બસ ચા સુધી Anya Palanpuri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બસ ચા સુધી

રજાનો દિવસ હતો. બપોરના સાડા ચાર થયા હતા. બપોરે જમવામાં કેરીનો રસ અને બે પડ વાળી રોટલી બરાબર ખવાઈ હતી એટલે બપોરે કલાકેક ઊંઘ ખેંચી હજુ હરેશભાઈ બેઠા જ થયા હતા અને એવામાં બે કપ ચા હાથમાં લઈ રમીલાબેન ૨૩ પર એસી ચાલુવાળા રૂમમાં પ્રવેશ્યા. હરેશભાઈ ચા ની રાહ જ જોઈ રહ્યા હતા.

“આહ... લાવ લાવ” હરેશભાઈએ હાથમાં ગરમ ગરમ કપ લઈ ટેબલ પર મૂક્યો. રમીલાબેને પણ હાથમાં કપ રાખી બેઠક લીધી.

“બહાર તો ખરેખર બહુ ગરમી છે બાપ” રમીલાબેન ચા ની ચૂસકી લેતા બોલ્યા.

“હા... ગરમી તો જોરદાર છે. બહાર જવાની ઈચ્છા જ થાય એમ નથી! આમ તો ચા પણ ન પીવાય, પણ જ્યારે વાત ‘તારી’ ચાની આવે ત્યારે રહેવાય નહીં...” કહી હરેશભાઈએ ચાની ચૂસકી લીધી. રમીલાબેન ખુશ-ખુશાલ થઈ ગયા. તેમના લગ્ન-જીવનને પંદરેક વર્ષ થઈ ચૂક્યા હતા. હરેશભાઈ ભાગ્યે જ રમીલાબેનના વખાણ કરતાં. આજે સવારથી બપોર સુધી બંને વચ્ચે દિવસ ખૂબ સરસ પસાર થયો હતા. એક પણ વાત પર ઝઘડો કે વિરોધાભાસી નિવેદન આવ્યા ન હતા.

“ખૂબ જ સરસ દિવસ રહ્યો આજે...” હરેશભાઈ હરખાતા બોલ્યા.

“ હા...હોં. ખૂબ સરસ.” રમીલાબેન ચા પતાવતા બોલ્યા.

“નહિતર રોજ તારી કચ...” અને હરેશભાઈની જીપ લપસી. રમીલાબેન મલકાયાં અને બોલ્યા “કશો વાંધો નહિ...” હરેશભાઈએ હાશકારો અનુભવ્યો.

“બધી ભૂલ મારી જ હોય છે ને?” રમીલાબેન ઊભા થયા અને કપ લઈ રસોડા તરફ જતાં જ હતા અને ઊભા રહી બોલ્યા.

“મારાથી તમને આટલી તકલીફ હતી તો લગ્ન શું કામ કર્યા?” પત્યુ!!! લગભગ દરેક ઝઘડાની શરૂઆત આ જ પ્રશ્નથી થતી હોય છે. હરેશભાઈએ મનમાં જવાબ આપ્યો. “હા...એ લગ્ન પહેલા થોડી ખબર હતી?”

“અરે હું તો એમ કહેવા માંગતો હતો કે...કે...” હરેશભાઈ અટવાયા.

“હા..જુઓ…લગ્ન જ ન કર્યા હોત તો સારું. એમ જ ને?” રમીલાબેનનો ગુસ્સો ધીમે-ધીમે વધવા લાગ્યો.

“ના...હવે. તારા સિવાય હું બીજા કોની સાથે પરણત?” હરેશભાઈએ ઠંડા દિમાગથી પૂછ્યું.

“એને જ ... જેને તમે ત્રણ –ત્રણ વાર જોવા ગયા હતા ને?” રમીલાબેને જૂનો પિટારો ખોલ્યો.

“અરે...એ તો બરાબર જોયા ન હોય તો બીજી કે ત્રીજી વાર જોવા જવામાં શું વાંધો છે? અરે એમ તો તારા ભાઈએ પણ ચાર-ચારવાર અમદાવાદ...પેલા ...પેલા ...ઝવેરભાઈને ત્યાં મુલાકાત નહોતી લીધી? હરેશભાઈએ સામે પ્રશ્ન કરી મામલો આગળ વધાર્યો.

“લો ...બધી વાત મારા ધર પર જઈને જ અટકે? એ ... તમને શું નડ્યો છે મારો ભાઈ? તમારા ભાઈનાં ઠેકાણા તો છે નહિ” રમીલાબેન બબડ્યા.

“જો ... તું વચ્ચે મારા ઘરવાળાઓને ન લાવીશ” હરેશભાઈએ બચાવ કરતા કહયું.

“તમારા મમ્મી...તમારા પપ્પા...તમારા ભાઈ... તમારી બહેન...બધાને લાવીશ. એમાંય તમારા મમ્મીને તો ખાસ. આખા જગતનો ભાર એમના જ ખભા પર હોય...એવી રીતે તો મને ખખડાવતા હોય છે” રમીલાબેને ફરિયાદ કરતાં કહયું.

“જો... તું મમ્મી વિશે કાંઇ ન બોલીશ. એ આપણાં બધાના સારા માટે જ તો કહે છે? તને જે નથી ખબર હોતી એ તને શીખવે છે.” હરેશભાઈએ નિખાલસપણે કહયું.

“ઑ... હો...હો મારી ભૂલો!! અરે...કાંઈક નવું બનાવીએ તો એમાં મીઠું ઓછું છે. મરચું ઓછું લાગે છે. આ ઓછું છે...પેલું ઓછું છે” રમીલાબેને જીભ બહારકાઢી ચાળા પડતાં કહયું.

“હા...પણ ગઇકાલે પાસ્તા સાવ ફિકા હતા એ તો સાચું જ છે” હરેશભાઈ મલકાતા બોલ્યા. રમીલાબેનનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચ્યો. તમે કરેલી ભૂલો કોઈ વારંવાર તમારી સામે વર્ણવે તો ચોક્કસપણે ગુસ્સો આવે. એમાય સ્ત્રી સામે...ના ભાઈ ના !!!

“ઓ..હોં..હોં... અને તમારી મમ્મી બનાવે છે એમાં કોઈ દિવસ લોચા હોતા જ નથી એમ ને? બે દિવસ પેહલા તો ખીચડીમાં અડદની દાળ નાખી દીધી હતી. હા...પણ તમને તો ક્યાં ખાવાનીય ખબર પડે છે” રમીલાબેને દાટેલું મડદુ ઉઘાડું પાડ્યું.

“અરે...મમ્મીની ઉમર થઈ છે એટલે...એમ તો તારી મમ્મીએ ફિક્કો જ કેરીનો રસ પીવડાવ્યો હતો ને?” હરેશભાઈ આટલું બોલી હાથમાં મેગેજીન લીધી. તેમને ખબર હતી કે વાત હવે વધુ વણસી શકે છે. રમીલાબેનનું નાક ગુસ્સાથી લાલચોળ થઈ ગયું.

”સારૂ...સારૂ...તો તમે અને તમારા મમ્મી-પપ્પા રહો શાંતિથી અહીયા. હું જાઉં છું મારા ધરે, જ્યાં મને ફિક્કો કેરીનો રસ પણ ચાલશે” રમીલાબેન બોલ્યા અને આમ-તેમ આંટા મારવા લાગ્યો. થોડીવાર રૂમમાં શાંતિ પથરાઈ.

“અરે...જો. પેલા ટેબલમાં સાડી ફસાઈ જશે!!” હરેશભાઈએ સાડીને ટેબલના ખૂણે વારંવાર ફસાતા જોઈ એટલે કહ્યું.

”હમમ...હાં તે કઈ મોધી નથી મારી સાડીઓ. ફાટશે તો ચાલશે” રમીલાબેને સાડી પુરાણ ઉમેરતા મોઢું મચકોડીને કહ્યું.

“કેમ? કેમ? અરે ૮૦૦/- રૂપિયાની સાડી છે...આ” હરેશભાઇએ આંખ આગળથી ચશ્મા હટાવી કહયું.

“હા...તો ૮૦૦/- વધારે ન કહેવાય. બાજુવાળી મ્ંજુલા ૩૦૦૦/- ની સાડી લાવી. અને હું વર્ષોથી ૧૦૦૦ ની અંદર જ રમુ છું ?” રમીલાબેને ઉદાસ ભાવે કહયું.

“અરે પણ એનો પતિ ધંધાદારી છે. અને આપણે નોકરીયાત છીએ” હરેશભાઈએ માથું હલાવતાં કહયું.

“હા...તો તમેય કરો ને કાંઈક ધંધો. કોણ ના પાડે છે? અમનેય મોંધી સાડી પહેરવાનાં ઓરતા ના હોય?” રમીલાબેન ટ્રેક બદલી રહયા હતાં.

“સારૂ...” હરેશભાઈએ વાત ટૂંકમાં જ પતાવી. જે વિષય પર આગળ ચર્ચા જ થઈ શકતી ન હોય, તે બાબત તરત જ પુરી કરી દેવી સારી.

થોડી ક્ષણો પછી અચાનક હરેશભાઈ મોટેથી હસવા લાગ્યાં.

“બહુ અદભુત લેખ છે...” હરેશભાઈ મેગેઝીન વાંચતાં વાંચતાં બોલ્યા. રમીલાબેનને ફરીથી ચીડ ચડી. રમીલાબેને સામે કાંઇ પૂછ્યુ નહિ એટલે પોતે જાતે જ બોલી ઉઠયા “સાંભળ...લગ્નમાં અપાતો ચાંદલો એ ન્યુટનનાં ગતિનાં ત્રીજા નિયમને અનુસરે છે.” હરેશભાઈ ફરીથી હસવા લાગ્યાં.

રમીલાબેનને ઝાઝી સમજણ ન પડી એટલે તેમને જેવું સમજાણું એવું બોલ્યા “હા...હવે. પેલી મારી માસીના છોકરા નુતનનાં લગ્નમાંય તમે ક્યાં ચાંલ્લો બરાબર કર્યો હતો?”

“અરે ડોબી...આ એમ કહેવા માંગે છે કે આપણે કોઈના પ્રસંગમાં જે પ્રમાણે ચાંલ્લો લખાવીએ...એજ પ્રમાણે સામેવાળો આપણા પ્રસંગમાં ચાંલ્લો લખાવતો હોય છે.” હરેશભાઈએ “બધી મહેનત માથે પડી” વિચારી માથું ધૂણાવતાં કહયું. રમીલાબેનને હવે સમજણ પડી.

“હા...ભલે હું ડોબી રહી. પણ વાત મારી સાચી જ છે ને? મારા ધરવાળાઓનાં પ્રસંગમાં ક્યાં તમે વધારે રસ લો છો?પેલી તમારી ઓફિસની છોકરીનાં લગ્નમાં જેવા નાચતાં હતાં, એવા મારા માસીનાં છોકરા નુતનનાં લગ્નમાં કેમ નહોતાં નાચ્યા?” અર્ધાંગીનીએ આગળ ચલાવ્યું.

”બાપ રે બાપ... અરે મને પેટમાં ગરબડ થઈ હતી. તને યાદ નથી? સોડા ઉપર સોડા પીધા જ કરી હતી. ખબર નહિ શું જમવામાં આવી ગયું હતું?” હરેશભાઇએ પુરાણો સમય યાદ કરતાં કહયું.

“જુઓ...વગોવ્યા ને ફરીથી મારા ધરવાળાઓને? જમવાનું તો બરાબર જ હતું. એકદમ ટોપ ક્લાસનું હતું. તમારા પેલા...જાડિયા મામાનાં છોકરાનાં લગ્ન કરતાં તો ધણુ સારૂ...’ રમીલાબેને હોઠ બીડીને કહયું.

“અરે મારા મામાનાં છોકરાનાં ત્યાં જેવી વાનગીઓ હતી એવી તો આપણે ક્યારેય જોઈ કે સાંભળી પણ નહોતી. કેટલી વેરાઇટીઓ હતી. આહા ...હા” હરેશભાઇએ લગ્નનું મેન્યુ યાદ કરી હોઠ પર જીભ ફેરવી.

‘બુહુ સારૂ...કહેવાય. હવે મારા ધરવાળઓનાં પ્રસંગમાં તમે આવતા જ નહિ તો પછી.” રમીલાબેને રિસાઈ જવાનાં મૂડમાં કહયું.

“શું આવતા નહિ? હમણાં બે અઠવાડિયા પહેલા જ પેલાની બાબરીમાં જવાની ‘ના’ પાડી એમાંતો આખું ધર માથે ચડાવ્યું હતું...તે પાછી કહે છે કે આવતા નહિ “ હરેશભાઇએ મોઢું બગાડ્યું.

“એ...સારૂ...” રમીલાબેન હાથ જોડી બરાડયા. અને એટલમાં જ ધરમાં નુતન અને તેની પત્ની પ્રવેશ્યા.

“અરે...આવા બરાડા કોણે પાડ્યા?” નુતને આવતાંવેત પ્રશ્ન કર્યો. બંને જણ ક્ષોભની લાગણીમાં ગરકાવ થઈ ગયાં. બંને ધીમે-ધીમે ખસતાં એકબીજાની નજીક આવ્યાં.

“અરે...એ તો મારા પગ પર ટેબલ નો પાયો આવી ગયો હતો...એટલે...આ થોડી સફાઈ કરતાં-કરતાં...” રમીલાબેને સુઝ્યું એવું બહાનું આગળ કર્યું.

“હે?” નુતને પૂછ્યું.

“અરે...તું અંદર આવને ભાઈ? તું બરાબર સમયે આવ્યો છે. બેસ...રમીલા જો હમણાં મસ્ત કડક મસાલાવાળી ચા બનાવીને લાવશે” હરેશભાઈએ હાશકારો અનુભવતાં કહયું. રમીલબેન પ્લાસ્ટિક સ્માઇલ આપતાં પગ પછાડીને રસોડમાં ચાલ્યા.

હરેશભાઇએ મનમાં જ ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું “ભગવાન..રજાના દિવસે કોઈકને કોઈક મહેમાન તો મોકલતા જ રહેજો!!!!!”

----અન્ય પાલનપુરી