ગરમી ગરમ માણસ નરમ
ગરમી પણ કેવી બેફામ પડે શરીરમાં ઝરણ ફૂટ્યા કરે
લપ્પૂક બની ગઈ લૂ ત્યારથી, રોજનું મરણ ફૂટ્યા કરે
વાઈફનું તો સમજ્યા મારા ભાઈ, થોડીક નખરાળી હોય તો, જ જિંદગી જીવવા જેવી પણ લાગે. ઊંઘમાં નસકોરાં બોલાવતી હોય તો પણ હાલરડું ગાતી હોય એવી લાગે. ડાન્સ કરતાં રમકડાં વસાવવા એના કરતાં નખરાળી વાઈફ શું ખોટી..? મૂળ આશય તો પ્રસન્નતાનો જ છે ને..? પણ વાઈફ સહન થાય, નખરાળી ગરમી સહન નહિ થાય દાદૂ..! લ્હાય ફેંકતી ને ‘જજેલા’ પાડતી ગરમી કોને ગમે..? પણ જેમ વાઈફ વગર નહિ ચાલે, એમ સાલું ગરમી વગર પણ નહિ ચાલે..! વાઈફ તો માત્ર દિલને જ પલાળે, ગરમી તો આખા શરીરને પલાળે..! આ લોકોનું કામકાજ જ પલાળવાનું..! આ પ્રેમના જ ફણગા છે, મોટાભાઈ..! એ માણસમાં ફૂટે, પ્રાણીઓમાં ફૂટે, પક્ષીઓમાં ફૂટે, પ્રકૃતિમાં ફૂટે ને મૌસમમાં પણ ફૂટે..! અમુકના ફણગા પ્રદર્શન કરે, ને અમુક માત્ર દર્શન આપે..! ઉષા(સવાર) મધ્યાહનને ભેટવા દૌડે, મધ્યાહન સંધ્યાને પામવા દૌડે, સંધ્યા રજનીને પામવા દૌડે, ને રજની પાછો ઉષાને ભેટવા દૌડે..! મૌસમમાં પણ આવાં જ ધીંગાણા..! શિયાળો શાંતિથી લોકોને ધ્રુજાવતો હોય, એમાં ગરમી પ્રેમના તીર છોડવા માંડે, એ પ્રેમના ઉલાળા જ છે. શિયાળો ને ઉનાળો એકાકાર થઇ જાય, એમાં માણસની પથારી ફરી જાય..! ભર શિયાળામાં પરસેવો આપણો કાઢી નાંખે યાર..! ચામડી બાળતો ઉનાળો અગન-તાંડવ કરતો હોય, ને ચોમાસું છાકટુ બનીને તૂટી પડે એ પણ પ્રેમની પરાકાષ્ટા જ છે..! એને અડપલું પણ કહેવાય...! ગરમીએ ગાદીત્યાગ કર્યો નથી. ઉનાળો વિધૂર બન્યો નથી. છતાં, વર્ષારાણી આશિકી બતાવીને ઉનાળાને ઝાપટમાં લેવા મથે એ પ્રેમ નહિ તો, શું વેવલાવેડા કહેવાય..? એક મૌસમ ઉપર, બીજી મૌસમનું ખાબકવું એ પોતપોતાની પ્રેમની સ્ટાઈલ છે..! પ્રેમ છતો કરવાની આ લોકોની ડીઝાઈન જ અલગ..! આપણી માફક એકમેકના હાથની આંટીમાં ગળું ભેરવીને આ લોકો દરિયે આંટો મારવા કે પીઝા-બર્ગર ઝાપટવા નહિ નીકળે..! આ રીતે જ પ્રેમની અભિવ્યક્તિ કરે..!
