અનંત સફરનાં સાથી - 38 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત સફરનાં સાથી - 38

૩૮.એક ખોટો નિર્ણય



રાહીનાં એ રીતે શિવાંશ સામે જોવાથી શિવાંશ એની પાસે આવ્યો. રાહી ફોન ઉપાડવાને બદલે શિવાંશ સામે જોઈ રહી હતી. આયશા એ બધું કિચનમાંથી જોઈ રહી હતી. એ દોડીને બહાર આવી. એણે તરત જ ફોન ઉપાડીને કાને લગાવ્યો.
"ફોટા જોઈને પણ શિવાંશ સાથે સંબંધ જોડવા તૈયાર થઈ ગઈ. થોડી ઉલટતપાસ કરવી જોઈતી હતી." સામે છેડેથી એક ભારે ભરખમ અવાજ આયશાનાં કાને પડ્યો. એ પછી એનાં મોંઢેથી એક જ બોલ ફૂટ્યો, "નાગજી અંકલ!" ત્યાં સુધીમાં તો સામે છેડેથી ફોન કપાઈ ગયો હતો.
"શું બોલી તું?" શિવાંશે આયશાનાં બંને ખંભા હચમચાવીને પૂછ્યું. આયશા કોઈ જવાબ આપ્યાં વગર જ ગેસ્ટ રૂમમાં જતી રહી. એણે પોતાનો ફોન લીધો અને એક નંબર ડાયલ કર્યો. બે રિંગ વાગતાં જ ફોન ઉપડી ગયો.
"આયશા બેબી! તમે ક્યાં છો?" નાગજીએ તરત જ પૂછ્યું.
"પહેલાં તમે જણાવો કે તમે ક્યાં છો?" આયશાએ સામે થોડો ગુસ્સો કરીને પૂછ્યું.
"હું મુંબઈમાં છું. પણ તમે ક્યાં છો? માલિક બહું પરેશાન છે." નાગજીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
"હું અમદાવાદ છું. તમારાં માલિકને કહો ફોન પર આવે." આયશાએ હુકમ કરતાં કહ્યું.
"એ તો આઈ.ટી.સી મરાઠા હોટેલમાં એક મીટિંગમાં માટે ગયાં છે. આવે એટલે વાત કરાવું." કહીને નાગજીએ તરત જ ફોન મૂકી દીધો. આયશાએ એ ફોન મૂકીને પોતાની ઘરે ફોન જોડ્યો. અહીં પણ પહેલીવારમાં જ ફોન ઉપડી ગયો.
"મમ્મી! પપ્પા સાથે વાત કરાવી આપ." આયશાએ તરત જ કહ્યું.
"એ તો દિલ્લી ગયાં છે. પણ તું ક્યાં છે?" સોનાક્ષીબેને બની શકે એટલાં નોર્મલ અવાજે પૂછ્યું.
"હું અમદાવાદ છું મમ્મી! તમે ચિંતા નાં કરો. પછી વાત કરું." કહીને આ વખતે આયશાએ ફોન કટ કરી નાખ્યો.
"આઈ ન્યૂ ઈટ, પપ્પા અમદાવાદમાં છે." કહીને આયશા ભાગતી નીચે ગઈ અને હૉલમાં ટેબલ પર પડેલું ફોટોગ્રાફ્સનું કવર લઈને જવાં લાગી ત્યાં જ આર્યને એનો હાથ પકડીને એને રોકી, "ક્યાં જાય છે? તું કરવાં શું માંગે છે?" આયશાની નજર ઘરનાં એન્ટ્રેસ ગેટ પર હતી. એણે આર્યનની પકડમાંથી ખુદને મુક્ત કરી અને ગેટ તરફ ભાગી. એણે ત્યાં ઉભેલાં એક આદમીની કોલાર પકડી અને એને અંદર ખેંચી લાવી. ત્યાં સુધીમાં બધાં લોકો બહાર આવી ગયાં હતાં.
"રાહી! તે સિક્યોરિટી ગાર્ડ રાખ્યો છે અને કહ્યું પણ નહીં." આયશાએ ગાર્ડને અજીબ નજરોથી જોઈને કહ્યું.
"મેં કોઈ સિક્યોરિટી ગાર્ડ નથી રાખ્યો." રાહીએ ખંભા ઉલાળી દીધાં.
"તો મહેશ અંકલ! તમે બહાર ઉભાં આ ઘરની જાસૂસી કેમ કરતાં હતાં?" આયશાએ એ આદમીની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું. મહેશે તરત જ પોતાની નજરો ઝુકાવી લીધી.
"તું આમને જાણે છે?" શિવાંશે તરત જ આયશા સામે જોયું.
"આ મારાં પપ્પાના બોડીગાર્ડ છે. એ જ્યાં જાય એમની સાથે જ જાય છે." એણે કાતર દ્રષ્ટિએ મહેશ સામે જોયું, "કેમ અંકલ! આજે પણ તમે પપ્પા સાથે જ અમદાવાદ આવ્યાં છો ને?" એનાં સવાલ સાથે જ મહેશની ગરદન વધું ઝુકી ગઈ, "હવે તમે જ મને પપ્પા સુધી લઈ જાવ. એમને શોધવાનો સમય મારી પાસે નથી અને તમારો ફોન મને આપી દો. કોઈ ચાલાકી નાં કરતાં. મારે બીજાં પણ ઘણાં કામ છે." કહીને આયશા મહેશ સાથે ગેટની બહાર નીકળી ગઈ. આર્યન પણ એની પાછળ ગયો, "તું કેમ મારી પાછળ આવે છે?" આયશાએ ગેટની બહાર થોડે દૂર એક સ્વિફ્ટ સામે ઉભાં રહીને પૂછ્યું.
