Rajkaran ni Rani - 51 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૫૧

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૧

જનાર્દનને એ વાતની નવાઇ લાગી કે ટીના તો સુજાતાબેનને વફાદાર છે. છતાં એમના દિલની વાતને હિમાની સામે કેમ છતી કરી દીધી હશે? સું સુજાતાબેને જ એને આમ કરવાનું કહ્યું હશે? અને ટીનાને પોતાના ધારેશ સાથેના પ્રેમની વાત કહેવા પાછળ એમનો ઇરાદો શું હશે? ટીના એમની નોકરાણી છે. ભલે એ તેને બહેન જેવી માનતા હોય પણ આટલું મોટું રહસ્ય એની સામે કેમ ખોલ્યું હશે?

જનાર્દનને વિચારોમાં ખોવાયેલો જોઇ હિમાની રસોડામાં ગઇ અને દૂધનો મગ તૈયાર કરીને લઇ આવી. તેને મગ આપ્યા પછી જનાર્દને વિચારોમાં જ દૂધ પી લીધું. ટીનાની વાતનું અનુસંધાન કરવાનું હિમાનીએ ટાળ્યું હતું. ટીનાએ કોઇ કારણથી હિમાનીને વાત કરી હતી. તે અત્યારે કહેવા માગતી નથી. કદાચ એ જરૂરી નહીં હોય.

હિમાનીએ જનાર્દનને મૂંગા મૂંગા જ પાણી આપ્યું અને પોતે પણ પીને લાઇટ બંધ કરી સૂઇ જવા શરીર લંબાવ્યું. જનાર્દન તેની નજીક આવ્યો. તેના હોઠ અને ગાલ પર હળવું ચુંબન કરી બાથ ભરી લીધી. હિમાનીએ જનાર્દનની બાહોમાં આંખો મીંચી દીધી. થોડીવાર સુધી એકબીજાનું પ્રેમાળ આલિંગન અનુભવી રહ્યા. હિમાનીને ઉંઘ ચઢી હોવાનું લાગતા જનાર્દન તેનાથી અળગો થયો.

'કાલે સવારે વહેલું ઉઠવાનું છે.' કહી જનાર્દને મોબાઇલમાં એલાર્મ મૂક્યું અને સૂઇ ગયો.

જનાર્દન ઉઠ્યો ત્યારે હિમાની ઉઠીને પરવારી ગઇ હતી.

"સુપ્રભાત પતિ મહાશય!" હિમાનીએ જનાર્દનના ગાલ પર હાથ ફેરવી જગાડ્યો.

"સુપ્રભાત મારી અર્ધાંગિની!" કહી જનાર્દને તેને છાતી પર ખેંચી લીધી.

"અત્યારે રોમાન્સનો નહીં રાજકારણનો પીરિયડ છે એની ખબર છે ને?" હિમાની એની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરવા લાગી.

"અરે હા!" કહેતો જનાર્દન બેઠો થઇ ગયો અને ટીવી ચાલુ કરવા લાગ્યો.

ટીવીની ન્યૂઝ ચેનલ પર મતગણતરીની તૈયારીની વ્યવસ્થા બતાવવામાં આવી રહી હતી. મતગણતરીના સ્થળ પર રાજકીય કાર્યકરો ઉમટી રહ્યા હતા. આજે ૧૨૨ બેઠકો માટે મતગણતરી થવાની હતી. 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દરેક કાર્યકરની જેમ જનાર્દનના મનમાં પણ ફરીથી સત્તામાં આવવાની ગણતરી ચાલી રહી હતી. 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) સામે 'મહા જનતા પક્ષ' (એમજેપી) મુખ્ય હરીફ હતો. જનાર્દનને એમ લાગતું હતું કે કેટલાક અપક્ષ ઉમેદવારો પણ હતા જે ઘણી બેઠકો પર મુખ્ય અને હરિફ પક્ષને ભારે પડી શકે છે. તેની સાથે એવી આશા રહે છે કે તે સત્તા પર આવી શકે એવા પક્ષને સમર્થન આપી શકે. અપક્ષ ઉમેદવારોમાંથી નામમાત્રના જ સાચા ઉમેદવારો હોય છે, જે સત્તા માટે નહીં પરંતુ સેવા માટે ચૂંટણી લડતા હોય છે. અને આ અપક્ષોમાંથી એવા ઘણા ઉમેદવારો છે જેમને કોઇને કોઇ પક્ષ તરફથી ટિકિટ આપવામાં આવી ન હોવાથી તે રિસાઇને પોતાનું મહત્વ સાબિત કરવા ઉભા હોય છે. ટીવીનો એન્કર રાજ્યની બેઠકોની સંખ્યા, ક્યાં કેટલું મતદાન થયું તેની વિગતો સાથે એક્ઝિટ પોલની પણ માહિતી આપી રહ્યો હતો. એક્ઝિટ પોલ સાચો પડશે કે નહીં? એ વિશેના તર્ક- વિતર્ક કરી હાજર રાજકારણીઓ સાથે ચર્ચા કરી રહ્યો હતો. બંને મુખ્ય પક્ષના એક-એક ઉમેદવાર પ્રવક્તા અને બે પત્રકારો સાથે એણે ચર્ચા ચાલુ કરી દીધી હતી. બંને પક્ષના ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા હતા. એમજેપીના ઉમેદવારને એક્ઝિટ પૉલમાં ઓછી બેઠક બતાવવામાં આવી હોવાથી જીતની શક્યતા ઓછી હોવા છતાં તેનો દાવો હતો કે મતપેટીમાં તેમના જ નામના મત નીકળશે.

"તમે આખું પરિણામ આમ બેસી રહીને અહીં જ જોવાના છો? સુજાતાબેન આપણી રાહ જોતા હશે." કહી હિમાનીએ જનાર્દનને ટીવીમાંથી બહાર કાઢવા હાથ પકડીને ઊભો કર્યો.

"અરે! હું તો ભૂલી જ ગયો. આ રાજકારણ પણ ઘણી વખત કોઇ સસ્પેન્સ ફિલ્મથી કમ હોતું નથી..." બોલતો જનાર્દન પરવારવા ઊભો થયો.

અડધા કલાકમાં તૈયાર થઇને બંને કારમાં નીકળી ગયા. સુજાતાબેનને ત્યાં પહોંચ્યા ત્યારે મતગણતરી શરૂ થવામાં દસ મિનિટની જ વાર હતી. સુજાતાબેન તૈયાર થઇને બેસી ગયા હતા. તેમને "નમસ્કાર" કરીને બંનેએ હોલમાં ટીવી સામે સ્થાન લીધું. સુજાતાબેનનો ફોન મેસેજ અને કોલથી સતત રણકી રહ્યો હતો. તે ફોન પર લાંબી વાત કરતા ન હતા. ટીવી પર ન્યૂઝ ચેનલમાં બરાડા પાડતા એન્કરના અવાજમાં એમની વાત ત્રૂટક- ત્રૂટક સંભળાતી હતી. થોડી જ વારમાં ટીના ચા-નાસ્તાની પ્લેટ લઇને આવી અને બધાંની સામે મૂકી ગઇ. જનાર્દને સુજાતાબેનના ચહેરા પર જોયું તો નિતાંત શાંત હતા. કોઇ ડર, ચિંતા કે ઉત્સાહ પણ દેખાતા ન હતા. ચૂંટણીમાં પક્ષની હાર-જીતથી એમના પર કોઇ અસર થવાની ના હોય એટલું સહજ એમનું વર્તન હતું. જનાર્દને એ વાતની નોંધ લીધી કે એમના ચહેરા પર એક તેજ હતું. ધારેશ સાથેના પ્રેમની વાત જાણ્યા પછી એવું પણ લાગ્યું કે એમના જીવનને એક નવો રંગ મળ્યો છે. જનાર્દન ટીવી સામે જોતાં જોતાં પણ સુજાતાબેનના જીવન વિશે વિચારી રહ્યો હતો.

"જનાર્દન! શું વિચારે છે? કેટલી બેઠક મળશે?" સુજાતાબેનનો અવાજ સાંભળી તે ચોંકી ઉઠ્યો.

"હં....બહુમતિ તો મળશે જ. એ ઉપરાંત કેટલી વધારે બેઠકો મળે છે એ જોવાનું રહેશે..." જનાર્દન પોતાનું ગણિત રજૂ કરતાં બોલ્યો.

"અને હિમાની! તું શું કહે છે? તારા માટે તો આ પહેલો અવસર છે. મારા માટે પણ આ સ્થિતિમાં પહેલો છે, પરંતુ લાંબા સમયથી રાજકીય સમાચારો હું જોતી અને સાંભળતી રહી છું..." સુજાતાબેન જતિનનો નામોલ્લેખ કર્યા વગર બોલ્યા.

"મને તો લાગે છે કે મુશ્કેલીથી બહુમતિ મળશે. પછી ખબર નહીં તમારા પ્રચારથી મોટો ચમત્કાર થયો હોય તો..." હિમાનીએ પોતાનો મત તટસ્થ રહીને વ્યક્ત કર્યો.

જનાર્દનને નવાઇ લાગી. હિમાનીએ ઓછી બેઠકોનું અનુમાન કેમ કર્યું હશે? તેને હજુ રાજકારણને ગતાગમ નથી. તે બોલ્યા વગર ના રહી શક્યો:"હિમાની! તને ઘરમાં બેસીને કેવી રીતે આમ લાગે છે? બહુમતિ માટે ૬૨ બેઠકો જરૂરી છે. અને એક્ઝિટ પોલ તો બી.એલ.એસ.પી. ને ૧૦૦ બેઠકો બતાવી રહ્યા છે."

"મને લાગે છે કે પક્ષ માટે લોકોમાં થોડી નારાજગી છે. જે અપેક્ષાથી બે ટર્મથી પક્ષને મત આપે છે એની સામે કામો થઇ રહ્યા નથી. ભ્રષ્ટાચારના આક્ષેપ વધી રહ્યા છે. નાના માણસોના કામો થઇ રહ્યા નથી. મહિલાઓ પરના અત્યાચારો વધ્યા છે. એ બાબતે કોઇ પગલાં લેવાતા નથી. મોંઘવારીને કાબૂમાં લઇ શકવામાં સફળતા મળી રહી નથી. એક સામાન્ય માનવી તરીકે હું વિચારીને કહું છું કે ફરી સત્તા મેળવવાનું આ વખતે સરળ લાગતું નથી..." હિમાની કોઇના પ્રભાવમાં આવ્યા વગર પોતાના વિચાર વ્યકત કરી રહી હતી.

"જનાર્દન! હિમાનીની વાત સાચી છે. કદાચ બહુમતિથી આપણે થોડા દૂર રહી જઇએ એમ પણ બની શકે..." સુજાતાબેન ધીમા સ્વરે બોલ્યા.

એમની વાતને સમર્થન મળતું હોય એમ ટીવી પર શરૂ થયેલા પરિણામોમાં એમજેપી આગળ હતો. બી.એલ.એસ.પી. કરતાં એમજેપી ઘણી બેઠકો પર આગળ હતો. એમજેપીના ઉમેદવારોએ શરૂઆતથી જ સરસાઇ મેળવી લીધી હતી.

"આ તો રુઝાન છે. પરંતુ સંકેત કેમ સારા લાગતા નથી?" જનાર્દન ચિંતા વ્યક્ત કરવા લાગ્યો. પછી મનમાં જ વિચારી રહ્યો. શું એટલે જ સુજાતાબેન રાજીનામું આપવા માગતા હશે? કે પછી બીજા ધારાસભ્યો સાથે મળી અલગ ચોકો બનાવીને એમજેપી સાથે મળી જવાના છે?

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED