતિત્વા અને કીંકર્તવ્યમૂઢ નો ઉચ્ચાર પણ હું કરી શકું છું. અને સૌથી અઘરો શબ્દ ફ્લોકિનાઉસિનીહિલિપિલિફિકેશન નો ઉચ્ચાર પણ હું કરી જ શકું છું તો પછી હું તમારા નામનો ઉચ્ચાર કેમ ન કરી શકું?'


પછી તે માણસે કહ્યું હતું, ‘ફક્ત એક જ જીભ વડે તું મારા નામનો ઉચ્ચાર નહીં કરી શકે. ’

‘તમારી પાસે એક કરતા વધારે જીભ છે?’ ટીપુએ પૂછ્યું હતું. ‘એક જ બંગાળી ભાષા બોલવામાં તમારે એક કરતાં વધારે જીભની જરૂર નથી.'


એ માણસ પાછળના વાડા ના સૂકા થડીયા નીચે ઉભો હતો. બહુ ઓછા માણસો પાછળની તરફ આવતા. સૂકા થડીયા પછી, થોડી ખુલ્લી જગ્યા પછી, વિશાળ ચોખા ના ખેતરો શરૂ થઈ જતા હતા અને દૂર દૂર પહાડો આવેલા હતા. થોડા દિવસ પહેલા જ ટીપુએ વાડા ના ઝાડી ઝાંખરામાં એક નોળિયો ભાળ્યો હતો. ફરી વાર નોળિયો દેખાય એ માટે ટીપુ આજે સૂકી રોટલી ના ટુકડા લઈને ઝાંખરા પાસે આવેલો અને ત્યારે જ એણે સૂકા થડ નીચે આ માણસને ઉભેલો જોયો.


'કેમ છે?' માણસે વિચિત્ર હસી ને ટીપુ ને પૂછ્યું. શું નવંગતુક કોઈ વિદેશી માણસ છે? જો એમ હોય તો એની સાથે વાત કેમ કરવી? ટીપુ એ મૂંગા મૂંગા એ માણસની સામે જોયા કર્યું. એ માણસે જ બોલ્યો, 'હાલમાં તને કોઈ ઉદાસી કે તકલીફ નું કારણ ખરું?


'ઉદાસી.' ટીપુ ને આવી પૂછપરછ અજુગતી લાગી. 'એવું કંઈ લાગતું તો નથી.' ટીપુ ગણગણ્યો.


'ચોક્કસ?'


'લે, હું શું કામ ખોટું બોલું?'


'પણ તારે ઉદાસ હોવું જોઈએ. મારી ગણતરીઓ પ્રમાણે તો એવું જ જણાય છે.'


'એમ? તમે કયા પ્રકારની ઉદાસીની વાત કરો છો? મને લાગે છે આજે હું અહીંયા નોળિયો ને બોલાવવા આવ્યો હતો પણ એની એક ઝલક પણ જોવા પણ ન મળી. આ પ્રકારની ઉદાસી ની વાત છે?'

'ના, ના આટલી સાદી તકલીફ નહીં. હું તો તારા પરસેવા છૂટી જાય અને જીભ સુકાઈ જાય એવી તકલીફની વાત કરું છું.'


'મતલબ કે કોઈ ગંભીર તકલીફ?'


'હવે તું સમજ્યો.'


'ના, મારી પાસે હાલમાં તો આવું કોઈ કારણ નથી‘


'એમ! તો તો પછી હજુ તો મને મુક્તિ નહીં મળે, અત્યારે તો નહીં જ.' નિરાશ અને હ્રદયભગ્ન અવાજે માણસે કહ્યું.


'મુક્તિ?'

'મુક્તિ એટલે કે સ્વતંત્રતા'

'હા હા હવે. મને મુક્તિનો અર્થ ખબર છે!' ટીપુએ છેડાઈ ગયેલા અવાજે બોલ્યો. 'પણ શું એક મારી તકલીફ એ ઉદાસી જ તમને મુક્તિ આપવશે?'

માણસ ટીપુ ની સામું તાકી રહ્યો. 'તું તો અત્યારે સાડા દસ વર્ષનો છો ને?'


'જી.' ટીપુએ ભંવા ચડાવી ને જવાબ આપ્યો.


'અને તારું નામ માસ્ટર તર્પણ ચૌધરી છે ને'


'હા.'


'તો તો હવે મને કોઈ શંકા નથી રહી'


ટીપુને સમજાતું નહોતું કે આ માણસ પાસે પોતાના વિશે આટલી બધી માહિતી કેવી રીતે આવી. તેમ છત્તા ચેહરા ઉપર પુરી ગંભીરતા લાવીને ટીપુએ પૂછ્યું, 'શુ હું ઉદાસ થાઉં તો જ તમને મુક્તિ મળશે? બીજા કોઈની ઉદાસી તમને મુક્તિ નહીં અપાવી શકે?'


'ફક્ત તારું ઉદાસ હોવું પૂરતું નથી પણ હું તને એ તકલીફ, એ ઉદાસીમાં થી બહાર નીકળવામાં મદદ કરું તો જ હું મુક્તિ પામીશ.'


'પણ આજુબાજુ તો બીજા ઘણા લોકો ઉદાસી અને તકલીફ વેઠે છે. પેલો નિકુંજા, બિચારો માંગણિયાત. અમારે ત્યાં આવે અને એકતારો વગાડતો જાય. ભજન લલકારતો જાય અને દુઃખી અને ઉદાસ હૃદયે જણાવે કે એનું આ દુનિયામાં કોઈ નથી.'


'ના એની ઉદાસી મને કામ નહીં લાગે.' માણસે નકારમાં માથું હલાવ્યું. 'તર્પણ ચૌધરી. સાડા દસ વર્ષ ની ઉંમર. બીજું કોઈ છે આવી જ ઓળખાણ ધરાવતું આજુબાજુ કે તું જ છો?'



‘કદાચ તો બીજું કોઈ નથી”


“બસ તો પછી તારાથી જ મને મુક્તિ મળશે.’


બરાબર આ જ ક્ષણે અંતે ટીપુ પૂછી જ બેઠો, ‘તમે ખરેખર શેના થી મુક્તિ મેળવવા માંગો છો? તમે આમ તો ખુશ ખુશ દેખાતા બધે આમ તેમ ફરતા હોવ એમ લાગે છે.’

‘આ મારી જન્મભૂમિ નથી.મને ક્યાંકથી અહીંયા નિકાલ કરવામાં આવ્યો છે.’


‘કેમ? અને ક્યાંથી?


‘એ તારે જાણવાની જરૂર નથી.’



‘કેવી વાત કરો છો તમે! હું એક અજાણ્યા માણસ વિષે વધુ જાણવા માંગુ તો એમાં ખોટું શું છે? તમારું નામ શું છે? તમે ક્યાંથી આવ્યા છો? શું કરો છો? ક્યાં જવાના છો?-મને આ બધી બાબતો જાણવાની બહુ ઇંતેજારી છે.’

‘જાણવાની કોશિશ કરીશ તો ‘જીનીજીરીયા’ પહોંચી જઈશ!’

એણે આમ તો કૈક જુદું જ કહ્યું હતું પણ ટીપુ ‘જીનજીરીયા’ સમજ્યો હતો. ગમે તેટલી મેહનત કરે, ટીપુ એ શબ્દનું નામ ક્યારેય ઉચ્ચારી શકે એમ નહોતું. કાંઈ ઝાઝું ન સમજવાથી ટીપુએ એ મુદ્દો છોડી દીધો.


સત્યજિત રે કૃત….


ટીપુ કલ્પના કરવા લાગ્યો. ગુલાબીબાબુ એ કોઈ રાક્ષસ તો નહીં હોય ને જેને પેલા ખેડૂત ના દીકરા માણિકે મૂરખ બનાવ્યો હતો! અથવા તો એ પેલી 'સાત ઠીંગુજી અને સ્નો વ્હાઇટ' વાર્તા મા નો કોઈ એક ઠીંગુંજી પણ હોય! ટીપુ ને પરિકથાઓ વાંચવાનો ભારે શોખ હતો. દર વર્ષે દુર્ગાપૂજાની રજા દરમ્યાન ટીપુના દાદા કલકત્તા થી આવતા અને ટીપુ માટે ખૂબ બધી પરિકથાઓના પુસ્તકો લઈ આવતા. જેમ જેમ ટીપુ આ બધી કલ્પનાકથાઓ વાંચતો તેમ તેમ એ પોતાના કલ્પનાવિશ્વ માં વિહરતો. કોઈ વાર એ સાત પાંખળા ઘોડા ઉપર સવાર થઈને સાત સમુદ્રો ઓળંગી જતો તો કોઈ કોઈ વાર કોઈ હીરા જડિત તલવાર લઈને કોઈ મહા રાક્ષસ સાથે લડાઈ લડવા સાતમે પાતાળ સુધી પહોંચી જતો.


'આવજે.'


'લે! ગુલાબીબાબુ તો જાય છે!' ટીપુ સફાળો સ્વપ્નસૃષ્ટિ માંથી બહાર આવી ગયો.


'તમે તમારા વિશે મને કંઈ જણાવ્યું કેમ નહીં?' ટીપુ એ અવાજ માં થોડી આજીજી ભેળવી ને પૂછ્યું.


એ માણસ ઉપર ટીપુ ના આવા સવાલની કોઈ અસર ન થઈ. એણે ખાલી એટલું જ કહ્યું, 'આપણે ફરી મળીશું પણ ફક્ત તારી ઉદાસી વખતે જ.'


'પણ હું તમારો સંપર્ક કેવી રીતે કરીશ?’


પણ ત્યાં સુધીમાં તો પેલો માણસ બે માથોડા ઊંચું જાંબુડા નું ઝાડ કૂદીને જતો રહ્યો હતો. અલોપ થઈ જતા પહેલા, જાણે કોઈ વિશ્વ કીર્તિમાન સ્થાપિત કરવાનો હોય એમ, એણે ભારે ઊંચો કૂદકો માર્યો હતો!

આ ઘટના બન્યા ને મહિનો દોઢ મહિનો થઈ ગયો હતો ને હજુ સુધી એ માણસ ની કોઈ ભાળ ટીપુ ને મળી નહોતી. પણ વચન આપ્યા પ્રમાણે હવે કદાચ એ માણસ પાછો દેખાય પણ ખરા કેમ કે ટીપુ ને ઉદાસીનું કારણ મળી ગયું હતું. ટીપુની ઉદાસીનું કારણ એ બીજું કોઈ નહીં પણ એની સ્કૂલના ગણિત ના શિક્ષક નરહરિ હતા. નિશાળના પહેલા જ દિવસથી ટીપુને નરહરિ સાહેબ ગમતા નહીં. નરહરિ ક્લાસમાં આવતાની સાથે જ લગભગ બે મિનિટ સુધી આખા ક્લાસને એવી ભારે તીખી નજરે જોવે કે દરેક વિદ્યાર્થીને રૂંવે રૂંવે ભય વ્યાપી જાય. નરહરીના ચેહરા ઉપર ઘટ્ટ મૂછો જોઈને ટીપુંને પેલા તાડી ના ઝાડ પર લટકતા જોડિયા રાક્ષસો હનુસૂર-મુનસુર યાદ આવી જતા. વધુમાં, તેમનો ખૂબ મોટો અને કર્કશ અવાજ જાણે વિદ્યાર્થીઓને બહેરા કરી નાખતો. કલાસ માં બુમ બરાડા પાડીને નિર્દોષ વિદ્યાર્થીને ધમકાવવાની કોઈ જરૂર ખરી?

ખરી મુસીબત તો બેક દિવસ પછી શરૂ થઈ. શિયાળા નો એક વાદળછાયો ગુરુવાર હતો. રીસેસ વખતે ટીપુ બહાર ન ગયો. એ પોતાના કલાસરૂમની બેન્ચ ઉપર જ બેઠો રહ્યો. દાડમની કળીઓ માંથી નીકળતી રાજકુમારી વિશે વાંચતા વાંચતા પરિકથામાં ખોવાઈ ગયો હતો. આજુબાજુ શુ બની રહ્યું છે એની ટીપુંને કાંઈ જ ખબર ન હતી. કોઈને કલ્પના પણ ક્યાંથી આવે કે બરાબર એ જ વખતે નરહરિ સાહેબ ટીપુના કલાસરૂમ સામેથી પસાર થતા હશે અને ટીપુની બેન્ચ પાસે આવીને મૂંગા મૂંગા ઉભા રહી ગયા હશે?


'તર્પણ, કઈ ચોપડી વાંચી રહ્યો છે તું?'


સાહેબની યાદદાસ્ત ગજબ હતી. ફક્ત બે જ દિવસમાં નરહરિ સાહેબને ક્લાસના તમામ વિદ્યાર્થીઓ ના નામ યાદ રહી ગયા હતા.

નરહરિ સાહેબને અચાનક ઉભેલા ભાળી ને ટીપુ નું હૃદય જોરથી ધડકવા લાગ્યું. પણ ટીપુંને એટલી તો ધરપત હતી કે રિસેસમાં પરિકથાઓની ચોપડી વાંચવી એ કોઈ ગુનો નહતો બનતો. ટીપુ ચોપડી માં મોઢું ઘાલી ને ગણગણ્યો, 'દાદીમાની વાતો'.


'જોવા દે મને'


ટીપુએ સાહેબને ચોપડી જોવા આપી. સાહેબે થોડા પાના આમતેમ ફેરવ્યા અને બરાડ્યા, ‘માણસ ગંધાય માણસ ખાઉં….! આ બધો શું બકવાસછે? આવું ભંગાર વાંચે છે તું? આવો કચરો? હું કહું છું કે જો તું આવું આવું વાંચ્યા કરીશ તો ગણિત તને ક્યારે આવડશે?


‘સાહેબ, આ તો ખાલી બાળવાર્તા છે’ ટીપુએ ઘબરાતા અવાજે જવાબ આપ્યો.


‘બાળવાર્તા! અરે પણ કંઈક તો સચ્ચાઈનું પ્રમાણ હોવું જોઈને? સાવ ગપ્પાં વાંચવાના!’ હાથ જેવડી ઊંચાઈનો માણસ જિરાફને ઠેકી જાય અને ગધેડો સિંહને લાત મારે ને આકાશમાં ઉડતું ગરુડ અચાનક વહેલ માછલી બની ને સમુદ્ર માં ગરક થઇ જાય…….! અક્કલવગરના ઢંગધડા વગરના લખાણ ને કઈ વાર્તા કહેવાય?’


ટીપુ પણ ગાંજ્યો જાય એવો નહોતો. તેણે સામો તર્ક રજુ કર્યો, ‘ સાહેબ, રામાયણ માં જાંબુવાન અને હનુમાન છે અને મહાભારતમાં તો હિડિમ્બા, બાલ રાક્ષસ અને બીજા કેટલાય પાત્રો આવે છે.’


‘ડાહ્યો થા માં વધુ પડતો,’ સાહેબે દાંત ભીસ્યા, મુઠ્ઠીઓ વાળી. ‘એ બધા તો સંતપુરુષોએ લખેલા મહાપુરાણો છે. એમ તો ભગવાન ગણેશ ને પણ માથું હાથીનું અને ધડ પુરુષનું છે અને માં દુર્ગા ને પણ દશ દશ હાથ છે પણ તું જે બકવાસ વાંચે છે એવું સાવ નથી. તારે તો આવી ધડમાથા વગરની વાર્તાઓ છોડીને મહાપુરુષોની આત્મકથાઓ વાંચવી જોઈએ, જાણીતી પ્રવાસકથાઓ જેમ કે માગલેન ની પૃથ્વી પ્રદક્ષિણા, ચાર્લ્સડાર્વિન નો ગાલાપાગોસ ટાપુનો પ્રવાસ, જેમ્સ કુક ની શોધ સફર વગેરે વાતો કે પછી હિમાલય ના પહાડો, ભારતની નદીઓ, આપણો મહાન ધાર્મિક વારસો કે પછી વીસમી સદીની મહત્વની શોધખોળ, મનુષ્યની ઉત્પત્તિ અને વિકાસ વગેરે વિશે વાંચવું જોઈએ. જો તારે આવું બધું જ વાંચવું હોય તો જા! જઈને ગામડાની નિશાળમાં દાખલો લઇ લે! ત્યાં બેઠો બેઠો પાડા પાકા કરજે. તને ગમશે ત્યાં? બોલ!’


સામું કઈ બોલ્યા વગર જ ટીપુ નીચું જોઈને બેસી રહ્યો. ટીપુને ભારે નવાઈ લાગે કે આવી સામાન્ય બાબતમાં સાહેબે લાબું લેક્ચર શું કામ આપ્યું?


‘ક્લાસમાં તારા સિવાય બીજું કોણ કોણ આવી બકવાસ વાર્તાઓની ચોપડીઓ વાંચે છે?’ સાહેબે જાણવા માંગ્યું.


આમ તો ટીપુ સિવાય બીજુ કોઈ વાંચતું ન હતું. એક વાર નટુએ ટીપુ પાસે થી એક વાર્તાની ચોપડી વાંચવા માંગેલ પણ બીજા જ દિવસે પાછી આપીને નટુએ જણાવ્યું, ‘સાવ ભંગાર વાર્તા છે! આના કરતા તો ફેન્ટમ કોમિક્સ વધુ સારા હોય છે.’


'હું જ વાંચું છું સાહેબ, બીજુ તો કોઈ નથી વાંચતું.’ ટીપુ રડમસ અવાજે બોલ્યો.


‘એમ! તારા પપ્પાનું નામ શું છે?’


‘તારાનાથ ચૌધરી.’


‘અને રહેવાનું ક્યાં?’


‘ પાંચ નંબર, સ્ટેશન રોડ.


‘હમ્મ…’


સાહેબે બેન્ચ ઉપર ચોપડી પછાડી અને વધુ કઈ બોલ્યા વગર ક્લાસ ની બહાર નીકળી ગયા.


શાળા પત્યા બાદ ટીપુ ઘેરે જવાને બદલે શાળાની પૂર્વ બાજુએ આવેલ પટેલની કેસરની આંબાવાડી તરફ ગયો. આંબાવાડી વટાવ્યા પછી ટીપુ સામેના વહેતા ઝરણાં ના કિનારે ઝૂકેલા જાંબુડા તરફ અપલક અને વિચાર વિહીન થઈને જોઈ રહ્યો. ઝરણાની સામી બાજુએ જ વિષ્ણુરામ નું ઘર હતું. ઘરના ફળિયામાં સફેદ ઘોડો બાંધેલો હતો. લગભગ પચાસેક વર્ષનો અને હટ્ટોકટ્ટો વિષ્ણુરામ એક બીડીની ફેક્ટરીનો માલિક છે. ટીપુ અહીંયા અવારનવાર આવતો. ઘોડો, કલકલ કરતુ વહેતું ઝરણું, જંગલ, આંબાવાડી, ઉડતા પંખીઓ, દોડાદોડી કરતી ખિસકોલીઓ વગેરે જોયા કરતો પણ આજે એને ચેન નહોતું પડતું. એને અંદેશો આવી ગયો હતો નરહરિ સાહેબ પરીકથાઓ વાંચવાની ટેવ મુકાવી ને ન ગમતું ગણિત પાક્કું કરાવવનો આગ્રહ રાખશે.પરીકથા, કલ્પનાકથા, રાક્ષસો, રાજકુમાર, ઉડતા ઘોડા, ઊડતો ગાલીચો, જિન અને અલ્લાદીન, અલીબાબા અને ચાલીસ ચોર, અડુકિયો દડુકિયો, દાદીમાની વાતો વાંચ્યા વગરનુ જીવન કેવું જશે? રાત્રે નીંદરમાં આવતા સપના માં પરીઓના દેશમાં જવાનું કે ગણિત ના દાખલ ગણવાના? સાહેબને તકલીફ શું છે? આવી વાર્તાઓ વાંચવા છતાં મારે છેલ્લી ગણિતની પરીક્ષામાં પચાસમાંથી ચુમ્માલીસ માર્ક તો આવેલા! આમાં મારુ ભણતર ક્યાં બગડે છે? ભારે મુસીબત આવી પડી હતી. ઉપરાંત આગલા ગણિતના શિક્ષક ભૂદાનબાબુ એ તો ટીપુના ગણિત બાબતે ક્યારેય કોઈ ખામી કાઢી નોહતી.


શિયાળાના દિવસો ટૂંકા હોય છે. અંધારું વેહલું ઉતરવા માંડે. ઝરણાનું પાણી હવે કાળું થવા માંડ્યું હતું. જાંબુડા માં કાબરો પાછી ફરી રહી હતી. પંખી ના ટહુકાઓ શાંત થતા જતા હતા. હળવો હળવા પવન ની સાથે સૂકા પાંદડાનો અવાજ આવી રહ્યો હતો. તમરાઓ, આગિયાઓ અને ચામાચીડિયાઓ માટે કાર્યરત થવાની આ ક્ષણે નિરાશ અને હતાશ ટીપુ ભારે પગે ઘર તરફ જવા ઉઠ્યો કે તરત જ તેની નજર ઝાડ પાછળ ઝબકારાની જેમ છુપાઈ જતી કોઈ વસ્તુ પર પડી.


ટીપુ ને જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું કે નરહરિ સાહેબ બગલમાં કેટલાક પુસ્તકો ભરાવીને અને કાંડે છત્રી લટકાવેલી રાખીને આ તરફ આવી રહ્યા છે. સાહેબ આસપાસ જ ક્યાંક રહેતા હોવા જોઈએ. વિષ્ણુરામ ના ઘરની પછીતે પછી થોડા બીજા ઘરો હતા ખરા. થોડે આગળ ઉગમણે હેમલટુંની તરીકે ઓળખાનું મેદાન આવતું જ્યાં ક્યારેક જુના વખતમાં કોઈ અંગ્રેજ મેનેજર શ્રીમાન હેમીલ્ટન સંચાલિત રેશમ ના કીડા માં થી રેશમ બનાવવાનું ખેતર હતું. હેમિલ્ટન ભારે સનકી મગજનો હતો. લગભગ બત્રીસ વર્ષ રેશમ ના ખેતર માં કામ કર્યા બાદ ત્યાંના ફાર્મહાઉસ માં જ મૃત્યુ પામ્યો હતો. હેમિલ્ટન તો વર્ષો થયે ગુજરી ગયો પણ આજદિન સુધી એ મેદાન એની યાદમાં 'હેમલટુંની' તરીકે ઓળખાતું. શિયાળુ સાંજ ના ઓળા ઉતરી રહ્યા હતા. ટીપુ જાંબુડા ની પાછળ છુપાઈને નરહરિ સાહેબને આવતા જોઈ રહ્યો. નરહરિ સાહેબ નું કૈક જુદું જ વર્તન જોઈને ટીપુંને ભારે આશ્ચર્ય થયું. આગળ વધીને સાહેબે પેલા વિષ્ણુરામના ઘર પાસે ઉભેલા ઘોડાની પીઠ થપથપાવી અને હળવે હળવે સિસોટી વગાડતા આગળ વધ્યા. ત્યારબાદ તરત જ કિચુડાટ ના અવાજ સાથે ઘરનું બારણું ખુલ્યું. વિષ્ણુરામ, હાથમાં સિગાર લઈને બહાર આવ્યો.


'નમસ્કાર'


બંને એ સામસામે અભિવાદનની આપ લે કરી.


'ચાલો રમત રમશું?'


'હાસ્તો. હું એના માટે જ તો અહીંયા આવ્યો છું.' સાહેબ બોલ્યા.


'અચ્છા, તો સાહેબ વિષ્ણુરામ સાથે ચેસ રમવા આવ્યા છે એમને!' ટીપુ ને ખબર હતી કે વિષ્ણુરામ ચેસ રમવાનો શોખીન છે.


'આ ઘોડો ભારે સુંદર છે! ક્યાંથી લીધો?' સાહેબે વિષ્ણુરામને ઘોડા વિશે પૃચ્છા કરી.


'કલકત્તા થી લીધો. શોભાબઝારના દ્વારિક મિતર પાસે થી ખરીદ્યો. આમ તો રેસ નો ઘોડો છે. નામ છે પીગેસસ.'


'પીગેસસ?' ટીપુ ને નામ જાણીતું લાગ્યું પણ ક્યાં સાંભળેલું કે વાંચેલું એ જલ્દીથી યાદ ન આવ્યું.


'પીગેસસ! જરા વિચિત્ર નામ નથી?' સાહેબે ફરી પૂછ્યું.


'રેસ માં ભાગ લેતા ઘોડાઓ ના નામો થોડા વિચિત્ર પાડવાનો રિવાજ છે. શુભાન અલ્લાહ, પવન પાવડી, ઉડતો સમ્રાટ વગેરે.'


'તમે આ ઘોડા ઉપર સવારી કરો છો ખરા ક્યારેય?'