"હું પણ તારી સાથે આવું છું. હું તને એકલી નહીં જવા દઉં." આર્યને કહ્યું એટલે મહેશે તરત જ એની સામે ઘુરીને જોયું. આયશાની નજર એનાં પર પડતાં જ એ નીચી નજર કરીને ડ્રાઈવર સીટ પર જઈને બેસી ગયો. આયશા પણ પાછળની સાઈડનો દરવાજો ખોલીને બેઠી અને આર્યનને પણ બેસવા ઈશારો કર્યો. આર્યનનાં બેસતાની સાથે જ સ્વિફ્ટ અમદાવાદનાં રસ્તા પર દોડવા લાગી. થોડીવારમાં જ સ્વિફ્ટ ઇસ્કોન ક્રોસ રોડ પરથી પસાર થઈને સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલી હોટેલ નોવોટેલ સામે ઉભી રહી. આયશા, આર્યન અને મહેશ ત્રણેય એકીસાથે નીચે ઉતર્યા. મહેશ આગળ અને આયશા-આર્યન તેમની પાછળ ચાલતા થયાં. મહેશ બંનેને પન્નાલાલ જે રૂમમાં રોકાયાં હતાં એ તરફ લઈને ચાલતો થયો. રૂમની સામે પહોંચતા જ બહાર ઊભેલાં ગાર્ડે આયશાને જોઈને પન્નાલાલને જાણ કરવા તરત જ પોતાનો ફોન બહાર કાઢ્યો. આયશાએ ઝડપથી એનાં હાથમાંથી ફોન લઈ લીધો અને મહેશને અંદર જવાં ઈશારો કર્યો. પન્નાલાલ બેડ પર આરામ ફરમાવી રહ્યાં હતાં.
"માલિક! તમારાં કહેવા પ્રમાણે ફોટોગ્રાફ્સ તો રાહી સુધી પહોંચાડી દીધાં પણ છતાંય એણે શિવાંશ સાથે લગ્ન કરવાનો નિર્ણય બદલ્યો નહીં. એમની એક અઠવાડિયા પછીની સગાઈ નક્કી કરી દેવાઈ છે." મહેશે બંને હાથ આગળની તરફ જોડીને નજર નીચી કરીને કહ્યું.
"હવે તમારાથી કંઈ નહીં થાય. મારે જ જવું પડશે." કહીને પન્નાલાલ ઉભાં થયાં. ત્યારે જ દરવાજો ખુલ્યો અને આયશા આર્યન સાથે અંદર આવી.
"સાચું કહ્યું પપ્પા! તમારે જ જવું પડશે રાહીની ઘરે એની અને એનાં પરિવારની માફી માંગવા." આયશાએ એનાં પપ્પાની લગોલગ ઉભાં રહીને કહ્યું.
"મતલબ?" પન્નાલાલ આયશાને અચાનક જોઈને અને એની વાતો સાંભળીને હેરાન રહી ગયાં.
"મતલબ એ કે તમે રાહીને મારાં અને શિવાંશનાં ફોટોગ્રાફ્સ આપીને એમની સગાઈ રોકવાની અને તેમની વચ્ચે લડાઈ કરાવવાનો જે પ્લાન બનાવ્યો એ બદલ તમારે એમની માફી માંગવી પડશે." આયશાએ ફોડ પાડી.
"એ બધું મેં તારાં માટે કર્યું હતું." પન્નાલાલે પ્રેમથી આયશાના માથાં પર હાથ મૂક્યો.
"સિરિયસલી પપ્પા!" એણે પન્નાલાલનો હાથ ઝાટકી દીધો, "તમે ખરેખર એ બધું મારાં માટે કર્યું હોત તો એકવાર મને જાણ કરી હોત. આ રીતે ચોરની માફક છુપાઈને કંઈ નાં કર્યું હોત." એ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ, "તમે ફરી એક વખત મને સમજવામાં ભૂલ કરી ગયાં. તમને એમ કે મારી અને શિવાંશ વચ્ચે કંઈક ચાલે છે. તમને તો મારાં લગ્ન સિવાય કંઈ દેખાતું જ નથી. પણ તમે આટલી હદે પહોંચી જાશો અને પોતાની શંકાને સાચી ઠેરવવા કોઈની સગાઈ રોકવા તૈયાર થઈ જાશો એવી મને ખબર ન હતી." એણે કાતર દ્રષ્ટિએ પન્નાલાલ સામે જોયું, "તમે કોઈ કામ પૂરી જાણકારી વગર નથી કરતાં તો આ કામ પણ જાણકારી મેળવ્યા વગર નહીં જ કર્યું હોય. તમે જાણતાં જ હશો કે શિવાંશ અને રાહી એકબીજાને પ્રેમ કરે છે તો પછી તમે એને અમારા ફોટોગ્રાફ્સ શાં માટે આપ્યાં? શું તમને ખરેખર લાગે છે કે હું અને શિવાંશ એકબીજાને પસંદ કરીએ છીએ? ખરેખર પપ્પા! તમે આજે ખુદને ફરી એકવાર મારી નજરમાં ખોટાં સાબિત કરી દીધાં. તમે જો ખરેખર મને ખુશ જોવાં માંગતા હોય તો રાહીની ઘરે જઈને એની અને એનાં પરિવારની માફી માંગો."
"હું માફી માગું?" પન્નાલાલની આંખો આટલી વાતચીત દરમિયાન પહેલીવાર લાલ થઈ અને અવાજ તીખો થયો.
"ભૂલ કર્યા પહેલાં તમે મને નાં પૂછ્યું તો માફી માંગવા સમયે શાં માટે પૂછો છો?" આયશાએ પણ આંખો મોટી કરી, "ભૂલ તમે કરી છે તો માફી પણ માંગવી પડશે. રાહી બિચારી કેટલી મુસીબતો પછી શિવાંશને મળી શકી છે. એની કેવડી મોટી સર્જરી થઈ છે. એમાં તમે માત્ર પોતાનાં સ્વાર્થ ખાતર મને કંઈપણ પૂછ્યાં વગર જ પ્રપંચ રચવામાથી ઉંચા નથી આવતાં." એની આંખમાં એક દર્દ સાથે ગુસ્સો પણ નજર આવતો હતો. દર્દ એટલાં માટે કે પન્નાલાલ એનાં પિતા હોવાં છતાં એને સમજતાં ન હતાં અને ગુસ્સો એટલાં માટે કે પોતાનાં અને શિવાંશનાં સંબંધને લઇને એમનાં મનમાં કંઈક ચાલતું હતું તો એમણે પહેલાં આયશાને શાં માટે નાં પૂછ્યું?
પન્નાલાલ કોઈ પૂતળાની માફક ઉભાં આયશાને જોઈ રહ્યાં. એટલામાં જ એમની નજર એની સાથે આવેલાં આર્યન પર પડી. બંનેની નજર મળતાં જ આર્યન પન્નાલાલની સામે આવીને ઉભો રહી ગયો. એણે ત્યાંથી જ એક નજર આયશા તરફ કરી. જે પન્નાલાલનાં આવાં વર્તનથી ખૂબ જ દુઃખી હતી.
"આયશા અને શિવાંશ માત્ર સારાં મિત્રો છે. આયશા સાથે જે થયું એ પછી કદાચ એની પાસે સારાં મિત્રો કહી શકાય એવાં બહું ઓછાં લોકો હતાં એટલે એ શિવાંશ સાથે અમુક ક્ષણો વિતાવતી. બાકી શિવાંશ તો નાનપણથી જ રાહીને પ્રેમ કરે છે." એ થોડીવાર અટક્યો, "તમારી પાસે દોલત, શોહરત અને ઈજ્જત બધું જ છે. પણ આયશાને માત્ર પ્રેમની જરૂર છે. જે તમે ક્યારેય નાં આપી શક્યાં.જેને એણે એનાં મિત્રોમાં શોધવાની કોશિશ કરી. એમાંય એની સાથે તમારાં જ ઘરમાં એ દુર્ઘટના સર્જાઈ એ પછી એને તમારી દોલતથી વધારે જ નફરત થઈ ગઈ છે. જો તમારે ખરેખર તમારી દિકરીને ખુશ જોવી હોય તો તમે એને સમજવાની કોશિશ કરો. એને એની રીતે સામાન્ય જીંદગી જીવવા દો."
"બસસ... બહું બોલ્યો તું હવે આગળ એક પણ શબ્દ નાં બોલતો." પન્નાલાલ આગની જેમ ભભૂકી ઉઠયાં. જેની લપેટમાં આર્યન આવી ગયો, "તું મને મારી દિકરીને કેવી રીતે રાખવી? એ શીખવીશ. એ મારી દીકરી છે. મારે એને કેમ રાખવી? એ મને આવડે છે." એમણે આર્યનને રીતસરનો ધક્કો મારીને પછાડી દીધો, "હવે મને શિખામણ નાં આપતો. હું કોણ છું? તું મને ઓળખતો નથી."
"પપ્પા! એ તમને સારી રીતે ઓળખે છે. પણ કદાચ તમે તમારી દિકરીને જ નથી ઓળખતા." આયશા ભડકી ઉઠી. એણે આર્યનને ઉભો કર્યો અને પન્નાલાલ સામે આવીને ઉભી રહી ગઈ, "તમારે મારાં લગ્ન જ કરાવવાં છે ને! તો હું આને પ્રેમ કરું છું. કરાવી દો મારાં લગ્ન આની સાથે."
આયશા અચાનક આવું કંઈ કહેશે એવી આર્યનને જાણકારી ન હતી. એ જડ બનીને આયશાને જોઈ રહ્યો. આયશાની વાતથી પન્નાલાલના ગુસ્સાનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. એ આગ ઝરતી નજરે આર્યન સામે જોઈ રહ્યાં. પગથી માથાં સુધી એનું નિરિક્ષણ કર્યું. દેખાવ અને બોડી પરથી તો કંઈ અંદાજ નાં આવ્યો પણ એનાં નોર્મલ પ્લેન શર્ટ અને લોફર જીન્સ જોઈને પન્નાલાલને આર્યન કોઈ ટપોરી લાગ્યો.
"તું આને પ્રેમ કરે છે?" પન્નાલાલ અચાનક જ હસવા લાગ્યા, "આવાં ટપોરીને મુંબઈના સૌથી મોટાં જ્વેલરી શોરૂમનાં માલિકની છોકરી પ્રેમ કરે છે એ હું માની જ નાં શકું. આણે એક સાથે એક લાખ રૂપિયા જોયાં હોય એવું પણ મને નથી લાગતું. એમાંય કોઈ કામ કરતો હોય એવું તો બિલકુલ નથી લાગતું." એ જોરજોરથી હસવા લાગ્યા.
"સાચું કહ્યું પપ્પા!" એ પણ જોરજોરથી હસવા લાગી, "આણે એક લાખ નહીં પણ એકસો કરોડ રૂપિયા સાથે જોયા હોય તોય નાં નથી. આ અમેરિકા ભણ્યો છે. નોલેજની કે રૂપિયાની કોઈ કમી નથી. રહી કામની વાત તો અમદાવાદ અને અમેરિકામાં બે જગ્યાએ ખાનદાની બિઝનેસ ચલાવે છે."
આયશાની વાતોથી આર્યનને ફરી એક ઝટકો લાગ્યો. એણે પોતાનાં વિશે આયશાને કંઈ કહ્યું ન હતું. તો આયશાને આટલી બધી ખબર ક્યાંથી પડી? એ આર્યન સમજી નાં શક્યો. ત્યાં જ એને યાદ આવ્યું. એણે આયશાને કંઈ કહેવાની જરૂર જ ક્યાં હતી? નીલકંઠ વિલાની રાધિકા હતી ને! એ જ બધાંને બધું જણાવવા કાફી હતી. એમાંય આવાં મામલામાં એનો દિમાગ બુલેટ ટ્રેનની માફક ચાલતો.
પન્નાલાલ ફરી આર્યનનું નિરિક્ષણ કરવામાં લાગી ગયાં. એમને આયશાની વાતો પર વિશ્વાસ આવતો ન હતો. પણ આયશા ખોટું નહિવત્ પ્રમાણમાં જ બોલતી એ પણ પન્નાલાલ જાણતાં હતાં. તો આજે આવી વાતમાં આયશા ખોટું બોલે એવું પન્નાલાલને લાગ્યું નહીં. પન્નાલાલને એ રીતે આર્યનને જોતાં જોઈને આયશાએ એમની આંખો આગળ હાથ હલાવ્યો, "તમે કપડાં અને દેખાવ જોઈને કોઈને જજ કરવાની આદત છોડી દો. એ ખરેખર અમેરિકામાં સ્ટડી કરીને ત્યાં જ એમનો ખાનદાની બિઝનેસ ચલાવે છે. જરૂર પડે તો અમારાં ગયાં પછી તમારાં આદમીઓને અમેરિકા મોકલીને માહિતી મેળવી લેજો પણ હાલ તો તમારે રાહી અને એનાં પરિવારની સામે માફી માંગવી પડશે." આયશા એકશ્વાસે બધું બોલી ગઈ. એનાં અવાજે પન્નાલાલનું ધ્યાન ભંગ કર્યું.
"હું માફી નહીં માંગું." પન્નાલાલ ઉંચા અવાજે બોલી ગયાં. આયશાની ડગરી છટકી અને એણે બાજુમાં ઉભેલાં મહેશના પેન્ટમાં ખોસેલી ફટાકડી કાઢીને પોતાનાં જ લમણે રાખી દીધી, "તમે માફી નાં માંગી તો હું ખુદને ગોળી મારી દઈશ. મારાં દોસ્ત સામે મારે નીચું જોવું પડે એ કરતાં મારું મરી જવું સારું."
આયશાની વાતોથી એક જ દિવસમાં આર્યનને ત્રીજો ઝટકો લાગ્યો. આ વખતે તો એ રીતસરનો ડરી ગયો. આયશા રિવૉલ્વર તો જાણે એવી રીતે લમણે તાકીને ઉભી હતી કે એ કોઈ રમકડું હોય. એનો હાથ પણ ધ્રુજી રહ્યો ન હતો પણ આર્યન જરૂર ધ્રુજવા લાગ્યો હતો. આયશા માટે તો એ રિવૉલ્વર એક રમકડાંથી ઓછી ન હતી. એનાં પપ્પા મુંબઈના સૌથી મોટાં જ્વેલરી શોરૂમનાં માલિક હતાં, કેટલાંય બોડીગાર્ડ આગળ પાછળ ફરે, અવારનવાર દુશ્મનો બની જાય. એમાંય ખાસ કરીને આયશા પર એસિડ એટેક થયો એ પછી તો પન્નાલાલનાં ખાસ આદમી નાગજીએ ખુદ જ આયશાને રિવૉલ્વર ચલાવવાની ખાસ ટ્રેનિંગ આપી હતી. એનો નિશાનો પણ જોરદાર હતો. આકાશમાં ઉડતાં પક્ષીને પણ એક જ ગોળીમાં જમીનદોસ્ત કરી શકે એવો જોરદાર! આજે તો આયશાની આવી હરકત જોઈને એકવાર પન્નાલાલને પણ થઈ આવ્યું કે એમણે આયશાને રિવૉલ્વર ચલાવવાની ટ્રેનિંગ આપવી જ જોઈતી ન હતી. પેલું કહે છે ને 'આપણું હથિયાર આપણને જ ભારે પડે' આજે પણ કંઈક એવું જ થયું હતું.
"બેટા! એ રમકડું નથી. એ મહેશને પાછી આપી દે." પન્નાલાલ આયશાને સમજાવવા લાગ્યાં.
"આયશા! અંકલ સાચું કહે છે. તને ગોળી વાગી જશે. પ્લીઝ રિવૉલ્વર પાછી આપી દે." આર્યન પણ હિંમત કરીને આયશાને મનાવવાની બનતી કોશિશ કરવાં લાગ્યો. પણ એ ક્યાં માને એમ હતી. એ રિવૉલ્વર લમણે તાકીને જ આરામથી સોફા પર બેસી ગઈ.
"મને નહીં પપ્પાને સમજાવ કે એ રાહી અને એનાં પરિવારની માફી માંગી લે. હું રિવૉલ્વર તરત જ પરત કરી દઈશ." આયશાએ ઉલટાનો આર્યનને જ ફસાવી દીધો. હવે એ બિચારો પન્નાલાલને પહેલીવાર મળ્યો હતો. એમાંય આયશા એને એક પછી એક ઝટકા આપી રહી હતી. પન્નાલાલ જોતાં જ ગુસ્સાથી ભરેલી ખોપડી નજરે ચડતાં હતાં. એવામાં આર્યન એમને શું સમજાવી શકવાનો?
"હું માફી નહીં માંગું." પન્નાલાલ હજું પણ એમની વાત પર અડગ હતાં.
"વિચારી લેજો પપ્પા! મારો નિશાનો પાક્કો છે. એમાંય રિવૉલ્વર અત્યારે મારાં લમણાં પર જ તાકેલી છે. એક ટ્રિગર દબાવવાની સાથે જ બૂમમમ.." આયશા એકદમ બેફિકરાઈથી બોલી રહી હતી અને સામે આર્યન, પન્નાલાલ અને મહેશ ત્રણેય થરથર કાંપી રહ્યાં હતાં. આયશાએ સેફ્ટી લોક પણ ખોલી નાખ્યો હતો.
"આયશા! પાગલપન નાં કર તને ગોળી વાગી જાશે બેટા!" પન્નાલાલે અચાનક જ બૂમ પાડી.
"ગોળી લાગે એટલે તો રિવૉલ્વર પકડીને બેઠી છું." કહીને આયશા જોરજોરથી હસવા લાગી. આ વખતે પન્નાલાલ બહું જ ગુસ્સે થયાં. એમણે મહેશને ઈશારો કર્યો. મહેશ આયશા તરફ આગળ વધ્યો. આયશા ઉભી થઈ ગઈ અને પાછળ પાછળ જવાં લાગી. મહેશે ઉતાવળા પગલે આયશા તરફ જઈને એનાં હાથમાંથી રિવૉલ્વર છીનવી લેવાની કોશિશ કરી. બંને વચ્ચે ઝપાઝપી થવા લાગી. પન્નાલાલ અને આર્યન બધું જોઈ રહ્યાં હતાં. મહેશે આયશાના બંને હાથ પકડી રાખ્યાં હતાં. આયશા બને એટલું જોર લગાવી રહી હતી પણ એ મહેશના કસરતી શરીર સામે ડગી જતી હતી. ક્યારેક રિવૉલ્વર ડાબી બાજુ તો ક્યારેક જમણી બાજુંએ હિલોળા લેતી હતી. રિવૉલ્વર એક અને હાથ ચાર હતાં. બંનેની ઝપાઝપી વચ્ચે જ આયશાની આંગળી ટ્રિગર પર ગઈ અને એ સાથે જ એક ધમાકો થયો. બંને વચ્ચેની ઝપાઝપીનો પણ અંત આવી ગયો. બંનેની નજર વારાફરતી પન્નાલાલ અને આર્યન પર ફરી વળી. આયશા આંખમાં આંસું સાથે આર્યન તરફ આગળ વધી. એનાં ડાબા હાથનાં ખંભાની સહેજ નીચેની તરફથી લોહી વહી રહ્યું હતું. એનાં લીધે એનો વ્હાઈટ શર્ટ આખો લાલ થઈ ગયો હતો. ગોળી એનાં હાથને અડકીને પસાર થઈ ગઈ હતી. શર્ટની બાજુ ચિરાઈ ગઈ હતી. લોહી પાણીનાં રેલાની જેમ વહી જતું હતું.
"કોલ ધ એમ્બ્યુલન્સ રાઈટ નાઉ." આયશાએ રાડ પાડીને કહ્યું. ગોળીબારનો અવાજ આવતાં જ આજુબાજુના રૂમમાંથી અમુક લોકો અને હોટેલનો મેનેજર પણ ત્યાં આવી પહોંચ્યો. નીચેથી એમ્બ્યુલન્સનો અવાજ આવતાંની સાથે જ આયશા હોટેલનાં મેનેજર અને મહેશની મદદથી આર્યનને લઈને નીચે જવાં લાગી. દાદરા પર જ એમ્બ્યુલન્સમાં આવેલી સ્ટ્રેચર મળી જતાં આર્યનને એમાં સુવાડીને એમ્બ્યુલન્સમાં આવેલ બે વ્યક્તિ એને લઈ ગયાં. આયશા પણ આર્યનની સાથે જ ગઈ. એમ્બ્યુલન્સની પાછળ પન્નાલાલની સ્વિફ્ટ અને એમની પાછળ એમનાં સિક્યોરિટી ગાર્ડસની બે ગાડીઓ હોસ્પિટલ જવાં રવાનાં થઈ.
"આઈ એમ સોરી...આઈ એમ સો સોરી! આ બધું મારાં લીધે થયું." આયશા આર્યનનો હાથ પોતાની નાજુક હથેળીઓ વચ્ચે દબાવીને સોરી સોરીનું રટણ કરી રહી હતી.
"બસ...ચુપ થઈ જા. આઈ એમ ઓકે." આર્યન પોતાનો દર્દ છુપાવતો અધખુલ્લી આંખોએ આયશાને સમજાવી રહ્યો હતો. આજે એને સમજાઈ રહ્યું હતું કે પ્રેમ એટલે પરીક્ષાનું બીજું નામ! સાથે જ મોટાં ઘરની છોકરીને પ્રેમ કરો એટલે ડગલે ને પગલે પરીક્ષાઓ આપવી જ રહી.
આર્યનનાં વિચારો અને આયશાની માફી વચ્ચે એમ્બ્યુલન્સ હોસ્પિટલની સામે ઉભી રહી. પન્નાલાલનુ નામ બહું ઉંચુ હતું અને સવાલ એમની દીકરીનો હતો તો પોલીસને જાણ કરવામાં આવી ન હતી. હોસ્પિટલ પહોંચતાની સાથે જ આર્યનનો ઈલાજ શરૂ થઈ ગયો. ગોળી માત્ર હાથને અડકીને પસાર થઈ હતી અને હોસ્પિટલમાં પણ તરત જ એડમિટ કરી દેવાયો હોવાથી કોઈ મોટી સમસ્યા ઉભી નાં થઈ. છતાંય આયશાની આંખના આંસુઓ રોકાવાનું નામ ન હતાં લઈ રહ્યાં. એ સમયે જ એનો ફોન રણક્યો. આયશાનો ફોન પન્નાલાલ પાસે હતો. સ્ક્રીન પર શિવાંશ નામ ફ્લેશ થતું જોઈને એમણે ફોન આયશાને આપ્યો.
"હેલ્લો આયશા! ક્યાં છે તું? અહીં બધાં તારી અને આર્યનની રાહ જોવે છે." શિવાંશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
"હું...સીટી હોસ્પિટલમાં... છું. તું...જલ્દી આવી જા." આયશાએ રડતાં રડતાં તૂટક શબ્દોમાં કહ્યું. સામે છેડેથી તરત જ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. આયશા બહાર બેઠી રડતી રહી. થોડીવારમાં જ શિવાંશ, રાહી અને એનો પરિવાર હોસ્પિટલમાં આવી પહોંચ્યા. જ્યાં શિવાંશની મુલાકાત પન્નાલાલ સાથે થઈ. એમની વચ્ચે કોઈ દુશ્મનાવટ ન હતી. એનાં કારણે શિવાંશે બંને હાથ જોડીને એમને નમસ્તે કર્યું અને આયશા પાસે આવી ગયો. એણે આયશાને શાંત કરીને બધી હકીકત જણાવવા કહ્યું. આયશાએ ફોટોગ્રાફ્સ રાહીને કોણે આપ્યાં હતાં? ત્યાંથી માંડીને હોટેલ રૂમમાં જે થયું એ બધું વિગતવાર શિવાંશને જણાવી દીધું. ત્યાં જ ડોક્ટર બહાર આવ્યાં.
"એ હવે ખતરાની બહાર છે. ગોળી હાથને અડકીને પસાર થઈ હતી. હાથમાં થોડો સમય પાટો બાંધવો પડશે. જેથી જલ્દી રિકવરી આવી શકે." કહીને ડોક્ટર અમુક દવાઓનો કાગળ શિવાંશનાં હાથમાં આપીને જતાં રહ્યાં. શિવાંશ દવા લેવા જતો હતો ત્યાં જ રાહીએ કહ્યું, "એ હું લઈ આવીશ. તું આયશા પાસે રહે." રાહી દવાનો કાગળ લઈને જતી રહી. શિવાંશ પન્નાલાલની સામે જઈને ઉભો રહી ગયો.
"મહેરબાની કરીને તમારો મગજ અને પાવર ચલાવવા કરતાં એક વખત તમારી દીકરી શું ઈચ્છે છે? એ જાણી લો." એણે પોતાનાં બંને હાથ જોડી લીધાં, "રાહીની થોડાં સમય પહેલાં જ બહું મોટી સર્જરી થઈ છે. એને અમુક બાબતો યાદ પણ નથી. અમે બંને એકબીજાને બહું પ્રેમ કરીએ છીએ. તો હવે તમે તમારી ચાલ ચાલવાનું બંધ કરો." એણે આયશા તરફ જોયું, "આયશા આર્યનને પસંદ કરે છે. આર્યન બહું સારો છોકરો છે. જો કંઈ કરવું જ હોય તો એમનાં સંબંધને આશીર્વાદ આપી દો."
શિવાંશ અને પન્નાલાલ સામસામે ઉભાં હતાં. પન્નાલાલે જે કર્યું એનાં લીધે રાધિકા બહું ગુસ્સે હતી. પણ શિવાંશ વાત કરી રહ્યો હતો એટલે એ વચ્ચે નાં પડી. મલયભાઈને પણ પન્નાલાલે જે કર્યું એ વાતનું બહું દુઃખ હતું. એમની વચ્ચે કોઈ જાતની દુશ્મનાવટ નાં હોવાં છતાં એમણે શિવાંશનો સંબંધ તોડાવવાની કોશિશ કરી હતી. એ વાતનો ખટકો મલયભાઈના મનમાં હંમેશને માટે રહી ગયો. શિવાંશ ગુસ્સાથી પન્નાલાલ સામે જોઈ રહ્યો હતો. એ સમયે જ રાહી ત્યાં આવી પહોંચી. બધાંને પોતાની તરફ આગ ઝરતી નજરે જોઈ રહેલાં જોઈને પન્નાલાલ શિવાંશ અને રાહી સહિત બંનેનાં પરિવાર સામે હાથ જોડીને જતાં રહ્યાં. એમની પાછળ પાછળ એમનાં સિક્યોરિટી ગાર્ડસ પણ નીકળી ગયાં.
"પેશન્ટને હોશ આવી ગયો છે. એક-એક કરીને મળી લો." એક નર્સે બહાર આવીને બધાં તરફ એક નજર કરીને કહ્યું અને જતી રહી. પહેલાં તો આયશા જ દોડીને અંદર પહોંચી ગઈ. એ હજું પણ રડતી હતી.
"હવે રડવાનું બંધ કર. મને કંઈ નથી થયું." આર્યને કહ્યું.
"આઈ એમ સોરી, મારી નાદાનીના કારણે તારી આવી હાલત થઈ." આયશાએ પોતાનાં બંને કાન પકડી લીધાં.
"અરે મારી ખુંખાર શેરની! બહું માફી નહીં માંગવાની. નહીંતર હું તારી પાસે આખી જિંદગી આમ જ માફી મંગાવીશ." આર્યન એનાં મસ્તીનાં મુડમાં આવી ગયો તો આયશા પણ હસવા લાગી.
