૨૭.તેની જ યાદો
રાહીનાં ગયાં પછી મહાદેવભાઈ પણ પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. ગૌરીબેન પણ તેમની પાછળ પાછળ આવ્યાં. આજે તેઓ દીકરી માટે પૂરાં લડી લેવાનાં મૂડમાં હતાં. તે જઈને મહાદેવભાઈ સામે ઉભાં રહી ગયાં. મહાદેવભાઈએ તેમની સામે જોયું. ગૌરીબેન જરાં પણ ઢીલાં પડ્યાં વગર મહાદેવભાઈ સામે જોઈ રહ્યાં. તેમની આંખોમાં આજે મમતાની સાથે એક હિંમત પણ મહાદેવભાઈને નજર આવી.
"રાહીની બાબતે તમારે પણ કંઈ કહેવું હોય તો કહી દો." લગ્ન જીવનનાં ત્રીસ વર્ષ એક સાથે વિતાવ્યાં પછી ગૌરીબેન ક્યાં સમયે ક્યાં ટોપિક પર ચર્ચા કરવા માંગતા હશે? એ મહાદેવભાઈ આજે પણ જાણી ગયાં.
"આ બધું તમે શું આદર્યું છે?" ગૌરીબેને સવાલનું તીર છોડ્યું. આજે તે બધું જાણી લેવાં માંગતા હતાં. એક નાની એવી વાતને આટલી મોટી કેમ બનાવી? એ જાણવાની ઉત્સુકતા તેમની આંખોમાં હતી, "તમને તકલીફ શું છે? એવી કંઈ વાત છે? જે તમને આ બધું કરવાં મજબૂર કરે છે. જ્યાં સુધી હું તમને ઓળખું છું. ત્યાં સુધી શિવાંશ સાથે કોઈ તો જૂનું કનેક્શન છે, તમારું. જ્યારે રાહીએ તેનાં નાનાનું નામ લીધું. ત્યારે તમારાં ચહેરાં પરની રેખાઓ બદલાઈ. એ બીજાં કોઈએ ભલે નાં જોઈ હોય. મેં બરાબર જોઈ હતી." ગૌરીબેને તરડાઈ ગયેલાં અવાજે કહ્યું, "આખરે રાહીનો વાંક શું છે? કે તમે જે શરતનું કોઈ મહત્વ નથી. એવી શરત મૂકી. મતલબ નક્કી કંઈક છે." કહેતાં ગૌરીબેન ફસડાઈ પડ્યાં.
"એ વાતને વર્ષો વિતી ગયાં. હવે જણાવીને કોઈ મતલબ નથી." મહાદેવભાઈ પગ પથારીમાં લઈને સરખાં બેસી ગયાં, "જો જણાવવાનું જ હોત તો ત્યારે બધાંની સામે જ જણાવી દેત. બાકી મને રાહીએ એ છોકરાં વિશે જે કહ્યું. તે પછી મારી શંકા સાચી ઠરી. એ નાં આવ્યો તે નાં જ આવ્યો. હવે તેને ભૂલવા માટે એનાંથી મોટું કોઈ કારણ નાં હોઈ શકે." મહાદેવભાઈનો અવાજ એકદમ સ્વસ્થ હતો. તેમને બોલતી વખતે વિચારવું પડતું ન હતું. જાણે તેમને બધી પહેલેથી ખબર હોય અને કોઈ ભવિષ્યવાણી કરતાં હોય. એમ તે ગૌરીબેન સામે જોઈને બોલ્યાં, "એ છોકરો મને મળવાં આવવાનો હતો. એ છોકરીનાં બાપને જેને તે પ્રેમ કરે છે. હવે જો તેની પાસે એટલાં અગત્યનાં કામ માટે સમય નાં હોય. તો એ રાહીને આખી જિંદગી સાચવી જ નાં શકે." મહાદેવભાઈ પોતાની વાત પૂરી કરીને સૂઈ ગયાં.
મહાદેવભાઈનાં છેલ્લાં શબ્દો ગૌરીબેન પચાવી નાં શક્યાં. કંઈક તો હતું જે મહાદેવભાઈને આવું કરવાં મજબૂર કરી રહ્યું હતું. કોઈ જૂની દુશ્મની? કે પછી મહાદેવભાઈ શિવાંશને ઓળખતાં હતાં? તેમનો શિવાંશનાં નાના સાથે પણ કદાચ કોઈ સંબંધ હોઈ શકે. પણ ગૌરીબેન અત્યારે કંઈ નક્કી નાં કરી શક્યાં. તેમની આંખો સામે રાહીનો ઉદાસ ચહેરો આવી ગયો. સવારે રાહીનાં ગયાં પછી ગૌરીબેન તેનાં રૂમમાં ગયાં, ત્યારે તેનું ભીનું ઓશિકું જોઈને ગૌરીબેનનું કાળજું કંપી ગયું હતું. પણ બિચારાં શું કરે? મહાદેવભાઈ માનવા તૈયાર ન હતાં. ગૌરીબેન શિવાંશને ઓળખતાં ન હતાં. એવામાં એક માઁ તેની દિકરી માટે કરે તો કરે પણ શું?
રાહી પોતાનાં રૂમની વિન્ડો પાસે ઉભી હતી. પૂનમ ગયાં પછી આજે ચંદ્ર ફરી અડધો થવા લાગ્યો હતો. જાણે એ ચંદ્રની જેમ રાહી પણ ક્યાંક અધૂરી થવાં લાગી હતી. જે રાહીની જાણ બહાર ન હતું. મનને ઘણું સમજાવ્યાં પછી પણ દિલ કંઈ સમજવાં તૈયાર ન હતું. રાહી અત્યારે મન અને દિલ વચ્ચે પીસાતી હતી. તેને એમાંથી બહાર કાઢી શકે એવું પણ તેની પાસે કોઈ ન હતું. આજે ઘણાં સમય પછી તેણે ડાયરીમાં કંઈ લખ્યાં વગર જ પથારીમાં લંબાવી દીધું. રોજની આદતનું અનુસરણ નાં થાય. તો ઉંઘ પણ કેમની આવે!? રાહી ક્યાંય સુધી પથારીમાં પડખાં ફેરવતી રહી.
બહાર રાતનું ભેંકાર અંધારું, રૂમમાં ચાલું એક નાનકડો નાઈટ લેમ્પ આછો પ્રકાશ રેલાવી રહ્યો હતો. જે રાહીનાં જીવનમાં ફરી ઉજાશ પાથરવા સક્ષમ ન હતો. રાતનાં બે વાગે એટલી શાંતિ હતી, કે ઘડિયાળની ટીક..ટીક...પણ સંભળાતી હતી. પણ મન તો અશાંત હતું. આમતેમ પડખાં ફેરવ્યાં પછી પણ ઉંઘ નાં આવવાથી રાહી ઉભી થઈને ઓશિકાનાં સહારે બેસી ગઈ. નજર વારંવાર મોબાઈલ પર જતી હતી. આખરે મનથી હારીને તેણે મોબાઈલ હાથમાં લીધો. તેમાં 'શિવ' નામથી સેવ કરેલો નંબર ક્યાંય સુધી જોઈ રહી. આખરે એ નંબર પર અનાયાસે જ આંગળી મૂકાઈ ગઈ. ફોન કાને લગાવતાં જ તેનાં દિલની ધડકન વધી ગઈ.
"ધ નંબર યુ હેવ ડાયલ, ઈટસ્ કરંટલી સ્વીચ ઓફ." ફરી એ જ કેસેટ વાગી. ફરી એક વખત રાહીનું દિલ તૂટી ગયું. છતાં તેણે હિંમત નાં હારી. એ મોબાઈલનો ડેટા ઓન કરીને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર, બધું જ ચેક કરવાં લાગી. પણ જાણે તે એપ્લીકેશન શિવાંશે ક્યારેય વાપરી જ નાં હોય. એમ ક્યાંય તેની કોઈ પ્રોફાઈલ ન હતી. વ્હોટસએપ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. થોડાં જ સમયમાં આટલું બધું પરિવર્તન એક સાથે...કોઈ પણ વ્યક્તિ માટે પચાવવું અઘરું છે. રાહી પણ આ પરિવર્તન પચાવી નાં શકી. એક વર્ષથી આવતાં સપનાં, અચાનક બનારસ જવું, ત્યાં થયેલી ધારી-અણધારી મુલાકાત, એક વર્ષ જૂની હકીકતનું સામે આવવું, સપનું સાકાર થવું, એક શોધ પૂરી થવી, ભવિષ્યનાં સપનાં જોવાં, પહેલાં પ્રેમની પહેલી ચીઠ્ઠી, બધું જ રાહીની નજર સમક્ષ પડદાં પર ચાલતી ફિલ્મની જેમ તરવરતુ રહ્યું. એક દ્રશ્ય પછી બીજું દ્રશ્ય ભજવાતું રહ્યું. અચાનક જ ચીઠ્ઠી યાદ આવતાં તેણે ડ્રોઅરમાંથી શિવાંશે લખેલી ચિઠ્ઠી કાઢી. એકવાર, બેવાર, ત્રણવાર, કેટલીયવાર વાંચી. એક એક શબ્દમાં ઉમ્મીદ અને પ્રેમ છલકાતો હતો. તો અચાનક શું થયું? આ બધું ક્યાં ખોવાઈ ગયું? વિચારોનાં વમળમાં ફસાયેલી રાહી ચિઠ્ઠીને છાતી સરસી ચાંપીને સૂઈ ગઈ.
આવું જ લગભગ એક અઠવાડિયા સુધી ચાલ્યું. ક્યારેક ચિઠ્ઠી, ક્યારેક શિવાંશ સાથે વાત કરેલાં કોલનું રૅકૉરડિઁગ, તો ક્યારેક તેની સાથે વિતાવેલી પળોને આંખોનાં પડદાં સમક્ષ માણવાની પ્રક્રિયા એક અઠવાડિયા સુધી ચાલી. આ દરમિયાન રાધિકા પ્રવિણભાઈ ચારોત્રાની ઘરે જઈ આવી હતી. પણ તેમણે ઘર બદલ્યું હોવાથી રાધિકા કંઈ જાણી નાં શકી. એક અઠવાડિયા પછી રવિવારની સાંજે રાહી તેનાં રૂમમાં લેપટોપ લઈને બેઠી હતી. તેણે જીવનમાં ગમે તે ગુમાવ્યું હોય. પણ કામથી ક્યારેય પીછેહઠ કરી ન હતી. કામ પ્રત્યેની પ્રામાણિકતા અને નિષ્ઠા આજે પણ રાહીની રગેરગમાં સમાયેલાં હતાં.
"હેય, નીચે ચાલ. તારાં માટે એક સરપ્રાઈઝ છે." આર્યને રાહીનાં રૂમનાં દરવાજે ટકોરા દીધાં. તે બહાર જ ઉભો હતો. રાહીએ એક નજર તેની ઉપર કરી. રાહીએ હજું સુધી આર્યન સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો ન હતો. પણ એ વાતની આર્યન ઉપર કોઈ અસર થઈ ન હતી. તે આજે પણ રાહીનાં દરેક નિર્ણયમાં તેની સાથે હતો. કારણ કે આર્યન માટે દોસ્તી પહેલાં હતી. એનાંથી વધું કદાચ તેણે પણ ક્યારેય વિચાર્યું ન હતું.
"પણ આજે મારો બર્થ-ડે નથી." રાહી આર્યન સામે જોઈને સ્માઈલ કરતાં બોલી, "તો કેવું સરપ્રાઈઝ? એ પણ અચાનક!"
"નીચી ચાલ એટલે બધી ખબર પડી જાશે." આર્યને પણ મીઠું સ્મિત વેર્યું, "આમ પણ સરપ્રાઈઝ કહેવાની નહીં પણ બતાવવાની વસ્તુ હોય છે."
રાહી આગળ કોઈપણ દલીલ કર્યા વગર લેપટોપ બંધ કરીને ઉભી થઈ ગઈ. તેણે રૂમનો દરવાજો બંધ કર્યો અને આર્યન સાથે ચાલવા લાગી. બધાં હોલમાં પહેલેથી જ મોજૂદ હતાં. મતલબ સરપ્રાઈઝ રાહી એકલી માટે નહીં. આખાં પરિવાર માટે હતું. મહાદેવભાઈ, રાધિકા, ગૌરીબેન અને દાદી બધાં આર્યનનાં આવતાં જ તેની સામે જોઈ રહ્યાં. આર્યનનાં મમ્મી-પપ્પા બિઝનેસનાં લીધે ફરી અમેરિકા ચાલી ગયાં હતાં. સરપ્રાઈઝ કહીને છેલ્લાં અડધાં કલાકથી રાહ જોવડાવી રહેલાં આર્યન તરફ જોતાં દરેકની નજરમાં અનેકો સવાલ હતાં.
"શિવમ....અંદર આવી જા." આ એક જ શબ્દ આર્યનનાં મોંઢેથી નીકળતાં જ ઘરમાં મોજુદ દરેક વ્યક્તિનાં કાન સરવા થયાં. આંખો પહોળી થઈ ગઈ. વર્ષો પહેલાનું એક દ્રશ્ય બધાંની નજર સમક્ષ ભજવાતું રહ્યું. થોડો ગુસ્સો, થોડી નફરત, થોડી તાલાવેલી, આ બધાનું મિશ્રણ દરેક વ્યક્તિની આંખોમાં નજર આવ્યું.
"તમારી છોકરીએ મારાં દિકરા સાથે લગ્ન કરવાં હોય તો તેણે ફેશન ડિઝાઈનરનું સપનું ભૂલી જવું પડશે." શિવમનાં પપ્પા જગદીશ કાપડિયાનાં એ શબ્દો નીલકંઠ વિલાની એક એક ઈંટને જાણે હચમચાવી ગયાં.
એક વર્ષ પહેલાં શિવમ તેનાં મમ્મી-પપ્પા સાથે રાહીનો હાથ માંગવા આવ્યો હતો. ત્યારે રાહીએ બધાંની સમક્ષ લગ્ન પછી પણ પોતે ફેશન ડિઝાઈનર બનશે. એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ફેશન ડિઝાઈનર બનવું એ રાહીનું સપનું હતું. જેમાં તે તેનાં પપ્પા સાથે પણ લડી રહી હતી. એવામાં જગદીશભાઈએ જે કહ્યું એ પછી રાહીને બે વ્યક્તિ સાથે લડવું પડશે. એવું રાહી પણ સમજી ગઈ હતી.
"રાહી તેની કોઈ જવાબદારીથી પીછેહઠ નહીં કરે." ગૌરીબેને જગદીશભાઈને મનાવવાની કોશિશ કરી, "ફેશન ડિઝાઈનર બનવું એ રાહીનું સપનું છે. પણ એ તેની લગ્ન પછીની જવાબદારીઓ આડે નહીં આવે." ગૌરીબેનનાં અવાજમાં એક વિનંતી હતી, "હવે તો છોકરી પણ કમાય છે. આજે ક્યાં છોકરાં છોકરીઓ વચ્ચે કોઈ અંતર છે. તમે રાહીને એક મોકો આપો. એ તેનાં સપનાંની સાથે તમારાં ઘરની બધી જવાબદારી પૂરી કરશે." કહેતાં ગૌરીબેને પોતાની વિનવણી પૂરી કરી.
"રહેવા દો, એ શક્ય જ નથી." જગદીશભાઈનાં અવાજમાં રાહીનાં સપનાંને લઈને એક અણગમો સ્પષ્ટ રીતે વર્તાતો હતો, "મારાં પરિવારમાં કોઈ વહું કોઈ પણ પ્રકારનું કામ નથી કરતી, સિવાય કે ઘરકામ! રાહીએ પણ એ જ કરવું પડશે. લગ્ન પછી તેણે હાઉસ વાઈફ બનીને જ રહેવું પડશે. બાકી આ લગ્ન નહીં થાય." કહેતાં જ જગદીશભાઈ ઉભાં થઈ ગયાં.
"જગદીશ! મારી વાત તો સાંભળ. મારી દિકરી તને ક્યારેય નારાજ નહીં કરે. એ તમારી બધી વાત માનશે." મહાદેવભાઈનાં અવાજમાં એક તકલીફ સાફ નજર આવતી હતી. જે તેમને તેનાં જ મિત્રએ કહેલી પોતાની દિકરી માટેની વાતો પ્રત્યે થતી હતી, "આપણે બંને બાળપણનાં મિત્રો છીએ. તારી ઘરે પણ દિકરી છે. તેનાં પણ કોઈ સપનાં..."
"તેનાં એવાં કોઈ સપનાં નથી. જેનાં લીધે તેનાં લગ્ન અટકી જાય." જગદીશભાઈએ મહાદેવભાઈની વાત વચ્ચે જ કાપી નાખી. તેમનો અવાજ ફાટી ગયો. પોતાની દિકરીની વાત આવતાં જ તેમનાં ચહેરાં પર ગુસ્સાની એક લકીર આવીને જતી રહી, "જો રાહીએ શિવમ સાથે લગ્ન કરવાં હોય તો તેણે તેનું સપનું ભૂલવું જ પડશે. અમારાં ઘરમાં કોઈ વહું બહાર જઈને કામ નથી કરતી. વર્ષો જૂનો મારાં ઘરનો એ નિયમ હું તારી દિકરી માટે કોઈ કાળે નહીં તોડું." જગદીશભાઈએ તેમનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો. જેનાં લીધે મહાદેવભાઈએ પકડેલો હાથ પણ છૂટી ગયો. જે રાહી પોતાનું સપનું નહીં છોડે. એ વાતને સ્પષ્ટ કરતો એક સંકેત હતો.
"ચાલો હવે નીકળીએ." મહાદેવભાઈનો ઈશારો સમજતાં જ જગદીશભાઈએ પરત ફરવાનો નિર્ણય કરી લીધો. તેમનાં પત્ની રંજનબેન પણ તેમની સાથે ચાલવા લાગ્યાં. પણ શિવમ હજુયે તેની જગ્યાએ ઉભો હતો. શિવમ નથી આવતો એ વાતની જાણ થતાં જ જગદીશભાઈએ પાછળ ફરીને જોયું, "હવે તારે શું કરવું છે? હવે કંઈ બાકી રહ્યું નથી. ચૂપચાપ ઘરે ચાલ." જગદીશભાઈનાં અવાજમાં એક આદેશ હતો.
"આપણે જે નક્કી કરવાં આવ્યાં હતાં. એ નક્કી કર્યા વગર નહીં જઈ શકાય." શિવમે જગદીશભાઈનો આદેશ નકાર્યો હતો, "હું રાહી સિવાય કોઈ સાથે લગ્ન નહીં કરું. મને તેનાં સપનાથી કોઈ પ્રોબ્લેમ નથી. આજકાલ તો બધી છોકરીઓ ઈન્ડિપેન્ડેન્ટ બનવા માંગે છે. એમાં રાહીએ ફેશન ડિઝાઈનર બનવાનું સપનું જોઈને શું ખોટું કર્યું?" શિવમનાં અવાજમાં પોતાનાં પિતાનાં નિર્ણય પ્રત્યે એક વિરોધ સાફ નજર આવતો હતો, "હું રાહીની સાથે છું. હું તો તેનું સપનું પૂરું કરવામાં પણ તેની મદદ કરીશ." શિવમે પોતાનો નિર્ણય પણ સંભળાવી દીધો.
"ઠીક છે, તો કાલે સગાઈની તારીખ નક્કી કરીને પાછા આવીએ." જગદીશભાઈનો અવાજ બદલાયો. તેમણે જે કહ્યું એ કોઈ સમજી નાં શક્યું. પણ બધાંને ખુશી બહું થઈ. શિવમ તો જગદીશભાઈને ભેટી જ પડ્યો. રાહીએ જગદીશભાઈ અને રંજનબેનનાં આશીર્વાદ લીધાં. મહાદેવભાઈ પણ પોતાનાં મિત્રને ભેટી પડ્યાં. પણ સગાઈની તારીખ લઈને પાછા ફરીશું. એમ કહીને ગયેલાં જગદીશભાઈ ફરી ક્યારેય નાં આવ્યાં. એમનાં ગયાં પછી એક જ અઠવાડિયામાં તેઓ શિવમનાં લગ્ન બીજે કરી રહ્યાં છે. માત્ર એવી વાતો જ સિનોજા પરિવારનાં કાને પડી. જગદીશભાઈએ તો મહાદેવભાઈને દિકરાનાં લગ્નનું આમંત્રણ પણ મોકલ્યું નહીં.
"મહાદેવ! મારાં મિત્ર." જગદીશભાઈનાં અવાજથી બધાં જાણે ભૂતકાળમાંથી પરત ફર્યા. દરવાજે શિવમ, તેનાં પિતા જગદીશભાઈ તેમનાં પત્ની રંજનબેન, અને બે બીજી રાહીની ઉંમરની છોકરીઓ ઉભી હતી. જેને સિનોજા પરિવાર એકીટશે જોઈ રહ્યો. કોઈની કંઈ બોલવાની હિંમત નાં થઈ. એક જ શહેરમાં હોવાં છતાં આજે એક વર્ષ પછી બંને પરિવાર ફરી આમનેસામને હતાં. કોઈ કંઈ કહેવાની હાલતમાં ન હતું. જગદીશભાઈએ જ પહેલ કરતાં મહાદેવભાઈને ગળે લગાવી લીધાં.
"દૂર...દૂર જ રહેજે મારાથી. તારાં જેવાં મિત્રો ગળે લગાવીને પીઠ પાછળ ખંજર ભોંકે છે." મહાદેવભાઈએ જગદીશભાઈને ધક્કો માર્યો. તેમનાં અવાજમાં દુઃખ અને અણગમો સ્પષ્ટપણે જોઈ શકાતાં હતાં.
"હું આવાં જ આદરને લાયક છું. મેં વર્ષો પહેલાં જે ભૂલ કરી. એ પછી મારી સાથે આવું જ થવું જોઈએ." જગદીશભાઈનાં અવાજમાં પસ્તાવાની ઝલક હતી. તે મહાદેવભાઈ સામે ઘુંટણ પર બેસી ગયાં, "મને માફ કરી દે. પણ જે થયું એમાં મારી જ ભૂલ હતી. મારાં પરિવારનો એમાં કોઈ વાંક ન હતો." જગદીશભાઈએ પોતાની ભૂલ કબૂલ કરી લીધી.
"અંકલ! પપ્પાને માફ કરી દો." શિવમે પણ હાથ જોડી લીધાં, "એ ખાસ તમારી માફી માંગવા જ આવ્યાં છે. આજથી એક વર્ષ પહેલાં તેમણે જે વિશ્વાસઘાત કર્યો. એની સજા તેમને મળી ગઈ છે." શિવમનો અવાજ ભીનો થઈ ગયો, "તે દિવસે અહીંથી ગયાં પછી તેમણે મારાં લગ્ન બીજે નક્કી કરી દીધાં. મને પણ એમ કહીને લગ્ન કરવાં ફોર્સ કર્યો કે મેં લગ્ન નાં કર્યા તો એ પોતાનો જીવ આપી દેશે. છતાંય મેં નાં પાડી. આખરે તેઓ તેમની જીદ્દ પર અડિગ રહ્યાં. તેમણે ગળાફાંસો ખાવાની કોશિશ કરી." શિવમનો અવાજ દબાવા લાગ્યો. તેની આંખે ઝળઝળીયાં આવી ગયાં. જાણે એક વર્ષ પહેલાનું દ્રશ્ય તેની નજર સમક્ષ ભજવાતું રહ્યું, "સમયસર મમ્મીની નજર પડતાં અમે તેમને બચાવી લીધાં. પછી મારાં લગ્ન થઈ ગયાં. પણ એ દિવસે જ પપ્પાને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો. જેનાં લીધે તેમનો એક હાથ કામ કરતો બંધ થઈ ગયો." શિવમે આંખી કહાની સસ્પેન્સ મુવીની જેમ પૂરી કરી. જગદીશભાઈ હજું પણ મહાદેવભાઈની સામે ઘુંટણ પર બેઠાં હતાં. આખી હકીકત સાંભળીને મહાદેવભાઈની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં. મહાદેવભાઈએ જગદીશભાઈનાં જમણાં હાથ પર નજર કરી. જે નિસ્તેજ પડ્યો હતો. મહાદેવભાઈએ તરત જ તેમને ઉભાં કરીને પોતાનાં ગળે લગાવી લીધાં.
નીલકંઠ વિલામાં મોજુદ દરેક વ્યક્તિ બે મિત્રોનું આ મિલન જોઈ રહ્યાં. રાહી પણ દોડીને શિવમ સાથે આવેલી તેની હમઉમ્ર છોકરીઓમાંની એક છોકરીને વળગી પડી, "ઓહ પ્રેરણા! બહું જાજા સમયે મળ્યાં." રાહીથી બોલાઈ ગયું. એ છોકરી પ્રેરણા હતી. શિવમની બહેન અને રાહીની બેસ્ટ ફ્રેન્ડ.. રાહી રંજનબેનનાં આશીર્વાદ લઈને શિવમ સામે જઈને ઉભી રહી ગઈ. તેની પાસે એક છોકરી ઉભી હતી એ રાહી સામે જોઈ રહી. તેની ડોકમાં 'એસ' આલ્ફાબેટનું મંગલસૂત્ર જોઈને રાહી તરત જ બધું સમજી ગઈ.
"તો આ નાલાયકને આટલી સુંદર છોકરી મળી ગઈ." રાહીએ તોફાની સ્મિત સાથે કહ્યું, "હું રાહી.. શિવમ અને પ્રેરણાની બેસ્ટ ફ્રેન્ડ!" રાહીએ હાથ લંબાવ્યો. એ છોકરીએ પણ રાહી સાથે હાથ મિલાવ્યો.
"હું રિધિમા... નાઈસ ટુ મીટ યૂ." રિધિમા તેનાં ગુલાબની પાંખડીઓ જેવાં હોઠ પર ગાલ સુધી ખેંચાતી એક સ્માઈલ સાથે બોલી. રાહીએ તો તરત જ તેને ગળે લગાવી લીધી. તે બધું ભૂલીને એક નવી શરૂઆત કરવા માંગતી હતી. પહેલાં જ બહું ગલતફહેમી વધી ગઈ હતી. રાહી હવે જૂનું કંઈ યાદ કરવાં માંગતી ન હતી.
રિધિમાએ દાદીમા, મહાદેવભાઈ અને ગૌરીબેનનાં આશીર્વાદ લીધાં. પછી રાધિકાને મળી. રાહીને ખુશ જોઈને રાધિકાને પણ ખુશી થઈ. રાહીનાં જીવનમાં કંઈક તો સારું થયું. એ જાણીને જ રાધિકાએ આજે કોઈ સવાલ નાં કર્યો. એ બસ આર્યન સામે જોઈ રહી. તેને એ દિવસ યાદ આવી ગયો. જ્યારે રાધિકા કોલેજેથી આવીને પોતાનાં રૂમમાં બેઠી હતી અને આર્યન તેની પાસે આવ્યો હતો.
ધૂળેટીનાં બીજાં દિવસે રાધિકા કોલેજેથી આવીને પોતાનાં રૂમમાં બેઠી હતી. તેને કંઈ સમજમાં આવતું ન હતું. એક જ દિવસમાં જે રીતે બધું બદલાઈ ગયું. એ પછી રાહીને ખુશ કરવાં અને શિવાંશને ફરી લાવવા ક્યાંથી શરૂઆત કરવી? એ વિશે રાધિકા વિચારી રહી હતી. ત્યારે જ આર્યન તેનાં રૂમમાં આવ્યો.
"મારી એક હેલ્પ કરીશ?" આર્યને આવતાંની સાથે જ રાધિકા સામે ઉભાં રહીને સવાલ કર્યો.
"શું?" રાધિકાની આંખોમાં અનેક સવાલો વાંચીને આર્યન નિરાંતે તેની સામે બેસી ગયો. થોડીવાર તો તે પણ વિચારી રહ્યો કે વાતની શરૂઆત કેમ કરવી?
"રાહીનાં જે શિવમ સાથે લગ્ન થવાનાં હતાં. એ શિવમ વિશે જાણકારી આપીશ?" શિવમે રાધિકાનો હાથ પોતાનાં હાથમાં લઈ લીધો. રાધિકા એકીટશે તેની સામે જોઈ રહી. તે દિવસે જે થયું. એ બધી આર્યનને ખબર હતી. રાધિકાએ ખુદ જ તેને બધું કહ્યું હતું. છતાંય એક વર્ષ પહેલાં પૂરી થઈ ગયેલી કહાનીની કિતાબ આર્યન ફરી શાં માટે ખોલવા માંગતો હતો? એ રાધિકા સમજી નાં શકી.
"તું જે કંઈ પણ કરે એ સમજી વિચારીને કરજે." રાધિકાએ આર્યનને ચેતવણી આપી, "દીદુ પહેલેથી જ પરેશાન છે. એવામાં તેને વધું તકલીફ થાશે. તો એ હું સહન નહીં કરી શકું." રાધિકાએ એટલું જ કહ્યું. ત્યાં જ આર્યને રાધિકાનો પોતાનાં હાથમાં પકડેલો હાથ સહેજ દબાવતાં આંખો મીંચી. તેનાં એ ઈશારાની સાથે જ રાધિકાએ શિવમ અને તેનાં પરિવાર વિશે બધું જણાવી દીધું.
આર્યન બધી માહિતી લઈને નીકળી ગયો. પણ રાધિકા હજું આર્યનનાં મનમાં શું ચાલી રહ્યું છે? એ સમજી શકી ન હતી. તેનાં મનમાં બસ રાહી અને શિવાંશને મળાવવાનાં વિચારો જ ચાલી રહ્યાં હતાં. જેનાં લીધે રાધિકા બીજું કંઈ વિચારી શકવાની હાલતમાં ન હતી.
"હવે તો તું ખુશ છે ને?" આર્યનનો અવાજ સાંભળીને રાધિકા એક અઠવાડિયાં પહેલાંનું વિચારીને વર્તમાનમાં પરત ફરી. તેણે આર્યન સામે સ્માઈલ કરીને માત્ર બંને હોઠ હલે એટલી નિરાંતે આર્યનને 'થેંક્યૂ' કહ્યું. આર્યને સ્મિત સાથે રાધિકાનાં માથે હળવી ટપલી મારી.
મહાદેવભાઈ અને જગદીશભાઈ વચ્ચે પણ હવે કોઈ શિકાયત ન હતી. ગૌરીબેન, દાદીમા અને રંજનબેને પણ કોઈ શિકાયત વગર વાતોનો દોર હાથમાં લીધો હતો. પ્રેરણા રાહીનો હાથ પકડીને તેને બહાર ગાર્ડનમાં લઈને આવી ગઈ. બંને વચ્ચે કોન્ટેક્ટ તો હતો. પણ બંને હજું સુધી એકબીજાને રૂબરૂમાં મળી ન હતી. જેનાં લીધે ઘણી વાતો કરવાની હતી. પ્રેરણા ગાર્ડનમાં આવીને રાહીને તેનાં લગ્નનાં ફોટોગ્રાફ્સ બતાવવા લાગી. રાહીને એ જોતાં જ શિવાંશની યાદ આવી ગઈ. શિવાંશ સાથે થોડાં જ દિવસો પસાર કર્યા હોવા છતાંય રાહી ઉપર શિવાંશનાં પ્રેમનો પૂરો ઘેરો રંગ ચડી ગયો હતો. જેને કોઈ પણ કાળે કોઈ પણ ઉતારી શકે એમ ન હતું.
"રાહી... બે મિનિટ વાત કરી શકીએ." રાહી અને પ્રેરણાની વાતો ચાલી રહી હતી. એ સાથે જ શિવમે આવીને કહ્યું. રાહી અને પ્રેરણાની નજર શિવમ પર પડી. એ સાથે જ પ્રેરણા ઉભી થઈ ગઈ. તે ઉભી થઈને અંદર જવાં ચાલવા ગઈ. ત્યાં જ રિધિમા શિવમ પાછળ આવીને ઉભી રહી ગઈ. તેને જોતાં જ બધાં મૂર્તિમંત બની ગયાં. કોઈ કંઈ બોલી કે રિએક્ટ નાં કરી શક્યું. શિવમ અને રાહી વચ્ચે દોસ્તી તો હજું પણ અકબંધ હતી. પણ શિવમ રાહીને પ્રેમ કરતો હતો. તેની સાથે લગ્ન કરવાનો હતો. એ પણ એક ખરી હકીકત હતી. જેને કોઈ બદલી શકે એમ ન હતું. આજે રિધિમા શિવમની વાઈફ બની ચૂકી છે. એવામાં તેનો પતિ તેની પૂર્વ પ્રેમિકા સાથે વાત કરે. એ કોઈ પણ પત્નીને ઑકવર્ડ લાગી શકે.
"તમે રાહી સાથે વાત કરી શકો છો." બધાંને મૂર્તિમંત બનેલાં જોઈને રિધિમાએ જે કહ્યું. એ સાંભળીને શિવમ તેની સામે જોઈ રહ્યો. તો રિધિમાએ સ્માઈલ કરીને કહ્યું, "મને રાહી ઉપર પૂરો ભરોસો છે. તમારી ઉપર પણ...તો તમે રાહી સાથે એકલામાં વાત કરી શકો છો. મને કોઈ પ્રોબ્લેમ નથી. હું તમારી બંનેની મનઃસ્થિતિ સમજું છું." રિધિમાએ જે સમજદારીપૂર્વકની વાત કરી. એ સાંભળીને શિવમ અને પ્રેરણા બંનેને રાહત થઈ. રિધિમા રાહી સામે જોઈને પોતાની આંખોનાં પોપચાં ઢાળીને મૂક સહમતિ આપીને જતી રહી. પ્રેરણા પણ તેની પાછળ ચાલી ગઈ. શિવમ રાહી તરફ આગળ વધી ગયો.
"કેવી ચાલે લાઈફ?" શિવમ રાહી પાસે જઈને બેઠો. તેનાં એ સવાલ પર રાહીનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. એ બસ શિવમને જોઈ રહી.
"શિવ નામનાં અને શિવ જેવાં પતિનાં સપનાં જોયાં છે. તો લાઈફ સંઘર્ષપૂર્ણ જ રહેવાની." રાહીએ લાંબો શ્વાસ છોડ્યો, "બસ એ જ સંઘર્ષ કરી રહી છું..." કહેતાં રાહીએ શિવમ આગળ તેનાં ગયાં પછી જે થયું એ બધું કહીને પોતાનું હૈયું હળવું કરી લીધું.
"આ શિવમ નાં સહી...એ શિવ તને જરૂર મળશે." શિવમે રાહીનાં હાથ પર હાથ મૂક્યો. રાહીને એક સાચાં મિત્રનાં પાસે હોવાનો અહેસાસ થયો. રાહીએ પણ પોતાનો હાથ શિવમનાં હાથ પર મૂકી દીધો. બંને વચ્ચે લાંબો સમય મૌન જળવાઈ રહ્યું. એ મૌનમાં પણ ઘણી વાતો થઈ ગઈ.
"તો તારી લાઈફમાં શું ચાલે?" આખરે રાહીએ પોતાનું મૌન તોડ્યું. જો એ એવું નાં કરતી તો તેનું દિલ ભરાઈ આવતું, "રિધિમા બહું સમજદાર છે. આઈ એમ સ્યૉર...એણે તને સુધારી દીધો હશે." રાહીનાં ચહેરાં પર તોફાની સ્મિત આવી ગયું.
"એ તો સમજદાર જ છે. પાગલ તો તું છે." શિવમે પણ ચહેરાં પર તોફાની સ્મિત લાવતાં રાહીનાં માથામાં ટપલી મારતાં કહ્યું, "બહું મોટી થઈ ગઈ ને કંઈ.! હવે તો વિદેશમાં પણ પોતાની ડિઝાઈનનો ડંકો વગાડવાની તૈયારી ચાલું થઈ ગઈ."
"તને કેમની ખબર?" રાહીનાં ચહેરાં પર આશ્વર્ય આવી ગયું. તેણે આંખો મોટી કરી લીધી.
"આર્યને કહ્યું." શિવમે શાંતચિત્તે ક્હ્યું, "કોન્ગ્રેસ, આખરે તારું સપનું પૂરું થયું." કહેતાં શિવમે રાહી સામે પોતાનો હાથ લંબાવ્યો. રાહીએ સ્માઈલ કરતાં હાથ મિલાવ્યો.
(ક્રમશઃ)
_સુજલ બી.પટેલ