'જી ચોક્કસ વળી. મને ક્યારેય નિરાશ નથી કર્યો આ ઘોડાએ.'


'હું પણ વર્ષો પહેલા ઘોડેસવારી કરતો હતો.' સાહેબ કોઈ લાગણી પૂર્વક ઘોડા ઉપર હાથ પસવારી ને બોલ્યા.


'શુ વાત કરો છો! ખરેખર?'


'શુ બાળપણ ના દિવસો હતા એ! અમે લોકો શેરપુર ખાતે રહેતા હતા. મારા પિતા ડૉક્ટર હતા. દર્દીઓને મળવા જવા માટે તેમણે ગામે ગામ ઘોડા પર જ સવારી કરીને જવું પડતું. હું હજુ તો પ્રાથમિક શાળા માં ભણતો ત્યારે. જ્યારે પિતા મોકો આપે ત્યારે હું પણ ઘોડા સવારીની મજા માણતો.'


'આ ઘોડા ઉપર સવારી કરવી છે?'


'આ ઘોડા ઉપર?'

'હાસ્તો. જાવ જાવ સવારી કરી આવો'


સાહેબને છત્રી અને પુસ્તકો બાજુ પર મૂકી ને એકદમ ચપળતા પૂર્વક ઘોડા ઉપર સવાર થતા જોઈને ટીપુ તો આભો જ બની ગયો. સાહેબે અનુભવી ઘોડેસવારની જેમ ઘોડો દોડાવ્યો.


'સાચવીને! બહુ દૂર ન જતા', વિષ્ણુરામે ચેતવણી ઉચ્ચારી.

'ચેસ તૈયાર રાખો. હું આ આવ્યો.'

ટીપુ પછી બહુ ન રોકાયો. 'શુ દિવસ હતો!', ટીપુ મનમાં બબડયો. જો કે હજુ દિવસ પૂરો પણ ક્યાં થયો હતો?


સાંજના સાત થયા હતા. ટીપુ ઘરકામ પૂરું કરીને, નવરો થઈને વિચારતો જ હતો કે કયું પુસ્તક વાંચવા માટે પસંદ કરવું. એ જ વખતે એના પિતાએ ટીપુ ને હાક મારી. ટીપુ જ્યારે બેઠક માં પહોંચ્યો ત્યારે જોયું કે નરહરિ સાહેબ પિતાની સામે જ બેઠા છે. ટીપુ પોતાની જગ્યા ઉપર થીજી જ ગયો. 'દાદાએ તને આપેલા તમામ પુસ્તકો સાહેબ જોવા માંગે છે.' પિતાએ ટીપુને બેઠકના બારણામાં ઉભેલો જોઈને કહ્યું. 'જા, જઈને લઈ આવ.'


ટીપુ પુસ્તકો નો જથ્થો લેતો આવ્યો. કુલ સત્યાવીસ પુસ્તકો હતા. વારા ફરતી ત્રણ ધક્કે તમામ પુસ્તકો લાવી શકાયા. લગભગ દશ મિનિટ સુધી, દર થોડી મિનિટે ડચકરા બોલાવતા બોલાવતા અને માથું ઉપર નીચે ને ડાબે જમણે હલાવતા હલાવતા, નરહરિ સાહેબે તમામ પુસ્તકો ધારી ધારી ને જોયા.


'ચૌધરી સાહેબ, જુવો, હું મારા સંશોધનને આધારે કહું છું કે આવી તમામ પરીકથાઓ, લોકકથાઓ કે કોઈપણ નામે ઓળખાતી આવી વાર્તાઓ એક જ કામ કરે છે. એ છે કુમળા મગજ માં અંધશ્રદ્ધા ના બીજ રોપવાનું. બાળક ના મગજ માં તો ગમે તે વસ્તુ ઘર કરી જાય. આપણી જવાબદારી નથી કે આપણે બાળક ને જણાવીએ કે સાત પાંખાળો ઘોડો ક્યાંય હોતો નથી કે ઉડતા હાથી જેવું કશું હોતું નથી? અને રાક્ષસ નો જીવ પોપટના પેટ માં નથી હોતો? તમે જ કહો! શું મનુષ્ય નો જીવ અને લાગણીઓનું કેન્દ્ર એનું હૃદય છે એવું દિવા જેવું સત્ય બાળકને શીખવતા આપણને કોણ રોકે છે?


પિતા નો ચુકાદો કઈ તરફ આવશે એ અવઢવ વચ્ચે ટીપુ એ વિચાર્યું કે પિતા ને આમ તો સાહેબની વાત જ સાચી લાગશે. પિતા હંમેશા કહેતા, 'માતા પિતા, ગુરુ અને મોટાને હંમેશા માન આપવું. મોટો થઈશ ત્યારે તું તારું ધાર્યું કરી શકીશ. કોઈ તને રોકશે કે ટોકશે નહીં. જો કોઈ એમ કરે પણ છે તો તું જવાબ આપવા જેટલો સમજદાર થઈ ગયો હોઇશ. પણ તું મોટો અને સમજદાર થાય ત્યાં સુધી તો મોટાઓનું માનવું જ જોઈએ.'

' કોઈ અન્ય પ્રકારની બાળ કથાઓના પુસ્તકો નથી તમારી પાસે?' સાહેબે પૂછ્યું.


'અરે, ભાતભાત ના પુસ્તકોથી મારો કબાટ ભરેલો પડ્યો છે.ઘણા પુસ્તકો તો મને નિશાળમાં ઇનામ રૂપે મળેલા છે.' પિતાએ કહ્યું, 'ટીપુ તે તો જોયા છે ને?'


'પપ્પા, મેં એ તમામ પુસ્તકો વાંચ્યા પણ છે.'


'બધા જ?'


'જી, બધા જ.વિદ્યાસાગર ની જીવનકહાની, સુરેશ બીશ્વાસ ની વાર્તાઓ, કેપ્ટન સ્કોટની આર્કટિક શોધસફર અને સાહસ ની વાતો, સ્કોટીશ સાગરખેડુ અને મુસાફર મુંગો પાર્કનું આફ્રિકા વિશે નું પુસ્તક, સ્ટીલ કેવી રીતે શોધાયું કે પછી વિમાન ના બાંધકામ વિશે નું પુસ્તક…..પણ તમને બહુ બધા ઇનામ નથી મળેલા ને? બસ આટલા જ પુસ્તકો કબાટ માં છે!' ટીપુ એક શ્વાસે બધું બોલી ગયો.


'હાહાહા, હું તને વધુ પુસ્તકો લઈ આપીશ.' પિતાએ ટીપુ ને માથે હાથ ફેરવીને કહ્યું.


'આજથી પરીકથાઓ વાંચવાનું બંધ, તર્પણ, તું અહિયાં ના તીર્થંકર બુક સ્ટોલ માં જજે. એ લોકો કલકત્તા થી તારે જોઈતા હોય એ પુસ્તકો મંગાવી આપશે.' ગણિત શિક્ષકે સૂચન કર્યું.

બસ! આજથી જ બંધ! ત્રણ જ શબ્દો સાંભળીને ટીપુ ની આંખે અંધારા આવ્યા!


સુચનનો અમલ કરવા માટે પિતાએ ટીપુંના તમામ ઉઠાવીને કબાટ માં મુક્યા અને કબાટ ને તાળું લગાવી દીધું.જો કે માં ને આ વાત ન ગમી. માં એ શિક્ષક ના સૂચન સામે સુનો બળાપો કાઢ્યો. વાળુ વખતે માં બોલી, 'પરીકથાઓ, બાળવાર્તાઓ ને ધિક્કારનાર માણસ શિક્ષક કેવી રીતે થઈ ગયો છે?'

'તું સમજતી નથી. એણે જે કહ્યું છે એ ટીપુ ના ભલા માટે કહ્યું છે.' પિતાએ

માં એ ઉઠાવેલ શંકા ને દબાવતા કહ્યું.

સાંભળીને માં કાંઈ રાહત ન મળી. 'બકવાસ' કહીને તેણે ટીપુંના વાળમાં નાજુક આંગળીઓ ફેરવી. 'મુંજાઇશ નહીં. હું તને મોઢે વાર્તાઓ કરીશ. મેં તારી નાની પાસે થી ઘણી વાર્તાઓ સાંભળી છે અને મને ઘણી વાર્તાઓ યાદ પણ છે.' ટીપુએ મૂંગા મૂંગા જમી લીધું. ખરી તકલીફ તો એ હતી કે માં ને ઘણી વાર્તાઓ યાદ જ ન હતી. અને કદાચ માં કહાનીઓ સંભળાવે તો પણ એમાં વાંચવા જેવી મજા તો ન જ આવે. પુસ્તક, પાત્રો, ઘટનાઓ અને પ્રવાહમાં ખોવાઈ જવું એ એક અલગ જ અનુભવ હોય છે. બસ, વાર્તા ને તમે, બે જ જણા. કોઈ બીજું વચ્ચે આવતું નથી. હવે આ વાત માં ને કેમ કરીને સમજાવવી? બીજા બે દિવસ પસાર થયા. ટીપુને કોઈ ઘનઘોર ઉદાસી ઘેરી વળી. એ ઉદાસી કે જેની વાત પેલા ગુલાબીબાબુ કરતા હતા. બસ, હવે તો વચન આપ્યા પ્રમાણે ગુલાબીબાબુ જ કંઈક કરી શકે એમ હતા.


આજે રવિવાર હતો. પિતા આરામ કરતા હતા. માં હવે વરંડામાં થી રૂમમાં સીવણ કામ કરવા ચાલી ગઈ હતી. બપોરના સાડા ત્રણ થયા હતા. ટીપુએ પાછળના વાડાના બારણે થી છટકવાનું વિચાર્યું. જો ગુલાબીબાબુ ક્યાં રહે છે એ ખબર હોત તો ટીપુ સિધ્ધો ત્યાં જ પહોંચી જાત. ટીપુ બિલ્લી પગે સીડી ઉતર્યો અને વાડા ના બારણે થી બહાર નાસ્યો. ટીપુ ને ઠંડી અને સૂર્યપ્રકાશ એક સાથે જણાયા. દૂર દૂર ચોખાના ખેતરો ઉપર સોનેરી પ્રકાશ પડી રહ્યો હતો. ટેકરીઓ ની ધાર પણ સોનેરી કોર વાળા વાદળો વડે ઢંકાઈ ગઈ હતી. ક્યાંક કબૂતર ના ઘુ ઘુ ઘુ નો અવાજ વર્તાતો હતો. ટીપુ ને જોઈને વડલા ઉપર બેઠેલ વાંદરો ક્યાંય ભાગી ગયો. ત્યાંજ ટીપુ ના કાને પરિચિત અવાજ આવ્યો.


"દોસ્તાર, શુ ચાલે છે?"


અચાનક જ ટીપુએ ગુલાબીબાબુ ને ઝાડ નીચે ઉભેલા જોયા. ટીપુ નું મન ઉલ્લાસ થી ભરાઈ ગયું.


'જો હવે તારી આંખ નીચે કાળા કુંડાળા છે. કાન ની બુટ શ્યામ પડી ગઈ છે અને તારી હથેળીઓ સાવ સૂકી વર્તાય છે. મને લાગે છે કે તું ઘણો જ ઉદાસ છો.'


'ખરેખર એમ જ છે'


માણસ ટીપુ નજીક આવ્યો. તેણે જૂનો પોશાક જ પહેર્યો હતો. અસ્તવ્યસ્ત ઝુલ્ફાં પવનને લીધે આમતેમ ઉડતા હતા.


'મને કહે કે શું બન્યું છે?' ઉત્સાહથી માણસે ટીપુંને પૂછ્યું. ટીપુને લાગ્યું કે એ હમણાં હર્ષનો ના આંસુ વહાવી દેશે. તેણે નરહરિ સાહેબ વાળી આખી ઘટના માણસને કહી બતાવી.


‘હમ્મ’, કીધા પછી માણસ સોળ વખત કમરેથી ઝૂક્યો. ટીપુને લાગ્યું કે આ આવું કરતો રોકાશે કે કેમ અને એની પાસે સમસ્યાનો ઉકેલ હશે કે નહિ! જો માણસ પાસે ઉકેલ નહિ હોય તો શું થશે? અંતે માણસે સતત ઝૂકી ને ઉભા થવાનું બન્ધ કર્યું. ટીપુ ને એ જોઈને થોડી શાંતિ વળી.


‘ તમે કોઈ ઉકેલ લાવી શકશો કે?’ ટીપુએ ચિંતાતુર અવાજે પૂછ્યું.


‘મને લાગે છે કે મારે મારા આંતરડા નો ઉપીયોગ કરવો પડશે.'


