રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૫૨
જનાર્દનના કપાળ પર ચિંતાની લકીરો ખેંચાઇ હતી. બી.એલ.એસ.પી. આટલી નબળી શરૂઆત કરશે એની તેને કલ્પના ન હતી. એક્ઝિટ પોલ ખોટા પડે એવી આગાહી સુજાતાબેન કરી રહ્યા હતા. સુજાતાબેન નિર્લેપ બનીને સમાચાર જોઇ રહ્યા હતા. એમણે કહ્યું:"જનાર્દન, રુઝાન પરથી અંતિમ પરિણામ આંકી ના શકાય. હજુ તો શરૂઆત છે. અને મારી ધારણા ખોટી પડી શકે છે. હું બીજી બધી બેઠકો વિશે મારો અભિપ્રાય આપી શકું એમ નથી. મેં જે બેઠકો પર પ્રચાર કર્યો છે એના માટે મને વિશ્વાસ છે કે એ બી.એલ.એસ.પી. ના ખાતામાં જ આવશે. આમ પણ આપણી બેઠક બિનહરિફ જાહેર થયા પછી પરિણામની શરૂઆત તો બી.એલ.એસ.પી.થી જ થઇ કહેવાયને!"
જનાર્દનને થયું કે સુજાતાબેન તેને સકારાત્મક રહેવાનું સૂચન કરી રહ્યા છે. પરંતુ ચૂંટણીના પરિણામો વિશે સુજાતાબેન કોઇ ઉત્સાહ કે ચિંતા બતાવી રહ્યા ન હોવાથી તે રાજીનામું તો નહીં આપી દે ને? એ ચિંતા તેને સતત કોરી રહી હતી.
ટીવી પર ન્યૂઝ ચેનલનો એન્કર સ્ટુડિયોના એક મોટા પડદા પર આવતા આંકડાને જોઇને કહી રહ્યો હતો:"...તમે જોઇ રહ્યા છો કે બી.એલ.એસ.પી. શરૂઆતથી જ પાછળ પડવા લાગી છે. પ્રજાના અસંતોષનો આમાં પડઘો સંભળાય છે. છેલ્લા પાંચ વર્ષના કામોનો હિસાબ પ્રજાને બી.એલ.એસ.પી.એ આપ્યો હતો. એ કામોથી પ્રજાને સંતોષ થયો લાગતો નથી. જોકે, બી.એલ.એસ.પી.એ પોતાની બધી તાકાત ઝોંકી દીધી હતી એટલે હવે પછીના પરિણામો બાદ વધારે કંઇ કહી શકાશે...." ન્યૂઝ એન્કરની વાતને સમર્થન મળતું હોય એમ સ્ક્રીન પરના આંકડા બદલાવા લાગ્યા હતા. બી.એલ.એસ.પી.ના ઉમેદવારોના મત વધી ગયા હતા અને હવે તે આગળ ચાલતા હતા.
તેણે પલટી મારી:"...તો આપ જોઇ શકો છો કે બી.એલ.એસ.પી. પોતાના અસલ રંગમાં આવી રહી છે. બી.એલ.એસ.પી.ની વહારે આ વખતે સુજાતાબેન આવ્યા છે. આ નવા ઉમેદવારે બી.એલ.એસ.પી. માં પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે. પહેલી બિનહરિફ બેઠક અપાવીને અનેક બેઠકો પર બી.એલ.એસ.પી. તરફી વાતાવરણ ઊભું કર્યું હતું. એક નવી જ વિચારધારા સાથે સુજાતાબેન જીત્યા છે. તેમના પર પ્રજાએ કેટલો વિશ્વાસ કર્યો છે એ તો અંતિમ પરિણામ પરથી જ કહી શકાશે પરંતુ બી.એલ.એસ.પી. માં તેમણે આશાનો સંચાર કર્યો છે...."
સુજાતાબેનના ગુણગાન સાંભળીને હિમાની ખુશ થતાં બોલી:"બહેન, તમારી નોંધ બરાબર લેવાઇ રહી છે..." ત્યાં એમનો ફોન રણક્યો એટલે હિમાની તરફ હસીને ઊભા થયા અને દૂર જઇને ધીમા સ્વરે વાત કરવા લાગ્યા.
હિમાની પણ મનોમન પ્રાર્થના કરી રહી હતી કે સુજાતાબેન રાજીનામું આપવાનો વિચાર ત્યાગી દે.
બપોર સુધીમાં અડધી ઉપરાંત બેઠકોના રુઝાન આવી ગયા હતા. જનાર્દન ઊંચા મનથી જમ્યો હતો. સુજાતાબેન શાંતિથી જમ્યા હતા. એ પરિણામથી બેફિકર હતા કે કોઇ ચોક્કસ નિર્ણય લઇને બેઠા હતા? એ સમજી શકાતું ન હતું. બી.એલ.એસ.પી. અને એમજેપી બંને ૩૨ થી વધુ બેઠકો પર આગળ હતા. બંને સરખા ચાલી રહ્યા હતા. જનાર્દનને થયું કે એમજેપી આ વખતે બરાબરની ટક્કર આપી રહી છે. બી.એલ.એસ.પી. સારો દેખાવ કરી રહી નથી. સુજાતાબેને જે બેઠક પર પ્રચાર કર્યો હતો તેના મોટાભાગના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા. એનો મતલબ એ થયો કે સુજાતાબેનનું ફેક્ટર કામ કરી ગયું છે. પરંતુ એમજેપી આ વખતે વધારે બેઠકો લઇ જઇ શકે છે.
સુજાતાબેન વારાફરતી બધી ન્યૂઝ ચેનલો પર નજર નાખી રહ્યા હતા. દરેક ચેનલ પર બી.એલ.એસ.પી. અને એમજેપીની બઢતના આંકડા વચ્ચે પાંચથી દસનું અંતર હતું. હજુ ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું ન હતું. ત્યાં એક ફોન આવ્યો અને સુજાતાબેન ટીવીની ન્યૂઝ ચેનલ બદલીને ઇશારો કરીને બીજા રૂમમાં ગયા.
એક જ મિનિટમાં 'તાજા ખબર- હમણાં હમણાં' ચેનલ પર એન્કર બોલવા લાગ્યો:"દર્શકમિત્રો, અત્યારે અમારી સાથે ફોન લાઇન પર રાજ્યના પ્રથમ બિનહરિફ ઉમેદવાર સુજાતાબેન છે. આપણે એમની સાથે 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ના અત્યાર સુધીના પ્રદર્શન વિશે અને પક્ષની આગળની રણનિતી અંગે વાત કરીશું...સુજાતાબેન, તમને અમારો અવાજ આવી રહ્યો છે ને?"
"હા, બોલો..."
"સુજાતાબેન, બી.એલ.એસ.પી. અને એમજેપી એકસરખી બેઠકો પર આગળ છે ત્યારે તમે કેવું ભવિષ્ય જોઇ રહ્યા છો? શું તમને નથી લાગતું કે બી.એલ.એસ.પી. માટે આ ચિંતાજનક સ્થિતિ છે?"
"બી.એલ.એસ.પી. સારું પ્રદર્શન કરશે એવો મને વિશ્વાસ છે. મેં અનેક બેઠકો માટે પ્રચાર કર્યો છે અને ત્યાં લોકોમાં પક્ષ તરફી વાતાવરણ જોયું છે. એમજેપી સત્તા છીનવી શકે એવી કોઇ શકયતા દેખાતી નથી..."
"...પણ એ વાતનો અત્યારે સ્વીકાર કરવો પડશે કે એમજેપી કાંટાની ટક્કર આપી રહી છે. એમના ઉમેદવારો બી.એલ.એસ.પી. ના ઉમેદવારો જેટલી જ સરસાઇ ભોગવી રહ્યા છે. પરિણામો પછી આપની ભૂમિકા પક્ષ માટે કેવી રહેશે?"
"હું બીજા ઉમેદવારોની જેમ એક સામાન્ય ઉમેદવાર જ છું. પક્ષ જે આદેશ આપશે એનું પાલન કરવાનું રહેશે..."
એ પછી સુજાતાબેન જે જવાબો આપવા લાગ્યા એના પરથી જનાર્દનને થયું કે તે થોડા જ દિવસોમાં ઘણા ઘડાઇ ગયા છે. રાજકારણની નાડ પારખી લીધી છે.
ન્યૂઝ ચેનલ સાથે વાત કરીને સુજાતાબેન પાછા આવ્યા ત્યારે હિમાનીએ કહ્યું:"બહેન, તમે સારા જવાબ આપ્યા..."
"હા, પણ મારો ઇન્ટરવ્યુ જોઇને પક્ષના ઘણા સિનિયર નેતાઓનો અહમ ઘવાયો હશે. તેમને થશે કે અમારા કરતાં આજકાલના આવેલા ઉમેદવારોને ન્યૂઝ ચેનલ વધારે મહત્વ આપી રહી છે..."
"એ તો જેની જેવી લાયકાત અને જેવું જેનું વર્ચસ્વ. તમે બીજા બધા કરતાં વધારે મહેનત કરી છે ત્યારે ચેનલો મહત્વ આપી રહી છે ને..."
હિમાનીની વાત પૂરી થાય એ પહેલાં સુજાતાબેનનો ફોન ફરી રણક્યો.
"એમજેપીના મુખ્ય નેતા છે...." કહી સુજાતાબેન બીજા રૂમમાં વાત કરવા ગયા.
જનાર્દન અને હિમાની એકબીજાને આશ્ચર્યથી જોવા લાગ્યા.
બે મિનિટમાં સુજાતાબેન પાછા આવ્યા અને બોલ્યા:"એમજેપીના એક મોટા નેતા હતા. કહે છે કે જો અમારા પક્ષને થોડી બેઠકો ઘટે તો તમે અમુક ઉમેદવારો સાથે ટેકો આપશો?"
"શું વાત કરો છો?" જનાર્દન નવાઇથી પૂછી રહ્યો.
"હા, એમની વાત વિચારવા જેવી છે...." કહી સુજાતાબેન વિચાર કરવા લાગ્યા.
જનાર્દનને થયું કે સુજાતાબેન રાજીનામું ના આપે તો સારું એવું પોતે વિચારી રહ્યો છે ત્યારે એ તો વિરોધ પક્ષ સાથે સત્તામાં બેસવાનું વિચારવા લાગ્યા છે?
ક્રમશ: