રચનાત્મક અભિગમ Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રચનાત્મક અભિગમ

પ્રેમથી બને પરિવાર અને સમજથી બને સમાજ

પરિવાર ને પ્રફુલ્લિત અને સમાજ ને વિકસિત બનાવવો હોયતો માનવીમાં શ્રવણશક્તિ અને સમજણશક્તિ મજબૂત હોવી જરૂરી છે. પોતાનામાંથી પોતાના શોધવા અઘરું છે પણ અશક્ય નથી. હદયમાં પ્રેમની લીલીછમ લાગણી અને મનમાં ભાવસભર વિચાર યાત્રાથી દરેક પરિવાર અને સમાજ મહેંકી ઉઠે છે.
એક અને નેક પરિવાર શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરે છે. એકતા અને સંપ પરિવાર અને સમાજનો પાયો મજબૂત કરે છે. સમાજ સંગઠિત બને છે અને તેમાં નવીન ઊર્જા અને શક્તિનો સંચાર થાય છે. એકઠા કે એકત્ર થવું તેના કરતા એક થવું વધુ આવશ્યક છે.
"દુનિયામાં રંગ તો ઘણા છે , જો
રંગોળી થવું હોયતો ભેગુ થવું પડે"
જીવનમાં પીડા અને પ્રસન્નતા, સમસ્યા અને સમાધાન અને મુશ્કેલી અને માર્ગ એ સિક્કાની બે બાજુ છે. સિક્કાની એક બાજુ દેખાય છે પણ બીજી બાજુ નો હંમેશા ઇન્તજાર હોય છે પોતાની તરફ પલટવા ના વારા નો....
મિત્રો, દુનિયામાં જ્યારે જ્યારે લોકો તમને ફૂટબોલ સમજીને કિક મારે છે, ત્યારે એ લોકોને ખબર નથી હોતી કે એ લોકો તમને ગોલ તરફ લઈ જઈ રહ્યા છે. તમે તમારી ઇચ્છિત વસ્તુ માટે સંઘર્ષ કે લડાઈ ના કરો તો તમે જે ગુમાવ્યું છે તેના માટે રડવાનો કે શોક કરવાનો કોઈ અધિકાર નથી. એવો સમય પણ જીવનમાં કોઈ વાર આવે છે કે સમજદાર હોવાની કારમી સજા મળી હોય. રડવું છે આંખોને અને હોઠોને હસવાની ફરજ પડી છે, તેવું પણ બન્યું હોય.
પરિવારમાં અને સમાજમાં કોણ આવ્યું અને કોણ ગયું એના કરતાં કોણ હજી પણ તમારી સાથે ઉભુ છે એનું વધારે મહત્વ છે.
ઘમંડ, ઈગો અને ગુમાન જીવનમાં કદી ના રાખવું કારણકે આપણ ને વહેમ હોય છે કે આખો બગીચો આપણી પાસે છે, પરંતુ વાવાઝોડા પછી ખબર પડે કે સૂકા પાંદડા ઉપર પણ હક તો પવનનો જ હતો. માણસ ખામી શોધવાને બદલે ખૂબી શોધવાનો પ્રયત્ન કરે તો પરિવાર અને સમાજ અખંડ અને અવિભાજ્ય રહે છે.
મનગમતી વ્યક્તિ સાથે વાત કરવાથી દરેક દર્દ માનવીને દવાની ગરજ સારે છે. સુખ અને સમય નૂતન પ્રભાત સમાન છે. માંગવાથી નહી પરંતુ જાગવા થી મળે છે. નિરામય આરોગ્ય રહે તો મન સુખી રહે છે અને જો મન સુખી રહે તો જીવનયાત્રા સુખમય રહે છે. સમજણથી સંબંધ વિકસિત થાય છે. સંબંધ નો આધાર લાગણીઓ છે, માંગણીઓથી તો સંબંધ ખંડિત થાય છે. સહન કરવાની, સાંભળવાની અને સમજવાની તૈયારી થી પરિવાર અને સમાજ ટકી રહે છે.
પરિવાર અને સમાજમાં આત્મીયતા ને બરકરાર રાખવા માટે માન - અપમાન, ગુણ - દોષ અને ન્યાય - અન્યાય તથા સદભાવના રાખી ને સ્વીકાર એ જ સફળતા અને પ્રસન્નતા ની ચાવી છે.
મિત્રો, સમજ અને સૌજન્ય પૂર્ણ વ્યવહારથી પરિવાર અને સમાજ માં સ્નેહના સંદેશ નું પ્રાગટ્ય સદૈવ આપ કરો.
કોઈનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં ના રાખતા
જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત કરવા માટે ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિને ધારણ કરવું આવશ્યક છે. જ્યારે ઈશ્વરની કૃપા તમારા ઉપર વરસતી હોય ત્યારે કોઈનું ધ્યાન રાખજો, પરંતુ કોઈને ધ્યાનમાં ના રાખતા. કોઈના પ્રત્યે વહેમને બદલે રહેમ રાખજો, ટીકા ને બદલે ટેકો કરજો અને સહાનુભૂતિની સાથે સહારો બનજો. કર્તવ્યપરાયણ માનવી સેવાપરાયણ વૃત્તિ ધરાવતો હોય છે. પર - સેવા થી સેવા મહેંકી ઉઠે છે. કોઈને આંજવા કે માંજવા કરતા સમજવાનો પ્રયત્ન માનવીને પ્રવુત્તિનારાયણ બનાવે છે અને દરિદ્રનારાયણ સુધી પહોંચીને તેના હદયમાં સ્મિતનું પ્રાગટ્ય કરાવવામાં નિમિત્ત બને છે.
ઈર્ષા, નિંદા, કુથલી, અહમ્, વહેમ અને અજ્ઞાન ને દૂર કરવાની કોશિષ જીવનયાત્રા ને સરળ, સહજ અને નિર્મળ બનાવે છે. જીવનમાં જતું કરવાની ભાવના અને ઉદારતા ને અપનાવવાથી સમજણનો સેતુ પ્રસ્થાપિત થાય છે. આનંદ આપોઆપ પ્રગટ થાય છે, મધુરતા માનસપટ ઉપર અંકિત થવાથી મન પ્રફુલ્લિત રહે છે અને નબળા વિચારો, ખોટું કરવાની વૃત્તિ અને બદલો લેવાની ભાવના જોજનો દૂર રહે છે.
જીવનને નવજીવન બનાવવા અને નવજીવન ને નવપલ્લિત બનાવવા માટે માનવી એ સદગુણો નું પંચામૃત ગ્રહણ કરવું પડે.....
(૧) શ્રમનું ગૌરવ કરો.
(૨) સંસ્કાર - સંસ્કૃતિ જાળવો.
(૩) માનવ ધર્મની જોડે રહો.
(૪) પ્રભુ પ્રત્યે અગાધ આસ્થા
(૫) સ્વ ના અસ્તિત્વનો અહેસાસ
પંચામૃત થી જીવનયાત્રા ગૌરવ અને ગરિમા પુર્ણ બનશે. જો ભૂલા પડ્યા હોવ તો પરિવર્તનને સહજતાથી અને ખેલદિલી પૂર્વક સ્વીકારવાની તૈયારી રાખજો અને આ પરિસ્થિતિનો સ્વીકાર તમને ચોક્કસ મંઝિલ સુધી લઈ જશે.
મનના માલિક બનજો અને કદી મનના ગુલામ ના બનશો. સકારાત્મક મન જીવનમાં રચનાત્મક અભિગમ તથા હકારાત્મક વર્તન તરફ દોરી જશે.
આશિષ શાહ
9825219458