સુંદરી - પ્રકરણ ૧૦ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૧૦

દસ

વરુણ સોનલબાને પોતાના મનમાં જે ગડમથલ ચાલી રહી છે તે કેવી રીતે રજુ કરશે એ બરોબર નક્કી કરે ત્યાં જ રેસ્ટોરન્ટનું બારણું ખુલ્યું અને સોનલબા એમાંથી અંદર પ્રવેશ્યા. વરુણે પોતાની જ બેઠક પરથી હાથ હલાવીને એમનું ધ્યાન ખેંચ્યું. જવાબમાં સોનલબાએ સ્મિત આપ્યું.

આજે સોનલબાએ સફેદ રંગના ફૂલોની ડિઝાઈન વાળા રાજસ્થાની ચણીયા ચોળી પહેર્યા હતા એના પર આછા ગુલાબી રંગની ઓઢણી હતી જેને તેમણે કાયમની જેમજ માથા પર ઓઢી હતી. આ પ્રકારના પહેરવેશમાં સોનલબા આટલી નાની ઉંમરે પણ જબરો ઠસ્સો ધરાવતા હતા.

વરુણ ઓલરેડી એક ખુરશી પર બેસી ગયો હતો એટલે સોનલબા એની સામે એટલેકે રેસ્ટોરન્ટના દરવાજા તરફ પોતાની પીઠ રહે એ રીતે બેઠા.

“બોલ ભઈલા, એવું તે શું કામ હતું કે તે આટલી ઉતાવળમાં મને બોલાવી? અને આજે તું કોલેજ એટલે નથી આવ્યો કે તારી તબિયત સારી નથી એવું મને કૃણાલે કહ્યું, તો પછી અહીંયા કેમ આવવાનું થયું?” સોનલબાએ પોતાની ચિંતા દર્શાવી.

“સીસ, તમને હું બધી જ વાત ધીમે ધીમે કહું છું અને ધીમે ધીમે કહીશ તો જ મને જે તકલીફ છે એ દૂર થશે. તમારી પાસે પૂરતો ટાઈમ તો છે ને?” વરુણે સોનલબાને થોડી ધીરજ ધરવાની વિનંતી કરી.

“ટેઈક યોર ટાઈમ, મારી પાસે ઘણો સમય છે અને એવું હશે તો હું એક બસ સ્કિપ કરીશ તો પણ મને વાંધો નથી. આ તો મને તરી ચિંતા થઈ એટલે.” સોનલબાએ વળતો જવાબ આપ્યો.

“જુઓ, તમને હું મારી બેન ગણું છું અને તમે આપણી ઓળખાણના સાવ ટૂંકાગાળામાં મારા પર વિશ્વાસ મુકીને, મને તમારો ભાઈ ગણીને તમારા જીવનની સાવ અંગત કહી શકાય તેવી વાતો કહી છે. બીજું, મારી જે સમસ્યા છે એને વ્યક્ત કરવા માટે મને મારી એઈજની હોય એ ઉપરાંત એ વ્યક્તિ મેન્ટલી મેચ્યોર પણ હોય એ જરૂરી હતું અને એટલેજ મને આ વાત તમારી સાથે શેર કરવાનું મન થયું અને ત્રીજું મને એ વિશ્વાસ છે કે તમે મને મારી સમસ્યા સાંભળ્યા બાદ સાચી સલાહ જ આપશો કારણકે તમે મારી બહેન હોવાની સાથે એક ફીમેલ પણ છો.” વરુણે સોનલબા પર વિશ્વાસ મુકતા કહ્યું.

“ચોક્કસ અને તારો મારા પરનો વિશ્વાસ ખોટો નહીં પડે એની ગેરંટી હું આપું છું.” સોનલબાએ એમનું ચિતપરિચિત સ્મિત આપતા કહ્યું.

“એની મને ખબર છે. તો મુદ્દા પર આવું?” વરુણ આટલા તણાવમાં પણ સ્મિત કરી શક્યો.

