રમત - ચેસ ની અને જીંદગી ની Jaydeep Buch દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રમત - ચેસ ની અને જીંદગી ની


જિંદગી ની રોજિંદી કડવાશથી નિરાશ થયેલ એક યુવાન એક દૂરસ્થ બૌદ્ધ મઠમાં ગયો અને ત્યાંના મઠાઘીપતી ઝેનગુરુ ને મળીને કહ્યું; 'હું જીવનથી ભ્રમિત છું અને આ વેદના અને નિરાશાથી મુક્ત થવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા કરું છું. પરંતુ મારી પાસે કોઈપણ વસ્તુ પર લાબું ચોંટી રહેવાની ક્ષમતા નથી. હું લાંબા સમય સુધી ધ્યાન કે અધ્યયન શીખ્યો નથી કે કઠોરતા ક્યારેય શીખી શક્યો નથી કે નથી ક્યારેય આ બાબતોની પ્રેક્ટિસ કરી; હું ફરીથી આ મંદવાડભરી દુનિયામાં પાછો ફરીશ એ તો ભારે પીડાદાયક વિચાર છે એ હું જાણું છું. મારા જેવા લોકો માટે પ્રજ્ઞા પામવાનો કોઈ ટૂંકા રસ્તો છે? '

'છે જ વળી', ઝેનગુરુએ કહ્યું, 'તમે જીવનમાં ખરેખર હકારાત્મક બદલાવ લાવવા નિર્ધાર કર્યો છે?', 'મને કહો કે તમે તમારા જીવનમાં મોટાભાગે કઈ મુખ્ય અને તમને અતિશય ગમતી બાબતે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું?', 'તમે શેનો અભ્યાસ કર્યો છે?'

''કેમ એવું પૂછો છો? , મેં ખરેખર કંઈ એવું ખાસ કર્યું નથી. અમે લોકો ધનિક હતા, અને મારે કામ કરવાની જરૂર નહોતી. પણ હા, એક બાબત છે. હું માનું છું કે મને ખરેખર ચેસ ની રમતમાં બહુ જ રસ હતો. મેં મારો મોટાભાગનો સમય ચેસ શીખવા, શીખવાડવા અને રમવામાં પસાર કર્યો હતો.'

ઝેનગુરુએ એક ક્ષણ માટે કંઈક વિચાર્યું, અને પછી તેના સેવકને કહ્યું: 'મારા શિષ્ય સાધુને બોલાવો અને તેને ચેસબોર્ડ સાથે લાવવા કહો.' ગુરુ ના શિષ્ય ચેસબોર્ડ સાથે આવ્યા.

ઝેનગુરુએ ચેસબોર્ડ ની ગોઠવણી કરી. ઉપરાંત ઝેનગુરુએ એક ધારદાર તલવાર પણ મંગાવી અને શિષ્ય તેમ જ યુવાન ને બતાવી. પોતાના શિષ્યને ઉદ્દેશીને તેમણે કહ્યું, ''ઓ મારા પ્રિય શિષ્ય તું ધ્યાનથી સાંભળ, તેં ગમે તે સંજોગોમાં મારી આજ્ઞાપાલનનું વચન આપ્યું છે અને હવે હું તારી પાસે એ વચન ની પરીક્ષા માંગું છું. તું આ યુવાન સાથે ચેસની રમત રમીશ, અને જો તું રમતમાં હારી જઈશ તો હું આ તલવાર વડે તારું માથું કાપી નાખીશ. પરંતુ હું વચન આપું છું સ્વર્ગમાં તારો પુર્નજન્મ થશે. અને જો તું જીતી જઈશ તો હું આ યુવાનનું માથું કાપી નાખીશ. ચેસ ની રમતમાં હારી જનારનું માથું કપાશે એ નક્કી. જે યુવાન ફક્ત ને ફક્ત ચેસની રમતને જ સર્વસ્વ માને છે એ રમત માં એની હાર થઈ તો એણે પોતાનો જીવ આપી જ દેવો જોઈએ.'

શિષ્ય અને યુવાન બંને અચંબા અને આઘાતથી ગુરુને સાંભળી રહ્યા. ગુરુ સંપૂર્ણ નિષ્ઠા સાથે આ વાત કરી રહ્યા હતા તે બંન્નેએ નોંધ્યું.

હવે યુવાનને માટે ચેસ ની બાજી જીતવી તે જિંદગી ની બાજી જીતવા સમાન હતું. યુવાન જીવ ઉપર આવી ગયો. તેણે રમતી વખતે તેનું સંપૂર્ણ ધ્યાન ચેસબોર્ડ ઉપર કેન્દ્રિત કર્યું. કરવું જ પડ્યું. યુવાનમાં કોઈક અજબ આત્મવિશ્વાસ જાગ્યો. પ્રથમ તો તેણે મોળી શરૂઆત કરી. થોડી ભૂલો પણ કરી. પરંતુ જ્યારે પ્રતિસ્પર્ધી શિષ્યએ થોડી નબળી ચાલ ચાલી કે તરતજ યુવાને બાજી સંભાળી અને જોરદાર વળતો હુમલો કર્યો. ઉપરાઉપરી વધુ ને વધુ મક્કમ અને મજબૂત ચાલને લીધે તેના પ્રતિસ્પર્ધી ની સ્થિતિ તદ્દન નબળી થઈ ગઈ. પ્રતિસ્પર્ધી લગભગ હારી જવા આવ્યો ત્યારે યુવાને તેની તરફ અછડતી નજર માંડી. વર્ષોની કઠોર તપસ્યા, બુદ્ધિમતા અને નિષ્ઠા વડે તેજોમય એવા આ પ્રતિસ્પર્ધીના મનમાં ચાલતી લાગણીઓ નો તાગ મેળવીને યુવાને પોતાની નિરર્થક જિંદગી વિશે વિચાર્યું. અચાનક જ યુવાનની અંદર લાગણીઓ નું ઘોડાપુર ધસી આવ્યું. હારી જનાર નું માથું કપાઈ જશે એ વિચારથી યુવાનના મનમાં પ્રતિસ્પર્ધી માટે અપાર કરુણા ઉપજી. યુવાને જાણીજોઈને પોતાની આગલી ચાલ ચાલવામાં ભૂલ કરી.પછી બીજી ભૂલ કરી ને પોતાની બાજી સાવ નબળી બનાવી નાખી. પોતે હવે બાજી જીતવાની તક ગુમાવી બેઠો.
રમતને અત્યંત ધ્યાનથી અને રસપૂર્વક જોઈ રહેલા ઝેનગુરુ અચાનક જ ઉભા થયા અને ચેસબોર્ડને અસ્તવ્યત કરી નાખ્યું!
ગુરુના આવા અણધાર્યા વર્તનને જોઈને બંન્ને સ્પર્ધકો અસ્વસ્થ અને અવાચક થઈ ગયા.

ઝેનગુરુ શાંતિથી બોલ્યા, ‘અહીં કોઈ વિજેતા નથી અને કોઈ હારેલું નથી.’ તેમણે ધીરે ધીરે આગળ કહ્યું, ‘અહીં કોઈનું માથું કાપવાનું નથી!'
'ફક્ત બે જ વસ્તુની જરૂર છે', ગુરુ યુવાનને ઉદ્દેશીને બોલ્યા. 'સંપૂર્ણ એકાગ્રતા અને કરુણા' તું આજે આ બંન્ને બાબતનું મહત્વ સમજ્યો છો. તારું સંપૂર્ણ ધ્યાન રમત જીતવા પાર કેન્દ્રિત હતું, પરંતુ જીતવાની અણી ઉપર આવેલ તે પછી અપાર કરુણા પણ અનુભવી અને તું તારી જિંદગીનું બલિદાન આપવા તૈયાર થઈ ગયો. બસ! હવે થોડો વખત અહીંયા સાધના કર અને તને ચોક્કસ જ્ઞાન પ્રાપ્ત થશે જ.'

અંતે યુવાન આગળ જતાં પ્રજ્ઞાવાન ઝેનશિક્ષક બન્યો અને આગળ જતાં ઘણાબધા ના જીવનને તેને દિશા આપી.

-ઝેનકથાનો અનુવાદ