પદ્મિની Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પદ્મિની

પદ્મિની છૂપી રીતે પાછળના રસ્તેથી કારાવાસમાંથી નાસી છુટી હતી. જૂની અને બાહોશ દાસી અંજનાના પ્રતાપે પદ્મિની નાસી છૂટવા માટે સક્ષમ બની હતી.

વિલાસપુર નામનું નગર ખૂબજ વિક્ષિત અને સ્વચ્છતામાં પહેલો નંબર ધરાવતું આ નગર નગરજનોને ખૂબજ પ્રિય હતું. આજુબાજુના આખાય પંથકમાં આ નગરની અને નગરના રાજા પૃથ્વીરાજ તેમજ તેમની પત્ની વિમળા દેવીના વખાણ થતાં. તેમની એકની એક દીકરી આકાશને પણ આંબી જાય તેવી પ્રતિભા ધરાવનાર, દેખાવમાં સુંદર, યુદ્ધની કેળવણી લઈને આવેલી ખૂબ જ બાહોશ અને હોંશિયાર પદ્મિની પણ આખાય પંથકમાં સૌને વ્હાલી હતી.

દીકરી પદ્મિનીને પૃથ્વીરાજે યુધ્ધની કેળવણી લેવા માટે દિવ્ય મુનિના આશ્રમમાં  મૂકેલી હતી તેથી રાજા પૃથ્વીરાજ અને વિમળા દેવી એકલા જ આ ભવ્ય રાજમહેલ "શિશમહેલ"માં રહેતાં હતાં.

પૃથ્વીરાજના હાથમાં રાજપાટ આવ્યું તે પહેલેથી જ તેમના ભાઈ સુરજ સિંહને પસંદ ન હતું તેથી તેમણે પોતાના દીકરાને પૃથ્વીરાજ તેમજ વિમળા દેવીની વિરુદ્ધ ચઢાવેલા હતા. તેણે કાવતરા પૂર્વક રાતોરાત પૃથ્વીરાજ તેમજ વિમળા દેવીને કારાવાસમાં પૂરી દીધા અને પદ્મિની જેવો પોતાનો અભ્યાસ પૂરો કરીને આવી તેને પણ તરત જ બંદી બનાવી કારાવાસમાં પૂરી દીધી.

પરંતુ પૃથ્વીરાજ અને વિમળા દેવીના વાત્સલ્ય પૂર્વકના સ્વભાવને કારણે જૂના દાસ-દાસીઓ તેમને બંદી બનાવ્યા તેથી ખૂબ દુઃખી હતાં અને છૂપી રીતે તેમની મદદ કરવા માટે તત્પર હતાં.

પદ્મિનીએ આ વાત જાણી લીધી અને અડધી રાત્રે આ કારાવાસમાંથી બહાર નીકળવા માટે એક પેંતરો રચ્યો.

કારાવાસમાં ચોકી કરતાં તમામ સૈનિકોનું જમવાનું દાસી અંજના જ લાવતી હતી અને તેમને પોતાના હાથે જ જમવાનું પીરસતી હતી.

પદ્મિનીએ દાસી અંજનાને એક રાત્રે સમજાવ્યું કે તું આ બધા સૈનિકોના ખાવાનામાં મેળવવા માટે ઘેનની દવા લઇ આવ અને આ દવા હું કહું તે રાત્રે બધાના ખાવાનામાં ભેળવી દેજે.

દાસી અંજનાએ પદ્મિનીના કહેવા પ્રમાણે ઘેનની દવા લાવીને તૈયાર કરી દીધી. જે દિવસે પદ્મિનીને ભાગવાનું હતું તે દિવસે અંજનાએ પોતાના દીકરાને કહીને બે મજબૂત ઘોડાની પણ વ્યવસ્થા કરી દીધી.

પ્લાન મુજબ કારાવાસમાંના બધાજ સૈનિકોના ખાવાનામાં તે રાત્રે ઘેનની દવા મિલાવી દેવામાં આવી અને દાસી અંજનાએ પદ્મિની અને પૃથ્વીરાજ તેમજ વિમળા દેવીના કારાવાસના તાળાની ચાવીઓ એક સૈનિકના ખિસ્સામાંથી કાઢીને તાળા ખોલીને તેમને મુક્ત કરી દીધા.

પદ્મિની તેમજ પૃથ્વીરાજ વિમળાદેવીને લઈને આ કારાવાસમાંથી આબાદ રીતે મુક્તિ પામી નીકળી ગયા.

ત્યારબાદ પદ્મિની પોતાના માતા-પિતાને છૂપી રીતે લઈને બાજુના નગર ચાણક્ય પુરીના રાજકુંવર પ્રેમકુમાર પાસે મદદે પહોંચી. પ્રેમકુમાર તેને મદદ કરશે કે નહીં તેની તેને ખબર ન હતી પરંતુ જીવનનો આખરી દાવ સમજીને તેણે આ જંગ છેડી હતી. સદ્નસીબે પ્રેમકુમારે પદ્મિનીને અને પૃથ્વીરાજ તેમજ વિમળા દેવીને પોતાના મહેમાન ગૃહમાં માનપાન સાથે પ્રેમપૂર્વક ખૂબ જ મીઠો આવકાર આપ્યો.

પ્રેમકુમારે પદ્મિનીની હોંશિયારીની અને સુંદરતાની વાતો ખૂબ જ સાંભળી હતી આ વાતોથી તે પ્રભાવિત હતાં. અને આજે પદ્મિનીના હુબહુ દર્શન કરીને તે વધારે પ્રભાવિત થઈ ગયા હતા. પ્રેમકુમારની ઈચ્છા પદ્મિનીનો હાથ માંગવાની પહેલેથી જ હતી અને સામે ચાલીને પદ્મિની આવી તેથી પ્રેમકુમાર પોતાને ખુશકિસ્મત સમજવા લાગ્યા.

પદ્મિનીએ જ્યારે મદદની માગણી કરી ત્યારે પ્રેમકુમારે પૃથ્વીરાજ પાસે એક શરત મૂકી કે, " આપને દીકરો નથી તે હું જાણું છું આપની દીકરી, દીકરાને પણ ભુલાવી દે તેટલી બાહોશ અને હિંમતવાળી છે તે પણ હું જાણું છું પરંતુ મને પણ આપનો દીકરો જ સમજજો અને હું આપનું રાજ્ય જીતીને આપના ચરણોમાં  સમર્પિત કરીશ, તે જવાબદારી મારી છે. પરંતુ સામે મારી પણ એક શર્ત છે. હું મનોમન પદ્મિનીને ખૂબજ ચાહું છું. જ્યારથી મેં પદ્મિની વિશે સાંભળ્યું છે ત્યારથી જ હું તેના પ્રેમમાં પડ્યો છું અને તેની જ સાથે લગ્ન કરીને આમારા મહાનગર ચાણક્યપુરી ની તેને મહારાણી બનાવવા ઈચ્છુક છું. જો આપના આશીર્વાદ અને સંમતિ હોય તો જ આ વાત શક્ય છે હું આપની પાસે પદ્મિનીનો હાથ માગું છું મને આપ તેના માટે લાયક સમજતા હોવ તો જ તેમ કરજો. " અને પ્રેમકુમાર બે હાથ જોડીને પૃથ્વીરાજ, વિમળાદેવી અને પદ્મિનીની સામે ઉભા રહી ગયા.

પ્રેમકુમારની પ્રેમપૂર્વકની મીઠી માંગણીને કારણે પૃથ્વીરાજે પદ્મિનીની સામે નજર કરી પદ્મિનીએ પ્રેમકુમાર સાથે લગ્નગ્રંથિથી જોડાવા માટેની સંમતી બતાવી. 

પ્રેમકુમાર તેમજ પદ્મિનીની નજર એક થતાં જ બંનેના મુખ ઉપર એક અનેરું હાસ્ય છવાઈ ગયું.

પ્રેમકુમારે પોતાના સૈનિકો સાથે પૃથ્વીરાજનું રાજ્ય પાછું મેળવી લેવા માટે યુદ્ધની તૈયારી કરી. પદ્મિની પણ ઘોડેસવારી કરીને આ યુદ્ધમાં પ્રેમકુમારની સાથે જોડાઈ.

હંમેશા સત્યનો જ વિજય થાય છે તેમ પદ્મિની અને પ્રેમકુમારની આ યુદ્ધમાં જીત થઈ. પ્રેમકુમારે નક્કી કર્યા મુજબ પૃથ્વીરાજને તેમનું રાજ્ય " વિલાસપુર " પ્રેમપૂર્વક પરત સોંપ્યું અને લગ્નની ધામધૂમથી તૈયારી કરવા પણ કહ્યું.

આખા વિલાસપુર તેમજ ચાણક્યપુરી ને શણગારવામાં આવ્યું હતું. પ્રેમકુમાર વાજતે-ગાજતે જાન લઈને વિલાસપુરમાં ગયા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને પદ્મિની જેવી હોંશિયાર અને બાહોશ રાજકુમારી સાથે તેમના લગ્ન થયાં. આખાય પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો અને પદ્મિની તેમજ પ્રેમકુમારની વાહ વાહ થઈ ગઈ.

~ જસ્મીના શાહ  'જસ્મીન'
    દહેગામ
    21/2/2021


રેટ કરો અને રિવ્યુ આપો

shital

shital 5 માસ પહેલા

Neeta

Neeta 8 માસ પહેલા

Jasmina Shah

Jasmina Shah માતૃભારતી ચકાસાયેલ 8 માસ પહેલા

Mukta Patel

Mukta Patel 8 માસ પહેલા

Hasumati Patel

Hasumati Patel 8 માસ પહેલા