ફેફસાં એક મંદિર Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેફસાં એક મંદિર

ફેફસાં એક મંદિર

આ તો એક મઝાક કે, ‘દિલ એક મંદિર’ ની જગ્યાએ ‘ફેફસાં એક મંદિર’ રાખીએ તો..? શબ્દો ક્યાં કોઈના ગુલામ છે..? શબ્દો ઉપર તો જગતનો વ્યવહાર ને કારોવાર ચાલે..! માત્ર પોતીકા સ્વાર્થ માટે શબ્દો વાપરવાની આવડત જોઈએ, રાવણ શ્રી રામ જેવો લાગવા માંડે, ને શ્રી રામ રાવણ બની જાય..! માણસ અંદરથી ભલે ખોખલો કે ખોરો હોય, વાણી અને પાણી જ જોઈએ. બધું જયશ્રી કૃષણ થઇ જાય..! આપોઆપ અંજળપાણીની વૃદ્ધિ થઇ જાય થાય..! મારે હાસ્ય-કથા કરવી છે, આ દિલ શબ્દની..! આ દિલ શબ્દ ઉપર આમ જુઓ તો ખુલ્લેઆમ ‘બળાત્કાર’ થતો આવ્યો છે. કવિ, કલાકાર અને ફિલ્લમવાળાએ તો છડેચોક ઉપયોગ કરીને કચ્ચરઘાણ કાઢી નાંખ્યો..! જેટલો દિલનો ઘાણ કાઢ્યો, એટલો જઠર-આંતરડા-કલેજું-કાન-કપાળ કે ફેફસાંનો કાઢ્યો નથી. યાર, શરીરમાં ઢગલાબંધ અંગ-ઉપાંગ આવેલાં છે. એમને પણ અડફટે લીધાં હોત, તો કયો ખજાનો લુંટાઈ જવાનો હતો..? ફિલ્લમના ગાયનોમાં કેમ કીડનીનો, આંતરડાનો, વાંહાનો, કે, ઢીંચણનો ઉપયોગ કરતા નથી? કોઈએ એવી ફિલ્લમ બનાવી કે, ‘કીડની હૈ કી માનતા નહિ...!’ ‘ ઢીંચણ દિયા દર્દ લિયા’ કે દિલકે રિશ્તે ને બદલે ‘વાંહા કે રિસ્તે’ વગેરે વગેરે ! આ તો એક વાત..! જ્યાં જુઓ ત્યાં ‘દિલ’ શબ્દનો કાંદા-બટાકાની માફક જ ઉપયોગ થયો છે..! ‘દિલ હૈ કી માનતા નહિ’ ને બદલે ‘ફેફડાં હૈ કી માનતા નહિ’ લીધું હોત તો..? ‘દિલ એક મંદિર’ ને બદલે ‘જઠર એક મંદિર’ રાખ્યું હોત તો..? ‘ચોરીચોરી’ ફિલ્મનું ખુબ ચગેલું ગીત, ‘રસિક બલમા દિલ કયું લગાયા’ ને બદલે ‘રસિક બલમા ટાંગ કયું લગાયા’ ચલાવ્યું હોત તો..? જ્યારે જ્યારે કસ્સમ ખાવાની વાત આવે ત્યારે કોઈએ એવાં સોગંદ ખાધાં નથી કે, ‘તારી બગલના સોગંદ ખાયને કહું છું કે, મારી રાશી ભલે મમતા બેનરજીવાળી હોય, પણ હું બરડાથી માનું કે, મારો પ્રેમ તો ફલાણા માટે જ ઉભરાય..! પીઝા ને બર્ગર ઉલેળતા હોય, એમ લોકો આજકાલ દિલનો ઉપયોગ કરે છે દાદૂ..! હરામ્મ બરાબર જો કોઈએ, આંખ-કાન-કમર-છાતી-પીઠ-બરડા કે ડોઝણાના કસ્સમ ખાયને પ્રેમના એકરાર કરી ખાબોચિયાં ભર્યા હોય તો..! સાલું શમણું આવે તો પણ દીલદારનું જ આવે..! એની ગુદગુદી પગના તળિયામાં કે ઢીંચણમાં નહિ થાય, દિલમાં જ થાય..! હે પ્રેમ-પાગલો..! હૃદયની બાજુમાં જ કચ્છના રણની માફક ફેલાયેલા બબ્બે ફેફડાં આવેલા છે, ક્યારેક એના પણ સોગંદ ખાયને ટ્રાય તો કરી જુઓ..? ખાત્રી થાય કે, ફેફડાં કેવાંક રંગ લાવતા હૈ..!

આજકાલના શમણા પણ કમાલના છે યાર..! ગંગારામ જાણે કે સુતી વખતે આ લોકો કયું વાવેતર નાંખતા હોય, પણ અમુકને તો ઊંઘ પહેલાં જ ફાલુદા જેવાં સ્વપ્ના આવવા માંડે..! આપણને તો ઘરવાળીનું સ્વપ્નું આવવાને બદલે હિપોપોટેમસના પણ સ્વપ્ના નહિ આવે..! (કોઈને ઘરવાળીના સ્વપ્ના આવતા હોય તો, નસીબદાર કહેવાય..!) સમજમાં નથી આવતું કે, આ સ્વપ્નાઓનું પાર્સલ કરે છે કોણ..? માણસ છત્તર-પલંગ ઉપર સુએ કે ભોંય પથારી કરીને સુએ, કોઈ ફેર નહિ પડે. સવારે આવવાનું ચુકી ગયા હોય તો, ‘લેટ-લતીફ’ ની માફક બપોરે ‘વામકુક્ષી’ ટાણે પણ શમણું આવે..! આ બધાના કારણ જાણવા વૈજ્ઞાનિકો હજી પાકેલી દાઢી ખજવાળે છે..! આ પણ બધાં વાવાઝોડાં જ કહેવાય, જેને તૌકાતે ને બદલે દિલના ’ઔકાતે’ નામ આપીએ તો ચાલે..! અમુકને તો ભર-બપોરે પણ ફાલુદા જેવાં એવાં ‘ટેસ્ટી’ સ્વપ્ના કે ઊંઘવાનો પણ ઓવરટાઈમ ખેંચી નાંખે..! સુકા બાવળના થડમાં પણ કુંપણ ફૂટવા માંડે..! જેવાં જેના નસીબ, ને જેવાં જેના વિશાળ હૃદય..! સૌ સૌના નસીબનું ભલે રળી લેતાં..! એમની અદેખાય કરીને, આપણે શું કામ આપણી જાતને બાળવી જોઈએ? એક વાત પાક્કી કે, ફલાણા માતાજીનાં પરચાનો સંદેશો સાત જગ્યાએ પહોંચાડવા માટે, ૨૧ પોસ્ટકાર્ડ લખશો, તો આવતા મંગળવારે રમેશ ચાંપાનેરીનું શમણું મળશે, એવું ગતકડું સ્વપ્નમાં આવતું નથી..! અમુકના ચહેરા બોસ. ફોટામાં જ સારા લાગે, એવું હૃદયનું છે..! શરીરને હૃદયમાંથી છુટું પાડીને કાચના વાટકામાં આપ્યું હોય તો, દિલ જોઇને પહેલવાન પણ હલી ગયો હોત.! ફેફસાં આદિકાળથી હૃદયના પાડોશી છે. છતાં, કવિઓએ ફેફસાં કરતાં દિલને જ વધારે લાડ લડાવ્યાં..! પ્રેયસીએ કે કોઈ ‘પ્રેયસા’એ ફેફડાંના સોગંદ ખાઈને ક્યારેય ‘લવ-ઓર્ડર’ આપ્યા કે લીધાં નથી. એકપણ લુખેશે એવું ના કહ્યું હોય કે, ‘મારા ફેફડાંના સોગંદ ખાયને કહું છું કે, I LOVE YOU મેરી જાન..!’ ક્યાંથી કહે યાર? પોપટને બદલે, કાગડાને, કોઈ ‘કાગડા મીઠ્ઠું’ થોડું કહેવાય..? આજે જથ્થાબંધ લોકો ખોબા જેટલાં દિલમાં દરિયો ભરીને ઠલવાયેલા છે.

એક કવીએ સરસ કહ્યું છે કે, “મુઠ્ઠીભર હૈયું ને ખોબાભર પેટ, મુદ્દા તો બે જ પણ કેટલી બધી વેઠ..!” એમાં કોરોનાએ તો ફેફસાંને ટોપ ઉપર જ મૂકી દીધું યાર..! દિલ ગરીબીની રેખા નીચે ચાલી ગયું. જાણે કે, શરીરમાં પણ 'પ્રાદેશિક' લડાઈ ફાટી નીકળી..! દિલનાં ભાવને ગગડાવી નાંખવાની રીતસરની હોડ જ ચાલી. ભારત-પાકિસ્તાન-ચાઈનાની માફક પાડોશી દેશો એક જુથ થયાં હોય એમ, દિલ નોંધારું બની ગયું ને ‘ફેફડાં’ હીરો બની ગયાં. ફેફડાંઓને કોઈએ એવું ચઢાવી માર્યું કે, ‘ શ્વાસ આપવા માટે તું ધમી-ધમીને બેવડ વળી જવાનો, પણ માર્કેટમાં તો વાહવાહી દિલની થાય છે..! પાડોશીને લડાવી મારવાનો ખાનદાની ધંધો શરીર પણ થોડો છોડે..?

કસ્સમથી કહું કે ફેફસું કે હૃદય, એ બે માંથી એકેયને મેં સાક્ષાત કે સ્વપ્નમાં પણ જોયું નથી. ઉપરથી જેવું પાર્સલ આવેલું તેવું જ અકબંધ છે.! જો કે, ઉપરવાળાના પાર્સલમાં શંકા પણ શું રાખવાની..? ડુપ્લીકેટ માલ તો હોય જ નહિ. જેમ આપણે રહ્યા સ્વમાની કે, મારું મોઢું જોવાની જો દિલને દરકાર ના હોય, તો ફેફસાં-હૃદયનું મોઢું જોવાની આપણને શું પડી છે..? મારા દિલ સાથે, ભલભલા(લી) રમત રમી ગયા હશે, બાકી મન મુકીને મારા હૃદયનો ખેલંદો હું બન્યો નથી. મને એટલી જ ખબર કે, મારા શરીરના ડાબા ખૂણે કંઈક ધબકે છે ખરું..! એ કેટલું વપરાયું, કેટલું બગડ્યું, ને હવે કેટલાં કિલોમીટર એના બાકી રહ્યા, એનો કોઈ અંદાજ નથી. એમાં કંઈ એક્ષ્પાયરી ડેઇટ જેવું થોડું આવે..? ગાડી સર્વિસ કરાવીએ એમ, હૃદયને સર્વિસ કરાવવાનું મન થાય, તો હાર્ટ સ્પેશ્યાલીસ્ટ પાસે જઈ આવવાનું. જો કે સર્વિસ કરાવવા માં ડર તો લાગે દાદૂ..! રખે ને દિલમાં રહેલા કોઈ કોંધા-કબાડા ખુલ્લાં પડી ગયાં તો..? કબાડા કંઈ જઠરમાં થોડાં હોય, હૃદયમાં જ હોય ને..? પણ થયું એવું કે, ઉપરવાળાની ઉપરવટ જઈને એકવાર હૃદય ખોલાવ્યું તો, હૃદય જોઇને ડોકટરે પોતાના હાથ ખંખેરવાને બદલે, મને ખંખેરી નાંખ્યો. મને કહે કે, ‘તારા હૃદયમાં કંઈ લેવાનું નથી. એ ધબકે છે એટલું જ બાકી, ટ્રેનમાં લટકતાં મુસાફરની માફક, હૃદય સાથે એટલાં બધાં તારાં ‘ચાહકો’ ટીંગાયેલા છે કે, ક્યારે તૂટી પડે, એનું નક્કી નહિ..! બાકી, તારાં ફેફડાં મજબુત ને તંદુરસ્ત છે..! ફેફડાં ભલે ડબલ હોય, માત્ર અશોકના શિલાલેખની માફક વગર સંવેદનાએ આડા પડીને પથરાયેલા જ છે. કોઈને ‘હાર્ટલી લવ યુ’ કહેવાને બદલે, એમ કહ્યું નથી કે, “ આઈ ‘ફેફડાલી’ લવ યુ..! કહેવા જઈએ તો, ધોતિયા ઉપર ટાઈ બાંધીને વેલેન્ટાઇનની મઝા માણવા નીકળ્યા હોય, એવું લાગે..! પેટ છૂટી વાત કરું તો, લોહી-લાગણી-લવ-સંવેદના-તિરસ્કાર-લોભ-લાલચની ફેકલ્ટીમાં તો દિલની દાતારી જ ચાલે, બાકી ફેફસાંની ચાંચ ટૂંકી પડે..! ફેફ્ડું હૃદયનું પાડોશી ખરું, પણ અયોધ્યામાં રહેતી મંથરા જેવું..! એટલે તો એટેક દિલને જ આવે. ફેફડાંને એટેક આવ્યો હોય, એવું ક્યારેય સાંભળવામાં આવ્યું..?

-----------------------------------------------------------------------------------------




( રમેશભાઈ ચાંપાનેરી ' રસમંજન ' )