sundari chapter 5 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૫

પાંચ

“ના, ના તમારે જે કહેવું હોય તે કહો, બિન્ધાસ્ત!” વરુણે કહેતા તો કહી દીધું પરંતુ અંદરથી એનું હ્રદય પણ જોરજોરથી ધબકવા લાગ્યું એમ વિચારીને કે સોનલબા આખરે એને શું કહેશે અને એ પણ માત્ર અડધા-પોણા કલાકની નાનકડી ઓળખાણ બાદ?

“તમે સવારે જ્યારે લેક્ચરના રૂમમાં આમની સાથે, આઈ મીન કૃણાલ સાથે એન્ટર થયા ત્યારે તેમને જોતાની સાથે જ મારું હ્રદય બે ધબકારા ચૂકી ગયું હતું અને જ્યારે તમે તમારું નામ કહ્યું ત્યારે તો હું રીતસરની નર્વસ થઇ ગઈ હતી. હું આખી વાત કરું છું, પ્લીઝ ડોન્ટ ટેઈક મી અધરવાઈઝ.” સોનલબા થોડું રોકાયા.

“ના, ના આઈ એમ ઓકે. પ્લીઝ ગો અહેડ.” પોતાના વિષે સોનલબાની સસ્પેન્સ ઉભું કરતી વાત સાંભળીને હવે વરુણને ચટપટી થઇ રહી હતી.

“એક્ચ્યુલી મેં જ્યારે એમ કહ્યું કે હું અને પપ્પા અમદાવાદ આવી ગયા અને બાકીના ફેમિલી વિષે મેં કોઇપણ વિગત ન આપી તેની પાછળ એક રીઝન છે. અમારી લાઈફમાં બે વર્ષમાં બે મોટી ટ્રેજેડીઝ થઇ ગઈ છે.” સોનલબાએ ફરીથી સામે પડેલા પાણીના ગ્લાસમાંથી એક ઘૂંટડો પાણી પીધું.

“ઓહ...” વરુણની ચટપટી દરેક સેકન્ડે વધી રહી હતી.

હવે કૃણાલને પણ સોનલબાની વાતમાં રસ પડવા લાગ્યો હતો એટલે એ પણ એમની સામે સતત જોઈ રહ્યો હતો.

“બે વર્ષ પહેલા અમરનાથ યાત્રીઓ પર આતંકવાદી હુમલો થયો હતો, તેમાં માર્યા ગયેલાઓમાં મારા મમ્મી પણ સામેલ હતા અને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરતા મારો ૨૭ વર્ષનો ભાઈ શહીદ થઇ ગયો હતો.” સોનલબા હવે સતત વરુણની આંખોમાં આંખ નાખીને બોલી રહ્યા હતા.

“પછી?” હવે વરુણ સોનલબા વધુ રોકાઈને વાત કરે તેમ નહોતો ઈચ્છતો.

“યુ નો, તમે જ્યારે રૂમમાં દાખલ થયા ત્યારે હું ચોંકી ગઈ કારણકે તમારી હાઈટ, તમારો ચહેરો અને તમારી કદકાઠી, રંગ બધું જ મારા ભાઈને હુબહુ મળતું આવે છે. હા તેની આંખો પણ મારા જેવી એટલેકે માંજરી હતી તમારી બ્લેક છે.” પોતાના શહીદ ભાઈને યાદ કરીને સોનલબાના ચહેરા પર સ્મિત આવી ગયું.

“ઓહ, ઈઝ ધેટ સો!” આ બધું સાંભળીને વરુણને પણ હવે થોડી રાહત થવા લાગી.

“હા, અને પછી જ્યારે તમે ક્લાસમાં તમારી ઓળખાણ કરાવતી વખતે તમારું નામ વરુણ ભટ્ટ કર્યું ત્યારે તો હું ભગવાનના આ અજીબ ઇશારાથી એક દમ નર્વસ થઇ ગઈ.” સોનલબાનો અવાજ અચાનક ભારે થઇ ગયો અને તેમની બંને આંખના ખૂણા ભીના થયા.

“કેમ?” વરુણ અને સોનલબાને અત્યંત ધ્યાનપૂર્વક સાંભળી રહેલા કૃણાલ બંને એકસાથે બોલ્યા.

“મારા શહીદ ભાઈનું નામ કેપ્ટન વરુણરાજ જાડેજા હતું!” છેવટે સોનલબાની આંખોમાંથી આંસુ રેલાઈ ગયા.

વરુણે પોતાની સામે રાખેલો પાણીનો ગ્લાસ જે પૂરો ભરેલો હતો તે સોનલબાને ધર્યો. સોનલબાએ અડધો ગ્લાસ ખાલી કરીને તેને ટેબલ પર મૂક્યો અને ફરીથી બોલવાનું ચાલુ કર્યું.

“પ્લસ જે રીતે તમે સર સામે મજાકિયા અંદાજમાં બોલતા હતા કે પછી ઇન્ટ્રો વખતે પણ તમારા રમતિયાળ સ્વભાવને જોઇને મને સતત એવું થવા લાગ્યું કે ભગવાને મને પાંચ મહિના પછી મારા ભાઈ વરુણરાજને મારી પાસે ફરીથી મોકલી આપ્યા છે, કારણકે એ પણ આવા જ હતા. દિલના સાફ, સદાય હસતા અને બધાને હસાવતા રહેતા.” હવે સોનલબાના ચહેરા પર સ્મિત પરત ફર્યું.

“તો...?” વરુણથી સહજતાથી બોલાઈ ગયું.

“શું હું તમને મારા ભાઈ માની શકું?” સોનલબાની આંખો ફરીથી ભરાઈ આવી પરંતુ આ વખતે તેમના ચહેરા પર સ્મિત હતું.

“કેમ નહીં, મને જરૂર ગમશે. પણ મારી બે શરત તમે માનો તો જ તમારી વાત સ્વીકારું.” રાહત મળતાજ હવે વરુણના ચહેરા પર તેનું ચિતપરિચિત તોફાની સ્મિત હતું.

“કઈ?” સોનલબાના ચહેરા પર સ્વાભાવિક આશ્ચર્ય હતું.

“પહેલી તો એ કે જો તમે મને ભાઈ માનો છો તો મને તમારે તમે નહીં પરંતુ તું કહીને બોલાવવો પડશે.” વરુણે પોતાની પહેલી શરત રજૂ કરી.

“પણ ઘરમાં તો બધા સામે હું વરુણભાઈને હું ભાઈ કે પછી વરુણભાઈ જ કહીને બોલાવતી હતી કારણકે એ મારાથી મોટા હતા.” સોનલબાએ પોતાની મજબૂરી રજૂ કરી.

“અને ઘરની બહાર? જ્યારે બધા ન હોય ત્યારે?” વરુણ હસતા હસતા બોલી રહ્યો હતો.

“ત્યારે કોઈકવાર લાડમાં તું....” સોનલબા પોતાની વાત પૂરી કરે ત્યાંજ...

“તો અહીં કોલેજમાં તો તમારા ઘરના કોઈજ વ્યક્તિ રહેવાના નથી? તો પછી કાયમ માટે તું કહેવાનો શો વાંધો?” વરુણે પ્રશ્ન કર્યો.

“ઠીક છે, તો હું વરુણભાઈ તું એમ કહીને કહીને બોલાવું તો ચાલશે?” સોનલબાએ પૂછ્યું.

“દોડશે!” વરુણ હસી પડ્યો.

“ઓકે, અને બીજી શરત?” સોનલબાએ યાદ કરાવ્યું.

“અરે હા... બીજી શરત એ કે તમારે મને કોલેજમાંથી જ તમારી ભાભી શોધવામાં મદદ કરવી પડશે, બલકે શોધી જ આપવી પડશે. બોલો પ્રોમિસ?” વરૂણ હસી રહ્યો હતો.

“ઓ ભગવાન...ચોક્કસ ચોક્કસ! ખરેખર તું મારો વરુણભાઈ જ છે!” આટલું કહીને સોનલબા ખડખડાટ હસી પડ્યા અને એમની માંજરી આંખો ભીની હતી.

“છું જ અને આવો જ રહીશ સોનલબેન!” વરુણે સોનલબા સામે હાથ ધર્યો.

“થેન્ક્સ...હવે આપણે નીકળવું જોઈએ. વાતોવાતોમાં દોઢ કલાક વીતી ગયો. ચોથા લેક્ચરનો ટાઈમ થશે.” વરુણનો હાથ પોતાના હાથમાં લેતા સોનલબા બોલ્યા.

“અરે! ના હજી તો પંદર મિનીટની રિસેસ છે.” કૃણાલ બોલ્યો.

“ઓહ... તો હું જરા લેડીઝ રૂમમાં જઈને ફ્રેશ થઇ જાઉં. મળીએ, એકવીસ નંબરના રૂમમાં હિસ્ટ્રી ટુના લેક્ચરમાં. હોપ કે કોઈ સારા પ્રોફેસર આવશે!” સોનલબા પોતાની બેઠક પરથી ઉભા થયા અને કેન્ટીનના દરવાજા તરફ જવા લાગ્યા.

વરુણ અને કૃણાલ પણ પોતપોતાની બેઠકો પરથી ઉભા થયા.

“મને નવાઈ લાગે છે વરુણ...એક છોકરીને તેં બહેન બનાવી?” કૃણાલના સવાલમાં આશ્ચર્યભાવ હતો.

“કેમ? એક છોકરી માત્ર પ્રેમિકા, ગર્લફ્રેન્ડ કે પછી પત્ની જ હોય? એ બહેન કે માતા પણ હોયને?” વરુણે પોતાની બંને આંખો રૂમાલથી લૂછતાં લૂછતાં કેન્ટીનની બારીની બહાર કોલેજના બિલ્ડીંગ તરફ ધીમી ચાલે જઈ રહેલા સોનલબાને જોઇને કહ્યું.

અને કૃણાલ એકીટસે વરૂણનું આ નવું સ્વરૂપ જોઈ રહ્યો....

==::::==

રિસેસ બાદ વરુણ, કૃણાલ અને સોનલબા સહીત તમામ વિદ્યાર્થીઓ ઇતિહાસના બીજા પેપરના લેક્ચર માટે એકવીસ નંબરના રૂમમાં ભેગા થયા. બરોબર દસ વાગ્યે ફરીથી પેલો કર્કશ બેલ વાગ્યો અને તમામ વિદ્યાર્થીઓની નજર રૂમના બંધ બારણા તરફ ગઈ એવી આશાએ કે દિવસના આ બીજા લેક્ચરમાં જયરાજ જેવો બોરિંગ કે સ્ટ્રીક્ટ પ્રોફેસર ન આવે. થોડીજ વારમાં બારણું ખુલ્યું અને એમાંથી એકદમ યુવાન દેખાતો વ્યક્તિ અંદર આવ્યો અને વિદ્યાર્થીઓને થોડી હાશ થઇ કે યુવાન પ્રોફેસર કદાચ જયરાજ જેવો કડક નહીં હોય.

“ગૂડ મોર્નિંગ મિત્રો, હું કંદર્પ બારોટ તમારા ઇતિહાસના બીજા પેપરનો અડધો પ્રોફેસર!” આટલું બોલતા જ પ્રોફેસર બારોટના મુખ પર સ્મિત આવ્યું.

તેમણે પોતાની ઓળખ ઇતિહાસના બીજા પેપરના અડધા પ્રોફેસર તરીકે આપતાં વિદ્યાર્થીઓમાં આશ્ચર્ય ફેલાયું.

“મને ખબર પડી ગઈ કે તમે બધાંજ મારી ઓળખાણ આપવાની રીતથી થોડા ગૂંચવાઈ ગયા છો. તો મને સ્પષ્ટતા કરવા દો. આધુનિક ભારતનો ઈતિહાસ, હું આ પેપરનો એક જ હિસ્સો તમને ભણાવીશ અને બીજો હિસ્સો બીજા પ્રોફેસર ભણાવશે. કદાચ તમારા પહેલા પેપરના પ્રોફેસર જયરાજ સરે કહ્યું જ હશે કે તેઓ પણ પહેલા પેપરનો એક જ હિસ્સો તમને ભણાવશે અને બીજો હિસ્સો કોઈ અન્ય પ્રોફેસર ભણાવશે રાઈટ?” કંદર્પ બારોટે સવાલ કર્યો.

“હા...” લગભગ બધા જ વિદ્યાર્થીઓએ એક સૂરમાં હકારમાં જવાબ આપ્યો.

“બસ તો એવી જ રીતે હું પણ આ બીજા પેપરનો એક જ હિસ્સો ભણાવીશ. હવે તમને મારે એક સમાચાર આપવાના છે અને એ સમાચાર એવા છે કે મોટેભાગે જયરાજ સરના પેપરનો અડધો ભાગ ભાર્ગવ પંડ્યા સર ચલાવશે જેમનું આ છેલ્લું વર્ષ છે. જ્યારે મારા પેપરનો બીજો હિસ્સો એક નવા પ્રોફેસર તમને ભણાવશે. આ નવા પ્રોફેસર કોણ છે એની માહિતી હું તમને નહીં આપું,

પરંતુ એ સમાચાર તમને જરૂર આપીશ કે તેઓએ આજે પહેલા દિવસે જ કોલેજ જોઈન કરી લીધી છે અને આજે તેઓ જયરાજ સર પાસે કોલેજ વિષે અને અહીંની ભણાવવાની પદ્ધતિ વિષે સમજી રહ્યા છે. એટલે આવતીકાલે ટાઈમ ટેબલ અનુસાર તમારો પાંચમો પીરીયડ એ નવા પ્રોફેસર ભણાવશે. પણ એ કાયમી વ્યવસ્થા નહીં હોય. જો કે અઠવાડિયામાં હું અને પેલા નવા પ્રોફેસર તમને ત્રણ-ત્રણ પીરીયડ જરૂર ભણાવીશું પણ કયા પીરીયડમાં કોણ તમને ભણાવશે એની માહિતી અમે તમને આવતા સોમવારે આપી દઈશું. થોડું ગૂંચવાડાભર્યું છે પરંતુ મેં મારી રીતે તમને સમજાવવાની કોશિશ કરી છે, એમ આઈ ક્લીયર?” કંદર્પ બારોટે વિદ્યાર્થીઓ સામે જરા અવિશ્વાસના હાવભાવ સાથે કહ્યું.

“યસ સર!” ફરીથી આખા ક્લાસે હકારમાં એકસાથે જવાબ આપ્યો.

બાકીનો સમય કંદર્પ બારોટે એકબીજાની ઓળખાણમાં અને ગામગપાટામાં વિતાવ્યો. કંદર્પ બારોટ અત્યંત રમૂજી સ્વભાવના હતા અને તેનાથી તમામ વિદ્યાર્થીઓને જબરી રાહત પહોંચી અને આમને આ વાતો કરતા કરતા લેક્ચરનો સમય પણ પૂર્ણ થઇ ગયો.

==::==

“કેમ છેલ્લું લેક્ચર નથી ભરવું?” દિવસનું છેલ્લું ફરજીયાત અંગ્રેજીનું લેક્ચર જ્યાં હતું તે રૂમમાં જવાને બદલે સીડી તરફ કદમ માંડી રહેલા સોનલબાને જોતાં જ વરુણે પૂછ્યું.

“ના, મને આપણી કોલેજ પૂરી થાય એટલેકે સાડા અગિયાર પછી ગાંધીનગરની અહીંથી કેટલી બસ છે એ ખબર નથી. એટલે આજે હું વહેલી નીકળી અને ગાંધીનગર પથિકાશ્રમ પહોંચીને બધી માહિતી લઇ લેવા માંગું છું. આવતીકાલથી પાંચેય લેક્ચર ભરીશ.” સોનલબાએ જવાબ આપતા કહ્યું.

“તો ચલો, આજે આપણીય રજા, ચલ કૃણાલ.” વરુણે કૃણાલનો હાથ પકડીને કહ્યું.

“અરે પણ ભઈલા તું શા માટે?” સોનલબાને આશ્ચર્ય થયું.

“હું ફક્ત તમારો માનેલો ભાઈ બનીને રહેવા નથી માંગતો. તમને બસસ્ટેન્ડ સુધી મૂકી જાઉં છું અને પછી તમારી બસ આવે, તમે એમાં બેસી જાવ એટલે તમને આવજો કર્યા પછી જ કૃણાલ સાથે ઘરે જઈશ.” વરુણે સ્મિત સાથે કહ્યું.

સોનલબાના ચહેરા પર ફરીથી સ્મિત આવી ગયું, એમની આંખો ફરીથી ભીની થઇ અને કૃણાલ પોતાના બાળપણના મિત્ર એવા વરુણના આ પ્રકારના સાવ અલગ જ વ્યવહારને જોઇને ફરીથી આશ્ચર્યચકિત થઇ ગયો.

==:: પ્રકરણ ૫ સમાપ્ત ::==

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED