સુંદરી - પ્રકરણ ૯૮ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૯૮

અઠાણું

કડક સાડીમાં સજ્જ સુંદરીએ વરુણના સન્માન સમારોહનું સંચાલન શરુ કર્યું. શરૂઆતમાં તેણે ડી.એલ. કોલેજ ઓફ આર્ટ્સના વિદ્યાર્થીઓનો આભાર માન્યો, પછી હાજર તમામ પ્રોફેસર્સનો પ્રિન્સીપાલનો અને વરુણ તેમજ તેના પરિવારનો આભાર માન્યો.

ત્યારબાદ જેમ આ પ્રકારના સમારંભોમાં થતું હોય છે એમ, એક પછી એક વક્તાઓ આવ્યા અને એમણે વરુણ વિષે અને વરુણની સફળતાના પાયામાં આ કોલેજનો કેટલો મોટો ફાળો છે એ સમજાવવાની કોશિશ કરી. છેવટે પ્રિન્સીપાલના સંબોધન બાદ વરુણને હાર પહેરાવવામાં આવ્યો, મોમેન્ટો આપવામાં આવ્યો અને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો.

આ બધું પત્યા પછી પ્રોફેસર શિંગાળાને માઈક સોંપવામાં આવ્યું. તેમણે વરુણના કોલેજ ટીમ કેપ્ટન તરીકેના સંસ્મરણો વાગોળ્યા અને કેવી રીતે વરુણે દાયકાઓ પછી કોલેજને યુનિવર્સીટી ક્રિકેટ ટુર્નામેન્ટ પોતાની કપ્તાનીમાં જીતી બતાવી એનો ખાસ ઉલ્લેખ કર્યો.

વરુણ આ બધું સાંભળીને અંદરોઅંદર ખૂબ ખુશ થઈ રહ્યો હતો પરંતુ સાથેસાથે તેનું ધ્યાન સુંદરીએ કહેલી વાત પર પણ વારંવાર જઈ રહ્યું હતું. એવી તે કઈ વાત સુંદરીને કરવી છે જે તે લંચ પત્યા બાદ જ કહેવાની હતી.

આવામાં વરુણને ‘બે શબ્દો’ બોલવાનું કહેવામાં આવ્યું. વરુણના પોતાના સ્થાનેથી ઉભા થવાની સાથે વિદ્યાર્થીઓએ બુમો પાડીને જે ઉત્સાહ દેખાડ્યો એ તેના સમગ્ર પ્રવચન દરમ્યાન અને બાદ પણ ચાલુ રહ્યો. વરુણે પોતાના પ્રવચન દરમ્યાન કોલેજના હવે ભૂતપૂર્વ થઇ ગયેલા અને પોતાની સામે જ પ્રથમ હરોળમાં બેસેલા પોતાના મિત્રો એટલેકે સોનલબા અને કૃણાલને પણ યાદ કરીને કોલેજની પોતાના સંસ્મરણો તાજાં કર્યા. વરુણે આઈપીએલ દરમ્યાન અને શ્રીલંકાની સિરીઝ દરમ્યાન ટીમના દિગ્ગજ ખેલાડીઓ વિષે કેટલાક રમુજી પ્રસંગો યાદ કરીને પણ વિદ્યાર્થીઓનું દિલ જીતી લીધું.

ત્યારબાદ વરુણને પાંચેક સ્ટુડન્ટ્સે પ્રશ્નો પૂછ્યા જેના વરુણે તુરંત જવાબ આપ્યા અને તમામ વરુણની હાજરજવાબીથી અત્યંત ખુશ થઇ ગયા અને વરુણના પ્રવચન પૂરા કર્યા બાદ જે તાળીઓ પડવાની શરુ થઇ તે પાંચથી સાત મિનીટ સતત ચાલુ રહી.

છેવટે વાઈસ પ્રિન્સીપાલ દ્વારા આભારવિધિ થઇ અને કાર્યક્રમ પૂર્ણ થયાની જાહેરાત થઇ અને વિદ્યાર્થીઓની ધીરજનો બંધ જાણેકે તૂટી પડ્યો. તમામને વરુણ સાથે સેલ્ફી ખેંચાવી હતી, પરંતુ સિક્યોરીટી ગાર્ડ્સ દ્વારા જે રીતની કિલ્લેબંધી વરુણની આસપાસ ગોઠવી દેવામાં આવી હતી તેનાથી વરુણને કોઈજ તકલીફ ન પડી અને વરુણને સલામતીપૂર્વક એ જગ્યાએ લઇ જવામાં આવ્યો જ્યાં લંચની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ જગ્યા કોલેજના મુખ્ય પ્રવેશદ્વારની સામે આવેલી લોન પર ખાસ મંડપ બાંધીને ઉભી કરવામાં આવી હતી. વરુણના અહીં પહોંચ્યા બાદ હર્ષદભાઈ, રાગીણીબેન અને ઈશાની પણ ત્યાં આવી પહોંચ્યા. કોલેજના એક અન્ય લેડી પ્રોફેસરે તમામને જુદા જુદા ટેબલો પર બેસાડ્યા. વરુણના ટેબલ પર તેની સાથે પ્રિન્સીપાલ, વાઈસ પ્રિન્સીપાલ અને સુંદરી પણ જમવા માટે બેઠાં.

વરુણના પરિવાર સાથે સુંદરીના ખાસ આગ્રહને લીધે અરુણાબેનને જગ્યા આપવામાં આવી હતી. તમામ પ્રોફેસર્સ અને સ્ટાફ સાથે મળીને લંચ લઇ રહ્યો હોય એવો આ એક અનોખો પ્રસંગ હોવાનું કોલેજના પ્રિન્સીપાલે વરુણને કહ્યું અને આ પ્રસંગનું નિમિત્ત બનવા માટે તેનો આભાર પણ માન્યો.

તમામના જમ્યા બાદ બધાંએ થોડાં ગપ્પાં માર્યા. તમામ પ્રોફેસર્સ અને પ્રિન્સીપાલ તેમજ વાઈસ પ્રિન્સીપાલે હક્કથી પોતાના પરિવારો સાથે વરુણની સેલ્ફી લીધી અને તમામ ખૂબ ખુશ થયા.

આ બધું ચાલી રહ્યું હતું ત્યારે સુંદરી એક તરફ ઉભી ઉભી આ બધું જોઈ રહી હતી અને મંદમંદ સ્મિત વેરી રહી હતી. જો કે સુંદરીના હ્રદયના ધબકારા વરુણને જોતાં જોતાં ઝડપથી ચાલી રહ્યા હતા. એવામાં સુંદરીનું ધ્યાન તેનાથી થોડે દૂર વરુણના પરિવાર સાથે ઉભાઉભા વાતો કરી રહેલા અરુણાબેન પર ગયું.

જેવું સુંદરીનું ધ્યાન પોતાના પર પડ્યું કે અરુણાબેને હાથ હલાવીને તેને કશોક ઈશારો કર્યો, જેનો જવાબ સુંદરીએ પણ ઈશારો કરીને જ આપ્યો જેનો મતલબ કઈક એવો હતો કે “આ બધું પતે એટલે.”

ધીરેધીરે તમામ પ્રોફેસર્સ વરુણ સાથે હાથ મેળવીને પોતપોતાના પરિવારો સાથે વિદાય લેવા લાગ્યા અને વરુણે આસપાસ જોયું તો સુંદરી તેની સામે ઉભી હતી. વરુણે સુંદરી સામે હાથ હલાવ્યો અને સ્મિત વેરતો તેની સામે ચાલવા લાગ્યો. સુંદરીએ પણ વરુણને પોતાની તરફ આવતાં જોયો અને તેની સાથે તેના હ્રદયના ધબકારાની ગતિ વધુ તેજ થવા લાગી.

“યસ! હવે હું એકદમ ફ્રી છું. બોલો તમે કશુંક મને કહેવાના હતા? વેરી સ્પેશિયલ?” વરુણે સુંદરી નજીક આવતાની સાથેજ પોતાની ઉત્કંઠા વ્યક્ત કરી દીધી.

“હા... શ્યોર પણ અહીંયા નહીં. તમારે મારી સાથે આવવું પડશે. ઉપર.” સુંદરીએ કોલેજના બિલ્ડીંગ તરફ ઈશારો કર્યો.

“ઓકે, તો ચાલો?” વરુણ તરતજ સુંદરી સાથે જવા માટે તૈયાર થઇ ગયો.

“વરુણ, દીકરા આપણે જઈશું?” વરુણ અને સુંદરીએ હજી બે ડગલાં માંડ્યા જ હતાં કે હર્ષદભાઈએ વરુણને બોલાવ્યો.

“પપ્પા, થોડીવાર પછી? મારે થોડું કામ છે.” વરુણે સુંદરી તરફ ઈશારો કરતાં કહ્યું.

“વાર લાગશે?” રાગીણીબેને વરુણને પૂછ્યું.

રાગીણીબેનના પ્રશ્નનો જવાબ મેળવવા વરુણે સુંદરી સામે જોયું.

“હા, આંટી થોડી વાર લાગશે.” સુંદરીએ સ્મિત સાથે જવાબ આપ્યો.

“તો પછી અમે જઈએ?” હર્ષદભાઈએ વરુણને કહ્યું.

“પણ કારની ચાવી તો મારી પાસે છે?” હવે વરુણ થોડો ગૂંચવાયો.

“તું જા, અંકલ-આંટી અને ઇશાનીને હું ઘરે લઇ જાઉં છું.” તરતજ કૃણાલે વરુણની સમસ્યાનું સમાધાન આપી દીધું.

“તો પછી બેનબા? એને મુકવા પણ તું જ જવાનો હતોને?” વરુણે મહત્ત્વનો પ્રશ્ન કર્યો.

“સોનલ આપણે ઘરે રોકાઈ જશે બપોરે, એમાં શું?” રાગીણીબેને સોનલબા સામે જોયું.

“હા, ભઈલા તું ચિંતા ન કર, હું આપણે ઘરે જતી રહું છું, પછી સાંજે કૃણાલભાઈ મને ઘરે મૂકી જશે.” સોનલબાએ વરુણની ચિંતા સાવ નાબુદ કરી દીધી.

“શ્યોરને?” વરુણને ખાતરી કરવી હતી.

“હા, હા શ્યોર... તું હવે જા ને ભાભી સાથે અમારી ચિંતા કરતો...દોઢડાહ્યો થતો.” છેલ્લું વાક્ય સોનલબાએ વરુણના કાનની નજીક જઈને ધીરેકથી કહ્યું અને એની કમરમાં ચૂંટલો પણ ખણ્યો.

“ભલે...ભલે તમે બધાં નીકળો.” વરુણ હસતો હસતો બોલી પડ્યો.

કૃણાલ તમામને કાર પાર્કિંગ તરફ લઇ ગયો અને હવે કોલેજની લોન પર એકાદ-બે પ્રોફેસર્સ અને પ્રિન્સીપાલ ઉપરાંત સુંદરી અને વરુણ જ હતા.

“સર, હું આમને આપણી કોલેજ દેખાડીને પછી ઘરે મૂકી આવું.” સુંદરીએ પ્રિન્સીપાલને કહ્યું.

“હા, હા, કેમ નહીં. અત્યારે જ તમે કોલેજને શાંતિથી જોઈ શકશો, કોઈજ નથી કોલેજમાં. જાવ જાવ, જૂની યાદો તાજી કરો. અને પછી જ્યારે પણ કોલેજને તમારી જરૂર પડે ત્યારે તમે જરૂર આવશો એવી આશા રાખી શકું છું ને?” પ્રિન્સીપાલે વરુણ સાથે હાથ મેળવતાં અને તેને વિદાય આપી.

વરુણે પણ હસીને પ્રિન્સીપાલની વિનંતીનો સ્વીકાર કર્યો.

“જઈએ?” વરુણે સુંદરીને પૂછ્યું.

સુંદરીએ પોતાનો હાથ લાંબો કરીને વરુણને પોતાની સાથે ચાલવાનો ઈશારો કર્યો અને બંને કોલેજના મુખ્યદ્વારમાંથી હોલમાં ફરીથી પ્રવેશ્યા.

“ચાર વર્ષ આમતો બહુ નાનો પીરીયડ કહેવાય પણ તોય મને કોલેજમાં ઘણુંબધું બદલાઈ ગયું હોય એવું લાગ્યું.” સુંદરી સાથે ચાલતાં ચાલતાં વરુણે વાતની શરૂઆત કરી.

“હા, નવા પ્રિન્સીપાલ ખૂબ ઉત્સાહી છે અને કાયમ કશું નવું કરવાની કોશિશ કરતા હોય છે, અને એટલેજ એમણે તમારું સન્માન કરવાનો મારો આઈડિયા તરતજ સ્વીકારી લીધો.” સુંદરીએ વરૂણનું ફેવરીટ સ્મિત વેર્યું.

“એના માટે થેન્ક્સ કહું કે પછી તમને ખોટું લાગશે?” વરુણ હસી પડ્યો.

“અફકોર્સ ખોટું જ લાગશે.” સુંદરીએ પણ હસીને જ જવાબ આપ્યો.

“પણ ગમે તે કહો આજનો દિવસ મારી લાઈફનો સહુથી યાદગાર દિવસ જરૂર થઇ ગયો છે. ભલે એક જ વર્ષ હું આ કોલેજમાં રહ્યો પણ મારી કેટકેટલી યાદ એની સાથે જોડાયેલી છે એ એન્ટર થવાની સાથે જ મને બધું જ એક પછી એક યાદ આવવા લાગ્યું.

કૃણાલ તો મારો બાળપણનો ફ્રેન્ડ છે તો પણ તેની સાથે પણ મેં કેટલીક મેમોરેબલ મોમેન્ટસ આપણી જ કોલેજમાં પસાર કરી છે. તો આ જ કોલેજે મને સોનલબેન જેવી બેન આપી. શાંત, મેચ્યોર, કાયમ સાચી સલાહ આપનારી, તક મળે તો ટાંગ ખેંચે અને જો જરાક ભૂલ કરું તો એવો વઢી નાખે કે એમની સામે એક અક્ષર બોલવાની પણ હિંમત ન થાય.” આટલું કહીને વરુણ ખૂબ હસ્યો.

“હા, આ જગ્યા જ એવી છે. આ જગ્યાએ કેટકેટલા નવા સબંધો ઉભા કર્યા છે. કેટલાક એવા સબંધો જે બન્યા તો અહીં પણ જીવનભર ક્યારેય ન તૂટે એટલા મજબૂત બની ગયા છે. આ તરફ...” સુંદરીની આંખોમાં ભાવુકતા હતી તેણે વરુણને સીડી ચડવાનો ઈશારો કર્યો.

“સાવ સાચું. બાય ધ વે આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?” વરુણ સુંદરીની વાત સાથે સહમત તો થયો પણ સાથેસાથે પોતાની ઉત્કંઠાને રોકવાનો ઉપાય પણ તેણે પૂછી લીધો.

“બસ, આપણે જ્યાં જવાનું છે ત્યાં આવી ગયા.” પહેલો માળ આવતાની સાથેજ સુંદરીએ પોતાની જમણી તરફ હાથ લંબાવીને બંધ બારણું દેખાડ્યું.

“અરે! આ તો મારો ક્લાસ! યુ નો, જ્યારે ઉપર હોલમાં બધા સાથે ગયો ત્યારે અહીંથી જ જવાનું થયું હતું. મને એટલું મન હતું આ ક્લાસમાં જવાનું પણ થયું કે અત્યારે ક્યાં બધાંને હેરાન કરવા? પછી જોઇશ, પણ પછી થયું કે અહીં ખાસ આવવાનું તો કેમનું થશે? પણ સી? તમે મને અહીં લઇ આવ્યા. આ ક્લાસ સાથે મારી અસંખ્ય યાદો જોડાયેલી છે.” વરુણે ‘અસંખ્ય યાદો’ પર ખાસ ભાર મૂક્યો.

કારણકે આ અસંખ્ય યાદોમાં એ યાદ પણ સામેલ હતી જ્યાં તેને સુંદરીને પહેલીવાર આ જ ક્લાસમાં જોઈ હતી અને તે પ્રથમ દ્રષ્ટિએ જ તેના પ્રેમમાં પડી ગયો હતો.

“હા, આ ક્લાસ સાથે મારી પણ ઘણી ખાટીમીઠી યાદો જોડાઈ છે અને એ યાદ સાથે બીજી એક યાદ પણ આજે જો જોડાઈ જશે મારી લાઈફનું એ કાયમી સંભારણું બની જશે.” સુંદરીએ ક્લાસરૂમનો કાળો મોટો દરવાજો ખોલતાં કહ્યું.

“ઓહો એવું તો શું છે?” વરુણને નવાઈ લાગી અને તે આપોઆપ સુંદરીની પાછળ રૂમમાં પ્રવેશ્યો.

વરુણના રૂમમાં પ્રવેશ કરવાની સાથેજ સુંદરીએ દરવાજો બંધ કરીને તેને અંદરથી સ્ટોપર મારી દીધી.

==:: પ્રકરણ ૯૮ સમાપ્ત ::==