Liberation books and stories free download online pdf in Gujarati

મુક્તિ

મુક્તિ🙏




સોસાયટીમાં અચાનક જ દોડધામ મચી ગઈ કે મિત્તલ ખોવાઈ ગઈ, મિત્તલ ખોવાઈ ગઈ છે.
નાનાં મોટાં સૌ રમતાં રમતાં એક જ વાત કરતાં હતાં મિત્તલ મળતી નથી. અચાનક સાંજે સ્કૂલેથી છૂટ્યા પછી મિત્તલ સાથે શું બન્યું એની કંઈ જ ખબર નથી બસ એ ખોવાઈ ગઈ છે એ સમાચાર આગની પેઠે આખી બસો મકાનની સોસાયટીમાં ફેલાઈ ગયાં ને લોકોના ટોળે ટોળા એના ઘરની બહાર જમા થઈ ગયાં. મિત્તલ ફ્કત 13વષઁની એક બાળકી હતી. જે થોડાં દિવસ પહેલાં જ ગામડેથી પોતાનાં મામાને ઘેર શહેરમાં રહેવાં અને ભણવાં આવી હતી. ખૂબ જ વાતોડી ને મળતાવડી હોવાથી દરેકની સાથે થોડાં જ સમયમાં ભળી ગઈ હતી. શહેરની સ્કૂલમાં એડમિશન થઈ ગયું હોવાથી પોતાનાં મામાંના દીકરા અને સોસાયટીના બીજા બાળકો સાથે સ્કૂલે જતી હતી.
બધાંની સાથે રોજ રમતી ને હંમેશા હસતી રહેતી આજે મિત્તલ અચાનક ગાયબ થઈ જતાં નાંનાં બાળકો પણ એને શોધવામાં મોટાંની મદદ કરતાં હતાં આજુબાજુની સોસાયટીઓમાં, આખા એરિયામાં બધે શોધખોળ ચલાવી પણ મિત્તલનો ક્યાંય પતો ન હતો.
જેવી મિત્તલ ગાયબ થઈ એના અમુક કલાકોમાં જ ગામડે એનાં માતા-પિતાને સમાચાર મોકલી દેવામાં આવ્યાં. જલ્દીમાં જલ્દી એ લોકો પણ અમદાવાદ આવી પહોંચ્યાં ને એમને આવતાં જ રોકકળ કરી મૂકી કે અમારી દીકરી ક્યાં ગઈ, અમારી દીકરી ક્યાં ગઈ. મિત્તલની માં ને મામીની હાલત તો ઓર ખરાબ થઈ ગઈ હતી. જ્યારે મોડી રાત સુધી મિત્તલનો કોઈ પત્તો ન હતો લાગ્યો.
મિત્તલના મામા, પપ્પા ને સોસાયટીના બીજા રહીશો પોલીસ સ્ટેશન ફરિયાદ પણ નોંધાવી આવ્યાં. પોલીસે ઝડપીમાં ઝડપી મિત્તલને શોધી લાવવાનું વચન આપી તે લોકોને ઘરે રવાના કયાઁ.
એ જમાનામાં સોશિયલ મિડીયા જેવું કોઈ માધ્યમ ન હતું. બસ સમાચાર પત્ર ને ફોન એ પણ લેન્ડલાઈન, મોબાઈલ નહી.
તેથી દરેક જગ્યાએ આ સમાચાર ફેલાવવાં થોડાંક અઘરા હતાં કે આ નામની બાળકી ખોવાઈ છે. પોતાંનાં ઘરની બાળકી ખોવાઈ હતી તેમછતાં એ લોકોએ સમાચારપત્રમાં સમાચાર આપવાની જગ્યાંએ એમનાં ગામનાં એક મહારાજ જે ત્રિકાળજ્ઞાની હતાં તેમની પાસે ગયાં ને તેમને આજીજી કરી કે મહારાજ કંઈક કરોને અમારી દીકરી ખોવાઈ ગઈ છે. જોઈ આપો ને એ ક્યાં હશે

મહારાજ પણ જાણેં કંઈક જાણતાં હશે એમ અમુક હાથોંની સંજ્ઞા બતાવીને આંખો ખોલ બંધ કરીને બોલ્યાં કે તમારી દીકરી તો મુંબઈ ગઈ છે. મુંબઈનાં દરિયાંનાં કિનારે એકલી બેઠી છે. આ સાંભળતાં જ એ લોકોનાં હોશકોશ ઊડી ગયાં કે મહારાજ શું કહો છો અમે તો ક્યારેય મુંબઈ જોયું પણ નથી તો એ કેવી રીતે ત્યાં જઈ શકે.
મહારાજે કીધું એ ત્યાં ગઈ નથી કોઈ તેને ત્યાં લઈ ગયું છે મિત્તલનાં ઘરનાં લોકો તો આ સાંભળીને હક્કાબક્કા રહી ગયાં કે કોણ હશે એ જે અમારી દીકરીને ઊઠાવી ગયું છે.
મિત્તલ સહીસલામત પાછી આવી જાય એનાં માટે એ લોકોએ મહારાજને કંઈ પણ કરવાં માટે વિનવણી કરી. મહારાજે કીધું અમુક વિધિ કરવી પડશે. પછી જ તમારી દીકરી તમને હેમખેમ પાછી મળી શકશે. મિત્તલનાં પપ્પાંએ કીધું મહારાજ જે કરવું હોય એ કરો પરંતુ મારી દીકરીને પાછી લઈ આવો.

મહારાજે કીધું સારું ત્યારે તમે બધાં અત્યારે ઘરે જાવ હું મિત્તલને પાછી લાવવાં માટેની વિધિ અત્યારે જ શરૂ કરી દઉં છું ને જે એને લઈ ગયું છે તે એને નુકસાન ના પહોંચાડે એ વાતનું પણ નિવારણ લાવી દઉં છું. નુકસાન આ શબ્દ સાંભળતાં જ મિત્તલની મા ધ્રુસકે ને ધ્રુસકે રડવાં લાગી તેમને પોતાની દીકરી સાથે કંઈક અઘટિત બન્યાનો અણસાર આવી ગયો હતો. મહારાજ પાસેથી વહેલી સવારે મળવા આવવાનો વાયદો લઈ ભારે હૈયે એ લોકો ઘરે જવાં નીકળ્યાં. ઘરે પણ એ જ રોક્કળ આખી રાત ચાલતી રહી. સોસાયટીનાં સભ્યો પણ પાડોશીધમૅના સંબંધે આખી રાત એ લોકોની સાથે બેસીને દિલાસો આપતાં રહ્યાં. ના કોઈ જમ્યું કે ના કોઈ સૂતું. બધા આખી રાત મિત્તલની ચિંતા કરતાં બેસી રહ્યાં
બીજી બાજુ મહારાજ જે ધ્યાન લગાવીને બેઠા હતાં તેમને અચાનક ધ્યાનમાં કંઈક એવું દેખાયું કે તેઓ ધ્યાનભંગ થઈ ગયાં. મહારાજે જોયું કે મિત્તલ દરિયાકિનારે રાતનાં સમયે પણ એકલી બેસી છે ને કોઈ આજુબાજુમાં નથી તેમ છતાં કોઈકની સાથે વાતો કરી રહી છે.
મહારાજને કંઈક અજુગતું લાગ્યું તો એમણે ફરીથી ધ્યાન લગાવીને મિત્તલ સાથે શું બન્યું છે એનો તાગ મેળવવાનો પ્રયાસ કયોઁ. આ વખતે એમને કંઈક એવું દેખાયું કે એમનાં હોશ જ ઊડી ગયાં આ વખતે મિત્તલની સાથે એમને સફેદ સાડીમાં એક સ્ત્રી દેખાઈ જે મિત્તલ સાથે બેઠી બેઠી વાતો કરી રહી હતી. ને મિત્તલ એની સાથે.
મહારાજ થોડીવાર પછી ધ્યાનમાંથી બહાર આવ્યાં તો જાણ્યું કે મિત્તલનાં પરિવારનાં લોકો એમને મળવાં આવી ચૂક્યાં છે.
મહારાજે એમને મળવાં બોલાવ્યાં. મિત્તલનાં માતા-પિતા ને મામા-મામી પણ ઝડપથી મહારાજ સમક્ષ હાજર થઈને શું બન્યું છે અમારી મિત્તલ સાથે એમ પ્રશ્ર્ન પૂછવા લાગ્યાં.

મહારાજે બધાને ધીરજ ધરવાનું કીધું ને તેમને ધ્યાનમાં જે કંઈપણ જોયું તે બધાંને જણાવ્યું. મિત્તલનાં પરિવારનાં માથે તો જાણે આભ ફાટ્યું હોય એમ બધાં રડવાં લાગ્યાં ને અમારી દીકરીને બચાવો અમારી દીકરીને બચાવો એમ મહારાજને આજીજી કરવાં લાગ્યાં. મહારાજે ધીરજ રાખવાં જણાવ્યું ને કીધું કે એ સ્ત્રીએ હજુ મિત્તલને કોઈ નુકસાન પહોચાડ્યું નથી તે હજુ ફ્કત એની સાથે બેઠી જ છે પરંતુ મિત્તલ જાણે એને ઓળખતી હોય એમ વાતો કરે છે તો તમે મને જણાવો કે તમારા પરિવારમાં કોઈ સ્ત્રી નાની ઉંમરમાં મૃત્યુ પામી હોય એવું કંઈ છે. મિત્તલનો આખો પરિવાર એકબીજાની સામે જોવા લાગ્યો. મહારાજે નોધ્યું કે કોઈક વાત છે જે આ લોકો જાણે છે પણ મને નથી જણાવતાં
મહારાજે ફરી પૂછ્યું એવું કોઈ હોય તો મને જણાવો તો જ હું તમારી મદદ કરી શકીશ.
થોડીવારમાં જ બધાં સ્વસ્થ થયાં ને મહારાજને બધી વાત જણાંવા લાગ્યાં.
મિત્તલનાં પપ્પાંએ જણાવ્યું કે મહારાજ અમે જે ગામમાં રહીએ છીએ ત્યાં 9 મહિના પહેલાં અમારા સામેનાં મકાનમાં એક સ્ત્રી અને તેનો ઘરવાળો રહેવાં આવ્યાં હતાં. સારા ઘરનાં ને સંસ્કારી લોકો લાગતાં હતાં. પતિપત્ની બંને એકલાં જ હતાં. શેરમાટીની ખોટ હતી. અમારા ઘરની સામે જ રહેતાં હોવાથી અમારા ઘર સાથે પણ સારો ઘરોબો હતો. તેમના પતિ જેમનું નામ મંથનભાઈ હતું તેઓ ગામની નગરપાલિકામાં સાહેબ હોવાથી આખો દિવસ કામમાં જ રહેતાં હતાં ને તેમની પત્ની યામિની ઘરમાં એકલી રહેતી હતી. લગ્નનાં ઘણાં વષો થઈ ગયાં હોવાં છતાં પણ તેમને કોઈ સંતાન ન હતું

મિત્તલ ઘરમાં એકલી જ હોવાથી એ પણ આખો દિવસ યામિનીબેન જોડે રમતી, ભણતી ને કંઈક નવું નવું બનાવતાં શીખતી. આમ ને આમ થોડા જ દિવસમાં મિત્તલ એમની વહાલસોયી દીકરી જેવી બની ગઈ. મંથનભાઈ ને યામિનીબેન બંને મિત્તલને પોતાનાં જીવની જેમ વ્હાલ કરતાં
અમે લોકો પણ એ બંને સાથે એક પરિવારની જેમ હળીમળી ગયાં હતાં એક કે બે મહિના પછી એક દિવસ અચાનક મંથનભાઈ પોતાની ઓફિસથી પાછાં આવતાં હતાં ને રસ્તાંમાં અચાનક બાઈક લપસી જતાં એમનો અકસ્માત થયો ને એમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ. તેમને માથાના ભાગે વાગ્યું હોવાથી ત્યાંને ત્યા જ બ્રેઈનહેમરેજ થઈ ગયું. આ સમાચાર અમને બધાંને મળતાં અમે બધાં યામિનીબેનને લઈને એમની પાસે જવાં નીકળ્યાં.
થોડી જ વારમાં અમે અકસ્માતનાં સ્થળે પહોચ્યાં તો જોયું કે મંથનભાઈનું પ્રાણપંખેરું અમારા જતાં પહેલાં જ અકસ્માત ના સ્થળે ઊડી ગયું હતું. ફ્કત યામિનીબેનની રાહ જોવાતી હતી. યામિનીબેન તો મંથનભાઈની હાલત જોઈને જ બેભાન થઈ ગયા. આમ પણ તે બંને એકલાં હતાં ને હવે મંથનભાઈના ગયાં પછી તો તે સાવ એકલાં પડી ગયાં
ગામવાળા બધાએ મળીને મંથનભાઈની બધી અંતિમક્રિયા પુરી કરી. યામિનીબેન એકલાં થઈ ગયાં હોવાંથી આખો દિવસ સૂનમૂન બેસી રહેતાં એમની આ હાલત મિત્તલથી જોવાતી ન હતી. તેથી એ આખો દિવસ એમની પાસે રહેતી , રમતી એમને પોતાના હાથે જમાડતી.
મને કે મિત્તલની માતા ને કોઈ જ વાધો ન હતો. આ બધી વાતથી પરંતુ અમારી આજુબાજુમાં રહેતી સ્ત્રીઓએ મિત્તલની માઁ ના કાનમાં ઝેર રેડ્યું કે આ તો વાંઝિયણ છે પોતાના ઘરવાળાને ખાઈ ગઈ ને હવે તારી દીકરીને પણ ભરખી જશે.
મિત્તલની મા પહેલાં તો આ વાતને સાંભળ્યું ના સાંભળ્યું કરતી હતી. પરંતુ એક દિવસ મિત્તલ યામિનીબેન માટે થઈને એની માં સાથે ઝગડવા લાગી. તેથી એની મા નો પિત્તો ગયો ને મિત્તલને ત્યાં જવાનું બંધ કરાવી દીધું. મિત્તલ ખુબ રડી, ખૂબ આજીજી કરી યામિનીબેન પાસે જવાની પરંતુ પેલી પાડોશણ સ્ત્રીઓએ ઓકેલું ઝેર વધારે ઘાતક સાબિત થયું ને મિત્તલની માં એ યામિનીબેન જોડે છેડો ફાડી નાખ્યો. બીજીબાજુ યામિનીબેન મંથનભાઈના જવાના દુઃખથી જેટલાં દુઃખી થયાં હતાં તેનાં જ જેટલાં મિત્તલનાં દૂર જવાનાં આઘાતથી દુઃખી થયાં. યામિનીબેનનાં કાને પણ ગામની સ્ત્રીઓની વાતો પહોચી હતીં કે તેઓ તેમના માટે શું કહે છે

બસ આ જ વાત લાગી આવતાં યામિનીબેને એક રાતે ઝેરી દવા પી લીધીને અમારા બધાંથી દૂર જઈને મંથનભાઈની પાસે જતાં રહ્યાં યામિનીબેન જતાં જતાં એક ચિઠ્ઠી લખતાં ગયાં હતાં જે આજે પણ અમારી પાસે છે

એ ચિઠ્ઠી એમને મને ને મિત્તલની મમ્મીને સંબોધીને લખી હતી. મિત્તલનાં પપ્પાંએ પોતાંનાં ખિસ્સાંમાંથી ચિઠ્ઠી કાઢીને ત્યાં ઊભેલા દરેકની સામે વાંચી.

જયશ્રીકૃષ્ણ 🙏
ભરતભાઈ ને મીનાબેન

જ્યારે તમને આ ચિઠ્ઠી મળશે ત્યારે કદાચ હું તમારા લોકોથી ખૂબ દૂર ચાલી ગઈ હોઈશ. મીનાબેન મારે તમને આજે એક વાત જણાવી છે. મીનાબેન હું વાંઝિયણ નથી,મારે પણ એક દીકરી હતી. જે એક વષઁ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ પામી હતી.
તમારી મિત્તલમાં હું મારી મૃત્યુ પામેલ દીકરી નિયતીને જોઉં છું જે એક અકસ્માતમાં મૃત્યુ પામી હતી. મારે પણ મિત્તલ જેવી એક હસતી ખેલતી દીકરી હતી. અમે બધાને સાચી હકીકત એટલે નથી જણાવતાં કેમકે એના ગયાં પછી હું માનસિક રીતે નબળી પડી ગઈ હતી. ને એનાં દુઃખમાંથી બહાર આવતી જ ન હતી. મંથને ઘણાં પ્રયત્નો કયાઁ મને સાજા કરવાના પણ બધા જ વ્યથઁ ગયા એવામાં મંથનની બદલી અહી તમારા ગામમાં થઈ ને અમે અહી આવ્યાં. અહીં આવતાં જ મને મિત્તલમાં મારી મૃત્યુ પામેલ દીકરી નિયતી દેખાઈ ને મને એના પ્રત્યે અનહદ વહાલ ઉપજ્યું સમય જતાં હું મારું દુઃખ ભૂલીને મિત્તલનાં હૂંફાળા વ્હાલમાં મારી મમતા શોધવા લાગી. મિત્તલને જમાડું ત્યારે નિયતીને જમાડતી હોય એવી લાગણી થતી, મિત્તલની સાથે રમતી વખતે નિયતી સાથે રમતી હોવાની લાગણીઓ જન્મતી. બસ આ કારણે જ હું મિત્તલની સાથે વધુ ને વધુ સમય રહેવા લાગી ને નિયતીના જવાનું દુઃખ ભૂલીને મિત્તલ સાથે ખુશ રહેવા લાગી. પરંતુ ભરતભાઈ કિસ્મતને કદાચ મારું સુખ મંજૂર નહી હોય એમ અચાનક મંથન પણ મારો સાથ છોડીને નિયતી પાસે ચાલ્યાં ગયાં ને આજે હવે હું પણ એ બંને પાસે જાઉં છું.
મીનાબેન હું તમારી મિત્તલને તમારી પાસેથી છીનવવા ન હતી આવી. હું તો મારી અધૂરી રહેલી મમતાને પૂણઁ કરવા આવી હતી. જે મને આટલાં સમયમાં મિત્તલ સાથે રહેવાથી થઈ ચૂકી છે. મિત્તલ તમારી દીકરી છે ને તમારી જ રહેશે. હું ફ્કત એની યામિનીઆન્ટી જ છું. મીનાબેન મિત્તલને ખૂબ લાડ કરજો. એનો ઊછેર એક રાજકુમારીની જેમ કરજો. અંતે એક જ પ્રાથૅના છે હું ને મંથન અનાથ હતાં એટલે અમારા કુંટુંબમાં કોઈ નથી. તો હવે અમારી જે કંઈપણ મિલકત છે એ હું મિત્તલનાં નામે કરું છું એ તમે સહષઁ સ્વીકારજો.

તમારી બેન યામિની 🙏

ચિઠ્ઠી પૂરી થતાંની સાથે જ બધાંની આંખમાં આંસુ હતાં ને મીનાબેનનાં દિલમાં ભારોભાર પસ્તાવો.
મહારાજ આ ચિઠ્ઠીનાં શબ્દો સાંભળતાંની સાથે જ બોલ્યાં કે મેં કીધું હતું ને કે જે તેની પાસે છે તે એને નુકસાન ના પહોંચાડે એનું હું ધ્યાન રાખીશ. તો મિત્તલ આત્યારે જ્યાં જેની સાથે છે ત્યાં સલામત છે પરંતુ તેની આ હાલત કોણે કરી એ તપાસ હું કરી લઈશ. આમ કહીને મહારાજે ભરતભાઈ પાસેથી એ ચિઠ્ઠી લીધીને તેમણે જણાવ્યું કે મારે આ ચિઠ્ઠીની જરૂર છે તો હમણાં મને આપો. ભરતભાઈએ ચિઠ્ઠી મહારાજને આપી ને મહારાજ ચિઠ્ઠી લઈને અંદર પૂજાનાં રૂમમાં પ્રવેશ્યાં ને કંઈક વિધી કરવાં લાગ્યાં. થોડીવારમાં જ મહારાજ બહાર આવ્યાં ને તે લોકોને કીધું તમે લોકો અત્યારે ઘરે જાવ. મિત્તલ બને એટલાં જલ્દી પાછી આવી જશે. આ વાત સાંભળતાં જ તેઓની આંખોમાં હરખનાં આંસુ આવી ગયાં. તેઓએ પૂછ્યું કે મહારાજ મારી દીકરી એકલી કેવી રીતે આવશે. મહારાજે કીધું તમે ચિંતા ના કરો હું બધું સારું કરી દઈશ. મહારાજનું બોલેલું હંમેશા સત્ય જ થતું હતું એટલે તે લોકો તેમની વાતનો વિશ્વાસ કરી ઘરે જવાં નીકળ્યાં. આ બધી વાતોમાં મહારાજની નજર મિત્તલનાં મામી પર હતી તેનું વતૅન કંઈક શંકાસ્પદ હતું મહારાજને જરા પણ સમજતાં વાર ના લાગી કે ખરેખર શું બન્યું છે.
મહારાજે પોતાના ઓળખીતા અનુયાયીઓ જે મુંબઈમાં રહેતાં હતાં તેમને મિત્તલની ભાળ આપીને ત્વરાથી અહીં મિત્તલને પહોંચતી કરવાનું કામ સોપ્યું. મહારાજ થોડીકવાર સુધી પોતાના ધ્યાનનાં રૂમમાં બેઠાને મિત્તલ જોડે ખરેખર શું બન્યું છે એનો તાગ મેળવવાં લાગ્યાં. જે હકીકત ધ્યાનમાં બેઠા પછી મહારાજની સામે આવી એ ચોંકાવનારી હતી. મહારાજ ધ્યાનમાંથી બહાર આવીને પોતાના રૂમમાં બેઠા ને જે પણ ઘટના બની હતી. તેનું પુનરાવતૅન મનમાં કરવાં લાગ્યાં તેમને બધું તથ્ય સમજતાં જરાયે વાર ના લાગી. મિત્તલ મુંબઈ કેવી રીતે પહોંચી, સફેદ સાડીવાળી સ્ત્રી કોણ હતી. કોણ તેની આ પરિસ્થિતિ માટે જવાબદાર હતું એ બધું તેમની આંખો સામે આવી ગયું.

થોડીવારમાં મહારાજે ભરતભાઈને બોલાવવાં પોતાનાં ખાસ માણસને મોકલ્યાં
મહારાજનો સંદેશો મળતાં જ ભરતભાઈ દોડતાં તેમની સમક્ષ હાજર થઈ ગયાં. આખરે દીકરી પિતાના શ્વાસ હોય છે. મિત્તલની ભાળ મેળવવાં માટે ને કંઈક રસ્તો જડે એના માટે બિચાંરાં આમતેમ વલખાં મારી રહ્યાં હતાં. મહારાજનો સંદેશો મળતાં જ કંઈક વાત હશે એટલે જ બોલાવ્યો છે એમ સમજીને તરત હાજર થઈ ગયાં.
ભરતભાઈ આવીને મહારાજને પગે લાગ્યાં. મહારાજે તેમને પોતાની પાસે બેસાડ્યાં ને વિગતવાર મિત્તલ અહીં કેમ રહે છે તમારી પાસે નહી એ બધી વાત કરવાં જણાવ્યું. ભરતભાઈ પોતે કોઈક હીન ભાવથી પીડાતા હોય એમ બોલ્યાં મિત્તલની આ પરિસ્થિતિ પાછળ હું ને મીના પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છીએ. ભરતભાઈએ કીધું યામિનીબેનના મૃત્યુ પછી મિત્તલ અમારાથી દૂર દૂર રહેતી હતી. તેને એમ હતું કે અમે જ એમને મારી નાખ્યા છે એ વાતનું મનમાં રાખીને અમારી સાથે સરખી વાત પણ ન હતી કરતી કે જમવાનું પણ સરખું જમતી ન હતી. બસ આ જ વાતને લઈને અને એને થોડુંક વાતાવરણ બદલાય તો સારું લાગે ને સમય જતાં યામિનીબેનને પણ ભૂલી જાય એના માટે અહીં એના મામાને ત્યાં ભણવાં મૂકી જ્યાં એના મામાનો દિકરો પણ એની જ ઉંમરનો છે તો એની સાથે એને ફાવશે ને મામા મામીના લાડકોડમાં એ પોતાનું દુઃખ હળવું કરી શકશે.
આમ વિચારીને જ મિત્તલ જે અમારી એકની એક દીકરી છે તેને અમારાથી દૂર કરી પણ કોણ જાણે કિસ્મતમાં શું લખ્યું હશે કે તે અમારાથી ઓર દૂર થઈ ગઈ. આમ કહેતાં જ ભરતભાઈ રડી પડ્યાં. મહારાજે ભરતભાઈને શાંત કરતાં કીધું તમારી મિત્તલને તમારાથી કિસ્મતે નહી પરંતુ તમારા પોતાનાંઓ એ જ દૂર કરી છે. ભરતભાઈ આ સાંભળીને અવાક્ રહી ગયાં. મહારાજે કીધું હા, મારી વાત સાચી છે પરંતુ કેવી રીતે શું બન્યું છે એ તો હું મિત્તલ અહીં આવી જશે પછી બધાને કહીશ ત્યાં સુધી તમે પણ મહેરબાની કરીને આપણાં બંને વચ્ચે થયેલ વાતચિત કોઈને ના કરશો. ભરતભાઈ એ કીધું મહારાજ તમે કહો એમ જ કરીશ બસ મને મારી મિત્તલ પાછી લાવી આપો. મહારાજે કીધું બને એટલાં વહેલાં તેને પાછી લાવીશું તમે ચિંતા ના કરો. થોડીવારમાં ભરતભાઈ સાથે અમુક વાતચિત કરી મહારાજે તેમને વિદાય કયૉ.
ભરતભાઈના ગયા પછી મહારાજ કંઈક વિચાર આવતાં પાછા તેમનાં ધ્યાનનાં રૂમમાં આવ્યાં

મુંબઈમાં મહારાજના અનુયાયીઓને મુંબઈનો જે મોટો દરિયાકિનારો છે ત્યાં એક બાળકી મળી આવી. જે એકલી કિનારે બેઠી હતી. એની આજુબાજુ કોઈ જ દેખાતું ન હતું પરંતુ સતત એ બોલે જતી હતી જાણે કોઈ એની વાત સાંભળતું હોય એમ.
મહારાજના અનુયાયીઓ પણ મૂંઝાયા કે કોઈ છે નહી તો આ બાળકી કોની સાથે બોલે છે. તેઓ એ તેની નજીક જઈને પૂછ્યું બેટા તારું નામ શું છે? તે બાળકીએ જવાબ આપ્યો મિત્તલ. મારું નામ મિત્તલ છે.

અનુયાયીઓને તરત ખબર પડી ગઈ કે આપણે જેને શોધીએ છીએ તે આજ બાળકી છે. તે લોકો તરત જ નજીકના પી.સીઓ. પરથી મહારાજના ઘરે ફોન કરીને સમાચાર આપે છે કે બાળકી મળી ગઈ છે ને તેઓ તેને લઈને અમદાવાદ આવા નીકળે છે.

આ બાજુ મહારાજને ધ્યાનમાં બેઠા પછી ખબર પડી ગઈ હતી કે મિત્તલની જોડે સફેદ કપડાંમાં યામિની બેઠી છે જે એક આત્મા છે ને તે મિત્તલની રક્ષા કરવા જ બેઠી છે ને તે મિત્તલને ત્યાંથી એટલી આસાનીથી લઈ જવા નહી દે. તેથી જ મહારાજ અહીં બેઠા બેઠા જ કંઈક વિધિ કરે છે જેનાથી તેઓ યામિનીની આત્મા સાથે વાત કરી શકે છે. મહારાજના આહ્રવાહનથી યામિનીની આત્મા તેમની સમક્ષ હાજર થાય છે ને મહારાજને પૂછે છે તમે મને અહીં કેમ બોલાવી ? હું એક બાળકીની રક્ષા કરવા એની સાથે છું.
આ સાંભળીને મહારાજ બોલ્યાં મેં તને એ બાળકી માટે જ અહીં બોલાવી છે. હું પણ એ બાળકીને સહીસલામત તેના માતાપિતા સુધી પહોંચાડવાના જ પ્રયત્ન કરું છું ને એમાં મને તારી મદદની જરૂર છે. યામિનીએ કીધું તમે એને કેવી રીતે ઓળખો. મહારાજે અથથી ઈતિ સુધીની બધી વાત કરી ને ભરતભાઈએ યામિનીની જે ચિઠ્ઠી તેમને આપી હતી તે બતાવી. ચિઠ્ઠી જોતાં જ યામિનીને બધું યાદ આવી ગયું ને તે રડી પડી. યામિનીને મિત્તલ ખૂબ જ વહાલી હતી ને તે મૃત્યુ પછી પણ સતત એની કાળજી રાખતી હતી. યામિનીને ખબર હતી કે મિત્તલ તેને કેટલું યાદ કરે છે ને એના વિના કેટલું રડે છે. યામિનીએ મહારાજને જણાવ્યું હું એક પડછાયાની જેમ જ એની સાથે છું ને તેની સંગાથે ગામડેથી અહીં અમદાવાદ આવી હતી. પરંતુ એક દિવસ એવી બીના બની કે મિત્તલ અમદાવાદથી મુંબઈ પહોંચી ગઈ ને દરવખતની જેમ હું પણ એની સંગાથે ત્યાં એની રક્ષા કરવાં પહોંચી ગઈ.
મહારાજે કીધું એ હું બધું જાણું છું કે તે ત્યાં કેવી રીતે પહોંચી, કોણે એને પહોચાડી
એ બધી વાતની મને ખબર પડી ગઈ છે. પણ હાલ તો તું એને ત્યાંથી અહીં લાવવામાં મારી મદદ કર. યામિનીએ કીધું હું મિત્તલ માટે કંઈ પણ કરવા તૈયાર છું. મહારાજે કીધું તું એની પાસે જા ને એને સમજાવ મારા જે અનુયાયીઓ એની સાથે છે એમની સંગાથે તે જાય અને તેને કહે કે એ લોકો તેને તેના માતાપિતા પાસે લઈને જશે. આ વાત સાંભળતા જ યામિની રડી પડી કે મિત્તલ પાછી એનાથી વિખૂટી પડી જશે. મહારાજે એને સમજાવ્યું બેટા એ તારી દીકરી જ છે તું પ્રત્યક્ષ નહી તો પરોક્ષ તો એની સાથે જ છું ને
મહારાજની વાત સાંભળતાં યામિની થોડીક શાંત થઈ. મહારાજે યામિનીને જણાવ્યું કે જેણે પણ મિત્તલને તેના માતા-પિતાથી અલગ કરીને તેની જિંદગી બરબાદ કરવાનો પ્રયત્ન કયોઁ છે તેને તો હું સજા અપાવીને જ રહીશ. યામિની તું ચિંતા ના કર તારી મિત્તલ સહીસલામત તેના ઘરે પહોંચીને રહેશે. બસ તું એને સમજાવ. યામિની જતાં જતાં મહારાજની આજ્ઞા લેવા જાય છે ત્યારે મહારાજ એને જણાવે છે યામિની તારી મુક્તિનો સમય પણ નજીક આવી રહ્યો છે. આ સાંભળતા જ યામિની ઊદાસ થઈ જાય છે ને મહારાજને કહે છે મારી મિત્તલ પહેલાં જેવી હસતી બોલતી થઈ જશે એ પછી હું એની સાથેના ઋણાનુંબંધમાંથી મુક્ત થઈને જતી રહીશ
મહારાજની આંખો પણ આ વાત સાંભળીને ભીની થઈ ગઈ. યામિનિ મહારાજની આજ્ઞા લઈને તરત મિત્તલ પાસે પહોંચીને મિત્તલને સમજાવા લાગી કે મિત્તલ તું આ ભાઈ સાથે જા. આ ભાઈને તારા પપ્પાએ જ મોકલ્યા છે એ તને શોધતાં શોધતાં અહી આવ્યાં છે. મિત્તલ પોતાના પપ્પાનું નામ સાંભળતાં જ રડી પડી ને યામિનીના કહેવાથી એ ભાઈ સાથે જવાં તૈયાર થઈ ગઈ. મહારાજના અનુયાયીઓને ખ્યાલ આવી જ ગયો કે કોઈ પુણ્યશાળી આત્મા આ બાળકીની રક્ષા કરી રહ્યું છે પરંતુ વધારે કંઈ ખબર ના હોવાથી તે લોકો તેને ત્યાંથી લઈને અમદાવાદ આવા નીકળ્યા. મિત્તલે જતાં જતાં યામિનીને કીધું આન્ટી તમે પણ મારી સાથે ચલો હું એકલી નહી જઉં. યામિનીએ કીધું હું તારી સાથે જ છું તું ચલ હું આવું જ છું. અને યામિની પણ મિત્તલના ગુનેહગાર કોણ છે એ જોવા સાથે જ આવી.....એક આત્મા સ્વરૂપે.

મહારાજને ફોનથી મેસેજ આપી દીધો હતો કે તે લોકો મુંબઈથી નીકળી ચુક્યા છે. આ બાજુ મહારાજે પણ ભરતભાઈને ફોન પર સંદેશો આપીને બીજે દિવસે સવારે બધાને લઈને આવવાનું ક્હયું. ભરતભાઈએ ઘરમાં બધાને જાણ કરી કે કાલે સવારે મહારાજે બોલાવ્યા છે તો જવાનું છે. આ સાંભળીને મિત્તલની મામી એ ક્હયું મારે ઘરમાં કામ છે તો તમે લોકો જઈ આવજો. ભરતભાઈએ કીધું બધાએ એટલે બધાએ જવાનું છે મહારાજની આજ્ઞા છે. આ સાંભળીને મિત્તલની મામી થોડીક ગભરાઈ ગઈ તેની ચોરી પકડાઈ ગઈ હોય એમ તે વિચિત્ર હાવભાવ કરવા લાગી. બીજે દિવસે સવારે બધા તૈયાર થઈને મહારાજને ત્યાં જવાં લાગ્યાં. અચાનક મિત્તલની મામી તબિયત બગડવાનું નાટક કરીને હું ઘરે જ રહું છું એમ કહેવા લાગી. ભરતભાઈએ કીધું ચલો પહેલાં તમને દવાખાને લઈ જઈએ પછી જ મહારાજને ત્યાં જઈએ. મિત્તલની મામીને લાગ્યું કે આ લોકો એમ કંઈ એનો પીછો છોડશે નહી. એણે વિચાયુઁ કે જઈ આવું મહારાજને ત્યાં કોને ખબર શું કરવાં બોલાવ્યાં હશે એને મનમાં વિચાયુઁ કે આટલી જલદી તો મિત્તલનો પત્તો થોડો લાગ્યો હશે. મનમાં ને મનમાં તેણે કંઈક ખતરનાક યોજના પાર પાડી હોય એમ લુચ્ચુ હસવા લાગી. તે એ બધી વાતથી અજાણ હતી જે મહારાજ ને ભરતભાઈની વચ્ચે થઈ હતી. ભરતભાઈના દવાખાને લઈ જવાની વાતથી પોતાને કંઈ તકલીફ નથી એ વાત છતી થઈ જશે એ ડરથી તે તરત સ્વસ્થ થતાં બોલી મને હવે કંઈક સારું લાગે છે આપણે જઈએ મહારાજને ત્યાં.
આ સાંભળતા જ ભરતભાઈ તરત બોલ્યાં હા હા ચલો અમે તો તૈયાર જ છીએ તમે હા ને ના કરો છો.
એમ કહેતાં કહેતા બધા એકસાથે જવાં નીકળ્યાં થોડીવારમાં બધા મહારાજને ત્યાં પહોચ્યાં. મહારાજને ત્યાં પહોંચતાની સાથે જ મિત્તલની મામીને ત્યાંનું વાતાવરણ કંઈક અલગ લાગ્યું. ઘણા માણસોની ત્યાં હાજરી હતી જાણે બહારગામથી આવ્યાં હોય. ભરતભાઈ, મિત્તલના મામા-મામી, ને મીનાબેન બધા એકસાથે મહારાજના ઘરમાં પ્રવેશ્યા જ્યાંનો નજારો જોઈને બધા અવાક્ જ રહી ગયા. અંદર મિત્તલ પૂજાનાં કપડાંમાં પૂજા કરવા બેઠી હતી.
ભરતભાઈને મીનાબેન તો આ જોતાં જ તેને વળગવાં દોડ્યાં પરંતુ મહારાજે વચ્ચે જ તેમને અટકાવ્યા. તેમને આંખોથી થોડીવાર રાહ જોવાનું જણાવ્યું ને શાંતિથી સાઈડમાં બેસવાનું કીધું. આ બધામાં મિત્તલની મામીની હાલત મિત્તલને જોઈને જ ખરાબ થઈ ગઈ જાણે તેની કોઈક ચોરી પકડાઈ ગઈ હોય. તેને તો શું કરવું શું ના કરવું એ જ ન હતું સમજાતું. એને તો કલ્પના પણ ન હતી કે મિત્તલ આટલી જલ્દી મળી જશે. મહારાજ મિત્તલની મામીના હાવભાવ પરથી સમજાઈ ગયા કે શિકારી પોતે જ પોતાની જાળમાં ફસાઈ ગઈ છે
દસ-પંદર મિનિટમાં જ પૂજા પૂરી થતાંની સાથે જ મિત્તલ તરત તેના માતા-પિતાને વળગી પડી. જાણે વષોં પછી મળ્યાં હોય એમ ત્રણેય એકબીજાને વળગી પડ્યાં. ભરતભાઈ ને મીનાબેનને તો પોતાનો કાળજાનો કટકો પાછો મળ્યો ને હેમખેમ મળ્યો એનો જ આનંદ સમાતો ન હતો.
વહાલની હેલી વરસાવ્યાં પછી મીનાબેને તરત મિત્તલને પૂછ્યું કે તું ક્યાં ચાલી ગઈ હતી. મિત્તલે જવાબ આપ્યો કે કેમ તમને મામીએ કીધું નહી કે હું ક્યાં છું, ક્યાં ગઈ છું.
આ સાંભળતાં જ મિત્તલની મામીના હોશકોશ ઊડી ગયાં. એને તો શું બોલવું એ જ ભાન ના રહ્યું. ભરતભાઈએ તરત મિત્તલની મામીને સવાલ ક્યોઁ બોલો ભારતીવહુ મિત્તલ ક્યાં હતી કે કદાચ એમ પૂછું કે તમે એને ક્યાં મોકલી દીધી હતી. આ સાભળીને મિત્તલના મામાને આશંકા ગઈ કે નક્કી ભારતીનો જ હાથ લાગે છે મિત્તલના ગાયબ થવાં પાછળ. તેણે પણ થોડાક કડક અવાજે પૂછ્યું બોલ ભારતી શું છે આ બધું. બોલ નહી તો પોલિસ ને બોલાવું છું. પોલિસનું નામ સાંભળતાં જ ભારતી પડી ભાંગી ને બધું પટપટ બોલવા લાગી.
ભારતીએ કીધું મિત્તલ જ્યારથી આવી ત્યારથી મને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી
એના આવવાથી મારા દીકરાને કોઈ જ પૂછતું ન હતું બધા લાડ એને જ લડાવામાં આવતાં હતાં, બધાં શોખ, જરૂરિયાત એની જ પૂરી કરવામાં આવતી હતી. હું ને મારો દીકરો તો જાણે ઘરમાં એક વધારાની વસ્તુ માફક જ બની ગયાં હતાં. આ બધું મારા મગજમાં ચાલતું હતું ત્યારે મુંબઈથી મારો એક દૂરનો ભાઈ કિશન મને મળવા આવ્યો હતો. અમે નાનપણથી જ સાથે મોટાં થયાં હતાં તેથી અમારા બંને વચ્ચે સુમેળ સારો હતો. મેં તેને મારી બધી તકલીફ જણાવી જે મિત્તલના અહીં આવ્યાં પછી મને ને મારા દીકરાને થતી હતી. મેં અને કિશને મળીને મિત્તલને આ ઘરમાંથી કાયમ માટે દૂર કરવાનું વિચાયુઁ ને એ મુજબ અમે એક યોજના ઘડી કાઢી
અમે મિત્તલનું અપહરણ કરીને કોઈ એવી જગ્યાએ મૂકી આવવાંનું નક્કી કયુઁ કે જ્યાંથી એ પાછી જ ના આવી શકે ને એ જ યોજના મુજબ કિશન મિત્તલને ઊપાડીને પોતાની સાથે મુંબઈ લઈ ગયો. અમે મુંબઈ જઈને તેને ત્યાં રોડ પર જ છોડી દીધી એમ વિચારીને કે એને અહીં કોણ ઓળખવાનું ને કોણ એની વાત સાંભળવાનું. એકલી એકલી ફયાઁ કરશે અજાણ્યાં શહેરમાં ને ખોવાઈ જશે તો મળશે પણ નહી. બસ આ જ વિચારથી અમે આ કાવતરું ઘડ્યું હતું. ભારતીની વાત સાંભળીને મિત્તલનાં મામા તો એની પર તૂટી જ પડ્યાં કે તે અને તારાં ભાઈએ આવું કયુઁ. મને જાણ પણ ના થઈ કે મારી ભાણી પર આટલો જુલમ થતો હતો. એમ કહીને પોતાની જાતને ગુનેગાર માની પોતાની બેન મીનાબેન ને ભરતભાઈના પગમાં પડીને માફી માંગવા લાગ્યાં. મીનાબેને તેમના ભાઈને કીધું ભાઈ ભૂલ તારી નહી અમારી જ છે અમે જ અમારી દીકરીને અમારાથી દૂર કરીને અહીં મોકલી ને આ બધું બન્યું.

આ બધી વાત સાંભળતાં સાંભળતાં મીનાબેને મિત્તલને પૂછયું કે તે એમ કેમ કીધું કે મામીએ અમને કીધું નહી તું ક્યાં છે
મિત્તલે કીધું કિશનમામા સ્કૂલેથી એમ કહીને મને લઈ ગયાં હતાં કે આપણે બધાએ બહારગામ ફરવાં જવાનું છે તો હું તને લેવા આવ્યો છું ને જય(મિતલના મામાનો દીકરો) એ દિવસે તબિયત ઠીક ના હોવાથી સ્કૂલે આવ્યો જ ન હતો. તેથી મિત્તલને એકલી ને જ કિશન લેવા આવ્યો હતો. કિશનમામાએ કીધું આપણે સીધા જ રેલ્વેસ્ટેશન જઈશું ત્યાં બધા આપણી રાહ જોવે છે. તારી ભારતીમામી એ જ મને તને લેવા મોક્લયો છે. મેં મામીનું નામ સાંભળ્યું એટલે તેમની સાથે ગઈ. મને શું ખબર કિશનમામા ખોટું બોલતાં હશે. એ તો જ્યારે ટ્રેન ઊપડી ને મને કોઈ ના દેખાયું ત્યારે ખબર પડી કે કિશનમામા ખોટું બોલ્યાં છે. મેં તેમની આગળ ઘરે જવા માટે ખૂબ આજીજી કરી પરંતુ કિશનમામા એ મને એક મોટું ચપ્પુ બતાવીને ડરાવી કે સહેજ પણ બૂમાબૂમ કરી તો તને મારી નાખીશ. એ ડરથી જ હું ચૂપચાપ ટ્રેનમાં સૂઈ ગઈ. સવારે ટ્રેનમાંથી ઉતરયા પછી મને ખબર પડી કે હું તો મુંબઈ પહોંચી ગઈ છું. કિશનમામા મને એક દરિયાકિનારે લઈ ગયાં ને ત્યાં બેસાડીને હું નાસ્તો લઈને આવું છું એમ કહીને જતાં રહ્યાં. જ્યાં આખો દિવસ વીતી ગયો હોવાછતાં પણ એ ના આવ્યાં ત્યારે મને ખબર પડી કે મને તો એકલી મૂકીને ચાલ્યાં ગયા છે. આ બધું સાંભળતાં જ ભરતભાઈ અને મિત્તલનાં મામાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો એ લોકો તો ભારતીને જાતે જ સજા આપવા તૈયાર થઈ ગયાં પરંતુ મહારાજે વચ્ચે પડીને બંનેને શાંત કયૉ.
મહારાજે જણાવ્યું કે ભારતીએ કયુઁ એ ખૂબ ખોટું કયુઁ છે. જો મિત્તલને ત્યાં કંઈક થઈ ગયું હોત તો એના મા-બાપની શું હાલત થાત એ વાત પણ ભારતીએ ના વિચારી. મહારાજે ભારતી પાસેથી કિશનને ફોન કરાવ્યો ને તેને અહી અમદાવાદ બોલાવ્યો. તેને અહીં બોલાવીને સજા અપાવાનું નક્કી કયુઁ.
મહારાજે ભરતભાઈને અને તેમના પરિવારને મિત્તલ કેવી રીતે મળી અને તેને હેમખેમ કેવી રીતે લાવ્યાં એની બધી વાત કરી અને મિત્તલને કોણે બચાવી ખબર છે એમ કહેતાં જ તેઓ બોલી ઊઠ્યાં મિત્તલને યામિનીએ બચાવી છે.
આ સાંભળીને મીનાબેન અને ભરતભાઈ ગળગળા થઈ ગયાં. મહારાજે બધું વિગતવાર જણાવ્યું કે કેવી રીતે યામિની એક આત્મા સ્વરૂપે મિત્તલની કાળજી માટે હંમેશા તેની પડખે રહે છે. તે પણ તેની સાથે ગામડેથી અહી આવી અને અહીંથી મિત્તલની જોડે મુંબઈ ગઈ
યામિની મુંબઈ મિત્તલની સાથે હતી ? મીનાબેનનાં આ પ્રશ્રનો જવાબ મહારાજે હકારમાં આપ્યો ને જણાવ્યું કે આજે મિત્તલ તમારી સામે જે હેમખેમ ઊભી છે તેનો શ્રેય પણ યામિનીને જ જાય છે. એજ હતી જે સતત એટલી ભીડમાં પણ એની સાથે હતી. એની સાથે વાતો કરતી હતી, એને વહાલ પણ કરતી હતી. આ શબ્દો સાંભળીને મીનાબેન ધ્રુસકે ને ધ્રુસકે રડવાં લાગ્યાં કે તેઓ યામિની ને ઓળખવામાં કેટલી મોટી ભૂલ કરી બેઠા,કાશ જો એને પહેલાં સમજી શક્યાં હોત તો આજે કદાચ એ જીવતી હોત ? આ વાત સાંભળીને ત્યાં હાજર દરેકની આંખ ભીની થઈ ગઈ. બધા અંદરોઅંદર વાત કરવાં લાગ્યાં કે જે જીવીત છે એ પોતાનાને હેરાન કરે છે. જેમ કે મિત્તલની ભારતીમામી
અને જે હયાત પણ નથી તો પણ પોતાની મમતા મિત્તલ પર ન્યોછાવર કરે છે. જેમ કે યામિની.
ભરતભાઈ અને મીનાબેને યામિનીની આત્માની શાંતિ માટે મહારાજ પાસે પૂજાવિધિ કરાવી અને યામિનીને મિત્તલ સાથેના વાત્સ્લયનાં તાંતણેથી અલગ કરીને ખૂબ ભારે હ્દયે વિદાય આપી.
મિત્તલનાં મામા અને ભરતભાઈએ ભારતીને ભવિષ્યમાં આવી ભૂલ ફરી ના થાય એમ કહીને મિત્તલની માફી મંગાવી. અને હવે જો કંઈ ક્યુઁ છે તો પોલિસમાં સોપી દઈશું એવી ચીમકી આપી. પરંતુ કિશનને ભારતી દ્રારા અગત્યનું કામ છે તો તું અહીં અમદાવાદ આવી જા એવાં સમાચાર આપીને બોલાવામાં આવ્યો.જ્યાં કિશનનાં આવ્યાં પછી તેને હકીકતમાં શું બન્યું અને મિત્તલ કેવી રીતે મળી એ જણાવ્યું અને મિત્તલના અપહરણ કેસમાં કિશનને જેલનાં હવાલે કરવામાં આવ્યો. .


મિત્તલને તેનાં માતા-પિતાં પોતાની સાથે પોતાંનાં ગામ લઈ ગયાં ને યામિનીને આપેલા વચનનું પાલન કરવાં લાગ્યાં.

અંત ભલા તો સબ ભલાની જેમ અંત થોડોક સુખદ ને થોડોક દુખદ રહ્યો.
મહારાજ પોતે પણ યામિનીને મુક્તિ અપાવીને લાગણીશીલ થઈ ગયાં ને વિચારવાં લાગ્યાં કે કેવો ઋણાનુંબંધ છે યામિની ને મિત્તલનો
જેમાં મૃત્યુ પછી પણ યામિની મિત્તલ સાથેના સ્નેહનાં બંધનમાં બંધાયેલી હતી. એક મા ની જેમ સદા એના પડખે જ હતી. મિત્તલનાં પોતાનાઓ કરતાં પારકી હોવાછતાં યામિનીએ તેને નવું જીવતદાન આપ્યું છે.


સમાપ્ત🙏


નિકેતાશાહ

બીજા રસપ્રદ વિકલ્પો