પતિ પત્ની અને પ્રેત - ૩૦ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૩૦

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૦

ચિલ્વા ભગત પાછળ રિલોક અને જામગીર ચાલવા લાગ્યા. રેતાને એકલી મોકલવા બદલ ચિલ્વા ભગતને હવે અફસોસ થઇ રહ્યો હતો. રેતાને શોધવા માટે આખું ગામ ખુંદી વળવું પડશે. જશવંતભાઇ હમણાં જ નાગદાના ઘરની મુલાકાત લઇને આવ્યા છે. એમણે રેતાને જોઇ નથી. તે જામગીરકાકાના ઘરે પણ આવી નથી. ચિલ્વા ભગતે વિચારીને કહ્યું:"ચાલો, પહેલાં મારા ઘર પર નજર કરતા જઇએ. રેતા કદાચ ત્યાં મને મળવા આવી હોય અને રાહ જોતી હોય તો..."

રિલોક અને જામગીર એમને અનુસર્યા.

ચિલ્વા ભગતના ઘર પાસે કોઇ દેખાયું નહીં. રેતા અહીં આવી હોય એવું લાગતું ન હતું. ત્યાં એક મહિલા દોડતી આવી. તેના વેશ પરથી તે ગામની જ હોવાનો જામગીરને ખ્યાલ આવી ગયો. તેને ઓળખીને પૂછ્યું:"રંજલી, આમ કેમ દોડતી આવી? જરા શ્વાસ લે અને બતાવ કે શું થયું?"

"ભગત, ચાલો જલદી એક સ્ત્રીને માતાજી આવ્યા છે..." રંજલી હાંફતા હાંફતા ભગત તરફ જોઇને બોલી.

"ક્યાં છે એ સ્ત્રી? તું એને ઓળખે છે?" ભગતે પોતાની ઝોળીને હાથમાં લેતાં સાથે જવાની તૈયારી કરી.

'ના ભગત, પહેલીવાર જોઇ છે. એના માથામાં ઇજા પણ થઇ છે. બહુ ધૂણે છે. ક્યારેક હસે છે અને ક્યારેક રડે છે. બહુ વિચિત્ર હરકતો કરે છે. રવજીએ એને દવાખાના પાસેના ઝાડ સાથે બાંધી રાખી છે. અમે શહેર તરફ જતા હતા ત્યારે એને જોઇ દયા આવી ગઇ. અમને લાગ્યું કે એને કોઇ ડૉકટર કરતાં ભગતની સારવારની વધારે જરૂર છે. રવજી ત્યાં જ બેઠો છે. જલદી ચાલો..."

જામગીરકાકાએ રિલોક તરફ જોયું. એમની નજરમાં એવો પ્રશ્ન હતો કે એ રેતા તો નહીં હોય ને? રિલોક તરત જ બોલ્યો:"ભગત અમે પણ આવીએ છીએ..."

ભગત સમજી ગયા કે બધાંને એકસરખા વિચાર આવી રહ્યા છે. એ સ્ત્રી રેતા હોવાની પૂરી શક્યતા છે.

બધાં ઝડપી પગલાં ભરતા દવાખાના પાસે પહોંચ્યા ત્યારે એ સ્ત્રીના વાળ વિખરાયેલા હતા. તે જોરજોરથી હસતી હતી. તેણે મગજ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. રિલોક બોલી ઉઠ્યો:"આ તો રેતા જ છે. તેની આવી દશા કેવી રીતે થઇ ગઇ? ભગત એની સારવાર કરો. હું એના પરિવારને શું જવાબ આપીશ?"

"ભાઇ, ધીરજ ધર. ભગતજી હમણાં કોઇ ઉપચાર કરશે..." જામગીરે એને આશ્વાસન આપ્યું અને ભગત પર વિશ્વાસ જાહેર કર્યો.

ભગતે કંઇ બોલ્યા વગર પોતાના ખભા પરની ઝોળીમાંથી એક પ્લાસ્ટિકની થેલીમાં ભરેલી ભભૂતિ કાઢી અને મુઠ્ઠીમાં લઇ બોલવા લાગ્યા:"જય શિવશંકર, જય શિવશંકર, બલાને કર અંદર, બલાને કર અંદર..."

ભગતની મુઠ્ઠી ધ્રૂજવા લાગી. તેમણે બીજા હાથથી ઝોળીમાંથી કેટલીક સામગ્રી કાઢીને જમીન પર મૂકી અને એમાં ભડકો થયો. એ આગમાં મુઠ્ઠીમાંની ભભૂતિ હોમી દીધી. પછી એક કાળું ફૂલ કાઢી એને રેતાના માથા પર ફેરવ્યું. રેતા હાથ છોડાવવા બબડવા લાગી અને પછી જોરજોરથી હસવા લાગી.

ભગતે શ્લોક ઉચ્ચારીને ફૂલને આગમાં હોમી દીધું. એ સાથે જ તડતડ અવાજ આવ્યો અને સફેદ ધૂમાડાના ગોટેગોટા આકાશ તરફ ઉઠ્યા. થોડી જ ક્ષણોમાં રેતા શાંત થઇ ગઇ. તે આંખો બંધ કરીને કોઇ ધ્યાનમાં ડૂબી ગઇ હોય એમ લાગ્યું.

ભગતે ઇશારો કરી એના હાથપગ છોડવા કહ્યું અને રંજલી તરફ જોઇને બોલ્યા:"એને થોડીવાર ઓટલા પર સૂવડાવી દે. એના માથા પરનો ઘાવ લૂછીને આ ઔષધિ લગાવી દે. અત્યારે એ ઉંઘમાં છે. જલદી જાગી જશે..."

ચિલ્વા ભગતની વાત સાંભળી રિલોક અને જામગીરના દિલમાં શાંતિ થઇ.

થોડીવાર પછી રેતાએ આંખો ખોલી:"હું...હું ક્યાં છું?"

રેતાનો અવાજ સાંભળી રિલોકને ખુશી થઇ. એ સાથે ફડકો પેઠો કે ક્યાંક એણે યાદદાસ્ત ગુમાવી દીધી તો નથી ને?"

"તું ગામમાં જ છે. ચિંતા ના કરીશ. કંઇ થયું નથી..." જામગીરે તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું.

"હું અહીં આવીને કેમ સૂઇ ગઇ?" રેતાના પ્રશ્નો ચાલુ હતા.

"એની વાત પછી કરીશું. તને કોઇ તકલીફ તો નથી ને? અને આ ભગત છે એટલે તું ચિંતા ના કરીશ..." જામગીરે તેને આશ્વાસન આપ્યું.

"કાકા, હું તો નાગદાને મળવા ગઇ હતી...અહીં આ સ્થિતિમાં કેવી રીતે આવી ગઇ?" રેતાને કંઇ યાદ આવતું ન હતું. તે બેઠી થાઇ ગઇ.

"બેટા, તારે યાદ કરવું પડશે..." જામગીરે એને પ્રયત્ન કરવા કહ્યું.

"કાકા...હું ભગતને ત્યાંથી નીકળીને નાગદાના ઘર પાસે ગઇ. ત્યાં ભસ્મથી વાડનો દરવાજો ખોલ્યો અને એના મકાનના દરવાજાની સાંકળ ખખડાવી. નાગદા બહાર આવી અને મેં...મેં એની પાછળ...."

"હા, બોલ કોણ હતું?" જામગીર ઉત્સુક્તાથી બોલ્યા.

"એ...એ...વિરેન જ હતો..." રેતા વિશ્વાસ સાથે બોલી.

"ઓહ, તો વિરેન એની પાસે જ છે. આપણે વહેલી તકે એને છોડાવવાનું આયોજન કરવું પડશે. પણ તને એણે શું કર્યું કે તું આમ ગાંડી જેવી થઇ ગઇ?" ભગતે વિરેનનો પતો મળી ગયો એની ખુશી વ્યક્ત કરીને પૂછ્યું.

"મને ખબર જ નથી કે એ પછી શું થયું. મેં વિરેનને બૂમ પાડી અને પછીનું કંઇ યાદ જ આવતું નથી..." રેતાએ મગજ બહુ કસી જોયું પણ તે નિષ્ફળ રહી.

ચિલ્વા ભગતની નજર રેતાના મંગળસૂત્ર પર પડી. તે ચમકીને બોલ્યા:"રેતા, તારા પર એણે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હશે પણ આ મંગળસૂત્રએ તારી રક્ષા કરી છે. એ તને શારિરીક ઇજા પહોંચાડી શકી નથી. તને માનસિક રીતે ક્ષુબ્ધ કરી દીધી છે. તારા મગજ પરનો કાબૂ એણે ગુમાવડાવી દીધો હશે. તને માનસિક રીતે હેરાન કરી છે. તું આજનો દિવસ આરામ કર..." ભગતે સલાહ આપી.

"ના, હું આરામ કરવા માગતી નથી. ફરી એના ઘરે જઇશ અને વિરેનને પાછો લઇને આવીશ." રેતા જુસ્સામાં બોલી.

"રેતા, તું તારું મંગળસૂત્ર સાચવજે. ભૂલથી પણ કોઇને આપતી નહીં. એ તારું સાચું રક્ષક છે...." ભગતે પોતાની જૂની ચેતવણી ઉચ્ચારી.

"હા ભગત, મને પણ લાગે છે કે આ મંગળસૂત્રએ જ મને બચાવી છે. પણ મને આ મંગળસૂત્ર પહેરાવનારને કોણ બચાવશે? મારે જ જવું પડશે..." રેતા જીદે ચઢી હતી.

ચિલ્વા ભગતે કંઇક વિચારીને કહ્યું:"રેતા, તારે વધુ શક્તિ અર્જીત કરવી પડશે. ગામમાં જંગલ પાસે એક વડનું ઝાડ છે. ત્યાં બેસીને તારે એકલીએ વડદેવતાની પૂજા કરવી પડશે. વડદેવતાની આરાધના કરવી પડશે. હું બધી વ્યવસ્થા કરી આપું છું...." કહી ચિલ્વા ભગતે બધાને પોતાના ઘરે આવવા કહ્યું.

રિલોકે રંજલી અને તેના પતિ રવજીનો આભાર માન્યો.

રંજલીએ તેને જેટલો ખ્યાલ આવ્યો હતો એના પરથી રેતાને આશીર્વાદ આપતાં કહ્યું:"સદા સુહાગણ રહે..."

ચિલ્વા ભગતે રેતાને કહ્યું કે તું હોટલ પર આરામ કરીને સાંજે આવજે. સૂરજ ડૂબ્યા પછી એક વિધિ કરવાની છે.

રેતા અને રિલોક હોટલ પર જતા રહ્યા.

સાંજે રેતા ચિલ્વા ભગતના ઘરે આવી.

ચિલ્વા ભગતે સામગ્રી તૈયાર કરીને રેતાને પોતાની સાથે આવવા કહ્યું અને રિલોકને જામગીરના ઘરે બેસવાની સૂચના આપી. રિલોકે રેતાને સાવધાન રહેવાનું કહ્યું.

ચિલ્વા ભગતે વડ પાસે એક યજ્ઞ ચાલુ કરીને એમાં જવ અને બીજી સામગ્રી હોમતા રહેવાનું કહી રેતાને વિધી શરૂ કરવા કહ્યું.

"રેતા, આ વિધિ ત્રણ કલાકની છે. એનાથી તારો પતિ જલદી પાછો મળશે...આ વિધિ વખતે કોઇની પણ હાજરી વર્જિત છે. હું ત્રણ કલાક પછી આવીશ...." કહીને ચિલ્વા ભગત પોતાના ઘર તરફ રવાના થયા.

રેતા વિધિ કરવા બેસી ગઇ.

એક-દોઢ કલાક થયો હશે ત્યાં રેતાની નજર દૂર કોઇ માનવ ફરતું હોય એવો ભાસ કરવા લાગી. તેણે યજ્ઞનો ધૂમાડો હાથથી હટાવી ધ્યાનથી જોયું તો કોઇ પુરુષ આમતેમ આંટા મારી રહ્યો હતો. તેને વિરેન હોવાનો ભાસ થયો. રેતાએ બૂમ પાડી:"વિરેન...વિરેન...."

એ પુરુષ દોડતો તેની નજીક આવ્યો અને બોલ્યો:"રેતા! તું અહીં શું કરી રહી છે?"

"વિરેન...તું આવી ગયો...? પેલીની ચુંગાલમાંથી છૂટી ગયો?" રેતા ઊભી થઇને હર્ષના આંસુ સારવા લાગી. અને એને ભેટવા જવા લાગી.

"ત્યાં જ ઊભી રહે...હજુ હું એ નાગદાના બંધનમાં છું. મને સ્પર્શ કરીશ તો તને કંઇક થઇ જશે. તું થોડીવાર પહેલાં આવી ત્યારે તેં મને બૂમ પાડી. તારો ચહેરો જોઇને મારી યાદશક્તિ પાછી આવી ગઇ છે. કદાચ તારા મંગળસૂત્રના પ્રભાવથી મને મારી પતિ તરીકેની જિંદગી યાદ આવી છે. હું તને ઓળખી ગયો હતો. મેં નાગદાને એ વાત કરી નથી. તેની જાણ બહાર તને શોધવા નીકળ્યો છું. કેમકે એના બંધનમાંથી પહેલાં છૂટવાનું છે. તે મને પતિ કહી રહી છે. મને ખબર પડી ગઇ છે કે હું એની જાળમાં ફસાયો છું. એનામાં જયનાનું પ્રેત છે. એ મને પતિના બંધનમાં બાંધવા માગે છે. જો હું આ મંગળસૂત્ર એના ગળામાં નાખું તો એ એનાથી ભસ્મ થઇ જાય એમ છે. તું મારી મદદ કર. આ મંગળસૂત્ર મને આપ. હું એનાથી જયનાને ભસ્મ કરીને આવું છું. તું મારી રાહ જોજે..." વિરેને આખી વાત સમજાવી.

"વિરેન, આ લો મારું મંગળસૂત્ર અને એને ભસ્મ કરી નાખો. પણ એ પહેલાં એને કહેજો કે આજ પછી એક પતિવ્રતા સ્ત્રીની શક્તિને ઓછી આંકવાની ભૂલ ના કરે. કોઇના પતિ પર હક જમાવતા પહેલાં એ ભૂલે નહીં કે એક પતિવ્રતા સ્ત્રી પોતાના અધિકાર માટે કંઇપણ કરી શકે છે. અને હા, આ મંગળસૂત્ર સાચવજો. બહુ કિમતી છે. એ રૂપિયા કરતાં તેને જે વિધિથી મેં પહેર્યું હતું એની શક્તિને કારણે કિમતી છે..." રેતાએ સૂચના આપી.

"હા, મને ખબર છે. તું ચિંતા ના કરીશ...હું જલદી પાછો આવું છું." કહીને વિરેન ઝડપથી ત્યાંથી નીકળી ગયો.

રેતા પાછી વિધિમાં બેસી ગઇ.

સમય પસાર થતો રહ્યો. ત્રણ કલાક પછી ચિલ્વા ભગત, રિલોક અને જામગીર આવ્યા.

રેતાને વિધિ કરતી જોઇ ચિલ્વા ભગતને થયું કે આ સ્ત્રી પોતાના પતિને પાછો મેળવીને જ જંપશે.

"બોલો બમ બમ બમ... બલા ભાગે રમ રમ" કહીને ચિલ્વા ભગતે રેતાના માથા પર હાથ મૂક્યો.

રેતાએ ધીમેથી આંખો ખોલી અને ચિલ્વા ભગતને પ્રણામ કર્યા.

"સદા સુખી રહે, સુહાગણ રહે..." કહી ભગતે આશીર્વાદ આપ્યા.

અચાનક ભગતની નજર રેતાના ગળા પર પડી અને ચમકીને પૂછ્યું:'રેતા, મંગળસૂત્ર ક્યાં ગયું?"

રેતાએ ખુશ થઇને વિરેનના આગમનની વાત કરી.

ચિલ્વા ભગત પરેશાન થઇ ગયા:"રેતા, તેં આ શું કર્યું? એ વિરેન ન હતો..."

"શું વાત કરો છો?" રેતાએ ચોંકીને પૂછ્યું.

"હા, એ જયનાનું ભૂત હતું. તારી પાસેથી મંગળસૂત્ર આંચકી ગયું છે. હવે બાજી એના હાથમાં આવી ગઇ છે.

વધુ એકત્રીસમા પ્રકરણમાં...