ક્ષિતિજ ની પેલે પાર Jaydeep Buch દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્ષિતિજ ની પેલે પાર

જન્મે ઓસ્ટ્રેલિયન, બાળપણ ફિજીમાં અને કર્મે બ્રિટિશ એવા લેખક એલેક્ષાંડર ફ્રેટર ની બુક ‘Beyond the Blue Horizon’ નો અનુવાદ નામે ‘ક્ષિતિજ ની પેલે પાર’ થી અહીંયા રજુ કરું છું. . આ પ્રવાસકથા માં લેખક લંડનથી સિડની જવા એ વિમાનમાર્ગે નીકળે છે જે ક્યારેક ખુબ પ્રચલિત હતો અને લંડન થી સિડની પોંહચતા ક્યારેક 2 અઠવાડિયા થી વધુ નો સમય થતો. ઇમ્પિરિઅલ એરવેયઝ ના વિમાનો લંડન - સિડની વચ્ચે ઘણા બધા સ્થળોએ રોકાઈ ને પ્રવાસ કરતા. વતનઝુરાપા ને હળવો કરવા માટે લેખક ને ફરી પાછી વિમાન મુસાફરી કરવાનું મન થાય છે અને એ અનુભવો માંથી આ પ્રવાસ કથા સર્જાય છે. તમે પણ કથા માણૉ:

આમુખ :


વિમાન ઉડ્ડયન સાથેનો મારો પ્રથમ પ્રેમ કહો કે લગાવ જે કહો તે મારા નવમા જન્મદિવસના થોડા દિવસો પહેલા, 31 ડિસેમ્બર 1946 ની વહેલી સવારે શરૂ થયો. હવે જે દંતકથા સ્વરૂપ થઇ ગયું છે તેવા એક તોતિંગ એમ્પાયર વિમાનમાં બેસીને હું મારા કુટુંબ સાથે સિડની ઓસ્ટ્રેલિયાના રોઝ એરબેઝ થી ફીજી ટાપુઓ પહોંચ્યો હતો અને હું તીવ્રતાથી વિમાનો, તેની ઉંચી ઉડાન અને એન્જિનની ઘરઘરાટી વગેરે વસ્તુઓના એવા તો ગજબ પ્રેમમાં પડી ગયો કે આજે પણ જેમ રખડુ રોમિયો દરેક પસાર થતી જુવાન સ્ત્રીને લાલચુ આંખે જોયા કરે તેમ જ હું કોઈપણ વિમાનની ઘરેરાટી અને ઉડાન ને તીવ્ર ખેંચાણ પૂર્વક જોયા કરું છું.


હું વિમાનોને પ્રેમ કરવા બાબતે મારી જાતને હજુ પણ રોકી શકતો નથી . મારા પિતા ફીજી ટાપુઓ માં નવી નોકરી શરુ કરવા જઈ રહ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ ની યાતનાઓ પુરી થયા પછી અમારું કુટુંબ ફરી પાછું ફીજી ટાપુઓ પર એક સાથે રહેવા અને એક નવી શરૂઆત કરવા જઈ રહ્યું હતું. મને બરાબર યાદ છે કે ભળુભાંખળું થયું ત્યારે પેસિફિકના શાંત પાણીમાંથી અમને કોઈ મોટરલોન્ચ અમારા વિમાન સુધી હંકારી ગઈ હતી. વિમાનના સુધી જવાનો માર્ગ નાની નાની દિવાબત્તીઓથી ઝળહળતો હતો. વિમાનની કોકપીટમાં પણ લાઈટ ચાલુ હતી. મેં જોયું કે વિમાનના ઉપલા ડેકમાં વિમાનનો સફેદ વાળવાળો તેમ જ મજબૂત બાંધાનો કેપ્ટન એના સહાયકો સાથે સવારની ચા ની ચુસ્કી લગાવી રહ્યો હતો.

મેં જોયું કે એ મહાકાય વિમાનના મોરા ઉપર વિમાનનું નામ કોરિયોલિનસ ચિતરેલ હતું. અને થોડા પાછળના ભાગ માં મોટ્ટા ઘાટા અક્ષરે ‘ક્વોન્ટાસ એમ્પાયર એરવેઝ’ લખેલ હતું. વિમાનની પૂંછડીના ભાગે વિમાનનો રજીસ્ટ્રેશન નંબર VH -ABG જણાવેલ હતો. ’કોરિયોલિનસ એ શેક્સપિઅરે લખેલ એક ગૌણ નાટક હતું જેમાં એ નામના એક પ્રતિષ્ઠિત રોમન લશકરી અધિકારીને એના અહંકાર ને કારણે દેશનિકાલ કરવામાં આવે છે’, મારી માંએ ધીમા અવાજે મને વિમાનના નામ વિષે ઐતિહાસિક બાબતની સમજ આપી.

આખા આકાશના તારાઓને ઢાંકી દેતી ઉંચી અને પહોળી પાંખોની નીચે થઈને અમે વિમાનની સીડીઓ તરફ આગળ ચાલ્યા. બંદરના ધક્કા ઉપર વિમાનનું પ્રકાશિત પઠાણ આરામથી પાણીમાં ઝૂલતું હતું. સલામતી માટે વિમાન પૂંછડીની ટોચ ખુબ બધા વાયરો વડે બંધાયેલી હતી. જાણે કે બાળપણમાં બંને હાથની આંગળીઓ માં આપણે દોરીઓ વડે મોરપગલાં ન ગુંથ્યા હોય! સીડી પરથી અમે લગભગ ઘુટણભેર થઈને વિમાનના નાના અને ઉપરથી વળેલા બારણાં તરફ આગળ વધ્યા. કૉફી, પેટ્રોલ, ગ્રીઝ, મીણ વગેરે વિધવિધ ગંધો વડે મારુ નાક ભરાઈ ગયું. મને લાગ્યું કે કોઈક ખાસ મિશ્રણ વાળી આ ગંધ ભૂરા આકાશમાંથી જ આવતી હોવી જોઈએ.વિમાનનો મુખ્ય ભાગ જેમાં બેસીને અમારે મુસાફરી કરવાની હતી તે જાણે પાણીના વહાણમાં જેમ અલગ કેબિનો બનાવવામાં આવી હોય તેમ બે વિભાગો માં વહેંચાયેલો હતો.અમારી સામેની કેબિનમાં સૂટ બુટ માં સજ્જ એવો એક ઉંચો પાતળો અને ખભેથી આગળ તરફ ઝૂકી ગયેલ અંગ્રેજ બેઠો હતો. એ એટલો બધો પાતળો હતો જાણે એનું શરીર સળેકડીઓ વડે બનેલું હોય. વિમાનની પરિચારિકા અને બાકીના તમામ અધિકારીઓ આ માણસ સાથે બહુ જુદી અને વિવેકી રીતે વર્તતા હતા. આ માણસને તેઓ ‘સર બ્રાયન’ ને નામે સંબોધન કરતા હતા. મારા પિતાએ જણાવ્યું કે એ ‘સળેકડી’ એ બીજું કોઈ નહિ પણ ફીજી ટાપુ નો ગવર્નર છે અને સિડનીમાં કોઈ અંગત મુલાકત પતાવીને ફીજી પાછો ફરી રહ્યો છે. અને ‘સર બ્રાયન’ ની ચાપલુસી કરી રહેલ ઓલો ચંબુ એ વિમાન કંપનીનો કારકુન છે.

વિમાનની પરિચારિકાએ અમને પીપરમિન્ટની ગોળીઓ ગળવા આપી. જાણે તેને ખબર પડી ગઈ હોય કે અમે પહેલી જ વાર વિમાનમાં મુસાફરી કરી રહ્યા છીએ એમ એણે અમને જણાવ્યું, “ઉડાન શરુ થાય ત્યારે આ પીપરમિન્ટ ચગળવાની ચાલુ કરજો. તમારા કાનના પડદા સલામત રહેશે.” બસ, થોડી વાર પછી મહાકાય એવા ચાર ચાર પીંગેસસ એન્જિનનોની ઘરઘરાટી ચાલુ થઇ. ઓલો કારકુન ઝડપથી બંદર ઉપરના લંગર ને છોડવા દોડી ગયો. થોડું ડાબે તો થોડું જમણે એમ ધીમેથી અને થોડી અસ્થિરતાથી એમ્પાયરે પાણી ઉપર સરકવાની શરૂઆત કરી. પાણીમાં નમેલી વિમાનની મહાકાય પાંખોની થપાટ ને લીધે બંદર નો ધક્કો ઘડીક પાણી માં ડૂબી જતો તો ઘડીક પાણી માં થી કેટલાક ઇંચ બહાર દેખાતો. પાણીમાં ફીણ અને પરપોટા થવાની શરૂઆત થઇ. મારા પિતા ઘણા વર્ષો દક્ષિણ પેસિફિકમાં આવેલ અમેરિકન નૌકા સેનાના મથકની નજીકમાં જ એમની હોસ્પિટલમાં કામ કરતા હતા.તેમને પોતાના રોજિંદા કામકાજ દરમ્યાન અમેરિકન વિમાનોને પાણીમાંથી ઉડતા અને ઉતરતા જોવાનો ઘણો અનુભવ હતો. તેમણે જણાવ્યું કે આજે પાણી ખુબ શાંત હોવાને લીધે વિમાનને ઉપર ઉઠાવવામાં થોડી તકલીફ પડશે.

પાઇલોટે પહેલા તો વિમાનને કૃત્રિમ બળ વાપરી ને ચલિત કર્યું. એન્જિનની મદદથી પાણીમાં ઘુમરીઓ પેદા કરી જેને લીધે પાણી ની સાથે ચોંટી ગયેલા વિમાનનું તળિયું થોડું છૂટું પડ્યું અને પાણી અને વિમાનના તળ વચ્ચે ઘર્ષણ પેદા થવાથી અને પાણીમાં વમળો પેદા થવાથી વિમાન બંદરના ધક્કાથી દૂર જવા લાગ્યું. તકનો લાભ લઈને કેપ્ટને થ્રોટલ પૂર્ણ તાકાત થી દબાવીને વિમાનને ખુલ્લા સમુદ્રમાં આગળ હંકાર્યું. પુરા જોશ સાથે આગળ વધવાની સાથે જ એમ્પાયર ના તળ માં સમુદ્રનું લીલું પાણી ધસી આવ્યું. વિમાનની લાઈટોના પ્રકાશ ને લીધે પાણીમાં મેઘધનુષ રચાતું હતું. બસ, હવે અમે ગાજવીજ સાથે ખુલ્લા સમુદ્રમાં આગળ વધ્યા. થોડી વાર ચારે બાજુ પાણીની ઉંચી ઉંચી દીવાલો રચતુ વિમાન હવે તેના મોરા પાસેથી ઉચકાયું. વિમાન જેમ જેમ ઊંચે ચડવા લાગ્યું તેમ તેમ અમારી બારીઓમાંથી દેખાતું પાણી નું સ્તર ઘટવા લાગ્યું જાણે કે કોઈએ માછલીઘર ખાલી કરી દીધું હોય. અમે હવે ઘણા ઉપર ઉઠી ને ચોખ્ખુ ગુલાબી આકાશ જોવા પામ્યા. આખરે એમ્પાયર ચોખ્ખી હવામાં ઉડયું. પાણીનું ધુમ્મસ ઓછું થયું. મેં બારીમાંથી નીચા નમીને રમકડાં જેવું અને પળે પળે નાનું ને નાનું થતું જતું સિડની શહેર જોયા કર્યું. જાણીને અચરજ થયું કે અત્યારે તો સિડનીના રહેવાસીઓ રજકણ જેવા ભાસે છે. આ અસાધારણ પળે મને ભાન થયું કે પ્રભુ કોઈ સામાન્ય ગોવાળ નહીં પણ અભ્યાસુ જંતુશાસ્ત્રી હોવો જોઈએ, જે પૃથ્વીના તમામ રહેવાસીઓ અને નિર્જીવ જગતનું અદભુત સંચાલન કરે છે!

વિશાળ, સુંદર અને સર્ફિંગ માટે ના સ્વર્ગ સમાન એવા બ્રિસબેન ના સમુદ્રકિનારે અમે બળતણ ભરવા માટે ઉતર્યા. ત્યારબાદ તરત જ અમે પેસિફિક માં આવેલ ફ્રેન્ચ સંસ્થાન ન્યુ કેલેડોનીઆ તરફ ઉડ્યા. અમે રાતવાસો એ ફ્રેન્ચ સંસ્થાનમાં જ કર્યો અને બીજા દિવસે ફ્રેન્ચ પ્રજાની સાથે અમે નવા વર્ષના સૂર્યોદયને વધાવ્યો. વિમાનના કૃ સભ્યો પણ, અલબત્ત થોડા મોડા ઉઠીને, નૂતન વર્ષની ઉજવણીમાં સામેલ થયા. હવે પછી અમારે અમારો આખરી મુકામ ફીજી ટાપુઓ તરફ ઉડવાનું હતું.


વિમાન ખરેખર ધીમી ગતિએ ઉડતું હતું. મુસાફરી પણ ખૂબ લાંબી હતી. જો કે મને કે મારી બહેનને જરાય કંટાળો નહોતો આવતો. અમે વિમાનના કૃ સભ્યોની મદદ માટે દોડી જતા. ભોજન લીધા બાદ અમે બંને વાસણો સાફ કરવામાં મદદ કરતાં. બીજા દિવસે અમને વિમાનના ચાલકોને મળવાનો મોકો પણ મળ્યો. એ વિમાનચલાકની જગ્યા! મોટું ઉજાસ વાળું કાચઘર. એ આકાશી ઘરની અટારીએ બેસીને ગજબ નું સુંદર, અપ્રીતમ, વાદળો થી ભરેલ , અને પેસિફિક ઉપર પડતા અને પરાવર્તિત થતા સૂર્યપ્રકાશને કારણે દેખાતું ભૂરું આકાશ જોઈને તમે અચંબિત થઈ જાઓ.