Ajman interest books and stories free download online pdf in Gujarati

અજમાનુ વ્યાજ

( આપણે જે નવી પદ્ધતિ તરફ દોડી રહ્યા છીએ, ને આપણી ચિકિત્સા પદ્ધતિ જે ખુદ દૈવી શક્તિ દ્વારા આપને મળી હતી તેમાં આપણી શ્રદ્ધા ઘટી રહી છે, તેને પુનઃ જીવીત કરવાનો છે
આજના કોરોના COVID-19 કાળ માં, જેને આપણને ઘણું બધું શીખવાડી દીધું, તેમ આપણી જુની ને અસરકારક આયુર્વેદ પધ્ધતિ ફરીથી જીવંત કરી દીધી સાથે સાથે આપણને અને દુનિયાને પોતાની તાકાત પરચો આપ્યો.
દુનિયા ભલે જેને દાદીમાં નું રસોડું કે નુસખા કહી ને મજાક ઉડાવી રહી હોય પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આયુર્વેદકાયમ કપરા સમયમાં લોકો ને ઉગારી છે. આપણાં પૂર્વજો પાસે ભલે ભણતર ઓછું હતું પણ જ્ઞાન નો અભાવ નહોતો. તેથી જ લોકો લાંબુ આયુષ્ય ને સુખી જીવન જીવતા હતા. આપણને તેમાં થી કૈંક જાણવા મળે તે ઉદ્દેશ્ય થી હું આપની સમકક્ષ આ રજૂ કરી રહ્યો છું, આશા રાખું છું કે મિત્રો આપને ગમશે.)

_________♦️♦️♦️_______________♦️♦️♦️__________


☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*ચપટી અજમાનું વ્યાજ....


અમદાવાદ આયુર્વેદ કોલેજમાં પંચમ વર્ષમાં શીતપિત્ત, ઉદર્દ, કોઠ અને ઉત્કોઠ શીખવતી વખતે એક ભુલાઈ ગયેલો કેસ યાદ આવી ગયો.

રોગીનું નામ યાદ નથી. કેસ નંબર કે તારીખ યાદ નથી. થાય છે, આજે જે રીતે હું સફળ થયેલા કે ખાસ નિષ્ફળતા મળેલા વિશિષ્ટ કેસોની નોંધ રાખું છું તે રીતે પહેલાંથી જ નોંધ રાખતો હોત તો કેવું સારું થાત ? પ્રત્યેક ચિકિત્સકે આવી એક આતુરનોંધ રાખવી જ જોઈએ.

પ્રાય ૧૯૬૧ના શિશિર દિવસો હશે. આતુર (દરદી) હતો લોકભારતીના લોકશિક્ષણ વિભાગનો દ્વિતીય કે તૃતીય વર્ગનો વિદ્યાર્થી. ચહેરો યાદ છે, નામ યાદ નથી, એક શીતળ સવારે દવાખાને આવી એણે જણાવ્યું :

*ગઈ રાતથી શીળસ ઊપડ્યું છે. આખું શરીર ઊપડી આવ્યું છે. રાતભર સૂઈ પણ શક્યો નહિ. રાત્રે તમને બતાવવા આવતો હતો પણ......*

*‘ઠંડીમાં ફર્યા હતા, કાંઈ વિરુદ્ધ આહાર કર્યો હતો ?'*

*‘ડુંગળીનું ખારિયું, કઢી અને દૂધ ખવાયાં હતાં....રાત્રે ઘચરકા પણ આવેલા. સૂતો હતો તો ખુલ્લામાં જ !'*

શીતપિત્ત, ઉદર્દ વગેરેમાંથી ક્યો પ્રકાર છે તે નક્કી કરવા મેં તેનાં નિદાન, પૂર્વરૂપને જાણવા કેટલાક પ્રશ્નો પૂછ્યા.

પૂર્વરૂપમાં ‘रक्तलोचनता' નું લક્ષણ ન હોવાથી શીતપિત્ત ન હતું. ફરતે ઊપસેલા, વચ્ચે નમેલા, મોટાં, લાલ ચકામાં હતાં એટલે ઉદર્દ હશે તેવું નિદાન કર્યું. કંડુ અને તોદની બહુલતા તો હતી જ.

*सगुडं दीप्यकं यस्तु खादेत् पथ्यानमूनरः ।*
*तस्य नश्यति सप्ताहादुदर्दः सर्वदेहजः ।।*
*(चक्रदत्त, उदर्दशीतपित्तचिकिस्ता, श्लोक-४)*

*પથ્યનું પાલન કરતા-કરતા સાત દિવસ સુધી જૂના ગોળ સાથે અજમાનું સેવન કરનાર વ્યક્તિનું આખા શરીરે ફેલાયેલ ઉદર્દ મટે છે તે “ચક્રદત્ત"ની ઉક્તિ યાદ આવી.*

મેં કહ્યું : “એમ કરો, કેવળ ચોખા, મગ, કારેલાં, સરગવો, કળથી, કુમળા મૂળા, પરવળ, દાડમ, હળદર જેવો પથ્ય આહાર લઈ પકાવેલું પાણી પીવાનું રાખી સાત દિવસ સુધી અર્ધો તોલો અજમા સાથે એક તોલો જૂનો ગોળ મેળવી ખાવાનું રાખો, સાત દિવસે ચોક્કસ મટી જ જશે.

ઠંડો પવન તડકો, સ્નાન, દિવસની ઊંઘ, મીઠું, દૂધની બનાવટો, શેરડીની યોજનાઓ, ખટાશ વગેરે ન લેશો.

ભૂલ કરશો તો આ નાનો જણાતો રોગ પાછળથી મટાડવો ખૂબ મુશ્કેલ પડશે અને હેરાન હેરાન થઈ જશો.'

મારું સાંભળીને એ ગયો તો ખરો પણ વૈદ્ય હોવા છતાં મેં દવા આપવાને બદલે સાવ ઘરગથ્થુ, સરળ, ખુલ્લો ઉપચાર બતાવી દીધો તેથી તેને સંતોષ નહીં થયો હોય, કદાચ પથ્યપાલનથી ગભરાયો હશે કે કોઈએ ડૉક્ટરી ચિકિત્સાથી ઘડીના છઠ્ઠા ભાગમાં મટી જશે...એક ઇન્જેક્શન દીધું કે રોગ ગયો...તેવું મિથ્યા પ્રલોભન આપ્યું હશે.

*ગમે તે કારણે, પણ તે દરદી સીધો ભાવનગર જઈ ત્યાંના એક પ્રખ્યાત ડૉક્ટરની સલાહ પ્રમાણે ઇંજેક્શનો વગેરે ખરીદી પોતાના વતનમાં સારવાર લેવા પહોંચી ગયો. અઢી - ત્રણ માસમાં પ્રાયઃ એક સો જેટલાં “Milk નાં ઇંજેક્શનો લીધાં પણ રોગ લંબાતો ગયો. ઊંડો ઊતરતો ગયો, વધુ ને વધુ ગૂંચવણ ઉપજાવતો ગયો.*

કંટાળીને છેવટે સારવાર પડતી મૂકી એપ્રિલમાં પરીક્ષા આપવા આવ્યો ત્યારે, આવીને સીધો મને મળ્યો. દયા ઊપજે તેવી સ્થિતિ હતી.

શરીર સાવ કૃશ, ફિક્કું થઈ ગયું હતું, ત્વચાનો રંગ કાળાશમાં પરિણમી ગયો હતો. આખા શરીરે કઠણ, કાળાં, ખંજવાળ, પીડા અને દાહયુક્ત ઢીમચાં કાયમી મુકામ કરી ગયાં હતાં.

મેં તેને વધારે સહાનુભૂતિથી તપાસ્યો. હવે એ રોગ ઉદર્દને બદલે 'કોઠ' કક્ષામાં પ્રવેશી ચૂક્યો હતો.

કેવળ શમન નહિ, શોધન ક્રિયાને પણ માંડમાંડ ગણકારે તેવો બળવાન બની ગયો હતો.

*પરાજયના શરણાગતિ સ્વરે એણે કહ્યું : બધાય પ્રયાસ કરીને થાક્યો. હવે તો તમે જેમ કો' તેમ કરવું છે.*

*ચાર સો રૂપિયાનું પાણી કરી નાખ્યું. અઢી ત્રણ મૈના બગડ્યા અને દુઃખી થયો તે વધારામાં !'*

( આજના સમયે એ પૈસા શું કિંમત હસે એ સમજી શકાય)

‘ત્યારે માન્યું હોત તો કેવળ અજમાથી સારું થઈ જાત. ચાર સો રૂપિયા તો એ ચપટી અજમાનું વ્યાજ થયું ! એનું ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવા તો હવે વધારામાં લોહી પણ ચૂકવવું પડશે, અજમા તો છે તેના તે જ રહેશે. હવે એ સાતને બદલે ચૌદ દિવસ !'

બીજા દિવસથી તેને સરસિયા તેલની માલિશ કરી, ધમાસાના ગરમ પાણીથી નવરાવી, મહાતિક્તઘૃતના સ્નેહન બાદ ફસ ખોલવાને બદલે ગ્લુકોઝ સિરીંજ દ્વારા પચીસ ત્રીસ સી.સી.જેટલું લોહી ખેંચ્યું, ઔષધમાં જૂના ગોળ સાથે અજમા ઉપરાંત રોગને ઊંડાણમાંથી ઉખેડવા મહામંજિષ્ઠાદિ ક્વાથ, ત્રિફલા, ગંધક રસાયન, આરોગ્યવર્ધિની અને સૂતશેખર પણ યોગ્ય માત્રામાં આપતો. વમન, વિરેચન કરાવવાની આવશ્યક્તા જણાતી હતી પણ તે માટે પ્રતિકૂળતા હતી.

*પથ્યપાલન સાથે પૂરા પંદર દિવસના ક્રમ પછી રોગ પર પૂરેપૂરો વિજય મેળવી શકાયો. પછી તો તેણે ત્યાં એક-બે વર્ષ અભ્યાસ કર્યો પણ શીળસદેવતા ક્યારેય ડોકાયા નહોતા.*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️

( મિત્રો આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો એવી આશા રાખું છું ને આશા રાખું છું કે આપને આ ગમી હશે)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED