અનંત સફરનાં સાથી - 32 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત સફરનાં સાથી - 32

૩૨.નવા પાત્રની દસ્તક


ઓપરેશન થિયેટરની લાઈટ બંધ થતાં જ ડોક્ટર બહાર આવ્યાં. આર્યન અને શિવાંશ ડોક્ટરની બંને તરફ ઉભાં રહી ગયાં. સામેની તરફ લોબીમાં રાહીનો આખો પરિવાર પણ ડોક્ટર પર જ નજર કરીને ઉભો હતો. બધાંને ડોક્ટર શું કહેશે? એ જાણવાની ઉતાવળ હતી. જે ડોક્ટર સમજી શકતાં હતાં. અમદાવાદ અને મુંબઈ બંનેનાં ડોક્ટર એકબીજા સામે જોઈ રહ્યાં. સસ્પેન્સ વધી રહ્યું હતું. હવે પૂછવા સિવાય આરો ન હતો.
"રાહીને કેમ છે?" આખરે શિવાંશે પૂછ્યું.
"હજું બેહોશ છે." મુંબઈનાં ડો.શેટ્ટીએ કહ્યું, "સર્જરી સક્સેસફુલ રહી છે. હવે હોશમાં નાં આવે ત્યાં સુધી કંઈ કહી નાં શકાય." બંને ડોક્ટરનાં ચહેરાં પર ખુશીની લહેર દોડી ગઈ અને ફરી ઓલવાઈ ગઈ.
"કંઈ કહી નાં શકાય મતલબ? એ હોશમાં ક્યારે આવશે?" આ વખતે આર્યને પૂછ્યું. ડોક્ટરનો જવાબ સાંભળ્યાં પછી શિવાંશમાં તો હવે કોઈ નકારાત્મક જવાબ સાંભળવાની હિંમત જ ન હતી.
"એ હોશમાં આવે, બધાંને એકવાર મળે. ત્યારે જ કંઈક કહી શકાય." ડો.શેટ્ટીનો અવાજ ગંભીર થયો, "મતલબ, કિડની લિવર સ્ટમક કેવી રીતે રિએક્ટ કરશે એ અમુક હદ સુધી જણાવી શકાય. મગજ એક ફિઝિકલ પાસું છે. પણ એમાં ઈમોશનલ અને સાયકોલોજીકલ પાસાં પણ આવે છે એટલે મગજ વિશે કહેવું થોડું અઘરું છે. ક્યારે? શું જોઈને? શું યાદ આવી જાય? શું ભૂલી જાય? ક્યારે કંઈ વાતનું સ્ટ્રેસ લઈ લે? કંઈ કહી નાં શકાય." કહીને એમણે ઉમેર્યું, "ટૂંકમાં સર્જરીમાં કોઈ સમસ્યા નથી. પણ અત્યારે તેમને કેટલું યાદ હશે? કેટલું ભૂલી ગયાં હશે? એ તેઓ હોશમાં આવે ત્યારે જ જાણી શકાય. સવાર સુધીમાં હોશ આવી જાશે. આમાં બહું પ્રોબ્લેમ નથી. કદાચ કંઈ ભૂલાયું હશે તો પણ ધીરે-ધીરે યાદ આવી જાશે." કહીને એ શિવાંશનાં ખંભે હાથ મૂકીને જતાં રહ્યાં. રાહીને ઓપરેશન થિયેટરમાંથી નોર્મલ રૂમમાં શિફ્ટ કરી. સ્ટ્રેચર પર સૂતેલી રાહીને બધાં પોતાની નજર સામેથી જતી જોઈ રહ્યાં.
સર્જરી થયાં પછી આજની રાત પસાર કરવી બધાં માટે અઘરું હતું. સર્જરી તો થઈ ગઈ હતી. પણ સવાલો હજું ત્યાં જ અટક્યાં હતાં. શિવાંશે આવ્યો ત્યારથી કંઈ ખાધું પીધું ન હતું. રાધિકાએ બીજાં બધાંને તો પરાણે ચા પીવડાવી દીધી હતી. પણ શિવાંશ રાહીનાં રૂમનાં દરવાજે જ ઉભો હતો.
"ચા?" રાધિકા એક ચાનો કપ લઈને શિવાંશ પાસે આવી. શિવાંશે ડોકું ધુણાવીને નાં પાડી દીધી. મહાદેવભાઈએ આવીને ચાનો કપ પોતાનાં હાથમાં લઈ લીધો. રાધિકા સાઈડમાં ઉભી રહી ગઈ.
આર્યનને હોસ્પિટલમાં ઘુટન મહેસૂસ થવા લાગી. એ બહાર હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં આવી ગયો. જ્યાં થોડાં વૃક્ષો વાવેલાં હતાં. લીમડાનાં એક વૃક્ષ નીચે એક બાંકડો પડ્યો હતો. તેની પાસે એક થાંભલો હતો. જેમાં એક લાઈટ લાગેલી હતી. એ લાઈટના પ્રકાશમાં બાંકડા પર બેઠેલી છોકરીને દૂરથી પણ જોઈ શકાતી હતી. અચાનક જ એ છોકરીએ મોંમાંથી ધૂમાડો છોડ્યો. એ સાથે જ આર્યનનાં મનમાં કેટલાંય વિચારો દોડી ગયાં. આર્યન એ જ વિચારો સાથે બાંકડા તરફ આગળ વધ્યો. તેની નજીક પહોંચતા જ આર્યનની શંકા સાચી ઠરી. એ છોકરી સિગારેટ ફુંકી રહી હતી. એક તો એ છોકરી જ્યાં બેઠી હતી. એ હોસ્પિટલનું કમ્પાઉન્ડ હતું. ઉપરથી એ છોકરી થઈને સિગરેટ પીતી હતી. દુનિયામાં દરેક લોકોનાં પોતાનાં વિચાર અને આદતો હોય છે. આર્યન અમેરિકા રહીને આવ્યો હતો. જ્યાં તેને રોજ આવી ઘણી છોકરીઓ જોવાં મળતી. જે સિગારેટ, વાઈન, વ્હીસ્કી, બધું પીતી. પણ ઈન્ડિયામાં કોઈ છોકરી સિગારેટ પીવે. એ વાત થોડી ઝટકો આપે એવી હતી. છતાંય આર્યનને બહું ખાસ નવું નાં લાગ્યું. એ છોકરી દુનિયાની આઠમી અજાયબી હોય. એમ આર્યન બસ એ છોકરીને જોઈ રહ્યો.
"પીવી હોય તો બોલ બાકી આમ બાઘાની જેમ નાં જો." કોઈ છોકરો પોતાને જ જોઈ રહ્યો છે એવું માલૂમ પડતાં જ એ પોતાની ભૂરી કીકીઓ ધરાવતાં એકદમ ચોખ્ખી આંખોનાં પોપચાં ઉંચા કરીને આર્યન તરફ જોઈને બોલી. આર્યન તેની આંખોમાં ઉંડે સુધી છુપાયેલાં દર્દને શોધી રહ્યો. પણ કંઈ મળ્યું નહીં. તો હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં બેસીને સિગારેટ પીવાનું કારણ શું? આર્યન વિચારી રહ્યો. પેલી છોકરી બેઠી બેઠી આર્યનને વિચારતો જોઈ રહી. આખરે કંઈ જવાબ નાં મળતાં આર્યને વિચારવાનું જ માંડી વાળ્યું. ચહેરાં પર બેફીકરાઈ અને નિર્દોષ સ્મિત સાથે એ આર્યનને જોઈ રહી. પાતળી નવરાશના સમયમાં ઘડેલી કાયા, ટી-શર્ટ અને શોર્ટ્સમાં તેનાં શરીરનાં વળાંકો સ્પષ્ટ જોઈ શકાતાં હતાં. મેગીનું પેકેટ ખોલતાં તેની અંદરની મેગીનો જેવો આકાર હોય એવાં વાંકળિયા વાળ, જન્મજાત હોય કે પછી આજનાં આધુનિક યુગમાં મોટાં મોટાં પાર્લરમાં રહેલાં ઈલેક્ટ્રોનિક મશીનથી કરાવ્યાં હોય...એ આર્યન નક્કી નાં કરી શક્યો.
"એક જ દિવસમાં મને પૂરી રીતે સ્કેન કરી લેવાનો ઇરાદો છે?" એ ઉભી થઈને આર્યનની લગોલગ ઉભી રહી ગઈ. તેનાં હોંઠો પર એ જ નિર્દોષ પણ આ વખતે થોડું શરારતી સ્મિત રમી રહ્યું હતું. આર્યન શું બોલવું? એ નક્કી નાં કરી શક્યો. બદલામાં તેણે નજર હટાવી લીધી. તેને થોડું ઑકવર્ડ ફીલ થયું.
"બાય ધ વે, આઇ એમ આયશા...એન્ડ યૂ?" આર્યનને નર્વસ જોઈને તેણે હાથ લંબાવીને કહ્યું.
"આઈ એમ આર્યન... ફ્રોમ અમદાવાદ." આર્યને હાથ મિલાવ્યો.
"બકા! આ અમદાવાદ જ છે. તો 'ફ્રોમ અમદાવાદ' લગાડવાની જરૂર નહીં." આયશા જરાં હસી.
"થોડાં વર્ષો અમેરિકા રહ્યો એટલે આ જ રીતે પોતાને ઈન્ટ્રોડ્યૂસ કરવાની આદત પડી ગઈ છે." કહીને આર્યન પણ સહેજ હસ્યો, "તમે ક્યાંના?" આર્યને પૂછ્યું. આયશાએ તેને બાંકડા પર બેસવાનો ઈશારો કર્યો. પોતે પણ આર્યનની પાસે બેઠી. પહેલાં તેણે શોર્ટ્સની નાની એવી પોકેટમાંથી સિગારેટ કાઢીને આર્યનને ઓફર કરી. આર્યને ડોકું ધુણાવી નાં પાડી દીધી.
"હું મુંબઈથી આવી છું. મારાં એક ફ્રેન્ડની ગર્લ ફ્રેન્ડ અહીં એડમિટ છે." આયશાએ સિગારેટનું પેકેટ ફરી પોકેટમાં મૂકતાં કહ્યું, "એ ભાઈસાબ તો મને જાણ કર્યા વગર જ અહીં આવી ગયાં. પણ મને જેવી જાણ થઈ હું પણ તેની પાછળ પાછળ આવી પહોંચી." કહીને આયશા આર્યન પાસે બેઠી.
"તો ફ્રેન્ડની ગર્લફ્રેન્ડને મળ્યા કે સીધાં જ અહીં બેસી ગયાં છો? સિગારેટ ફુંકવા?" આર્યને ત્રાંસી નજર આયશા તરફ કરીને સ્મિત કર્યું.
"હજું સુધી તો નથી મળી." આયશા પણ સહેજ હસી, "હું તો માત્ર એ બંનેની લવ સ્ટોરી જાણવાં અહીં સુધી આવી છું. તેની ગર્લફ્રેન્ડ બેહોશ છે. એવું મને હમણાં જ એક નર્સે કહ્યું. તો હું ડાયરેક્ટ અહીં આવી ગઈ."
"બાય ધ વે, તમારાં ફ્રેન્ડ અને તેમની ગર્લફ્રેન્ડનું નામ શું?" આર્યન સવારનો પ્રેમ વિશે સાંભળી રહ્યો હતો. તો લવ સ્ટોરી નામ સાંભળતાં જ તેની જાણવાની ઉત્સુકતા વધી.
"શિ..."
"આયશા! તું ક્યારે આવી? આવીને જણાવાય તો ખરાં ને.!" આયશા કંઈ કહે એ પહેલાં જ તેનાં અને આર્યનનાં કાને એક અવાજ પડ્યો. સામેથી એક પડછાયો આર્યન અને આયશા તરફ જ આગળ વધી રહ્યો હતો. બંનેની નજર એ તરફ હતી. અચાનક જ એ પડછાયો બંનેની નજીક આવ્યો. એને જોઈને આર્યનને થોડું આશ્રર્ય થયું. આયશા ઉઠીને તેને ભેટી પડી.
"આ છે મારો ફ્રેન્ડ, શિવાંશ." આયશાએ પોતાનો હાથ કોણીએથી વાળીને, શિવાંશનાં ખંભે મૂકીને કહ્યું. આયશાનો ફ્રેન્ડ શિવાંશ છે. આયશા રાહી અને શિવાંશની લવ સ્ટોરી જાણવાં આવી છે. એ જાણીને આર્યનનું આશ્રર્ય ખુશીમાં પરિણમ્યું.
"તો તમે બંને એકબીજાને મળી ચુક્યાં." શિવાંશે આર્યન તરફ જોયું.‌ તેણે ડોકું ધુણાવ્યું. ત્યાં જ શિવાંશની નજર આયશાનાં હાથમાં પકડેલી સિગારેટ પર પડી. શિવાંશે આયશા સામે આંખો ફાડી. આયશાએ કાન પકડી લીધાં. શિવાંશે સ્માઈલ કરીને તેનાં માથાં પર હળવી ટપલી મારી.
"ચલ તું અંદર જા. હું નાના-નાનીને ઘરે મૂકીને આવું." શિવાંશ કહીને જતો રહ્યો. પ્રવિણભાઈ અને કાન્તાબેન રાજકોટથી સીધાં જ હોસ્પિટલે આવ્યાં હતાં. રાહી સવાર સુધી હોશમાં આવવાની ન હતી. આવે તો પણ બધાં સીધાં જ તેને મળી શકવાનાં ન હતાં. એટલે શિવાંશ તેનાં નાના-નાનીને અમદાવાદ વાળાં ઘરે મૂકવાં જઈ રહ્યો હતો. બીજું કોઈ જવાં તૈયાર ન હતું. બધાંની જીદ્દ આગળ શિવાંશ પણ કંઈ બોલ્યો નહીં.
"તો તમે અહીં રાહીને મળવાં આવ્યાં છો." શિવાંશનાં ગયાં પછી આર્યને આયશા સામે જોયું. એ અંદર નાં જઈને ફરી બાંકડા પર બેસી ગઈ હતી.
"ડૉન્ટ કોલ મી આયશા...અને આ તમે તમે કરવાનું બંધ કર. હું એશી વર્ષની બુઢ્ઢી નથી. તો હવેથી તું કહેજે એન્ડ...આયશા નહીં એશ...કોલ મી એશ. મારાં બધાં ફ્રેન્ડસ મને એ જ નામથી બોલાવે છે." આયશાએ આર્યનની આંખોમાં જોયું.
"પણ આપણે તો ફ્રેન્ડ નથી." આર્યને આંખો ઝીણી કરી.
