Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

લીલો ઉજાસ - પ્રકરણ - ૩ - વળી પાછા ચોવીસ કલાક!!!...- દિવ્યેશ ત્રિવેદી

ઉદયે શા માટે આત્મહત્યા કરી હશે એ સવાલ લગભગ સૌ કોઈને મૂંઝવતો હતો. એનું કારણ એ હતું કે, ઉદયને દેખીતી નજરે કોઈ દુઃખ નહોતું. જેમણે પણ ઉદય અને મનીષાને સાથે જોયાં હતાં એમને એ બંને ખુશખુશાલ લાગ્યાં હતાં. પાંચ વર્ષ પહેલાં માતા અને ત્રણ વર્ષ પહેલાં પિતા ગુમાવ્યા પછી એના મોટા જનાર્દનભાઈએ એને સાચવ્યો હતો. જનાર્દનભાઈનાં પત્ની જ્યોતિબહેન પણ ખૂબ પ્રેમાળ અને સમજદાર હતાં. પિતાની થોડી ઘણી મિલકત હતી. બંને ભાઈઓએ એ વહેંચી લીધી હતી. જનાર્દનભાઈ ડભોઈની એક સ્કૂલમાં શિક્ષક હતા. એમના ભાગે ડભોઈનું ઘર આવ્યું હતું અને ઉદયને જે રોકડા પૈસા મળ્યા હતા. એમાંથી એમણે એને વડોદરામાં ફ્લેટ લઈ આપ્યો હતો. ઉદય બી.એસસી. થઈને એક કેમિકલ ફેક્ટરીમાં કેમિસ્ટ તરીકે જોડાયો હતો. પગાર પણ સારો હતો. આગળ તકો પણ ઘણી હતી. બંને ભાઈ વચ્ચે એક જ બહેન હતી. અર્ચના ત્રણ વર્ષ નાની હતી અને ઉદયને એની સાથે સારું ફાવતું હતું. એ આ વર્ષે જ ગ્રેજ્યુએટ થઈને વડોદરા આવવાની હતી. પરંતુ ઉદય અને મનીષાનાં લગ્નને હજુ માંડ છ મહિના થયા હતા. એથી એકાદ વર્ષ ભાઈ-ભાભી એકલાં રહે એમ ઈચ્છતી હતી. બંને ભાઈઓએ વારસામાં મળેલા દર-દાગીના અર્ચના માટે રાખવાનું નક્કી કર્યું હતું.

ઉદયનો સ્વભાવ શાંત અને લાગણીશીલ હતો. એનો સદા હસતો ચહેરો કોઈને પણ ગમી જાય તેવો હતો. એનું મિત્રવર્તુળ પ્રમાણમાં ખૂબ નાનું હતું. નયન એની સાથે કૉલેજમાં ભણતો હતો. બંને વચ્ચે ઘણી ગાઢ મૈત્રી હતી. છતાં ઉદય અને મનીષાનો સમય કદી એમની મૈત્રી ચોરી લેતી નહીં. ઘણીવાર ઉદય, નયન અને મનીષા સાથે ફિલ્મ જોવા જતાં અને ક્યારેક હોટેલમાં પણ જતાં. નયન ફોટોગ્રાફીનો શોખીન હતો. પ્રકૃતિ એનો પ્રિય વિષય હતો. ઘરનો સુખી હતો અને પાછો એકનો એક હતો. એટલે ગમે ત્યારે કૅમેરા ગળામાં લટકાવીને ભટકવા નીકળી પડતો. એણે ઉદય અને મનીષાના કેટલાક સરસ ફોટા પાડીને એક આલ્બમ બનાવ્યું હતું અને બે મહિના પહેલાં ઉદયને એના જન્મદિવસે ભેટ આપ્યું હતું. એણે મનીષાના પણ કેટલાંક અદ્ભુત ફોટા પાડયા હતા. અને એ મનીષાને એના જન્મદિવસે ભેટ આપવા ઈચ્છતો હતો.

નયનનાં મમ્મી નયનનાં લગ્ન માટે ઉતાવળ કરતાં હતાં. પરંતુ નયન તૈયાર થતો નહોતો. એનું કહેવું એવું હતું કે, હું લગ્ન કરીશ તો આપોઆપ મારી સ્વતંત્રતા પર કાપ આવશે. મારે હમણાં મારી સ્વતંત્રતાનો ભોગ આપવો નથી. થોડા દિવસ પહેલાં ઉદય અને મનીષા નયનનાં ઘેર ગયાં ત્યારે નયનનાં મમ્મીએ જ મનીષાને કહ્યું હતું. “તમે લોકો જરા નયનને સમજાવો. પરણવાની ઉંમર વીતી જશે પછી લગ્ન કરવા જશે તો કોઈ છોકરી નહિ આપે. અમે જેટલી છોકરીઓ બતાવીએ છીએ એટલીને એ ના જ પાડે છે. મનીષા, તું જ એના માટે કોઈક છોકરી શોધી કાઢ. પણ હા, શરત એટલી કે એ તારા જેવી જ હોવી જોઈએ.” નયનનાં મમ્મીને મનીષા પહેલી જ મુલાકાતમાં ગમી ગઈ હતી. એમણે તો એક વાર ઉદયને પણ કહ્યું હતું. “ઉદય, તું ખરેખર નસીબદાર છે કે તને મનીષા જેવી છોકરી મળી છે!”

ખરેખર મનીષા રૂપાળી, આકર્ષક, નાજુક અને નમણી હતી. નયનનાં મમ્મી જ્યારે પણ મળે ત્યારે મનીષાના વાળની પ્રશંસા કરવાનું ચૂકતાં નહોતા. એના વાળ છેક ઢીંચણ સુધી પહોંચતા હતા. એનું કપાળ વિશાળ હતું. એટલે જ બધા એને “તું બહુ ભાગ્યશાળી છોકરી છે” એવું કહેતાં. એનો એક દાંત સહેજ આગળ હતો. એ એના ચહેરાને ઓર આકર્ષક બનાવતો હતો. એની આંખોમાં એક અજબ પ્રકારની ખુમારી છલકાતી હતી. એનો અવાજ મીઠો હતો. પરંતુ થોડો સત્તાવાહી હતો. ઉદય અને મનીષા સાથે નીકળ્યાં હોય ત્યારે ઘણા લોકો મનીષાને ટીકી ટીકીને જોઈ રહેતા.

મનહરભાઈ અને વિનોદિનીબહેનના મનમાં એક જ મૂંઝવણ હતી કે આવી ફૂલ જેવી છોકરીને વિધવા સ્વરૂપે કઈ રીતે જોઈ શકાશે? એના કપાળ પરનો લાલચટક ચાંલ્લો કેવો શોભતો હતો! વિનોદિનીબહેન થોડાં જુનવાણી ખરાં. પરંતુ મનહરભાઈ બહુ જુનવાણી નહોતા. એમના મનમાં તો એક વાર એવો વિચાર પણ ઝબકી ગયો કે હું મનીષાનું જીવન બરબાદ નહિ થવા દઉં. પરંતુ પછી તરત જ એમણે પોતાના મનને બીજા વિચારોમાં વાળી દીધું. એમને તરત વિચાર આવ્યો કે હજુ ઉદયના અંતિમ-સંસ્કાર પણ નથી થયા અને આ હદે વિચારે છે... એમને અફસોસની લાગણી પણ થઈ.

આવા સમયે ઘડિયાળની ગતિ પણ ધીમી પડી ગઈ હોય એવું લાગે. લગભગ બે વાગવા આવ્યા હતા. મનીષા અને ઉદયની વાતો કરતાં કરતાં સૌ કોઈ લૉન પર આડાં પડયાં. વચ્ચે વચ્ચે વિનોદિનીબહેન મનીષા પર નજર કરી આવતાં હતાં. એના પલંગ પાસે જઈને થોડી વાર ઊભા રહેતાં. એમને થતું કે મનીષા હમણાં આંખ ખોલશે, પરંતુ મનીષા તો હલનચલન પણ નહોતી કરતી.

મનહરભાઈએ નયનને કહ્યું, “ભાઈ નયન, તું ઘરે જવું હોય તો જા. સવારે દસ-અગિયાર વાગ્યા સુધી તો બેસવું જ પડશે. તું તારે નિરાંતે આવીશ તો ચાલશે...'

નયન સહેજવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો. “હું બેઠો જ છું. મને ઘેર જવાની ઉતાવળ નથી. અમે ઘણી આનંદની પળો સાથે બેસીને માણી છે. આજની દુઃખની પળે હું કેવી રીતે જતો રહું?”

મનહરભાઈને પણ લાગ્યું કે નયનની વાત સાચી હતી. થોડી વાર મૌન પથરાઈ ગયું. એમાં એક પછી એક બધા જ તન્દ્રામાં સરકતા ગયા. ઊંઘની ગેરહાજરીમાં તન્દ્રા પણ શરીરને આરામ આપતી હોય છે. પિનાકીનભાઈની આંખ જરીક વાર માટે લાગી ગઈ હતી. એકાએક એ ઝબકીને બેઠા થઈ ગયા. એમણે જોયું તો મનહરભાઈએ આંખ ઉઘાડીને પિનાકીનભાઈ સામે જોયું અને પાછી આંખો બંધ કરી દીધી.

આમ ને આમ સમય પસાર થતો ગયો. લગભગ સવારે સાત વાગ્યે જનાર્દનભાઈ આવ્યા. એમણે મનહરભાઈને પૂછયું , “મનીષાને કેમ છે? ડૉકટર શું કહે છે?”

"એમનું એમ છે. હજુ તો ચોવીસ કલાક જ થયા છે અને ડૉક્ટર અડતાળીસ કલાક સુધી કંઈ કહેવા તૈયાર નથી...” મનહરભાઈ આટલું બોલી રહે ત્યાં જનાર્દનભાઈએ પિનાકીનભાઈ તરફ ફરીને કહ્યું. “પોસ્ટમોર્ટમ શું કહે છે?"

“મેં ફરી પૂછયું નથી. પણ ગઈકાલે એમણે કહ્યું હતું કે આજે અત્યારે નવ વાગ્યે ડૉક્ટર આવશે પછી પોસ્ટમોર્ટમ થશે. છતાં હું હમણાં જાઉં છું... તપાસ તો કરીએ!”

ફરી વાર પાછાં સૌ ગુમસુમ થઈ ગયાં. વાતાવરણમાં મૌન અને ગમગીનીનો ભાર જાણે વધતો જતો હોય એમ લાગતું હતું. નવ વાગવાને હજુ ઘણીવાર હતી. પરંતુ બધાની નજર વારેઘડીએ ઘડિયાળમાં નવના આંકડા પર જતી હતી અને પછી મિનિટ કાંટા પર અટકી જતી હતી. બધાંને લાગતું હતું કે જાણે મિનિટ કાંટો ત્યાં જ અટકી ગયો છે.

“હું જરા સુપ્રિન્ટેન્ડન્ટની ઑફિસમાં તપાસ કરી આવું...” કહીને પિનાકીનભાઈ ઊભા થયા. એમના ગયા પછી જનાર્દનભાઈ મનહરભાઈ પાસે આવ્યા અને એમના ખભા પર હાથ મૂકીને એમને બાજુ પર લઈ ગયા. જનાર્દનભાઈએ કહ્યું, “ડૉક્ટર પોસ્ટમોર્ટમ કરી લે અને પછી આપણને મૃતદેહ સોંપે પછી શું કરવું છે?"

“એટલે...? હું સમજ્યો નહિ!” મનહરભાઈએ મૂંઝવણ સાથે પૂછયું.

“હું એટલા માટે કહું છું કે મનીષા ક્યારે હોશમાં આવે એ કહી શકાય નહિ. હોશમાં આવે એ પછી પણ એને તાત્કાલિક ઉદયના નશ્વર દેહ પાસે લઈ જવાનું મને વાજબી લાગતું નથી. હું તો ઈચ્છું છું કે અહીંથી જ સીધા પાછળના ભાગે આવેલા વિદ્યુત સ્મશાનગૃહમાં અંતિમ-સંસ્કાર કરી દેવા જોઈએ. ઘરે લઈ જવાનો અર્થ નથી. હવે જ્યાં એની ચેતના જ વિદાય થઈ ગઈ છે ત્યાં..." જનાર્દનભાઈ આગળ બોલી શક્યા નહિ.

મનહરભાઈએ જનાર્દનભાઈના ખભે હાથ મૂકીને કહ્યું, “તમારી વાત સાચી છે... પણ જોઈએ, ડૉક્ટર તો આવે... અને પિનાકીન આવે એટલે એને પણ વાત કરીએ...”

થોડીવારમાં પિનાકીનભાઈ આવ્યા. એ સંમત તો થયા, પરંતુ મહારાજને બોલાવીને થોડી વિધિ કરાવવાનો તેમનો આગ્રહ હતાં. એની સામે કોઈને વાંધો પણ નહોતો.

નવ વાગ્યા, પરંતુ હજુ ડૉક્ટર આવ્યા નહોતા. પિનાકીનભાઈએ કહ્યું. “હમણાં આવશે. બીજાં બે પોસ્ટમોર્ટમ પણ છે... એક બાઈ તો સખત દાઝી ગઈ છે અને મૃત્યુ પામી છે.”

બરાબર સાડા નવે ડૉક્ટર આવ્યા. દસ વાગ્યે પોસ્ટમોર્ટમ થયું. પોલીસ વિધિ પતાવીને સાડા અગિયારે મૃતદેહ સોંપી દીધો. મહારાજને બોલાવીને વિધિ કરાવી અને અંતિમવિધિ પતાવી ત્યારે લગભગ એક વાગી ગયો હતો. અંતિમવિધિ વખતે ફ્લૅટના રહેવાસીઓમાંથી પણ ઘણા આવ્યા હતા. ટૅકસીવાળો નન્નુ ઉર્ફે કાદરબખ્શ પણ હાજર હતો.

બધાં ઘેર પાછાં આવ્યા ત્યારે લગભગ પોણા બે વાગ્યા હતા. નીચે કંદર્પના ઘરેથી ચા આવી હતી. બધાંએ વારાફરતી ચા પીધી. વિનોદિનીબહેન નાહીને પાછાં દવાખાને મનીષા પાસે ગયાં. એમને કાદરબખ્શ ટૅક્સીમાં મૂકી આવ્યો.

થોડીવાર પછી મનહરભાઈ ઊભા થયા અને જે રૂમમાં ઉદયે આત્મહત્યા કરી હતી એ રૂમનું નિરીક્ષણ કરવા લાગ્યા. ઉદયને જાસૂસી નવલકથાઓ વાંચવાનો શોખ હોય એમ લાગ્યું. એક ખૂણામાં ખીંટી પર ઉદયનાં કપડાં લટકતાં હતાં. એ બધું જોતા હતા અને કબાટમાં પડેલી એક જાસૂસી નવલકથા ઉથલાવતા હતા ત્યાં જનાર્દનભાઈ આવ્યા. થોડીવાર એ પણ આમ તેમ જોતા રહ્યા. પછી મનહરભાઈ પાસે આવીને બોલ્યા, “આ ઘર ઉદયનું જ છે અને એટલે એના પર હવે મનીષાનો અધિકાર છે.... ઉદયનો એક વીમો છે. એમાં નૉમિની તરીકે મારું નામ છે. પરંતુ જો એ વીમો પાકે તો એ પૈસા પણ મનીષાને જ મળશે. ઉદયના પ્રોવિડન્ટ ફંડની જે રકમ હોય એ પણ એની જ છે. જોકે બહુ નહિ હોય...”

મનહરભાઈ માત્ર સાંભળી રહ્યા. એ કશું બોલ્યા નહિ એટલે જનાર્દનભાઈએ કહ્યું, “અમારે એનું કશું જોઈતું નથી... અને એણે આવું કેમ કર્યું એ જ સમજાતું નથી... મનીષાની જિંદગી એણે બગાડી છે. મને એ વાતનો પૂરેપૂરો અફસોસ છે... પણ ઈશ્વરને ગમ્યું તે ખરું!”

એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. મનહરભાઈ એમના ખભે હાથ મૂકીને ઊભા રહ્યા. પછી હળવે રહીને બોલ્યા, “જે થયું છે એ નથી થયું થવાનું નથી. મનીષા એક વાર ભાનમાં આવે પછી...” ત્યાં તો બહારથી પિનાકીનભાઈનો અવાજ આવ્યો, “મનહર, શું કરે છે? આ જો તો, ઉદયકુમારના સાહેબ આવ્યા છે...”

મનહરભાઈ અને જનાર્દનભાઈ બહાર આવ્યા. ઉદયની ફેકટરીના મેનેજર આવ્યા હતા. એમણે પણ આખી વાતનો અફસોસ વ્યક્ત કર્યો અને સ્ટાફ દ્વારા પસાર કરાયેલા શોક-ઠરાવની નકલ આપી. એ ઠરાવમાં ઉદયના મિલનસાર અને શાંત સ્વભાવની ભારોભાર પ્રશંસામાં આવી હતી.

મેનેજરના ગયા પછી પિનાકીનભાઈએ કહ્યું, “મનહર, ચાલ, થોડીવાર ઘેર જઈએ. તું પાછો હાર્ટ-પેશન્ટ છે... તારે થોડો આરામ કરવો જોઈએ. પછી પાછા આવીશું”.

જનાર્દનભાઈએ તુરત જ કહ્યું, “હા, બરાબર છે! એમને લઈ જાવ. થોડો આરામ કરવા દો."

સહેજવાર રહીને પિનાકીનભાઈ ઊઠ્યા એટલે પાછળ મનહરભાઈ પણ ઊભા થયા. ચૂપચાપ સરોજબહેન પણ એમની સાથે થઈ ગયાં. જનાર્દનભાઈ નીચે સુધી આવ્યા અને નન્નુની ટૅક્સીમાં બેસતાં બેસતાં મનહરભાઈને કહ્યું, “આપણે બેસણું કે એવું કંઈ રાખવું નથી. જે લોકો આવવાના છે એ તો વગર બેસણાંએ પણ આવવાના છે. જેમને ન આવવું હોય એમને પરાણે બેસણાંના બહાને બોલાવવાનો પણ અર્થ નથી. અને હું તો મરણોત્તર વિધિ કરવાના મતનો પણ નથી. છતાં મનીષાની ઈચ્છા હશે તો આપણને વાંધો પણ નથી... અને પિનાકીનભાઈ, રાત્રે પાછા નહિ આવો તોય વાંધો નથી. સવારે સીધા દવાખાને મળીએ... કાલે કદાચ મનીષા ભાનમાં આવે..."

ટૅક્સી ઊપડી. પિનાકીનભાઈ બોલ્યા, “જનાર્દન બહુ સમજદાર માણસ લાગે છે, એના જ ભાઈએ સમજદારી દાખવી નહિ..." એમનો ઈશારો ઉદય તરફ હતો.

ઘરે પહોંચ્યા ૫છી સરોજબહેને ગીઝર ચાલુ કરીને મનહરભાઈને નહાવા માટે ગરમ પાણી કાઢી આપ્યું. પિનાકીનભાઈ બીજી બાથરૂમમાં નહાવા ગયા. બંને નાહીને નીકળ્યા ત્યારે સરોજબહેન બટાકાપૌંઆની ડીશો લઈને આવ્યાં. મનહરભાઈ એ ડીશો તરફ જોઈ રહ્યા. સરોજબહેન બોલ્યાં, “મને ખબર છે કે તમને ખાવાની ઈચ્છા નથી થતી. પરંતુ ભાઈ, ખાધા વિના થોડું ચાલવાનું છે? શરીર તો ખાવાનું માગશે જ... એક દિવસ, બે દિવસ... પછી કેટલા દિવસ?”

મનહરભાઈએ ડીશ હાથમાં લીધી. પરંતુ ખાવાનું શરૂ કરી શક્યા નહીં. પિનાકીનભાઈએ આગ્રહ કર્યો ત્યારે ધીમે ધીમે ખાવાની શરૂઆત કરી. પિનાકીનભાઈએ કંઈક વાત ચલાવવાના આશયથી કહ્યું, “મનહર, મને તો તારી તબિયતનો ડર હતો. મને એમ હતું કે તું કદાચ આ સમાચાર સાંભળીને ભાંગી પડીશ અને અહીં આવવાને બદલે ત્યાં જ તને દવાખાનામાં દાખલ કરવો પડશે...”

“તારી વાત સાચી છે. કદાચ તે પહેલાં જ ફોનમાં સીધેસીધા સમાચાર આપી દીધા હોત તો... પણ સાચું કહું પિનુ. મને એક વાર માઈલ્ડ એટેક આવી ગયો એ પછી હું તબિયતની બાબતમાં ચેતી ગયો છું. મારા ડૉક્ટર નારલીકરે મને સમજાવ્યું કે હ્રદયની તકલીફ માટેનાં મુખ્ય કારણોમાં ધૂમ્રપાન, દારૂ, અવ્યવસ્થિત ખાન-પાન અને સૌથી વધુ સ્વભાવ જવાબદાર હોય છે. હું ધૂમ્રપાન કરતો નથી અને દારૂ પણ પીતો નથી. મારું ખાનપાન પણ વ્યવસ્થિત છે. એનો અર્થ એ કે મને હૃદયની તકલીફ મારા સ્વભાવને કારણે જ થઈ છે. તને તો ખબર છે કે મને પહેલાં નાની નાની વાતમાં ગુસ્સો આવી જતો હતો અને મારું મન તંગ થઈ જતું હતું. ડૉકટરે મને એટલું જ કહ્યું કે, સ્વસ્થતા ગુમાવવાની છૂટ છે. પરંતુ જો કશું મળતું ન હોય અને ગુમાવવાનું થતું હોય તો તમારે સ્વસ્થતા જાળવી જોઈએ. મને એમની વાત ગળે ઊતરી ગઈ...એટલે... અને તને ખબર છે કે, મેં વાત જાણી લીધા પછી પણ તારી ભાભીને અસ્વસ્થ થવા દીધી નહિ. ઊલટું એને સાચવી લીધી.”

“ઉદયના સમાચાર તે મેળવી લીધા છે એ તો મને તને જોતાં જ સમજાઈ ગયું હતું. પરંતુ તે એ કેવી રીતે મેળવ્યા?” પિનાકીનભાઈને એ વાતનું હજુય આશ્ચર્ય હતું.

મનહરભાઈએ પોતે અજમાવેલી યુક્તિની વાત કરી. પિનાકીનભાઈએ કહ્યું, “મને હતું જ કે કોઈની પણ પાસેથી વાત કઢાવવામાં તું એકસ્પર્ટ છે. એટલે જ હું ફોન પર તારી સાથે લાંબી વાત કરતો નહોતો અને બીજાં બધાંને પણ તારી સાથે લાંબી વાત નહિ કરવા તાકીદ કરી હતી. "બંનેને સહેજ હસવું આવી ગયું.

“અને હા, છોકરાં ક્યાં ગયાં? નિહાર અને પ્રાચી કેમ દેખાતાં નથી?”

“નિહાર એના ગ્રુપ સાથે કુલુ-મનાલી ટ્રેકિંગમાં ગયો છે. અને પ્રાચી એના મામાને ત્યાં સુરત ગઈ છે. એના મામાના દીકરાનાં આવતે મહિને લગ્ન છે ને! મેં એને કહ્યું કે બેટા અત્યારથી શું કામ જાય છે? તો મને કહે કે લગ્ન વખતે ફરી જઈશ. અત્યારે લગ્નમાં થોડી જાઉં છું...? બધાં મામા-માસીનાં ભાઈ-બહેન ત્યાં ભેગાં થયાં છે... નિહાર સિવાય!”

એટલામાં સરોજબહેન નાહીને તૈયાર થઈને આવ્યાં. એમણે કાદરબખ્શને પણ અંદર બોલાવ્યો અને નાસ્તો કરાવ્યો. એને આવેલો જોઈને પિનાકીનભાઈએ મનહરભાઈને પૂછયું, “હવે આ બિરાદરને મુક્તિ આપીશું?”

મનહરભાઈએ હકારમાં ડોકું ધુણાવ્યું અને નન્નુને કહ્યું, “તુમ્હારે આને સે અચ્છા રહા... અબ કોઈ વાંધો નહીં હૈ... તુમ અગર જાના ચાહો...” દરમ્યાન પિનાકીનભાઈ અંદર જઈને પૈસા લઈ આવ્યા અને કાદરબખ્શે કહ્યું એ પ્રમાણે એને ચૂકવી દીધા.

કાદરબખ્શ વિદાય થયો એ પછી મનહરભાઈએ પૂછયું, “કેટલા આપ્યા? એણે હિસાબ આપ્યો એ લાવને...”

“તું અત્યારે માથાકૂટ મૂક. પછી હિસાબ કરીશું. તારે જોઈતા હોય તો બોલ... "પિનાકીનભાઈ કૃત્રિમ ગુસ્સો કરતાં હોય તેમ બોલ્યા.

સરોજબહેન રસોડામાં લાગી ગયાં. થોડીવારમાં તો એમણે ટિફિન તૈયાર કરી દીધું. મનહરભાઈ અને પિનાકીનભાઈ માટે પથારી પણ તૈયાર કરી દીધી. સાંજે સાતેક વાગ્યે તૈયાર થઈને નીકળતી વખતે કહ્યું, “હું દવાખાને જાઉં છું. ભાભીને જમાડીને જ આવીશ. રાત્રે પાછી આવી જઈશ. જરૂર હશે તો રોકાઈ જઈશ. એવું હશે તો ફોન કરીશું.

સરોજબહેન નીકળ્યાં પછી મનહરભાઈએ મુંબઈ નાગપાલ શેઠને ફોન જોડ્યો. નાગપાલને બધી વાત કરી. પિનાકીનભાઈના ઘરનું સરનામું અને ફોન નંબર આપ્યા. નાગપાલે કહ્યું કે, ઉતાવળે મુંબઈ આવવાની જરૂર નથી. મનીષાને ઠીક થાય પછી જ મુંબઈ આવજો. નાગપાલે એ પણ કહ્યું કે નવી પ્રોડક્ટ લોંચ કરવાનું હમણાં મોકૂફ રાખ્યું છે. પૈસાની જરૂર હોય તો પણ જણાવવાનું કહ્યું.

પછી તો મનહરભાઈએ પિનાકીનભાઈને નાગપાલ સાથેના એમના સંબંધો-નાગપાલનો પ્રેમ, ઉદારતા અને એમના પરના વિશ્વાસ અંગે પણ ઘણી વાતો કરી. પરંતુ બધી જ વાતમાં ગમે ત્યાંથી મનીષા અને ઉદય તો આવી જ જતાં હતાં...”

રાત્રે સરોજબહેન આવ્યાં ત્યારે લગભગ સાડા દસ થઈ ગયા હતા. એમણે કોઈને પૂછ્યા વગર જ ખીચડી, શાક અને કઢી બનાવી દીધા. જમતાં જમતાં એમણે કહ્યું, “મનીષાની હાલતમાં કોઈ સુધારો દેખાતો નથી. ડૉક્ટર કહે છે કે મનીષાને ઊલટી થઈ હોત અથવા ઝાડા થઈ ગયા હોત તો પણ સારું હતું. એથી ઝેર ઓછું થઈ જાત. પણ બધું શરીરમાં જ રહ્યું છે. હવે કાલ સવાર સુધી રાહ જોવાનું કહે છે..."

બે દિવસનો થાક અને પેટમાં પડેલી ખીચડીને કારણે મનહરભાઈને ઊંઘ આવી ગઈ. રાબેતા મુજબ છ વાગે તો એમની આંખ ખૂલી ગઈ. પિનાકીનભાઈ પણ જાગી ગયા હતા. પથારીમાં બેઠાં બેઠાં જ એમણે પિનાકીનભાઈને કહ્યું, “યાર પિનાકીન, મને કાલે રાત્રે એક સ્વપ્ન આવ્યું...”

શું સ્વપ્ન આવ્યું?" પિનાકીનભાઈએ ટટ્ટાર બેસી જતાં પૂછયું.

“સપનું એવું આવ્યું કે હું મુંબઈથી આવ્યો ત્યારે ગલીના નાકે તારી સાથે ઉદયકુમાર પણ ઊભા હતા. એમણે મને હાથ જોડીને કહ્યું, પપ્પાજી, મને માફ કરજો. હું જાઉં છું. મનીષાનો કોઈ વાંક નથી... એને લડશો નહિ...”

"ઉદય તો હવે છે નહિ. એ સ્વપ્નમાં ક્યાંથી આવવાનો હતો? મનહર, સાચું કહું, આ તો તારું મન જ તારી સાથે વાત કરે છે!”

બંને લગભગ સાડા આઠે દવાખાને પહોંચી ગયા. ડૉકટર સાડા નવે રાઉન્ડમાં આવવાના હતા. મનીષાની હાલતમાં કોઈ સુધારો દેખાતો નહોતો. પોલીસનો એક કોન્સટેબલ પણ મનીષા ભાનમાં આવે તો એની પૂછપરછ કરવા માટે ત્યાં હાજર હતો.

સાડા નવે ડૉક્ટર આવ્યા. એમણે મનીષાને તપાસીને કહ્યું, “સ્ટેબલ કન્ડિશન છે. જેમનું છે એમનું એમ જ છે. ચોવીસ કલાક હજુ રાહ જોઈએ. નહિતર પછી...”

“પછી શું?” મનહરભાઈથી પૂછાઈ ગયું.

“ન્યૂરોલોજિસ્ટને કન્સલ્ટ કરીએ અને એ કહે તો સ્કેન કરાવીએ...”

ડૉક્ટર રાઉન્ડમાં ફરતા ગયા તેમ મનહરભાઈ અને પિનાકીનભાઈ પણ એમની પાછળ પાછળ ગયા. ડૉક્ટર એમની ચેમ્બરમાં ગયા એટલે બંને ચેમ્બરમાં ઘૂસી ગયા. ડૉક્ટરે એમને બેસાડયા અને કહ્યું, “મારી દ્રષ્ટિએ ૪૮ કલાક પછી પણ આ બહેન ભાનમાં નથી આવ્યાં એ સારી નિશાની નથી. ક્યારેક એવું પણ બને છે કે આવા પેશન્ટ દિવસો, મહિનાઓ અને ક્યારેક વર્ષો સુધી પણ કોમામાંથી બહાર આવતા નથી. એટલે જ કાલે સવાર સુધી ભાનમાં નહિ આવે તો ન્યૂરોલોજિસ્ટનો ઓપિનિયન લઈશું.”

મનહરભાઈ અને પિનાકીનભાઈ એકબીજાની સામું જોઈ રહ્યાં. વળી પાછા ચોવીસ કલાક...