લવ બાઇટ્સ
પ્રકરણ-55
આખી રાત સ્તુતિનાં મન હૃદયમાં સ્તવનજ રહ્યો. એને ઘણાં વિચાર આવી ગયાં. એને ખબર હતી સવારે સ્તવન રાણકપુર જવાનો. એ ઉઠી પરવારી મનમાં કંઇક નક્કી કરીને ઘરેથી નીકળી....
*********
સ્તવન ઉઠ્યો એને આશા અને સ્તુતિ વચ્ચેનાં થયેલાં સંવાદોએ ઊંઘવા નથી દીધો. એ પરવારીને તૈયાર થઇ ગયો. આશાને ફોન કરવાનું કહ્યું હતું એણે આશાને ફોન કર્યો આશાએ ફોન ઉપાડતાં જ કહ્યું આટલી બધી વાર ? ક્યારની રાહ જોઉ છું હવે તો તમારો નીકળવાનો સમય પણ થઇ ગયો.
સ્તવને કહ્યું સોરી આશા ઉઠવાનું લેટ થઇ ગયેલુ અને પછી તૈયાર થયો. કંઇ નહીં હું રાણકપુર જઇને આવુ છું. માં પાપાને લઇ ત્યાં મંદિરે દર્શન કરીશ માંબાબાને દ્વાર આવીશ ત્યાંથી તને ફોન કરીશ.
આશાએ કહ્યું હવે તમને સારુ છે ને ? કોઇ ખોટાં એહસાસ કે કંઇ છે નહી ને ? માઁ મહાકાળી બધુ સારુજ કરશે હવે બસ આજનો દિવસજ વચ્ચે છે. કાલે તો ... સ્તવને વચમાંજ રોકીને કહ્યું કંઇ ના બોલીશ આપણીજ નજર આપણને લાગશે.
આશા હસી પડી એણે કહ્યું આપણી નજર થોડી આપણને લાગે ? સ્તવન તમને કોઇની નજર લાગી જાય એવાં છો તમે સાચવજો. કંઇ નહીં તમે પરવારો મંમી લોકો રાહ જોતા હશે. હું તો તમારી સાથે ને સાથેજ છું.
સ્તવને કહ્યું ભલે આશા બાય પછી વાત કરશું એમ કહીને સ્તવને ફોન મૂક્યો. સ્તવન ઉઠ્યો ત્યારથી એને જાણે કોઇ મૂડજ નહોતો. એ તૈયાર થઇને નીચે આવ્યો. નીચે માં-પાપ-મીહીકા રાહ જોતાં હતાં.
સ્તવને માં ને પૂછ્યું મીહીકા સાથે આવે છે ? માં એ કહ્યું ના ના એને શોપીંગમાં જવાનું છે મેં તો ના પાડી કે છેક આગલા દિવસ સુધી ના ફરો. પણ લલીતા માસીએ કહ્યું કંઇ નહીં જવાદો આટલાં જૂનવાણી ના બનો કંઇ નહીં અહીં બધાં છે. કદાચ આશા પણ એ લોકો સાથે જશે.
સ્તવન કાંઇ બોલ્યો નહીં એણે કહ્યું આપણો હવે નીકળીએ ? આપણે ત્યાં જઇને સાંજ સુધીમાં પાછા આવવાનું છે. માં કહે અમે લોકો તો ક્યારનાં તૈયાર છીએ. તું ચા નાસ્તો કરીલે પછી નીકળીએ. સ્તવને કહ્યું ના મારે કંઇ નથી કરવું મને મૂડ નથી.
લલીતામાસીએ કહ્યું ચા નું નામ લીધુ છે એમના નીકળાય એમ કહી પ્રસાદ લાવીને કહ્યું દીકરા ઠાકોરજીનો પ્રાસદ છે એ મોઢામાં મૂકી દે અને મહાદેવનું નામ લઇને નીકળો અને સાંજ સુધીમાં પાછા આવી જાવ કાલે તો....
સ્તવને કહ્યું હાં માસી અને નીકળીએ એમ કહીને પ્રસાદ મોઢામાં મૂકીને માં-પાપાને લઇને કારમાં બેઠો. મીહીકાએ કહ્યું ભાઇ વેળાસર આવી જજો. હું આશાભાભી અને એમની સાથે બધાં કામ નીપટાવીશ.
સ્તવને કહ્યું ભલે. અને સ્તવને કાર સ્ટાર્ટ કરી રસ્તામાં ભંવરીદેવીએ કહ્યું રાજમલભાઇએ બધીજ તૈયારી કરી દીધી છે. ભાઇની ખોટ પુરી કરી છે એમણે અને લલીતાબહેનનાં મોઢે તારુજ નામ હોય છે તારું નામ બોલી એમની જીભ સૂકાતી નથી ખૂબ લાગણીવાળા માણસો છે.
માણેકસિહજીએ કહ્યું રાજમલ મારો ભાઇબંધ કરતાં ભાઇ વધારે છે. મારી બધી ચિંતા જાણે એણે ઉપાડી લીધી છે. મીહીકાનાં લગ્નની તૈયારીમાં એની અને ભાભીની ઘણી મહેનત છે હું તો નાણાં આપીને છૂટી જઊં છું. સાથે સાથે એ પણ ઘસાય છે. આપણાં નસીબ કે એવો ભાઇબંધ મળ્યો છે વળી બંન્ને છોકરાઓનો વેવાઇ ખૂબ સારાં મળ્યા છે.
ભંવરીદેવીએ કહ્યું આશા છોકરી કહેવું પડે આટલો પૈસો છે છતાંય લગીર અભિમાન નથી મારી મીહીકાને એટલુ સાચવે છે.
સ્તવને કહ્યું એ રીતે તો મયુર અને એનાં માંબાપ એવાંજ છે. આટલો વૈભવ છે છતાં સરળ માણસો છે. ભંવરીદેવીએ કહ્યું ભાઇબહેન બેઉ સરખાં છે આટલો પૈસો વૈભવ ધંધો હોવાં છતાં નિરાભીમાની છે બંન્ને છોકરાં એકજ કુટુંબમાં છે તો સારુજ છે સંપઃરહેશે એકબીજાની ખબર અંતર લેશે.
આમ વાતો કરતાં કરતાં અડધા ઉપરનું અંતર કપાઇ ગયું. સ્તવને કહ્યું પાપા ચા નાસ્તો કંઇ કરવુ છે ? માણેકસિંહજીએ કહ્યું તે નથી કર્યો ચાલ કરી લઇએ મને ખબર છે તને હવે ભૂખ લાગી છે. ચાલ કંઇ ખાઈ પી લઇએ.
ત્રણે જણાં ઉતર્યા અને હોટલમાં બેઠાં ચા નાસ્તો મંગાવ્યો અને ત્રણે સાથે કરી રહેલાં. ત્યાંજ સ્તવનનાં ફોનમાં રીંગ આવી એણે જોયું સ્તુતિનો ફોન છે. એણે ફોન કટ કર્યો. એને થયું. અત્યારે વાત નથી કરવી. કેમ એણે ફોન કર્યો ? એને ખબર નથી કે હું રજા ઉપર છું ? એને ખબર છે હું માં પાપા સાથે રાણકપુર જઊ છું છતાં ફોન કર્યો ? એ મને હેરાન કરી રહી છે. મારે એની સાથે બધુ સ્પષ્ટ કરી દેવું પડશે. મારાંથીજ ભૂલ થઇ ગઇ છે. આમ બધાં વિચારોમાં પડ્યો.
પાપાએ પૂછ્યું સ્તવન શું થયું ? હું કાલથી જોઇ રહ્યો છું તું મૂડમાં નથી કોઇ ટેન્શનમાં છે શું થયું છે ? આવતીકાલે વિવાહ છે અને ઓફીસમાં કામનું કોઇ દબાણ છે ?
સ્તવને કહ્યું કઇ નહીં પાપા ચાલ્યા કરે હમણાં હું રજા ઉપર છું એટલે કામ એક સામટું આવવાનુ છે કંઇ નહીં એનાં માટે મારી બધી તૈયારી છે.
બધાં પાછા કારમાં બેઠાં અને સ્તવને ફોન બંધ કરી દીધો અને રાણકપુરની વાટ પકડી.
************
સ્તુતિએ વિચાર્યુ હું સ્તવન સાથે વાત કરી લઊં એને જણાવી દઊં કે મને તારી જીંદગી બગાડવામાં કોઇ રસ નથી મને ખબર છે તું રાણકપુર જઇ રહ્યો છે કાલે તો તારાં વિવાહ છે પણ મને અંદરને અંદર કંઇક થઇ રહ્યું છે. મને એનાં ઉપાય નથી મળી રહ્યો. હું પણ શું કરું ?
હું અઘોરીજી પાસે જઊ ? એમની પાસે કોઇ ઉપાય હોય જાણી લઊ ? એમની પાસે જઇને બધુજ સત્ય કહી દઊ ? એ પણ મને કંઇ માર્ગદર્શન આપી શકે નહીંતર એક સાથે ત્રણ જીંદગી પાયમાલ થઇ જશે.
સ્તુતિએ નિર્ણય લીધો અને એણે એકટીવા અઘોરીજીનાં આશ્રમ તરફ લીધું. એ ત્યાં પહોચીને જોયું તો અઘોરીજી આશ્રમમાં નહોતાં એણે એમનાં અનુયાયીને પૂછ્યું કે બાપજી ક્યાં છે ? ક્યાં ગયાં છે ?
પેલાએ જવાબ આપ્યો. ગુરુજીતો બે દિવસથી અહીં આશ્રમમાં નથી કોઇક વિદ્યા માટે વિધી માટે વ્યસ્ત છે હમણાં એ નહીં મળી શકે.
સ્તુતિ લાચાર ચહેરે સાંભળી રહી.. એણે પૂછ્યું કોઇ રીતે મળી ના શકાય ? એ ક્યાં ગયાં છે ? ત્યાં જઇને મારાંથી મળી નહીં શકાય ?
પેલા શિષ્યએ કહ્યું અમને કંઇજ જણાવવાની ના પાડેલી છે એમને કોઇ રીતે વિઘ્ન નહીં આપી શકાય. તેઓ કોઇ મોટી તાંત્રિક વિધીમાં વ્યસ્ત છે. અને અહીં આશ્રમમાં કે મંદિરમાં નથી.
સ્તુતિ નિરાશ થઇ ગઇ એણે સાચુ કર્યુ અને મહાકાળીમાં નાં મંદિરમાં દર્શન કરી ઘરે જવાં નીકળી ગઇ.
************
સ્તવન રાણકપુર પહોચી ગયો. એણે કાર ઘરથી દૂર મૂકી અને ઘરે ગયાં. ઘરની પાસેની સાંકડી ગલીઓમાં કાર જાય એમ નહોતી.
બધાં ઘરે ગયાં ઘર ખોલીને માઁ એ કહ્યું આટલાં દિવસમાં કેટલી ધૂળ ધૂળ થઇ ગયું બધુ અને બોલી કંઇ નહી. સ્તવન તું તૈયાર થઇજા આપણે પહેલાં મંદિર જઇ આવીએ પછી પૂજારીજી ધ્યાનમાં બેસી જશે. અમે અહીં કામ આટોપી લઇએ. તું મંદિર જઇ આવ.
સ્તવને કહ્યું ભલે માં હું મંદિર જઇ આવું અને આશીર્વાદ લઇ આવું એ મંદિર જવા નીકળ્યો એણે બહારથી કાર લઇને મંદિર પહોચ્યો.
કાર પાર્ક કરી અને મંદિરમાં ગયો. ત્યાં પૂજારીજી ધ્યાન કરતાં બેઠાં હતાં. સત્વનનો પગરવનો અવાજ સાંભળી બોલ્યાં... આવી ગયો સ્તવન ? તારી સાથે કોને લઇને આવ્યો છે ? સ્તવન ચમક્યો....
વધુ આવતા અંકે - પ્રકરણ -56