Rajkaran ni Rani - 54 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૫૪

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૪

બી.એલ.એસ.પી.ના રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજી રાજ્યની મુલાકાતે આવી રહ્યા હતા એ વાતથી સુજાતાબેનને નવાઇ લાગી કે આંચકો લાગ્યો એ હિમાની કે જનાર્દનને સમજાયું નહીં. જનાર્દન આ મુલાકાતને રુટિન માની રહ્યો હતો. ઘણી વખત સરકારમાં ડખો ચાલતો હોય ત્યારે અચાનક કોઇ ઉદ્ઘાટન માટે કે પ્રવાસ માટે રાષ્ટ્રીય પ્રમુખ દોડી આવે છે. અત્યારે એવી કોઇ સ્થિતિ ન હતી. રાજ્યમાં ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા હતા ત્યારે તેમનું આગમન સામાન્ય વાત હતી. આગામી સરકારની રચનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવવાની હોવાથી અગાઉથી તંબુડેરા તાણે એ સ્વાભાવિક હતું. સરકારની રચનામાં અનેક બાબતનું ધ્યાન રાખવાનું હોય છે. મુખ્યમંત્રી અને મંત્રીઓની વરણીમાં એવી વ્યક્તિઓને સ્થાન આપવાનું રહેતું કે દરેક જાતિ-જ્ઞાતિ અને ઉદ્યોગપતિઓનું હિત સચવાય રહે. સરકાર બનતા પહેલાં જ ઉદ્યોગપતિઓ તરફથી લોબીઇંગ શરૂ થઇ જતું હોય છે. રાજેન્દ્રકુમાર અત્યાર સુધી બધાને સાચવીને ચાલતા હતા. એ કારણે જ તેમને વચ્ચેથી હઠાવવાની કોઇ ઝુંબેશ ચાલી ન હતી. રાજેન્દ્રકુમાર બધાને પહોંચી વળતા હતા. શંકરલાલજી સાથે તેમણે સારો સંબંધ રાખ્યો હતો. પરંતુ ચૂંટણી પહેલાં થોડો ખટરાગ ઊભો થયો હતો એની જનાર્દનને સુજાતાબેનની વાતો પરથી જાણ થઇ હતી. એટલે જ શંકરલાલનું આગમન સુજાતાબેનને કોઇ બીજો સંકેત આપતા હતા.

જનાર્દને એ મુદ્દા પર વાત શરૂ કરતાં કહ્યું:"શંકરલાલજી અનુભવી છે. પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા માટે જાણીતા છે. સરકાર બનાવવાની તૈયારી શરૂ કરવા જ એ આવ્યા લાગે છે..."

"જનાર્દન, એ આવવાના છે એવી કોઇ વાત કરી ન હતી. મને એમ હતું કે ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી એ આવશે..." સુજાતાબેનને હજુ પણ શંકરલાલના આગમન આશ્ચર્ય પમાડતું હતું.

"શંકરલાલજીને જીતનો વિશ્વાસ હશે એટલે આવી પહોંચ્યા હશે ને?" જનાર્દન તર્ક કરતાં બોલ્યો.

"જ્યાં સુધી પરિણામો જાહેર ના થાય ત્યાં સુધી કંઇ કહી શકાય નહીં. જેમ ઉમેદવાર માટે એક-એક મત કિંમતી હોય છે એમ સરકાર બનાવનાર પક્ષ માટે એક-એક બેઠકની જીત કિંમતી હોય છે. ઘણી વખત સરકાર પત્તાના મહેલની જેમ પણ પડી જતી હોય છે. મતપેટીઓમાં ઉમેદવારોનું ભવિષ્ય કેદ થયું હોવાનું કહીએ છીએ પણ મતદારો પોતાનું ભવિષ્ય એમાં મતરૂપે નાખતા હોય છે. મતદારોને રૂપિયા કે બીજી વસ્તુ કે પછી યોજનાઓની લાલચ આપીને પોતાની તરફેણમાં મત આપવા માટે નેતાઓ પ્રયત્ન કરતા હોય છે. મતદાર ઘણી વખત પાછળનું જોઇને લાંબું વિચારતો હોય છે. અગાઉનો પોતાનો પક્ષના ઉમેદવાર અંગેનો અનુભવ, પક્ષની રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્થિતિ, ઉમેદવારની લાયકાત અને બીજા ગુણો, સ્થાનિક રાજકારણ વગેરે અનેક બાબતો મતદારના મતદાન પર અસર કરતી હોય છે. મતદારો પોતાનું મન જલદી કળવ દેતા નથી. એટલે એક્ઝિટ પોલ દરેક વખતે સાચા પડતા નથી. મને લાગે છે કે શંકરલાલજી માટે સરકાર બનાવવાનું કામ કપરા ચઢાણ સાબિત થવાનું છે..." સુજાતાબેન પોતાના રાજકારણ અંગેના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા.

ત્યાં ટીવી પર પરિણામોમાં મોટો ફેરબદલ જોવા મળ્યો. એન્કર આખું શરીર હલાવીને બૂમો પાડીને બોલી રહ્યો હતો:"તમે જોઇ શકો છો કે એમજેપીએ બઢત મેળવી લીધી છે. 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' અને એમજેપી બંનેના અત્યાર સુધી ૩૨-૩૫ ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા. હવે એમજેપી ૪૭ બેઠકો પર આગળ છે જ્યારે 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ના ૪૦ ઉમેદવારો પાતળી સરસાઇથી આગળ છે. અને અપક્ષો પણ આગળ વધી રહ્યા છે. ૪ અપક્ષો બંને રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો કરતાં આગળ છે. બી.એલ.એસ.પી. માટે ફરી સરકાર રચવાના ઇરાદાઓ પર વિરોધ પક્ષો પાણી ફેરવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ૬૨ બેઠકોથી વધારે મળશે કે કેમ એ પ્રશ્ન છે. થોડીવાર પહેલાં મુખ્યમંત્રીએ એમજેપીને બે ડિજિટમાં પણ બેઠકો નહીં મળે એવો દાવો કર્યો હતો, એ અત્યારે ખોટો પડતો નજર આવી રહ્યો છે. એમણે વધારે પડતો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એમજેપી બહુ મોટા પક્ષ તરીકે આ વખતે ઉભરી શકે છે. બીજી તરફ પક્ષની નાજુક પરિસ્થિતિનો તાગ લેવા શંકરલાલજી આવી પહોંચ્યા છે. તેમણે પક્ષના નેતાઓ સાથે બેઠકો શરૂ કરી દીધી છે..."

જનાર્દન સુજાતાબેનના શબ્દોને યાદ કરીને બોલ્યો:"બહેન, તમારો ભય સાચો પડતો લાગે છે. તમે જે બેઠકો પર પ્રચાર કર્યો એના અનુભવથી તમને વધારે ખ્યાલ આવ્યો હશે કે બી.એલ.એસ.પી. માટે પ્રજામાં અંદરખાને નારાજગી વધી છે. અને મુશ્કેલ સ્થિતિ બની રહી છે. કદાચ એટલે જ શંકરલાલજી દોડી આવ્યા છે...."

"હા, એવું લાગે છે કે શંકરલાલજીને કોઇ ભય છે. થોડા દિવસ પહેલાં મને એમ કહેતા હતા કે આપણા પક્ષની જીત નક્કી છે અને સરકાર આપણી જ બનવાની છે. પરંતુ પરિણામોમાં શરૂઆતથી જ પક્ષ મજબૂત સ્થિતિ મેળવી શક્યો નથી. એમની ગણતરીઓ ખોટી પડતી લાગે છે. કોઇ પણ પક્ષની જીત પછી પણ સમીકરણો બદલાય શકે છે. અત્યારથી કંઇપણ કહેવું ઉતાવળીયું છે. ટીવીની ચેનલો બંને બાજુની વાતો કરતી રહેશે. પછી છેલ્લે કહેશે કે અમે તો આમ જ કહ્યું હતું. જે પક્ષ માટે ખોટું અનુમાન કર્યું હતું એ ભૂલી જશે..." સુજાતાબેન આગળ બોલવા જતા હતા ત્યાં એમના ફોનની રીંગ વાગી. તેમણે તરત જ 'હેલો' કહી ફોન કાને માંડીને માત્ર વાતો સાંભળી. સામે કોઇ વાત કરી નહીં. ફક્ત હોંકારો જ ભણતા રહ્યા. જનાર્દનને થયું કે પત્નીનો ફોન હોય અને પતિ જેમ હા-હા જ બોલતો રહે એમ સુજાતાબેન કંઇ બોલ્યા નહીં.

ફોન પત્યા પછી તે બોલ્યા:"જનાર્દન, પાટનગરથી ધારેશનો ફોન હતો. રાજકીય હલચલ વધી ગઇ છે. આપણે આવતીકાલે નહીં પણ આજે રાત્રે જ પાટનગર જવા નીકળી જવું પડશે..."

જનાર્દન અજાણ બનીને પૂછવા લાગ્યો:"ધારેશ...હું એમને ઓળખતો નથી. અને આપણે રાત્રે નીકળવાનું છે મતલબ કે બહુ મોટી નવાજૂની થવાની હશે?"

સુજાતાબેન જવાબમાં બોલ્યા:"ધારેશ ત્યાં આપણા વતી રાજકારણની સ્થિતિ પર નજર નાખીને બેઠા છે. આવતીકાલે એમની સાથે તમારી મુલાકાત કરાવીશ..." અને ટીવી પર આવતા એક નવા બ્રેકિંગ ન્યૂઝને જોતાં ધ્યાનથી સાંભળવા લાગ્યા.

જનાર્દન અને હિમાની સુજાતાબેનના મોંએ 'ધારેશ' નામ સાંભળી અંદરથી ચોંકી ઉઠ્યા હતા. બહારથી એમણે કળાવા ના દીધું. હિમાનીને થયું કે ધારેશ રાજકારણમાં છે કે કોઇ રાજકીય હસ્તી હોય તો ટીનાએ મને જે વાત કહી હતી એ ખોટી હશે? ધારેશ તેમનો પ્રેમી હોવા સાથે કોઇ રાજકારણી હશે? સુજાતાબેન કોઇ રાજકારણીના પ્રેમમાં પડ્યા હશે કે એની સાથે દોસ્તી છે?

બ્રેકિંગ ન્યૂઝમાં આવી રહ્યું હતું કે,"એમજેપીના રાષ્ટ્રીય પ્રમુખ બી.એલ.એસ.પી.ના ધારાસભ્યો સાથે સંપર્કમાં હોવાના અહેવાલ છે."

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED