સુખમય જીવન Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખમય જીવન


GOOD HEALTH, BEST WEALTH AND BETTER' WISDOM નો ત્રિવેણી સુભગ સમન્વય થાયતો સુખમય જીવન યાત્રાનું નિર્માણ અને સર્જન થાય છે. શરીરની સુખાકારી તન અને મન ને તાજગીસભર રાખે છે. સક્રિય મન, પ્રફુલ્લિત વદન અને સ્ફૂર્તિમય તન કાર્યશીલતા માટે પ્રેરણા અને પ્રોત્સાહન નું અસરકારક માધ્યમ બને છે. નબળી ક્ષણો, વિકટ પરિસ્થિતિ અને સમસ્યાના સમયે મનની મોકળાશ અને હૈયાની હળવાશ માનવી ને સ્થિરતા બક્ષે છે. આશા, આકાંક્ષા અને અરમાન ને જીવંત રાખવામાં મદદરૂપ થાય છે.
મિત્રો, જીવનમાં બીજા કે અન્ય દ્વારા મળતાં દુઃખથી બચવા ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખવી.
(૧) અન્ય પાસે અપેક્ષા રાખવી નહી.
(૨) કદાચ અપેક્ષા રાખી હોયતો તે પૂરી જ થાય તેવી જીદ રાખવી નહીં.
(૩) અપેક્ષા પૂર્ણ ના થાયતો સામે વાળી વ્યકિતને દોષિત માનવું નહી.
સંસારમાં કંઇક મેળવ્યું છે તો કંઇક ખોયું પણ હશે. કંઇક સાચવ્યું હશે તો કયાંક મન ને માર્યું પણ હશે. હરખના તેડાં પણ જોયા હશે અને અપમાનના ઘૂંટડા પણ ગળ્યા હશે. આકાશ સમી વિશાળતાનો અનુભવ પણ થયો હશે અને પાતાળ જેવો ઊંડો આઘાતની પણ અનુભૂતિ થઈ હશે. યહીં હૈ જિંદગી ! ! !
મિત્રો, વિષમ પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહેવું, ધીરજ ધારણ કરવી, સહનશીલ થવું અને ઉદારતા નો માર્ગ પસંદ કરવો એ સદગુણો માનવ જીવનને ચિંતામુક્ત રાખે છે. ખુશી, આનંદ અને પ્રસન્નતા ના દ્વાર ખોલી આપે છે. જો માનવી ખરાબ પરિસ્થિતિમાં હતાશ થઈ જાય, હારી જાય, ચલિત થઈ જાય કે સ્ખલિત થઈ જાય તો દુઃખને મન પ્રવેશ આપે છે તેમ માનવું. વ્યથિત મન નકારાત્મક લાગણી ને આમંત્રણ આપે છે. તન નો તરવરાટ ચાલ્યો જાય છે.
"જે જીવનમાં નથી એ એક "ખ્વાબ" છે તેમ માનવું......
પણ જે પ્રભુએ આપ્યું છે તે
"લાજવાબ" છે તેમ માનવું."
મિત્રો, નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માટે સાવધાન, સાવચેત અને સલામત રહેવું જરૂરી છે. એ જ રીતે આનંદિત રહેવા માટે કોઈ અનુભવી પાસેથી શીખવા મળે તો શીખી લેવું, બધી આપણને જ ખબર પડે એવું ખોટું અભિમાન રાખવું નહી.
યાદ રાખો...જેની સાથે વાત કરવાથી ખુશી બે ગણી થઈ જાય અને દુઃખ અડધું થઇ જાય એ જ આપણા બાકી બધા તાપણા તેમ માનવું. મનના માલિક બનો, ગુલામ નહી. મન કાબૂમાં હશે તો જીવન અનુશાસનમાં રહેશે. કહેવત છે કે ....." મન ચંગા તો કથરોટ મેં ગંગા". સંતોષ જીવન ને ચોક્કસ આનંદિત રાખે છે. પરોપકારની ભાવના જીવન યાત્રાને સુખમય જીવન જીવવાનો સંદેશ આપે છે. ચિંતા માટે ચિંતન અને મથામણ માટે મંથન જીવનને શાતા આપે છે. તંદુરસ્ત જીવન શૈલીથી જીવનમાં નીરસતા, કંટાળો અને અણગમાનો અવકાશ રહેતો નથી. જીવનમાં સજાવટ પાછળ સમય ખર્ચવાની જરૂર નથી એને બદલે સંબંધોની જમાવટ કરવાની જરૂર છે. સાથોસાથ બનાવટને તિલાંજલિ આપવી જ રહી.
મિત્રો, પળે પળે પરમાનંદ ની અનુભૂતિ કરવી હોય તો ભૂતકાળને ભૂલતા, ભવિષ્યની ચિંતા નહી કરતા અને આજના આનંદને માણતા શીખો. સત્ય, પ્રેમ અને કરુણા ના આચાર, વિચાર અને ઉચ્ચારણથી જીવન યાત્રા નો માર્ગ સરળ, સહજ અને સુગમ બને છે.
આપ સૌની સુખમય જીવનયાત્રા
તન - દુરસ્ત અને મન - દુરસ્ત રહે તેવી પ્રભુ પ્રાર્થના.....
જે ઉતાવળે ભૂલ કરે તે નિરાંતે પસ્તાય
ફળ પરિપકવ થાય પછી પડે છે,
માનવી પડ્યા પછી પરિપકવ થાય છે. માનવ જીવનમાં કોઈ પણ કાર્ય કરવા માટે 'short cut' હંમેશા પ્રચલિત હોય છે. કાર્ય ને જલ્દી પતાવવા માટે જેમ - તેમ પૂર્ણ કરવામાં આવે છે. કામમાં વેઠ ઉતરે છે. ઉતાવળ થી તનાવ આવે, વિશ્વાસ ઘટે અને કાલ્પનિક ભય મન ઉપર કબજો કરી લે છે. જ્યારે ધીરજ ધારણ કરનાર મા ધીરતા અને ગંભીરતા આવે છે. ધૈર્ય ની સાથે શાંતિ અને સ્વસ્થતા હોય છે. ધીરજ રાખનાર માટે ધારેલું કાર્ય પાર પાડવાની ઉજ્જવળ શક્યતા રહેલી છે.
કહેવત છે ને... ઉતાવળે આંબા ના પાકે.....અને ધીરજના ફળ મીઠાં હોય છે.
મિત્રો, આપણૅ પ્રભુમાં અખૂટ શ્રદ્ધા રાખીએ છીયે તેમજ માનીએ છીયે કે ધાર્યું તો ઘણી (ઈશ્વર) નું જ થાય છે. જયારે આપનું ધારેલું ન થાય ત્યારે સમજવું કે ઈશ્વરનું સુધારેલું ચોક્કસ થશે. જીવનમાં જરાક ધાર્યું ના થાય તો આપણૅ upset થઈ જઈએ. ક્રોધિત થઈને સમગ્ર દુનિયાને ઉતાવળ કરીને ભલું - બુરું કહી દઈએ છીએ. આઘાત આવે કે વગર વિચારે પ્રત્યાઘાત આપી દઈએ છીએ. ધીરજને ધારણ કરવા માટે સમજવું બહુ જરૂરી છે. આ સંસારમાં કોઈ વ્યક્તિ મિત્ર કે શત્રુ બની ને નથી આવતા, પરંતુ વાણી, વ્યવહાર અને વર્તન મિત્રતા કે શત્રુતા નક્કી કરે છે. બીજું બધા લોકો બધી જગ્યા એ કામ આવે તે જરૂરી નથી. આસોપાલવ કદાચ છાયડો ના આપે પણ તે સ્વાગત અને શુકનના કામમાં તો આવે જ છે. લેવામાં અને મેળવવામાં રસ હોય તેટલો આપવામાં અને અપાવવામાં રસ નથી રાખતા. એક માનસિકતાથી સૌ ગ્રસિત છીયે કે કઈ પણ બનાવ બને તો આપણે વિચારીએ છીએ કે મને શું ? અને મારું શું ?... મિત્રો...માસિક આવક કરતા માનસિક આવકમાં ધ્યાન રાખીશું તો પસ્તાવાનો વારો આવશે નહીં.
હું કરું, મે કર્યું, હું ના હોત તો ના થાત એવા ખોટા વહેમમાં અને અહમ્ મા કદી ના રહેવું. આવી મન સ્થિતિ મા માણસમાં ઈર્ષા અને ક્રોધનું આગમન થાય છે, અને ન કરવાનું કરી બેસીએ છીએ તથા મન ભરીને નિરાંતે પસ્તાવા નો વારો આવે છે. આવી પરિસ્થિતિ મા પારકા સાથ છોડે છે અને પોતાના ભરોસો તોડે છે.
મિત્રો...સુખી થવા માટે કયા તો પરિસ્થિતિ બદલો અને જોં તેને માટે શક્તિમાન ના હોવ તો મન સ્થિતિ બદલવાની કોશિષ કરો.
મધુર સંબંધ મોટી વાતો કરવાથી નહી, પરંતુ નાની - નાની વાતો સમજવાથી સાચો અને ગહેરો બને છે. સરસ પંક્તિ માણીએ..
" દિલથી દુવા કરો તો માંગેલું
બધું જ મળી જાય છે.......
વાણી અને વર્તનમાં જો મીઠાસ હોય તો દુશ્મન પણ નામી જાય.."
જીવનમાં શાંતિ જેવી કોઈ સંપત્તિ નથી. જીવનમાં દુઃખનું કારણ કાર્ય નો અભાવ છે, જ્યારે સુખનું કારણ સત્કાર્ય નો પ્રભાવ છે તેમ ચોક્કસ માનવું.
Action અને Reaction માં જો
Positive Selection ની ટેવ પાડશો Appreciation ને પાત્ર થશો.
પ્રખ્યાત લેખક અને વિચારક શ્રી કૃષ્ણકાંત ઉનડકટ ના શબ્દોમાં..
જિંદગી ને સમજવાની યાત્રા પોતાને સમજવાથી શરૂ થાય છે. માણસ પોતાને ઓળખીને જ શાંત અને સુખી થઈ શકે છે.
મિત્રો, ઉતાવળ થી ધીરજ ધરો અને ધીરજ થી ઉતાવળ કરો. કહેવાનું તાત્પર્ય એ છે કે સત્કાર્ય ઝડપથી કરો અને ન કરવાનું કામ કરતા પહેલા ગંભીરતા અને ધીરજથી વિચાર કરો અને પછી જ અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશો તો જિંદગીમાં જલસા ની જમાવટ થઈ જશે.
આશિષ શાહ
9825219458