“સાહેબ તમારો ઓર્ડર?” વરુણ હજી પોતાની વાત શરુ કરે એ પહેલા જ વેઈટર આવ્યો અને એનો ઓર્ડર પૂછ્યો.

“અલ્યા, પછી આવને?” સોનલબાને પોતાની વાત કરવાનો મૂડ અચાનક જ તોડી પાડનાર વેઈટર પર વરુણે સહેજ ગુસ્સાથી જોયું.

“સાહેબ તમે વીસ મિનીટથી બેઠા છો. પહેલા આવ્યો ત્યારે કહ્યું કે કોઈની રાહ જોવું છું એટલે પછી આવ. હવે મેડમ આવી ગયા પછી પણ કહો છો કે પછી આવ? સાહેબ અમારે અહીં ફાલતુમાં કોઈને બેસાડવાની મનાઈ છે.” વેઈટરે સત્ય કહ્યું.

“તને હું ફાલતુ લાગુ છું?” વરુણ હવે રીતસર ગુસ્સે થયો.

“ના, સર પણ અમારા માલિક તો અમને લડેને? અહીં આવ્યા છો તો કઈંક તો ઓર્ડર આપવો પડેને? એ પણ અમને પૂછે કે સાત નંબરના ટેબલ પર કેમ કોઈ ઓર્ડર દેખાતો નથી? એમના ટેબલે CCTV છે.” વેઈટરે પોતાની મુશ્કેલી જણાવી.

“ઓકે, ઓકે ભાઈ. મારા માટે તમે ઓરેન્જ જ્યુસ લઇ આવો અને આ સાહેબને જે જોઈતું હોય એ.” સોનલબાએ તંગ વાતાવરણને હળવું કરવાનો પ્રયાસ કર્યો.

“મારા માટે પણ ઓરેન્જ જ્યુસ જ લાવ.” વરુણે વેઈટર સામે રીતસર છાશિયું કર્યું.

“થેંક્યું મેડમ.” વરુણને વધારે ચર્ચા કરવાથી દૂર રાખવા બદલ વેઈટરે સોનલબાનો આભાર માન્યો અને સોનલબાએ જવાબમાં ડોકું હલાવ્યું.

“ચલ હવે બોલ, કોઈજ ડીસ્ટર્બ નહીં કરે આપણને.” સોનલબાએ વરુણને કહ્યું.

“જુઓ, તમે મને કીધું છે એમ હું પણ કદાચ તમારા વરુણભાઈની જેમજ થોડો ફ્લર્ટ કરનારો વ્યક્તિ પણ છું અને સાચું કહું તો મને કોઇપણ સુંદર છોકરી જોઇને લપસી પડવાનું મન થાય છે.” વરુણ એક શ્વાસે બોલવા લાગ્યો.

“સ્વાભાવિક છે, ભઈલા.” સોનલબાએ વરુણને આગળ બોલવાની હિંમત આપતાં કહ્યું.

“ગઈકાલ સુધી મારી આ ફ્લર્ટીંગ કરવાની આદત કે ફક્ત છોકરીને ગમાડવાની આદત ટેમ્પરરી જ હતી. એટલે દરેક વખત હું ફ્લર્ટ કરીને કે કોઈ છોકરીને જોઇને ભૂલી જતો અને આગળ વધતો, પણ...” વરુણે સામે પડેલા ગ્લાસમાંથી એક ઘૂંટડો પાણી પીધું.

“પણ...?” સોનલબાએ અધીરાઈ દર્શાવી.

“પણ ગઈકાલે સુંદરી... પ્રોફેસર સુંદરીને જોઇને...” વરુણ અહીં અટકી ગયો.

“મને ખબર છે.” સોનલબાએ સ્મિત કર્યું.

“કૃણાલીયાએ તમને બધું કહી દીધું?” વરુણ થોડો ગુસ્સે થયો.

“ના, કેમ મને ન ખબર પડે? ખાસકરીને ત્યારે જ્યારે તારું આખું શર્ટ પરસેવે રેબઝેબ હોય?” સોનલબા હજી પણ સ્મિત ફરકાવી રહ્યા હતા.

“એટલે તમે પણ?” વરુણને આઘાત લાગ્યો.

“હું પણ છોકરી છું, મને પણ અમુક નજરે જોતા છોકરાઓ વિષે ખબર છે. મને એ પણ ખબર પડે છે કે કયા છોકરાની નજર કેટલી સારી અને કેટલી ખરાબ છે. પણ મને એમ હતું કે તને મારી પાસે દિલ ખોલતા હજી બે ત્રણ મહિના થઇ જશે, પણ તું તો બીજે જ દિવસે તારા મનની વાત કરવા મારી પાસે આવી ગયો?” સોનલબાએ આંખો નચાવતા કહ્યું.

“માય ગોડ એટલે તમને ગઈકાલથી જ ખબર હતી કે હું...” વરુણ હજી પણ આઘાતમાં હતો એટલે પોતાનું વાક્ય પૂરું ન કરી શક્યો.

“હા અને સવારે તારો તાત્કાલિક મળવા માટેનો મેસેજ વાંચીને મને આઈડિયા તો આવી જ ગયો હતો કે ભાઈસાહેબ મને શું કહેવા માટે આટલા બધા ઉતાવળા થયા છે. ખરેખર, તું મારો વરુણભાઈ જ છો. એ પણ ખૂબ ફ્લર્ટ કરતાં, પણ કોઈ છોકરી બહુ ગમી ગઈ હોય તો એકદમ નર્વસ થઇ જતા.” સોનલબા ખડખડાટ હસી પડ્યા.

“હે ભગવાન! તો હવે તમને ખબર પડી જ ગઈ છે તો મને સલાહ આપો કે મારે શું કરવું જોઈએ. અથવાતો આ બધું શું થઇ રહ્યું છે જેની મને બિલકુલ ખબર નથી પડી રહી.” વરુણ લગભગ ગળગળો થઈને બોલ્યો. એ ખરેખર ગૂંચવાઈ ગયો હતો એ બાબતે કે તેની આ ફીલિંગ શું છે અને તેને એ શા માટે થઇ રહી છે એની આંખ લગભગ ભીની થઇ ગઈ હતી.

“ભાઈલા, હું પણ તારા જેટલીજ નાની છું, કાઈ પચાસ વર્ષની અનુભવી સ્ત્રી નથી કે હું ફટ દઈને તને કહી દઉં કે તારી સાથે શું થઇ રહ્યું છે. હા એટલું કહી શકું કે આ તારું સુંદરી મેડમ પ્રત્યેનું આકર્ષણ તો છે જ. પણ તને જે અલગ પ્રકારની ફીલિંગ થઇ રહી છે શું છે એ હું કેવી રીતે સમજી શકું?” સોનલબાએ પોતાનો મુદ્દો રજુ કર્યો.

“વાત તો તમારી સો ટકા સાચી છે, તમે અને હું બંને એક જ ઉંમરના છીએ અને એ જ ઉંમરના એક જ સરખા તબક્કામાંથી પસાર થઇ રહ્યા છીએ એટલે અનુભવની ખોટ આપણને બંનેને નડી રહી છે. પણ મારી તકલીફનો ઉકેલ તો મારે જોઈએ જ છીએ અને એ પણ એકદમ ઝડપથી. શું કરીશું?”વરુણે પોતાની દાઢી પર આંગળી મુકીને છત પર જોયું અને વિચારવા લાગ્યો.

“હમમ.. તું સાચું બોલે છે. તારે કોઈ ભાઈ નથી? કોઈ કઝીન જે તારાથી થોડો મોટો હોય?” સોનલબાએ વરુણને વિકલ્પો આપવાનો પ્રયાસ કર્યો.