‘આંતરડા? કેમ? મગજ નો કેમ નહિ?’


માણસે જવાબ ન આપ્યો. એણે સામું ટીપુને પૂછ્યું, 'પેલા દિવસે મેદાનમાં નરહરિ સાહેબ જ ઘોડા ઉપર જતા હતા ને?‘


'કયું મેદાન? હેમેલટુંની?'


'જ્યાં ખંડેર જેવા ઘરો છે.'


'હા, બરાબર. હેમલટુંની જ. તમે ત્યાં રહો છો?'


'ત્યાં ખંડેર પાછળ મારી ઝીપ્પલલિકુંડી છે'


ટીપુ કાઈ સમજ્યો નહીં. માણસ હજુ ત્યાં જ ઉભો હતો અને એણે ફરી પાછું કમરે થી ઝુકવાનું ચાલુ કર્યું. આ વખતે એ એકત્રીસ વખત ઝૂકી ને સીધો થયો. 'આજે પૂનમની રાત છે. તારે આખી ઘટના શા માટે બની એ જોવું હોય તો એ મેદાનમાં આવવું પડશે. જ્યારે મેદાનમાં ખજૂરી ના ઝાડ માથે ચંદ્ર આવે ત્યારે તને કોઈ જોઈ ન જાય એમ છુપાઈ જજે. જોઈએ શુ થાય છે આગળ.' માણસે વિચાર રજુ કર્યો અને ટીપુ ના મોતિયા મરી ગયા.


'તમે શું નરહરિ સાહેબ ને મારી નાખશો?'


'હો!હો! હો! જરાય નહીં' માણસ ખડખડાટ હસતા હસતા આવું બોલ્યો. ટીપુએ નોંધ્યું કે માણસને બે જીભ હતી અને મોમાં દાંત નોહતા.


'મારી નાખીશ? ના રે! હું કોઈને મારતો નથી.'


મેં તો કોઈકની ખાલી સળી જ કરવાનું વિચાર્યું ને મને અહીંયા મોકલી દેવામાં આવ્યો. પહેલા તો ગણતરી એવી મંડાઈ કે મારે કોઈ પૃથ્વી નામ ના ગ્રહ ઉપર જવાનું છે. પછી આ ગામ નું નામ નક્કી થયું અને ત્યાર બાદ એવું નક્કી થયું કે આ ગામ ના તર્પણ ચૌધરી ને જો હું ઉદાસીમાં થી બહાર કાઢી શકું તો જ મને મુક્તિ મળશે.'


'ભલે તો પછી……'


ટીપુ આગળ કાંઈ બોલે, સમજે એ પહેલાં તો માણસ જાંબુડો ના કૂદી ને અલોપ થઈ ગયો. ટીપુ કોઈક વિચિત્ર લાગણીને કારણે ધ્રુજી રહ્યો હતો. આખી રાત એને જાત જાત ના વિચારો આવ્યા. ટીપુના નસીબ પાધરા કે માતાપિતા ને કોઈ લગ્ન પ્રસંગે જવાનું હતું. સાંજે સાડા સાતે બંને જણા નીકળ્યા. ટીપુ ન ગયો. પરીક્ષા નજીક આવતી હોવાથી માં એ એને ઘેરે રોકાઈ ને તૈયારી કરવા કહ્યું. બસ, પાંચ જ મિનિટ પછી ટીપુ ઘરની બહાર નીકળ્યો. પૂર્વ દિશામાં ચાંદની રેલાઈ રહી હતી. નિશાળ ની પાછળ ના ટૂંકા રસ્તે દશ જ મિનિટમાં ટીપુ વિષ્ણુરામ ના ઘર પાસે પહોંચી ગયો. સફેદ ઘોડો ત્યાં બાંધેલો નહોતો. ક્યાંક ગુમ થઈ ગયેલો. ટીપુ એ વિચાર્યું કે ઘોડાને કદાચ પાછળ વાડામાં બાંધેલો હોય. બેઠકની બારી માંથી પીળો પ્રકાશ આવી રહ્યો હતો. સિગાર ને ધ્રુમસેરો ઊંચે ચડતી દેખાતી હતી.




'ચેક.'


વિષ્ણુરામ અને સાહેબ બંને ચેસ ની રમત માં ડૂબેલા હતા. આજે સાહેબ ઘોડેસવારી કરવા નથી ગયા? ટીપુ ને ખબર કાંઈ ન પડી. માણસે ટીપુને હેમલટુંની મેદાન માં જવાની સૂચના આપેલ. ટીપુએ મેદાન તરફ ચાલવાનું ચાલુ કર્યું. એને કદાચ ખબર ન હતી કે આગળ શું બનવાનું છે. આકાશમાં સુંદર પૂર્ણ ચંદ્રમાં ખીલ્યો હતો. સોનેરી માં થી ધીમે ધીમે ચાંદની રૂપેરી રંગ પકડી રહી હતી. દશ જ મિનિટમાં ચંદ્ર પેલા ખજૂરીના ઝાડ ઉપર આવી જશે. હજુ આખા મેદાન માં ચાંદની ફેલાઈ ન હતી પણ થોડું થોડું આછુ અજવાળુ ચારે બાજુ પથરાઈ ગયું હતું. ઝાડપાન ની કાળી છાયા અને દૂર પર્વતીની રૂપેરી પ્રકાશમાં ચમકતી ધાર ચોખ્ખી દેખાઈ રહી હતી. દૂર મેદાનમાં પેલું ખંડેર જેવું ફાર્મહાઉસ દેખાઈ રહ્યું હતું. માણસ એની પાછળ ઉભો હશે? ટીપુ એ જાત ને સવાલ પૂછ્યો. ટીપુ કોઈ નજીકની ઝાડી પાછળ છુપાઈ જવા માટે તૈયાર હતો. ટીપુએ ખિસ્સામાં રાખેલ ગોળનું ના કકડામાંથી નાનું બટકું ખાધું. આઘે શિયાળવાની લાળી સંભળાઈ. કોઈ પડછાયો ટીપુ ઉપરથી ઉડીને ગયો. 'કદાચ ઘુવડ હોઈ શકે.' ટીપુએ મન મનાવ્યું.


ઘેરા રંગ ની શાલ ઓઢવાને કારણે ટીપુ ને છુપાઈ રહેવામાં સરળતા હતી અને ઠંડી સામે પણ રક્ષણ મળતું. રાતના આઠ વાગ્યા. ટિક, ટોક, ટિક ,ટોક..વિષ્ણુરામ ના ઘર બાજુથી અવાજ આવી રહ્યો હતો.. સફેદ ઘોડો અને સવાર તરીકે નરહરિ સાહેબ….ટીપુ ઝાડી માં થી ડોકાઈ ને જોઈ રહ્યો. બરાબર આ જ ક્ષણે એક અમંગળ ઘટના બની. એક મચ્છર સતત ટીપુની આજુબાજુ ગણગણાટ કરી રહ્યો હતો. ટીપુએ કંટાળીને મચ્છર ને દૂર ઉડાડવા પ્રયત્ન કર્યો. અચાનક, મચ્છર ઉડીને ટીપુંના નાકમાં ઘુસી ગયો. બે આંગળીઓ વડે નાક દબાવીને છીંક ને રોકવાની આવડત તો ટીપુ ને હસ્તગત હતી. પણ અત્યારે સવાલ મચ્છરને નાકમાં થી કાઢવાનો હતો. ટીપુએ છીંક ખાવી પડે એમ જ હતી. છીંકના અવાજ થી શિયાળુ રાત ની એ નીરવ શાંતિમાં ભંગ પડ્યો. અવાજ સાંભળીને ઘોડો ઉભો રહી ગયો. ટોર્ચલાઇટ નો પ્રકાશ ટીપુ ઉપર ફેંકાયો.


‘તર્પણ!


“ટીપુ કાપો તોય લોહી ન નીકળે એવો થઇ ગયો. એને સ્થિર ઉભા રેહવું અશક્ય લાગ્યું. આખી યોજના ઉંધી વળી ગઈ હતી એ બદલ ટીપુ ભારે શરમ અનુભવી રહ્યો હતો. ગુલાબીબાબુ શું વિચારતા હશે?


ઘોડા ઉપર બેઠલા નરહરિ સાહેબ ધીમે ધીમે ટીપુ તરફ આવ્યા. અચાનક જ ઘોડો ઉછળ્યો. આગળના બે પગે ઉભો થઇ ગયો અને લગભગ નરહરિ ને જમીન પર પછાડી જ દીધા. ઘોડાએ આકાશ ને ચીરતી હણહણાટી કરી મૂકી અને ગલી માં થી ખુલ્લા મેદાન માં ભાગી ગયો. ટીપુ ફાટી આંખે જોઈ જ રહ્યો કે ઘોડો જમીન થી અધ્ધર થઇ રહ્યો છે. ઘોડાના બંને પડખે પાંખો બહાર નીકળી આવી છે. પાંખોને ગરુડ ની માફક ફફડાવતો ઘોડો ચાંદની મઢેલા આકાશ માં ઊંચે ઊંચે ઉડી ગયો.નરહરિ સાહેબ ઘોડાને બરાબર વળગી ને પીઠ ઉપર લટકી રહ્યા હતા. સાહેબ ના હાથમાં થી ટોર્ચલાઈટ છટકીને ને જમીન ઉપર પડી. ચંદ્રમા હવે બરાબર ખજૂરી ના ઝાડ ની ઉપર જ આવી ચુક્યો હતો. આવી ચાંદની પ્રકાશીત રાત્રિમાં, તારા મઢેલા અનંત આકાશમાં, બિષ્નુરામ નો સફેદ દૂધ જેવો ઘોડો, નરહરિ સાહેબ ને લઈને ત્યાં સુધી ઉડતો રહ્યો જ્યાં સુધી ફક્ત સાહેબ અને ઘોડો બંને ફક્ત એક પ્રકાશબિંદુ જેવા બની ગયા.


પિગેસસ!


અચાનક ટીપુને બધું યાદ આવ્યું. એ ગ્રીક પુરાણકથા યાદ આવી. વાળમાં હજારો સર્પો ભરાવીને રાખતી, ઉડવા માટે પાંખો ધરાવતી અને ફક્ત એક નજર ફેંકવાથી જ માણસને પથ્થર બનાવી દેતી રાક્ષસી મેડુસાનું માથું નાયક પરસયૂસ એ તલવાર ના એક જ ઝાટકે ઉડાડી દીધું હતું. મેડુસા ના લોહી ના ટીંપા માં થી ઉડતા ઘોડા પિગેસસ અવતાર પામ્યો.


‘તર્પણ હવે તું ઘરે જઈ શકે છે.’


‘ગુલાબીબાબુ તર્પણ ની બાજુમાં ઉભા હતા. ચાંદની એના ઝુલ્ફાંને ચમકાવી રહી હતી. ‘હવે બધું બરાબર છે.


નરહરિ સાહેબ ને ત્રણ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. કોઈ ઘાવ, કોઈ નિશાન કે કોઈ બીમારી ના જણાઈ પણ ક્યારેક ક્યારેક સનેપાતે ચડી જતા અને બાકીનો સમય સાવ મૂંગા સુઈ રહેતા. ચોથા દિવસે તેમને હોસ્પિટલમાંથી ઘેરે જવાની રજા મળી. તે સીધા ટીપુ ના ઘેરે ગયા અને ટીપુના પિતા ને મળ્યા ટીપુને ખબર ના પડી કે બંને વચ્ચે શું વાતચીત થઇ છે. જેવા સાહેબ ઉભા થયા કે પિતાએ ટીપુ ને બોલાવ્યો. ‘જા, જલસા કર. બધા પુસ્તકો કબાટમાંથી કાઢી લે. સાહેબ જણાવ્યું કે એમને પરીકથાઓ સામે કોઈ જ વાંધો નથી.’


ટીપુએ ત્યાર બાદ ગુલાબીબાબુ ને ક્યારેય જોયા નહિ. કદાચ ગુલાબીબાબુ મળી જાય પણ ખરા એ આશાએ એક વખત ટીપુ હેમલતુની ના મેદાન માં આવેલા પેલા ખંડેર બાજુ ગયો! ત્યાં એણે વિષ્ણુરામ નો ઘોડો જોયો. હંમેશની જેમ જ સુંદર અને મજબૂત! ખંડેર પાછળ તો કશું બીજું જોવા ન મળ્યું. બસ, એક સખત ગુલાબી રંગનો અને બે જીભ ઘરાવતો કાચિંડો જોવા મળ્યો.