સૈકાઓ જૂની વાત છે પણ આજે પણ એટલી જ સચ્ચાઈ થી લાગુ પડે છે. એક કુશળ વ્યાપારી બજારમાં સાવ અમસ્તા જ ફરી રહ્યો હતો. કોઈ ખાસ ખરીદી કરવા માટે નહીં પણ બજારના હાલચાલ જાણવા માટે જ બજારમાં ટેહલતો ટહેલતો નીકળ્યો. ત્યાંજ એની નજર એક જાતવાન ઓલાદના જુવાન ઊંટ ઉપર પડી. ઊંટ નો માલિક બજારમાં ઊંટ નો સોદો કરવા આવ્યો હતો. વ્યાપારીને ઊંટ જોતાંવેંત જ ગમી ગયો. ઊંટ નો માલિક અને વ્યાપારી બંને વેપારી વાટાઘાટો માં પાવરધા હતા. વિસ્તારપૂર્વક વાટાઘાટો થયા બાદ અંતે સોદો નક્કી થયો. વેપારી નક્કી થયેલ દામ ચૂકવી ને ઊંટ ને લઈ ને પોતાના ઘેરે આવ્યો. વેપારી પાસે ઘણા પાલતુ પ્રાણીઓ હતા એમાં એક જાતવાન ઊંટ નો વધારો થયો.
ઘેરે પહોંચ્યા બાદ વ્યાપારીએ પોતાના સેવકને હાક મારી અને ઊંટની ખૂંધ ઉપરથી કાઠી ઉતારીને ઊંટને યોગ્ય જગ્યાએ લઈ જવા આદેશ આપ્યો. સેવક કામે લાગ્યો. કાઠી ખૂબ જ ભારે હતી. સેવકને ઊંટ ની ખૂંધ ઉપરથી કાઠી ઉતારવામાં ઘણી તકલીફ પડી. અચાનક જ સેવકનું ધ્યાન કાઠીની નીચેના ભાગે લટકતા એક નાનકડી મલમલ ની પોટલી તરફ ગયું. પોટલી ખોલતાં જ સેવકને અંદરથી સાચા હીરામોતી દેખાય. સેવક ફાટી આંખે આ બેશકિમતી ઝવેરાતને જોઈ જ રહ્યો. થોડો હોશકોશ સંભાળ્યો પછી સેવકે તરત જ વ્યાપારી પાસે જઈને ઉત્તેજીત થઈને કહ્યું, "માલિક, તમે ખાલી ઊંટ જ નથી ખરીદી લાવ્યાં. સાથે કિંમતી ખજાનો પણ લેતા આવ્યા છો. આ જોવો, સાચા હીરા અને મોતી. અને એ પણ મફત!"
વ્યાપારી ફાટી આંખે દિગ્મૂઢ થઈને સેવકની હથેળીમાં ઝગારા મારતાં સાચા હીરા મોતીના જથ્થાને જોઇજ રહ્યો. ગજબના ચમકીલા અને ખૂબ જ ઊંચી ગુણવત્તા ના ઝવેરાતો હતાં.
"હું તો ફક્ત ઊંટ જ ખરીદીને લાવ્યો છું. હીરામોતી નહીં! મારે તાત્કાલિક પેલા ઊંટ ના માલિક ને આ ઝવેરાતો પરત કરવા જોઈએ."
બહાવર બની ગયેલા સેવકને લાગ્યું કે એનો માલિક મૂરખ છે. એણે કહ્યું, "પણ માલિક, કોઈને ક્યાં ખબર પડશે? અને તમારો કોઈ વાંક પણ નથી!
પણ વ્યાપારી તો કંઈ જ ધ્યાનમાં લીધા વગર જ સીધો બજાર ભણી ચાલ્યો. ઉન્ટ ના મૂળ માલિક ને શોધી ને ઝવેરાતની પોટલી પરત કરી. ઊંટ ના માલિકે આશ્ચર્યથી વ્યાપારી ને કીધું, 'ઓહો! ગજબ થયો. મેં તો આ ઝવેરાતને ઊંટ ની કાઠી નીચે સુરક્ષા માટે મૂકી રાખેલા એ તો હું ભૂલી જ ગયો. તમારો ઘણો જ આભાર. હવે મારી એક વાત માનો. આમાંથી તમને ગમતું મોતી લઈ લ્યો. મારા તરફથી ભેટ સમજી લેજો."
"મેં તમારી પાસેથી ફક્ત ઊંટ નો જ સોદો કરેલ. માટે ના, મને બીજું કાંઈ ન જોઈએ. આ હીરા મોટી એ તમારી મિલકત છે. મને એમાંથી વધારાનું કાંઈ ન ખપે."
"અરે પણ સાહેબ હું તમને ખુશી ખુશી ભેટ આપું છું. તમે કંઈક તો રાખો જ!" આમ વ્યાપારી ના પાડે અને ઊંટ નો મૂળ માલિક આગ્રહ કરે. ખૂબ જ રકઝક ને અંતે વ્યાપારીએ મર્માળું સ્મિત સાથે કહ્યું, "હું જ્યારે તમને તમારી ઝવેરાતો ની પોટલી પરત કરવા આવી રહ્યો હતો ત્યારે જ મેં બેશકિમતી બે મોતીઓ તમારા ખજાનામાંથી કાઢી લીધા છે!"
વ્યાપારીની કેફિયત સાંભળીને ઊંટ નો માલિક હવે મૂંઝાયો. એણે હાથમાં લઈને ઝવેરાતો ફરી ગણ્યા. એ ફરી વધુ મૂંઝાયો અને બોલ્યો, "અરે, આમાં તો એક પણ મોતી ઓછું નથી! બધું બરાબર તો છે! તમે ક્યાં કશું લીધું જ છે આમાંથી?"
બે અમૂલ્ય ઝવેરાતો મેં રાખ્યા છે.વ્યાપારીએ કહ્યું," મારી પ્રમાણિકતા અને મારું આત્મસમ્માન."
જ્યારે તમે ખોટું કરી શકો એમ હોવ ત્યારે જ તમે જો સાચું કરવાની ક્ષમતા ધરાવો છો તો ચોક્કસ તમે લોભ લાલચ અને અપ્રમાણિકતા થી બચી શકશો..