“એવા તો ત્રણ ચાર છે પણ બધા જ બોચીયા છે, રિઝર્વ્ડ યુ નો?” વરુણે નિરાશ થઈને જવાબ આપ્યો.

“મારો વરુણભાઈ પણ નથી, નહીં તો તમે સમદુઃખીયા એકબીજાને જરૂર સમજી શકત.” સોનલબાએ નિરાશાજનક ઉચ્છવાસ બહાર કાઢતા કહ્યું.

“હમમ... ગમે તે થાય મારે આનું સોલ્યુશન તો લાવવું જ છે નહીં હું આમ ડરી ડરીને ન જીવી શકું, એ મારા સ્વભાવમાં જ નથી.” વરુણને હવે કોઇપણ ભોગે કોઈ મદદગાર જોઈતો જ હતો.

“અરે હા! એક વ્યક્તિ છે જે આપણી મદદ કરી શકે.” સોનલબાને અચાનક જ કોઈનું નામ સુઝ્યું હોય એમ બોલી પડ્યા.

“કૃણાલીયાનું તો નામ જ ન લેતા. એણે ગઈકાલે જ મને આ અંગે એકદમ નેગેટીવ ભાષણ આપી દીધું છે.” વરુણને હજીપણ કૃણાલ પર ગુસ્સો હતો.

“ના ના હવે કૃણાલભાઈ નહીં. તું એમને નથી ઓળખતો પણ હું જરૂર ઓળખું છું અને એ પણ બહુ સારી રીતે. જો આપણે તેમને તારી સમસ્યા વ્યવસ્થિતપણે જણાવીશું તો એ જરૂર આપણી મદદ કરશે અને જો એ આપણી મદદ કરશેને ભઈલા, તો એ સો ટચના સોના જેવી મદદ હશે.” સોનલબાના ચહેરા પર આત્મવિશ્વાસ છલકી રહ્યો હતો.

“એવું તો કોણ છે? ભગવાન શ્રીકૃષ્ણ સાથે તમારી ડાયરેક્ટ ઓળખાણ છે કે શું?” સોનલબાનો સાથ મળતા વરુણે હવે થોડીઘણી સ્વસ્થતા ધારણ કરી લીધી હતી.

“ભગવાન શ્રીકૃષ્ણ તો નથી પણ એમનું નામ કિશન જરૂર છે.” સોનલબાએ સ્મિત કર્યું અને એ પણ તોફાની.

“કિશન કોણ કિશન?” વરુણ એ વ્યક્તિને ઓળખવા માંગતો હતો જેને સોનલબા તો ઓળખતા હતા પણ એ નહોતો ઓળખતો અને તેમ છતાં સોનલબા એવું માનતા હતા કે એ અજાણી વ્યક્તિ તેને મદદ કરશે.

“કિશનરાજ જાડેજા!” સોનલબાનું સ્મિત વધુ પહોળું અને મસ્તીખોર બન્યું.

“કિશનરાજ જાડેજા એ કોણ?” વરુણે ઓળખ માંગી.

“કિશનરાજ જાડેજા, કમિશનર ઓફ પોલીસ અમદાવાદ સિટી!” સોનલબાએ ઓળખ આપી.

“અમદાવાદના પોલીસ કમિશનર? પણ એ આપણને કેમ મદદ કરે? ઓહ... વેઇટ, અમદાવાદ કમિશનર એટલે તો... તમારા પપ્પા?” આટલું બોલવાની સાથેજ વરુણ પોતાની ખુરશી પરથી ઉભો થઇ ગયો અને સોનલબા સામે ટગરટગર જોવા લાગ્યો.

સોનલબા પણ એની સામે સ્મિત વેરી રહ્યા હતા પરંતુ અડગ વિશ્વાસથી ભરપૂર સ્મિત.

==: પ્રકરણ ૧૦ સમાપ્ત:==