૨૯.મુશ્કેલ ઘડી
મુંબઈનાં રાશિ સાડી એમ્પોરિયમની અંદર સારી એવી ભીડ જામી હતી. દુકાનની અંદર સાડીઓનો ઢગલો પડ્યો હતો. જેને બધી સ્ત્રીઓ ઘેરીને બેઠી હતી. જેમાં થોડીઘણી છોકરીઓ પણ હતી. સમયાંતરે દાઢી ન થવાથી પ્રમાણમાં વધીને ઘાટી થયેલી દાઢીવાળો છોકરો એ બધી સ્ત્રીઓને સાડીઓ બતાવીને તેની ક્વોલિટી જણાવી રહ્યો હતો. બધી સ્ત્રીઓ અને છોકરીઓ સાડી કરતાં વધારે એ છોકરાંને જોઈ રહી હતી. બ્લેક શર્ટ અને બ્લૂ લોફર જીન્સ પહેરેલો એ છોકરો જોતાં જ કોઈનાં પણ દિલમાં વસી જાય એવું વ્યક્તિત્વ ધરાવતો હતો. તેની કથ્થઈ રંગની આંખો અને જમણાં આઈબ્રોની ઉપર રહેલું તલ બધાંને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું હતું. એમાંય તેની સ્માઈલ પર તો લાખો છોકરીઓ પોતાનું દિલ તેને સોંપી દે, એવી કાતિલ તેની સ્માઈલ હતી.
આ બધાં દ્રશ્યની વચ્ચે રાશિ સાડી એમ્પોરિયમનાં કાચનાં બનેલાં દરવાજામાંથી એક છોકરી અંદર પ્રવેશી. પાંચેક ફૂટ જેટલી ઉંચાઈ, ઘઉંવર્ણો વાન, આંખો પર કાળાં ચશ્માં, બ્લૂ એન્કલ જીન્સ અને ઉપર શોર્ટ સફેદ કુર્તી પહેરી હતી. ગળાની ફરતે વીંટાળાયેલો રંગબેરંગી દુપટ્ટો એ સફેદ કુર્તીને વધું સારો દેખાવ આપી રહ્યો હતો. એમાંય ગળામાં ઝુલતૂ કાળાં દોરામાં પરોવેલુ દુર્ગા માઁ નું પેન્ડન્ટ અને એંકલ જીન્સનાં કારણે તેનાં ડાબા પગનાં કાંડામાં કાળાં દોરામાં ઝૂલતી બે કોડીઓ વચ્ચે રહેલું એક ઝુમખુ, જેમાં ઘુઘરીઓ લાગેલી હતી. તે એ છોકરીનાં પગનાં હલનચલન સાથે જ એક રણકાર ઉત્પન્ન કરતું હતું. જેનાં લીધે રાશિ સાડી એમ્પોરિયમમાં મોજુદ બધાનું ધ્યાન એ તરફ ખેંચાયું. તેનાં વાળની અમુક લટો આછાં લાલ રંગ વડે રંગાયેલી હતી. જે તેને મોર્ડન લૂક આપતી હતી. પણ તેનાં શણગારને જોઈને તે કાઠિયાવાડી નજરે ચડતી હતી. કપાળમાં લાગેલી બિંદી, હાથની આંગળીઓમાં પહેરેલી જાતભાતની વીંટીઓ અને જમણાં હાથને કાંડે બાંધેલા કેટલીયે જાતનાં દોરામાંથી એક કાળાં દોરાની નીચે મોરનું પીંછું લટકતું હતું. જેની બંને તરફ પણ કોડીઓ લાગેલી હતી. એટલું તેને કાઠીયાવાડી બનાવવાં કાફી હતું. કારણ કે મુંબઈ જેવાં શહેરમાં કોઈને આટલો શણગાર કરવો ખાસ પસંદ ન હતું.
"મને બાંધણી સાડી બતાવશો?" એ છોકરીએ અંદર આવીને પોતાની આંખો આડેથી ચશ્માં હટાવતાં પૂછ્યું.
"જરૂર! તમે બેસો." તેની કાજલ કરેલી આંખોમાં રહેલી ભૂરી કીકીઓમાં એક ડોકિયું કરીને પેલાં છોકરાએ તેને બેસવા ઈશારો કર્યો. પછી તરત જ બાંધણી સાડીનો એક થપ્પો ઉઠાવીને એ છોકરી સામે મૂકી દીધો અને એમાંથી અમુક સાડીઓ કાઢીને તેને બતાવવા લાગ્યો.
