"મિશા રૂમમાં ભરાઈ ગઈ છે...સંદીપ..ફરી એનું મગજ છટક્યું લાગે" બાએ પોતાના દીકરાને બૂમ પાડી બોલાવ્યો.સંદીપ દોડતો આવ્યો,ધીમેથી મિશાનાં રૂમનો દરવાજો ખખડાવ્યો..પણ દરવાજો હાથ લગાવતાં જ ખુલી ગયો.મિશા રૂમનાં આદમકદનાં અરીસા સામે મેકઅપનાં થપેડા કરી ગુમસુમ બેઠી હતી.સંદીપ ધીમેથી પાસે આવ્યો અને કહ્યું," આ શું મારી સુંદર પત્ની આટલો મેકઅપ કરી કેમ બેઠી છે?!"પણ કોઈ જ વળતો જવાબ મળ્યો નહિ.બાજુમાં એક નોટ-પેન પડ્યાં હતાં.સંદીપે નોટ ઉઠાવી પાંચ-છ પાના ફેરવીને જોયું તો દરેક પાનાં પર એક જ વાક્ય લખેલું દેખાયું,"હું સુંદર છું." સંદીપ કંઈ સમજ્યો નહિ.
એની નજર ઓશિકા નીચે છુપાવવાની નિષ્ફળ કોશિશ કરેલી એક ડાયરી પર પડી.ડાયરી પર લખ્યું હતું."Don't touch me,I am Misha's bestest friend."એણે એ ડાયરી ધીમેથી ગાદલાં નીચે સરકાવી અને મિશા પાસે આવ્યો,એને સમજાવી-પટાવી દવા આપી,મોઢું ધોવડાવ્યું અને વાતો કરાવી એટલીવારમાં દવાએ એનું કામ શરૂ કર્યું અને મિશા સૂઈ ગઈ!
સંદીપ ડાયરી લઈ ગેલેરીમાં આવી બેઠો અને વાંચવાનું શરૂ કર્યું.શરૂઆત જ સંવેદના સભર.."હૅલો, ભગવાનજી તમે જાણો જ છો તમે મને કેવી બનાવી છે એ.હું કેમ બીજી છોકરીઓ જેટલી સુંદર નથી?હું મારા જીવનસાથીની પસંદગી પણ મારી ઈચ્છા મુજબ નથી કરી શકતી!આજે હું જેને જોવા જાઉં છું મારે "હા" જ કહેવાની છે એ નક્કી છે.સામેથી જે જવાબ આવે એ સાચો!"
બીજું પાનું...બીજો દિવસ.."જવાબ "હા" આવ્યો ભગવાનજી,સૌ ખુશખુશાલ છે મને કોઈ નથી પૂછતું,"તને ગમ્યું કે નહિ?!"દેખાવમાં સૌને ગમે એવો છે પણ મને ફક્ત દેખાવ નહિ ઋજુહૃદય જીવનસાથી જોઈએ છે.જોઉં આગળ તે શું ધાર્યું છે."સંદીપ ડાયરીનાં પાનાં સાથે જાણે જીવનનાં પ્રસંગોને સ્મૃતિપટ પર ફેરવી રહ્યો હતો!"અરેરે...મને આજ સુધી ખબર નહોતી કે મિશાએ સમાધાન જ કર્યું છે પણ જે હોય એ મેં મારો સ્વભાવ ઘણો બદલી નાખ્યો છે હવે કદાચ આ ફરિયાદ ન હોય."ફરી એક જગ્યાએ નજર અટકી ચાર-પાંચ વખત વાંચી ગયો,"ભગવાનજી,આજે મારી લાગણી બહુ જ ઘવાઈ છે.હનીમૂન માટે જઈ રહ્યાં હતાં ટ્રેઇનમાં એની સામેની સિંગલ વિન્ડો સીટ પર એક ખૂબસૂરત છોકરીની સીટ હતી.હું સંદીપની સામેની સીટ પર હતી.સંદીપ બોલ્યો,"મિશુ, તું મારી સીટ પર આવી જા."કારણ પૂછ્યું તો કહે, "મારી નજર પેલી વિન્ડો સીટ પર જ જતી રહે છે." ગજબ!મેં ચૂપચાપ સીટ તો બદલી લીધી પણ વિચાર્યું,"આ કેવું?હજી તો જીવનની શરૂઆતનો તબક્કો ત્યાં જ મારાં તરફથી બેધ્યાન!" સંદીપ આ વાંચીને ખિન્ન થઈ ગયો,"મેં તો આ વાત એને આટલી અસર કરશે કદી વિચાર્યું નહોતું,મેં મારી પ્રામાણિકતા દર્શાવી હતી અને હું એ ભૂલી પણ ગયો.મને મિશુથી ભટકીને મારી નજર પણ ક્યાંય જાય એ પણ મન્જુર નહોતું."થોડીવાર આંખ બંધ કરી શાંતિથી બેસી રહ્યો.
ફરી પાનાં ફેરવવા આંગળીઓને વાળી કેમકે આજે મગજ-મનની જીદ હતી કે મિશાનાં મનનો તાગ મેળવવો જ છે.એની તકલીફ જાણવી જ છે આટલા વર્ષે જે જાણવા-સમજવાની કોશિશમાં ઉણો ઉતર્યો છું એ આજે માંડ આ ડાયરી દ્વારા સમજી શકું એ મોકો મળ્યો છે તો ચૂકી ન જ શકું.ફરી આંગળીઓ ફરવા માંડી પાનાંઓ ઉથલવા લાગ્યા,ટેરવે ટેરવે શબ્દો સ્પર્શવા લાગ્યાં.ધીમે ધીમે આવી નાની-મોટી વાતો ભગવાનજી(ઇશ્વર)ને લખતી મિશા એને અજબ માનસિક ચૂંથારાથી ચૂંથાતી હોય એમ લાગ્યું!એણે હસતો મુખવટો જ પહેરી રાખ્યો હોય એવો ખ્યાલ આવ્યો.ઘણી બધી વાતો..ઘણાં વર્ષો અને એ હજાર પાનાંની ફુલસાઈઝ ડાયરી કઈ રીતે છૂપી રહી એ વિચારતો એ છેલ્લા ત્રણ મહિના પહેલાંની વિતકે આવીને અટક્યો.બહુ લાંબી નોંધ,ફરિયાદ,મનની ગૂંચવણ ગણો જે ગણો એ આ આખા પાનામાં ઝીણા અક્ષરે દર્દ સભર રીતે વણાયેલી હતી!
"ભગવાનજી,હું હવે થાકી છું ખુશ રહેવાનો અભિનય પણ થકવે છે.આજે પાંચ વર્ષથી સંદીપ મને એ સુખ એ ખુશી નથી આપી શકતા જેની હું હકદાર છું.મને એમ લાગે છે કે ઉંમર વધતાં કદાચ મારી અંદર એ આકર્ષણનો પણ અભાવ આવી ગયો છે.હું મારી ઈચ્છા એમની આગળ ખુલીને કહું છું પરંતુ કોઈ અસર નથી થતી.એ એ તરફ વળવા જ નથી માંગતા એ ભલા,એમના ફોનકોલ્સ ભલા અને એમનાં ન્યૂઝ ભલા!હું જાણું છું પૂર્ણ વિશ્વાસ છે એ બીજે ક્યાંય નથી જોડાયાં છતાં એમની એ બાબતની ઉદાસીનતા મને વધુ ને વધુ તોડી રહી છે.સોશિયલ મીડિયામાં ફોટોઝ મૂકીને ખોટી વાહવાહી, સુંદરતાના ખોટાં વખાણ સાંભળવાની મજા આવતી હતી.હું જ જાણતી હોઉં બધાં એડિટેડ ફોટા મૂકીને "હું સુંદર છું." એ અનુભતિ ને પંપાળવાનું કારણ શું છે એ તો! હવે એ બધાંથી ઉબાઈ જાઉં છું.આભાસી દુનિયાની ખુશીઓ ક્યાં સુધીની?
વિચાર આવે કે પુરૂષનો અહમ સમજવો કે એક પતિની લઘુતાગ્રંથિ કે પોતાની એ ઉણપનો ઈલાજ કરાવતા શરમ આવે!પત્નીએ ઈચ્છાઓ ક્યાં પુરી કરવી?બહાર જઈ ન શકે, નહિ તો બેવફાનું બિરુદ લઈ લોકો અને સાથે એ પતિ પણ તૈયાર જ ઉભો હોય!આ બધી વાત અમુક ઉંમરના પડાવે બહુ અશક્ય થઈ ગઈ છે.વફા,પવિત્રતા એ બધાં શબ્દો ફક્ત શારીરિક સંબંધોનાં માપદંડમાં શ્વાસ લઈ રહ્યાં છે!
પ્રભુ ,હું કોઈ જ રીતે સંદીપને એ ઈચ્છાઓ માટે તૈયાર ન કરી શકતી હોઉં તો હું પત્ની તરીકે સુંદર પૂરવાર ન જ કહેવાઉં..મારે એવા સુંદર બનવું છે કે ફક્ત સંદીપને,મારાં પતિને મારી એ પત્નીસિધ્ધ ઈચ્છાઓ માટે આકર્ષિત કરી શકું."
સંદીપની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં,"મિશાનાં હસતાં ચહેરા પાછળ કેટલી વ્યથા હતી!જે મિશાને હું જોવા ગયો હતો એ એની નિર્દોષ અને વેધક આંખોથી હું ઘાયલ થયો હતો ત્યાં ઉદાસી લીપાઈ ગઈ છે.એનાં આ માનસિક પરિતાપ નું કારણ હું જ છું એ આજે જ જાણ્યું!હું હંમેશા ડૉક્ટર ને મારી સમસ્યા કહેતાં ડરું છું.અને સાચે મેં એની એ ઈચ્છા તરફ બેદરકારી દાખવી છે,મેં કોઈ જ વાતે એનાં એ સુખને મહત્વ નથી આપ્યું એનું આ પરિણામ છે."એણે ડાયરી એનાં યથાસ્થાને મૂકી દીધી.ફરી એ આરામ ખુરશીએ ગેલેરીમાં જ બેઠો અને કાલે જ એ સમસ્યાના સમાધાન કરવાનાં એક દ્રઢ નિશ્ચય સાથે ત્યાં જ ઠંડી હવાની લહેરખીઓનાં સથવારે સૂઈ ગયો.
કુંતલ ભટ્ટ.
સુરત.