sundari chapter 7 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૭

સાત

“...પ્રોફેસર સુંદરી શેલત!” આટલું કહીને તેણે બધાં સામે એક મોહક સ્મિત વેર્યું.

સુંદરી શેલત... વરુણની આ નવી પ્રોફેસર માત્ર છવ્વીસ કે સત્યાવીસ વર્ષની જ દેખાતી હતી. લંબગોળ ચહેરો હતો. આંખો નાની હતી અને તેના પરની ભ્રમરો બહુ ઘાટી નહીં તો બહુ આછી પણ ન હતી. નાક છેક હોઠ સુધી પહોંચતું લાંબુ પણ તીણું નહીં, તેમ છતાં સપ્રમાણ. ગાલ બંને તરફથી ઉપસેલા અને ડાબા ગાલ પર બોલતી વખતે અને સ્મિત ફરકાવતી વખતે ખંજન પડતું હતું. દાઢીનો ભાગ પૂર્ણ અર્ધચંદ્રાકાર અને જાણેકે ભગવાને સુંદરીનો દાઢીનો ભાગ ખરેખર અર્ધચંદ્રાકાર જ રહે તેના પર ખૂબ મહેનત કરી હોય એવું લાગી રહ્યું હતું.

સુંદરીના ચહેરાની સહુથી આકર્ષક બાબત હતી તેના હોઠનો આકાર. સુંદરીનો ઉપલો હોઠ પાતળો ખરો પરંતુ તેની બંને બાજુઓ જાણેકે ધનુષનો આકાર બનાવતી હોય એમ વળેલી અને મધ્યમાં સુંદર વળાંક સાથે ભેગી થતી હતી. પરંતુ સુંદરીનો નીચલો હોઠ તેની ઉપર રહેલા સાથીદાર કરતા વધુ મધ ધરાવતો હોય તેમ જરાક મોટો હતો. પરંતુ આ બંને હોઠ એટલા સુંદર હતા કે સુંદરીને પહેલીવાર જોનાર વ્યક્તિનું ધ્યાન સહુથી પહેલા ભગવાને પ્રેમથી આકાર આપેલા હોઠ પર જ પડતું.

તેની ઉંચાઈ પૂરી સાડા પાંચ ફૂટ પણ ન હતી. પરંતુ સપ્રમાણ બાંધો અને ભગવાને જેટલી મહેનત તેની દાઢીનો ભાગ કે પછી બંને હોઠોને આકાર આપવામાં કરી હતી એટલી જ મહેનત કદાચ તેના ઉભારો ઘડવામાં પણ કરી હોય એવું લાગતું હતું. સુંદરીએ લીંબુ રંગની સાડી પહેરી હતી પરંતુ તેમ છતાં તેના શરીરનો સુંદર આકાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વાળ ખભાથી ઘણા નીચે પણ કમરથી ઘણા ઉપર અને ચોટલામાં સમાયેલા. અને હા તેનો વાન? કદાચ દૂધ પણ સુંદરીની ત્વચાના રંગ સામે ફિક્કો લાગે એટલો શ્વેત એનો વાન હતો.

ભરાવદાર ગોરા કાંડા પર નાના અને કાળા ડાયલ તેમજ સફેદ બેલ્ટ પહેરેલી સુંદરીની કાળા ડાયલવાળી નાજુક રિસ્ટ વોચ સુંદરીના ડાબા હાથના કાંડાની સુંદરતામાં ચાર ચંદ્રમાં ઉમેરી રહ્યા હતા. તો જમણા હાથમાં સોનાનું એક બ્રેસલેટ તેના દૂધથી પણ સુંદર કાંડાને એક નવી જ સુંદરતા બક્ષી રહ્યું હતું. લાંબી દુગ્ધરંગી ભરાવદાર આંગળીયોના છેડે રહેલા નખ તેણે લાલ ચટ્ટક રંગથી રંગી દીધા હતા.

સુંદરીની સુંદરતામાં શિરમોર હતો તેનો મધથી પણ મીઠો અવાજ. એના આ મીઠા અવાજે અન્યોની તો ખબર નહીં પરંતુ વરુણના કાનમાં જાણેકે મધ રેડી દીધું હતું.

માત્ર ત્રીસ સેકન્ડમાં જ વરુણે કુદરતે ભેટ આપેલા સ્કેનરથી સુંદરીને સ્કેન કરીને તેની તમામ સુંદરતા પોતના મનમાં...ના... તેના હ્રદયમાં સેવ કરી લીધી અને તેના હોઠોમાંથી આપોઆપ જ એક ઉદગાર નીકળી ગયો...

“ઓહ!”

“શું થયું? એની પ્રોબ્લેમ?” ડસ્ટરથી બ્લેકબોર્ડ સાફ કરી રહેલી સુંદરીએ અચાનક જ પાછળ વળીને જોયું અને પૂછ્યું.

જો કે બધાને ખબર હતી કે એ ઉદગાર વરુણનો હતો પરંતુ તમામ ચૂપ રહ્યા કારણકે સુંદરીને તેની ખબર ન હતી.

“ઓકે...તો આજે પહેલા દિવસે આપણે બધા એકબીજાની ઓળખાણ કરીએ તો? કારણકે હવે આપણે ત્રણ વર્ષ સાથે જ રહેવાનું છે બરોબરને?” સુંદરીએ તમામ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો.

“ત્રણ જ વર્ષ?” વરુણના મનમાં તરત જ પ્રશ્ન ઉભો થઇ ગયો પરંતુ તે મૂંગો રહ્યો કારણકે હવે તે સુંદરીને ખબર પડી જાય એ માટે કોઈજ ચાન્સ લેવા માંગતો ન હતો.

એક હકીકત તો સ્પષ્ટ હતી કે સુંદરીએ અને સુંદરીના કોઈ અસ્ખલિત જળપ્રવાહની જેમ વહેતા સૌંદર્યએ ક્લાસના યુવાનીમાં પહેલું ડગ માંડી ચૂકેલા લગભગ તમામ ટીનેજ વિદ્યાર્થીઓને ઘાયલ કરી દીધા હતા પરંતુ વરુણ તો જાણેકે સીધો કોમામાં જ જતો રહ્યો હતો. ન તો એને આસપાસનો કોઈ અવાજ સંભળાઈ રહ્યો હતો કે ન તો તેને કોઈ બીજું દેખાઈ રહ્યું હતું. વરુણની નજર સીધી સુંદરી પર જ હતી અને સુંદરીની સૌમ્ય પણ સોયની જેમ ખૂંચતી સુંદરતા પર જ ટકી ગઈ હતી.

તેની બાજુમાં બેસેલા તેના બાળપણના મિત્ર અને તેની રગરગથી વાકેફ એવા કૃણાલને આ પરિસ્થિતિનું ભાન થઇ ગયું અને તેણે વરુણને જગાડવા તેના પેટમાં હળવેકથી કોણી મારી કારણકે સુંદરી હવે દરેક વિદ્યાર્થીઓ સાથે પરિચય શરુ કરવાની હતી.

વરુણને વહેલી સવારની મીઠી ઉંઘમાંથી અચાનક જ કોઈએ જગાડી દીધો હોય તેમ તે કૃણાલની કોણી વાગવાથી જાગી ગયો અને આસપાસ જોવા લાગ્યો. કૃણાલે તેને કોણી મારી હોવાનું ભાન થતા તેની સામે ત્રાંસી પણ કડક નજરે જોયું. વરુણના સદભાગ્યે સુંદરી સાથેની ઓળખાણમાં તેના પહેલા બે વિદ્યાર્થીઓ અને કૃણાલનો વારો આવવાનો બાકી હતો એટલે એની પાસે સ્વસ્થ થવાનો પૂરતો સમય હતો.

વરુણ વિચારી રહ્યો હતો કે તે પોતાનો પરિચય આપશે કેવી રીતે? કારણકે સુંદરીનું સૌંદર્ય અને તેના એ સૌંદર્યના તેજને જોઇને તેનું ગળું સુકાઈ ગયું હતું. જીભ તો જાણે કે ગળામાં જ ચોંટી ગઈ હતી. આંખો સુંદરી પરથી એક સેકન્ડ પણ હટવાની ઈચ્છા નહોતી ધરાવતી. હા, કૃણાલની કોણીએ એક મહત્ત્વનું કામ જરૂર કર્યું હતું અને તે હતું વરુણને ભાનમાં પરત લાવવાનું અને એટલેજ વરુણ વિચારી રહ્યો હતો કે તે પોતાનો વારો આવતા સુંદરીને કેવી રીતે પરિચય આપશે, કારણકે આ કોઈ તેની હમઉમ્ર છોકરી ન હતી, તે ભલે યુવાન હતી પરંતુ તેની પ્રોફેસર હતી અને તેનાથી નહીં નહીં તો પણ સાત-આઠ વર્ષ મોટી હતી અને હવે તેણે કહ્યું એ રીતે બીજા ત્રણ વર્ષ તેની સાથે જ ગાળવાના હતા.

જેમ સોમવાર પછી મંગળવાર અને મંગળવાર પછી બુધવાર આપમેળે આવે જ છે એમ બે વિદ્યાર્થીઓ પછી કૃણાલ અને હવે વરુણનો પણ વારો આવી ગયો તેની નવી, સુંદર અને અતિશય આકર્ષક પ્રોફેસર સુંદરી શેલતને પોતાની ઓળખ આપવાનો અને પોતાની પહેલીજ ઓળખમાં તેના પર છવાઈ જવાનો.

“યસ...તમે?” સુંદરીએ ખુરશી પર બેઠાબેઠા વરુણને પૂછ્યું.

“વરુણ ભટ્ટ...અમ...અમ...અમદાવાદ. ફર્સ્ટક્લાસ પાસ, મેઈન હિસ્ટ્રી.” બસ આટલું બોલીને વરુણ બેસી ગયો.

સુંદરીના દિલોદિમાગ પર છવાઈ જવાનું તો દૂર પરંતુ આટલું બોલતા બોલતા પણ તેના કપાળ પર પરસેવાના ટીપાં બાઝી ગયા.

“બસ?” સુંદરીને આટલો ટૂંકો પરિચય સાંભળીને નવાઈ લાગી તેણે પોતાના ધનુષરૂપી ઉપલા હોઠ સાથે જોડાયેલા નીચલા હોઠની પણછ ચડાવી અને તેનું સ્મિત બનાવીને વરુણને પૂછ્યું.

સુંદરીએ એ ધનુષમાંથી તીર તો ચલાવ્યું ન હતું તેમ છતાં ફરીથી ઘાયલ થઇ ગયેલા વરુણે જવાબમાં બેંચ પર બેઠાબેઠા જ માથું હલાવીને હકારમાં જવાબ આપ્યો અને જમીન તરફ જોવા લાગ્યો..

“ઓકે, ઠીક છે? તમે?” સુંદરીએ વરુણ તરફથી પોતાની નજર હટાવીને તેની બાજુમાં બેસેલા વિદ્યાર્થીને પોતાની ઓળખાણ આપવાનું કહ્યું.

વરુણ હવે સતત સુંદરી તરફ જોઈ રહ્યો હતો. અમુક વિદ્યાર્થીઓની ઓળખ દરમ્યાન સુંદરીના ચહેરા પર સ્મિત આવી ગયું તો એકાદના કોઈ ખાસ વર્ણનથી તેને હસવું પણ આવી ગયું. વરુણ માટે આ બંને ઘટનાઓ જીવલેણ હુમલાઓથી ઓછી ન હતી. હવે તો વરુણની હથેળીમાં પણ પરસેવો થવા લાગ્યો હતો.

એક તરફ વરુણને સુંદરીના ચહેરા પરથી નજર હટાવવાનું મન નહોતું થતું તો બીજી તરફ આ પીરીયડ ક્યારે પૂરો થાય અને સુંદરી અહીંથી જાય અને તેને શાંતિ થાય એવો વિચાર પણ તેનો પીછો નહોતો છોડતો.

“તમે બધાએ તમારી ઓળખાણ આપી તેને માટે થેન્ક્સ, હવે મારો વારો, હું મારી પૂરેપૂરી ઓળખાણ આપું?” સુંદરીએ ફરીથી સ્મિત સાથે તમામ વિદ્યાર્થીઓને પોતાના મધથી પણ મીઠા અવાજથી પૂછ્યું અને તેને સાંભળીને વરુણનો પરસેવો વધી ગયો.

“મેં શરૂઆતમાં તમને કહ્યું તેમ મારું નામ સુંદરી શેલત છે. મેં હિસ્ટ્રી સાથે જ બીએ કર્યું છે અને તમને જાણીને આનંદ થશે કે આપણી જ કોલેજમાંથી મેં બીએ કર્યું છે. અને હા, હું એ વર્ષે યુનિવર્સીટી ફર્સ્ટ પણ હતી! પછી સમાજવિદ્યા ભવનમાંથી મેં મારું એમએ કર્યું એમાં પણ હું યુનિવર્સીટી ફર્સ્ટ આવી છું આ વર્ષે. હવે એમ ફીલ કરવું છે અને પછી પીએચડી!” પોતાનો ગૌરવપૂર્ણ ઈતિહાસ અને પ્રકાશિત ભવિષ્યકાળ અંગે આટલું કહીને સુંદરી થોડું રોકાઈ.

વરુણના કાનમાં સુંદરીનો અતિશય મધુર અવાજ હવે તેના ચહેરાના હાવભાવ અને હાથના લટકાને સાથે પડી રહ્યો હતો. તેના માટે પરિસ્થિતિ અસહ્ય થવા લાગી હતી. એક સુંદર સ્ત્રી, છોકરી કે કન્યા સામે જોઇને આવું તેને પહેલા ક્યારેય નહોતું થયું. તે સતત સુંદરી સામે જ જોઈ રહ્યો હતો અને એ પણ અનિમેષ નજરે...તેનું સમગ્ર શરીર પરસેવે રેબઝેબ થઇ રહ્યું હતું, હવે તો સુંદરીનો મધમીઠો અવાજ પણ તેને લેક્ચર છોડીને રૂમની બહાર જતા રહેવાનું કહી રહ્યો હતો અને ઓછું હોય તેમ સુંદરી જેમ જેમ સ્મિત સાથે પોતાના ગૌરવર્ણ ધરાવતા હાથ હલાવતા પોતાની ઓળખ આપતી હતી અને આંખો જે નજાકતથી આમતેમ ફેરવતી હતી તે જોઇને તો વરૂણનું હ્રદય જોરજોરથી ધબકવા લાગ્યું હતું. તેને લાગ્યું કે તેના હ્રદયના ધબકારાનો અવાજ ક્યાંક બાજુમાં બેઠેલો કૃણાલ પણ ન સાંભળતો હોય!

“હું પણ આજથી પાંચ છ વર્ષ પહેલા તમારી જેમજ આ જ બેંચો પર બેસીને ભણી છું. ત્યારે મારું સ્વપ્ન હતું કે હું પણ જયરાજ સરની જેમજ આ જ રૂમમાં લેક્ચર લઉં, યુ નો? અને આ રૂમ તો મારો ફેવરીટ છે! આજે મારું આ સ્વપ્ન પૂર્ણ થયું. મને આશા છે કે તમારામાંથી કોઈ એક મારી જેમ જ ખુબ સારું ભણીને આ જ કોલેજમાં પ્રોફેસર થાય અને મારી સાથે કામ કરે!” સુંદરીએ કહ્યું.

“તથાસ્તુ!” વરુણ મનમાંને મનમાં આટલુંજ બોલી શક્યો.

“તો હું તમને બે પેપર્સ અડધા અડધા ભણાવીશ. પ્રાચીન ભારતનો ઈતિહાસ અને આધુનિક ભારતનો ઈતિહાસ. મારા લેક્ચર્સ ક્યારે હશે તે તમને સોમવારે બારોટ સર જણાવી દેશે.” સુંદરીએ તમામ વિદ્યાર્થીઓ તરફ નજર ફેરવતાં કહ્યું.

વરુણને હવે ઝડપથી જાણવું હતું કે સુંદરીના લેક્ચર્સ ક્યારે હશે એટલે એ મુજબ તે પોતાનો કાર્યક્રમ ગોઠવી શકે, પરંતુ સોમવારને હજી બે દિવસની વાર હતી કારણકે આજે તો હજી શુક્રવાર જ થયો હતો.

“આવતીકાલે મારું લેક્ચર નથી, એટલે આપણે હવે સોમવારે જ મળીશું.” લેક્ચર પૂરું થવાનો કર્કશ બેલ વાગતાંની સાથે જ સુંદરી બોલી અને ખુરશીમાંથી ઉભી થઇ.

તેને ઉભી થતી જોતાંજ વરુણ આપોઆપ પોતાની બેંચ પરથી ઉભો થઇ ગયો. સુંદરીએ પણ આ વાતની નોંધ લીધી અને તે વરુણ સામે સ્મિત ફરકાવી, પોતાની ડાયરી અને પુસ્તક લઈને રૂમનું કાળું બારણું ખોલીને બહાર જતી રહી!

==:: પ્રકરણ ૭ સમાપ્ત ::==

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED