"મારી નાખ્યો, આ ડાકુઓનું ગામ તો નથીને? જ્યારથી ગામમાં આવ્યો છું કોઈને કોઈ આવીને મારીને જતું રે છે અને તમે તો સીધી બંદૂકજ ચલાવી દીધી." અંધારામાં એક પુરૂષનો અવાજ આવ્યો.
"અરુણ? તું અરુણ છે?" સાંજને એ અવાજ જાણીતો લાગ્યો.
એ પુરૂષ ઉભો થઈને અજવાળામાં આવ્યો અને સાંજને જોઈને ઉછળ્યો,"સંજુ....... તું અહીં? નીરજ તું પણ?" ધમાકો સાંભળીને આવેલા નીરજને જોઈને અરુણ બોલ્યો.
"તું અચાનક અહીં? કીધું હોત કે તું આવે છે તો કોઈકને લેવા મોકલત, ને આ ધમાકો શાનો હતો?" નીરજએ પૂછ્યું.
"પેલા અંદર બોલાવ, પાણી પા અને પછી સવાલ પૂછ મારાં ભાઈ." અરુણએ તેની હાલત સામે જોયું અને હસ્યો.
"તમે બધા સુઈ જાઓ, અરુણ તું પણ જઈને આરામ કર આપણે સવારે વાત કરીશું." સાંજએ ધમાકા પાછળનું કારણ જણાવ્યા પછી કહ્યું.
"તું, નીરજ અને દેવજીકાકા સિવાયનાં આ લોકો કોણ છે અને તું આ ગામમાં ને આવડી મોટી હવેલીમાં શું કરે છે એ તો કે' પેલા." અરુણએ પૂછ્યું, આ ઘરમાં સાંજનાં હુકમ પછી સવાલ પૂછવાની હિમ્મત પેહલી વાર કોઈએ કરી હતી.
"આ મારું ગામ છે અને આ હવેલી મારું ઘર છે, આ શિવાની છે નીરજની પત્ની અને આ શિવાનીનો પરિવાર છે." સાંજએ ટૂંકમાં પતાવ્યું.
"નીરજએ લગ્ન કરી લીધા? ક્યારે? કેમ? મને કેમ ન બોલાવ્યો? ને તમે ત્રણેય અચાનક ગાયબ કેમ થઇ ગયાં હતાં?" અરુણએ ઉપરાછાપરી સવાલ પૂછી નાખ્યા.
હજું એ કંઈ આગળ બોલવા જતો હતો પણ સાંજની ધારદાર નજર એના ઉપર છે એ જાણીને એ ચૂપ થઇ ગયો, "કાલે વાત કરીશું, શુભ રાત્રી." અરુણએ નીરજને તેને તેનો ઓરડો બતાવવા કહ્યું, નીરજ તેની સાથે ગયો.
બધા પોતપોતાના ઓરડામાં જતાં રહ્યાં.
"તારે જાગરણ છે?" સાંજએ સૂરજને ત્યાંજ ઉભેલો જોઈને પૂછ્યું.
"નઅ....... ના તો......... આ કોણ હતું?" સૂરજએ અરુણ વિશે પૂછ્યું.
"અરુણ છે મારો અને નીરજભાઈ નો દોસ્ત, અમે સાથે ભણતા અને અડોસપડોશમાં રહેતાં હતાં." સાંજએ ચોખવટ કરી અને પાણીનો જગ લઈને તેનાં ઓરડામાં જતી રહી.
"સાથે ભણતાં અને પડોશી પણ હતાં, એટલેજ સંજુને સંજુ કેહતો હશે એ." સૂરજ મનોમન બોલ્યો.
બીજા દિવસે મહેશભાઈ અને ભાવનાબેનએ પાછા જવાની તૈયારી કરી દીધી હતી, સાંજે જમીને નીકળવાનું છે એવું તેમણે સૂરજ અને શાંતિને જણાવી દીધું હતું.
"ગુડ મોર્નિંગ સંજુ ડાર્લિંગ."અરુણ આવીને સાંજની બાજુમાં ખુરશી ખેંચીને બેસી ગયો.
"સુધરીજા અરુણીયા નહીં તો રોજના જેમ માર ખાઈશ, અને પછી તમારી બન્નેની વચ્ચે સમાધાન કરાવવામાં મારું માથું પાકી જશે." નીરજ થોડું હસ્યો.
"આ બંન્ને આમજ એકબીજાને ચીડવે છે બાળપણથીજ." દેવજીકાકા હસી પડ્યાં, પણ સૂરજને આ બધું જોઈને ગુસ્સો આવી રહ્યો હતો.
"તું અચાનક અહીં કેમ આવ્યો છે?" સાંજએ પરોઠા ખાતા પૂછ્યું.
"કેમ આવ્યો છે એટલે? આ કોઈ રીત છે મારી સાથે વાત કરવાની?" અરુણ ગુસ્સે થઇ ગયો, બધાને ચિંતા થઇ.
"નાટક બંધ કર, અહીં બધાને ચિંતા થઇ ગઈ છે જો." સાંજએ તેને ટોક્યો.
"ઓહ, તમે બધા મારી વાતોને બહુ ગંભીરતાથી ન લો. સંજુડી સાથે હું આમ મજાક મસ્તી કરતો જ રહું છું." અરુણ હસી પડ્યો.
"હા પણ તેં હજું જણાવ્યું નઈ કે તું અચાનક અઈ કેમ?" નીરજએ પૂછ્યું.
"તને તો ખબર છેને કે મને ફોટોગ્રાફીનો કેટલો શોખ છે તો આ વર્ષે મેં ગામડામાં આવીને ગામડાના જીવનને ફોટોઝમાં કેદ કરવાનું વિચાર્યું. મેં નેટ પર સર્ચ કર્યું અને પીલુણા નામના ગામ જવાનું વિચાર્યું, અઈ આવતાજ નેટવર્ક જતું રહ્યું અને ગામનું લોકેશન ન મળ્યું." અરુણએ તેના ખભા ઉછાળ્યા.
અરુણ બીજા કોઈ ગામ જવાનો છે એવું સાંભળીને સૂરજને રાહત થઇ.
"સારુ થયું તું અહીંજ આવી ગયો, પીલુણા અહીંથી ૧૩ કિલોમીટરજ પડે છે. હવે તું અહીંજ રહેજે અને પીલુણા જવા આવવાની ચિંતા ન કરતો." નીરજએ કહ્યું.
"તારા ગામમાં રહું? અરે બાપ રે! અઈ આવતાજ પહેલાતો કુતરા મારી પાછળ પડી ગયાં, એમનાથી બચ્યો તો કોઈ ગાંડો માણસ ભટકાણો..... હું જાણે બીજી દુનિયામાંથી આવ્યો હોઉં એમ મને અડી અડીને જોવા લાગ્યો એનાથી બચવા ભાગ્યો તેં અંધારામાં અહીં આવી ચડ્યો ને અહીં આવીને તો સીધી બંદૂક." અરુણએ તેની છાતી પાર હાથ મૂકીને ઊંડો શ્વાસ લીધો.
બધા અરુણની વાત સાંભળીને હસવા લાગ્યાં, અરુણ પણ હસી પડ્યો પછી નીરજની નજીક જઈને બોલ્યો,"આ ગુંડીએ સાચે ગુંડાગર્દી ચાલુ કરી દીધી?"
"હા બંદૂક ચલાવીને બતાવું?" સાંજએ અરુણને કોણી મારી.
સૂરજ નાસ્તો અડધો મૂકીને જ ઉભો થઇ ગયો અને ત્યાંથી જતો રહ્યો. લગ્ન પછીના રિવાજ આજના દિવસેજ પુરા કરી દેવાયા, આખા દિવસમાં અરુણનું સાંજની આસપાસજ રહેવું સૂરજને ખુબજ ખૂંચ્યું હતું.
"હું થોડા દિવસ અહીંજ રોકાઈ જઉં પપ્પા? આમેય હમણાંજ પોસ્ટ ગ્રેજ્યુએશન પુરુ કર્યું છે, રિઝલ્ટ તો હજું આવ્યું નથી તો ફાજલ સમય જ છે મારી પાસે તો....." સૂરજએ જતી વખતે પૂછી લીધું.
"તારી ઈચ્છા હોય તો રોકાઈ જા, એમાં એટલા કારણ આપવાની શું જરૂર છે." મહેશભાઈએ તેમનો સામાન લીધો અને ગાડીમાં મુક્યો, શિવાનીને મળીને મહેશભાઈ, ભાવનાબેન અને શાંતિ ઘરે જવા નીકળી ગયાં.
"તું અહીં કેમ આવ્યો છે નીરજ?" જેવો નીરજ ઓરડામાં ઢળ્યો કે શિવાની બોલી.
"આ મારો પણ ઓરડો છે શિવાની અને તું મારી સાથે આવું વર્તન કેમ કરે છે?" નીરજએ ચીડ સાથે પૂછ્યું.
"આ સવાલ તું જઈને તારી રતનને કેમ નથી પૂછતો? અને એની પાસે જા અહીં શુકામ આવ્યો છે?" શિવાનીએ શાંતિથી કહ્યું.
"તું તારા પતિને બીજી સ્ત્રી પાસે જવાનું કંઈ રીતે કહી શકે શિવાની?" નીરજ હવે ગુસ્સે ભરાયો હતો.
"પતિ માય ફૂટ, તું મારો પતિ નથી અને કદી બનવાનો પણ નથી. તેં રતનને પ્રેમ કર્યો છે અને મારી સાથે રમત કરી છે એટલે હું શું કરું છું શું નઈ એ તું તો મને મત જ પૂછ." શિવાની હજુયે શાંતિથી જવાબ આપી રહી હતી.
નીરજએ શિવાનીના બંન્ને હાથ પકડીને એને દીવાલ તરફ ધકેલી અને એની નજીક જઈને બોલ્યો,"મેં તારી સાથે રમત નથી કરી શિવાની, માનું છું કે હું રતનને પ્રેમ કરું છું પણ તારા માટેય મારા મનમાં લાગણી છે શિવાની. મેં ક્યારેય ખરાબ ઈરાદા સાથે તારા શરીરને હાથ નથી લગાવ્યો, મેં તને જ્યારે પણ પ્રેમ કર્યો હતો દિલથી કર્યો હતો શિવી."
"તને તારા પોતાના શબ્દો સંભળાય છે નીરજ? તું શું બોલી રહ્યો છે એનું ભાન છે તને?" શિવાની હેરાન થઇ ગઈ હતી.
"હું પુરેપુરો ભાનમાં છું શિવાની, મને હંમેશા તારા માટે કંઈ અહેસાસ થતો હતો પણ આટલા દિવસથી મને સમજાતું ન્હોતું કે હું શું અનુભવું છું. પણ હું તને પ્રેમ કરું છું શિવી, અને હું તને ભૂલી શકું એમ નથી." નીરજએ શિવાનીના ચેહરા પરથી લટ પાછી કરી, તેના ચેહરાને પોતાના બંન્ને હાથમા લીધો અને તેના હોઠ ચૂમી લીધા.
શિવાનીને પોતાની બહુપાશમાં ભરીને તેના હોઠોને ચુમતો નીરજ એ પણ ભૂલી ગયો હતો કે ઓરડાનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો છે અને દરવાજા પાસે ઉભેલી રતનએ તેના છેલ્લા શબ્દો સાંભળી લીધા છે.