કોઈને જુઓ કે તેને હૃદયમાં કંડારવા સાથે યાદગીરી માટે કેમેરાથી શૂટ કરવાનો વિચાર આવે છે ને! તો એ વિવિધ કેમેરાઓની દુનિયા થી લઈ સારા ફોટા માટેની કેટલીક ટિપ્સ જોઈએ.
હમણાં શ્રી. જય વસાવડાની એક પોસ્ટ જોઈ જેમાં તેમણે નરોત્તમ પુરીની સ્પોર્ટ્સ ક્વિઝ માટે દિલ્હી જઈ ત્યાં સાચા જવાબો આપેલા, પછી તાજમહેલ વ. ગયેલા.
એમાં તેમણે કહ્યું કે એ વખતે 36 ફોટામાં આખી ટુર કવર કરવાની હતી.
એ વાંચી હું ભૂતકાળમાં પહોંચી ગયો અને મેં જોયેલ કેમેરાઓની જર્ની યાદ આવી.
કાળું કપડું ઓઢી 8 ઇંચ પ્લેટ પર ફોટો લેતા. એવો પ્લેટથી ફોટો લઈ 20 મિનિટમાં આપતો ફોટોગ્રાફર ભદ્ર અખંડઆનંદની ફૂટપાથે જોયો છે, ક્યારેક બસ કન્સેશન જેવાં કામ માટે એની પાસે ફોટો પડાવ્યો છે. ઓપનએર સ્ટુડિયો. મોટો, તેલના આડા ડબ્બા જેવડો ને જેવો કેમેરા, તેની સાથે ધમણ જેવું કપડું અને બહાર લાંબો થતો વ્યુ ફાઈન્ડર. એ ત્યાં ને ત્યાં એક લીમડાના ઝાડ નીચે ફોટો પાડી આડો નાનો પડદો કરેલા 'ડાર્ક રૂમ'માં પાણી જેવાં કેમિકલમાં પ્લેટ હલાવી ફોટો મેળવીને આપે. 20 મીનીટમાં!
સ્ટુડીયો માટે મોટા બોક્સ કેમેરા જોયા છે.
પછી 1983 માં લગ્ન પછી એ વખતે જવું લગભગ કંપલ્સરી હતું એ કાશ્મીર જતાં પહેલાં જયપુરમાં એમ. આઈ. રોડ પરથી ક્લિક 3 કેમેરો લીધો જેના રોલમાં 12 ફોટા પડતા. બ્લેક એન્ડ વ્હાઈટ. રોલમાં 12 ફોટા પુરા થાય એટલે અંધારી જગ્યાએ જઈ પાછલું કવર ખોલી સ્પીન્ડલમાંથી રોલ હળવેથી કાઢી બીજો ભરાવવાનો. એ ખેંચી સામે ખાલી સ્પીન્ડલના સ્લોટમાં નાખી કવર બંધ કરી થોડો ઉપરનાં બટનથી આગળ વીંટવાનો ને પછી પહેલો ફોટો પાડવાનો. આશરે 4 ફૂટ દૂરથી અને પ્રકાશ સબ્જેક્ટનાં મોં પર આવે એમ પાડીએ તો મસ્ત આવતો. હા. સહેજ લાઈટ અંદર ગઈ તો બારે બાર ફોટાઓનું સત્યાનાશ. હજી અમુક અમૂલ્ય યાદો એ કેમેરાથી પાડેલ ફોટાઓની પડી છે. એ કેમેરો પણ!
એ પછી એ ક્લિક 3 માં જ આગ્ફા અને કોડાકના કલર રોલ આવ્યા. એમાં રાજકોટ જ્યુબિલી પાસે જૂનો સ્ટુડિયો ને એવો જ જૂનો ફોટોગ્રાફર હતો એણે બતાવ્યું કે 12 ના 13 કે 14 ફોટા પણ એક રોલમાં પડી શકે. ખોલતી વખતનો સેફટી માર્જિન જાય. પછી રોલ વીંટીને ખોલતાં ધ્યાન રાખવું પડે. બંદા ચાલુ. પોસ્ટકાર્ડ સાઈઝ ડેવલપ કરવાના ને એક જ રોલમાં 13 કે 14 જ પાડવાના.
એમાં આવ્યા 16 ફોટાના રોલ. બ્લેક વ્હાઇટ મળતા પણ હું કલર જ લેતો. 16 ના રોલમાં ધરાર 18 જેવા પાડતો. LFC દ્વારા ભારત ભ્રમણ કરેલ વિવિધ સ્થળો માથેરાન, પુના, લોનાવાલા, શિરડી, ગોવા, બેંગલોર એ ફોટાઓમાં સચવાયેલાં પડ્યાં છે. 1997 માં કન્યાકુમારી કેરાલાના ફોટા તો હમણાં 'કેરાલા યાત્રા 1997' નામે સિરીઝ ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકી તેમાં એ જુનાં આલ્બમોના ફોટા પાડી ફરી મુક્યા છે. બધા આજે પણ ખાસ ઝાંખા પડ્યા વગરના અકબંધ છે. કોણ કહે છે ક્લિક 3 નકામો હતો?
મારા પુત્રને 1999માં કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં ફોટોગ્રાફીનો કોર્સ કરાવેલો. એમાં પ્લાસ્ટિકની નેગેટિવ પ્રોસેસ કરી પોઝિટિવ પેપર પર લેતાં પણ શીખવેલું. આજે એ જ્ઞાન કોઈ કામ નહીં આવે. એ નેગેટીવ ઇતિહાસ બની ગઈ!
એ બ્લેક પ્લાસ્ટિક પર વ્હાઈટ ઇમેજ કે કલરમાં ભૂરા વાળ ને લાલ ચહેરા વાળી નેગેટીવ યાદ છે? એ પ્રકારના સેલ્યુલોઈડ પ્લાસ્ટિકને ગુજરાતીમાં કચકડાં કહેતા. એ નેગેટીવ્સ સાચવી હોય તો પણ આજની ટેક્નોલોજીમાં કોઈ કામની નહીં.
વચ્ચે તાત્કાલિક પ્રિન્ટ કરી આપતા પોલોરાઈડ ફોટો કેમેરા આવ્યા પણ એ ખાસ લોકપ્રિય થયા નહીં. આવ્યા એવા ગુમ. એવો કેમેરો મેં 2000 આસપાસ નવાં થયેલાં વાશી સ્ટેશન પર કોઈ વિદેશી દ્વારા ઓપરેટ થતો જોયેલો.
2003 માં સિમલા ચંદીગઢ વગેરે જવાનું હતું. પુત્ર કહે ડિજિટલ કેમેરા નીકળ્યા છે તે લઈએ. નીકળવાના કલાક પહેલાં એ કેમેરો લઈ આવ્યા. પુત્રએ બતાવ્યું કે આમાં તો રોલ નથી ને ફોટા ડીલીટ પણ થઈ શકે. હમણાં પાડેલો ફરી જોઈ શકાય ને રીપ્લે પણ થઈ શકે. નાનો કેમેરો એ વખતે 6500 રૂ. નો આવેલો જે મોંઘો લાગ્યો પણ વસુલ થઈ ગયો. આવીને એના ફોટા મેમરી કાર્ડમાં હતા એ કેમેરો વાયરથી ટીવી સાથે જોડી મિત્રો અને સગાઓને બતાવ્યું ત્યારે તેઓ એ ટેકનોલોજી પર આભાં બની ઓવારી ગયાં! એ પણ પડ્યો છે ને એનાં તો આલ્બમ આજે પણ ગૂગલ ફોટો ડ્રાઇવમાં સ્ટોર છે. 2003 માં ગૂગલ ડ્રાઈવ નહોતી તેથી આ કઈ રીતે કર્યું એ પુત્રોને ખબર. 2011 માં એથી પણ સારો કેમેરો લઈ એ પછીનાં તામિલનાડુ અને બહોળા પરિવાર સહ આંદામાન ટુરની યાદો જેવાં સંસ્મરણો ઇલેક્ટ્રોનિકલી સાથે પ્રિન્ટ કરાવી સાચવ્યાં છે. આપણે હવે તો આવું બધું ફેસબુક પર શેર કરીએ છીએ. મોબાઈલ ક્લિક જ. છતાં મને, તમને, સહુને એ ચિરકાલીન સંભારણાં બની રહે છે.