"આ એક નંબરનો પાગલ છે. જે કહે એ કરીને બતાવે છે. તો જરાં બચીને રહેજે." રાહીએ અંદર આવીને કહ્યું. એની સાથે શિવાંશ પણ હતો. ચારેય એક સાથે હસવા લાગ્યાં.
"હવે જલ્દી ઠીક થઈ જા. અમારી સગાઈમાં તારે નાચવાનું પણ છે." શિવાંશે આર્યનનાં માથે હાથ ફેરવીને કહ્યું અને રાહીને લઈને જતો રહ્યો. બધાં એક-એક કરીને આર્યનને મળવાં આવ્યાં. આયશા એની પાસે જ બેસી રહી. આર્યનને સવારે ડિસ્ચાર્જ મળવાનું હોવાથી શિવાંશે બધાંને ઘરે મોકલી દીધાં. છતાંય રાધિકા જીદ્દ કરીને રોકાઈ ગઈ.
"આયશાનાં પપ્પા કોઈ મોટાં આદમી છે?" બધાનાં ગયાં પછી રાધિકાએ તરત જ શિવાંશને પૂછ્યું.
"એનાં પપ્પા મુંબઈના સૌથી મોટાં જ્વેલરી શોરૂમનાં માલિક છે." શિવાંશનાં એટલું કહેતાં રાધિકાની આંખો ફાટી ગઈ. એણે આગળ કંઈ પૂછ્યાં વગર જ કહ્યું, "આર્યનનું મગજ ખરેખર છટકી ગયું છે એ આજે એણે સાબિત કરી દીધું." એણે સહેજ ગુસ્સા સાથે સ્મિત કર્યું, "અમેરિકાની છોકરીઓ છોડીને મુંબઈની ઝવેરી બજારમાં ઘુસી ગયો. સાલા એક દિન જરૂર ખુદ ભી ફસેગા ઔર સાથ હી સબ કો ભી ફસાયેગા."
રાધિકાની વાત સાંભળીને શિવાંશ હસવા લાગ્યો. એની વાતમાં દમ તો હતો. પન્નાલાલ આયશા માટે કંઈ પણ કરી શકતાં. એમને લાગ્યું કે આયશા કદાચ શિવાંશને પસંદ કરે છે એટલે જ તો એમણે શિવાંશ અને રાહીનાં લગ્ન રોકવા રાહીને શિવાંશ અને આયશાનાં કેફે વાળા ફોટોગ્રાફ્સ મોકલ્યાં હતાં. એ એમની સૌથી મોટી ભૂલ હતી. આયશા એ વાતને લીધે અત્યારે પન્નાલાલથી બહું જ ગુસ્સે હતી. એમાંય એમણે માફી માંગવાની હાં નાં પાડી એમાં આર્યનને ગોળી વાગી અને અત્યારે એ હોસ્પિટલમાં હતો. એ કાંડે આગમાં ઘી હોમવા જેવું કામ કર્યું હતું.

પન્નાલાલ હોસ્પિટલેથી તરત જ હોટેલ આવીને રૂમમાં આંટા મારી રહ્યાં હતાં. સોનાક્ષીબેનની વાત કોઈ ભવિષ્યવાણીની જેમ સાચી સાબિત થઈ હતી. પન્નાલાલને ક્યાંય ચેન પડતું ન હતું. એમનું મગજ ચકડોળે ચડ્યું હતું. બાજી હાથમાંથી રેતી સરકે એમ સરકી ગઈ હતી. આયશા વધારે પડતી જ ગુસ્સે થઈ હતી. એમાંય એ આર્યનને પ્રેમ કરતી હતી અને આર્યન આજે કયાંક ને કયાંક પન્નાલાલની રમતનાં લીધે જ હોસ્પિટલમાં હતો. સોનાક્ષીબેનની વાત માનીને એકવાર આયશા સાથે શિવાંશની બાબતે વાત કરીને કોઈ પગલું ભર્યું હોત તો આજે આવાં હાલત પેદા જ નાં થયાં હોત. એવાં વિચાર કરતાં પન્નાલાલ લમણે હાથ દઈને બેસી ગયાં. એ સમયે જ એમનો ફોન રણક્યો. સોનાક્ષીબેન કોલ કરી રહ્યાં હતાં. પન્નાલાલે ધ્રુજતાં હાથે ફોન ઉપાડીને કાને લગાવ્યો.
"તમે કંઈ કર્યું તો નથી ને?" સોનાક્ષીબેને ડરેલા અવાજે પૂછ્યું. પન્નાલાલ તરફથી કોઈ જવાબ નાં મળતાં સોનાક્ષીબેન આગળ બોલ્યાં, "આયશા શિવાંશ સાથે જે કેફેમાં જતી ત્યાં મારી મિત્રનો દીકરો પણ એક વખત શિવાંશને મળ્યો હતો. એણે આજે મને કહ્યું કે એને પણ પહેલાં એવું જ લાગ્યું હતું કે આયશા શિવાંશને પસંદ કરે છે. પછી પાછળથી આયશાએ કહ્યું ત્યારે ખબર પડી કે એ બંને તો સારાં મિત્રો છે." એમણે થોડીવાર અટકીને કહ્યું, "તમે હવે એ બાબતે શિવાંશ કે આયશા કોઈ સાથે કોઈ વાત નાં કરતાં. જે થાય છે એ થવા દો. હું આયશા સાથે વાત કરીશ."
"બધું ખતમ થઈ ગયું, સોનાક્ષી!" પન્નાલાલે એક હારેલા યોદ્ધાની માફક કહ્યું, "મેં રાહી અને શિવાંશનાં કેફેમાં પાડેલાં ફોટોગ્રાફ્સ રાહીને મોકલીને એમની સગાઈ તોડવાનો પ્રયત્ન કર્યો. એ વાતની આયશાને ખબર પડી ગઈ. એ કોઈ આર્યન સાથે અહીં હોટેલ પર આવી હતી. એણે મને રાહી અને એનાં પરિવાર સામે માફી માંગવા કહ્યું. મેં નાં પાડી તો એ રિવૉલ્વર તાકીને ઉભી રહી ગઈ. એની અને મહેશ વચ્ચે ઝપાઝપી થઈ અને આર્યનને ગોળી વાગી ગઈ." એમણે નિઃસાસો નાંખ્યો, "જો કે ગોળી માત્ર એનાં હાથને અડકીને જ પસાર થઈ હતી અને હાલ એ ખતરાની બહાર છે પણ આપણી આયશા એ છોકરાંને પસંદ કરતી હતી અને એની સાથે જે થયું એનો જવાબદાર એ મને સમજે છે અને મારાથી બહું ગુસ્સે છે." એમની આંખો ભરાઈ આવી, "તે કહ્યું હતું એ સાચું પડ્યું, સોનાક્ષી! આયશા ફરી મારી ભૂલનાં કારણે મારાથી દૂર થઈ ગઈ. એમાંય આ વખતે તો દૂર થવાવાળી દૂર થઈ છે. કોઈ ઉમ્મીદ દેખાતી નથી." એ રીતસરનાં ડૂસકાં ભરતાં રડી પડ્યાં.
"તમે ચિંતા નાં કરો હું હમણાં જ અમદાવાદ આવવાં નીકળું છું." સામે છેડેથી ફોન ડિસકનેક્ટ થઈ ગયો. પન્નાલાલ હોટેલ રૂમની ચાર દિવાલની વચ્ચે એકલાં રડી રહ્યાં. એ આજે પોતાની બહું કિંમતી વસ્તુ હારી ગયાં હતાં. એક દિકરી બાપને નફરત કરવાં લાગે એનાંથી મોટી હારવા જેવી બાબત એક બાપ માટે હોઈ પણ શું શકે?
આજે એક બાપનાં આંસુ રોકાવાનું નામ લેતાં ન હતાં. જે દિકરી માટે આટલું ભેગું કર્યું હતું. આજે એ દિકરી જ બાપથી ગુસ્સે થઈને બેઠી હતી. એમાં ક્યાંક ને ક્યાંક પન્નાલાલનો પણ થોડો વાંક હતો. એટલું તો આજે એ પણ સમજી ગયાં હતાં. પણ કહે છે ને 'અબ પછતાયે હોત ક્યાં, જબ ચિડિયા ચુગ ગઈ ખેત' જ્યારે પન્નાલાલે વિચાર કરવાનો હતો ત્યારે એમણે કોઈ વિચાર નાં કર્યો. હવે જ્યારે બધું તેમની વિરુદ્ધ થઈ ગયું, બાજી ઉલટી પડી, ત્યારે એમને પસ્તાવો થતો હતો. એ શૂન્યમાં તાકી રહ્યાં. એ સમયે જ એમનાં રૂમનો દરવાજો ખુલ્યો. નાગજી આવ્યો હતો. પોતાનાં માલિકને રડતાં જોઈને એ એમનાં પગ પકડીને જમીન પર જ બેસી ગયો. એ કોઈ કામે ગયો હતો. ત્યાંથી આવતાં જ મહેશે એને આખી ઘટનાથી રૂબરૂ કરાવ્યો એટલે એ દોડીને પન્નાલાલ પાસે આવ્યો.
"માલિક! જે થવાનું હતું એ થઈ ગયું. પણ તમે આ રીતે કમજોર નાં પડો." નાગજી ભાવુક થઈ ગયો, "તમારાં એક ઈશારે અમે બધાં અમારી ગરદન કંપાવી નાંખીએ પણ તમને રડતાં અને તૂટતાં નહીં જોઈ શકીએ. હું આયશા બેબીને સમજાવીશ.પણ તમે આમ તૂટો નહીં."
નાગજી અને પન્નાલાલ વચ્ચે એક અલગ જ સંબંધ હતો. જ્યારથી એ પન્નાલાલ સાથે જોડાયો ત્યારથી એમનાં પ્રત્યે પૂરો વફાદાર રહ્યો હતો. એકવાર પોતે પોતાનો જીવ આપી શકતો. પણ પન્નાલાલ કે એમનાં પરિવાર પર ઉની આંચ નાં આવવાં દેતો. નાગજીને પન્નાલાલે પોતાનાં નાનાં ભાઈની જેમ રાખ્યો હતો. આયશા પણ નાગજીની કોઈ વાત ટાળતી નહીં. થોડીવાર પહેલાં જે થયું ત્યારે નાગજી હાજર નાં હોવાથી એ ઘટનાં બની ગઈ. બાકી નાગજી આયશાને સમજાવીને બધું થાળે પાડી દેતો. પન્નાલાલથી દૂર થયાં પછી આયશા કોઈનું માનતી તો એ નાગજી જ હતો. જે આજે પન્નાલાલને રડતાં જોઈને ખુબ દુઃખી થયો હતો.
"હું હમણાં આયશા બેબીને બોલાવી લાવું છું." કહેતો નાગજી ઉભો થયો.
"નહીં, સોનાક્ષી આવી રહી છે. હવે એનાં આવ્યાં પછી જ કંઈક થાશે." પન્નાલાલે એને રોકી લીધો. નાગજી કમને રોકાઈ ગયો. પણ અંદરથી એનેય ક્યાંય શાંતિ ન હતી. આયશા આવી એ વખતે પોતે અહીં કેમ ન હતો? એ વિચારીને એ ખુદને જ કોસવા લાગ્યો.


(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