અનંત સફરનાં સાથી - 15 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત સફરનાં સાથી - 15

૧૫.મનની મુંઝવણ



"આપણે મળવાં છતાં નાં મળી શક્યાં. મને માફ કરી દેજે. આપણાં પ્રેમની રાહમાં આટલાં બધાં અવરોધો હશે. એવી જાણકારી મને ન હતી. નહીંતર હું તને ક્યારેય હું શિવ છું. એવું જણાવતો જ નહીં." એક સફેદ શર્ટમાં સજ્જ છોકરો રાહીના બંને હાથ પકડીને તેને કહી રહ્યો હતો. રાહી તેનો ચહેરો જોઈ શકતી ન હતી. પણ તેનાં સ્પર્શનો અહેસાસ અનુભવી શકતી હતી.
"તને શોધવાં મેં કેટલાંય સંઘર્ષ કર્યા છે. તને શોધવાં માટે હું મારાં મમ્મી-પપ્પા સામે ખોટું બોલીને બનારસ સુધી આવી પહોંચી. મને થયું મહાદેવ પણ આપણું મિલન ઈચ્છે છે. હવે જ્યારે આપણે મળી ગયાં છીએ. તો તું આવી વાતો શાં માટે કરે છે??" રાહી ઉદાસ અવાજે બોલી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. જેને એ છોકરાએ પોતાનાં હાથની આંગળીઓ વડે સાફ કરતાં કહ્યું, "દરેક પ્રેમનો અંત મળવાથી જ થાય. એવું જરૂરી નથી. આપણે મળીને પણ અલગ થઈ રહ્યાં છીએ. આમાં પણ મહાદેવની મરજી સામેલ છે. તો હાલ બધાંની ભલાઈ આમાં જ છે. પણ યાદ રાખજે...આ કહાની અહીંથી પૂરી નથી થતી. આ કહાની તો હવે શરૂ થઈ છે. આનો કોઈ અંત નહીં થાય. આપણાં મિલન પછી આની એક નવી શરૂઆત થશે. અને ત્યાં સુધી તું મારી રાહ જોજે."
રાહીની આંખોમાંથી આંસુ સૂકાવાનુ નામ લેતાં ન હતાં. છોકરાએ અચાનક જ રાહીનાં હાથ છોડી દીધાં. એકાએક જ એ રાહી તરફ પીઠ કરીને ચાલતો થઈ ગયો.
"શિવ....." રાહીના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ. તેનાં કપાળે પરસેવો વળી ગયો હતો. તેણે દિવાલ પર લટકતી ઘડિયાળ તરફ નજર કરી. જે સવારનાં પાંચનો સમય બતાવી રહી હતી.

"ફરી એક સપનું." કહેતાં રાહીએ કપાળેથી પરસેવો સાફ કર્યો. આજે પહેલીવાર રાહીને એક દિવસ અગાઉ જ આવું સપનું આવ્યું હતું. દર વખતે તેને સોમવારની સવારે સપનું આવતું. જ્યારે આજે રવિવારે જ આવી ગયું. પહેલીવાર બધું અલગ અને અનોખું જ બની રહ્યું હતું. બનારસ આવ્યાં પછી રાહીનું જીવન પહેલાં જેવું રહ્યું ન હતું. એમાં ઘણાં બદલાવો આવવાં લાગ્યાં હતાં.
રાહી મન મક્કમ કરીને બાથરૂમ તરફ આગળ વધી ગઈ. હવે ઉંઘ તો આવવાથી રહી. એમ વિચારીને રાહી નાહીને તૈયાર થઈ ગઈ. બધાં હજું સુતાં હતાં. તો રાહી કાલે કોમ્પિટિશનમા જે વસ્તુઓ લઈ જવાની હતી. તેની તૈયારી કરવા લાગી.
રાહી બેગમાં બધી વસ્તુઓ ભરી રહી હતી. ત્યારે જ શિવાંશ તેનાં રૂમની આગળથી પસાર થયો. સવારનાં છ જ વાગ્યા હતાં. રાહીને અત્યારમા જાગેલી અને તૈયાર જોઈને શિવાંશે દરવાજો નોક કરતાં પૂછ્યું, "અંદર આવી શકું??"
રાહીએ દરવાજે ઉભેલાં શિવાંશ સામે જોયું. તેનું મન ફરી બેચેન થઈ ગયું. રાતની ઘટનાં અને સવારનું સપનું આંખો સામે તરવરવા લાગ્યું. રાહીએ માંડ કરીને પોતાનાં અહેસાસ અને તૂટેલાં દિલને સંભાળતાં ડોક હલાવીને શિવાંશને અંદર આવવાની હાં પાડી.
"કોમ્પિટિશનની તૈયારી ચાલે છે??" શિવાંશે રાહીના ડિઝાઈનર કપડાં તરફ નજર કરીને પૂછ્યું.
રાહીએ બોલીને જવાબ નાં આપતાં ડોક હલાવીને જ હાં કહી દીધું. નાની એવી વાત પર લાંબા લાંબા ભાષણો આપતી રાહી કાલની ચૂપ હતી. એ વાતથી શિવાંશને તકલીફ થતી હતી. રાહી પ્રત્યે બદલતાં વિચારો, લાગણીઓ એ બધાં પર શિવાંશ કાબૂ મેળવી શકતો ન હતો.
રાહીએ એક નજર ઉઠાવીને શિવાંશની સામે પણ નાં જોયું. તો શિવાંશ ચૂપચાપ તેનાં રૂમમાંથી પોતાનાં રૂમમાં આવી ગયો. એક નાની એવી વાતથી એવું તો શું થઈ ગયું? કે હંમેશા શિવાંશ સાથે કોઈને કોઈ વાતે લડવા તૈયાર રહેતી રાહી આટલી બધી બદલી ગઈ. એ વાત શિવાંશ સમજી નાં શક્યો.

શિવાંશ બેડ પર કંઈક વિચારતો બેઠો હતો. ત્યારે નાસ્તો તૈયાર થઈ જતાં તન્વી તેનાં માટે નાસ્તો લઈને આવી. શિવાંશે કોઈ પણ નખરાં કર્યા વગર નાસ્તો પણ કરી લીધો અને દવા પણ ખાઈ લીધી. એ જોઈને તન્વીને નવાઈ લાગી. તેણે શિવાંશને નિરખીને જોયો. તો તન્વી તેનો ઉદાસ ચહેરો તરત જ ઓળખી ગઈ.
"કુછ હુઆ ક્યાં ભાઈ??" તન્વીએ પૂછ્યું.
"અહીં આવ્યાં પછી બધું બદલી ગયું છે. મારાં વિચારો, મારી લાગણીઓ બધું બદલી રહ્યું છે. મમ્મી મને જ્યારે લગ્ન માટે ફોર્સ કરતી. ત્યારે હું એક જ નિર્ણય પર મક્કમ હતો. હું લગ્ન કરીશ તો એ છોકરી સાથે જેને હું બાળપણમાં જ પોતાનાં દિલમાં જગ્યા આપી ચુક્યો છું. આ મારો પહેલો અને છેલ્લો નિર્ણય હતો. મુંબઈમાં ઘણી છોકરીઓ મારી પાછળ પાગલ હતી અને આજે પણ છે. પણ મેં ક્યારેય કોઈને ભાવ નાં આપ્યો. પણ જ્યારે અહીં આવીને રાહી સાથે મુલાકાત થઈ. એ પછી બધું બદલવા લાગ્યું. હું કંઈ સમજી શકું. એ પહેલાં જ હું તેને પસંદ કરવાં લાગ્યો. પણ આજે જ્યારે વિચારું છું. તો લાગે છે હું એ છોકરીને દગો આપી રહ્યો છું. જેને હું બાળપણથી પ્રેમ કરતો આવ્યો છું." શિવાંશ એક શ્વાસે બધું બોલી ગયો. તે કેટલો પરેશાન હતો. તેને કેટલી તકલીફ થઈ રહી હતી. એ તેની વાતોમાં જ નજર આવતું હતું.
તન્વી તો આ બધું પહેલેથી જાણતી હતી. તો તેને કંઈ ખાસ નવું નાં લાગ્યું. પણ દરવાજે ઉભેલી રાહીએ જ્યારે આ બધું સાંભળ્યું. ત્યારે તેને બધું બહું અજીબ લાગ્યું. શિવાંશ પ્રત્યે તેનાં દિલમાં પણ લાગણીઓ જન્મી હતી. પણ જ્યારે શિવા‍ંશ કોઈ બીજી છોકરીને બાળપણથી પસંદ કરે છે. એ વાતની જાણ રાહીને થઈ. ત્યારે તેને શિવની યાદ આવી ગઈ. પોતે પણ તેને જ શોધવાં અહીં આવી હતી. એ યાદ આવી ગયું. તેને નક્કી કંઈક ક્યાંક ખોટું થઈ રહ્યું હોય. એવું લાગવા લાગ્યું.
રાહીએ શિવાંશ તેનાં રૂમમાં આવ્યો ત્યારે તેની સાથે વાત પણ નાં કરી. રાતે પણ અજીબ વર્તન કર્યું. રાહી એ બધાંની માફી માંગવા શિવાંશ પાસે આવી હતી. પણ બધી વાત સાંભળ્યાં પછી તે કંઈ પણ કહ્યાં વગર દરવાજેથી જ જતી રહી.

"ભાઈ, હું તમારી તકલીફ સમજી શકું છું. પણ તમે જે છોકરીને શોધો છો. તેને શોધવી એટલી સરળ નથી. એ કદાચ તમને મળી પણ ગઈ. તો એ તમને પ્રેમ કરતી હશે. તમારી સાથે લગ્ન કરશે. એ જરૂરી નથી. તો મારું કહેવું છે. તમે રાહીને તમારાં દિલની વાત કહી દો. જો એ હાં પાડે તો મને તો રાહી પહેલાં દિવસથી જ પસંદ છે." તન્વીએ પોતાનાં મનની વાત રાખતાં કહ્યું.
તન્વીને પણ રાહી પસંદ હતી. એ વાત જાણીને શિવાંશને ખુશી થઈ. તન્વીએ હંમેશાં શિવાંશનો સાથ આપ્યો હતો. આ વખતે પણ તે તેની સાથે હતી. પણ શિવાંશ અત્યારે એવી દુવિધાઓ વચ્ચે ઘેરાયેલો હતો. જેમાં તેને શું નિર્ણય લેવો. એ પોતે જ સમજી શકતો ન હતો. આવાં સમયે તન્વીને પણ શિવાંશને થોડીવાર એકલાં રહેવા દેવું જ યોગ્ય લાગતાં એ બહાર જતી રહી.
તન્વી નીચે હોલમાં ગઈ. ત્યારે બધાં ત્યાં મોજુદ હતાં. પણ રાહી ક્યાંય દેખાતી ન હતી. તે તેનાં કોમ્પિટિશનની તૈયારી કરતી હશે. એમ સમજીને તન્વીએ તેને ડિસ્ટર્બ નાં કરવી જ યોગ્ય સમજ્યું. આજે રવિવાર હતો. તો રાજુભાઈ પણ ઘરે હતાં. એક મોટી મુસીબત પછી બધાં આજે ખુશ હતાં. રાતનાં ડીનરમા અભિનવ અને અંકિતા પણ આવવાનાં હતાં. તો દામિનીબેન એ બંનેને ભાવતી વાનગીઓ બનાવવાની તૈયારીમાં લાગ્યાં હતાં. તન્વી પણ તેમની મદદ કરવાં લાગી. બંનેએ સાથે મળીને જ બપોરનું જમવાનું પણ બનાવી લીધું.

બપોર થતાં જ શિવાંશ નીચે આવ્યો. રાહી ક્યાંય નજર નાં આવતાં તે તેને આમતેમ નજર ફેરવીને શોધવાં લાગ્યો. બપોરનાં જમવાનો સમય થવા છતાં રાહી નીચે આવી ન હતી. એ વાતથી તો તન્વી પણ હેરાન હતી.
"રાધિકા, રાહીને જમવા માટે બોલાવી લાવ. સવારની એ કામમાં વ્યસ્ત છે. જમીને થોડીવાર આરામ કરી લેશે. તો તેને પણ સારું લાગશે." દામિનીબેને કહ્યું. તો રાધિકા રાહીને બોલાવવા તેનાં રૂમ તરફ જવા લાગી.
રાધિકા પાંચ જ મિનિટમાં નીચે આવી ગઈ. પણ રાહી સાથે ન હતી આવી. એ જોઈને શિવાંશ ઉદાસ થઈ ગયો. તન્વી બધું નોટિસ કરી રહી હતી. પણ શિવાંશ જ્યાં સુધી કંઈ નાં કહે. ત્યાં સુધી એ પણ લાચાર હતી.
"દીદુ કોમ્પિટિશનના ઓર્ગેનાઈઝર સાથે વાત કરી રહ્યાં છે. તો એ પછી જમી લેશે એમ કહીને આપણને જમી લેવા કહ્યું છે." રાધિકાએ કહ્યું અને એ શ્યામ પાસે રહેલી ચેર પર બેસી ગઈ.
શ્યામ અને રાધિકા વચ્ચે હવે ઓછી લડાઈ થતી. રાધિકાની આંખ પર બાંધેલી પટ્ટી જ્યારે શ્યામે ખોલી અને રાધિકા તેને ગળે વળગી ગઈ. ત્યારે તેને શ્યામનાં સ્પર્શ અને તેનાં ચહેરાં પર પોતાનાં પ્રત્યે ચિંતા દેખાઈ હતી. બસ એ કારણથી જ હવે રાધિકા શ્યામ સાથે લડાઈ નાં કરીને તેને સમજવાની કોશિશ કરી રહી હતી.

શિવાંશ જમીને તેનાં રૂમમાં ગયો. રૂમમાં જતી વખતે તેણે રાહીના રૂમ તરફ નજર કરી. તેનાં રૂમનો દરવાજો બંધ હતો. એ જોઈને શિવાંશ ઉદાસ ચહેરે પોતાનાં રૂમ તરફ આગળ વધી ગયો.
રાહી કોમ્પિટિશન ઓર્ગેનાઈઝર સાથે વાત કરીને પણ જમવા માટે નાં ગઈ. તે મોડાં સુધી પોતાનાં રૂમમાં એકલી જ બેસી રહી. અહીં તે શું કરવાં આવી હતી અને શું થઈ રહ્યું હતું. એ વિચારીને રાહી ખૂબ જ પરેશાન હતી. જેને શોધવાં આવી હતી. એ તો મળી રહ્યો ન હતો. એવામાં શિવાંશની વાત સાંભળીને રાહી એક અજીબ ઉલજનમા ફસાઈ ગઈ હતી.
"રુહુ, દરવાજો ખોલ." અચાનક જ દરવાજા બહારથી અવાજ સંભળાયો. રાહીએ તરત જ દરવાજો ખોલ્યો. સામે અંકિતા ઉભી હતી.
"તો કાલની બધી તૈયારી થઈ ગઈ??" અંકિતાએ અચાનક જ રૂમમાં આવીને પૂછ્યું.
રાહી ચુપચાપ દરવાજે ઉભી હતી. તે પોતાનાં જ વિચારોમાં ખોવાયેલી એક અલગ જ દુનિયામાં પહોંચી ગઈ હતી. જ્યાં તેને પોતાનાં સપનાં સિવાય કંઈ નજર આવતું ન હતું. રાહીને ચુપ જોઈને અંકિતા તેની પાસે ગઈ.
"શું થયું?? કોઈ પ્રોબ્લેમ છે??" અંકિતાએ તેનાં ખંભે હાથ મૂકીને પૂછ્યું.
"એક સવાલ મુંઝવી રહ્યો છે. પણ જવાબ જાણવાં શું કરું? કંઈ સમજાતું નથી." રાહીએ કંઈક વિચારતાં કહ્યું.
"પહેલાં સવાલ તો જણાવ. તો કંઈક કરી શકાય." અંકિતાએ રાહીને સમજાવતાં કહ્યું.
રાહી ફરી ચૂપ થઈ ગઈ. તો અંકિતાએ તેનાં બંને હાથ પકડીને તેને બેડ પર બેસાડી. પછી પોતે પણ તેની પાસે બેસી ગઈ અને કહ્યું, "હવે બોલ. હકીકતમાં છે શું??"

"શિવાંશને તું કેટલો ઓળખે છે?? એ બાળપણમાં કોઈ છોકરીને પ્રેમ કરતો અને હાલ પણ એ છોકરીને શોધી રહ્યો હોય. એવું કંઈ તું જાણે છે??" રાહીએ સીધો જ સવાલ પૂછ્યો.
"હાં, આવું કંઈક સાંભળ્યું તો છે. એક વખત તેનાં પપ્પાએ મારાં પપ્પા આગળ આવી કંઈક વાત તો કરી હતી. પપ્પાએ મને શિવાંશને સમજાવવા પણ કહ્યું હતું. પણ મને મારાં લગ્નનાં લીધે સમય જ નાં મળ્યો. પણ તું આવું કેમ પૂછે છે?? શું તું શિવાંશને..." અંકિતા આગળ કંઈ બોલે એ પહેલાં જ રાહીએ કહ્યું, "મારે આ અંગે બધી જાણકારી જોઈએ છે. પ્લીઝ તું તન્વીને આ અંગે પૂછ. એ છોકરી કોણ છે?? એ મારે જાણવું છે."
"પણ તારે આ બધું શાં માટે જાણવું છે?? તું અહીં શિવને શોધવાં આવી છે. એ કાંઈ થયું કે નહીં?? શિવને મૂકીને હવે શું તું એ છોકરીને શોધવાં માંગે છે. જેને શિવાંશ પ્રેમ કરે છે." અંકિતા હેરાન સ્વરે બધું એક સાથે જ બોલી ગઈ. ત્યાં સુધીમાં તો તેનો શ્વાસ ફુલવા લાગ્યો. રાહીએ ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ અંકિતાને આપ્યો.
"નથી પીવું મારે પાણી... તું મને મારાં સવાલનાં જવાબ આપ. યાર ક્યારેક તો તું અને શિવાંશ તમે બંને મને એકસમાન જ લાગો છો. એ બેવકૂફ જે છોકરીને બાળપણમાં જોઈ હતી. તેને શોધે છે. અને તું સપનામાં આવતાં કોઈ છોકરાને શોધે છે. જેનો દૂર દૂર સુધી કોઈ અર્થ જ નથી‌." અંકિતા થોડો ગુસ્સો કરતાં બોલી.
આમ તો અંકિતાનો ગુસ્સો વ્યાજબી હતો. શિવાંશ અને રાહીના વિચારો બધાં લોકો કરતાં અલગ હતાં. બંને એક કાલ્પનિક દુનિયામાં જીવતાં હતાં. બંને પાસે કરવાં માટે ઘણું હતું. એક ટોપ બિઝનેસમેન તો એક ફેમશ ફેશન ડિઝાઈનર હતી. છતાં બંને કોઈ અલગ જ દુનિયામાં જીવવા માંગતા હતાં. જે દુનિયાને લોકો સમજી નાં શકતાં. અને આજનાં સમયમાં અમુક લોકોની વાતો અન્ય લોકો નાં સમજી શકે. એટલે એ એવાં લોકોને પાગલ જ સમજે છે. રાહી અને શિવાંશની વાતો કોઈ સાંભળી લે. તો તેને પણ બધાં પાગલ જ કહેતાં. એટલે એ પોતાની વાતો કોઈ અંગત સિવાય બીજાંને જણાવતાં પણ નહીં. શિવાંશની વાતો તેનો પરિવાર અને તેનો એક ખાસ મિત્ર જ જાણતો હતો. જ્યારે રાહીના સપનાં વિશે તેનો પરિવાર, રચના અને અંકિતા જ જાણતાં હતાં. એ સિવાય રાધિકાની એક મિત્ર રશ્મિ આ અંગે જાણતી હતી.

"હવે તું કંઈ બોલીશ?? આજ આ વાતનો ફેંસલો કરી જ દે. તારે શું કરવું છે??" અંકિતાએ ફરી ગુસ્સે થતાં પૂછ્યું.
"તું તન્વી સાથે વાત કરીને શિવાંશ કંઈ છોકરીને શોધે છે. એ વિશે મને જણાવ. બાકી બધું હું સંભાળી લઈશ." રાહીએ એકદમ નિરાંતે કહ્યું.
"હું તન્વીને અહીં જ બોલાવું છું. તું જ તેની સાથે વાત કરી લે. મારે તારાં આ ફાલતું સપનાં પાછળ નથી પડવું. જેનું કોઈ ભવિષ્ય જ નથી." અંકિતાએ ગુસ્સે થઈને મોબાઈલમાં એક મેસેજ ટાઈપ કરીને તન્વીના નંબર પર સેન્ડ કરી દીધો.
હોલમાં બધાં સાથે બેઠેલી તન્વીને અંકિતાનો મેસેજ જોઈને હેરાની થઈ. અંકિતા ઘરમાં હોવાં છતાં તેને મેસેજ કરીને રાહીનાં રૂમમાં બોલાવતી હતી. એ જાણ થતાં જ તન્વી તરત જ રાહીનાં રૂમમાં પહોંચી ગઈ.
"તમે મને મેસેજ કરીને અહીં કેમ બોલાવી??" તન્વીએ રાહીનાં રૂમમાં આવીને તરત જ પૂછ્યું.
"રાહી તારી સાથે કોઈ વાત કરવાં માંગે છે. તું તેની સાથે વાત કરી લે. પછી હું કંઈ બોલું." અંકિતાએ એ જ ગુસ્સા સાથે કહ્યું.
"કેવી વાત??" તન્વીએ રાહી સામે જોઈને પૂછયું.
"શિવાંશ બાળપણથી એક છોકરીને પ્રેમ કરે છે. એ હાલ પણ તેને શોધે છે. એ છોકરી કોણ છે??" રાહીએ વાતને ઘુમાવવાને બદલે સીધું જ પૂછ્યું.
રાહીનાં મોંઢે એ બધી વાત સાંભળીને તન્વીને એક ઝટકો લાગ્યો. જે વાત કોઈને ખબર ન હતી. એ રાહીને કેવી રીતે ખબર પડી?? એ સવાલ તન્વીને પરેશાન કરવાં લાગ્યો. જો શિવાંશને આ વિશે ખબર પડી. તો એ પોતાની જ ક્લાસ લગાવી દેશે. એમ વિચારતી તન્વી એકીટશે અંકિતા સામે જોઈ રહી.
"મેં તેને કંઈ નથી કહ્યું. તો મારી સામે આમ નાં જો. તારાં ભાઈનાં કારનામાં જ એટલાં પ્રખ્યાત છે કે બધાંને હવે તેની જાણ થવા લાગી છે." અંકિતાએ પરેશાની ભર્યા અવાજે કહ્યું.
"મેં સવારે તારી અને શિવાંશની બધી વાતો સાંભળી લીધી હતી. મારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે શિવાંશ જે છોકરીને શોધે છે. એ કોણ છે?? કેવી દેખાય છે?? તારી પાસે તેનો કોઈ ફોટો હોય. તો પ્લીઝ મને બતાવ." રાહીએ વિનંતી કરતાં કહ્યું.
"આ વાતને પંદર વર્ષ પસાર થઈ ગયાં. ભાઈ એ છોકરીને પંદર વર્ષ પહેલાં અમદાવાદમાં મળ્યાં હતાં. એ છોકરીનું નામ પણ ભાઈને ખબર નથી. એ દિવસે મારાં પપ્પા અને મારાં નાની વચ્ચે બહું મોટી લડાઈ થઈ ગઈ હતી. તો પછી અમારે ફરી ક્યારેય અમદાવાદ આવવાનું જ નાં થયું. પણ ભાઈ એ છોકરીને ભૂલી નાં શક્યાં. બસ આટલી જ એ બંનેની કહાની છે. ઉંમર વધતાં ભાઈ બંધુ ભૂલી જશે. એવું બધાંને લાગતું પણ બધું બિલકુલ ઉલટું થયું. ઉંમરની સાથે ભાઈની લાગણીઓ વધું પરિપક્વ થતી ગઈ." કહેતાં તન્વીએ તેની વાત પૂરી કરી.
"તો શિવાંશ પાસે તેનો કોઈ ફોટો પણ નથી." રાહીએ હતાશ ચહેરે કહ્યું.
"નામ પણ ખબર નથી. તો ફોટો ક્યાંથી હોવાનો. હવે આ વાત અહીં જ ખતમ કર અને કાલની તૈયારી કર. હાલ આ બધાં કરતાં એ જરૂરી છે." અંકિતાએ થોડી સખ્તાઈ બતાવતાં કહ્યું.
અંકિતા ઉભી થઈને દરવાજા તરફ આગળ વધી ગઈ. તન્વી રાહીનો ઉદાસ ચહેરો નાં જોઈ શકી. પણ તેનાં હાથમાં કંઈ ન હતું. રાહી આ બધું શાં માટે પૂછતી હતી. એ પણ તન્વી જાણતી ન હતી. તન્વી પણ અંકિતાની પાછળ દરવાજા તરફ આગળ વધી ગઈ. ત્યાં જ અચાનક તેને કંઈક યાદ આવતાં તેણે રાહી તરફ ફરીને કહ્યું, "ભાઈએ બસ એક વર્ષ પહેલાં જ એ છોકરીની એક પેઇન્ટિંગ બનાવી હતી. જે ભાઈએ આજ સુધી સાચવીને રાખી છે. પણ..." તન્વી અચાનક જ કહેતાં કહેતાં અટકી ગઈ. તેનો ચહેરો ફીકો પડી ગયો.
"પણ શું??" રાહીએ અચાનક જ તન્વી તરફ આગળ વધીને પૂછ્યું.
"એ પેઇન્ટિંગ તો મુંબઈમાં અમારાં ઘરે પડી છે." તન્વીએ મોં લટકાવીને કહ્યું.
રાહીને જેવું કોઈ ઉમ્મીદનું કિરણ દેખાતું. એવું જ એ તૂટી પણ જતું હતું. છતાંય એ હિંમત કરીને ફરી આગળ વધવાની કોશિશ કરતી હતી.
"તું ત્યાં કોઈને કહીને તેનો ફોટો મંગાવી લે. પ્લીઝ.. મારાં માટે આ જાણવું બહું જરૂરી છે." રાહીએ હાથ જોડતાં કહ્યું.
"યાર, આમ હાથ નાં જોડ. હું ટ્રાય કરું છું. જો ભાઈએ એ પેઇન્ટિંગ તેનાં વોર્ડરોબમાં મૂકીને લોક નાં કરી દીધી હોય. તો કાલ સાંજ સુધીમાં હું મમ્મીને કહીને તેનો ફોટો મંગાવી લઈશ. આજે તો મમ્મી-પપ્પા મુંબઈથી બહાર ગયાં છે. કાલે સાંજે ઘરે પહોંચે. ત્યારે તમારું કામ થઈ શકે." તન્વીએ ફરી એકવાર રાહીને એક ઉમ્મીદનું કિરણ બતાવતાં કહ્યું.
"જ્યાં આટલી રાહ જોઈ. ત્યાં એક દિવસ વધારે જોઈ લઈશ." રાહી મનોમન વિચારવા લાગી.

રાહીનું આવું વર્તન હજું સુધી અંકિતાની સમજમાં આવતું ન હતું. એ ચૂપચાપ તન્વી સાથે નીચે જતી રહી. રાહી પણ થોડીવાર પછી નીચે ગઈ. દામિનીબેન, તન્વી અને અંકિતા રસોઈ બનાવતાં હતાં. બાકી બધાં હોલમાં બેઠાં હતાં. રાધિકા મોબાઈલ મચેડી રહી હતી. પણ શિવાંશ ક્યાંય દેખાતો ન હતો.
"હમ યહાં બૈઠે હૈ. ઔર આપ કિસે ઢૂંઢ રહી હૈ??" રાહી શિવાંશને શોધવાં લાગી. ત્યાં જ અભિનવે કહ્યું.
"વો કબ ક્યાં ઢૂંઢે કિસી કો કુછ સમજ નહીં આતા. ઉસકે ચક્કર મેં મત પડો. વરના ખુદ તો પાગલ હો જાઓગે સાથ સાથ મુજે ભી કર દોગે." અંકિતાએ કિચનમાંથી કટાક્ષ કરતાં કહ્યું. ત્યાં જ શિવાંશ તેનાં રૂમમાંથી આવ્યો.
"યે લો એક કમ થી. જો યે દુસરા ઈસકે જૈસા આ ગયાં." અંકિતા શિવાંશને જોઈને ધીરેથી બોલી.
"કૌન કિસ કે જૈસા??" અંકિતાના ધીમે બોલવાં છતાંય રાધિકા સાંભળી ગઈ. તો તેણે તરત જ પૂછ્યું.
"તેરી બહેન જૈસા યે મેરા કમીના દોસ્ત." અંકિતાએ શિવાંશ સામે ઈશારો કરતાં કહ્યું. તો રાધિકા હસવા લાગી. તેનાં મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. જે અંકિતા નાં સમજી શકી. તો એ પોતાનું કામ કરવાં લાગી.
ડીનર તૈયાર થતાં જ બધાં જમવા બેઠાં. દામિનીબેને બધાંને જમવાનું પરોસ્યુ. બધાં જમવા લાગ્યાં. પણ શિવાંશના જમણાં હાથમાં પાટો હોવાથી તે ડાબા હાથે જ જમવાની કોશિશ કરવાં લાગ્યો. રોજ તન્વી જ તેને જમાડતી. પણ આજે એ અંદર પૂરી તળી રહી હતી. તો શિવાંશે હાથે જ ખાવાની કોશિશ કરી. પણ જમણાં હાથે જ જમવા ટેવાયેલો શિવાંશ જેવો ડાબા હાથે પૂરી તોડવાની કોશિશ કરવા લાગ્યો. હાથ શાકના વાટકા સાથે અથડાયો અને એમાંનું થોડું શાક તેનાં હાથ પર ઢોળાઈ ગયું. શાક ગરમ હોવાથી તેનાં મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ. રાહી તરત જ ટિસ્યુ પેપર લઈને તેનો હાથ સાફ કરવાં લાગી. ડાઇનિંગ ટેબલ પર મોજુદ બધાં લોકો તે બંનેને જ જોઈ રહ્યાં હતાં. જ્યારે શિવાંશ રાહીનાં ગાલ પાસે ઝુલતી લટમાં ઉલજતો જ જતો હતો.

"હવાયે રૂખ બદલ રહી હૈ. લગતાં હૈ બહુત કુછ બદલ રહા હૈ." અચાનક જ અભિનવ બોલ્યો. તો બધાં તેની સામે જોવાં લાગ્યાં. દામિનીબેન અને રાજુભાઈ પણ ત્યાં જ હતાં. એવો આભાસ થતાં જ અભિનવે તરત જ વાત બદલતાં કહ્યું, "બહાર બહુત હવા ચલ રહી હૈં. તો અગર કુછ બહાર હો તો અંદર લે લેના. ઐસા કહ રહા થા."
"કુછ મત કહો. બસ ચુપ હી રહો." અચાનક જ અભિનવની બાજુમાં બેઠેલી અંકિતાએ ધીરેથી કહ્યું.
અભિનવની વાત સાંભળીને રાહીને થોડું અજીબ લાગ્યું. તો રાહી ફરી તેની ચેર પર બેસી ગઈ. શિવાંશ ફરી પૂરી તોડવાની કોશિશ કરવાં લાગ્યો. તો રાહી ત્રાંસી નજરે જોવાં લાગી.
"અબ ખિલા ભી દો. વરના વો ગિરાતા રહેગા ફિર તુમ સાફ કરતી રહોગી. ઐસે તો નાં હમ ખા પાયેગે. નાં તુમ દોનોં." ફરી અભિનવે કહ્યું. તો બધાં રાહી સામે જોવાં લાગ્યાં. અભિનવ આજે રાહીને બરાબરની હેરાન કરવાનાં મૂડમાં હતો. રાહી બેઠી પણ શિવાંશની પાસે જ હતી. અંકિતા, રાધિકા, શ્યામ અને અભિનવ સામેની તરફ હતાં. તન્વી અને દામિનીબેન કિચનમાં હતાં. તો રાજુભાઈ ઘરનાં મુખિયા બેસે એ ચેર પર બેઠાં હતાં. રાહી અને શિવાંશ બંને રાજુભાઈ પાસેની બે ચેર મૂકીને અંકિતા અને અભિનવની સામે બેઠાં હતાં.
શિવાંશ અને રાહીને છોડીને બધાં જમવા લાગ્યાં. રાહી હજું પણ અસમંજસમાં હતી કે શિવાંશને પોતાનાં હાથે ખવડાવે કે નહીં. શિવાંશ ક્યારેક જમવાની પ્લેટ સામે તો ક્યારેક કિચનમાં જોઈ રહ્યો હતો. તન્વી જાણી જોઈને શિવાંશ સામે જોઈ રહી ન હતી. રાજુભાઈ પણ નીચી નજર કરીને જમી રહ્યાં હતાં. રાધિકા રાહીનો પરેશાન ચહેરો જોઈને મનોમન ખુશ થતી હતી. તો શ્યામ રાધિકાને જોતાં જોતાં જમી રહ્યો હતો. અભિનવ અને અંકિતા પણ પોતાનામાં વ્યસ્ત હતાં. બધાંને વ્યસ્ત જોઈને રાહીએ આખરે પૂરીનું એક બટકું તોડીને તેમાં શાક લઈને શિવાંશ તરફ લંબાવી દીધું.
શિવાંશે એક નજર રાહી તરફ કરી. રાહી નજર નીચી રાખીને બેઠી હતી. શિવાંશે તેનાં હાથમાં રહેલ કોળિયો પોતાના મોઢામાં લઈ લીધો. પછી રાહી એક એક બટકું તોડીને શિવાંશને જમાડવા લાગી.

"ભાઈ, જૂનું બધું ભૂલી જાવ. રાહી સારી છોકરી છે. તમારી ચિંતા પણ કરે છે. તેને અપનાવી લો." કિચનમાં પૂરી તળી રહેલી તન્વી રાહી અને શિવાંશને જોઈને મનોમન બોલી ઉઠી.
"રુહુ, કદાચ તારી કિસ્મતમાં શિવ નહીં શિવાંશ જ છે. હવે શિવને ભૂલીને આગળ વધી જા. જે જગ્યાએ જવાનો રસ્તો જ નથી. એવી જગ્યાએ જવાં કરતાં જે વ્યક્તિ સામે ચાલીને તમારી પાસે આવે તેને અપનાવી લેવી જોઈએ." અંકિતા પણ મનોમન પોતાનાં વિચારો રજુ કરી રહી.
"તુમ દોનોં એકદુસરે કે લિયે હી બને હો. મેરી આંખે કભી ધોખા નહીં ખા સકતી. મૈંને અપની આંખો સે તુમ દોનોં કી આંખો મેં એક દુસરે કે લિયે પ્યાર દેખા હૈ." અભિનવ મનોમન કહી રહ્યો.
"આ બંને વચ્ચે કંઈક તો ચાલી રહ્યું છે." શ્યામ પણ મનોમન વિચારવા લાગ્યો.
"દીદુ, શિવાંશ ઈઝ ધ બેસ્ટ ફોર યૂ્. તમે બંને મેડ ફોર ઇચ અધર કપલ બનશો. પ્લીઝ તમારાં દિલની વાતને સાંભળી લો." રાધિકા પણ મનોમન કહેવા લાગી.
"શિવાંશ બેટા, ક્યાં સુધી તારાં પરિવારને હેરાન કરીશ. કોઈ સારી છોકરી જોઈને લગ્ન કરી લે. હું તો કહું છું. રાહી તારાં માટે પરફેક્ટ છે." રાજુભાઈએ પણ મનોમન જ રાહીને શિવાંશ માટે પરફેક્ટ ઠેરવી દીધી.
"એક વખત મને આવીને કહી દો કે તમે બંને એકબીજાને પસંદ કરો છો. હું તમારાં બંનેનાં લગ્ન કરાવીશ." અંતે દામિનીબેને તો વાતને મંડપ સુધી પહોંચાડી દીધી.
એક જ ઘરમાં મોજુદ અલગ અલગ વિચારો અને વ્યક્તિત્વ ધરાવતી સાત વ્યક્તિઓ રાહી અને શિવાંશ આ બે વ્યક્તિ માટે જ વિચારી રહ્યાં હતાં. બધાંને એ બંને એકબીજા માટે જીવનસાથીનાં રૂપમાં યોગ્ય લાગતાં હતાં. ક્યાંક દિલનાં એક ખૂણામાં એ બંને પણ એકબીજા પ્રત્યે એવી જ લાગણી અનુભવી રહ્યાં હતાં. પણ એક પોતાનાં સપનાં પાછળ ઝઝૂમી રહી હતી. તો એક પોતાનાં બાળપણના પ્રેમને શોધવામાં લાગ્યો હતો.

ડીનર કરીને બધાં હોલમાં બેઠાં. અભિનવ તો શિવાંશ અને રાહી સામે જ જોઈ રહ્યો હતો. જ્યારે શિવાંશ સાથે અભિનવની નજર મળી. તો એ આજુબાજુ જોવાં લાગ્યો. શિવાંશને આજે બધાંનો સ્વભાવ કંઈક અલગ જ લાગી રહ્યો હતો. તે જાણતો ન હતો કે બધાં તેની અને રાહી વિશે શું વિચારતાં હતાં.
"ચાલો હવે અમે નીકળીએ. કાલ રાતે કબીર નગરનાં હોલમાં મળીએ. જ્યાં રાહીનું કોમ્પિટિશન છે." અંકિતાએ ઉભાં થઈને કહ્યું.
રાતનાં નવ વાગતાં જ અભિનવ અને અંકિતા ઘરે જવા નીકળી ગયાં. તન્વી શિવાંશને તેનાં રૂમ સુધી લઈ ગઈ. રાહીએ તેને જે વાત કરી. એ વાત તન્વીએ શિવાંશને નાં જણાવી. કારણ કે રાહીનાં મનમાં શું ચાલતું હતું. એ વાત તન્વી હજું સુધી જાણતી ન હતી.
રાહી પણ પોતાનાં રૂમમાં જતી રહી. તો રાધિકા પણ ઉભી થઈને જવાં લાગી. ત્યારે જ શ્યામ અચાનક જ તેની સામે જઈને ઉભો રહી ગયો. રાહી બંને હાથ કમર પર રાખીને નેણ ઉંચા કરીને 'શું છે?' એમ પૂછવા લાગી.
"તારી બહેન અને શિવાંશનું શું ચક્કર ચાલે છે??" શ્યામે નેણ નચાવતાં પૂછ્યું.
"એ તારે જાણવાની જરૂર નથી. પણ હાં તેમની વચ્ચે કંઈક ચાલતું હશે. તો એમાં તારો જ ફાયદો છે." રાધિકાએ કહ્યું અને હસીને જતી રહી. પણ શ્યામ રાહી અને શિવાંશનું ચક્કર ચાલતું હોય. એમાં તેનો શું ફાયદો? એ વિચારતો રહી ગયો. પણ તેની સમજમાં કંઈ નાં આવ્યું. રાધિકા ઉપર સીડીઓ પાસે ઉભી શ્યામને વિચારતો જોઈને હસતી હતી.
"તું એકદમ પાગલ છે. છોકરીનો સીધો ઈશારો પણ સમજી નથી શકતો." રાધિકા મનોમન જ બોલીને બ્લશ કરતી પોતાનાં રૂમમાં જતી રહી.



(ક્રમશઃ)



_સુજલ બી.પટેલ