Featured Books
શ્રેણી
શેયર કરો

એક નાના રજવાડા ના રાજકુમાર પણ એક મહાન રમતના સમ્રાટ


નવાનગર ના જામ સાહેબ રણજીતસિંહજી

સિઝનની આખરી રમત રમાઈ ચુકી છે. છેલ્લો દડો નંખાઈ ગયો છે. ક્રિકેટબેટ તેલ લગાડી ને થાક ખાવા અને તાજા થવા મુકાઈ ગયા છે. અને લોર્ડ્સ નું એ ગ્રાન્ડસ્ટેન્ડ ખાલી અને ઉદાસ ભાસે છે. અમે ક્રિકેટને અલવિદા કિધી છે. અને અમે ભારે હૈયે ક્રિકેટના મહારાજા ને પણ અલવિદા કીધી છે.

આવતી વસંતે જ્યારે વૃક્ષો લેહરાશે અને મેદાનોમાં તાજું કુમળું ઘાસ ઊગી આવશે ત્યારે ક્રિકેટની રમત ફરી પાછી રમાશે પણ રમતનો રાજા હવે મેદાનમાં નહીં ઉતરે! જામ સાહેબ હવે ચાલીસના થયા. ઓહો! જામ સાહેબ શરીરે થોડા ભરાણા પણ છે! નવાનગર રજવાડાના મંદિરોનો ઘંટારવ, એ દરિયાઈ પવન, એ હાલારી ખાણા ની સુગંધ અને રાજઘરાનાની જવાબદારીઓ...આ બધુજ જામ સાહેબને યાદ આવે છે. લોર્ડસના એ પેવેલિયનના પગથિયે હળવે હળવે ઉતરતા, હાથમાં જાદુઈ છડી ની માફક બેટ ઘુમાવતા, પ્રશંસકો સામે માર્મિક સ્મિત કરતા જામ રણજીને હવે મેદાનમાં રમવા ઉતરતા નહીં જોઈ શકાય. હવે પછી ની રમતમાં દર્શકો તો હશે જ. બસ, હવે તેઓને ઇંગ્લેડના હૂંફાળા સૂર્યપ્રકાશમાં બેઠાબેઠા વીજળીક ફટકાઓ લગાવતા જામ રણજીતસિંહજી ફરી જોવા નહીં મળે! રણજીની અનન્ય ક્રિકેટ કલા ને કારણે અપૂર્વ આનંદમાં ડૂબી જતાં અને ખુશખુશાલ થઈને ઘરે જતા દર્શકો માટે એ અનન્ય ક્રિકેટકલા, જે તેમને સવારથી સાંજ સુધી ખુરશી ઉપર જ જકડી રાખતી, એ વાત હવે ભૂતકાળ બની ગઈ છે..

ક્રિકેતજગત ના આ મહાન કલાકારે ક્રિકેટમંચ ઉપરથી વિદાય લીધી છે. રણજી હવે આપણા દિલોદીમાગમા ફક્ત યાદ બનીને રહી ગયા છે. ઓહો! જામ સાહેબ! *એક નાના રજવાડા ના રાજકુમાર પણ એક મહાન રમતના સમ્રાટ* . તમને સમગ્ર ઇંગ્લેન્ડ ઝાઝેરા ઝુહાર પાઠવે છે.

મને લાગે છે કે અંગ્રેજોની આ રમતના સર્વકાલીન મહાન બલ્લેબાજ તરીકે કોઈ ભારતીય નિર્વિવાદ રીતે સ્થાપિત થયા હોય તો એ છે જામ રણજી. આ કોઈ આંકડાઓ આધારિત દાવો નથી અને તેમ છત્તા તમે ફક્ત ક્રિકેટ આંકડાઓ ને પણ લક્ષ માં લ્યો તો પણ રણજીની મહાનતા ને આસાનીથી સાબિત કરી શકો. રણજીની સિઝન ની બેટિંગ સરેરાશ ઇનિંગ દીઠ 87 રન અને કુલ 3000 થી થોડા વધુ રન બનાવ્યાની છે. ભાગ્યેજ કોઈ બીજો ઇંગ્લિશ કે અન્ય ક્રિકેટર આ આંકડાની થોડો પણ નજીક પહોંચ્યો છે. રણજીએ ત્રણ ત્રણ સિઝન માં સળંગ ત્રણ-ત્રણ હજાર રન ફટકારેલા છે અને હજુ સુધી કોઈ પણ આ રેકોર્ડ ની બરાબરી કરી શક્યું નથી!

હજુ એક અજબ ક્રિકેટિંગ રેકોર્ડની વાત કરીએ તો કોઈ જેવા તેવા બોલિંગ એટેક સામે નહીં પણ ખૂંખાર ગણાતા યોર્કશાયર ના ગોલંદાજો સામે એક જ દિવસમાં બબ્બે બેવડી સદીઓ બનાવીને રણજીએ તરખાટ મચાવ્યો હતો. ક્રિકેટરનું સાચું હીર એણે કેટલા નહીં પણ કેવી રીતે રન બનાવ્યા છે એ રીતે જોતાં વધુ સારી રીતે પરખાય છે. વોશિંગટન ઇરવિંગ કહે છે કે સાહિત્ય અને નાણાં ની બાબતમાં પસ્તી અને ગરીબી પણ એક સિક્કાની બે બાજુની જેમ જ સહ અસ્તિત્વ ધરાવે છે તેમ જ ક્રિકેટમાં પણ આળસુ અને મિજાજ વગરની રમત રમીને ઢગલો રન બનાવનારા પણ છે જ. જો હાલનું ક્રિકેટ આત્મા વગરનું અને ઢીલું લાગતું હોય તો એનું મુખ્ય કારણ ફક્ત સ્કોરબોર્ડ ટેબલ માં વધુ આંકડા ઉમેરવા રમવામાં આવતી જરા પણ સાહસ અને જોશ વગરની રમત છે. હાલનું ક્રિકેટ એ જેમ મશીન ની પિન ફેરવો અને આંકડા બદલાય તેવી જ કૃત્રિમ અને સાવ લાગણી વગરની રમત થઈ ગઈ છે કે જેમાં કોઈ રંગો નથી, કોઈ ઉત્સાહ નથી કે કોઈ ખાસ શૈલી નથી. ક્રિકેટ એ હવે કોઈ સાહસ નથી. ધંધો છે.

શ્રુસબરીએ ભલે ટેક્નિક માં પૂર્ણતા હાંસલ કરેલ હોય પણ તો પણ ક્રિકેટ રમતી વખતે તે પોતાના આત્માથી રમે છે એવું લાગતું નથી. તેની રમતમાં કોઈ ઉજાસ,જોશ કે ભવ્ય આશ્ચર્ય સર્જાવાની તાકાત નથી. બસ, આ બધી બાબતો જ ક્રિકેટ ને આત્માવિહીન બનાવે છે.

હવે તમે જામ સાહેબને રમતા જોવો. જાણે જામ સાહેબ ને આ બધી બાબતો ખબર જ ન હોય તેવી રીતે જ તેમની રમત પણ એવી કે કાયમ જાણે રાજવી ચેહરા ઉપર ની ગરિમા! જામ સાહેબ કોઈ કંજૂસની જેમ રન ભેગા કરવામાં માનતા નથી, પણ કોઈ મહાદાનવીર જેમ સમજદારી અને ખુશીથી પોતાની દોલત લૂંટાવે તેમ જ પોતે રન લૂંટાવે છે. જાણે ખિસ્સામાં રન ની દોલત ભરેલી છે અને પ્યારા દર્શકોને ન્યાલ કરી દેવા માટે એ પોતાના રન ભરેલા ખિસ્સા ખુશીખુશી ખાલી કરી નાખે છે જાણે કોઈ કુટુંબના મોભીએ દિવાળી એ બાળકોને બક્ષિસ વહેચી! એ તો દેખીતું જ છે કે નવાનગર રજવાડાની સંપૂર્ણ સતા, મોભો અને શક્તિ ધરાવતા આ રાજવીને આનંદ આપવામાં ખૂબ આનંદ આવે છે માટે જ એ પોતાની રૈયતમાં ખૂબ જ લોકપ્રિય છે.

આપણા સમયના ક્રિકેટ માટે તો એવું કહી જ શકાય કે જામ સાહેબને જાણે કોઈ દેવી આશીર્વાદથી આ અજોડ શૈલી અને આ ક્ષમતા પ્રાપ્ત થયેલી છે એવું એમની મેદાન પરની રમત જોતાં ચોક્કસ લાગે.
જ્યારે બોલર દડો નાખવા જતો હોય એની પહેલા સાવ સામાન્ય જેવા દેખાતા બેટ્સમેન રણજી, જે ઝડપે નખાયેલા બોલ સામે પ્રતિક્રિયા દેખાડે ત્યારે આપણને લાગે કે જાણે કોઈ હિમાલયના ધ્યાની સાધુએ સ્થિરતા છોડીને તરત જ ભારતના જંગલોના કુશળ શિકારી ગણાતા ચિતા જેવી ચપળતા દેખાડીને પળવારમાં તો દડો બાઉન્ડરી બહાર મોકલી આપ્યો.

સામાન્ય બેટ્સમેન પોતાની કુદરતી શક્તિને અનુસરીને બોલરનો સામનો કરે. બોલર દોડવાનું શરૂ કરે અને બેટ્સમેન પોતાની જગ્યાએ અસ્થિર થવા માંડે. બોલરની હલચલનના સપ્રમાણ માં બેટ્સમેન પણ પોતાની જગ્યાએ સ્થિર ન રહેતા, જ્યારે કટોકટીની ક્ષણ આવી જાય ત્યારે ઉતાવળે બેટ ઘુમાવે, બેટ્સમેન ક્રિઝ ની બહાર પગ કાઢી નાખે, અનિયમિત થઈ જાય અને અંતે પોતાનો મૂળ અભિગમ અને શૈલી ગુમાવે… . જામ સાહેબ આવું ન જ કરે. જામ સાહેબની રમત ની શૈલીમાં તમને કાયમ પૂર્વની શાંતિ અને પૂર્વની ચપળતા બંને સાથે જ ભાસે. જ્યારે બોલર દડો ફેંકવા દોડતો હોય ત્યારે જામસાહેબ ક્રિઝ માં એવી રીતે ઉભા હોય જેવી રીતે ધ્યાનમગ્ન બુદ્ધ! કયો શોટ ફાટકારવો અને ક્યાં ફટકારવાનો છે એનું કોઈ દેખીતું આકલન ન જ હોય એમની શારીરિક મુદ્રામાં. બોલ ફેંકાય અને જાણે તેજલીસોટાની જેમ બેટ ફરે, દડો વીજળીક ગતિએ બાઉન્ડરી બહાર જાય અને આ અદભુત ક્ષણો દરમ્યાન જામસાહેબ નું શરીર જરા પણ હલનચલન ન કરે. તેમના પગ જમીન પર ખોડાયેલા જ રહે. ફક્ત મજુબત કાંડા જ ઘૂમે. અને શોટ પૂરો થાય. જાણે કશું જ બન્યું નથી એમ આંખના પલકારામાં જ તમામ ઘટના આકાર લઈ લે! ખરેખર નિર્વિવાદ રીતે આકર્ષક કલા!

નગણ્ય પ્રયત્ન કરીને વધુને વધુ રન કરવાને જ જો આપણે સર્વોચ્ચ કલા ગણીયે તો જામ સાહેબનો બેટ્સમેન તરીકે ગજબ મોભો છે!

જામ રણજીની શૈલી ને આપણી હાલની બરછટ અને ઉપરછલ્લી ક્રિકેટ આકલનની પદ્ધતિઓ સમજી ન જ શકે. રણજી હકીકતે સૌથી સરળ રીતે ક્રિકેટ રમે છે. બેટિંગની તેમની તમામ ક્રિયાઓમાં નગણ્ય હિલચાલ જણાય છે. તેમના સમકાલીન ખેલાડીઓ જાણે હિલચાલની અઘરી હારમાળા રચે છે. જાણે આવતો બોલ કોઈ દારૂગોળો ન હોય એમ બચીને અને બીક રાખીને રમે છે કે રમી નાખે છે. જામ સાહેબ તો ભારે કરકસર દેખાડતા ફક્ત કાંડુ જ ઘુમાવે. ખોટી રીતે જરાય શક્તિ ન વડફે અને તોય કોઈ જાદુ બન્યા ની માફક દડો સીમારેખા ની બહાર!!

રણજી ને બેટિંગ અને સજ્જન એસ્કવિથ (બ્રિટિશ રાજકારણી) ને એ રીતે પણ સરખાવી શકાય કે જેમ એસ્કવિથ ઓછા શબ્દો ના ઉપીયોગ વડે અસરકારક ભાષણ આપે છે તેમ જ રણજી પણ સાવ ઓછી ક્રિયા વડે જ કલાસ બેટિંગનું પ્રદર્શન કરે છે અને સંપૂર્ણ સિદ્ધિ ને હાંસલ કરે છે. બન્ને વચ્ચે સામ્યતા દેખીતી જ છે બન્ને ઓછામાં ઓછા સંસાધનો અને શક્તિ લગાડવા છત્તા પણ પોતપોતાના ક્ષેત્રોમાં અનન્ય સિદ્ધિને વરેલા છે.

ઇંગ્લિશ દર્શકો તરફથી શક્યત કોઈ પણ સમકાલીન ખેલાડીઓ કરતા રણજી અપાર ચાહના અને લગાવ પામ્યા છે. ક્રિકેટકલા ને કારણે અને અન્ય જન્મજાત ગુણો ને લીધે જામ સાહેબ એ હિન્દુસ્તાન વિશે એન્ગ્રેજો ના મનોવિશ્વમાં જે હકારાત્મક છબી ઉભી કરી છે એ પણ એક અનોખી દેશસેવા જ કહી શકાય. અંગ્રેજોને જામ સાહેબ ને જાણીને એટલી તો ખબર પડી જ ગઈ છે કે હિન્દુસ્તાનીઓ પણ આપણા જેવા જ છે. કદાચ કોઈ કોઈ વાતે આપણા થી ચડિયાતા પણ ખરા જેમ કે ક્રિકેટ! જામ રણજી એ ઇંગ્લિશ સમાજમાં અલગ જ ભાવવિશ્વ ઉભું કર્યું છે.
આજે હિન્દુસ્તાનને સૌથી વધુ જરૂર છે એક વૈશ્વિક છબીની, એક વૈશ્વિક પ્રચારક ની જે હિન્દુસ્તાન વિશે દુનિયાને અને ખાસ તો દુરસુદુર રહી ને રાજકીય રીતે હિન્દુસ્તાનને નિયંત્રિત કરતા દેશને પોતાની મહત્તા અને છાપ સંભળાવી અને સમજાવી શકે. હાલ તો પોતાના બેટ અને સ્મિત વડે જામ સાહેબ જ આ કામ માટે યોગ્ય રીતે કરી રહ્યા જણાય છે. ગાંધી, ગોખલે, ટાગોર અને બેનરજી જેવા સેંકડો દર્શનિકો, ઉમરાવો, બુધ્ધજીવીઓ અને અન્ય મહાન હિન્દુસ્તાનીઓ અહીંયા ઘણી વાર મુલાકાત લઈ ગયા છે. કદાચ મોટા ભાગના ઇંગ્લિશ સમાજે કાં તો એમની અવગણના કરી છે અને કાં તો મોટાભાગનો સમાજ આવા હિન્દુસ્તાનીઓ ની મુલાકાતથી અજાણ છે. એકમેવ જામ રણજીએ જ પૂર્વની પ્રેમાળ અને ખુલ્લા દિલ વાળી સંસ્કૃતિની ઓળખાણ પશ્ચિમના, રજાઓમાં ખુશી અને આનંદ શોધતાં, આપણા સમાજ સાથે કરાવી છે.
રણજીતસિંહજી હવે એમની પ્રજા પાસે પહોંચી ગયા છે જ્યાં તેઓ એક પ્રજાવત્સલ રાજવી તરીકે પોતાની રૈયત ની સંભાળ રાખશે. ઇંગલિશ દર્શકો ને દુઃખ તો થશે પણ રણજી નું નામ અને કામ હોવી બ્રિટિશ પ્રજાનો કાયમી યાદગીરી છે.

___________

A.G. Gardiner