"તમે શિવાંશ પટેલ કે નઈ!?" એ છોકરીએ પોતાને સાડીઓ બતાવી રહેલાં છોકરાંને પગથી માથાં સુધી સ્કેન કરીને કહ્યું, "મુંબઈની પેલી સૌથી ફેમસ જે.પી ઈન્ડસ્ટ્રીઝનાં માલિક!" છોકરીએ ચહેરાં પર સ્મિત સાથે કહ્યું.
"માલિક હતો હવે નથી." છોકરાએ પણ સામે સ્મિત કરતાં કહ્યું, "સમયનાં ચક્રો એવાં ફેરવાયા, કે આજે હું તે કંપનીનો માલિક નથી. મારાં દાદા જીવરાજ પટેલનાં નામથી ચાલતી એ કંપની હવે મારી નથી." શિવાંશે કહ્યું અને આશ્રર્યની સાથે એ છોકરીને પૂછ્યું, "પણ તમે તો અહીંના નથી લાગતાં. તો તમને મારાં વિશે કેમ ખબર? કોણ છો તમે?" હવે શિવાંશનાં મનમાં એ છોકરી વિશે જાણવાની ઉત્સુકતા હતી.
"હાં, હું અહીંની નથી. હું જૂનાગઢ જિલ્લાનાં એક તાલુકામાંથી આવું છું." છોકરીએ ચહેરાં પર સ્મિત રેલાવતાં કહ્યું. પછી તરત જ પોતાનાં નેણ સંકોચીને પૂછ્યું, "એવું તો શું થયું? જે તમે એટલો મોટો બિઝનેસ મૂકી દીધો." છોકરીની શિવાંશ વિશે જાણવાની ઉત્સુકતા વધી રહી હતી.
"તમે ન્યૂઝ રિપોર્ટર છો?" શિવાંશે આંખો મોટી કરીને પૂછ્યું.
"નાં...આ...તો...બસ...એમ જ." છોકરી તૂટક શબ્દોમાં કરી રહી. ત્યાં જ શિવાંશ ખડખડાટ હસી પડ્યો.
"અરે...અરે... હું તો મજાક કરતો હતો." શિવાંશે હસીને કહ્યું. ત્યારે છોકરીનો અધ્ધર ચડેલો જીવ નીચે બેઠો. તો શિવાંશે આગળ કહ્યું, "અમુક વખતે કંઈક મેળવવાં માટે કંઈક ગુમાવવું પડે છે." શિવાંશ જાણે તંદ્રામાંથી જાગ્યો હોય એમ બોલ્યો, "જે આપણી પાસે હોય એ છોડીને જે કામ કદી કર્યું નાં હોય. એવું કામ કરવું પડે છે." શિવાંશ એટલું કહેતી વખતે જાણે ભૂતકાળમાં ડોકિયું કરી આવ્યો. આજે એ વાતને એક વર્ષ પસાર થઈ ગયું હતું. પણ આખરે શિવાંશ તેનો બિઝનેસ છોડીને આ સાડીની દુકાનમાં શું કરી રહ્યો હતો? શું તેને બિઝનેસમાં ખોટ આવી હતી? તેનો બિઝનેસ અત્યારે કોણ ચલાવતું હતું? આખરે તે રાહીને કંઈ જણાવ્યાં વગર જ મુંબઈ પરત કેમ ફર્યો હતો? આ સવાલોનાં જવાબ કોઈ જાણતું ન હતું.
"લાગે છે કોઈનાં પ્રેમમાં છો." છોકરીએ નેણ નચાવતાં કહ્યું. એ સાંભળીને શિવાંશ આશ્રર્ય ભરી નજરે એ છોકરીને જોઈ રહ્યો.
"અરે, આમ નાં જુઓ. આ તો હું જેટલું વિચારી શકતી હતી. એટલું વિચારીને અંદાજો લગાવ્યો." છોકરીએ ફરી સ્મિત કર્યું, "હવે તમે તમારાં પપ્પાનાં કહેવાથી તેમનો બિઝનેસ સંભાળ્યો હતો. તો કાંઈ બિઝનેસને એટલી ઉંચાઈ સુધી પહોંચાડયા પછી તમારાં પપ્પા જ તમને બિઝનેસ છોડવાં કહે. એવું તો નાં હોય." છોકરીએ તુક્કો લગાવ્યો, "તો કદાચ પ્રેમમાં આવું કર્યું હોઈ શકે." કહીને તેણે તેની વાત પૂરી કરી.
"હાં, પ્રેમમાં જ કર્યું છે." શિવાંશ હસ્યો, "હવે જોઈએ જેનાં માટે કર્યું એ મળે છે કે નહીં." કહીને શિવાંશે ગંભીર મૌન ધારણ કરી લીધું.
"મને આ સાડી ગમે છે." છોકરીએ એક ઘેરાં લાલ રંગની બાંધણી ઉંચી કરીને કહ્યું. શિવાંશ એ બાંધણી લઈને પેક કરવા લાગ્યો.
"તમે મારું નામ તો જાણો છો. પણ તમારું નામ?" શિવાંશે સાડી પેક કરીને છોકરીનાં હાથમાં આપતાં પૂછ્યું.
"વૈસે તો શેક્સપિયર ને કહા હૈ નામ મેં ક્યાં રખા હૈ? છતાંય તમે પૂછ્યું છે તો જણાવી દઉં. મારું નામ સુજલ છે." સુજલે શિવાંશ તરફ હાથ લંબાવ્યો. શિવાંશે સ્મિત સાથે હાથ મિલાવ્યો, "બાય ધ વે એક વાત કહું. સમયનાં ચક્રો ફરી ગતિમાન થયાં છે. જેની છેલ્લાં એક વર્ષથી રાહ જુઓ છો. તેને મળવાનો સમય નજીક આવી ગયો છે. આ વખતે આર ને કે કાં પારની પરિસ્થિતિ પરિણમવાની છે." સુજલે જાણે સસ્પેન્સ યથાવત રાખતાં કહ્યું, "પરિસ્થિતિનો સામનો કરવા મનથી તૈયાર રહેજો. આ વખતે નિર્ણય તમારાં પક્ષમાં જ હશે. પણ બધું બહું સમજી વિચારીને કરવું પડશે. જો યોગ્ય નિર્ણય કરશો તો પ્રેમ અને બિઝનેસ બંને મળી જાશે. અને જો ખોટો નિર્ણય કરશો તો...." સુજલે વાક્ય અધૂરું જ છોડી દીધું. અને સ્માઈલ કરતી જતી રહી. તેની અધૂરી વાત પણ શિવાંશ સમજી ગયો હતો. જેણે શિવાંશને અંદરથી ડરાવી દીધો હતો.
શિવાંશ સુજલની વાતો વિશે વિચારતો પોતાનાં કામે લાગ્યો. બપોરનાં સમયે દુકાન ખાલી થઈ. શિવાંશ એકલો બેઠો સુજલની વાતો વિશે વિચારી રહ્યો. પણ તેને કંઈ ફોડ નાં પડી. બધું બહું ગુંચવાઈ ગયું હતું. આખરે શિવાંશનાં વિચારો વચ્ચે તેનાં ફોનની રિંગ વાગી. શિવાંશે નંબર જોયાં વગર જ ફોન ઉપાડીને કાને લગાવ્યો. દશેક મિનિટની એ વાતચીત દરમિયાન શિવાંશનો ચહેરો એકદમ તંગ થઈ ગયો. તેનાં કપાળે પરસેવો વળી ગયો. હાથ ધ્રુજવા લાગ્યાં. દિલની ધડકન સામાન્ય કરતાં બમણી થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુના અમુક ટીપાં ગાલ પરથી સરકીને નીચે ફર્શ પર પડ્યાં. હોંઠ કંઈક બોલવાં ફફડી રહ્યાં. બહું મહેનત પછી હ્દયનાં ઉંડાણમાંથી એક શબ્દ નીકળ્યો, "રાહી..."
એક વર્ષ પછી....
મહાદેવભાઈ, ગૌરીબેન અને રાધિકા બધાં જ અમદાવાદની સીટી હોસ્પિટલની લોબીમાં ઉભાં હતાં. ગૌરીબેનની આંખો રડી રડીને સોજી ગઈ હતી. મહાદેવભાઈનો ચહેરો પણ ઉતરી ગયો હતો. રાધિકા હોસ્પિટલનાં રૂમનાં એક દરવાજા સામે ઉભી હતી. દરવાજો બંધ હતો. રાધિકા દરવાજાની ઉપર લાગેલાં કાચનાં આરપાર જોઈ શકાય એવાં ગોળાકાર ચક્કરમાંથી અંદર જોઈને રડી રહી હતી. અંદર રાહી હોસ્પિટલનાં બેડ પર બેહોશ પડી હતી. ડોક્ટરો તેને ચેક કરી રહ્યાં હતાં બધાનાં ચહેરા ગંભીર જણાતાં હતાં. એટલામાં જ ડોક્ટર બહાર નીકળ્યાં અને આર્યન બહારથી દોડતો અંદર આવ્યો.
"હજું તો શંકા છે. રિપોર્ટ પાક્કા થાય પછી કંઈક ખબર પડે." ડોક્ટરે બહાર આવીને કહ્યું. તેમનો ચહેરો પણ થોડો ગંભીર જણાતો હતો. જેનાંથી બિમારી કેટલી ગંભીર હશે? એ જાણી શકાતું હતું.
આજથી બે દિવસ પહેલાં રાહી જ્યારે ચોથી વખત બેહોશ થઈ. ત્યારે આર્યન તેને હોસ્પિટલ લઈને આવ્યો હતો. ત્યારે ડોક્ટરે જે કહ્યું એ સાંભળીને આર્યનનાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ડોક્ટરે વહેલી તકે પાક્કા રિપોર્ટ કરાવવાની ફરજ પૂરી પાડવા જણાવ્યું હતું. પણ રાહી કોઈ જાતનો ચેકઅપ કરાવવા તૈયાર જ ન હતી. એટલામાં આજે રાહી ફરી બેહોશ થઈ. તો તેને તાત્કાલિક અહીં લાવવામાં આવી હતી. ડોક્ટરે ફરી બધાં ચેકઅપ કરીને રિપોર્ટ તૈયાર કરવાં આપ્યાં હતાં. જેનાં આવ્યાં પછી જ તેઓ કોઈ ચોક્કસ નિર્ણય પર આવીને રાહીની સારવાર શરૂ કરી શકે એમ હતાં.
"શેની શંકા છે? અને શાનો ચેકઅપ કર્યો તમે?" બધી વાતોથી અજાણ એવાં મહાદેવભાઈએ ડોક્ટરને પૂછ્યું. આર્યનને બે દિવસ પહેલાં ડોક્ટરે જે જણાવ્યું. એ આર્યને હજું સુધી કોઈને કહ્યું ન હતું. જેનાં લીધે બધાં રાહીની બિમારીથી અજાણ હતાં. પણ રાહી છેલ્લાં એક વર્ષમાં જે રીતે અને જેટલીવાર બેહોશ થઈ હતી. એ પરથી તેને કંઈ તો ગંભીર પ્રોબ્લેમ છે. એ બધાં સમજી ગયાં હતાં.
"રાહીને 'Thrombus' (થ્રોમ્બસ) નામની બિમારી છે." ડોક્ટરે ગંભીર અવાજે કહ્યું, "સામાન્ય ભાષામાં કહીએ તો તેનાં મગજમાં ક્લોટ છે, મગજમાં લોહી જામી ગયું છે. જે સામાન્ય રીતે મગજને બહું પ્રેશર આપવાથી, કે એક જ વાત પર વારંવાર વિચારવાથી થઈ શકે છે. કોઈ વાતનું મગજ પર એટલું પ્રેશર પડે, કે જેને આપણું મગજ સહન નાં કરી શકે. ત્યારે લોહીનું પરિભ્રમણ ધીમું પડી જાય છે. પરિણામે લોહી મગજમાં જામી જાય છે." ડોક્ટરે બિમારી વિશેની માહિતી આપી.
"તો આનો કોઈ ઈલાજ?" રાધિકાએ રાહીનાં રૂમનાં દરવાજે ઉભાં ઉભાં જ પૂછ્યું.
"અમુક ટેસ્ટ કરવા પડશે. પછી એક સર્જરી કરવામાં આવશે." ડોક્ટરે કંઈક વિચારીને વાતને લંબાવી, "તમે બધાં જાણતાં જ હશો. રાહી ઘણીવાર બેહોશ થઈ હતી. તેને અમુક વાતો યાદ નાં રહેતી. તો સર્જરી પછી કદાચ...."
"શું કદાચ? ડોક્ટર." મહાદેવભાઈએ કરમાયેલા વદને પૂછ્યું.
"સર્જરી પછી તેમની મેમરી જવાની શક્યતા વધારે છે." ડોક્ટરે ફોડ પાડી, "તેમને કેટલું અને કેટલાં સમય સુધીનું યાદ રહેશે? એ સર્જરી પછી જ કહી શકાશે. એટલે સર્જરી થઈ ગયાં પછી તેઓ જેમનું નામ લે. એમણે જ અંદર તેમને મળવાં જવું. બાકી તેમની સાથે વાતચીત થયાં પછી જ કંઈક નક્કી કરી શકાશે." કહેતાં ડોક્ટર નર્સ સાથે વાત કરતાં કરતાં જતાં રહ્યાં.
મહાદેવભાઈને તો આ બધું સાંભળીને ફાળ પડી. તેઓ રાહીની આ હાલતના જીમ્મેદાર ખુદને માનવાં લાગ્યાં. રાહી શિવાંશ વિશે જ વિચારતી. મહાદેવભાઈ રાહીને આર્યન સાથે લગ્ન કરવાનું કહેતાં રહેતાં. જેનાં લીધે રાહી પરેશાન રહેતી. આ બધી વાતોની વચ્ચે તે કોઈ નિર્ણય લેવા સક્ષમ ન હતી. એક જ વાત વિશે દિવસ-રાત વિચારીને તેનું મગજ બહેર મારી ગયું હતું. પરિણામે લોહીનું પરિભ્રમણ ધીમું પડી ગયું. જે ધીરે-ધીરે જામતું ગયું, ને તેનો એક ક્લોટ બની ગયો. હવે સર્જરી જ એકમાત્ર ઉપાય હતો. એમાં પણ રિસ્ક હતું. રાધિકા તો હોસ્પિટલ રૂમનાં દરવાજા આગળથી હટી જ રહી ન હતી. તે આવી ત્યારથી બસ રડ્યા જ કરતી હતી.
"દીદુને કંઈ નહીં થાય." અચાનક જ રાધિકાનાં કાને અવાજ પડ્યો. તેણે અવાજની દિશામાં જોયું. થોડે દૂર શ્યામ ઉભો હતો. તેને જોતાં જ રાધિકા શ્યામને વળગીને રડવા લાગી. આર્યન રાહીની સર્જરી વિશે ડોક્ટર સાથે વાતચીત કરી રહ્યો હતો. થોડીવાર થતાં જ એક નર્સ આવીને રાહીને બીજાં રૂમમાં લઈ જવાં લાગી. જ્યાં તેનાં ચેકઅપ થવાનાં હતાં. જ્યારે નર્સ રાહીને બીજાં રૂમમાં લઈ જતી હતી. એ સમયે જ રાહી હોશમાં આવી. પોતાને એ રીતે સ્ટ્રેચર પર સૂતેલી જોઈને એ તરત જ ઉભી થઈ. ચાલું સ્ટ્રેચરે ઉભાં થવાથી તેણે બેલેન્સ ગુમાવ્યું. એ સમયે જ આર્યને આવીને તેનો હાથ પકડી લીધો. રાહી થોડીવાર આર્યનની આંખોમાં જોઈ રહી.
"તે આખરે તારી મનમાની કરી જ લીધી ને." રાહીની આંખોમાં ભારોભાર શિકાયત હતી. આર્યન તેને હોસ્પિટલમાં લઈ આવ્યો. એ વાતથી તે નારાજ હતી.
"બધી વાતમાં તારી મનમાની નાં ચાલે." આર્યને રાહીને ફરી સ્ટ્રેચર પર સુવાડી દીધી. પણ રાહી તરત જ ઉભી થઈને સ્ટ્રેચર પરથી ઉતરી ગઈ. એ સાથે જ તેને ચક્કર આવ્યાં. તો આર્યને ફરી સહારો આપીને તેને સરખી ઉભી રાખી.
"મેડમ! તમે જીદ્દ નાં કરો. તમારી કન્ડિશન બહું ક્રિટીકલ છે." નર્સે રાહીને સમજાવવાની કોશિશ કરી.
"મને બધી ખબર છે." રાહીએ કહ્યું. એ સાથે જ બધાં સવાલ ભરી નજરથી તેની સામે જોઈ રહ્યાં. રાહીએ આગળ કહ્યું, "આજથી એક મહિના પહેલાં જ્યારે રચનાનું એક્સિડન્ટ થયું. ત્યારે હું તેને અહીં લાવી હતી. ત્યારે પણ હું બેહોશ થઈ ગઈ હતી...." કહેતાં રાહીની નજર સમક્ષ એક મહિના પહેલાંનાં દ્રશ્યો તરવરવા લાગ્યાં.
રાહી તેનાં બુટિક પર બેઠી હતી. એ સમયે જ તેનાં ફોનની રિંગ વાગી. રચનાને આવવામાં મોડું થયું હતું. તેનાં લીધે તે પરેશાન હતી. સ્ક્રીન પર રચનાનું નામ જોતાં જ રાહીએ તરત જ ફોન ઉપાડ્યો હતો.
"આ ફોન જેનો છે. એ બહેનનું એક્સિડન્ટ થયું છે. તમે જલ્દી સીટી હોસ્પિટલમાં આવી જાવ." સામે છેડેથી કોઈ ભાઈએ કહીને ફોન ડિસક્નેકટ કરી દીધો હતો. રાહી તરત જ હોસ્પિટલ જવાં નીકળી ગઈ હતી. એ સમયે તેને કોઈ બાબતનું ભાન ન હતું. ફુલ સ્પીડમાં કાર ચલાવી રહેલી રાહીને બસ રચના જ નજર આવતી હતી. થોડી જ વારમાં રાહી સીટી હોસ્પિટલ સામે કાર ઉભી રાખીને અંદર જવાં ભાગી. રિસેપ્શનિસ્ટને પૂછીને જે રૂમમાં રચનાને એડમિટ કરી હતી. રાહી એ રૂમ તરફ ભાગી. રચના હોસ્પિટલનાં બેડ પર બેહોશ પડી હતી. તેનાં માથામાંથી લોહી વહી જતું હતું. ડોક્ટર તેનો ઈલાજ કરી રહ્યાં હતાં. એ બધું જોતાં જ રાહી ખુદ બેહોશ થઈ ગઈ હતી.
જ્યારે રાહીની આંખ ખુલી. ત્યારે તેની આજુબાજુ બે-ત્રણ ડોક્ટર કંઈક વાતચીત કરી રહ્યાં હતાં. રાહી ઉભી થવા લાગી. તો ડોક્ટરે તેને કહ્યું, "તમે સૂતાં રહો. અમારે તમારાં થોડાં ચેકઅપ કરવાં છે."
"પણ મને કંઈ નથી થયું." રાહી જબરદસ્તી પથારીમાંથી નીચે ઉતરી ગઈ, "મારી ફ્રેન્ડનું એક્સિડન્ટ થયું છે. તે આ હોસ્પિટલમાં જ એડમિટ છે. મારે તેની પાસે જવું છે." કહેતાં રાહી દરવાજા તરફ ચાલવા લાગી.
"પહેલાં તમે તમારી બિમારી વિશે તો જાણી લો." રાહીએ દરવાજો ખોલ્યો. એ સાથે જ ડોક્ટરે કહ્યું. પોતાની બિમારી વિશે સાંભળતાં જ રાહી દરવાજે જ ઉભી રહીને ડોક્ટર સામે જોવાં લાગી. ડોક્ટરે આગળ કહ્યું, "તમારાં મગજમાં એક ક્લોટ છે. મગજમાં લોહી જામી ગયું છે. જેની તાત્કાલિક સર્જરી કરવી પડશે. સર્જરી પછી કદાચ તમારી મેમરી જઈ શકે છે. કેટલી? એ હાલ નાં કહી શકાય." કહીને ડોક્ટરે પોતાની વાત પૂરી કરી. રાહીએ માંડ કરીને પોતાની જાતને સંભાળી.
"હું અત્યારે સર્જરી નહીં કરાવી શકું. પણ આ બાબતની જાણ કોઈને નાં થવી જોઈએ." રાહી એટલું જ કહીને જતી રહી.
ડોક્ટર પાસે ત્યારે રાહી વિશે કોઈ જાણકારી ન હતી. તો ડોક્ટર આમ પણ કોઈને કંઈ કહી નાં શક્યાં. પછી જ્યારે બે દિવસ પહેલાં આર્યન રાહીને લઈને આવ્યો. ત્યારે તેમણે તેની બિમારી વિશે જણાવ્યું હતું. પણ રાહીને બધી પહેલેથી જ ખબર હતી. એ વાત ડોક્ટરે આર્યનને જણાવી ન હતી. જેનાં લીધે અત્યારે રાહીની વાત સાંભળીને બધાં હેરાન રહી ગયાં. આખરે રાહીએ કોઈને આ અંગે કેમ નાં જણાવ્યું? એ સવાલ જ બધાનાં મનમાં ચાલી રહ્યો હતો.
"તમારાં મનનાં સવાલ હું જાણું છું." રાહીએ વારાફરતી બધાં તરફ એક નજર કરી, "સર્જરી પછી મારી મેમરી જતી રહેશે. કેટલી? ક્યાં સમયની? એ ડોક્ટર પણ જણાવી શકે એમ નથી." કહેતાં રાહીનો અવાજ ગંભીર થઈ ગયો. એકાએક જ એક મુસ્કાન સાથે તેણે વાત આગળ વધારી, "સર્જરી પહેલાં એકવાર હું શિવાંશને મળવાં માંગતી હતી. સર્જરી પછી કદાચ હું તેને જ ભૂલી જાવ. તો મારાં જીવનનો કોઈ અર્થ નાં રહે. એટલે મારે તેને મળ્યાં વગર સર્જરી કરાવવી ન હતી." રાહીએ સર્જરી નાં કરાવવાનો નિર્ણય કેમ લીધો? એ અંગે બધાંને જણાવ્યું. એ જાણતાની સાથે જ બધાંની આંખો ભરાઈ આવી. રાહી અને શિવાંશનો પ્રેમ આજે રાહીની આંખો અને વાતોમાં નજર આવી રહ્યો હતો.
રાહી બધું જણાવીને ફરી બેહોશ થઈ ગઈ. નર્સ તેને ઝડપથી રૂમમાં લઈ ગઈ. બધાંની આંખોમાં આંસું અને અનેક સવાલ હતાં. શિવાંશ ક્યાં છે? તેને અહીં કેમ બોલાવવો? બધાનું મગજ ઝડપથી એ અંગે વિચારવા લાગ્યું હતું. રાહી જે રીતે જીદ્દ કરી રહી હતી. એ પરથી તે શિવાંશને મળ્યાં વગર સર્જરી નહીં કરાવે એ બધાં જાણતાં હતાં. સાથે જ તે સર્જરી નાં કરાવે તો તેનાં જીવ ઉપર જોખમ પણ હતું. એવામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નિર્ણય કરવાં સક્ષમ ન હતું.
"આ શિવાંશ કોણ છે?" ડોક્ટરે પૂછ્યું, "શું એ અમદાવાદમાં છે?" ડોક્ટરે ગંભીર અવાજે કહ્યું, "પેશન્ટની જીદ્દ જોતાં લાગે છે કે જ્યાં સુધી શિવાંશ નહીં આવે. ત્યાં સુધી તેઓ સર્જરી નહીં કરાવે. અને તેમની સર્જરી કરવી ખૂબ જ જરૂરી છે. તો પ્લીઝ આ શિવાંશ જે કોઈ પણ છે. તેને જલ્દી અહીં બોલાવી લો." કહીને ડોક્ટર જતાં રહ્યાં.
"બધી મારી જ ભૂલ છે." ડોક્ટરનાં જતાં જ મહાદેવભાઈ બોલી ઉઠ્યાં. તેમનાં અવાજમાં એક દર્દ હતું, "મેં ખુદ જો પ્રવિણભાઈ સાથે વાત કરીને શિવાંશ અને રાહીનાં સંબંધ વિશે વાત કરી હોત તો આજે મારી દિકરીની આ હાલત નાં હોત." કહેતાં જ મહાદેવભાઈ રડી પડ્યાં. ગૌરીબેન તેમને સાંત્વના આપી રહ્યાં.
આ તરફ હોસ્પિટલમાં જ્યાં બધાં પરેશાન હતાં. ત્યાં જ નીલકંઠ વિલામાં દાદીનું ધ્યાન રાખી રહેલાં કાર્તિકને બધી વાતની જાણ થતાં એ પણ ઉદાસ ચહેરે બેઠો હતો. ત્યાં જ દાદીમા તેની પાસે આવ્યાં. જીંદગીની કેટલીયે દિવાળી જોઈ ચુકેલી એમની ઉંડી ઉતરી ગયેલી આંખો અને સુખ દુઃખનાં પડાવમાંથી પસાર થઈને ઘરડાં થઈ ગયેલાં શરીરને આજે પણ સમતોલ રીતે જાળવતાં એ કાર્તિક પાસે આવ્યાં. કાર્તિકનો ઉદાસ ચહેરો જોઈને તે તેમની પાસે બેસી ગયાં.
"શું થયું છે? રાહીને." દાદીમાએ તરત જ પૂછ્યું. કાર્તિક તેમનો સવાલ સાંભળીને તેમની સામે જોઈ રહ્યો. કાર્તિકમાં કદાચ કહેવાની હિંમત ન હતી. પણ દાદીમા જાણે કોઈ પણ વાત સાંભળવાં મન મક્કમ કરીને આવ્યાં હોય. એમ તેમણે કાર્તિકનાં માથાં પર હાથ મૂકીને મૂક સહમતિ આપી. એ સાથે જ કાર્તિકની આંખોમાંથી આંસુ સરી પડ્યાં.
"રાહીની...સ.. સર્જરી કરવી પડે એમ છે. તેનાં.... મગજમાં...લોહી જામી ગયું છે." કાર્તિકે તૂટક શબ્દોમાં કહ્યું. એ સાથે જ દાદીમાએ તેને છાતી સરસો ચાંપી લીધો. કાર્તિક રાહીની બિમારીની સાથે ચુલબુલી રાધિકાને લઈને પણ દુઃખી હતો. હંમેશાં હસતી રમતી રાધિકાને તેની બહેન પ્રત્યે ખૂબ જ લગાવ હતો. રાહીને જરાં એવી તકલીફ થાય. તો એ રાહી કરતાં પણ વધું પરેશાન થઈ જતી. એવામાં અત્યારે એ ખુદને કેવી રીતે સંભાળી રહી હશે? એ વિચારે જ કાર્તિકનું દિલ ધબકારો ચૂકી જતું હતું.
કાર્તિકે ખુદને સંભાળીને દાદીને પાણી આપ્યું. દાદી પાણી પીધાં વગર જ મંદિર તરફ ગયાં અને શંકર પાર્વતીની મૂર્તિ સમક્ષ હાથ જોડીને બેસી ગયાં. તેમણે રાહીની જીંદગી માટે શંકર પાર્વતી સામે વિનવણી કરવાનું શરૂ કર્યું. 'શ્રી શિવાય નમઃ' નાં ઉચ્ચારણ સાથે તેમણે શિવ કવચ સ્ત્રોતનું ઉચ્ચારણ શરૂ કર્યું. કાર્તિક પણ તેમની પાસે હાથ જોડીને બેસી ગયો.
જે જીવ આપે એ જ જીવ બચાવે પણ ખરાં! આ વાત જ અત્યારે દાદી માટે પૂરતી હતી. જેનાં લીધે તેમણે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હાર નાં માની. એક રસ્તો બંધ થાય એ પહેલાં જ બીજો રસ્તો ભગવાન ખોલી જ દેતાં હોય છે. જેને બસ આપણે ઓળખવાની વાર હોય છે. રાહી અત્યારે સર્જરી કરાવવાની નાં પાડી રહી હતી. તે સર્જરી પહેલાં શિવાંશને મળવાં માંગતી હતી. પણ હાલ શિવાંશ ક્યાં છે? એ કોઈ જાણતું ન હતું. હવે શિવ ભગવાન જ રાહીનાં શિવને રાહી સુધી પહોંચાડી શકે એમ હતાં. જેનાં માટેની પ્રાર્થના, સ્ત્રોત, પૂજા, મન્નત, બધું જ રાહીનાં પરિવારે કરવાનું શરૂ કરી દીધું હતું. હવે પહેલી અને છેલ્લી ઉમ્મીદ ખુદ ભગવાન શિવ અને રાહીનો પ્રેમ શિવ જ હતાં.
ડૂબતાંને તણખલું કાફી...એ પ્રમાણે મહાદેવભાઈ પણ બધું કરી છૂટવા તૈયાર હતાં. રાહી એક વખત સાજી થઈ જાય. તો એમણે પણ રાહીની બધી ઈચ્છા પૂરી કરવાનો મનોમન નિર્ણય કરી લીધો હતો. મહાદેવભાઈ રાહીને બચાવવાં માટે કોઈને કંઈ પણ જાણ કર્યા વગર જ પ્રવિણભાઈની ઘરે જવાં નીકળી ગયાં હતાં. ગૌરીબેન હોસ્પિટલમાં રહેલાં ભગવાનની સામે હાથ જોડીને ઉભાં હતાં. તો રાધિકા રાહીનો હાથ પોતાનાં હાથમાં લઈને રડી રહી હતી. શ્યામ તેને શાંત કરવાની પૂરી કોશિશ કરી રહ્યો હતો. પણ આટલાં વર્ષોમાં રાહીને ક્યારેય નાનું એવું ઇન્જેક્શન આપવાની પણ જરૂર પડી ન હતી. એવામાં આજે વાત સર્જરી સુધી પહોંચી ગઈ હતી. તો રાધિકાનું દુઃખી થવું વ્યાજબી હતું. આ બધાંની વચ્ચે આર્યન ક્યાંક ગાયબ હતો.
ડોક્ટરને કોઈ શિવાંશ વિશે કંઈ જણાવી રહ્યું ન હતું. એવામાં તેમણે પણ તેમનાં તરફથી પૂરી તૈયારી શરૂ કરી દીધી હતી. પેશન્ટ જીદ્દ કરી શકે. પણ ડોક્ટર તેમનાં ફરજથી પીછેહઠ નાં કરી શકે. રાહી અત્યારે તેમની પેશન્ટ હતી. તેની બિમારીની સૌથી પહેલાં જાણ એ ડોક્ટરને જ થઈ હતી. આ બહું મુશ્કેલ ઘડી હતી. પહેલાં જ રાહીની સારવારમાં બહું મોડું થઈ ગયું હતું. એવામાં ડોક્ટર કોઈ રિસ્ક લઈ શકે એમ ન હતાં.
રાહી છેલ્લાં એક વર્ષમાં બહું ફેમશ થઈ ગઈ હતી. જેનું કારણ તેનું ફેશન ડિઝાઈનરનું પેશન હતું. આમ તો રાહી માટે એ તેનું સપનું હતું. પણ લોકો માટે એ રાહીનું પેશન હતું. રાહીને આજે આખું અમદાવાદ તેનાં પેશનથી ઓળખતું હતું. રાહીનું નામ સેલિબ્રિટીની લિસ્ટમાં આવી ગયું હતું. જેનાં લીધે તે હોસ્પિટલમાં ગંભીર બિમારી સામે લડી રહી છે. એ વાત મિડિયામાં કામ કરતાં એક રિયાન નામનાં છોકરાંને કારણે આખાં અમદાવાદને ખબર પડી ગઈ હતી. જેનાં લીધે રાહીનાં ચાહકો અને તેણે ડિઝાઇન કરેલાં કપડાં એક સમયે પહેરેલાં દરેક વ્યક્તિઓ પણ રાહીનાં સુખદ્ જીવન માટે પ્રાર્થના કરી રહ્યાં હતાં.
(ક્રમશઃ)
_સુજલ બી.પટેલ