Featured Books
શ્રેણી
શેયર કરો

લીલો ઉજાસ - પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા? – દિવ્યેશ ત્રિવેદી

સોનલ અને એની ટુકડી સૂરસાગરનું ચક્કર લગાવીને આવી ત્યારે લગભગ સાડા છ થઈ ગયા હતા. મનહરભાઈ અને જનાર્દનભાઈ પણ આવી ગયા હતા. સરોજબહેન અને જ્યોતિબહેનની ગોષ્ઠિ પણ પૂરી થઈ ગઈ હતી. પિનાકીનભાઈ એક બાંકડા પર મનહરભાઈ અને જનાર્દનભાઈની સાથે આવીને બેઠા હતા. સોનલે જોયું કે સરોજબહેન મનીષાને પગથી માથા સુધી જોઈ રહ્યાં હતાં. એમની નજર આજે જુદી લાગતી હતી. એ મનીષાના વ્યક્તિત્વમાં જાણે કશુંક માપવા મથી રહ્યાં હતાં. સોનલને તરત સમજાઈ ગયું કે એમની નજર પર જ્યોતિબહેને કરેલી વાતનો જ પ્રભાવ હતો. એના મનમાં સવાલ થતો હતો કે જ્યોતિબહેને એવું તે શું કહ્યું હશે કે જેથી સરોજબહેનની નજર બદલાઈ ગઈ હશે? પરંતુ અત્યારે એની ચર્ચા કરવાનો અર્થ નહોતો.

પિનાકીનભાઈ ઊભા થયા અને બધાંને સંબોધીને કહેતા હોય એમ બોલ્યા, “અહીંથી આપણે બધાં જનાર્દનભાઈને ત્યાં જઈએ છીએ. એમને થોડી વાત કરવી છે અને કાલે સવારે એ ડભોઈ જાય છે!” કોઈએ કંઈ કહેવાનું હતું નહીં. બધાં જ ધીમે ધીમે બહાર નીકળ્યાં.

ફ્લૅટ પર પહોંચ્યા પછી જ્યોતિબહેને બધાંને પાણી આપ્યું અને પછી ચા બનાવવા ગયાં. મનીષા ઊભી થઈને રસોડામાં જવા જતી હતી ત્યાં જનાર્દનભાઈએ એને રોકીને કહ્યું, “મનીષા, તું અહીં બેસ! મારે તારી સાથે વાત કરવી છે!”

મનીષા તરત બેસી ગઈ. લગભગ સૌ કોઈ જનાર્દનભાઈ તરફ જોઈ રહ્યાં. થોડીવાર રહીને જનાર્દનભાઈએ શરૂ કર્યું. “મનીષા, મેં મનહરભાઈને કહ્યું જ હતું કે ઉદયનું જે કંઈ છે- આ ફ્લૅટ, એના પી.એફ.ના પૈસા કે બીજું જે કંઈ હોય તે બધું મનીષાનું જ છે અને અમારે એમાંથી કશું જ જોઈતું નથી. મનહરભાઈએ તારા વિચારો પણ જણાવ્યા. તું અમને પોતાનાં માને છે એ વાતનો અમને બધાંને બહુ જ આનંદ છે. અર્ચના પ્રત્યેનો તારો ભાવ પણ હું બિરદાવું છું. પરંતુ મેં મનહરભાઈને કહ્યું છે કે અત્યારે તો બધું મનીષાનું જ રહેશે. સમય આવ્યે એને જે વહીવટ કરવો હોય તે કરે. સૌથી પહેલાં તો વારસાઈની કાર્યવાહી પતાવીને બધું જ કાયદેસર રીતે તારા નામે કરવું પડશે. એ વિધિ હું નયનને સોંપું છું. એ તારી સાથે સંપર્કમાં રહીને બધી વિધિ પતાવશે... અમે કાલે સવારે ડભોઈ જઈએ છીએ. આ ફ્લેટની ચાવી તને આપી દઉં?”

મનીષા કંઈ જવાબ આપવાને બદલે પહેલાં સોનલ તરફ અને પછી મનહરભાઈ તરફ જોવા લાગી. મનહરભાઈએ જ કહ્યું, “ચાવી તમારી પાસે જ રાખો. મનીષા મારી સાથે મુંબઈ આવે છે. તમે અહીં નજીક છો અને તમારે ગમે ત્યારે એની જરૂર પડે!”

“મનીષા તમારી સાથે મુંબઈ આવે એ જ યોગ્ય છે. પરંતુ આ ઘર એનું જ છે, અને એને ક્યારેક ડભોઈ આવીને રહેવાની ઈચ્છા થાય તો પણ એ આવી શકે છે!” પછી સહેજવાર અટકીને બોલ્યા, “અત્યારે મારાથી ખરેખર તો આવી વાત કરાય નહિ... પણ છતાં કહું છું. મનીષાની હજુ કોઈ ઉંમર નથી. તમે એના ભવિષ્ય વિષે વિચારો તો અમે એમાં પૂરેપૂરા રાજી છીએ...”

જ્યોતિબહેન ચા લઈને આવ્યાં. એમણે જનાર્દનભાઈ સામે જોઈને કહ્યું, “હું ઝટપટ પૂરી-શાક બનાવી દઉં? બધાં અહીં જ જમી લે!”

કોઈ કંઈ બોલ્યું નહિ. જનાર્દનભાઈએ જ કહી દીધું, “એ બરોબર છે. તું પૂરી શાક બનાવી દે. બધાં સાથે જ જમીશું...”

અડધા કલાકમાં તો જ્યોતિબહેને પૂરી-શાક બનાવી દીધાં. બધાં જમવા બેઠાં. મનીષા બરાબર ખાઈ શકી નહિ. એને કોઈએ બહુ આગ્રહ પણ ન કર્યો.

નીકળતાં નીકળતાં પિનાકીનભાઈએ કહ્યું, “મનહરભાઈ, ભાભી, મનીષા અને સોનલ કાલે રાત્રે વડોદરા એક્સપ્રેસમાં મુંબઈ જાય છે. એમની ટિકિટ પણ થઈ ગઈ છે...”

“અંકલ, તમે ટિકિટ પણ કરાવી દીધી છે? હું તો હજુ અઠવાડિયું રહેવાનું વિચારતી હતી...” સોનલ એકદમ બોલી પડી.

“તો રહે ને! ટિકિટ કેન્સલ કરાવતાં શી વાર? જો તું ખરેખર બોલી હોય તો રોકાઈ જા. મનહર અને ભાભીને જવું હોય તો જાય. તું અને મનીષા રોકાઈ જાવ.”

“હું તો મજાક કરું છું. મારે પણ જવું જ પડે. અત્યારે પણ ત્યાં મારા નામની બૂમો પડતી હશે...!” સોનલે કપાળે હાથ દેતાં કહ્યું.

“પરમજિત સિવાય કોણ તારા નામની બૂમો પાડવાનું છે?” મનીષાએ આંખો ઝીણી કરતાં કહ્યું.

“અરે, બીજા ઘણા છે, તને શું ખબર? ચાલો, હવે...” કહીને સોનલ આગળ નીકળી.

દાદર ઊતરતાં નયને મનહરભાઈને કહ્યું, “હું કાલે બપોરે આવીશ... અને તમને ટ્રેન પર મૂકવા પણ આવીશ."

મનહરભાઈએ કંઈ જવાબ આપવાને બદલે એના ખભા પર હાથ મૂક્યો અને એના પર પ્રેમથી છલકાતી એક નજર નાખી.

ઘરે આવ્યા પછી સોનલે એ વાતની નોંધ લીધી કે સરોજબહેન ક્યારનાં આઘાં-પાછાં થતાં હતાં. કદાચ એ પિનાકીનભાઈ સાથે વાત કરવા માગતાં હતાં. પરંતુ પિનાકીનભાઈનું એમના તરફ બહુ ધ્યાન નહોતું. ઘરે આવ્યા પછી આડી અવળી વાતો કરતાં કરતાં પિનાકીનભાઈએ સોનલને પૂછયું, “સોનલ, કાલે તું એમ.એસ. યુનિવર્સિટી જોઈ આવી. તો તને એ કેવી લાગી? તમારી મુંબઈ યુનિવર્સિટીની સરખામણીમાં આવે એવી છે કે નહિ?"

પિનાકીનભાઈ તો અમસ્તું જ પૂછતા હતા અને એમનો આશય એ બહાને સોનલને માઈક પકડાવી દેવાનો જ હતો. સોનલ પણ કદાચ આવી જ કંઈક રાહ જોતી હતી. એથી એણે તક ઝડપી લીધી અને બોલી, “અંકલ, તમારો પ્રશ્ન બે ભાગમાં છે. પહેલાં ભાગનો જવાબ આપું તો યુનિવર્સિટીનું કૅમ્પસ બહુ જ સરસ છે. આવી જગ્યાએ કૉલેજ કરવાની હોય તો મજા જ આવે... હવે તમારા પ્રશ્નના બીજા ભાગનો જવાબ આપું છું. આપું ને?”

“હા, હા, આપ ને! તું શું કહે છે એ જ તો સાંભળવું છે....” પિનાકીનભાઈએ થોડા ટટ્ટાર થતાં કહ્યું.

“પહેલી તો વાત. મુંબઈ યુનિવર્સિટીથી પણ હું પૂરેપૂરી પરિચિત નથી. એથી સરખામણીનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અને કદાચ પરિચિત હોઉં તો પણ સરખામણી ન કરું. પૂછો કેમ?" સોનલે આંખો નચાવતાં કહ્યું.

“કેમ?"

“એટલા માટે કે જેણે પણ આ યુનિવર્સિટીની કે મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના કરી હશે એના મનમાં કોઈ કારખાનું નાંખવાનો વિચાર તો નહિ જ હોય. મારી દ્રષ્ટિએ કૉલેજ અથવા યુનિવર્સિટી કોઈ ઉત્પાદન એકમ નથી. પણ સર્જન છે. જેવી રીતે નદી, પહાડ, વૃક્ષ અને માણસ એક સર્જન છે. અને તમે જુઓ અંકલ, કોઈ પણ બે સર્જનો વચ્ચે કદી સરખામણી થઈ જ શકતી નથી. આ આખી પૃથ્વી પર બે નદી, બે પહાડ, બે વૃક્ષ, બે પાંદડાં કે બે માણસો કદી સરખાં જોવા મળે છે? અરે, બે જોડિયા બાળકોમાં પણ કેટલોક સૂક્ષ્મ તફાવત હોય છે. રેતીના બે કણ પણ એકસરખા હોતા નથી. એટલે મારી દ્રષ્ટિએ તો દરેક સર્જન યુનિક હોય છે, બેજોડ હોય છે. પણ આપણે એમની વચ્ચે સરખામણી કરીને ભેદ ઊભા કરીએ છીએ. સાચું પૂછો તો આવા ભેદ ઊભા કરીને જ આપણે દુઃખી થઈએ છીએ. દરેક વસ્તુનો કે દરેક પ્રસંગનો એના બેજોડ સ્વરૂપમાં જ સ્વીકાર કરવો જોઈએ. તમે શું માનો છો? એમ આઈ રાઈટ?" સોનલે ફિલોસોફરની અદાથી કહ્યું.

“યુ આર એબ્સોલ્યુટલી રાઈટ... પણ, સોનલ...” પિનાકીનભાઈ કંઈક આગળ પૂછવા જતા હતા ત્યાં સરોજબહેનથી ન રહેવાયું એટલે એમણે પિનાકીનભાઈને કહ્યું, “જરા આમ આવો તો...” પિનાકીનભાઈ ઊભા થયા અને સરોજબહેનની પાછળ પાછળ અંદરના રૂમમાં ગયા. મનીષા સોફા પર બેઠી હતી અને મનહરભાઈ તથા વિનોદિનીબહેન કપડાં બદલીને સોફા પર આવીને બેસી ગયાં હતાં. વિનોદિનીબહેને સોનલના માથા પર હાથ મૂકીને કહ્યું, “સોનુ, મુંબઈ જઈને પાછી તું તો ખોવાઈ જઈશ... મનીષાની ખબર લેવા તો આવીશ ને?"

“આન્ટી, ડોન્ટ વરી! દિવસમાં એકવાર તો અચૂક આવીશ...” સોનલે ભારપૂર્વક જવાબ આપ્યો.

“જરૂર પડે ત્યારે તારો ક્યાં સંપર્ક કરવો એય અમને તો ખબર નથી...” મનહરભાઈએ ફરિયાદના સૂરમાં કહ્યું.

“હવે એવું નહિ બને. અંકલ! હું બપોરે બારથી છ સુધી તો અચૂક ઇન્સ્ટિટ્યૂટ પર હોઉં છું. એ પછી કાં તો પરમજિતને ઘેર અથવા મારે ઘેર અને હવે તમારે ઘેર..” સોનલ હસતાં હસતાં બોલી.

“ઘરે ગયા પછી મારે નિરાંતે તારી અને મનીષા સાથે કેટલીક વાતો કરવી છે... તારે ઈન્સ્ટિટ્યૂટમાં રવિવારે તો રજા હોય છે ને?" મનહરભાઈએ કહ્યું.

“રવિવારે તો રજા જ... પણ તમે બોલાવશો તો ગમે ત્યારે રજા પાડી દઈશ...” સોનલે બેફિકરાઈથી કહ્યું.

“તું તારે વાતોના તડાકા કર... મને તો ઊંઘ આવે છે...” એમ કહીને મનીષા ઊભી થઈ અને એના રૂમમાં ચાલી ગઈ.

તરત જ બીજા રૂમનું બારણું ખૂલ્યું અને સરોજબહેન બહાર આવ્યાં. એમની પાછળ જ પિનાકીનભાઈ પણ બહાર આવ્યા. પિનાકીનભાઈ બહાર આવીને સોફા પર બેઠા અને સરોજબહેન વિનોદિનીબહેનને હાથ પકડીને રૂમમાં લઈ ગયાં. મનહરભાઈએ પ્રશ્નસૂચક નજરે એમના તરફ જોયું પરંતુ એમને કોઈ જવાબ ન મળ્યો. થોડીવારમાં એ બંને પણ બહાર આવ્યાં અને પિનાકીનભાઈ તથા મનહરભાઈ રૂમમાં ગયા. સોનલ એના સ્વભાવ મુજબ બોલી, “આ બધા ભેદ-ભરમ મારે જાણવા જેવા નથી?" સરોજબહેને હોઠ પર આંગળી મૂકીને ચૂપ રહેવા ઈશારો કર્યો.

થોડીવારમાં ચારેય જણ અંદર ગયાં અને સહેજ જ વાર રહીને પિનાકીનભાઈ બહાર આવ્યા. એમણે પહેલાં મનીષાના રૂમમાં નજર કરી. મનીષા સૂઈ ગઈ હતી. એથી એમણે સોનલને ઈશારાથી બોલાવી. સોનલ પણ અંદર ગઈ. પિનાકીનભાઈએ વાતની શરૂઆત કરી. એમણે કહ્યું કે, સરોજબહેન અને જ્યોતિબહેન વચ્ચે આજે જે વાત થઈ એ પરથી ઉદયે શા માટે આત્મહત્યા કરી એનો તાગ મળે છે. આ વાત આપણા બધા માટે ચિંતા પેદા કરે એવી છે. એનું કારણ એ છે કે એમાંથી મનીષાના ભાવિનો મહત્ત્વનો સવાલ આપણા માટે ઊભો થાય છે... પછી સહેજ અટકીને બોલ્યા, “સોનલ, તું અમારા કુટુંબની એક સભ્ય જ છે. તું વિચારશીલ અને સમજદાર છે. એટલે આ વાતમાં પણ તારે મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે.”

સોનલે સંમતિ સૂચક ડોકું ધુણાવ્યું એટલે પિનાકીનભાઈ મૂળ વાત પર આવ્યા. જ્યોતિબહેને સરોજબહેનને જે કંઈ કહ્યું હતું એનો સાર એમણે કહ્યો. જ્યોતિબહેનને અર્ચનાએ કહ્યું હતું એ મુજબ જે દિવસે ઉદયે આત્મહત્યા કરી એની આગલી સાંજે મનીષા રસોડામાં રસોઈ કરતી હતી ત્યારે ઉદય અને અર્ચના બહાર સોફામાં બેઠાં હતાં. વાત વાતમાં ઉદયે અર્ચનાને કહ્યું કે મારે મોટાભાઈ માટે એટલે કે જનાર્દનભાઈ માટે સોનાની વીંટી કરાવવી છે. આ સાંભળીને અર્ચનાએ એની મજાક કરી અને કહ્યું કે, તું મોટાભાઈ માટે સોનાની વીંટી કરાવીને ઈન્વેસ્ટમેન્ટ કરે છે કે શું? ઉદયને એના કહેવાનો અર્થ ન સમજાયો એટલે અર્ચનાએ કહ્યું કે તું અત્યારે મોટાભાઈ માટે સોનાની વીંટી કરાવે એટલે મોટાભાઈ તારે ત્યાં બાળક આવે ત્યારે સવાયું કરીને જ આપે ને! આવું સાંભળતાં જ ઉદય ઉદાસ થઈ ગયો. અર્ચનાએ આમ અચાનક ઉદાસ થઈ જવાનું કારણ પૂછયું ત્યારે ઉદય થોડીવાર તો ચૂપ જ રહ્યો. એનો ચહેરો ગંભીર થઈ ગયો. અને એની આંખમાં પાણી ધસી આવતાં હોય એવું લાગ્યું. અર્ચનાએ ખૂબ આગ્રહ કર્યો અને સોગંદ આપીને અચાનક ઉદાસ થઈ જવાનું કારણ પૂછયું ત્યારે ઉદયે એને કહ્યું કે, અમારું બાળક આવવાની કોઈ શક્યતા દેખાતી નથી. ઉદયના કહેવા મુજબ એનાં અને મનીષાનાં લગ્નને છ મહિના થવા આવ્યા છતાં હજુ બંને કુંવારા જ છે. એમની વચ્ચે હજુ સુધી કોઈ શારીરિક સંબંધ બંધાયો જ નથી. ઉદયની વાત પરથી અર્ચના એટલું સમજી કે મનીષા જાતીય રીતે ઠંડી છે અને એને કોઈ ઉત્તેજના જ થતી નથી. આવી સ્થિતિમાં બન્ને સાથે રહ્યા હોવા છતાં દૂર જ રહ્યાં છે. ઉદયના કહેવા મુજબ આવા સંજોગોમાં એમની વચ્ચે શારીરિક સંપર્કની કે બાળક આવવાની કોઈ શક્યતા નથી. ઉદયે તો કહ્યું કે, આ બાબતમાં ડૉક્ટરની સલાહ પણ એમણે લીધી છે. ડૉક્ટર કહે છે કે આ સમસ્યાનો ઈલાજ બહુ અઘરો છે.

એ દિવસ અર્ચનાના કહેવા મુજબ ઉદય ખૂબ જ હતાશ દેખાતો હતો અને એમ પણ બોલી ગયો હતો કે મને જિંદગી પરથી જ કંટાળો આવી ગયો છે અને મને એમ થાય છે કે આ રીતે જીવવાનો અર્થ નથી. મને ક્યારેક ક્યારેક આત્મહત્યા કરી નાંખવાનું મન થાય છે. આવી વાત ચાલતી હતી ત્યાં મનીષા રસોડામાંથી બહાર આવી અને અર્ચના તથા ઉદયની વાત અટકી ગઈ. એ પછી ઉદયે આત્મહત્યા કરી.

પિનાકીનભાઈ બોલી રહ્યા એ પછી થોડીવાર કોઈ બોલ્યું નહિ. પછી સોનલ ઊંડો શ્વાસ લઈને બોલી, “વાત તો ગંભીર છે. પણ હું જાણું છું ત્યાં સુધી કોઈ પણ સ્ત્રી ઠંડી હોય એટલે કે ફ્રિજિડ હોય તો એનો ઈલાજ તો થઈ જ શકે છે. કદાચ ઈલાજ કરતાં થોડીવાર લાગે એટલું જ... છતાં મનીષાને પૂછવું જોઈએ.” સહેજવાર અટકીને જાણે ઊંડાણમાંથી બોલતી હોય એમ એણે આગળ ચલાવ્યું. “જુઓ, આપણે એક વાત સમજી લેવી જોઈએ કે અર્ચનાએ જે કહ્યું છે એ સાચું માની લેવાને બદલે આપણે એની ચકાસણી કરવી જોઈએ. એનું કારણ એ છે કે હું પહેલેથી જ માનું છું કે સાચી વાત કહેવી ખૂબ અઘરી છે. સાચું કહેવા જતાં જ એ ખોટું થઈ જાય છે. આઈ મીન, આ વાત ગોળગોળ ફરતી ફરતી અહીં આવી છે. ઉદયે અર્ચનાને શું કહ્યું અને અર્ચના એમાંય શું સમજી તથા અર્ચનાએ જ્યોતિભાભીને શું કહ્યું અને એ શું સમજ્યાં તથા જ્યોતિભાભીએ સરોજ આન્ટીને શું કહ્યું અને સરોજ આન્ટી શું સમજ્યાં એ વાત છેક મારા અને તમારા સુધી પહોંચે છે...”

“મને તો જ્યોતિબહેને જે કહ્યું એ જ મેં કહ્યું છે!” સરોજબહેને પોતાની નિષ્ઠા અને સચ્ચાઈ પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો.

“આન્ટી, હું એમ નથી કહેતી કે તમે કંઈક ખોટું કહ્યું છે. અથવા જ્યોતિભાભીએ તમને જે કહ્યું એનાથી જુદું તમે કંઈક કહ્યું છે.. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ વાત ફરી ફરીને આવે ત્યારે એનું ઈસેન્સ-એનું સત્ત્વ પાતળું પડી જતું હોય છે...” સોનલે પોતાની વાતની સમજૂતી આપી.

“તારી વાત સાચી છે સોનલ, પણ એક વાત કહું? આગ વિના ધુમાડો પણ ન આવે. એનો અર્થ એ કે મૂળ વાત થોડી વિકૃત થઈ ગઈ હોય તો પણ વાતમાં કંઈક તથ્ય તો હોય જ. એટલે આપણે મનીષાને પૂરે પૂરો શંકાનો લાભ આપી દઈએ એ પણ કદાચ ખોટું છે.” પિનાકીનભાઈએ એમનો તર્ક રજૂ કર્યો.

“આ છોકરીએ તો મારી ઊંઘ જ હરામ કરી દીધી. કોણ જાણે કયા જન્મનાં પાપની સજા મને મળી છે!" મનહરભાઈ સહજ અકળાઈ ઊઠયા.

“મનહર, એમ અકળામણ કરવાથી શું વળવાનું છે? હવે તો જે પરિસ્થિતિ આવે એનો સામનો જ કરવાનો છે અને સ્વસ્થ રહીને એ ઉકેલવાની છે." પિનાકીનભાઈએ સધિયારો આપતાં કહ્યું.

“જુઓ અંકલ! મનીષાનો આવો કોઈ પ્રોબ્લેમ હશે તો એનો ચોક્કસ ઈલાજ થશે. અને મનીષાનો આવો કોઈ પ્રોબ્લેમ નહિ હોય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. પણ સાચું શું છે એ તો મનીષા સાથે વાત કરીએ પછી જ ખબર પડે.” સોનલનો તર્ક વ્યવહારુ હતો.

“સોનલ, મને એમ થાય છે કે મનીષા સાથે તું જ વાત કરજે. તને ઠીક પડે ત્યારે વાત કરજે... પણ બને તો મુંબઈ ગયા પછી જ વાત કરજે... છતાં તને યોગ્ય લાગે તેમ...” પિનાકીનભાઈએ કહ્યું.

“અત્યારે તો એ સૂઈ ગઈ છે. કાલે હું એનો મૂડ જોઈને અછડતી વાત કરીશ. એનો તાત્કાલિક પ્રત્યાઘાત શું છે એ જોયા પછી કદાચ અડધી વાત તો આપોઆપ સમજાઈ જશે. પણ એક રિકવેસ્ટ તમને બધાંને. તમે અત્યાર સુધી જેવું સહજ વર્તન કરતાં હતાં એવું જ વર્તન કરજો. અંકલ, તમે ખાસ..." સોનલે મનહરભાઈને કહ્યું.

પછી તો લગભગ કલાકેક આ જ વાત ચાલી. બધાંને સોનલની એ વાત ગળે ઊતરતી હતી કે આ વાતમાં મનીષા શું કહે છે એ સાંભળ્યા વિના કોઈ આખરી નિર્ણય પર આવી જવું જોઈએ નહિ.

સોનલ ઊભી થતાં થતાં બોલી, “કોઈ પણ વાસ્તવિકતાનો સ્વસ્થ રીતે સામનો કરવામાં જ મજા છે. એનું કારણ એ છે કે, આપણે અસ્વસ્થ થઈએ કે ચિંતામાં પડી જઈએ એથી મૂળ પરિસ્થિતિ તો બદલાતી નથી જ. એમાં આપણી ચિંતા કે અસ્વસ્થતા ભળે છે એથી પરિસ્થિતિ ઓર અઘરી બની જાય છે.. ”

“તેં સો ટચના સોના જેવી વાત કરી, સોનલ!” પિનાકીનભાઈ ઊભા થતાં બોલ્યા.

“અંકલ, લોકો માનતા નથી, પણ હું હંમેશાં સો ટચના સોના જેવી જ વાત કરું છું. નવ્વાણુ ટચની વાત કરતી જ નથી.” સોનલે ચહેરા પર ગૌરવના ભાવ લાવીને કહ્યું.

“કોઈ માને કે ન માને. હું તો માનું જ છું.” કહીને પિનાકીનભાઈએ સોનલના માથા પર હાથ મૂક્યો.

“થેંક યુ અંકલ! ગુડનાઈટ!" કહીને સોનલ સૂવા માટે મનીષાના રૂમમાં ગઈ. ડીમ લાઈટ ચાલુ હતી. ક્યાંય સુધી સોનલ એને જોઈ રહી. એને જોતાં જોતાં કયારે એની આંખ લાગી ગઈ એની જ એને ખબર ન પડી. પિનાકીનભાઈ થોડા સ્વસ્થ હતા પરંતુ મનહરભાઈ, વિનોદિનીબહેન અને સરોજબહેન થોડાં ભારેખમ હતાં. સોનલ એકલી જ પૂરેપૂરી સ્વસ્થ હતી.

સવારે વહેલી સોનલની આંખ ખૂલી ગઈ ત્યારે હજુય મનીષા ઊંઘતી હતી. થોડીવાર સોનલે મનીષાને જોયા કરી. પછી પથારીમાં બેસી ગઈ અને ધ્યાન કરવા લાગી. આ દરમ્યાન મનીષા ઊઠી ગઈ અને સોનલની સામે ચૂપચાપ બેસી ગઈ. એ સોનલનો ધીર-ગંભીર અને શાંત ચહેરો જોયા કરતી હતી. એના મનમાં થતું હતું કે હું બાળપણથી સોનલને ઓળખું છું. છતાં ખરેખર ઓળખું છું ખરી?”

એટલામાં સોનલ ધ્યાનમાંથી બહાર આવી અને આમ મનીષાને તેની સામે બેઠેલી જોઈને એણે પૂછયું: “શું જોતી હતી?”

“તને જ જોતી હતી... અને વિચારતી હતી કે...” મનીષા અટકી ગઈ.

“કેમ અટકી ગઈ? શું વિચારતી હતી?" સોનલે પૂછયું.

“એ જ કે હું જે સોનલને ઓળખું છું એ આ જ સોનલ છે? મને એમ પણ થયું કે હું બાળપણથી જ સોનલને ઓળખું છું. પણ ખરેખર ઓળખું છું ખરી?” મનીષાએ વિસ્મયના ભાવ સાથે કહ્યું.

“તારી વાત સાચી છે. તું મને ક્યાંથી ઓળખે? હજુ હું જ મારી જાતને ઓળખતી નથી ને!” સોનલે ખભા ઊંચકતાં કહ્યું. પછી બોલી, “ચાલ મને કહે, તું મનીષાને ઓળખે છે?"

મનીષા સહેજ વાર વિચારમાં પડી. પછી બોલી. “થોડી થોડી ઓળખું છું."

“ખરેખર?"

“હા”

“તો મારા એક પ્રશ્નનો જવાબ આપ!” સોનલે આંખો બંધ કરીને કહ્યું.

“બોલ!”

“પહેલાં બારણું બંધ કર...” સોનલે કહ્યું કે તરત મનીષાએ પગ વડે ધક્કો મારીને બારણું બંધ કર્યું અને સોનલ સામે ગોઠવાઈ ગઈ.