મૌસમ સાથે સંક્રમિત થઈને, પીચ ઉપર અત્યારે ‘કોરોના’ ની બેટિંગ તો ચાલુ જ છે. બીજી બાજુ મૌસમના ખેલાડી પણ પેડ બાંધીને છગ્ગા-ચોગ્ગા ફટકારવા બેટિંગ માટે ઊભાં છે. કુદરત એમ્પાયર બનીને દ્વિધામાં છે કે, ‘આમાં રન કોના ગણવા, ને ખેલાડી માન્ય કોનો રાખવો..? એકબાજુ ચોમાસાને એની મૌસમ સાથે ‘લગ્નગ્રંથી’ થી જોડાવાની ઉતાવળ છે. બીજી બાજુ ગરમી મેદાન છોડવા તૈયાર નથી. રણચંડી બનીને પરસેવાના ઝરણ કાઢતી જાય છે..! એવાં ઝરણ કાઢે કે, ચશ્માં ઉપર પણ વાઈપર લગાવવાની ઈચ્છા થઇ આવે..! ગગનમાં જેમ જેમ ધૂમ-ધડાકાઓ સંભળાવા માંડે, તારલાઓ સંતાકુકડી રમવા માંડે, વાદળો કાળા વાવટા ફરકાવવા માંડે, તેમ તેમ ઉનાળાને સત્તા ઉપર ચોંટી રહેવાનું બળ મળતું હોય તેમ, અગનગોળા ફેંકતો જાય. વાવાઝોંડાનો ઈન્સ્ટન્ટ કવિ કહે એમ, “ મૌસમ ભી ક્યા ચીજ હૈ ગાલીબ, સૂકા લેંઘા તો અભી હી પહના થા, ઔર પરસેવામેં ભિન્ના ભી હો ગયા..!” તેજીલી ગરમીએ એવી બૂમ પડાવી દીધી કે, બર્નલ લગાવીએ તો પણ કળ નહિ વળે..! પરસેવાની પાઈપ લાઈન શરીરમાં ફાટી ગઈ હોય એમ, નાહ્યા વગર રેબઝેબ કરી નાંખે. સ્નાન કર્મ પતાવવા માટે, બાથરૂમ ભીના કરવાની જરૂર જ ના પડે..!
મગજમાં તોફાન એવું પણ ઉઠે કે, પરસેવાને બદલે, શરીરમાંથી ગુલાબજળના પ્રસ્વેદ નીકળતાં હોય તો..? ટાઢક-ટાઢક થાય કે નહિ..? પણ ઉપરવાળાના ધંધામાં માથું મારે કોણ..? લાખો લીટર પરસેવો એળે જાય છે, છતાં, મેઇક ઇન્ડિયાવાળાને પણ વિચાર નથી આવતો કે, લાવ, પરસેવામાંથી એકાદ ‘ગૃહ-ઉદ્યોગ’ ઉભો કરીએ..! માણસ દીઠ આવક પણ વધે ને કલ્યાણ મેળા કરવા નહિ પડે તે અલગ..! સારું છે કે, લોક-ડાઉનમાં લોકોની ડોક, ડાઉન થઇ ગઈ. ધંધા-પાણી અધૂરાં રહી ગયાં. નહિ તો એકબાજુ આકાશી ગરમી ને બીજી બાજુ રૂપિયાની ગરમી વધી હોત તો, પાંચ કિલો ગરમ મસાલો ચાવી ગયો હોય એમ, માણસ લ્હાય જેવો થઇ જાત..! રાજેન્દ્રકુમારના ઠંડા ગીત, પ્રેમ ચોપરા ગાતો હોય એવાં અંગારા કાઢતો હોત..! પશુ-પક્ષીઓને કોઈ વાતે ટેન્શન જ નહિ, નહાવાનું પણ નહિ ને, નીચોવવાનું પણ નહિ. ઇધર ચલા-ઉધર ચલા ને ઉનાળો ફીનીશ્ડ..!
સૂરજદાદાની મથરાવટી પણ મને તો શંકાસ્પદ લાગે. માથે ચઢ્યા પછી એવો માથાભારે થઇ જાય છે કે, કોઈના કાબુમાં જ રહેતો નથી. સવારે બકરી જેવો હોય, બપોરે વાઘ જેવો ને સાંજ પડે એટલે સસલાં જેવો થઇ જાય..! રાજકીય પરિભાષામાં સમજાવું તો. સવારે કોંગ્રેસ જેવો, બપોરે ખાલી જગ્યા જેવો, (બધું મારે જ બોલવાનું કે...?) ને સાંજ થાય એટલે કેજરીવાલ જેવો બની જાય..! પ્રહર પ્રમાણે પાટલી બદલતા હોય એમ, સવારે ઠંડી, બપોરે ગરમી ને રાતે મુલાયમ-મુલાયમ....! ક્યારેક તો એક જ દિવસમાં ત્રણેય મૌસમના ઋતુ-દર્શન પણ કરાવે. ત્રણેય પહોરમાં ત્રણેય સિઝનના વેશ બદલવાના..! સવારે રેઈનકોટ, બપોરે સદરો, ને સાંજે સ્વેટર પહેરીને દિવસની ઉજવણી કરવાની..! સવારે તો ન્હાવાનું જ. ને નાહ્યા પછી આખો દિવસ પરસેવાથી પણ ન્હાવાનું....! મઝા તો ત્યારે આવે કે, જે શિયાળામાં પૈણવાનો રહી ગયેલો હોય, એ ઉનાળામાં ઉંચકાય..! વરઘોડો કાઢે ત્યારે તો એવી ખુમારીમાં હોય કે, વાઈફને બદલે લાવ-લશ્કર લઈને જાણે કાશ્મીર કબજે કરવા નીકળ્યો. જેનો પૈણવા પહેલા જ પરસેવો છૂટી જતો હોય, એ કંઈ ઓછું સાહસ કહેવાય..? શાસને તો આવાં સાહસિકનું શાહી સન્માન કરવું જોઈએ. બિચારાને પીઠી તો વગર તેલે જ ચઢી જતી હશે...! ઉનાળામાં પરણે તેને શરીરે પીઠી ચઢાવવાને બદલે, બરફ ઘસવાની પ્રથા હોવી જોઈએ, પણ એ ની’ માને..! આપણને એમ કે, બિચારાને થોડી ટાઢક રહે. સો વાતની એક વાત પરસેવો ક્યારેય કોઈની શરમ રાખતો નથી...! પછી ભલે ને મોટાં ભુપની ઓળખાણ કેમ ના હોય..? શરીરે ફરી વળવા માટે એને આધારકાર્ડની જરૂર પડતી જ નથી..!
શ્રીશ્રી ભગો કહે એમ, વરસાદની વાછટમાં, કે, વસંતના ટહુકામાં, કડકડતી ઠંડીમાં કે, દરિયાના મોજામાં, નદીના પ્રવાહમાં કે, ડુંગરાની કોતરમાં, જંગલની ઝાડીમાં કે, બગીચાની ફોરમમાં મારે કોઈ કવિતા લખવી નથી. પણ અગનઝાળ ગરમીની લ્હાયમાં એક કવિતા ચીતરીને નવો ચીલો તો ચીતરવો જ છે. જો ઉનાળો પૂરો થઇ જશે તો, તાપણા કરીને પણ આ રસકવિ રસલ્હાણ કરશે..! જેમ કે, “કકડતી ટાઢમા પણ તારો મેં કેવો સહેવાસ કરેલો બરફ, ને ઉનાળામાં ઉઘાડો કરીને કેમ આઘો આઘો ફરે છે..!” (વાહ..વાહ તો બોલો યાર..?) આવી તો અનેક રચનાઓના એણે શ્રીગણેશ માંડ્યા છે. પણ એકેય કડી ગઝલ સુધી પહોંચી નથી. સરકારી યોજનાઓની માફક હજી અધુરી જ છે. એની તો ઈચ્છા એવી છે કે, મને પૂર્ણ કવિ કરવા માટે, ઉનાળાને પણ એક અધિક ઉનાળો જલ્દી આવે તો સારું..! તારા કપાળમાં કાંદા ફોડું.....!
લાસ્ટ ધ બોલ
અન્નદાન યોજના ચલાવતાં શ્રીશ્રી ભગાએ, ફૂટપાથ ઉપર ચાદર પાથરીને સુતેલા લક્ષ્મીચંદને ભિખારી સમજીને કઢી-ખીચડીને શાક પીરસતા જ લક્ષ્મીચંદ ભડક્યા..! શ્રીશ્રી ભગાને એમ લાગ્યું કે, ભાઈને પાઉં આપવાનો રહી ગયો એટલે ભડક્યો લાગે. એમણે પાઉં લાવીને આપ્યો, ને કહ્યું કે, ‘ભાઈ..! આ ભૂખ વસ્તુ જ ખરાબ છે. ભૂખ લાગી હોય ત્યારે ભલભલા વિવેક ભૂલી જાય..! એટલે જ અમે ભૂખ્યાને ભોજન આપવાનું સેવા-કાર્ય કરીએ છીએ.
લક્ષ્મીચંદ કહે, ‘તારા કપાળમાં કાંદા ફોડું..! હું તને ભિખારી લાગુ છું..? હું ભિખારી પણ નથી ને ભૂખ્યો પણ નથી. આ સામે જે પાંચ માળનું મકાન દેખાય છે, એ મારું પોતાનું છે. આ તો ઘરમાં ગરમી બહુ લાગી, એટલે થયું કે, લાવ ફૂટપાથ ઉપર ચાદર નાંખીને જરા આડો પડું..! ને સાંભળ, તું જે અન્નદાન યોજના ચલાવે છે ને, એનો પહેલો સ્પોન્સર્ડ હું જ છું..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
-----------------------------------------------------------------------------------------------------------------------------------------