"પોઈન્ટ હૈ... લેકિન તું સોચતા બહુત હૈ. પણ હું ફ્રેન્ડસ બનાવતાં પહેલાં જરાં પણ વિચારતી નથી. સો નાઉ ફ્રેન્ડસ?" આયશાએ પોતાનો હાથ આગળ વધાર્યો. આર્યન વિચારમાં પડ્યો. કોઈને સરખી રીતે જાણ્યાં વગર ફ્રેન્ડ કેવી રીતે બનાવી શકાય? આયશાએ સાચું જ કહ્યું. આર્યન બધી બાબતે વિચારતો બહું. એટલે જ તેનાં ફ્રેન્ડસ પણ બહું ઓછાં હતાં. આમ તો તે મસ્તીખોર આર્યન...પણ ડિપલી વિચારવાની મોટી અને ગંભીર આદત.!
"ઓય! તું અમેરિકા રહીને આવ્યો હોય. એવું બિલકુલ નથી લાગતું." આયશાએ આંખો ઝીણી કરી, "મિત્રો બનાવતી વખતે બહું વિચારાય નહીં. કોઈ હાથ લાંબો કરે તો તરત પકડી લેવાય." કહીને આયશાએ આર્યનનો હાથ પકડી પોતાની મેળે જ શેકહેન્ડ કરી લીધું, "જો મિત્ર સારો નાં નીકળે તો પણ આપણે પ્રામાણિક રહેવું. ખરાબમાં ખરાબ વ્યક્તિ આપણી સાથે રહીને સુધરી જવો જોઈએ. બાકી બગડેલી તો આખી દુનિયા છે. હું પણ.!" કહીને આયશાએ આંખ મારી, "દુનિયા આપણને સમજશે એ કરતાં આપણે જ એવી રીતે રહેવું કે આપણને કોણ સમજે છે ને કોણ નહીં? એ વિશે આપણે વિચારવું જ નાં પડે. જ્યાં જઈએ ત્યાં આપણે આપણી અલગ દુનિયા બનાવી લેવી. લોકો શું આપણને પોતાની દુનિયામાં એન્ટ્રી આપે? આપણે આપણું વ્યક્તિત્વ જ એવું રાખવું કે લોકો આપણી લાઈફમાં એન્ટ્રી લેવાં આતુર થઈ જાય." એ હસતી રહી. આર્યન તેની બેફિકરાઈ જોઈ રહ્યો. શબ્દો સાથે તેને સારી રમત આવડતી. જેટલી દેખાતી તેનાં કરતાં વધું જ આકર્ષક છોકરી હતી. જીવનને પોતાનાં જ ઢંગથી જીવતી. કોણ શું વિચારશે? તેની આદતો અને બોલવાની રીત પર કેવી કમેન્ટ પાસ કરશે? તેની તેને કોઈ ચિંતા ન હતી. જીવનમાં આટલી બેફિકરાઈ... આર્યને પહેલીવાર જોઈ હતી. એ પણ એક છોકરીમાં....ભારતની છોકરીઓ ઉપર ઘણાં બંધનો હોય છે. અમુકને પિયરમાં જ બંદી બનાવી દેવામાં આવે છે. તો અમુકને સાસરે ગયાં પછી...મોડી રાત્રે ઘરની બહાર નાં જવું, દુનિયાનાં બધાં છોકરાં ગુંડા મવાલી હોય એમ છોકરાઓથી બચીને રહેવું, કપડાં આખું શરીર ઢંકાય એવાં પહેરવાં, ક્યારેક નોકરી, ક્યારેક લગ્ન, ક્યારેક કેરેક્ટર, ક્યારેક સપનાં, જેવી કેટલીયે બાબતો પર ઉઠતાં સવાલોનાં જવાબ આપવા. આવી તો કેટલીયે વાતો માત્ર છોકરીઓને જ લાગુ પડતી. એવાં સમાજમાં છોકરી માટે શાંતિથી, ખુલીને જીવવું થોડું મુશ્કેલ છે. ત્યાં આયશા જાણે આ બધી વાતોથી કોસો દૂર હતી.
"તું બધાંથી અલગ છે. સ્વભાવ પણ સારો મળતાવડો છે. તો આ સિગારેટ પીવાનું કારણ?" આર્યનનાં મનમાં આયશાને જોતાંની સાથે જ જે સવાલ આવ્યો હતો. એ અંતે પૂછી જ લીધો.
"ઠોકર...આટલે સુધી પહોંચવા માટે જીવનમાં બહું ઠોકર ખાધી છે." એ થોડી ગંભીર થઈ ગઈ, "ઠોકર વાગે ત્યારે એ આપણને શીખવા કે સમજવાનો સમય નથી આપતી. ત્યારે બસ એમાંથી નીકળી જવાનું કે આખી જિંદગી એ ઠોકરને યાદ કરીને વિતાવી દેવાની...આ બે જ ઓપ્શન હોય છે. જેમાં મેં નીકળી જવાનો ઓપ્શન પસંદ કર્યો." એ સહેજ હસી, "આ ઠોકર પેલી શોલે મુવીનાં ઠાકુર કરતાં પણ બહું હેરાન કરે. એમાંથી બહાર નીકળવા જાતને લોખંડ જેવી મજબૂત બનાવી પડે. ધગધગતી ભઠ્ઠીમાં એક વખત ખુદને હોમીને નવો જ આકાર લેવો પડે. જે મેં પણ લીધો." કહીને એ ફરી બેફિકર બની ગઈ, "મારી આ અમુક આદતો, વાતવાતમાં હસી દેવું, કોઈ પણ પરિસ્થિતિમાં બેફિકર રહેવું, આ મારો નવો આકાર છે. નવું જીવન છે. પહેલાં હું આવી ન હતી." એણે ફરી સિગારેટ સળગાવી. આર્યન બસ તેને જ જોઈ રહ્યો. આર્યન જે આંખોમાં દર્દ શોધી રહ્યો હતો. એ દર્દ તેની આંખોમાં નહીં પણ દિલમાં સમાયેલો હતો. જે આર્યનને હવે ખબર પડી.
"તને ખબર છે હું કોણ છું?" એણે અચાનક જ પૂછ્યું. હવામાં સિગારેટનાં ધૂમાડા છોડતી એ શૂન્યમાં તાકી રહી. આર્યને માત્ર 'નાં' કહીને જવાબ આપ્યો. એ વળતાં જવાબની પ્રતિક્ષા કરી રહ્યો.
"મુંબઈનો સૌથી મોટો જ્વેલરી શોરૂમ છે ને... તેનાં માલિક પન્નાલાલ હિરાણીની એકલૌતી દિકરી આયશા હિરાણી છું હું." કહીને એણે આર્યન સામે જોયું. આર્યનની તો આંખો જ ફાટી ગઈ. તેણે એ શોરૂમની એડ ટીવી પર ઘણી વખત જોઈ હતી. બોલિવૂડની મોટી મોટી હિરોઈનો તેમનાં શોરૂમના હિરા જડિત અને ગોલ્ડનાં ઘરેણાં પહેરીને ફોટોશૂટ કરી ચુકી હતી. જેનાં ફોટોગ્રાફ્સ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ મીડિયા સાઈટ્સ પર અવારનવાર દેખાઈ આવતાં. જે.પી. જ્વેલર્સ એક બહું જૂની પેઢી હતી. મુંબઈનું સૌથી ચર્ચિત અને વિશ્વાસુ નામ એટલે જે.પી જ્વેલર્સ... જગન્નાથ હિરાણી... પન્નાલાલ હિરાણીનાં પિતા વખતની આ પેઢી હતી. જે આજે ઘણી નામનાં કમાવી ચૂકી હતી. આર્યન એ શોરૂમનાં માલિકની દિકરી પાસે બેઠો હતો. એ વાત પર આર્યનને વિશ્વાસ જ નાં આવ્યો. આર્યન આયશાને નાં ઓળખ્યો. તેનું એક કારણ કદાચ આયશા તેનાં પપ્પાનાં નામનો દુનિયાની સામે ઓછો ઉલ્લેખ કરતી એ હતું. તેણે સોશિઅલ મિડિયા સાઈટ્સ પર એક પણ આઈડીમાં પોતે પન્નાલાલ હિરાણીની દીકરી છે. એવું બતાવ્યું ન હતું. ફેમિલી ફંકશનમાં પણ એ ગેરહાજર જ રહેતી. જેનાં લીધે આયશાને બહું ઓછાં લોકો ઓળખતાં. આયશા ખુદ આવી લાઈમ લાઈટથી દૂર રહેવા ઈચ્છતી હતી.
"તું પન્નાલાલ હિરાણીની દીકરી છે?" આર્યનને હજું વિશ્વાસ આવતો ન હતો.
"હાં, મિસ્ટર આરુ! હું પન્નાલાલ હિરાણીની દીકરી છું." તેણે આર્યનને શોર્ટ નામ પણ આપી દીધું, "એ જ પન્નાલાલ હિરાણી જે આખો દિવસ કેટલાંય બોડીગાર્ડઝથી ઘેરાયેલાં રહે છે. જેનાં શોરૂમનું નામ રોજને માટે મુંબઈનાં જાણીતાં ન્યૂઝ પેપર મુંબઈ મિરર, નવભારત ટાઈમ્સ અને સંદેશમાં રોજબરોજ ફરતું રહે છે." કહીને એ હસી, "તેમની એ નામનાં મને હજમ નાં થઈ. તેમની એ પોપ્યુલારિટીએ જ મને આવી બનાવી દીધી. બોડીગાર્ડનો આખો કાફલો પણ એ દિવસે મને બચાવી નાં શક્યો. મારાં પપ્પાની નામનાં મારાં નામ માટે કલંક બની ગઈ." કહીને તેણે ઉંડો શ્વાસ લીધો. આર્યન માટે બધું એક પહેલી જેવું બની ગયું હતું. અત્યાર સુધી તેણે સાંભળ્યું જ હતું કે દરેક ફેમશ વ્યક્તિનાં જીવનની એક કાળી બાજુ હોય છે. આજે આયશાની વાતોએ એ સાબિત કરી દીધું હતું. પણ આયશાનાં જીવનમાં શું થયું? એ હજું પણ એક સવાલ હતો.
"તમે બંને હજું પણ અહીં જ છો." આર્યન આયશાને વધું કંઈ પૂછે એ પહેલાં જ શિવાંશ આવી ગયો.
"તો અંદર જઈને કરવાનું શું?" આયશાનો લહેકો બદલી ગયો. થોડીવાર પહેલાં થોડી એવી ગંભીર બનેલી આયશા ફરી બેફીકર થઈ ગઈ.
"તું નહીં સુધરે." શિવાંશ સહેજ હસ્યો. એ સાથે જ આયશા પણ હસીને શિવાંશને ઉછળીને ભેટી પડી. તેનું શોર્ટ ટી-શર્ટ થોડું વધારે ઉંચુ થયું. તેની કમર પર કંઈક નિશાન દેખાયાં. દાઝ્યાનાં? કે બીજાં કોઈ? આર્યન દૂરથી કંઈ નક્કી નાં કરી શક્યો.
"તું અંદર જા. મારે થોડીવાર વૉક કરવાં જવું છે." આયશા હળવેથી શિવાંશથી દૂર થઈ. તેણે પોતાનું ટી-શર્ટ સરખું કર્યું. એ વખતે આર્યન તેને જ જોઈ રહ્યો.
"અત્યારે? વૉક પર?" શિવાંશે પોતાનાં હાથનાં કાંડે રહેલી બ્રાન્ડેડ વૉચ પર નજર કરી. રાતનો એક વાગ્યો હતો.
"એકલી નહીં જાવ. આર્યન સાથે આવશે." એણે આર્યનને પૂછ્યાં વગર જ કહી નાખ્યું. આયશાએ એકલી જાય છે. એવું કહ્યું હોત તો કદાચ શિવાંશને નવાઈ નાં લાગત. પણ એ આર્યન સાથે જાય છે એ સાંભળીને શિવાંશને નવાઈ લાગી. આર્યનને શિવાંશ ઘણો ખરો જાણી ગયો હતો. એ નિર્ણય ઝડપથી નાં લઈ શકતો. પણ દિલનો સાફ અને સમજદાર હતો.
"ખરેખર તું જવા માંગે છે?" આયશાએ તો આર્યનને પૂછ્યાં વગર ફરમાન જાહેર કર્યું હતું કે આર્યન તેની સાથે આવશે. પણ શિવાંશે પૂછી લીધું.
"હાં." આર્યને એકાક્ષરી જવાબ આપ્યો. આર્યન ખરેખર જવાં માંગતો હતો કે નહીં? એ તો એ પણ જાણતો ન હતો. પણ કદાચ તેનાં મનમાં ચાલી રહેલાં સવાલોએ તેને જવાં મજબૂર કર્યો હતો. આયશા શાં માટે આવી બની ગઈ? તે પહેલાં કેવી હતી? એ આર્યનને જાણવું હતું. બસ એનાં લીધે જ એ આયશા સાથે હોસ્પિટલ ગેટની બહારની તરફનાં રોડ પર ચાલવા લાગ્યો. શિવાંશ અંદર જતો રહ્યો.
આયશા અહીં રાહીને મળવાં આવી હતી. તે શિવાંશનાં જીવનમાં આવેલાં બધાં બદલાવોથી પરિચિત હતી. કોઈ પોતાનાં પ્રેમ માટે આટલી મોટી કુરબાની આપી શકે. એ વાત આયશાને માન્યામાં આવતી ન હતી. તેની હાલત પણ ક્યાંક આર્યન જેવી જ હતી. પ્રેમ શબ્દ આર્યનની જેમ આયશા માટે પણ થોડોક અઘરો હતો. પોતાનાં વિશે નાં વિચારીને કોઈ બીજાં વિશે વિચારવું કેટલી હદ સુધી સાચું કહેવાય? એ આયશા માટે સમજવું સહેલી વાત ન હતી. એટલે જ તે રાહીને મળવાં માંગતી હતી. શિવાંશ જેવું રાહી વિશે વિચારે છે. એવું જ રાહી પણ શિવાંશ માટે વિચારે છે કે નહીં? એ આયશાને જાણવું હતું. ખરેખર રાહીને મળવાં આવેલી આયશાને હવે આર્યનમાં રસ પડવા લાગ્યો હતો.
આયશાનો સ્વભાવ એકદમ નિખાલસ...તેની અને શિવાંશની મુલાકાત કોફી શોપમાં થઈ હતી. કમલ બિલ્ડીંગ, વોટરફિલ્ડ રોડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર આવેલું બોમ્બે કોફી શોપ....આયશાનું ફેવરીટ કોફી શોપ અને શિવાંશ માટે રાહીથી અલગ થયાં પછી પોતાનો વધેલો સમય વિતાવવા માટેની જગ્યા.!

"વન કૅપૅચીનો, પ્લીઝ." શિવાંશની રોજની નક્કી કરેલી કૅપૅચીનોનો તેણે ઓર્ડર આપ્યો અને તે ખાલી ટેબલની એક ચેર પર ગોઠવાયો.
"આઈ કૅન સીટ હીયર વિથ યૂ?" એક છોકરીનો મીઠો અવાજ શિવાંશનાં કાને પડ્યો. શિવાંશ રોજ એકલો જ બેસતો. એવામાં આજે કોઈ છોકરી તેની સાથે બેસવા માંગતી હતી. એ જાણીને શિવાંશે નજર ઉંચી કરી. તેની સામે મુંબઈનાં સૌથી મોટાં જ્વેલરી શોરૂમનાં પન્નાલાલ હિરાણીની દીકરી આયશા ઉભી હતી. એ જોઈને શિવાંશને સહેજ આશ્રર્ય થયું. શિવાંશ મુંબઈનો બિઝનેસ ટાયકૂન હતો. જ્યારે એ આયશાને મળ્યો ત્યારે એ બિઝનેસ છોડી ચૂક્યો હતો. એટલે બિઝનેસ ટાયકૂન હતો એમ કહેવું જ સહેલું પડે. બિઝનેસ ટાયકૂન હતો એટલે એ મુંબઈની બધી મોટી હસ્તીઓને ઓળખતો. કદાચ એટલે જ એક જ વખત એક પાર્ટીમાં પાંચ જ મિનિટ માટે પન્નાલાલ સાથે આવેલી આયશાને જોઈને શિવાંશ તરત જ તેને ઓળખી ગયો હતો. શિવાંશે હાથનાં ઈશારે જ આયશાને બેસવા કહ્યું. એ ધડામ કરતી બેસી ગઈ. તેણે પોતાનાં માટે ચોકલેટ બ્રાઉની ઑર્ડર કરી. એની બોડી વ્યવસ્થિત જ હતી. તો તેને કોઈ ડાયેટની જરૂર ન હતી. એટલે એ જીવનની જેમ ખાવાપીવામાં પણ બેફિકર દિલધડક છોકરી હતી.
"તને કેટલાં દિવસથી જોઉં છું. તું અહીં એકલો જ આવે છે." આયશાએ વાતની શરૂઆત કરી, "મુંબઈનો બિઝનેસ ટાયકૂન એ પણ આટલાં સાદા કપડામાં આ રીતે કોઈ સિક્યોરિટી વગર થોડું અજીબ લાગે નઈ.!" એ પોતાની નજરથી શિવા‌ંશને સ્કેન કરી રહી.
"મતલબ તું મને ઓળખે છે?" શિવાંશે કોઈપણ પ્રકારનાં ભાવ વગર પૂછ્યું.
"હાં, આઈ નો તું પણ મને ઓળખે જ છે." એ ચેરને ટેકો આપીને બેસી ગઈ, "તો હવે મુદ્દા પર આવીએ. તારી પણ મારી જેમ કોઈ કહાની ખરી?" એણે આંખો નચાવી. એટલામાં જ શિવાંશની કૅપૅચીનો અને તેની ચોકલેટ બ્રાઉની આવી ગઈ. એ તેને ખાવાં લાગી. બહું શોખથી ખાવાં લાગી. એને જોઈને કહી શકાય કે એ ફુડી હતી ખાવાની શોખીન.!
"મારી કહાની જાણીને તું શું કરીશ?" શિવાંશે કૅપેચીનોનો એક ઘૂંટ ભર્યો.
"હું તને મારી કહાની કહીશ." કહીને એ ખડખડાટ હસી. એને હસતી જોઈને શિવાંશ પણ હસી પડ્યો.
"જો તું મને ચાન્સ આપતી હોય તો જણાવી દઉં. હું કમિટેડ છું." કહીને શિવાંશ પણ ચેરને ટેકો આપીને આરામથી બેઠો, "અને હવે હું મુંબઈનો બિઝનેસ ટાયકૂન પણ નથી. હું હવે..."
"એક સાડીની દુકાન ચલાવે છે. મને ખબર છે." એ થોડી ગંભીર થઈ, "મારે બસ તારી કહાની જાણવી છે. કોઈ બિઝનેસ ટાયકૂન કોઈ નુકસાનીનો શિકાર થયાં વગર પોતાનાં ફ્રેન્ડ અને મેનેજર કહેવાતાં કોઈ છોકરાંને પોતાનો સંપૂર્ણ બિઝનેસ સોંપીને પહેલાં રેસ્ટોરાંમાં નોકરી કરે અને પછી સાડીની દુકાન ખોલીને બેસી જાય. એ પાછળ કોઈ તો રહસ્ય હોવું જોઈએ ને.! તો એ રહસ્ય મારે જાણવું છે." એણે ફરી આંખો નચાવી. એ પળમાં ગંભીર અને પળમાં બેફિકર થઈ જતી.
"હું કોઈને પ્રેમ કરું છું. એ મારાં પંદર વર્ષની તપસ્યા છે. જે આજે કદાચ પૂરી થઈ ગઈ હોત." શિવાંશ ઉંડો શ્વાસ લીધો, "હું એ તપસ્યા પૂરી કરવા જ ધૂળેટીનાં દિવસે તેની પાસે ગયો હતો. જ્યાં નિયતિએ કંઈક બીજું જ ગોઠવી રાખ્યું હતું. ત્યાં મારી સામે ભૂતકાળનાં અમુક પાસાં ખુલ્યાં. મારાં ભાવિ સસરાએ એક શરત મૂકી. જેમાં મારે મારો બિઝનેસ છોડીને પોતાનું કોઈ કામ કરવાનું હતું. તો એ શરત માટે જ આ રવાડે ચડ્યો છું. વો કહેતે હૈ નાં પ્યાર ચાહે તો સબ કરવાં શકતાં હૈ. તો એ કરી રહ્યો છું." કહીને એ હસ્યો.
"મને લાગ્યું જ હતું." જાણે તેની ધારણાં સાચી પડી હોય એમ તેણે ટેબલ પર હાથ પછાડ્યો.
"તો હવે તારી ટર્ન." શિવાંશ પણ આયશા વિશે જાણવાં માંગતો હતો. એણે પણ આયશાનાં બંને રૂપ જોયાં હતાં. તો બીજાં રૂપ પાછળનું રહસ્ય તેને પણ જાણવું હતું.
"મારો જવાનો સમય થઈ ગયો. મારી કહાની બીજી કોઈ વખત." એ અચાનક જ ઉભી થઈ ગઈ. સમય અને આયશાને દૂર દૂર સુધી કોઈ સંબંધ ન હતો. ખરેખર શિવાંશ તેને સારો છોકરો લાગ્યો. એટલે તેની સાથે મુલાકાતો વધારવા માટે આયશા જુઠ્ઠું બોલી, "આ કોફી શોપ, હું અને તું ત્રણેય અહીં જ છીએ. હું અને તું બંને અવારનવાર અહીં આવીએ છીએ. તો ફરી કોઈવાર મારી કહાની કહીશ." એટલું કહીને એ ચાલતી થઈ ગઈ. દરવાજે પહોંચતા જ ત્યાં ઉભેલા બે બોડીગાર્ડ તેની પાછળ ચાલતાં થયાં. આયશાને આ બિલકુલ પસંદ ન હતું કે કોઈ સતત તેને ઘેરીને રહે. છતાંય પન્નાલાલનાં કડક નિયમોનું પાલન કરતાં આયશાએ બે બોડીગાર્ડને રોજ સહન કરવાં પડતાં. છતાંય એ કોઈપણ જગ્યાએ જાય. તે બોડીગાર્ડને બહાર જ રાખતી. અંદર આવવાં નાં દેતી. દરવાજા સુધી બંને બોડીગાર્ડ આયશાની પાછળ આવે. આયશા અંદર જાય. બોડીગાર્ડ બહાર ઉભાં રહે. આયશા બહાર નીકળે એવાં જ બોડીગાર્ડ તેની પાછળ ચાલવા લાગે.
શિવાંશ સાથે ફરી વાત કરવાનો મોકો મળશે. એ વાતે આયશા ખુશ હતી. તેનાં જીવનમાં મિત્રોની કમી ન હતી. છતાંય તેને નવાં મિત્રો બનાવવાનું પસંદ હતું. શિવાંશને પણ આયશા મિત્રની નજરથી જ જોતી હતી. પ્રેમ સાથે આયશાનો કોઈ સંબંધ ન હતો. પણ પ્રેમ માટે શિવાંશે જે કર્યું હતું. એ વાત આયશાનાં મનમાં બેસી ગઈ હતી. લાડકોડથી ઉછરેલી આયશાને સુખ સગવડની કોઈ કમી ન હતી. પણ ઘરમાં કોઈને આયશા સાથે બે મિનિટ વાત કરવાં જેટલો સમય નાં રહેતો. આયશાને એ વાતનો ખટકો હતો. બધાં પોતાનામાં જ વ્યસ્ત રહેતાં. એવામાં આયશા વધું સમય બહાર જ રહેતી. નવાં નવાં ફ્રેન્ડસ બનાવીને પાર્ટી કરતી અને મોડી રાતે ઘરે જતી. આવું કરવાં તેને તેનાં પોતાનાં જ પરિવારે મજબૂર કરી હતી. રૂપિયા, બોડીગાર્ડ અને બીજી કેટલીયે ફેસિલીટી હોવાં છતાં આયશા પોતાનાં જીવનની એક કાળી રાતને આજેય ભૂલાવી શકતી ન હતી. શિવાંશ અને આયશાની એ કોફી શોપમાં પહેલીવાર થયેલી વાતચીત પછી બંનેની ઘણી વખત એ જ કોફી શોપમાં અવાર-નવાર મુલાકાત થતી. પણ આયશાએ આજ સુધી શિવાંશને એ કાળી રાત વિશે કહ્યું ન હતું.



(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