એ અરસામાં જ કદાચ 2005થી કેમેરા સાથેનો મોબાઈલ આવ્યો. શરૂમાં કેમેરા વાળા મોબાઈલ મોંઘા હતા અને બહુ ઓછા મેગાપિક્સેલના આવતા. પણ લગભગ 2010થી સામાન્ય સારા મોબાઈલમાં પણ વધુ મેગાપિક્સેલ મળતાં કેમેરા માળીયે ચડી ગયા ને મોબાઈલનાં આલ્બમો કુટુંબમેળો કરી ક્રોમકાસ્ટથી ટીવી પર જોવાવા લાગ્યાં. મેઇલમાં શેર પણ થવા લાગ્યાં. મોબાઈલમાં પણ ફોટાઓમાં નવી ટેકનોલોજી નવાં મોડેલોમાં આવતી જ જાય છે. વાંચીને પ્રયોગો કર્યે રાખવાની અલગ મઝા પડશે.
પુત્રએ કદાચ SX 50 AS આવાં નામના મોડેલનો કેમેરા મને આપેલ જેમાં અર્ધો કીમી દુરની તસ્વીર પણ લઈ શકાય ને શટર સ્પીડ દોડતું હરણ પણ લઈ શકે. મારે તો લેવા હોય મારી આસપાસના દ્રશ્યો. ખાસ પ્રેક્ટિસ કરી નહીં. રસ છે પણ ડિટેઇલ સમજી નવો innovative ઉપયોગ કરતાં અચકાટ થાય છે. પુત્રો પાસે તો પ્રોફેશનલ ક્વોલિટીના 50 હજાર કે 60 હજાર રૂ. થી શરૂ થતા કેમેરા અને એની ટ્રીપોડ, લાંબી સ્ટીક અને ફ્લેશ સાથે બધું છે. એની ખૂબીઓ છે જ પણ મારે માટે ને ઘણા વયસ્કો માટે 'ખાખરા ની ખિસકોલી સાકર નો સ્વાદ શું જાણે?'
આ મોબાઈલથી ક્લિક કર્યું ને આ શેર કર્યું એટલે હાઉં મારે માટે.
હવે તમારે સહુને ગમે તેવા સારા ફોટાઓ લેવા છે ને? તો વિવિધ પ્રકારના ફોટા લેવા અમુક સાઇટ પર જોયેલાં સૂચનો અત્રે મુકું છું.
ફોટો પડાવતી વખતે મુખ્યત્વે એ ખ્યાલ રાખવાનો કે કેમેરાની હાઈટ દરેકના ચહેરા સામે આવે એ રીતે હોય. એ ઉપરાંત દરેકના ચહેરા પર પ્રકાશ અને છાયાની અસર (light and shadow effect) કેવી આવે છે એ જોવું. ઘણી વાર ગ્રુપ ફોટાઓમાં સામેની વ્યક્તિ પર એકદમ પ્રકાશ આવતાં એ વધુ પડતી ધોળી લાગે ને સાઈડના લોકોના અર્ધા ચહેરા પર પડછાયો હોય.
બેકગ્રાઉન્ડ અને તેના કલર્સ પણ જોવા. દા.ત. કોઈ થાંભલા જેવું ઓબ્જેક્ટ વ્યક્તિના માથામાંથી નીકળતું હોય એવું ન લાગવું જોઈએ. એ સાથે ફોર્મ, કેટલી હાઈટથી ફોટો લો છો તે, ઓબ્જેક્ટસ ની હાઈટ, કપડાંના કલર્સ એ બધું વ્યુફાઇન્ડર માંથી જોઈ જાણે કે કમ્પોઝ કરો.
એ પછી એ જોવાનું હોય કે કેમેરાનો એંગલ કેટલો છે, ઝૂમ ફેક્ટર કેટલો લેતાં કેવું દેખાય છે. ઉચ્ચ ક્વોલિટીનો કેમેરો હોય તો ISO મીટરિંગ કેટલું છે. એ બધું જોઈ શ્રેષ્ઠ દેખાવ થાય ત્યારે ફોટો ક્લિક કરવો. આ વાત મોબાઈલ ક્લિકસને પણ લાગુ પડે છે.
કોમ્પોઝિશન વખતે સ્ત્રી-પુરુષોની પેર પણ જોઈ જુઓ. સંબંધો નહીં, કોની સાથે કોણ સારું લાગશે. સ્ત્રી અને પુરુષ ક્યાં ઊભાં છે એના કરતાં ફેમિલી ફોટો વધુ સારો કેમ આવે એ જોવાનું.
કહેવાય છે અને હું પણ અનુમોદન કરું છું કે વચ્ચેની ⅓ પટ્ટીમાં ગ્રુપ આવે અને ઉપર નીચેની એટલી જ પટ્ટીમાં બેકગ્રાઉન્ડ ને જમીન બતાવે. છતાં ઘણી વ્યક્તિઓ હોય તો ઝૂમ કરી ઉપર નીચેની પટ્ટીઓ નાની કરી શકાય પણ સાવ કાપી નાખવી નહીં.
ક્યાંક વાંચ્યું છે કે આગલી લાઈન પર ફોક્સ કરો અને ગ્રુપના દરેક સભ્યોના પગના અંગૂઠા એક લાઈનમાં રખાવો.
મોબાઈલ ઊંચે રાખી સેલ્ફી લીધી હશે પણ 10-12 જણના ગ્રુપનો મોબાઈલથી કેવી રીતે ફોટો લેવો?
મારા પુત્રે એવો ગ્રુપફોટો આ રીતે લીધેલો. અમારાં દસ બારનાં ગ્રુપને એરેન્જ કરી સામી ભીંતે એક સિંગલ બેડ પર તકિયો મૂકી એના ટેકે મોબાઈલ સાવ સીધા ને બદલે ઉપર તરફ સહેજ જ ટીલ્ટ રાખી 10 સેકંડનું ટાઇમર ગોઠવી પોતે અમારી સાથે આગળ ગોઠવાઈ ગયો ને એ ફોટો કોઈ સામેથી લે તો પણ ન આવે એવો શાર્પ આવી ગયો. ટ્રીક કામ લાગે એવી છે.
એ જ રીતે, કપલ કે ફેમિલી કોઈ સ્થળે ઉભું હોય તો તેમને સેન્ટરમાં ઉભાડી ફોટો લેવા કરતાં તેમને જમણે ⅓ બાજુ રાખી ⅔ ફ્રેમ સીનરીને આપી જુઓ. ફોટા લઈ સેવ કરી પછી જુઓ એટલે ખ્યાલ આવશે.
ઊંચું મકાન કે ફૂલોથી લચી પડેલું વૃક્ષ જેવા ઓબ્જેક્ટ માટે નીચેથી કેમેરો 45 અંશ slant કરી (ત્રાંસો કરી) ફોટો લો. સૂર્યોદય, વાદળ ભર્યું આકાશ વગેરે માટે લાઈટ એ તરફથી ફોટો પાડનારના મોં તરફ આવે તો સારું લાગશે. આવાં દ્રશ્યો સહેજ દૂર જઈ, થોડું ઝૂમ કરી લેવાથી સારું દેખાશે.
વ્યક્તિ કે ઓબ્જેક્ટની ઘણી નજીકથી ફોટો લેવાથી પાછળનું બેકગ્રાઉન્ડ બ્લર એટલે કે ધૂંધળું થઈ વ્યક્તિ નિખરી ઉઠે છે. પણ એ માટે વ્યક્તિને થોડી તમારી નજીક બોલાવી તમારે એક બે ડગલાં આગળ પાછળ થઈ અને સહેજ ત્રાંસા થવું પડે.
વ્યક્તિના ફોટા લેવામાં ચારેક ફૂટ દૂરથી લેવા શ્રેષ્ઠ કહેવાય છે જે પ્રયોગો કરી જોવું. હવે તો ડીલીટ અને રી પ્લે ની પણ સુવિધા છે જ ને!
વ્યક્તિના યાદગાર પ્રોફાઈલ ફોટા માટે તેને પોઝ અપાવી ફોટો પાડવા કરતાં તે અમુક પ્રવૃત્તિમાં મગ્ન હોય ત્યારે તેનું ધ્યાન ન હોય તેમ ક્લિક કરો. પાળીતું પશુ કે બાળક ના ફોટામાં સહેજ ઉપરથી કેમેરો ત્રાંસો કરી ફોટો લો.
હવે ફોટા કોઈને મેઇલથી મોકલવા કે સ્ટોર કરવા માટે સૂચનો જોઈએ.
મોબાઈલથી લીધેલી દરેક ઇમેજ આશરે 1.5 થી 2 mb જેવી, ક્યારેક તો 3 mb જેવી હોય છે. આવી ઇમેજ સીધી મોકલતાં મેઇલ બોક્સ જલ્દીથી ફૂલ થઈ જાય છે અને એટેચમેન્ટ મોટાં હોઈ મેઈલ જવામાં પણ વાર લાગે છે. કોઈ ઓફિસ ફંક્શનના ફોટા ઉપરીને મોકલતા હો ને 30-35 ફોટા, દરેકની 2 કે 3 એમ બી સાઈઝ હોય તો શું કરશો?
1.બધી ઇમેજ કોઈ કોમ્પ્યુટરમાં લઈ લો.
2. રાઈટ ક્લિક કરી 'open with picture manager' સિલેક્ટ કરો.
3. 'picture option..' resize પસંદ કરો.
4. ડ્રોપડાઉન બોક્સમાં "pre defined with" માં 'web 640x480' મિત્રો સાથે શેર કરવા પસંદ કરો.
અને ઘણા ફોટાઓ હોય તો 'email large 160x160' પસંદ કરો.
5. control s. કન્ટ્રોલ S દ્વારા સેવ કરો.
એનાથી ફોટો સાઈઝ 200 kb કે તેથી ઓછી થઈ જાય છે.
એક મિત્ર માત્ર ફોટા કોઈને વોટ્સએપ કરે અને એ સામો વોટ્સએપ કરે તે જ સેવ કરે. આપોઆપ સાઈઝ નાની થઈ જાય છે. તેવા ફોટાઓની કલેરીટી અંગે ખ્યાલ નથી તેથી સ્મૃતિ સાચવી રાખવા ને પ્રિન્ટ કઢાવવા આની હું ભલામણ કરતો નથી.
સરકારી કામ માટે ફોટો અપલોડ કરવા, જેમ કે ચૂંટણી કાર્ડમાં સ્થળ બદલી નવું કાર્ડ કાઢવા કે આધાર કાર્ડ માટે નવો ફોટો અપલોડ કરવા આ 160x160 વાળું ઓપ્શન સારું રહે છે.
આમ કેમેરા અને ફોટાની દુનિયા અનંત છે.
આપણે તો લગભગ 1977 થી આજ સુધીની યાત્રા કરી. તમારા કેમેરા કે મોબાઈલથી ફોટાઓ ખેંચ્યા કરો, પ્રયોગો કર્યા કરો અને 'તસ્વીર તેરી દિલમેં જીસ દિલસે ઉતારી હૈ.. નયે નયે રંગ લેકે, સપનોંકી મહેફિલ મેં..' ગાતા રહો.
સામે સુંદરતાની પ્રતિમા, કોઈ ગમતું પાત્ર કે વસ્તુ મળે કે તરત મોબાઈલ કે કેમેરો ધરી, આ ટિપ્સ યાદ કરી કહો, 'આવ તને શૂટ કરું'.