Anant Safarna Sathi - 17 books and stories free download online pdf in Gujarati

અનંત સફરનાં સાથી - 17

૧૭.અદભૂત મિલન




કોમ્પિટિશન પૂરું થતાં જ રાહી જેવી રાધિકા પાસે ગઈ. રાધિકા તો તેને ગળે જ વળગી ગઈ. દામિનીબેન અને રાજુભાઈનાં આશીર્વાદ લીધાં પછી રાહી તન્વીને ગળે મળી.
"કોન્ગ્રેચ્યુલેશન, આખરે તમે જીતી જ ગયાં." શ્યામ અને શુભમે રાહીને અભિનંદન પાઠવ્યા.
રાહી બધાંને મળીને શિવાંશ સામે જોવાં લાગી. પણ એ કંઈ નાં બોલ્યો. અખિલેશ ચતુર્વેદીએ જે કર્યું. એ વાત જાણ્યાં વગર તેને ચેન પડવાનું ન હતું. તેણે કંઈ જાણ્યાં વગર જ રાહીનો સાથ તો આપ્યો હતો. પણ એ હકીકતથી હજુયે અજાણ હતો.
કોમ્પિટિશન પૂરું થતાં જ બધાં લોકો જવાં લાગ્યાં. રાહી પણ પોતાની મોડેલ્સનો આભાર વ્યક્ત કરીને કપડાં ચેન્જ કરીને આવી ગઈ. બધાં બહાર કાર પાસે તેની રાહ જોઈ રહ્યાં હતાં. રાહી બધાં સામાન સાથે એ તરફ ગઈ. શ્યામે શિવાંશની કાર ડ્રાઈવ કરી તો રાજુભાઈ તેમની કાર ડ્રાઈવ કરીને ઘર તરફ જતાં રસ્તે રવાનાં થયાં. બધાં ઘરે આવી પહોંચ્યાં. ત્યાં સુધીમાં બાર વાગી ગયાં હતાં.
દામિનીબેન અને રાજુભાઈ પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. બાકી બધાં પોતપોતાનાં રૂમમાં જતાં રહ્યાં. તન્વી રૂમમાં જઈને કપડાં ચેન્જ કરીને આવી. ત્યારે રાધિકા રૂમમાં ન હતી. પણ એ આ સમયને શુભમ સાથે વાત કરવાનો મોકો સમજીને તેની સાથે વાતોમાં લાગી ગઈ.

રાધિકા એકલી જ ટેરેસ પર બેઠી હતી. તેનાં ચહેરા પર રાહી જીતી ગઈ. તેની ખુશી સાફ નજર આવતી હતી. એટલીવારમાં જ શ્યામ અચાનક ત્યાં આવી પહોંચ્યો. રાધિકાને ટેરેસ પર જોઈને શ્યામ તેની પાસે ગયો.
"તું અત્યારે અહીં શું કરી રહી છે??" શ્યામે આવતાંની સાથે જ પૂછ્યું.
"આ સવાલ તો હું પણ તને કરી શકું." રાધિકાએ શ્યામ સામે આંખો ફાડીને જોતાં કહ્યું. "ખેર, એ વાત જવાં દે. મારું એક કામ કરીશ??" રાધિકાએ થોડીવાર કંઈક વિચારીને પૂછ્યું.
"શું?" શ્યામે તેની પાસે ઉભાં રહીને પૂછ્યું.
"એક બિયર લાવીશ?? દીદુની જીતનું સેલિબ્રેશન કરવું છે." રાધિકાએ કોઈ પણ પ્રકારનાં ભાવ વગર કહ્યું. પણ શ્યામનાં તો હોંશ જ ઉડી ગયાં. રાધિકા આટલી રાતે એક છોકરી થઈને બિયર માંગતી હતી. એ સાંભળતાં જ શ્યામને તો ચક્કર આવી ગયાં.
"તું પાગલ થઈ ગઈ છે??" શ્યામે રાધિકા સામે આંખો ફાડીને જોતાં પૂછ્યું.
"કેમ?? છોકરીઓ બિયર નાં પી શકે?" રાધિકાએ સામે સવાલ કર્યો.
"મતલબ તું અમદાવાદમાં પણ પીતી?"
"હાં, પાર્ટીમાં જતી ત્યારે પીતી. આમ પણ બિયર અને જગ્યાને કોઈ લેવાદેવા નથી હોતાં. અને તેને જેન્ડર સાથે પણ કોઈ કનેક્શન નથી હોતું."
"પણ... હું બિયર ક્યાંથી લાવું??"
"વાત તો એવી રીતે કરે છે. જાણે પોતે ક્યારેય પીતો જ નાં હોય."
"હાં, તો નથી જ પીતો. હાં એ વાત અલગ છે કે મારાં ફ્રેન્ડ સર્કલમા ઘણાં પીવે છે. પણ મેં બસ એક જ વાર ટેસ્ટ કરી હતી. મને કંઈ ખાસ નાં જામી."
"પણ મને બહું જામે છે. પ્લીઝ ક્યાંકથી લાવી દે. મારી બહું ઇચ્છા છે. પ્લીઝ... પ્લીઝ... પ્લીઝ..." રાધિકાએ એટલો માસૂમ ચહેરો બનાવીને કહ્યું કે શ્યામ તેની સામે પીગળી ગયો.
"તું ખરેખર દુનિયાની આઠમી અજાયબી છે. છોકરીઓ છોકરાંઓને પીતાં રોકે. જ્યારે તું ખુદ પીવે છે." શ્યામે રાધિકાનાં વખાણ કર્યા કે ટોણો માર્યો. એ રાધિકા સમજી નાં શકી. પણ એ ચૂપ રહી.

શ્યામે કંઈક વિચારીને કોઈકને કોલ કર્યો. પછી એ તરત જ નીચે જતો રહ્યો. રાધિકા તેની રાહ જોતી આકાશ તરફ નજર કરીને ઉભી રહી. આજે બીજ હતી. તારાઓની વચ્ચે બીજનો ચંદ્ર બહું સુંદર લાગી રહ્યો હતો.
શ્યામ નીચે ગયો. તેને ખાસ્સો એવો સમય પસાર થઈ ગયો હતો. રાધિકા હવે ટેરેસ પર આમથી તેમ ચક્કર લગાવવા લાગી. તેનાંથી વધું રાહ જોવી મુશ્કેલ બનતું જતું હતું. સાથે જ રાહીને ખબર પડી. તો તે તેની ક્લાસ લગાવી દેશે. એ વાતનો પણ ડર હતો. એ ડરથી રાધિકા શ્યામ કેમ આટલી વાર લગાડી રહ્યો છે. એ જોવાં સીડીઓ તરફ આગળ વધી. ત્યાં જ શ્યામ તેને ટેરેસની સીડીઓ પાસે જ મળી ગયો.
"આટલી બધી વાર હોય કંઈ?? અને બિયર ક્યાં??" રાધિકાએ ઉતાવળાં અવાજે પૂછ્યું.
"વાર તો લાગે ને. તે બિયર માંગી હતી. બાસુંદી નહીં.. કે એક મિનિટમાં આવી જાય." શ્યામે રાધિકાને આંખો બતાવતાં કહ્યું.
"હવે લાવ્યો હોય. તો જલ્દી આપ ને." રાધિકાએ ફરી ઉતાવળ કરતાં કહ્યું. શ્યામે પોતાનાં હાથને પીઠ પાછળ રાખીને છુપાવેલી બિયરની બોટલ રાધિકા સામે કરી. તો રાધિકાએ તરત જ ઉછળીને બોટલ શ્યામનાં હાથમાંથી લઈને બોટલને કિસ કરી લીધી.
"વાહ... હું અહીં ઉભો છું. અને કિસ બિયરની બોટલને કરી રહી છે. શું જમાનો છે!? આજકાલની છોકરીઓ ફાસ્ટ થઈ રહી છે. એ તો ખબર હતી. પણ આટલી બધી ફાસ્ટ છે. એ ખબર ન હતી." શ્યામે રાધિકાને જોતાં મનોમન જ કહ્યું.
"ગ્લાસ??" રાધિકાએ બિયરની બોટલ આપી દીધાં પછી શ્યામનાં ખાલી હાથ જોઈને પૂછયું.
"એ હું નથી લાવ્યો. અને લેવાં જવાનો પણ નથી. તારે પીવી હોય.‌ તો તું જ લઈ આવ." શ્યામે કહ્યું. અને ટેરેસની દિવાલ પર બેસી ગયો.
"ઓકે, ફાઈન." કહેતાં રાહીએ બિયરની બોટલ હાથ વડે હલાવીને ઢાંકણું હવામાં ઉછાળ્યા પછી સીધી બોટલ જ પોતાનાં હોંઠો સાથે લગાવી લીધી.
શ્યામ તો બસ એકીટશે તેને જ જોતો રહ્યો. તેનાં આશ્ચર્યનો પાર ન હતો. તેને આ બધું હજું પણ એક સપનાં જેવું જ લાગતું હતું. આ બધું કદાચ એક સપનું છે. એમ સમજીને તેણે બે-ત્રણ વખત તો તેની આંખો પણ ચોળીને જોયું. છતાંય તેને રાધિકા હાથમાં બિયરની બોટલ લઈને એમાંથી બિયર પીતી હોય. એવું દ્રશ્ય જ દેખાઈ રહ્યું હતું.
"તું પણ ટ્રાય કર ને." રાધિકાએ બિયરની બોટલ શ્યામ તરફ લંબાવીને કહ્યું.
"નો, આઇ એમ ફાઈન." શ્યામે રીતસરની નાં પાડી દીધી. છતાંય રાધિકા તેની એકવાર પાડેલી નાં માં માની જાય. એ તો તદ્દન ખોટી વાત કહેવાય. રાધિકા અડધી બિયરની બોટલ ખાલી કરી ચુકી હતી. જેનાં લીધે બિયર હવે તેનાં માથે ચડીને બોલી રહી હતી. રાધિકા એ અડધી ભરેલી બોટલ સાથે જ શ્યામ તરફ આગળ વધી. શ્યામની એકદમ લગોલગ ઉભી રહીને એ શ્યામની આંખોમાં જોવાં લાગી. શ્યામ જ્યારે રાધિકાની કાચની પુતળીઓ જેવી બેબી બ્લુ આંખોમાં ખોવાઈ ગયો. તો રાધિકાએ બિયરની બોટલ તેનાં હોંઠો સાથે લગાવી દીધી. શ્યામે પરાણે એક ઘૂંટ બિયર પીધી. ત્યાં તો રાધિકા ખડખડાટ હસવા લાગી. કોઈ જાગી જાશે. તો નકામી બબાલ થાશે. એમ વિચારીને શ્યામે દિવાલ પરથી ઉતરીને રાધિકાનાં મોંઢા પર પોતાનો હાથ રાખી દીધો.
"અરે ચુપ થઈ જા. કોઈ અહીં આવી જાશે. તો તારી સાથે મારી પણ પીટાઈ થઈ જાશે." શ્યામે રાધિકાનાં મોં પર હાથ રાખીને જ કહ્યું.
"એક વાત પૂછું??" રાધિકાએ શ્યામનો હાથ પોતાનાં મોં પરથી હટાવીને ધીરેથી તેનાં કાનમાં કહ્યું. શ્યામે પોતાની ડોક હકારમા હલાવી.
"મેં તારી પાસે બિયર માંગી. તો પણ તું મને ખીજાયો નહીં. ઉલટાની બિયર લાવી પણ દીધી. જ્યારે તારી જગ્યાએ કોઈ બીજો છોકરો હોય. તો મને એક થપ્પડ મારીને જતો રહે. બિયરની વાત તો બહું દૂરરરર રહી." રાધિકાએ દૂર શબ્દને લંબાવતા બિયરની બોટલવાળો હાથ પણ હવામાં દૂર સુધી ફેલાવતાં કહ્યું.
"જેમ તે મારી પાસે કોઈ સંકોચ વગર બિયર માંગી. એમ જ મેં તને કંઈ કહેવું યોગ્ય નાં સમજ્યું. જેમ મારી જગ્યાએ કોઈ બીજો છોકરો હોત. તો બિયરની વાત પર તને થપ્પડ મારી દેત. એમ જ તારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોત. તો પોતે બિયર પીવે છે. એવી વાત એ છોકરાંને નાં જણાવતી. છોકરો પુછે તો પણ છુપાવીને રાખતી. જ્યારે તે સામે ચાલીને મને હકીકત જણાવતાની સાથે બિયર લાવવાં પણ મને જ કહ્યું. તો મારે તને ખીજાવાની શું જરૂર!? ઉલટાનું મને તો તે કર્યું. એ બહું ગમ્યું. વ્યસન સારી બાબત નાં કહેવાય. પણ જો એ કોઈ ખાસ મોકા પર કરવામાં આવે. તો ખરાબ આદત પણ નાં કહેવાય." શ્યામે એક લાંબી લચક વાત કરી. ત્યાં સુધીમાં રાધિકા નીચે બેસી ગઈ હતી.
"તને મેં કર્યું. એ શાં માટે ગમ્યું?? તારી અને મારી વચ્ચે આખરે શું સંબંધ છે??" શ્યામની વાત પૂરી થતાં જ રાધિકા અચાનક જ ઉભી થઈ. અને શ્યામની લગોલગ ઉભી રહીને પૂછ્યું.
"આ સંબંધને નામ આપવાની જરૂર નથી. તું મારાં માટે સ્પેશિયલ છે. બસ એટલું સમજી લે." શ્યામે વાતને આગળ નાં વધારતાં કહ્યું. કારણ કે રાધિકા અત્યારે નશાની હાલતમાં હતી. તો એ અત્યારે શું થયું? એ બધું સવાર સુધીમાં ભૂલી જવાની હતી. એટલે શ્યામને અત્યારે પોતાનાં દિલની વાત કહેવી યોગ્ય નાં લાગ્યું.

"તમે બંને અહીં શું કરો છો??" અચાનક જ પાછળથી એક અવાજ શ્યામનાં કાને પડ્યો. તે તરત જ પાછળ ફર્યો. પાછળ તન્વી ઉભી હતી.
"ક..ક..કંઈ જ તો નહીં. એ...તો...બસ..." શ્યામનાં શબ્દો અટકી અટકીને તેનાં ગળામાંથી નીકળી રહ્યાં હતાં. તો તન્વી તેની પાસે જવાં આગળ વધી. તન્વીએ જ્યારે રાધિકાની હાથમાં બિયરની બોટલ જોઈ. તો તન્વીની પણ એવી જ હાલત થઈ. જેવી રાધિકાએ બિયર માંગી ત્યારે શ્યામની થઈ હતી.
"તમે બંને અહીં બિયર પીતાં હતાં??" તન્વીએ રાધિકાનાં હાથમાંથી બિયરની બોટલ લઈને શ્યામને બતાવતાં તેની સામે આંખો ફાડીને પૂછ્યું.
"હું નહીં, માત્ર આ એક જ.!!" શ્યામે રાધિકા તરફ ઈશારો કરીને કહ્યું.
"તો તું તેને રોકી તો શકતો હતો ને." તન્વીએ થોડો ગુસ્સો કરતાં કહ્યું.
"એ શું રોકવાનો..આણે જ તો મને બિયર લાવી આપી છે." રાધિકાએ શ્યામનાં ખંભે હાથ મૂકીને કહ્યું. રાધિકાનાં સ્પર્શથી ફરી એક વખત શ્યામનાં દિલનાં તાર ઝણઝણી ઉઠ્યાં.
"હેં ભગવાન... તમારું બંનેનું તો કંઈ સમજમાં જ નથી આવતું. મતલબ રાહી તને તે દિવસે આ વાતની નાં પાડી રહી હતી. હવે મને બધું સમજાય છે. તારે હલ્દીની રસમ હતી. એ રાતે બિયર પીવી હતી. એટલે તું રાહીને કહી રહી હતી કે કંઈક એવું કરો જેથી આજની રાત યાદગાર બની જાય. મને ત્યારે તો કંઈ સમજમાં નાં આવ્યું. પણ હવે બધું સમજાઈ ગયું." તન્વીએ રાધિકાનો કાન ખેંચતા કહ્યું.
"યાર, તેને દુખતું હશે. કાન છોડી દે ને. આમ પણ તે રોજ નથી પીતી. બસ ખાસ પ્રસંગ પર જ પીવે છે. એમાં આજે રાહી કોમ્પિટિશન જીતી એટલે સેલિબ્રેશન માટે થોડીક પીધી." શ્યામે તન્વીને રાધિકાનો કાન છોડી દેવાં માટે રિકવેસ્ટ કરતાં કહ્યું.
"ખરેખર તો કાન તારો મરોડવો જોઈએ. તે બિયર લાવી દીધી. એટલે એણે પીધી ને. પણ...તને અહીં બિયર લાવી કોણે દીધી?? તું તો બનારસમાં કોઈને ઓળખતો પણ નથી. અને આન્ટીનાં ઘરમાં તો એવી કોઈ વસ્તુઓ છે નહીં." અચાનક જ તન્વીએ પૂછ્યું. તો શ્યામનાં ચહેરાનો રંગ ઉડી ગયો. બિયર કોણે લાવી દીધી? એ વાત જાણ્યાં પછી તન્વી તો એક એક કરીને બધાનાં કાન મરોડી દેવાની હતી.
"અરે બોલ ને. કોણે બિયર લાવી દીધી??" તન્વીએ શ્યામને ઝંઝોળીને પૂછ્યું.
"શુભમ.." જેવું શ્યામે કહ્યું. તન્વીનો ગુસ્સો વધી ગયો. શ્યામે વિચાર્યું હતું એવું જ થયું.
"શુભમમમમ...તારી તો ખેર નથી. તમે બધાં મળીને એક દિવસ મને પાગલ કરી મૂકશો." તન્વી ગુસ્સામાં ચિલ્લાઈને બોલી.
"સોરી શુભમ, માફ કરી દેજે. અમે તો બિયર પીધી હતી.‌ તો પણ અમારી પર તન્વીએ કેટલો ગુસ્સો કર્યો. જ્યારે તે તો મને બિયર લાવીને દીધી હતી. તો તન્વીનાં થોડાં ગુસ્સાનો હકદાર તું પણ છે." શ્યામે મનોમન જ કહ્યું.
"હવે આમ બાઘાની જેમ શું ઉભો છે?? આને લઈને નીચે જા. આ બેવડીને કોઈએ આ હાલતમાં જોઈ લીધી. તો તમારાં બધાનાં કાંડમાં હું નાહકની જ ફસાઈ જઈશ." તન્વીએ શ્યામ સામે આંખો ફાડીને જોતાં કહ્યું.
શ્યામ રાધિકાનો હાથ પોતાનાં ખંભે રાખીને તેને સહારો આપતો નીચે લઈ જવાં લાગ્યો. એ સમયે જ રાધિકાનાં હાથમાંથી બિયરની બોટલ નીચે પડવાની તૈયારીમાં હતી. ત્યાં જ તન્વીએ આગળ વધીને બોટલ ઝીલી લીધી. તન્વીએ બોટલ ઝીલી લીધી. તેનાં લીધે કોઈ અવાજ નાં થયો અને કોઈ જાગ્યું પણ નહીં. તન્વીએ બધાંને બચાવી લીધાં. એટલે શ્યામ તન્વી સામે જોઈને સ્માઈલ કરતો જવાં લાગ્યો. તો તન્વીએ તેને રોકતાં કહ્યું, "એય, આ બોટલ તો લેતો જા. આ કોઈનાં હાથમાં આવી. તો તારી રાધિકાની તો ખેર નથી. અને એ એવી પ્રેમિકા નથી. જે એકલી જ ફસાઈને તને બચાવી લેશે. એ તો તને પણ પોતાની સાથે લઈને ડૂબશે. તો તેને રૂમ સુધી પહોંચાડયા પછી આ બોટલ પણ ઠેકાણે લગાવી દેજે."
"પ્લીઝ તેને નીચે સુધી લઈ આવ. પછી હું તેને કોઈની નજરમાં નાં આવે. એવી કોઈ જગ્યાએ મૂકી દઈશ." શ્યામે રિકવેસ્ટ કરતાં કહ્યું. પછી તે રાધિકા સાથે સીડીઓ ઉતરવા લાગ્યો.
"હેં ભગવાન, આવાં લવર્સ તો ક્યાંય નાં જોયાં. જે પોતાની જ ગર્લફ્રેન્ડને અડધી રાતે બિયર લાવીને આપે." તન્વી મનોમન જ રાધિકા અને શ્યામ પ્રત્યે કટાક્ષ ભર્યા વખાણ કરતી નીચે ગઈ.
શ્યામ રાધિકાને સહારો આપીને સીડીઓ ઉતરી રહ્યો હતો. પણ રાધિકા સરખી ચાલી રહી ન હતી. તો શ્યામે તેને પોતાની ગોદમાં ઉઠાવી લીધી. શ્યામ એ રીતે જ રાધિકાને તેનાં રૂમમાં લઈને ગયો. પછી તેને રૂમમાં સુવડાવીને બહાર આવ્યો. તન્વીએ તેનાં હાથમાં બિયરની ખાલી બોટલ આપી. તો શ્યામ પોતાનાં રૂમ તરફ આગળ વધી ગયો. તન્વી રૂમમાં જઈને રાધિકા પાસે સૂઈ ગઈ. જે બિયરની આખી બોટલ ખાલી કર્યા પછી શાંતિથી સૂતી હતી.

તન્વી સૂતી તેને બસ થોડીવાર થઈ હશે. ત્યાં જ તેનાં મોબાઈલમાં એક મેસેજની નોટિફિકેશન પોપ‌‌‌ અપ થઈ. તન્વીને હજું ઉંઘ આવી ન હતી. તેણે એક નજર દિવાલ પર લટકતી ઘડિયાળ તરફ કરી. જેમાં રાતનો દોઢ વાગ્યો હતો. આટલી રાતે કોણે મેસેજ કર્યો હશે? એમ વિચારતી તન્વીએ મેસેજ ચેક કર્યો. મેસેજ તેની મમ્મીનો હતો. તેમણે શિવાંશે બનાવેલી પેલી છોકરીની પેઇન્ટિંગનો ફોટો મોકલ્યો હતો. તન્વીએ એ ફોટો બહું જરૂરી છે. એવું તેની મમ્મીને જણાવ્યું હતું. એટલે તેમણે ઘરે પહોંચતાની સાથે જ ફોટો તન્વીને મોકલી આપ્યો.
"રાહી આ ફોટાં માટે કેટલી ઉતાવળી થતી હતી. પણ આટલી રાતે તેને જગાડવી યોગ્ય નથી. સવારે વહેલી ઉઠીને તરત જ તેને આ અંગે જણાવીશ." તન્વીએ મનોમન કહ્યું. અને ફરી સૂઈ ગઈ.
તન્વીને ફોટો જોયાં પછી ઉંઘ નાં આવી. તે એ દિવસો યાદ કરવાં લાગી. જ્યારે શિવાંશ એ પેઇન્ટિંગ બનાવતો. શિવાંશને પેઇન્ટિંગનો શોખ બાળપણથી જ હતો. તે કોઈ પણ વસ્તુનું આબેહૂબ ચિત્ર બનાવી શકતો.
શિવાંશ અત્યારે જે છોકરીને શોધી રહ્યો હતો. તેને જ્યારે બાળપણમાં તેણે જોયેલી. ત્યારે તેને એ છોકરીની પેઇન્ટિંગ બનાવવાનો વિચાર આવ્યો ન હતો. પણ સમય પસાર થતાં જ્યારે શિવાંશ તેને ભૂલી નાં શક્યો અને તેની કલ્પના કરવાં લાગ્યો. ત્યારે તેને સમજાયું કે એ માત્ર આકર્ષણ નહીં. પણ પ્રેમ હતો. શિવાંશનાં પરિવારે તેને બહું સમજાવ્યો. પણ એ નાં સમજ્યો. ઘણાં તેને પાગલ પણ કહેતાં. તો પણ શિવાંશને કોઈ ફરક નાં પડતો. એ બાબતે જ એક દિવસ તેની તેનાં પપ્પા ધનંજય પટેલ સાથે લડાઈ થઈ ગઈ. તે દિવસે શિવાંશે આખી રાત જાગીને એ છોકરીની પેઇન્ટિંગ બનાવી હતી. એ તન્વીએ આખી રાત શિવાંશ સાથે જાગીને જોયું હતું. પેઇન્ટિંગ પૂરી થતાં શિવાંશનાં ચહેરાં પર જે ચમક આવી ગઈ હતી. એ તન્વીએ પોતાની આંખોથી જોઈને મહેસૂસ કરી હતી.
તન્વીને આ બધું વિચારતાં વિચારતાં જ ઉંઘ આવી ગઈ. રાતે વહેલી ઉઠવાનો પ્લાન કરીને સૂતેલી તન્વી સવારનાં નવ વાગ્યા સુધી જાગી નહીં. મોડી રાત સુધી જાગ્યા પછી વહેલી આંખ પણ કેમ ખુલવાની!?
"આહ, આ આંખો અને માથું કેમ આટલું ભારે લાગે છે." અચાનક જ રાધિકાનાં અવાજથી તન્વીની આંખો ખુલી.
"રાતે આખી બોટલ ગટકાવી ગઈ હતી. તો બધું ભારે જ લાગે ને." તન્વીએ આંખો ચોળતા ચોળતા કહ્યું.
"હેં...તને કેમ ખબર??" રાધિકાએ અચાનક જ એક ઝટકા સાથે પૂછ્યું.
"બહું ડાહી બનવાની જરૂર નથી. મેં રાતે તને અને શ્યામ બંનેને બિયરની બોટલ સાથે પકડ્યાં હતાં. તો હવે જલ્દી જઈને નાહી લે. માથું હળવું થઈ જાશે." તન્વીએ એક લાંબી ઉબાસી લેતાં કહ્યું.
"પણ તું દીદુને..."
"હું કોઈને કંઈ નહીં કહું. શ્યામે તો બિયરની ખાલી બોટલ ઠેકાણે પણ લગાવી દીધી હશે. હવે જલ્દી જઈને નાહી લે. તો મારો પણ વારો આવે. પછી મારે એક જરૂરી કામ છે." તન્વીએ બેડ પરથી નીચે ઉતરીને કહ્યું. રાધિકા તેનાં કપડાં લઈને નહાવા જતી રહી. નાહ્યાં પછી તેનું માથું કંઈક હળવું થયું. અને આંખો પણ સરખી રીતે ખુલવા લાગી.
રાધિકાને હજું પીવાની ખાસ આદત પડી ન હતી. એટલે પીધાં પછી તેને આજે પણ માથું અને આંખો ભારે થઈ જતી. રાધિકા નાહીને આવી‌. પછી તન્વી પણ નહાવા માટે જતી રહી.

"આજે આવું સપનું કેમ આવ્યું?? અને એક જ અઠવાડિયામાં બે બે સપનાં કેમ?? એ પણ મારાં બાળપણનું સપનું... જેમાં હું કોઈ નાનાં છોકરાં સાથે અમદાવાદનાં લો ગાર્ડનમાં ઉભી હતી. એ છોકરો પાગલની જેમ મને જોતો હતો. ત્યાં જ શિવમ..." કહેતાં કહેતાં રાહી અટકી ગઈ. આજે ફરી તેને એક સપનું આવ્યું હતું. પણ આજે સપનું નાની ઉંમરનું આવ્યું હતું. જે તેને આટલાં સમયમાં ક્યારેય આવ્યું ન હતું. બે દિવસમાં બે સપનાએ તેને એક અજીબ પ્રકારની દુવિધામાં મૂકી દીધી હતી.
"રાહી, મમ્મીએ પેઇન્ટિંગનો ફોટો મોકલી દીધો છે." અચાનક જ તન્વીએ આવીને કહ્યું.
"જલ્દી બતાવ." રાહીએ ઉતાવળ કરતાં કહ્યું.
તન્વીએ મોબાઈલનો લોક ખોલીને પેઇન્ટિંગનો ફોટો કાઢીને મોબાઇલ રાહી આગળ કર્યો. રાહીએ જેવો મોબાઈલ હાથમાં લીધો. તેનો ચહેરો ઉદાસ થઈ ગયો.
"શું થયું?? અચાનક તમારાં ચહેરાનો રંગ કેમ બદલી ગયો?? તમે એ છોકરીને ઓળખો છો??" તન્વીએ પૂછ્યું.
"તારો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો. કદાચ તું ચાર્જ કરતાં ભૂલી ગઈ હશે." રાહીએ બંધ મોબાઈલ તન્વી સામે કરતાં કહ્યું. મોબાઈલને બંધ હાલતમાં જોઈને તન્વીનો ચહેરો પણ લટકી ગયો. રાહીએ ફટાફટ રૂમમાં લાગેલાં ચાર્જર સાથે મોબાઈલ કનેક્ટ કર્યો. પછી એકીટશે મોબાઈલ સામે જોઈ રહી. રાહીનાં દિલની ધડકન તેજ ગતિથી ધડકી રહી હતી.
રાહી મોબાઈલ પાસે ઉભી હતી. ત્યાં જ રાધિકા પણ ત્યાં આવી પહોંચી. રાહી અને તન્વીને પૂતળાની માફક ઉભી જોઈને રાધિકાને કંઈક અજીબ લાગ્યું.
"ગાયઝ, શું થયું?? તમે બંને આટલી સિરિયસ કેમ નજર આવો છો??" રાધિકાએ પૂછ્યું.
"રાધુ પ્લીઝ, અત્યારે કોઈ મજાક નહીં." રાહીએ થોડી સખ્તાઈ બતાવતાં કહ્યું. રાધિકા તન્વીને ઈશારો કરીને પૂછવા લાગી. તો તેણે પણ હાથ બતાવીને શાંતિ જાળવવા કહ્યું.
રાહીએ મોબાઈલ હાથમાં લઈને ઓન કરવાની કોશિશ કરી. થોડીવાર થતાં જ મોબાઇલ ઓન થઈ ગયો. પણ સ્ક્રીન લોક લાગેલો હોવાથી રાહી તન્વી સામે જોવાં લાગી. તન્વીએ રાહી પાસે આવીને લોક ખોલીને ફોટો કાઢીને રાહી આગળ કર્યો.
રાહીએ પોતાની આંખો બંધ કરી દીધી. પછી એક ઉંડો શ્વાસ લઈને ધીરેથી આંખો ખોલી. ફોટો જોતાં જ તેની આંખો ભરાઈ આવી. એક આંસુ તેની આંખમાંથી સરકીને મોબાઈલની સ્ક્રીન પર પડ્યું.
"તમે ઠીક તો છો ને??" તન્વીએ રાહીનાં ખંભે હાથ મૂકીને પૂછ્યું.
"તારી પાસે તારાં ભાઈનો બાળપણનો કોઈ ફોટો છે??" રાહીએ પોતાની આંખમાં આવેલાં આંસુ સાફ કરતાં પૂછ્યું.
"હાં છે ને." કહેતાં તન્વીએ પોતાનો અને શિવાંશનો બાળપણનો ફોટો કાઢીને રાહીને બતાવ્યો. એ ફોટો જોયાં પછી ફરી એકવાર રાહીની આંખો ભીની થઈ ગઈ. તેણે મોબાઈલને છાતી સરસો ચાંપી લીધો. પછી આંખો બંધ કરીને તેણે અત્યાર સુધીમાં જેટલાં સપનાં જોયાં. એ બધાં એકઠાં કરવાં લાગી. ક્યારેક આંખ ક્યારેક હોંઠ, ક્યારેક આંખો તો ક્યારેક સાંભળેલો અવાજ બધું એકઠું કરતાં રાહીની બંધ આંખોમાં શિવાંશનો ચહેરો તરવરવા લાગ્યો. અને કાનમાં તેનો અવાજ ગુંજવા લાગ્યો.

"મને કોઈ જણાવશે અહીં શું ચાલી રહ્યું છે??" રાધિકાએ આખરે કંટાળીને પૂછ્યું.
તન્વીએ રાધિકાને આખી વાત સમજાવી. પછી તન્વીએ શિવાંશે બનાવેલી પેઇન્ટિંગનો ફોટો રાધિકાને બતાવ્યો. ફોટો જોતાં એ પણ ચક્કર ખાઈ ગઈ. એ ઘડીક રાહી સામે તો ઘડીક ફોટાં સામે જોવાં લાગી.
"આ તો દીદુનો બાળપણનો ફોટો છે. મતલબ તારો ભાઈ જે છોકરીને શોધે છે. એ મારી બહેન છે. અને દીદુ અહીં જે શિવની શોધમાં આવ્યાં છે. એ શિવ તારો ભાઈ શિવા‌ંશ છે." રાધિકા અચાનક જ ખુશ થતાં બોલી. પણ તન્વી હજુયે કંઈ સમજી નાં શકી. તન્વી કંઈ પૂછે કે રાધિકા કંઈ કહે એ પહેલાં જ રાહી રાધિકાનાં હાથમાંથી તન્વીનો મોબાઈલ અને બેડ પરથી પોતાનો મોબાઈલ લઈને બહારની તરફ ભાગી.
"આ ક્યાં ગયાં?? અને તું શું ઉટપટાંગ વાત કરી રહી છે??" તન્વીએ પરેશાન થઈને પૂછ્યું.
રાધિકા તન્વીને કંઈ કહ્યાં વગર જ બહાર જતી રહી. થોડીવારમાં તે તેનો મોબાઈલ લઈને તન્વી પાસે આવી. મોબાઈલમાંથી એક ફોટો કાઢીને તેણે તન્વીને બતાવ્યો. જેમાં રાહી અને રાધિકાનો બાળપણનો ફોટો હતો. એમાંનો એક અદ્દલ શિવાંશની પેઇન્ટિંગ જેવો જ ફોટો હતો. જે રાહીનો હતો. હવે તન્વીને થોડુંક સમજમાં આવ્યું. ફોટો બતાવ્યાં પછી રાધિકાએ તન્વીને રાહીનાં સપનાં અંગે અને શિવની શોધ અંગે જણાવ્યું. રાહીનો બાળપણનો ફોટો જોયાં પછી અને આખી હકીકત જાણ્યા પછી તન્વીને બધું સમજાઈ ગયું. શિવાંશ જે છોકરીને બાળપણમાં મળ્યો હતો. એ છોકરી રાહી જ હતી. અને રાહીને શિવનાં જે સપનાં આવતાં. એ શિવાંશ જ હતો. પણ શિવાંશ જ શિવ છે. એ વાતની ખબર રાહીને કેવી રીતે પડી? અને તેણે શિવાંશનો બાળપણનો ફોટો કેમ માંગ્યો? એ હજું રાધિકા કે તન્વીની સમજમાં નાં આવ્યું. એ જાણવાં જ એ બંને રૂમની બહાર જઈને રાહીને શોધવાં લાગી. ત્યાં જ તન્વીને રાહી શિવાંશનાં રૂમમાંથી બહાર આવતી દેખાઈ.
"આન્ટી, શિવાંશ ક્યાં??" નીચે આવતાં જ રાહીએ દામિનીબેનને પૂછ્યું.
"તેનાં રૂમમાં જ હશે." દામિનીબેને કિચનમાં કામ કરતાં કરતાં જ કહ્યું.
"ત્યાં નથી. એટલે જ તો તમને પૂછું છું. ટેરેસ ઉપર પણ જોયું. ત્યાં પણ નથી. બહાર ગાર્ડનમાં પણ નથી." રાહીએ પરેશાન અવાજે કહ્યું.
"તો મને નથી ખબર." કહેતાં દામિનીબેને હાથ ઉંચા કરી દીધાં. ત્યાં જ રાધિકાનાં મોબાઈલમાં એક મેસેજની નોટિફિકેશન પોપ‌‌‌ અપ થઈ. એ વાંચતાની સાથે જ રાધિકાએ કહ્યું, "દીદુ, શિવાંશ શ્યામની સાથે ઘાટ પર ગયો છે. આપણને પણ ત્યાં જ આવવાં કહ્યું છે."
રાધિકાની વાત સાંભળતાં જ રાહી દોડીને બહાર પડેલી રાજુભાઈની કારમાં એકલી જ ઘાટ પર જવાં નીકળી પડી. ત્યાં જ રાજુભાઈ આવ્યાં. તેમણે બહાર જોયું. તો બહાર કાર ગાયબ હતી. તે એક સવાલ સાથે અંદર આવ્યાં.
"તમારી કાર દીદુ લઈને ગયાં. હવે તમે ઓટો કરીને ઓફિસે જાવ. અને અમે પણ ઓટો રિક્ષામા જ ઘાટ પર જવાં નીકળીએ છીએ." રાજુભાઈ કંઈ પૂછે એ પહેલાં જ રાધિકા તન્વીનો હાથ પકડીને બહારની તરફ ભાગતા બોલી. રાજુભાઈ પણ પરેશાન થઈને ડોક હલાવતાં બહાર ઓટો રિક્ષાની શોધમાં ગયાં.

શિવાંશ એકલો બનારસનાં અસ્સી ઘાટ પર બેઠો હતો. શ્યામ થોડે દૂર શુભમ સાથે વાતો કરી રહ્યો હતો. સવારનો સુરજ ઉગી ગયો હતો. જેનાં પ્રકાશે ઘાટનું પાણી ચમકી રહ્યું હતું. શિવાંશ શાંતિથી બેઠો તેને નિહાળી રહ્યો હતો. એવામાં તેનાં કાને એક અવાજ પડ્યો, "શિવવવવ..." શિવાંશે અવાજની દિશામાં નજર કરી. સામેથી સફેદ અનારકલી ડ્રેસમાં સજ્જ રાહી દોડીને શિવાંશ તરફ જ આવી રહી હતી.
રાહીએ પહેલીવાર શિવાંશને શિવ કહીને બોલાવ્યો હતો. જે નામથી શિવાંશને તેનાં મિત્રો અને પરિવાર જ બોલાવતાં. એ નામથી પહેલીવાર રાહીએ તેને બોલાવ્યો હતો. શિવાંશ રાહી તરફ જોતો ઘાટની સીડીઓ પરથી ઉભો થયો. રાહી અચાનક જ દોડતી આવીને તેની સામે ઉભી રહી ગઈ. પછી થોડીવાર સુધી એકીટશે શિવાંશને જોઈને એ અચાનક જ તેને ગળે વળગી ગઈ.
રાહીની આ હરકતને અસ્સી ઘાટ પર મોજુદ બધાં લોકો જોઈ રહ્યાં હતાં. શિવાંશ અસમજની સ્થિતિમાં ઉભો હતો. રાહીએ અચાનક આવું કેમ કર્યું? એ તે સમજી શક્યો ન હતો. શુભમ અને શ્યામ દૂર ઉભાં બંનેને જોઈને સ્માઈલ કરી રહ્યાં હતાં. કારણ કે શિવાંશ અને રાહી સિવાય બધાં જાણતાં હતાં કે બંને વચ્ચે કોઈ તો જૂનું કનેક્શન છે. શિવાંશ અને રાહી પણ કદાચ આ વાત જાણતાં જ હતાં. પણ માનવા તૈયાર ન હતાં. જ્યારે રાહીએ તો આજે માની પણ લીધું હતું.
"રાહી, બધાં આપણને જ જોઈ રહ્યાં છે." શિવાંશે હળવેકથી રાહીને પોતાનાથી અળગી કરીને કહ્યું.
"હવે દુનિયાને બતાવવાનો સમય આવી ગયો છે." કહેતાં રાહી ફરી શિવાંશને ગળે વળગી ગઈ.
"શું બતાવવાનો સમય આવી ગયો છે?? એક મિનિટ.. તું પહેલાં શાંતિથી બેસ. પછી આપણે વાત કરીએ." શિવાંશે ફરી રાહીને પોતાનાથી અળગી કરતાં કહ્યું. તો રાહી તેની આંખોમાં જોવાં લાગી.
"તું મને આમ નાં જો." શિવાંશે ચહેરો ફેરવીને કહ્યું. તો રાહીએ તેનો ચહેરો પકડીને ફરી પોતાની તરફ કર્યો અને ફરી તેની આંખોમાં જોવાં લાગી.
"વર્ષોથી તું આ આંખોનો ઘાયલ થયેલો છે. વર્ષો પહેલાં તે જે આંખો જોઈ અને તું એમાં ઉંડે સુધી ઉતરી ગયો. એ આ જ આંખો છે. પંદર વર્ષ પહેલાં અમદાવાદમાં તે જે નાની એવી છોકરીને જોઈ હતી. એ હું જ છું. તારી પંદર વર્ષ જૂની શોધ..તારો પહેલો પ્રેમ... તારું પ્રેમ માટેનું પાગલપન...તારો બાળપણનો પ્રેમ..." રાહી શિવાંશની આંખોમાં જોઈને એકધારું બોલી ગઈ.
"બસ ચુપ થઈ જા. મારી લાગણીઓ સાથે રમત રમવાની જરૂર નથી. આમ પણ ઘણાં લોકો મને પાગલ સમજે છે. પણ હું પાગલ નથી. તો ફરી મારી સાથે આવી મજાક નાં કરતી. એ છોકરી મારાં માટે શું છે?? એ તું નહીં સમજી શકે. બાળપણમાં એક વખત તેને જોઈ હતી. ત્યારથી અત્યાર સુધી તેને શોધતો આવ્યો છું. તેનું નામ, પરિવાર, ઘર કંઈ જ ખબર નથી. તને ખબર છે મારાં માટે તેને શોધવી કેટલી મુશ્કેલ છે?? છતાંય હું તેને શોધું છું. એ દિવસ પછી અમદાવાદ સાથે તો સંબંધ તૂટી ગયો. પણ હું આજ સુધી એ છોકરીને અને તેની માસૂમ નીલી આંખોને નથી ભૂલ્યો. સવારે તેને શોધવાની ઉમ્મીદ જાગે છે. તો રાત પડતાં જ એ ઉમ્મીદ રાતનાં અંધારામાં ક્યાંક દૂર ખોવાઈ જાય છે. છતાંય ફરી સવારે નવો સુરજ ઉગતાની સાથે જ હું એક નવી શરૂઆત કરું છું. પંદર વર્ષ...પંદર વર્ષ થઈ ગયાં એ વાતને.!! આજે અમદાવાદ અને મુંબઈ શહેરમાં ઘણું બધું બદલી ગયું છે. મારાં જીવનમાં ઘણું બદલી ગયું છે. હું નાનામાંથી મોટો થઈ ગયો છું. મુંબઈનો મોટો બિઝનેસમેન બની ગયો છું. છતાંય આજે પણ બે વસ્તુ એમની એમ જ છે. અમદાવાદમાં લો ગાર્ડનમાં જોયેલી એ છોકરી અને મુંબઈમાં રોજ મારાં રૂમની વિન્ડો પાસે તેની રાહમાં ઉભો હું. આ બે વસ્તુ હજું પણ બદલી નથી. પણ એ છોકરી મને ક્યારે મળશે? એની મને ખબર નથી." શિવાંશે રાહીને પોતાનાથી દૂર હડસેલીને આંખો લાલ કરતાં ગુસ્સે થઈને કહ્યું.
"હું કોઈ રમત નથી રમી રહી. આ જોઈ લે. તને મારી વાતો પર આપમેળે જ વિશ્વાસ આવી જાશે." રાહીએ પોતાનાં મોબાઈલમાંથી પોતાનો બાળપણનો ફોટો કાઢીને શિવાંશ આગળ કરતાં કહ્યું. પણ જ્યારે તન્વીનાં મોબાઈલમાં શિવાંશે બનાવેલી પેઇન્ટિંગનો ફોટો કાઢવાં ગઈ. તો મોબાઈલમાં સ્ક્રીન લોકના લીધે એ એમાંથી પેઇન્ટિંગનો ફોટો કાઢી નાં શકી. પણ શિવાંશને એ ફોટાની કોઈ જરૂર ન હતી. તેણે ખુદ જ એ પેઇન્ટિંગ બનાવી હતી. તો માત્ર રાહીનો બાળપણનો ફોટો જોતાં જ એ ત્યાં જ ઘુંટણિયાભેર ઘાટની સીડીઓ પર બેસી ગયો. રાહી પણ આંખોમાં આંસું સાથે તેની સામે બેસી ગઈ.
"આ કોઈ રમત નથી. આ કોઈ મજાક નથી. આ કોઈ સપનું નથી. આ કોઈ ભ્રમ નથી. આ એક ખરી હકીકત છે. મહેંદીની રસમનાં દિવસે તારું મારી સાથે અથડાવુ. તારાં આ લોકેટમા રહેલું તારું નામ મારાં હાથમાં છપાઈ જવું. તું મારી ઉપર ગુસ્સે થતો. છતાંય હું તારી ચિંતા કરતી. ક્યારેક બન્ને વચ્ચે મીઠી લડાઈ થવી. જે ચાને મેં જીંદગીમાં ક્યારેય પીધી ન હતી. એ જ ચાને મેં માત્ર તારાં કહેવાથી પીધી. જે લાગણી આટલાં વર્ષોમાં મને કોઈ પ્રત્યે જન્મી ન હતી. એ લાગણી મને તારાં પ્રત્યે જન્મી. આ બધું અમસ્તાં ન હતું થયું. આ બધું મહાદેવે અગાઉ જ વિચારેલું હતું. આ આપણી કિસ્મતમાં લખાયેલું હતું." રાહી રડતી આંખો સાથે એકધારું બોલી.
"શિવાંશ...તારી શોધ આજે પૂરી થઈ ગઈ. સાથે-સાથે મારી શોધ પણ પૂરી થઈ ગઈ. તું બાળપણનાં પ્રેમને ભૂલી નાં શક્યો. બધી જગ્યાએ મને શોધતો રહ્યો. એટલે જ શિવમે મને દગો આપ્યો. એ વાતનું મને દુઃખ નાં થયું. કારણ કે, જો એ મને છોડીને નાં જાત. તો મને તારાં સપનાં નાં આવતાં. હું તને શોધવાં નાં મથતી. તને શોધવાં અહીં બનારસ નાં આવતી. પણ જે પહેલેથી નક્કી હતું. એ કોઈ બદલી શકે એમ ન હતું. બસ આ કારણે જ હું અહીં બનારસ આવી. તારાં પ્રત્યે મને લાગણી જન્મી. તે દિવસે તારી અને તન્વી વચ્ચે જે વાત થઈ એ મેં સાંભળી લીધી. તું કોઈ છોકરીને શોધે છે. પણ સાથે મારાં પ્રત્યે પણ લાગણી ધરાવે છે. એ હું જાણી ગઈ. પછી અંકિતા દ્વારા મેં એ છોકરીનો ફોટો તન્વી પાસે માંગ્યો. આજે જ્યારે તન્વીએ મને મારો જ બાળપણનો ફોટો બતાવ્યો. ત્યારે હું બધું જ સમજી ગઈ. હું જ તારો બાળપણનો પ્રેમ છું અને તું જ મારો સપનાંનો રાજકુમાર મારો શિવ છે." રાહીએ શિવાંશનો ચહેરો પોતાનાં હાથમાં લઈને તેની આંખોમાં જોતાં કહ્યું. તો શિવાંશ પણ ભીની આંખો સાથે તેને ગળે વળગી ગયો. આજુબાજુ ઉભાં લોકો તેમનું પવિત્ર મિલન જોઈ રહ્યાં. સાથે જ પોતાની ખુશી જાહેર કરતાં તાળીઓ અને સીટીઓ વગાડીને તેમનાં પ્રેમને વધાવી પણ લીધો.

શિવાંશ અને રાહી અચાનક થયેલાં તાળીઓના અને સીટીઓના અવાજથી અલગ થયાં. અને શિવા‌ંશ ઉભો થયો. પછી શિવાંશે પોતાનો એક હાથ આગળ વધારીને રાહીને પણ ઉભી કરી. બંનેનાં ચહેરા પર વર્ષો પછી પોતાનો પ્રેમ મળી ગયાનો સંતોષ સાફ નજર આવતો હતો. રાધિકા અને તન્વી પણ ઘાટ ઉપર આવી પહોંચી હતી. એ બંને શ્યામ અને શુભમ પાસે ઉભી રહીને શિવાંશ અને રાહીનું અદભૂત મિલન જોઈ રહી હતી.
શિવાંશ અને રાહીએ બધાં સામે એક નજર કરી. પછી એકબીજાની આંખોમાં જોવાં લાગ્યાં. પંદર વર્ષ પછી શિવાંશ રાહીની એ નીલી આંખો જોઈ રહ્યો હતો. જેને જોયાં પછી તેની આંખોને એક ટાઢક વળી હતી. બંનેની આંખોમાં વર્ષોની ઈંતેજારી દેખાઈ રહી હતી. જે આજે પૂરી થતી નજર આવી રહી હતી.
શિવાંશે પોતાનો હાથ રાહીનાં ખંભા પર રાખ્યો. પછી બંને ઘાટનાં પાણીને નિહાળવા લાગ્યાં. સુરજનાં કિરણોથી ચળકતું એ ઘાટનું પાણી પણ એ બંનેનાં મિલનની સાક્ષી પૂરી રહ્યું હતું.
"લોકો સાચું જ કહે છે. પ્રેમ જો સાચો હોય, તો આખી કાયનાત પણ તેમને મળાવવામાં લાગી જાય છે. જેમ પંદર વર્ષ પછી પણ આપણે મળી ગયાં. મેં તો તને જોઈ હતી. એટલે મેં તારી રાહ જોઈ. પણ તે તો એક સપનાંને ભવિષ્ય સમજીને મારી રાહ જોઈ. આવું પાગલપન તો બસ પ્રેમમાં જ થઈ શકે." શિવાંશે ફરી એકવાર રાહીની આંખોમાં જોતાં કહ્યું.
"તું મારી રાહ જોઈ રહ્યો હતો. એટલે જ મેં સપનાંને જ મારું ભવિષ્ય સમજ્યું. કારણ કે એમાં તારો પંદર વર્ષનો પ્રેમ અને ઈંતેજારી સમાયેલાં હતાં." રાહીએ પ્રેમથી કહ્યું. તો શિવાંશે ફરી એકવાર તેને પોતાની બાહોમાં ભરી લીધી. બંને આંખો બંધ કરીને એકબીજાનાં દિલની ધડકન સાંભળતાં રહ્યાં. જે એક લાંબા ઇંતેજાર પછી મિલનની ખુશીમાં થોડી તેજ ગતિથી ધડકી રહી હતી.



(ક્રમશઃ)


_સુજલ બી‌.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED