ચાર
“સરે, ફ્રી લેક્ચર આપી દીધું છે, તો નીચે જઈને ગામ ગપાટાં મારીએ એના કરતા અહીં જ બેસીને આપણે એકબીજાને ઇન્ટ્રો આપીએ તો? હવે ત્રણ વર્ષ ભેગા જ ભણવાનું છે ને?” પેલી છોકરીએ આઈડિયા આપ્યો.
“વાહ, વાહ... આ તો બહુ સરસ આઈડિયા છે. ત્રણ વર્ષ સાથે ભણવાનું પણ છે અને કોને ખબર આપણામાંથી ઘણા એકબીજાના જીવનભરના મિત્રો બની જઈએ? ચલો, તમારાથી જ શરુ કરીએ. ચલો બધા પોતપોતાની જગ્યાએ બેસી જઈએ.” વરુણને પેલી છોકરીનું નામ જાણવાની તીવ્ર ઈચ્છા થઇ રહી હતી એટલે તેની તરફ જોઇને તે બોલ્યો.
બધા જ પોતપોતાની બેંચ પર બેસી ગયા પરંતુ ખાલી બેંચોની સંખ્યા ઘણી હતી એટલે હવે ભીડ ન કરતા બધા થોડા છુટા છુટા અને અલગ અલગ બેંચો પર બેઠા હતા.
“તમે જ શરુ કરોને? સરે કહ્યું ને કે તમે અમારા લીડર છો? તો પછી લીડર જ શરૂઆત કરે કેમ બરોબરને?” પેલી છોકરીએ લીડર શબ્દ પર ભાર મૂક્યો અને વરુણ સહીત બધા જ વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત આવી ગયું.
“કેમ નહીં. હું જ શરૂઆત કરું. મારું નામ વરુણ ભટ્ટ છે અને મેં વિદ્યાવિહાર મંદિર આયોજન નગરથી ફર્સ્ટક્લાસ સાથે બારમું ધોરણ પાસ કર્યું છે. મારો મેઈન સબ્જેક્ટ મારો મનગમતો હિસ્ટ્રી છે અને પોલિટીકલ સાયન્સ મારો ફર્સ્ટ સબસીડરી છે. હવે તમે?” વરુણે પોતાની ઓળખ આપી અને પછી પોતાની અધીરાઈ રોકી ન શકતા પેલી છોકરીને તેના બાદ પોતાની ઓળખ આપવાનું કહ્યું.
“મારું નામ સોનલબા જાડેજા છે, મેં રાજકોટ સોરઠીયા સ્કુલથી સામાન્ય પ્રવાહમાં ૭૫% સાથે બારમું ધોરણ પાસ કર્યું છે. મારા પપ્પા પોલીસ ડીપાર્ટમેન્ટમાં હોવાથી એમની ગયા મહીને જ અમદાવાદ બદલી થઇ છે એટલે અમે અમદાવાદ આવ્યા છીએ. ઈતિહાસ મારો પણ મેઈન સબ્જેક્ટ છે અને ભૂગોળ મારો ફર્સ્ટ સબસીડરી છે.” સોનલબાએ પોતાની ઓળખ આપી.
ત્યારબાદ કૃણાલ સહીત તમામ બીજા છોકરાઓએ પોતપોતાની ઓળખાણ આપી. મોટાભાગના વિદ્યાર્થીઓનો મેઈન વિષય હિસ્ટ્રી હતો જ્યારે પાંચ વિદ્યાર્થીઓનો એ ફર્સ્ટ સબસીડરી વિષય હતો. એકબીજાની ઓળખ પતી ત્યાં જ પહેલું લેક્ચર પતવાનો સંકેત આપતો કર્કશ બેલ મોટેથી વાગ્યો અને બધા જ વિદ્યાર્થીઓ રૂમની સામે જ આવેલો દાદરો ઉતરી ગયા.
==::::==
“ચલ બે કોલેજનો અડ્ડો શોધીએ.” આગલા બે લેક્ચર્સ ફ્રી હોવાથી નીચે ઉતરતાની સાથે જ વરુણ બોલ્યો.
“અડ્ડો?” કૃણાલને વરુણની વાત સમજાઈ નહીં.
“કેન્ટીન બે!” વરુણ થોડો ગુસ્સે થયો.
“ઓહો...હા મને બહુ ભૂખ લાગી છે. બધા કહે છે કે ડી એલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સની કેન્ટીનની કટલેસ બહુ વખણાય છે.” કૃણાલે તરતજ કેન્ટીન શોધવા આમતેમ જોયું.
“શું બે યાર! ખાવાની વાત? થોડો રસ છોકરીઓમાં તો આપ? કેન્ટીનમાં કેટલી બધી છોકરીઓ આવે? અને ઈંગ્લીશ મિડીયમની પણ હશે... કેન્દ્રીય વિદ્યાલયવાળી...શાહીબાગ!” વરુણની આંખો અનોખી ચમક સાથે પહોળી થઇ.
“બે યાર, છોકરી સિવાય તારી પાસે ચર્ચાનો બીજો કોઈ વિષય છે જ નહીં?” હવે કૃણાલે થોડો ગુસ્સો વ્યક્ત કર્યો.
“અરે! છોકરીઓ છે તો જીવન છે. બારમાં ધોરણની પરીક્ષા પતી પછી કોલેજ માટે મારા ત્રણ લક્ષ્ય હતા છોકરીઓ, છોકરીઓ અને છોકરીઓ. મારા બાપાએ તો ચોખ્ખું કહી દીધું હતું કે વહુ તો તારે કોલેજમાંથી જ શોધવાની છે કોલેજ બહારની વહુને નો એન્ટ્રી!” વરુણ હસી રહ્યો હતો.
“ખરેખર? અંકલે તને આવું કહ્યું?” કૃણાલને વિશ્વાસ નહોતો બેસતો.
“બે હા બે.. બારમાનું રિઝલ્ટ આવ્યું તો ફર્સ્ટ ક્લાસ આવ્યો એમનો એમને આનંદ ન હતો, બસ મારો દીકરો કોલેજ ક્યારે જાય અને ક્યારે કોઈ લફરું કરે એની રાહ જોવા લાગ્યા હતા એ. મને કહે કે જે છોકરી ગમે એનો ફોટો મોબાઈલમાં પાડી લેવાનો એ પણ બંને એકસાથે હોઈએ એવી સેલ્ફી પછી હું હા પાડું એની સાથે જ તારે ચક્કર ચલાવવાનું.” વરુણ હસતા હસતા બોલી રહ્યો હતો.
“જબરા છે અંકલ. અને એક મારા પપ્પા છે...” કૃણાલે બોલવાનું શરુ કર્યું.
“બે તું તારા બોરિંગ બાપાને વચ્ચે ના લાય. ચલ કેન્ટીન આવી ગઈ.” કેન્ટીનના દરવાજા તરફ હાથ કરતા વરુણ બોલ્યો.
બંને જણા કેન્ટીનમાં ઘુસ્યા. હજી તો સવારના સાડાઆઠ થયા હોવાથી ખાસ ભીડ ન હતી પણ કૃણાલની વાત સો ટકા સાચી હોય એમ કટલેસની સુગંધ કેન્ટીનના વાતાવરણમાં ચોમેર ફેલાઈ ગઈ હતી. વરુણ અને કૃણાલ કેન્ટીનના માલિકના ટેબલ પર પહોચ્યા. પૈસા ચૂકવી અને એક કટલેસ અને બે ચાના ટોકન લીધા અને બંને ખાલી ટેબલ તરફ ચાલવા લાગ્યા.
“તું બેસ હું ટોકન આપીને ઓર્ડર લેતો આવું છું. ચા અને કટલેસ રેડી જ છે અને આવતા જતા જરા મારું સ્કેનર પણ ચેક કરી લઉં?” વરુણે કૃણાલને આંખ મારતા કહ્યું અને કૃણાલે ડાબી-જમણી તરફ પોતાનું માથું ધુણાવ્યું.
વરુણે કેન્ટીનમાં ઓર્ડર લેવા માટેની નાનકડી બારીમાં બે ટોકન આપ્યા અને સામેથી પેલાએ ચાના બે કપ અને કટલેસને એક ટ્રેમાં મૂકી આપ્યા. દરેક ટેબલ પર ટોમેટો કેચઅપની સફેદ નોઝલવાળી લાલ રંગની પ્લાસ્ટિકની બોટલ્સ પડી જ હતી એટલે કેચઅપ લેવાની ઝંઝટ વરુણે કરવી પડી નહીં.
“લે બે, કર જલસા.” કૃણાલ બેઠો હતો તે ટેબલ પર વરુણે ટ્રે મૂકી અને પોતે કૃણાલની સામેની ખુરશી પર બેઠો.
કૃણાલે સહુથી પહેલું કામ બે મોટી કટલેસમાંથી એક કટલેસનું બટકું ભરવાનું કર્યું. પરંતુ કટલેસ એકદમ ગરમ હોવાથી એની જીભ દાઝી ગઈ અને એણે પોતાનું મોઢું ખોલીને સામે પોતાની હથેળી આમતેમ હલાવવા લાગ્યો. વરુણ આ જોઇને હસવા લાગ્યો એનાથી ચા ન પી શકાઈ એટલે એણે ચા નો કપ ટેબલ પર મૂકી દીધો.
“અરે, ઓ ઈથિયોપિયાના વતની...જરા તો રાહ જો? ઉતરતી કટલેસ લઇ આયો છું તારી માટે....” વરુણનું હસવું હજી ચાલુ જ હતું ત્યાં જ...
“શું હું તમારી સાથે બેસી શકું?” વરુણની પાછળથી સોનલબાનો અવાજ આવ્યો.
કૃણાલ સોનલબાને જોઈ શકતો હતો પરંતુ વરુણ નહીં એટલે વરુણ પાછળ વળ્યો અને સોનલબાને જોતાંજ ઉભો થઇ ગયો.
“હા..હા..કેમ નહીં વિથ પ્લેઝર! પ્લીઝ બેસો.” વરુણે પોતાની બાજુની સીટ ખેંચી અને સોનલબાને ત્યાં બેસવાનું કહ્યું.
“થેન્ક્સ...હું આમતેમ ફરતી હતી થયું બે લેક્ચર્સ ફ્રી છે તો શું કરું? ત્યાં જ કેન્ટીન દેખાઈ એટલે થયું થોડી પેટપૂજા કરી લઉં? છેક ગાંધીનગરથી આવવાનું એટલે સવારના પહોરમાં ક્યાં નાસ્તો બનાવવો?” સોનલબા બોલ્યાં.
“અરે, એમાં શું. બોલો શું ખાશો? હું લઇ આવું!” વરુણ છોકરીઓને કેમ ઈમ્પ્રેસ કરવી એ બરોબર જાણતો હતો એટલે તરત જ ઉભો થઇ ગયો.
“ના..ના..મારે ગુરુવાર છે આજે એટલે હું મારું ખાવાનું સાથે જ લઇ આવી છું. ફરાળી ચેવડો.” સોનલબાએ પોતાનું પર્સ ખોલ્યું અને એમાંથી ફરાળી ચેવડાનું પેકેટ બહાર કાઢ્યું.
“અરે વાહ! તો પછી મારી ઓફર કાલ ઉપર પેન્ડીંગ! ડન?” વરુણે પોતાનો હાથ સોનલબા તરફ લંબાવ્યો.
“ડન!” સોનલબાએ આ વખતે વરુણ સાથે હેન્ડ શેક કર્યા.
થોડો સમય ત્રણેય જણા મૂંગા રહ્યા. કૃણાલને અને સોનલબાને જબરદસ્ત ભૂખ લાગી હોય એવું લાગ્યું એ બંને ખાવામાં જ વ્યસ્ત હતા. વરુણ ત્રાંસી નજરે સોનલબાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. તેમણે હજી પણ માથે દુપટ્ટો ઓઢી રાખ્યો હતો. એની આંખો માંજરી હતી ખરી પરંતુ તેમ છતાં સૌમ્ય હતી. એનું ટોપ ફૂલ સ્લીવનું હતું. તેણે પોતાના ડાબા કાંડે મેટલના પટ્ટાવાળી મોંઘી અને મોટા ડાયલવાળી રિસ્ટ વોચ પહેરી હતી. કાનમાં પહેરેલા લાંબા ઈયરીંગ દુપટ્ટો સરખો કરતી વખતે ડોકાઈ જતા હતા. એ હળવે હાથે સામેની તરફ કશુંક વિચારતા વિચારતા પોતાની પહેલી બે આંગળીઓ અને અંગુઠો પેલા ફરાળી ચેવડાના પેકેટમાં નાખીને ધીમે ધીમે ચેવડો ખાઈ રહ્યા હતા. થોડીવાર પછી પેકેટ ખાલી થઇ ગયું હોય એવું લાગતા, સોનલબા તેને ક્યાં નાખવું એ વિચારતા વિચારતા આસપાસ જોવા લાગ્યા.
“લાવો હું નાખી આવું.” અત્યારસુધી સોનલબા તરફ જ ત્રાંસી નજરે જોઈ રહેલા વરુણે હાથ લંબાવ્યો.
“ના, ના ઇટ્સ ઓકે. હું બહાર જતા ડસ્ટ બીનમાં નાખી દઈશ, તમે બેસો.” આમ કહીને સોનલબાએ પેલું ખાલી પેકેટ વાળીને પોતાના પર્સમાં મૂકી દીધું.
“તમે કહ્યું કે તમારા પપ્પાની બદલી અમદાવાદ થઇ છે. તો ગાંધીનગર?” વરુણે વાત આગળ વધારવાની શરૂઆત કરી.
“હા, પપ્પા તો અમદાવાદ જ છે, પણ હું મારા કાકાને ત્યાં ગાંધીનગર રહું છું, કારણકે પપ્પાની ડ્યુટીના ઠેકાણાં નહીં એટલે રાતવરત હું ઘરમાં એકલી રહું એ એમને પસંદ નથી એટલે હું ગાંધીનગર મારા કાકાને ઘરે. ત્રેવીસ સેક્ટરમાં.” સામે પડેલા ગ્લાસમાંથી પાણી પીતાં સોનલબાએ કહ્યું.
“ઓહ, તો અંકલ કોઈ મોટી પોસ્ટ પર છે પોલીસ ડીપાર્ટમેન્ટમાં?” સોનલબાએ અંગત વાતો શેર કરતા વરુણની પણ હિંમત વધી.
“હા, એ અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર છે! ક્લાસમાં મેં જાણીજોઈને ન કીધું. કદાચ પહેલા જ દિવસે આમ કહું તો પછી લોકો કદાચ મારા પપ્પાના હોદ્દાના પ્રભાવથી મારાથી અંતર રાખવા લાગે એ મને ન ગમે.” સોનલબાએ સ્મિત સાથે કહ્યું.
“ઓહ...અઅઅઆઈ મીન વાહ!” પહેલાં તો વરુણને સોનલબાના પિતા અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે એ જાણીને ઝાટકો લાગ્યો કારણકે હવે તેને સોનલબા સાથે વાતચીત કે વર્તન કરતાં ધ્યાન રાખવું પડશે એવો વિચાર આવ્યો પરંતુ પછી સોનલબાને તેનો આભાસ ન થઇ જાય તેનું ધ્યાન રાખતા તેણે વાહ કહી દીધું.
“હા...પણ વરુણ મારે તમને એક વાત કહેવી છે, ઇફ યુ ડોન્ટ માઈન્ડ!” સોનલબાએ વરુણની આંખમાં આંખ નાખીને કહ્યું.
“કેમ નહીં ચોક્કસ...” વરૂણ થોડો અસ્વસ્થ થઈને બોલ્યો.
“કદાચ, આ થોડું અજુગતું છે અને તમને લાગશે કે કોલેજનો પહેલો જ દિવસ અને હું આ વાત તમને કહું છું એટલે...” સોનલબા થોડા ઓસંખાઈને બોલી રહ્યા હોય એમ લાગ્યું.
==:: પ્રકરણ ૪ સમાપ્ત ::==