Anant Safarna Sathi - 24 books and stories free download online pdf in Gujarati

અનંત સફરનાં સાથી - 24

૨૪.એની ઈંતેજારી



હોળીનાં દિવસે સવારે ગૌરીબેન હોલિકાદહનની તૈયારીમાં લાગ્યાં હતાં. ગૌરીબેનની ઘરે મોટાં પાયે હોલિકા દહનની પૂજા થતી. તો આજુબાજુનાં વિસ્તારમાં રહેતાં લોકો અહીં જ પૂજા કરવા આવતાં. તો તૈયારી પણ વધું પ્રમાણમાં કરવી પડતી. રાધિકા અને રાહી પણ ઉઠીને નાસ્તો કરીને ગૌરીબેનની મદદમાં લાગી ગઈ હતી.
ગૌરીબેન કિચનમાં કંઈક લેવાં જતાં હતાં. ત્યાં જ તેમનાં કાને અવાજ પડ્યો, "તમે બિલકુલ ચિંતા નાં કરો. તમે બસ એકવાર ઘરે આવી જાઓ. બાકી બધું હું સંભાળી લઈશ." મહાદેવભાઈ કોઈ સાથે કોલ પર વાત કરી રહ્યાં હતાં. તેમની વાતો સાંભળીને ગૌરીબેનનો ચહેરો થોડો ઉદાસ થઈ ગયો.
"મમ્મી, શું થયું?" અચાનક જ રાહીએ આવીને પૂછ્યું.
"કંઈ નહીં, કામ વધું છે. તો થાકી જવાય છે." ગૌરીબેન કંઈ કહે. એ પહેલાં જ મહાદેવભાઈએ તેમની સામે જોયું. તો તેમણે થાકનું બહાનું બનાવતાં કહ્યું. જ્યારે હકીકત તો કંઈક અલગ જ હતી.
"દીદુ, તમે આપણાં બધાં ફ્રેન્ડસને તો બોલાવી લીધાં છે ને??" રાધિકાએ બહાર ગાર્ડનમાંથી આવીને પૂછ્યું, "કાર્તિક અને સ્વીટીને પણ કોલ કરી દેજો."
"તેમને દર વખતે બોલાવવાવી શું જરૂર છે?" અચાનક જ મહાદેવભાઈએ થોડાં ઉંચા અવાજે કહ્યું, "તે તેમનાં પરિવાર સાથે પૂજા કરી લેશે."
"તમે કદાચ ભૂલી ગયાં હોય. તો તમારી જાણકારી ખાતર જણાવી દઉં. કે તેમનો પરિવાર પણ અહીં જ પૂજા કરવા આવે છે." રાધિકાએ પણ થોડો ઉંચો અવાજ કરતાં કહ્યું.
"આ વખતે તે તેમનાં પરિવાર સાથે તેમની ઘરે જ પૂજા કરી લેશે." મહાદેવભાઈએ જાણે અંતિમ નિર્ણય જણાવતાં હોય. એ રીતે કહ્યું. જે રાધિકાને જરાં પણ નાં ગમ્યું.
"દીદુ, તમે કાર્તિકને કોલ કરી દો. એ બંને જરૂર આવશે. શ્યામ પણ તેનાં પરિવાર સાથે અહીં આપણી સાથે જ હોલિકા દહનની પૂજા કરશે." રાધિકાએ પણ પોતાનો નિર્ણય સંભળાવી દીધો. રાહી રાધિકાનાં વર્તનનો કોઈ જવાબ નાં આપી શકી. પણ તેણે કોઈને કોલ નાં કર્યો. એ બસ રાધિકા અને મહાદેવભાઈ સામે વારાફરતી જોઈ રહી.
"તમને આખરે કાર્તિક અહીં આવે. તો શું પ્રોબ્લેમ છે? હું કેટલાં દિવસથી જોઉં છું. તમે કાર્તિકને મારાથી દૂર રાખવાની કોશિશ કરો છો." રાધિકાએ ગુસ્સે થઈને કહ્યું, "અને તમારે કોઈને કોલ નાં કરવો હોય. તો હું જ કાર્તિકને કોલ કરીને અહીં આવવાં જણાવી દઈશ." રાધિકા રાહી સામે જોઈને ગુસ્સામાં કહીને જતી રહી. રાહી તેને મનાવવા તેની પાછળ ગઈ. રાહીએ બહાર આવીને જોયું. રાધિકા ગુસ્સામાં મોં ફુલાવીને હોળી માટેનાં લાકડાં ગોઠવી રહી હતી.
"ગુસ્સામાં ભગવાનનું કોઈ કામ નાં કરાય." રાહીએ રાધિકાની નજીક જઈને કહ્યું, "મેં સાંભળ્યું છે, ગુસ્સામાં ભગવાનનું કામ કરીએ. તો ભગવાન નારાજ થઈ જાય."
"ઓ પ્લીઝ દીદુ, હું એ બધામાં નથી માનતી. આમ પણ તેમણે આજે પણ પોતાની મન મરજી કરીને આજનો દિવસ પણ ખરાબ કરી નાંખ્યો." રાધિકાએ ગુસ્સો કરતાં એક ચેર પર બેસીને કહ્યું.
"સામે તું પણ ક્યાં શાંત રહે છે." રાહીએ લાકડાં ગોઠવતાં ગોઠવતાં કહ્યું, "હવે જે થયું તે, તું કાર્તિક અને શ્યામને કોલ કરી દે. આજનો દિવસ કોઈ માટે બગડવો નાં જોઈએ. કાર્તિક અને સ્વીટી ઘણાં વર્ષોથી આપણાં પરિવાર સાથે હોલિકા દહનની પૂજા કરે છે. તો આજે પણ એવું જ થાશે."
રાહીની વાત સાંભળીને રાધિકાનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. તેણે તરત જ બધાંને કોલ કરી દીધો. મહાદેવભાઈ થોડે દૂર ઉભાં બધું સાંભળતાં અને જોતાં હતાં. લાકડાં ગોઠવતી વખતે રાહીનું ધ્યાન અચાનક જ એ દિશામાં ગયું. જ્યાં મહાદેવભાઈ ઉભાં હતાં.
"સોરી પપ્પા, અજાણતામાં તમને દુઃખી કર્યા હોય તો. પણ આજનો દિવસ તો બધાં પાપનો નાશ કરવાનો છે. બધી શિકાયતો, ઝઘડાઓ હોળીની આગમાં હોમીને તેને ભસ્મ કરીને નવી શરૂઆત કરવાનો છે. તો હું કોઈને દુઃખી નાં કરી શકું." રાહી મનોમન જ કહેવા લાગી, "આજનાં દિવસે ઝઘડાઓ અને પાપનો નાશ કરવાની જગ્યાએ તેમાં વધારો નાં કરી શકું. આશા રાખું છું. તમે મને અને રાધિકાને સમજશો."
રાહી અને રાધિકાએ બધી તૈયારી કરી. ત્યાં સુધીમાં બપોર થઈ ગઈ. ગૌરીબેન રસોઈ કરવામાં લાગી ગયાં. દાદીમાં બધી તૈયારી જોવાં ગાર્ડનમાં આવ્યાં. તો રાધિકા તરત જ તેમની પાસે ગઈ. રાધિકા અને રાહીને ખુશ જોઈને દાદીમાં પણ ખુશ થયાં.
"અહીં બધી તૈયારી થઈ ગઈ છે. તડકો પણ બહું છે. તો ચાલો અંદર જઈએ." રાહીએ દાદી પાસે આવીને કહ્યું. બધાં સાથે અંદર ગયાં. મહાદેવભાઈ ગાર્ડનમાં બેન્ચ પર બેઠાં હતાં. રાહીએ એક ઉડતી નજર તેમનાં પર પણ કરી. તેમનાં ચહેરાં પરથી તેઓ કંઈક વિચારી રહ્યાં હોય. એવું રાહીને લાગ્યું.
રાહી અંદર આવીને જમવાનું ડાઇનિંગ ટેબલ પર ગોઠવવાં લાગી. ત્યાં સુધીમાં મહાદેવભાઈ પણ આવી ગયાં. બધાં સાથે જ જમવા બેઠાં. રાધિકા તો જમતાં જમતાં પણ બગાસું ખાતી હતી. સવારે તડકો થાય એ પહેલાં બધી તૈયારી પૂરી કરવાની હોવાથી બધાં વહેલાં ઉઠ્યાં હતાં. તો મોડાં સુધી સુવાવાળી આપણી રાધિકાની ઉંઘ પૂરી નાં થવાથી તેને ઉંઘ આવી રહી હતી.
"ઓય, અંદર જઈને સૂઈ જા. આમ બગાસું ખાઈને અમને પણ આળસ નાં અપાવ." રાહીએ રાધિકાનો ખંભો ઢંઢોળીને કહ્યું.
"ઓકે, પછી મને સમયસર જગાડી દેજો." કહેતાં રાધિકા બગાસું ખાતાં ખાતાં જ સૂવા માટે જતી રહી.
હોળીની તૈયારી તો થઈ ગઈ હતી. હવે બધાં માટે નાસ્તો બનાવવાનો બાકી હતો. પહેલાં બધાંએ થોડો આરામ કર્યો. પછી ગૌરીબેન અને રાહી નાસ્તો બનાવવામાં લાગી ગયાં. રાધિકા ગૌરીબેનને બધી વસ્તુઓ આપતી ગઈ. ગૌરીબેન ગુજીયા (રવાના મીઠાં ઘુઘરા), તીખાં ગાંઠિયા, લાડું, સેવ અને ઢોકળા એવું ઘણું બધું બનાવવામાં લાગી ગયાં. જ્યાં ગુજરાતીઓ હોય. ત્યાં ખાવાપીવામાં કંઈ ઘટે નહીં. એ વાતને સાર્થક કરતાં ગૌરીબેને ઘણું બધું બનાવ્યું હતું. આમ પણ ગૌરીબેનમાં અન્નપૂર્ણાનો વાસ હતો. તેમની રસોઈ પણ સ્વાદિષ્ટ બનતી. દર વર્ષે લોકો તેમનાં હાથની ગુજીયા સૌથી વધું ખાતાં. એટલે ગૌરીબેને સૌથી વધું એ જ બનાવી હતી. ગૌરીબેન બધું બનાવીને નવરાં થયાં. ત્યાં સુધીમાં સાત થઈ ગયાં હતાં. ગૌરીબેન અને રાહી બધું બનાવીને તૈયાર થવા પોતપોતાનાં રૂમમાં ગયાં.
રાહી સીધી રાધિકાનાં રૂમમાં પહોંચી ગઈ. રાધિકા હજું પણ સૂતી હતી. તેને એટલી શાંતિથી સૂતી જોઈને રાહીનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. જે ધીરે-ધીરે શરારતી સ્મિતમાં તબદીલ થઈ ગયું.
"રાધુ, જલ્દી ઉઠ. શ્યામ આવી ગયો." રાહીએ રાધિકાની નજીક જઈને ધીરેથી તેનાં કાનમાં કહ્યું. ત્યાં તો રાધિકા સફાળી બેઠી થઈ ગઈ.
"ક્યાં છે? ક્યાં છે શ્યામ?" રાધિકા ઉઠીને ચારેબાજુ જોતી શ્યામને શોધવાં લાગી.
"એ તો તેની ઘરે છે." રાધિકાને પરેશાન જોઈને રાહીએ પોતાનું હાસ્ય છુપાવવા ધીરેથી કહ્યું. ત્યાં તો રાધિકા એક પછી એક ઓશિકું લઈને રાહી તરફ ફેંકવા લાગી.
"શું તમે પણ દીદુ, હું કેટલી શાંતિથી સૂતી હતી. એમાં તમે શ્યામનું કહીને જગાડી દીધી." રાધિકાએ એક ઓશિકું ખોળામાં લઈને દિવાલ સાથે ટેકો આપતાં બેસીને કહ્યું, "જગાડી તો જગાડી પણ શ્યામ તો આવ્યો જ નથી."
"અરેરે...શ્યામ આવ્યો નથી. તો આવી જાશે." રાહીએ રાધિકાની પાસે બેસીને કહ્યું, "સાત થઈ ગયાં છે. પહેલાં તું તો તૈયાર થઈ જા. પૂજાનો સમય થતાં શ્યામ પણ આવી જાશે." રાહીની વાત સાંભળીને રાધિકાએ દિવાલ પર લટકતી ઘડિયાળ તરફ નજર કરી. સાચ્ચે જ સાત થઈ ગયાં હતાં.
"ઓકે, હું જાવ છું તૈયાર થવા." કહેતાં રાધિકા ફટાફટ કપડાં લઈને બાથરૂમમાં ઘુસી ગઈ. રાહી પણ હસતાં હસતાં પોતાનાં રૂમમાં જઈને તૈયાર થવા લાગી.
રાતનાં આઠ થતાં જ બધાં લોકો પૂજા માટે આવવાં લાગ્યાં. જ્યારે શ્યામ તેનાં પરિવાર સાથે આવ્યો. ત્યારે તેની નજર તો રાધિકા પર જ અટકી ગઈ. લાલ ચુડીદાર ડ્રેસમાં રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. શ્યામને એકીટશે પોતાની તરફ જોતો જોઈને રાધિકાએ આંખો બતાવીને તેને બીજી તરફ નજર કરવાં કહ્યું. તો શ્યામે ડોક નકારમાં હલાવીને નાં પાડી દીધી. રાધિકા શરમાઈને રાહી પાછળ છુપાઈ ગઈ.
"અરે શું થયું?" રાહીએ રાધિકાનો હાથ પકડીને તેને પોતાની પાછળથી આગળ લાવતાં કહ્યું. રાધિકાએ કોઈ જવાબ નાં આપીને માત્ર શ્યામ સામે જ જોયું. તો રાહી બધું સમજી ગઈ. રાહી રાધિકાનો હાથ પકડીને શ્યામ તરફ ચાલવા લાગી. બાકી બધાં મહેમાનોની આગતાસ્વાગતામાં લાગ્યાં હતાં.
"આ તારી જ રાહ જોતી હતી. અત્યારે ખાલી ખોટાં શરમાવાનાં નાટકો કરે છે." રાહીએ શ્યામ પાસે જઈને કહ્યું, "તું સંભાળી લેજે આને." કહેતાં રાહી રાધિકાનો હાથ શ્યામનાં હાથમાં આપીને જતી રહી. બીજાં કોઈની આ દ્રશ્ય પર નજર ન હતી. પણ શ્યામનાં મમ્મી દૂર ઉભાં બધું જોઈ રહ્યાં હતાં. સાથે જ તેમનાં ચહેરાં પર સ્મિત પણ ફરકી રહ્યું હતું.
"તારાં ચહેરાં પર શરમની આ લાલી બહું સરસ લાગે છે." શ્યામે રાધિકાનો ચહેરો જોતાં કહ્યું. ત્યાં તો રાધિકા શરમથી પાણી પાણી થઈ ગઈ.
"તું છે ને બહું સ્માર્ટ બનવાની કોશિશ કરે છે." રાધિકાએ શ્યામ સામે જોઈને કહ્યું, "મને આ રીતે હેરાન નાં કર."
"ચાલ છોડ, હવે હેરાન નાં કરું. પણ મારે તને કંઈક કહેવું છે. એ તો કહી શકું ને." શ્યામે રાધિકાનાં ચહેરાં નજીક ચહેરો લઈ જઈને તેનાં કાનમાં કહ્યું, "આઈ લવ યૂ."
"આઈ લવ યૂ ટૂ." રાધિકાએ પણ એ જ સ્ટાઈલથી શ્યામનાં કાનમાં કહ્યું. તો શ્યામનાં દિલની ધડકન તેનાં કાબૂમાં નાં રહી.
"રાધુ, પૂજાનો સમય થઈ ગયો. જલ્દી આવી જા." અચાનક જ રાહીનાં બોલાવતાં જ રાધિકા હસતી હસતી જતી રહી. શ્યામ માત્ર બ્લશ કરતો તેને જોઈ રહ્યો.
"શું વાત છે બેટા?" અચાનક જ શ્યામનાં મમ્મી મંજુબેને શ્યામ પાસે આવીને કહ્યું, "મારાં કાનુડાને તેની રાધિકા મળી ગઈ લાગે છે."
મંજુબેનની વાત સાંભળીને તો શ્યામની બોલતી જ બંધ થઈ ગઈ. એક સંતાનનાં મનની વાત તેની માઁ જ સારી રીતે સમજી શકે. મંજુબેન પણ એ જ રીતે શ્યામનાં મનની વાત જાણી ગયાં હતાં. જેનાં લીધે શ્યામ પાસે કહેવા માટે કંઈ બચ્યું જ ન હતું. તે માત્ર સ્માઈલ કરતો રહ્યો.
"સારી છોકરી છે. સારો મોકો જોઈને તેનાં પરિવાર જોડે વાત કરીશું." મંજુબેને રાધિકા સામે જોઈને કહ્યું, "આ પેલી જ છોકરી છે ને, જેની બનારસમાં તે મદદ કરી હતી. આવી સુંદર છોકરી ઉપર તો કોઈ પણ વ્યક્તિની નજર પડે. પણ જો તારે તેનું પૂરું ધ્યાન રાખવું પડશે. જો તું તેનું ધ્યાન રાખી શકે. તો જ હું તેનાં પરિવાર સાથે વાત કરીશ."
"મમ્મી, મેં ત્યારે કોઈ પણ સંબંધ વગર તેને બચાવી હતી. આજે તો હું તેને પ્રેમ કરું છું. તો હવે એ મારી જવાબદારી છે." શ્યામની વાતો સાંભળી મંજુબેનને તેની વાતો પર વિશ્વાસ આવી ગયો. બંને હસતાં ચહેરે પૂજા માટે ગયાં. દર વર્ષની પરંપરા મુજબ પહેલાં મહાદેવભાઈ અને ગૌરીબેને પૂજા કરી. પછી વારાફરતી બધાં પૂજા કરવા લાગ્યાં. હોળીની આગમાં બધી તકલીફો બળીને ભસ્મ થઈ જાય. કોઈનાં મનમાં કોઈ પ્રત્યે અણગમો કે ખટરાગ નાં રહે. એવી ઈચ્છા સાથે બધાંએ સાચાં દિલથી હોળીની પૂજા કરી. રાવણદહનની જેમ આ તહેવાર પણ અસત્ય પર સત્યની જીતનો તહેવાર છે. હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી તેનું મૃત્યુ થશે નહી.' આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો લગભગ અસંભવ થઈ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.
આ દરમિયાન હિરણ્યકશિપુનો પોતાનો પુત્ર પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઈ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં. અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઈ કેટલાં ઉપાય કર્યા. પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યાં. અંતે પ્રહલાદને મારવાનાં ઉદ્દેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસાડી અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં.
પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી. આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.
પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે. જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાંખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓનાં વિજયનું આ પર્વ છે.
હોળીની પૂજા કરીને બધાંને બેસવા ચેઈર્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં બધાં ગોઠવાઈ ગયાં. બધાંએ મોડાં સુધી બેસીને વાતો કરી અને નાસ્તો કર્યો. ગૌરીબેનને પૂનમનું એકટાણું હોવાથી તેમણે માત્ર ફળાહાર કર્યો. સ્વીટી અને કાર્તિક બંનેનાં પરિવાર સાથે બેઠાં હતાં. રાધિકાનું ધ્યાન અચાનક જ ત્યાં જતાં રાધિકા એ તરફ જવા લાગી.
"ક્યાં જાય છે?" રાધિકાને કાર્તિક તરફ જતી જોઈને અચાનક જ મહાદેવભાઈએ આવીને રાધિકાને રોકતાં પૂછ્યું.
"કાર્તિક પાસે જાઉં છું. મારે તેનું થોડું કામ છે." રાધિકાએ કહ્યું.
"કામ તો થયાં કરશે. અત્યારે તહેવારની ઉજવણી ચાલી રહી છે. તો કામને બે દિવસ પૂરતું એક તરફ મૂકી દે." મહાદેવભાઈએ રાધિકાને બધાંની વચ્ચે લઈ જતાં કહ્યું. અત્યારે પણ મહાદેવભાઈએ રાધિકાને કાર્તિકથી દૂર રાખવાની કોશિશ કરી. એ વાત રાધિકાને બિલકુલ પસંદ નાં આવી. પણ બધાં મહેમાનોનાં હોવાથી રાધિકા ચૂપ રહી. બધાંની વચ્ચે કોઈ તમાશો બને એવું રાધિકા પણ ઈચ્છતી ન હતી.
રાહીને શિવાંશનો મેસેજ આવી ગયો હતો. તે મુંબઈથી અમદાવાદ પહોંચી ગયો હતો. હવે રાહીને કાલ સવારની જ રાહ હતી. જેનાં લીધે રાહીની શિવાંશ પ્રત્યેની ઈંતેજારી તેનાં ચહેરાં પર નજર આવી રહી હતી. જે રાધિકાએ તરત જ કળી લીધી.
"શું વાત છે દીદુ. તમારો ચહેરો તો જુઓ કેટલો ખીલેલો છે." રાધિકાએ રાહીનાં ખંભા સાથે ખંભો અથડાવીને કહ્યું.
"શિવાંશ અમદાવાદ આવી ગયો છે. તેની નાનીનાં ઘરે છે. કાલે અહીં આવશે." રાહીએ બ્લશ કરતાં કરતાં કહ્યું.
"ઓહોઓઓ...તો તો કાલની ધૂળેટી તો યાદગાર બની જવાની." રાધિકાએ પણ ખુશ થતાં કહ્યું.
રાધિકાની ખુશી જોઈને રાહીની ખુશીમાં પણ વધારો થયો. બંને બહેનો એકબીજાની પરછાઇ હતી. સુખ-દુઃખ, મજાક-મસ્તી, કંઈ છુપાવવાનું હોય, કોઈની મદદ કરવાની હોય બધી વાતોમાં બંને બહેનો સાથે જ હોય. હવે તો પ્રેમમાં પણ બંને સાથે થઈ ગઈ હતી. બંનેને એક સાથે જ તેમનો સપનાંનો રાજકુમાર મળી ગયો હતો.
રાતનાં દશ થતાં જ બધાં પોતપોતાની ઘરે જવા લાગ્યાં. રાધિકાને કાર્તિકને નાં મળવાનું દુઃખ અને મહાદેવભાઈથી નારાજગી હતી. એમાં દર વખતે તો કાર્તિક રાધિકાથી દૂર નાં જતો. જ્યારે આજે તે પણ સામે ચાલીને રાધિકા પાસે નાં આવ્યો. એનાં લીધે રાધિકા વધારે જ ગુસ્સે હતી. પણ કાલે હજું એક તહેવાર બાકી હોવાથી રાધિકા કંઈ બોલ્યાં વગર જ બધાં મહેમાનોનાં જતાં જ પોતાનાં રૂમમાં જતી રહી. રાહી પણ ગૌરીબેનને બધી વસ્તુઓ અંદર મૂકવામાં મદદ કરીને પોતાનાં રૂમમાં આવી ગઈ. રાહી જે દિવસે ખુશ હોય. ત્યારે એ દિવસનું તેની ડાયરીનું પાનું કોરું રહે. એ તો કેમ કરીને શક્ય બને. રાહી ફ્રેશ થઈને તરત જ ડાયરી લઈને બેસી ગઈ.

बहुत सपने देखें, हर सपने में तुमको देखा
जब सामने आएं तुम तो, पहचान ना पाएं हम
लेकिन, तुम भी पहचान ना पाएं, उसी वज़ह से
बस थोड़ी-सी खफा रहती हूं
बाकी हर दफा तुम्हें ही याद करती हूं

बरसों बाद तेरे प्यार का रंग चढ़ेगा मुझ पर
तो तु कैसे कोरा ही रह जाएगा?
मेरे प्यार में मैं तुम्हें भी इस तरहां रंग दूंगी
अगले कितने ही जन्मों तक वो रंग ना उतर पाएगा
अभी एक ही शहर में होकर भी
नहीं मिल पा रही हूं तुमसे, इसीलिए
बस थोड़ी-सी खफा रहती हूं
बाकी हर दफा तुम्हें ही याद करती हूं

कल की सुबह का जितना इंतज़ार तुम्हें है
उतना ही मेरे इस पागल दिल को भी है
अब जल्दी से जाओ, तो
भर लूं तुम्हें अपनी बाहों में
तु प्यार से जब चूमेगा मेरे माथे को
तो मैं शर्म से अपनी बड़ी-बड़ी पलकें झूका लूंगी
फिर तु जबरदस्ती उसे उठाने को कहेगा
तेरी इसी बात पे
बस थोड़ी-सी खफा रहती हूं
बाक़ी हर दफा तुम्हें ही याद करती हूं

जबरदस्ती ही सही, जब तुम आंखों में देखते हो
उसमें खोकर सी रह जाती हूं मैं
फ़िर ना दुनिया का डर, ना ही उनकी कोई परवाह
सब बहती हवा सा दूर बह जाता है
मैं बस तुझी में सिमटकर रह जाती हूं
तु मुझे खुद से दूर करना चाहें तो ही
बस थोड़ी-सी खफा रहती हूं
बाकी हर दफा तुम्हें ही याद करती हूं

રાહીએ આજે આખી કવિતા પૂરી કર્યા પછી તેને કેટલીય વખત વાંચી. તોય તેને એમાં કંઈક ખૂટતું હોય, એવું જ લાગ્યાં કરતું. કેમ કે, એમાં માત્ર રાહીનાં શબ્દો હતાં. જ્યારે શિવાંશ જ્યાં સુધી તેને નાં વાંચે ત્યાં સુધી રાહીની બધી કવિતાઓ અધૂરી જ હતી. હવે તો શિવાંશ વગર આપણી રાહી જ જો અધૂરી હતી. જેને બસ શિવાંશની જ ઈંતેજારી હતી.



(ક્રમશઃ)


_સુજલ બી. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED